‘બંદિની’થી ‘સ્વીકૃતિ’ ને ‘બંદીગૃહ’ થઈ ‘વૃંદાવન વાટ જાતાં …’
બ્રિટનના પ્રખ્યાત રાષ્ટૃીય દૈનિક “ધ ગાર્ડિયન”ની 22 માર્ચ 2016ની આવૃત્તિમાં, ઉત્તર ભારતનાં કેટલાંક મંદિરોમાં હોળીની ઉજવણી ટાંકણે આનંદપૂર્વક ભાગ લેતી વિધવાઓની રોમાંચક છબિઓ પ્રગટ થઈ છે. કૃષ્ણમય બનીને નાચતી, કૂદતી અને રંગે રંગાતી તેમ જ રંગે રંગતી આ વિધવા બાઈઓની આલ્હાદક છબિ લેનારા છબિકારો – હરીશ ત્યાગી, ઝૂમા વીર, મનીષ સ્વરૂપ, અનિન્દીતો − કમાલનું કામ લઈને આવ્યા છે.
આ થઈ અબીહાલની વાત.
આવી આવી વિધવા બહેનોનાં અલાયદા પરંતુ વાસ્તવદર્શી છ શબ્દચિત્રો આપતી મુંબઈસ્થિત લેખિકા પ્રીતિ કોઠીની ‘વૃંદાવન વાટ જાતાં …’ ચોપડીએ ખૂબ જકડી રાખેલો. નીનુ મઝમુદાર શા કવિ – સંગીતકારની કસાયેલી કલમે ઊતરેલું ગીત, ‘વૃંદાવન વાટ સખી, જાતાં ડર લાગે, …’ લઈને પ્રીતિબહેન વાતોની સુપેરે માંડણી કરે છે.
લેખિકા લખે છે : “‘વૃંદાવન વાટ જાતાં …’ અનાયાસ જ નથી લખાઈ. એનું બીજ તો ઘણા સમયથી મનમાં પડી ચૂકેલું, પણ કદાચ, મારા મનની માટી જ એને પ્રસ્ફુિટત કરવા જેટલી ફળદ્રુપ નહોતી બની.” પ્રીતિબહેન, એક પ્રસંગ ટાંકે છે : વર્ષો અગાઉ મથુરા-વૃંદાવન-ગિરિરાજજી જતાં એક નાની હાટડીએ બનેલો કિસ્સો મનમાં કુતૂહલ જગાડી ગયો. … ડિસેમ્બર મહિનો, કકડતી ઠંડી. … ઠંડી ઉડાડવાં અમે એક ચાની દુકાને રોકાયાં. એવામાં જ લગભગ સાઠ-પાંસઠની આસપાસની બે વૃદ્ધાઓ પણ ત્યાં આવી ઊભી રહી. …
વાતચીત આગળ ચાલે છે અને ચાવાળાને પૂછીને લેખિકા જાણે છે : ‘અરે ! આ બધી તો બંગાળ-બિહાર તરફથી આવેલી વિધવા સ્ત્રીઓ છે. આમને અહીં ‘મા’ કહે છે. ‘વૃંદાવનની વિધવા’ પણ કહે છે. … ’ આ બધી વાતોમાંથી પ્રીતિબહેન, છેવટે, ક્ષેત્ર પર જઈ, ખુદ, આ ‘મા’ને મળવા કૃતનિશ્ચયી બને છે. ‘આમારા-બાડી’ આશ્રમ તેમ જ ચોપાસની અનેક મુલાકાતોને અંતે જે વિગતો, માહિતીઓ મેળવે છે તેમાંથી આપણને આ શબ્દચિત્રો સાંપડે છે. વાતોમાં મૂળ પાત્રોનાં નામ, એમનાં સ્થળની વિગતો ફેરવાઈ છે; ઘટના નહીં.
લેખિકા તારવે છે : ‘શ્રીકૃષ્ણની લીલાઓની સાહેદી પૂરતાં સ્થળોને આશરે આ વૃંદાવનમાં વસતી ‘મા’એ પોતાનો મોક્ષ અહીંથી મેળવ્યો છે એથી હવે બીજાં દુન્યવી આકર્ષણોથી પર થઈ એ પોતાનાં અંતની અંતહીન સમય સુધી રાહ જોવા તૈયાર છે. માનવામાં અઘરું છે, પણ આમાંની અમુક વિધવાઓએ તો પોતાના મૃત્યુ પશ્ચાત્ થતી ઉત્તરક્રિયા માટે પૈસાની અલગ જોગવાઈ પણ કરી રાખી હોય છે !’
દીપા મહેતાની ‘વૉટર’ તેમ જ ‘ધ ફરગૉટન વુમન’ ફિલ્મ પણ આ તાકડે સાંભરી આવે છે.
ખેર ! આપણાં અગ્રગણ્ય સાહિત્યકાર વર્ષા અડાલજા લખે છે તેમ, ‘જેલની ઊંચી, નિર્મમ પથ્થરોની બનેલી દીવાલોએ મનુષ્ય જીવનનાં કેવાં કેવાં રહસ્યોને ગોપિત રાખ્યાં છે ! યાતના, પીડા, ગૂંગળાવી નાંખતી એકલતા, જિંદગીનાં અમૂલ્ય વર્ષોને નિરર્થક વહી જતાં જોઈ રહેવાની લાચારી, સ્વજનોનો વિજોગ અને ભાવિની ભયંકરતા કેદીને તન – મનથી એવું ભાંગી નાંખે છે કે જ્યારે કેદી બહાર નીકળે છે ત્યારે સમાજમાં ફરી ગોઠવાવું દુષ્કર બને છે. − ગુનેગાર થયેલો માનસ સમાજમાંથી અસ્પૃશ્યની જેમ ફેંકાઈ અહીં આવી ચડે છે, એનાં કપડાં સાથે નામ, ઈજ્જત બધું જ ઊતરડી લેવાય છે પછી રહે છે માત્ર નંબર.’
સન 2002ની સાલમાં પ્રગટ થયેલી ‘બંદિની’ ચોપડીમાં, લેખિકાએ ‘એ માણસ નંબર બન્યા પછીની જેલની વીતકકથા નહીં, પણ એની પાસે જ્યારે નામ હતું, ઘર હતું, સ્વજનો હતાં, ત્યારે શું બન્યું' એની કથા કહેવાનો પ્રયાસ કર્યો છે. વડોદરાની સેન્ટૃલ જેલમાં સજા ભોગવતી આવી પાંચ બંદિનીઓનાં જીવનની કથની અહીં ગુંથાઈ છે. વર્ષાબહેન કહે છે તેમ આ મુલાકાતોને આધારે લખાયેલાં આ પુસ્તકની વાત માત્ર દસ્તાવેજ બની જતાં નથી, 'એમાં કથાનો અંશ પણ ભળ્યો છે. એ કારણે આ પુસ્તક સુવાચ્ય બન્યું છે'.
પ્રીતિબહેન પ્રસ્તાવનામાં લખે છે તેમ, ‘આ આખી વાતનું બીજ છે … “ચિત્રલેખા” સામયિકમાં છપાયેલો એક લેખ : ‘ગુજરાતની એક માત્ર મહિલા જેલ’. લેખિકાને વિચાર સળવળે છે કે આ મહિલાઓને મળી, એમની વેદના સાંભળી કલમ દ્વારા વ્યક્ત કરવાનું સંભવ થાય પણ ખરું. અહીં પણ લેખિકાને જ બોલવાં દઈએ : ‘કોઈ પણ લાગણીનું સ્પંદન તો હૃદયમાં જ અનુભવાય છે. એ પછી વર્તન અને વિચારમાં પોષાઈ બહાર આવે છે. બસ, કંઈક એમ જ આ ત્રણ દિવસમાં એક અલગ વિશ્વનો અનુભવ પામી મેં જે અનુભવ્યું છે એ તમારા સૌ સાથે બાંટવાનો એક સંનિષ્ઠ પ્રયાસ છે. ખુલ્લા દિલે કરેલા એમના આ એકરાર, કદાચ, ભલે એકપક્ષી લાગે પણ આ નિખાલસ કબૂલાતને એમની નજરથી પણ જોઈ જજો !’
પ્રીતિ કોઠી આપણાં વિવિધ સર્જક માંહે નોખી પટોળાભાત પાડતાં હોય તેમ લાગે છે. આ પ્રકારનું, લખનારાં, ભલા, આપણી જમાતમાં કેટલાં ? કદાચ એકાદ આંગળીના વેઢા ય લંબાતા લાગે !
બીજી તરફ, સન 2005માં એ ‘બંદીગૃહ’ પુસ્તક લઈને આવે છે, અને તેમાં ‘સળિયા પાછળનાં મૌનને વાચા આપતી’ પાંચ વાર્તાઓ વણી લેવામાં આવી છે. આપણા એક વરિષ્ઠ વિવેચક, લેખક ને અભ્યાસુ પત્રકાર ધૈર્યબાળાબહેન વોરા લખે છે તેમ, ‘પાંચે પાંચ કથાઓમાં ઘટનાતત્ત્વ ભારોભાર છે. પણ આ ઘટના દ્વારા માનવસ્વભાવનું નિરૂપણ અને માનવ હૈયામાં ઉદ્દભવતાં ભાવોનું મનોવિશ્લેષણ વાચકના મનમાં પણ આ અપરાધીઓ પરત્વે એક સંવેદનાત્મક સહાનુભૂતિ ઊભી કરે છે. સ્ત્રીપાત્રો અને પુરુષપાત્રોનાં મનોવિશ્લેષણની હથોટી પણ લેખિકા પાસે છે.’
‘સત્ય ઘટના આધારિત’ આ પાંચ કથની ‘બંદિની’નાં અનુસંધાનમાં છે. લેખિકાની સમસંવેદી સમજણ તો જુઓ : ‘પુરુષ કેદીઓને રડતાં જોયા, પસ્તાતા જોયા, એકલા પડી ગયેલા, અકળાતા જોયા પછી એક સવાલ મનની ભીતરથી ઊઠ્યો હોય કે સ્ત્રી હોય કે પુરુષ હૃદય તો એક સમાન છે. સંવેદના તો એની એ જ છે, પોતાનાં સ્વજનોની હૂંફની ઝંખના તો સરખી જ છે. ભીતરની કુમાશ પણ એ જ છે − ’
‘દુનિયાની નજરે ખૂની ગણાતા એવા ઝનૂની અને ક્રૂર, જેનો ગુનો કાયદાની નજરે પૂરવાર થયો છે એવા અપરાધીઓની મુલાકાત લેવી એટલું જ નહીં, પરંતુ એમની પાસેથી એમની વાત જાણવી અને એમની લાગણીઓ, ભાવનાઓ સમજીને શબ્દસ્થ કરવી એ આમ પણ અઘરી વાત છે. જેલની ઊંચી ઊંચી દીવાલો પાછળ જઈને આવા પુરુષોની મુલાકાત લેવી એ પણ હિમ્મત માગી લે તેવું કામ છે અને આ કામ એક સુઘડ, સૌમ્ય અને શાંત વ્યક્તિત્વ ધરાવતી ગૃહિણી પ્રીતિબહેને કરી બતાવ્યું એ માટે તેઓ અભિનંદનને પાત્ર છે.’ આ ચોપડી બાબત ધેર્યબાળાબહેન, અને તે પહેલાં, ‘બંદિની’ માટે વર્ષાબહેને કહેલું તેમ, વાચક તરીકે મનપૂર્વક દસ્તખત કરી આપીએ તેવું આ લખાણ છે.
પ્રીતિબહેન સન 2004 વેળા, ‘સ્વીકૃતિ’ લઈને આવે છે. તેમાં તો એમની ખુદની જ છ જેટલી નવલિકાઓ છે. આપણા વરિષ્ઠ વિવેચક, લેખક, પત્રકાર દીપક મહેતા પુસ્તકને આવકારતાં લખે છે : ‘પ્રીતિબહેન … એક અપની ગતમે’ ચાલનાર લેખિકા છે. આપણે ત્યાં ક્ષેત્રકાર્ય (fieldwork) કરીને લખનારા લેખકો ઓછા, લેખિકાઓ તો તેનાથી ય ઓછી. મોટે ભાગે ‘પ્રેરણા’ પર મદાર રાખીને લખનારાં વધારે. પણ કોઈને કોઈ નાના-મોટા ગુના માટે જેલની સજા ભોગવતી સ્ત્રીઓની મુલાકાતો લઈ એમની વાતને વાચા આપતું ‘બંદિની’ જેવું પુસ્તક પ્રીતિબહેને અગાઉ આપ્યું જ છે. એ એક નોખી ભાત પાડતું આગવું પુસ્તક બની રહ્યું છે.’
તેવી તેવી વાસ્તવિક્તાઓનું કથામાં સ્વરૂપાંતર કરવાનો ‘સ્વીકૃતિ’માં પ્રયત્ન કર્યો છે. આજે એકવિધતાની ઘરેડમાં પડી ગયેલાં આપણી ભાષાનાં સાહિત્યમાં જો આવતીકાલની આશા હોય તો તે બે છે: દલિતસાહિત્ય અને લેખિકાઓ, તેમ દીપકભાઈ સ્પષ્ટ કહે છે.
આ વાર્તાઓ કોઈ સ્ત્રીએ લખી છે. આનો અર્થ, અલબત્ત, એવો નથી કે આ કથાઓ ‘પોચટ આંસુ સારતી’ છે કે ઉદ્દામવાદી નારીવાદી છે. આ લેખિકાની એક લાક્ષણિકતા એ છે કે તેઓ બે છેડાના અંતિમોથી દૂર રહી મધ્યમમાર્ગ અપનાવે છે. પણ લગભગ દરેક કથાના કેન્દ્રમાં સ્ત્રી રહેલી છે એટલું જ નહીં, અહીં કથાનો જે ઘટાટોપ રચાય છે તે એક સ્ત્રીનાં સંવેદનતંત્ર દ્વારા રચાય છે.
‘કેફિયત’ વાટે લેખિકા કહે છે તેમ, ‘આ વાર્તાઓમાંનાં પાત્રો મને મારી આસપાસમાંથી જ જડ્યાં છે. કોઈ પરિચિત ચહેરા તો કોઈ પ્રસંગ, ક્યાંક પરિચિત લાગણીઓ − આ બધાંનાં સમન્વયથી જ તો રચાઈ છે આ કૃતિ − ‘સ્વીકૃતિ’.’
લાગણીની ભીનાશ જેના તાણાવાણામાં વણાઈ છે તેવી વાર્તાસંગ્રહની પહેલી વાર્તા – સ્વીકૃતિ’ની નાયિકાનું નામ તો છે અમૃતા. પણ તેણે જીવનમાં અમૃત તત્ત્વનો સ્વાદ ભાગ્યે જ ચાખ્યો છે. સ્ત્રીને માટે કેટલા વીસે સો થાય છે, તેની સમજ આ વાર્તમાંથી ઝમ્યાં કરી છે. બીજી વાર્તા છે : ‘મસ્ત મૌસમ’. તેનું કથાનક સીધુંસાદું છે. આપણા ય ઘરમાં ને કુટુંબમાં પણ આવું થતું રહે જ છે ને ? ઇચ્છા, ઝંખના, અતુરતા જેવી મામૂલી લાગતી લાગણીઓને ટૂંપો દેવાતી અહીં આપણે ભાળીએ છીએ જ છીએ. કેતકીને કાંટા ખૂંચે છે, પણ તે ચીસ પણ પાડતી નથી … કદાચ, સ્વભાવગત પાડી પણ નથી શકતી !
બાકીની ચાર વાર્તાઓ : ‘બાજરીનો રોપો’, ‘ચોરટી’, ‘સંબંધ’ ને ‘પૂર્ણા’ પણ આપણને આસપાસ બનતી જિંદગીનું ચિત્રપટ ખડું કરી દેવાતું હોય, તેમ લાગ્યા વગર રહેતું નથી.
સન 2000માં લેખિકાએ ‘સ્વયંસિદ્ધા’ – ત્રણ લઘુનવલો આપ્યું. હિન્દી સાહિત્યની એક લેખિકા – ગૌરા પન્ત – ‘શિવાની’. તેમની ત્રણ વાર્તાને અનુદિત કરીને પ્રીતિબહેન પુસ્તકપ્રકાશનો આરંભ કરતાં હોય તેમ સ્પષ્ટ છે. તો ‘રાવી પાર અને અન્ય વાર્તાઓ’ તેમણે 2006માં આપી. આ ‘ગુલે ગુલઝાર’ વાર્તાઓ તો મૂળ ગુલઝારની લખેલી છે. તેનો અનુવાદ પ્રીતિબહેન લઈને આવ્યાં છે. અહીં એમણે 15 વાર્તાઓ સમાવી છે.
ધીરુબહેન પટેલે લખ્યું છે તેમ, ‘અનુવાદની કલા ઘણી તપશ્ચર્યા માગી લે છે. પ્રીતિ એમાં પાછી ન પડે એવી શુભેચ્છા સાથે એની મૌલિક કૃતિઓની રાહ જોઉં છું’.
પ્રીતિ કોઠીનાં સાહિત્યસંપૂટને માણવાનો આનંદ રહ્યો. આટલાં સરસ કામમાં જે ન ગમ્યું તે ચોપડીએ ચોપડીએ ઘણા બધા મુદ્રણદોષો. અસંખ્ય જોડણીની ભૂલો. આજે ચોમેર જ્યાં સાચૂકલા પ્રૂફરીડરોનો દુષ્કાળ પડેલો છે તેની આ, કમભાગ્યે, સાહેદી છે. પરંતુ આપણી વચ્ચે કમ્પ્યૂટર જેવું કુશળ સાધન છે અને હવે પ્રકાશકો ય તેનો ભરપેટ જ્યાં ઉપયોગ કરે છે, ત્યાં આવું કામ સોનાની થાળીમાં લોઢાની મેખ ફટકારે છે, તેમ લાગ્યા વિના રહેતું નથી.
પાનબીડું :
“ … સૂના મનમાં જાણે અષાઢના વરસાદનું એક ટીપું પડ્યું. વિભૂિત પોતાનું ઘર, પોતાનો પરિવાર છોડી આ નવા પરિવારમાં ભળી, પોતાનો ભૂતકાળ એ કોઈને ય નથી જણાવતી. બસ, કોઈના પ્રશ્નના જવાબમાં એટલું જ કહે છે કે, ‘ભગવાને અહીં આવવાની વાટ સૂઝાડી એથી હું અહીં આવી ગઈ છું. …”
(“વૃંદાવન વાટ જાતાં …નું એક પાત્ર)
હેરો, 30 માર્ચ 2016.
e.mail : vipoolkalyani.opinion@btinternet.com