આદ્યાક્ષરી સંક્ષેપો વિશે
પરમ સત્ય એ છે કે ભાષાના કાળજીપૂર્વકના નિરન્તરના ભરપૂર વપરાશથી વ્યક્તિનાં ભાષિક સામર્થ્યો તેમ જ એની ભાષિક રજૂઆતો વિકસે છે
આ ઈન્ટરનેટયુગમાં thx – ilu – ddlg – omg – rip જેવા acronyms – આદ્યાક્ષરી સંક્ષેપો – બહુ વપરાય છે. એ સંક્ષેપોને અળવીતરાઇથી ખોલીએ અને જે સૂચવાય તેની મજા જો લઇ શકીએ તો મજા આવે : thx-ને ખોલીએ તો સૂચવાય છે કે બે શબ્દનું 'થૅન્ક યુ' લખવા જેટલો ય એ મનુષ્ય નવરો નથી; પ્રમાદી હોવો જોઇએ. મેં મારા એક હિતૈષીને વિસ્તારથી લખ્યું ને છેલ્લે ઉમેર્યું -આભારી છું. એણે મૂળ વાત ટાળી પણ ટૂંકો વિવેક અંગ્રેજીમાં દાખવવા લખ્યું, thx 4 thx ! 'યુ આર વૅલકમ' લખવાના મારા હોશ ઊડી ગયેલા. હજીલગી મને sorry-નો સંક્ષેપ નથી જોવા મળ્યો. પૂરા 'સૉરિ'-ની જ કોઇને જરૂર નથી પછી ..! આ ilu જો આમ કોકડું વળેલું હોય તો શું પરિણામ આવવાનું? જેને 'આઈ લવ યુ' લખતાં જોર પડે છે, તો, એની જોડે-નાને કે એની જોડે-નીને પ્રેમનો કયો મોદક – લાડવો – ખાવા મળવાનો? મને ddlj જેવું સૂઝ્યું છે, dnldnr. નહીં સમજાય. એ છે, 'ડુ નૉટ લાઇક, ડુ નૉટ રીડ'. એક વાર, લૉ-ગાર્ડનમાં પ્રેમિકા એના પ્રેમી આગળ વાતવાતમાં ‘ઓ.ઍમ.જી.’ બોલતી'તી. જરા આઘે બેઠેલા કાકાએ બૂમ પાડી -મને બોલાવ્યો? કેમ કે બધા એમને omg કહેતા, એટલા માટે, કે એમનું નામ 'ઓ'ધવ 'મ'ગન 'ઘી'-વાળા હતું. પ્રેમિકા ક્હૅ – નો અન્કલ, નો, યુ પ્લીઝ કૅરી ઑન ! કાકા મલકી પડેલા.
કેટલાક તો નામઠામની વીગત વિના જ ફોટો મૂકે છે. એ બહેનના એ જેઠ હોય કે એ ભાઈની એ સાળી, એ વાત તો સારી, પણ આપણે એ પોસ્ટનું શું કરવાનું છે, ખબર નથી પડતી. વ્હૉટ્સઍપ પર એક ચતુર દીકરીએ મને gn લખ્યું. મને થયું, અમેરિકામાં દિવસ છે છતાં 'શુભરાત્રિ' કહીને મને આગળ ન લખવા બલકે ઊંઘી જવા કહે છે. મને રમૂજ સૂઝી કે એને hand લખું તો નહીં સમજે. મેં લખ્યું. તો બોલો, બિલકુલ સમજી ! મને તરત લખી મોકલ્યું -have a nice day ! આમે ય, મને પાઠ ભણાવવાની હંમેશાં એને મજા પડે છે. એથી જો કે એને માટેનું મારું વાત્સલ્ય સુદૃઢ થાય છે. કેટલા ય ફેસબુકવાસીઓ કોઇનું અવસાન થયું હોય ત્યારે પણ like અને કોઇનો જનમદિવસ હોય ત્યારે પણ like દબાવે છે. એનો અર્થ એ કે, આજે તમે મર્યા એ મને 'ગમ્યું' છે. આજે તમે ૮૦-માં પ્રવેશ્યા એથી મને 'સારું લાગ્યું' છે. Rest in Peace લખવાને બદલે ટૂંકું RIP મૂકે ત્યારે એમ પણ સૂચવાય છે કે 'તમે મર્યા, પણ મારે ફ્લાઈટ પકડવાની છે'. એક વાર, એક જણાએ પૂરું લખી નાખેલું -Rest in Piece ! એને થોડી ખબર કે અંગ્રેજીમાં, નજીક નજીકના બે-બે 'પીસ' છે ! લખનાર ભલે લખે પણ એને જો ખબર હોય કે rip એક ક્રિયાપદ પણ છે, જેનો અર્થ છે, જોરથી ચીરી નાખવું, તો કદાચ ન લખે. જો કે, મરનારનો દેહમુક્ત આત્મા તો 'નૈનમ્ છિન્દન્તિ શસ્ત્રાણિ, નૈનમ્ દહતિ પાવક:' થઈ ગયો હોય છે; એટલે વાંધો નહીં.
emojis હ્યુમન emotions સાથે જોડાયેલા છે – યુનિવર્સલ છે – વિશ્વભરની ભાષાઓના ભેદો વચ્ચે યથાશક્ય સેતુ થવા નીકળ્યા છે – શબ્દગુચ્છ કે આખા વાક્યને સ્થાને વપરાય છે. એ ચાર કારણે emojis એટલે કે એ સંક્ષિપ્ત ચિત્રલેખો – abbreviated pictographs – મને ગમે છે. બે-ચાર શબ્દ ને એ પર કરાયેલું emoji-નું ગાર્નિશિન્ગ મોહક હોય છે. એથી એ ઍક્સ્પ્રેશન વાસીતાજું હોય તો પણ ધ્યાનમાં નથી આવતું. અસલિયત પાછળથી કમ્યુનિકેટ થાય છે. હસતાં, કે આંખો કાઢતાં, એ ઝીણકાં આપણને છેતરી પણ જાય. આંસુ ટપકાવતું મોકલ્યું એનો અર્થ એવો થોડો કે મોકલનાર તમારા વિરહમાં રડ્યા જ કરે છે? નમસ્કારક emoji-નો અર્થસંકેત એ પણ છે કે – તમને નમસ્કાર, જાવ હવે, બહુ થયું ! કોઇએ મને ત્રણ ત્રણ મોકલેલાં ! કેવું લાગે? થમ્પ્સ અપ-નું emoji, બધું ઓકે છે એમ સ-સ્મિત દર્શાવવા મોકલાય છે. પણ ત્યારે મોકલનારનું સ્મિત દેખાતું નથી. ક્યારેક તો એ અંગૂઠો સૂકી દૂધીનું ડીચું લાગે છે. ભોળિયાને તો એમ લાગે કે ડિંગો બતાવે છે.
emojis, ગોઠવેલા તટસ્થ અર્થો આપે પણ આમ અવળાસવળા અર્થો પણ આપે. મીંઢા મૌન કરતાં સારા પણ લક્ષ્યાર્થ-વ્યંગાર્થ બાબતે ઠાલા. મેં એઓને લખ્યું – આ સાથે હું તમને નમસ્કારક ૭ emojis પણ મોકલું છું. ખુશ થયા. 'મારા તમને સાત વાર નમસ્કાર', એ અર્થ સમજેલા નહીં. આ સૌમાં અત્યન્ત કામગરા કોઇ હોય તો તે છે forward-ની ચાંપ દબાવનારા. ખાતાંપીતાં કે રામ જાણે, કેવીયે હાલતમાં દબાવી લેતા હોય ! એઓથીયે અત્યન્ત કામગરા તો GIF મોકનારા છે. વાટકીવ્યવહાર સાચવવા તમારે સમુપકારક GIF જ મોકલવું જોઈએ. શોધવામાં ગમે એટલો સમય જાય પણ એને એ લોકો સમયવ્યય નથી ગણતા, 'પાસ-ટાઈમ' કહે છે.
આમાં, internet troll-ની વાત ઉમેરવાલાયક છે. troll એટલે બાહુકડો; જોવો ન ગમે એવો વિકૃત વામન અથવા કોઇ રાક્ષસ. લોકસાહિત્યમાં હોય છે. વિષયનિષ્ણાતો જણાવે છે કે ઈન્ટરનેટ પર નવતર ટ્રોલભાઇઓ પ્રગટ્યા છે. દોડી આવતા હોય છે : એક છે, 'સ્પામ' ટ્રોલભાઈ. એને તમે વાંચો છો કે કેમ એ વાતની પરવા વગર બસ તમને ટૅક્સ્ટ મૅસેજીસ મોકલ્યા જ કરે. બીજા છે, 'ઍક્સ્પર્ટ' ટ્રોલભાઈ. જાતને સર્વજ્ઞ સમજતા હોવાથી કાયમ તમને સલાહો આપે, જાતભાતની ફાલતુ વાતો રેલાવે. ત્રીજા છે, 'હેટર' ટ્રોલભાઈ. એ તમને હેટ કરવા – તિરસ્કારવા – ટાંપીને બેઠા હોય છે. તિરસ્કારવા જેવું ન હોય તો પણ તિરસ્કારે. ન મળે તો ઉપજાવી કાઢે. બે ઉપકારક ટ્રોલભાઈઓ પણ છે : એક છે, 'વ્યાકરણવાદી'. તમને ન ગમે કેમ કે તમારી પોસ્ટમાં રહેલી વ્યાકરણની ભૂલો ભલમનસાઈથી પણ હંમેશાં દર્શાવે. બીજા છે, 'રીપ્લાય' ટ્રોલભાઈ. એઓશ્રી તમારા ખરેખરના પ્રેમી હોય છે. જરા જેટલીયે આનાકાની વગર તમારી પોસ્ટનો ઉત્તર આપે જ આપે. ગુજરાતી સાહિત્યના બ્લૉગ્સ પર આ કે આવા ટ્રોલભાઈઓનો રંજાડ છે ખરો? હોય તો એકમેકને જણાવજો.
હું સમજું છું, સોશ્યલ મીડિયાવાળાંની સોશ્યોલૉજિ આવી જ હોય. આ કંઇ એવાં ગમ્ભીર કમ્યુનિકેશન્સ નથી. હાય-હેલો, કેમ છો-મજામાં, પ્રકારના ટૅ'લટૌકા છે. જે લોકો બીજું પણ ઘણું લખતા હોય એમને આ સોશ્યોલૉજીથી કશો દોષ નથી થવાનો. સમરથ કો ન દોષ કશો. બાકી, ભાષિક અભિવ્યક્તિને વિશેનું આ ઈન્ડિફરન્સ થોડુંક ચિન્તાકારક તો ખરું જ. આના વ્યસનીઓને અશુદ્ધ લખવાની છૂટ મળી જાય છે, ટેવ પડી જાય છે. સાહિત્યકારો ય ભૂલભરેલાં વાક્યો ગબડાવે છે. ગ્રહણક્ષમતા ઘટી જાય છે. જરાક અઘરી વાત આવે એટલે મૉં મચકોડે છે. પરમ સત્ય એ છે કે ભાષાના કાળજીપૂર્વકના નિરન્તરના ભરપૂર વપરાશથી વ્યક્તિનાં ભાષિક સામર્થ્યો તેમ જ એની ભાષિક રજૂઆતો વિકસે છે. ભાષા અક્ષયપાત્ર છે. સજ્યો-સજાવ્યો થાળ છે. એનાં ખાવાનાંને કોઇ બેબીની જેમ ચૂંટીઓ ખણીને ખાઇએ તો શું મળે? બેબીને તો પટાવી-રીઝવીને કૉળિયા ભરાવનારી મા હોય છે. આપણે તો ખાસ્સાં વયસ્ક છીએ !
= = =
[સૌજન્ય : શનિવાર, ૧/૧૨/૨૦૧૮-ના રોજ ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત લેખ અહીં મૂક્યો છે.]
![]()



નવજીવન પ્રકાશને ‘સત્યના પ્રયોગો’ની સમીક્ષિત આવૃત્તિ બહાર પાડી છે. ગાંધી વિચારના આપણા સમયના ગુજરાતના બહુ જાણીતા અભ્યાસી અને અનુવાદક ત્રિદીપ સુહૃદે તૈયાર કરેલી 685પાનાંની આ આવૃત્તિની એક વિશેષતા હાંસિયા નોંધો છે. અડતાળીસ પાનાંના પુરોવચનને અંતે સમીક્ષક ત્રિદીપ જણાવે છે : ‘એક પ્રકારની નોંધ, અંગ્રેજી અને ગુજરાતી ભાષાની આત્મકથા વચ્ચે પારસ્પર્ય ઊભું કરે છે. બીજા પ્રકારની નોંધ વ્યક્તિ, તારીખ, પ્રસંગ, પુસ્તક, સંસ્થા વિશે છે.’ ‘હિન્દ સ્વરાજ’ અને અંગ્રેજી આત્મકથાની સટીક આવૃત્તિઓ તૈયાર કરનાર ત્રિદીપ એમ પણ જણાવે છે કે ‘આવા ગ્રંથની સમીક્ષિત આવૃત્તિ આપણી ભાષા અને બૌદ્ધિક પરંપરામાં હોવી જોઈએ તેવી માન્યતાથી આ પ્રયાસ પ્રેરાયો છે.’ આવી આવૃત્તિ અત્યાર સુધી કેમ નહોતી એવો અચંબો પણ – જેની મહત્તાનો જોવાથી જ ખ્યાલ આવી શકે તેવું – આ પુસ્તક જોતાં થાય છે.
મેળામાંથી યજ્ઞ પ્રકાશનનાં પુસ્તકો ભેટ મળ્યાં. ‘ગાંધી ઍન્ડ ધ અનસ્પીકેબલ : હિઝ ફાઇનલ એક્સપરિમેન્ટસ વિથ ટ્રુથ’ ગાંધી હત્યાને કેન્દ્રમાં રાખીને મહાત્માનાં જીવનકાર્ય વિશે વાત કરે છે. તેને મુંબઈનાં પત્રકાર, લેખક અને અનુવાદક સોનલ પરીખ ગુજરાતીમાં લાવ્યાં છે. પુસ્તકનું સહુથી લાંબુ પંચોતેર જેટલાં પાનાંનું પ્રકરણ ‘ગાંધી અને તેમના હત્યારા’ પ્રકાશન સંસ્થાનાં સેક્યુલર કૉઝ માટેનાં સરોકાર અને હિમ્મત બતાવે છે. ‘એક અનન્ય મૈત્રી : મહાત્મા અને મીરાં’ સોનલબહેનનું જ મૌલિક હૃદયસ્પર્શી પુસ્તક વિષય માટેના ઊંડા લગાવ, તેના ઘણા અભ્યાસ અને ઉત્કટ અભિવ્યક્તિથી લખાયું છે. મીરાંબહેન તે મેડેલિન સ્લેડ (1892-1982) કહેવાની ભાગ્યે જ જરૂર હોય.
ગાંધી પરનાં હમણાંનાં પુસ્તકોની વાત છે ત્યારે રામચન્દ્ર ગુહા લિખિત ગાંધી ચરિત્રના બીજા ભાગ ‘ગાંધી: ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ 1914-1948’(પેન્વિન રૅન્ડમ હાઉસ)નો ઉલ્લેખ થવો જોઈએ. મોટાં કદનાં 1150 પાનાંનો આ ગ્રંથ ‘ગાંધી બિફોર ઇન્ડિયા’(2013)નું અનુસંધાન છે. જંગમ સંશોધન, આધાર સાથેની વૈચારિક ભૂમિકા અને વાચનીય રજૂઆત એ ગુહાનાં લખાણોની લાક્ષણિકતા ગાંધી-ગ્રંથોનાં જૂજ પાનાંમાંથી પસાર થતાં ય જણાઈ આવે છે.
ગાંધીજીએ સૉક્રટિસ પર ‘એક સત્યવીરની કથા’ નામની નોંધપાત્ર પુસ્તિકા લખી છે તે પ્રસિદ્ધ કરનાર નવજીવન પાસેથી તાજેતરમાં ‘સૉક્રેટિક ડાયલૉગ્ઝ’ પુસ્તક મળે છે. ગ્રીસના તત્વચિંતક પ્લેટો(ઇ.પૂ. 427-347)એ માર્ગદર્શક સૉક્રટિસ (ઇ.પૂ. 477-399) સાથે કરેલા સંવાદોનું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ચિત્તરંજન વોરાએ ભાષાંતર કર્યું છે. પ્રાચીન ગ્રીક સાહિત્યમાંથી પ્લેટોનાં ‘રિપબ્લિક’, એરિસ્ટોટલનાં ‘પોએટિક્સ’ પુસ્તકો અને ઇસ્કીલસ-સોફોક્લિઝ-યુરિપિડિઝનાં શોકનાટ્યોના અનુવાદ પછી બહુ લાંબા ગાળે આ વર્ગનું મહત્ત્વનું પુસ્તક આપણી ભાષામાં આવ્યું છે. અંગ્રેજી પાઠ પર સહેજ નજર કરતાં સમજાય છે કે તેને બીજી ભાષામાં લઈ જવામાં ક્લિષ્ટતા કે વિષયને ન છાજે તેવી અણઘડ સાદાઈ પ્રવેશવાની સંભાવના છે. ચિત્તરંજનભાઈએ આમ થવા દીધું નથી. એટલે અનુવાદ સાફસૂથરો બન્યો છે. બધાં પ્રકારનાં વિશેષનામો ગુજરાતીમાં લખવામાં ખાસ કાળજી દેખાય છે. મૂંગા રહીને કામ કરતાં રહેનારા ગાંધીવાદી અર્થશાસ્ત્રના પૂર્વ અધ્યાપક ચિત્તરંજને જૉન રસ્કિનનાં ‘અન ટુ ધિસ લાસ્ટ’ અને લિઓ ટૉલ્સ્ટૉયનાં ‘ધ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યુ’ (વૈકુઠ તારા હૃદયમાં છે) એવાં ખૂબ પ્રભાવક પુસ્તકોનો અનુવાદ કર્યો છે.
ગુજરાત સાહિત્ય અકાદમીનાં મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના યાદગાર પૂર્વ સંપાદક અને કવિ હર્ષદ ત્રિવેદીનું ‘સરોવરના સગડ’ (ડિવાઇન પબ્લિકેશન્સ) એ દિવંગત સાહિત્યકારોનાં શબ્દચિત્રોનો એવો સંગ્રહ છે કે જે પૂરો વાંચ્યા વિના અળગો ન થઈ શકે. અહીં છે : એક પેઢીના ઉમાશંકર, દર્શક, યશવંત શુક્લ, રમણલાલ જોશી અને જયંત કોઠારી; ત્યાર પછીના ભોળાભાઈ, ઉશનસ, રાજેન્દ્ર- નિરંજન; પછીના કવિઓ લાભશંકર, ચીનુ મોદી, જગદીશ વ્યાસ; એકંદરે તળપદના હજારો વાચકો સુધી પહોંચેલા લોકધર્મી સાહિત્યકારો દિલીપ રાણપુરા, મીનપિયાસી અને બાપુભાઈ ગઢવી; પુસ્તકનિર્માણના કસબી રોહિત કોઠારી. લોકસંગ્રહી પ્રેમાળ સર્જક હર્ષદભાઈને ઘડતર અને કારકિર્દીના જુદા જુદા તબક્કે આ સાહિત્યકારોનો સહવાસ થયો છે. તેમને લેખકે ‘અંગત નિસબત, પંચેન્દ્રીયથી જેવા અનુભવ્યા એવા જ આળેખ્યા છે’. વ્યક્તિત્વનાં અનેક પાસાં સિફતથી પકડ્યાં છે, મહત્તા બરાબર ઉપસાવી છે, મર્યાદા ક્યારેક વ્યંજના તો મરમાળા મલકાટથી બતાવી છે. ભાષાની મિરાતથી વાચક ન્યાલ થઈ જાય છે. જૂની મૂડી જેવા શબ્દપ્રયોગોને લેખક માંજીને ચમકાવે છે. આપણાં સમયમાં વાડીલાલ ડગલી, જયંત પંડ્યા, રઘુવીર ચૌધરી અને મનસુખ સલ્લામાંથી દરેક પાસેથી મળેલાં વ્યક્તિચિત્રોનાં એક એક શ્રેષ્ઠ પુસ્તકની સાથે હર્ષદભાઈનું પુસ્તક પણ શોભશે.