
courtesy : "The Times of India", 09 January 2019
![]()

courtesy : "The Times of India", 09 January 2019
![]()
યવતમાલમાં મળનારાં ૯૨માં મરાઠી સાહિત્ય સંમેલનનાં નિમંત્રિત ઉદ્ઘાટક નયનતારા સેહગલને આયોજકોએ જાણાવ્યું છે કે તેમની સામે એવા કેટલાક સંજોગો પેદા થયા છે કે જેથી તેમણે આપેલું આમંત્રણ રદ્દ કરવું પડે એમ છે. નયનતારા સેહગલે અત્યંત ઋજુતાપૂર્વક ખાનદાની બતાવીને પ્રત્યુત્તર આપ્યો છે કે કાંઈ વાંધો નહીં, તમે પોતાનું ધ્યાન રાખજો! ‘તમે પોતાનું ધ્યાન રાખજો’, એ ત્રણ શબ્દોમાં એક વિદુષી નારીએ આજના યુગનું ભાષ્ય કર્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે સંમેલનમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હાજર રહેવાના છે અને તેમને મારું ભાષણ નહીં ગમે અને નારાજ થશે એવું આયોજકોને લાગ્યું હશે. નયનતારા સેહગલે પોતાનું ભાષણ લખીને આયોજકોને મોકલી આપ્યું હતું.

મરાઠી સાહિત્ય સંમેલન અને વિવાદો વચ્ચે નાભીનાળ સંબંધ છે. મને યાદ નથી કે છેલ્લાં ચાર દાયકા દરમિયાન એક પણ સંમેલન વિવાદ વિના યોજાયું હોય. આનું કારણ ગાંધીજીએ કહ્યું હતું એમ વિતંડાનો મરાઠી સ્વભાવ છે. આ સિવાય મરાઠી સાહિત્ય સંમેલનનું આયોજન કરનાર મરાઠી સાહિત્ય મહામંડળ અને જ્યાં સંમેલન ભરાવાનું હોય એ ગામની હંગામી ધોરણે રચવામાં આવેલી સ્વાગત સમિતિના અધિકારો વિશેનો ગુંચવાડો અનેક દાયકાથી વણઉકલ્યો છે. સ્વાગત સમિતિમાં રાજકારણીઓ હોય છે, સ્થાપિત હિત ધરાવનારા સ્થાનિક શેઠિયાઓ હોય છે, શિક્ષણનો ધંધો કરનારા શિક્ષણસમ્રાટો હોય છે અને સ્થાનિક ગુંડાઓ પણ હોય છે. તેમના પોતાના એજન્ડા હોય છે, હિતસંબંધો હોય છે, ભય પણ હોય છે અને આપસમાં ટકરાવ હોય છે. આવી સ્થિતિમાં સાહિત્યકારો થોડી સાહિત્યચર્ચા કરીને અને શીરો આરોગીને પાછા ફરે છે, અને જ્યારે નયનતારા સેહગલ જેવી ઘટના બને છે ત્યારે નાક કપાવીને પણ આવે છે.
૧૯૭૫માં મરાઠી વિદુષી સાહિત્યકાર દુર્ગા ભાગવતની અધ્યક્ષતામાં કરાડમાં ૫૧મું સાહિત્ય સંમેલન મળ્યું હતું. કરાડ એટલે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવાણનું વતન. યશવંતરાવ ચવાણ એ સમયે કેન્દ્રના વિદેશ પ્રધાન હતા અને જ્યારે તેમના વતનના ગામમાં સંમેલન મળવાનું હતું એટલે તેમને સ્વાગત સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. યશવંતરાવ ચવાણ આજ જેવા અભણ અને અસંસ્કારી રાજકારણી નહોતા. મરાઠી સાહિત્યની ઊંડી સમજ ધરાવતા હતા. ગ.દી. માડગુલકરનું ‘ગીત રામાયણ’ તેમને કંઠસ્થ હતું અને જાહેરમાં તેનું પઠન કરતા. મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય સાંસ્કૃતિક મંડળ જેવી સંસ્થાઓ તેમણે સ્થાપીને તેમણે મહારાષ્ટ્રનું સાંસ્કૃતિક સંવર્ધન કર્યું હતું. રાજકારણી હોવા છતાં સ્વાગત સમિતિના અધ્યક્ષ બનવાની તેઓ તમામ લાયકાત ધરાવતા હતા.
એક લાયકાતમાં તેઓ ઊણા ઉતર્યા હતા. દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી હોય અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું ગળું ઘોંટવામાં આવતું હોય ત્યારે સાહિત્ય સંમેલનના અધ્યક્ષપદે એવા માણસને કેમ સાંખી લેવાય જે તાનાશાહી સામે ચુપકીદી સેવે અને તાનાશાહના પ્રધાનમંડળમાં બની પણ રહે. દુર્ગા ભાગવતે મંચ પરથી યશવંતરાવ ચવાણની હાજરીમાં આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો અને કેન્દ્રના વિદેશ પ્રધાનને મંચ પરથી ઊતરી જવા કહ્યું. બોમ્બ વિસ્ફોટ જેવી એ ઘટના હતી, પરંતુ એ દુર્ગાબાઈ હતાં. સામે પક્ષે યશવંતરાવ ચવાણની ખાનદાની જુઓ. તેઓ ચૂપચાપ મંચ પરથી નીચે ઊતરી ગયા હતા. ગુસ્સો કરીને જતા નહોતા રહ્યા, પરંતુ સામે સભાગૃહમાં બેસીને દુર્ગાબાઈનું સંપૂર્ણ અધ્યક્ષીય ભાષણ સાંભળ્યું હતું. તેઓ તેમની સાથે ‘ચવાણ, ચવાણ’ કરનારા ભાડૂતી સમર્થકોને પણ નહોતા લાવ્યા કે કૉન્ગ્રેસીઓએ કોઈ દેખાવો કર્યા.
મહારાષ્ટ્રના સર્વોચ્ચ નેતાનું અપમાન થવા છતાં સંમેલન કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના પાર પાડ્યું હતું. જો કે દુર્ગાબાઈ ભાગવતની ઈમરજન્સીમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મને ગળા સુધી ખાતરી છે કે એમાં યશવંતરાવ ચવાણનો હાથ નહીં હોય. યશવંતરાવ ચવાણે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી કે નહોતી ક્યારે દુર્ગાબાઈની નિંદા કરી. એ ઘટના પછી લોકોની અને સાહિત્યકારોની નજરમાં સુદ્ધાં યશવંતરાવ ચવાણ પ્રત્યેના આદરમાં ઉમેરો થયો હતો. યશવંતરાવની માણસાઈ સામે દુર્ગા ભાગવત થોડાં ઝંખવાયાં હતા એમ કહી શકાય. અહીં દુર્ગા ભાગવતની હિંમતને અને યશવંતરાવ ચવાણની માણસાઈને નમન કરવા પડે.
આજનો યુગ જુદો છે અને આજના માણસો જુદા છે. નાના માણસોએ મોટાં સાહસો નહીં કરવાં જોઈએ. સ્વાગત સમિતિના સભ્યોએ અંગ્રેજી ભાષામાં લખનારા નયનતારા સેહગલ કોણ છે એ કોઈકને પૂછી લેવું જોઈતું હતું. સનાતની હિન્દુત્વવાદીઓએ કન્નડ સાહિત્યકાર ક્લ્બુર્ગીની હત્યા કરી અને આપણા મહાન વડા પ્રધાને મોઢું ખોલવાની પણ નિસ્બત નહીં દાખવી, ત્યારે નયનતારા સેહગલે વ્યથિત થઈને સાહિત્ય અકાદમીનો એવોર્ડ પાછો કર્યો હતો. એ પછી તો આપણી ભાષાના કવિ અનિલ જોશી સહિત ચાળીસ જેટલાં સાહિત્યકારોએ એવોર્ડ પાછા કર્યા હતા. આ એ નયનતારા સેહગલ છે જેમણે ઈમરજન્સીનો પણ વિરોધ કર્યો હતો. મામા (જવાહરલાલ નેહરુ) પાસેથી મૂળભૂત માનવીય મૂલ્યોનું શિક્ષણ મળ્યું હતું. એ શિક્ષણ તો ઇન્દિરા ગાંધીને પણ મળ્યું હતું, પરંતુ પુત્રી કરતાં ભાણીએ એ વધારે પચાવ્યું હતું. નયનતારા સેહગલ મામાની દીકરી ઇન્દિરા ગાંધી સામે બાખડ્યાં હતાં.
આયોજકોએ કે સ્વાગત સમિતિના સભ્યોએ નયનતારા સેહગલને આમંત્રણ આપતાં પહેલાં આ બધું જાણી લેવું જોઈતું હતું. તેઓ કયા યુગમાં જીવી રહ્યા છે એ પણ ધ્યાનમાં રાખવું જોઈતું હતું. કોઈ બે બદામનો માણસ આવીને કહે કે મરાઠી ભાષાના સંમેલનમાં અંગ્રેજીમાં લખનારાને બોલાવશો તો અમે સંમેલનને રોળી નાખશું અને આયોજકો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આમંત્રણ રદ્દ કરે એવું આ યુગમાં બની રહ્યું છે. કેટલાક લોકો કહે છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો વિરોધ તો એક બહાનું છે, બાકી સાચું કારણ નયનતારા સેહગલનું સ્વાતંત્ર્યની હિમાયત કરનારું પ્રવચન છે. લખેલું પ્રવચન મળ્યું અને ગાત્રો ઢીલાં થવાં લાગ્યાં. આ ત્રિશૂળધારી, તિલકધારી, ભગવાધારી, શિખાધારી, ધનુષધારી અને ગદાધારીઓનો યુગ છે.
આયોજકોના નિર્ણય સામે મહારાષ્ટ્રમાં પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. અનેક લોકોએ સંમેલનનો બહિષ્કાર કરવાનો કોલ આપ્યો છે. દુ:ખની વાત એ છે કે આ વખતે સંમેલનના અધ્યક્ષા અરુણા ઢેરે છે, જે તેમનાં પિતા રા.ચિ. ઢેરેની પરંપરાના વિદ્વાન સંશોધક છે. ટકોરાબંધ અસ્સલ વિદ્વાન. સંમેલનને ઘણાં વરસ પછી આદર થાય એવા માંડ સાહિત્યકાર વિદ્વાન અધ્યક્ષ મળ્યાં ત્યારે અપશુકન થયું.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 08 જાન્યુઆરી 2019
![]()
૨૦૧૩માં ૧૬મી લોકસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ થયો ત્યારે એક વાતની શંકા હતી અને ત્રણ વાતની ખાતરી હતી.
શંકા એ હતી કે નરેન્દ્ર મોદી પૂરી તાકાત લગાવ્યા પછી પણ કદાચ ભારતીય જનતા પક્ષને બહુમતી નહીં અપાવી શકે. શંકા હોવાનું પહેલું કારણ એ હતું કે બી.જે.પી. હિન્દુત્વવાદી પક્ષ છે એટલે તેને ઉદારમતવાદી હિંદુઓના અને લઘુમતી કોમના મત નહીં મળે. બીજું કારણ એ હતું કે દેશનાં કેટલાંક રાજ્યોમાં બી.જે.પી. અને કૉન્ગ્રેસ સિવાયના બીજા પ્રાદેશિક પક્ષો મજબૂત છે એટલે બી.જે.પી.ને ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં કેટલાંક રાજ્યોમાં જોઈએ એટલી બેઠકો નહીં મળે. શંકા પાછળનું ત્રીજું કારણ એ હતું કે દક્ષિણ ભારતમાં અને પૂર્વ ભારતમાં બી.જે.પી. ખાસ કોઈ પ્રભાવ નથી ધરાવતી એટલે બી.જે.પી.એ ઉત્તર અને પશ્ચિમ ભારતની અંદાજે સવા ત્રણસો બેઠકોમાંથી ૨૭૨ બેઠકો મેળવવાની છે અને એ ભગીરથ કામ છે. બી.જે.પી.ના વિરોધીઓ અને રાજકીય સમીક્ષકોની વાત છોડો, ખુદ બી.જે.પી.ના સિનિયર મોસ્ટ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ બી.જે.પી.એ બિહારમાં નીતીશ કુમાર સાથેનું ગઠબંધન તોડી નાખ્યું ત્યારે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં લેખ લખીને આવો મત વ્યક્ત કર્યો હતો.

જે ત્રણ ખાતરી હતી એમાંની પહેલી ખાતરી એ કે લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો કારમો પરાજય થવાનો છે. સોની આસપાસ બેઠકો મળશે એમ ત્યારે ધારવામાં આવતું હતું. બીજી ખાતરી એ વાતની હતી કે રાહુલ ગાંધીમાં રાજકીય નેતૃત્વ કરવા જેટલી પરિપક્વતા નથી, આવડત પણ નથી અને તેનાથી પણ વધારે તેઓ સાતત્યપૂર્વક રાજકારણ કરી શકતા નથી. ભારતીય રાજકારણમાં પાર્ટ ટાઈમ રાજકારણ થતું નથી. પક્ષનો નેતા ચોવીસ કલાકનો રાજકારણી હોય છે અને ચોવીસ કલાક ઉપલબ્ધ હોવો જોઈએ. ચિંતન-મનન કરવા માટેની છૂટી (સેબેટિકલ લીવ) ભારતીય રાજકારણીના નસીબમાં નથી હોતી. ટૂંકમાં રાહુલ ગાંધી નથી ભારતીય સમાજના સ્વરૂપને ઓળખતા કે નથી ભારતીય રાજકારણના સ્વભાવને ઓળખતા. આ સ્થિતિમાં રાહુલ ગાંધી કૉન્ગ્રેસ માટે બોજારૂપ છે.
ત્રીજી ખાતરી એ વાતની હતી કે જો નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનશે (અને તેઓ બને એમ લાગતું જ હતું) તો તેઓ ઓછામાં ઓછી બે મુદ્દત માટે અને કદાચ ત્રણ મુદ્દત માટે સત્તા ભોગવશે. કોઈ તેમને ઊખેડી નહીં શકે. બી.જે.પી. પહેલી મુદ્દત કરતાં બીજી મુદ્દત માટે વધુ બેઠકો મેળવશે એની પણ ખાતરી હતી. આ વરસો કૉન્ગ્રેસ માટે વસમાં નીવડવાનાં છે અને એમાં કદાચ કૉન્ગ્રેસ વિભાજિત થઈને ખતમ પણ થઈ જાય એવું પણ લાગતું હતું. આવી ખાતરી હોવાનું કારણ એ હતું કે નરેન્દ્ર મોદી પાસે વિરોધના વાવાઝોડા સામે બચી નીકળતા અને સત્તાને પોતાના હાથમાં મજબૂતપણે કેન્દ્રિત કરતા આવડે છે. આ આવડત અસાધારણ છે.
આજે પાંચ વરસ પછી ત્રણે ત્રણ ખાતરીઓ ઉપરતળે થઈ ગઈ છે. કૉન્ગ્રેસ ત્રણ વરસની જગ્યાએ પાંચ વરસમાં બેઠી થતી નજરે પડી રહી છે. રાહુલ ગાંધીમાં કમાલનું પરિવર્તન જોવા મળી રહ્યું છે અને નરેન્દ્ર મોદીના હાથમાંથી પરિસ્થતિ સરકી રહી છે. તેઓ બીજીવાર વડા પ્રધાન બનશે કે નહીં એ વિષે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમની બધી તરકીબો નિષ્ફળ નીવડી રહી છે. આને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્લાન બી અમલમાં મૂકી દીધો છે અને નીતિન ગડકરીને આગળ કરવામાં આવી રહ્યા છે.
આવું કેમ બન્યું? કોણે આવી સ્થિતિ પેદા કરી? પરિસ્થિતિએ, રાહુલ ગાંધીએ કે ખુદ નરેન્દ્ર મોદીએ? થોડા ગમા-અણગમાને બાજુએ રાખીને આ વિષે વિચારવું જોઈએ. આમ પણ આપણી ઈચ્છા મુજબ બધું થતું નથી.
મારી સમજ મુજબ પહેલી ભૂલ નરેન્દ્ર મોદીએ કરી છે. એ ભૂલ ભારતને વિસ્તારિત ગુજરાત સમજી બેસવાની હતી. ગુજરાત મોડેલ આબેહૂબ ભારતમાં નહીં ચાલ્યું. શું હતું ગુજરાત મોડલ? શું એનાં લક્ષણો હતાં? ઇવેન્ટોને વિકાસના પર્યાય તરીકે રજૂ કરવાનું. રોજ નીતનવા ખેલ પાડતા રહેશું તો લોકોને એમ લાગશે કે દેશમાં અત્યાર સુધી જોવા નથી મળ્યું એવું કાંઈક નવું થઈ રહ્યું છે. એની સાથે વિરોધ પક્ષોને કચડી નાખવાના, સંસદનો ઓછામાં ઓછો સામનો કરવાનો, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, સી.બી.આઈ. અને બીજી બંધારણીય સંસ્થાઓને મુઠ્ઠીમાં રાખવાની, સાચી-ખોટી સિદ્ધિઓની ખૂબ પ્રસિદ્ધિ કરવાની, મીડિયાને કબજામાં રાખવાના, પ્રજાને આંચકો આપે એવા નિર્ણયો લેવાના, વિરોધ પક્ષના નેતાઓનું મોરલ તૂટી જાય એટલી હદે નીચે ઊતરીને ટીકા કરવાની વગેરે. ગુજરાત મોડલ વિકાસશીલ શાસનનું મોડલ નહોતું, તરકીબી શાસનનું મોડલ હતું. નરેન્દ્ર મોદી અને અમિત શાહે એમ માની લીધું હતું કે ગુજરાતનું તરકીબી મોડલ રાષ્ટૃીય મોડલ બનાવી શકાશે અને ગાડું ગબડશે.
નરેન્દ્ર મોદીએ બીજી ભૂલ ભારતીય પ્રજામાં જે પ્રચંડ હતાશા વ્યાપ્ત હતી એની ઉપેક્ષા કરવાની કરી હતી. તેમની ગણતરી એવી હતી કે તેઓ હતાશાની અંદર આશા જગાડવાની ક્ષમતા ધરાવે છે, એટલું જ નહીં એ આશા ટકાવી રાખવાની પણ ક્ષમતા ધરાવે છે. એ વાતમાં કોઈ શંકા નથી કે ૨૦૧૩-૨૦૧૪માં નરેન્દ્ર મોદી ભારતની પ્રજામાં આશા જન્માવી શક્યા હતા. હકીકતમાં એને કારણે તો તેમણે આ લખનાર જેવા રાજકીય સમીક્ષકોને અને ખુદ લાલ કૃષ્ણ અડવાણીને ખોટા સાબિત કર્યા હતા. હતાશાની વચ્ચે આશા પેદા કરવી એ બહુ મોટી સિદ્ધિ છે. આવું ૧૯૧૫માં ભારત આવ્યા પછી ગાંધીજી કરી શક્યા હતા. એ સમયે મેં આશા જન્માવવાની ક્ષમતાની બાબતે નરેન્દ્ર મોદીની તુલના ગાંધીજી સાથે કરી ત્યારે મારા એક વડીલ મિત્રે ટકોર પણ કરી હતી કે ગાંધીજી અને નરેન્દ્ર મોદી એક ત્રાજવે?
નરેન્દ્ર મોદીએ ત્યારે આશા તો પેદા કરી, પરંતુ હતાશાનું સ્વરૂપ અને તેનાં મૂળિયાં ક્યાં સુધી ફેલાયેલાં છે અને કેટલાં ઊંડાં છે એ સમજવાની તસ્દી નહોતી લીધી. કોઈ સમાજશાસ્ત્રીની મદદ લીધી હોત તો તે નરેન્દ્રભાઈને સમજાવત કે હતાશા એ રોકડી વાસ્તવિકતા છે અને આશા એ પોસ્ટ ડેટેડ ચેક છે. દિવસ ઊગે અને કવરાવનારી રોકડી વાસ્તવિકતાથી બચી શકાતું નથી. આશાની વાટ માણસ ક્યાં સુધી જુએ? બીજું, ૨૦૧૧ પછી ભારતીય સમાજમાં જે હતાશા પેદા થઈ હતી એ સાધારણ નહોતી. અણ્ણા હજારે જેવા નાસમજ અને બાબા રામદેવ કે શ્રી શ્રી રવિશંકર જેવા અંગત એજન્ડા ધરાવનારાઓની પ્રજાએ આંગળી પકડી હતી. માણસ જ્યારે તણખલાનો સહારો લે ત્યારે સમજી જવું જોઈએ કે સંકટ કેવું મોટું છે. ડૉ. મનમોહન સિંહનો વિરોધી પણ તેમની બુદ્ધિપ્રતિભા, તેમની આવડત, તેમની પ્રામાણિકતા અને તેમનાં સરોકાર વિષે શંકા નહીં કરે. આવો માણસ જ્યારે હતપ્રભ થઈ ગયો હોય અને બીજી બાજુ ઉપાયના અભાવમાં પ્રજા અણ્ણા હજારે અને બાવાઓની આંગળી પણ પકડી લેતી હોય ત્યારે એ હતાશાને ગંભીરતાથી લેવાની જરૂર હતી.
પ્રજાને હતાશાનો ઉપાય જોઈતો હતો અને નરેન્દ્ર મોદી આશા, વધુ આશા અને હજુ વધુ આશા પેદા કરતા જતા હતા. ક્યાં સુધી આ ચાલે? ઉજળી કાલ ક્યારે ય આવે જ નહીં અને દરેક દિવસ આશાના નવા પડીકા સાથે ઊગે તો પ્રજા ક્યાં સુધી ધીરજ જાળવે? માત્ર ભારતીય પ્રજા સામે નહીં, સંકટ જાગતિક છે. તે જટિલ છે અને વિકટ પણ છે. તે વ્યાપક છે અને તેનાં મૂળિયાં ઊંડાં છે. ૨૦૧૭ પછી નરેન્દ્ર મોદીના સમર્થકોને પણ સમજાઈ ગયું હતું કે પ્રજાને સંકટ સામે ઝઝૂમનારા વડા પ્રધાન જોઈએ છે; ઇવેન્ટ બહાદુર, રોજ આશાના નવા નવા જુમલા ફેંકનારા, કાંઈક અનોખું કરવાનો દેખાડો કરતા વડા પ્રધાન નહીં જે નોટબંધી જેવો તઘલખી નિર્ણય પણ લે. ટૂંકમાં નરેન્દ્ર મોદીએ સંકટને ગંભીરતાથી સમજવાની કોશિશ કરી હોત તો આજે જે તેમની સામે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયાં છે એ ન ઘેરાયાં હોત. તેમણે ગુજરાતના તરકીબી મોડેલ પર ભરોસો રાખ્યો, સંકટ તેમ જ સંકટજન્ય હતાશાની ઉપેક્ષા કરી અને ઉપરથી રોજ નવી આશાના ફુગ્ગા ચગાવતા રહ્યા એ તેમની આજની અવસ્થાનું કારણ છે. આને કારણે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની બીજી અને કદાચ ત્રીજી મુદ્દત પણ નિશ્ચિત લાગતી હતી એ આજે અનિશ્ચિત બની ગઈ છે.
રાહુલ ગાંધી શેને કારણે ઊભા થયા? ૨૦૧૪ના રાહુલ ગાંધીમાં અને આજના રાહુલ ગાંધીમાં જમીન-આસમાનનો ફરક છે. માણસ આટલી હદે બદલાઈ શકે? ૨૦૧૪ના કૉન્ગ્રેસના કારમા પરાજય પછી અને એ પછી રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં થયેલા કૉન્ગ્રેસના ઉપરાઉપરના પરાજય પછી એક નેતા તરીકે રાહુલ ગાંધીના નામનું નાહી નાખવામાં આવ્યું હતું. ખાસ કરીને ૨૦૧૭ના માર્ચ મહિનામાં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને બે-તૃતીયાંશ બહુમતી મળી અને કૉન્ગ્રેસને તેમ જ કૉન્ગ્રેસ સાથે ચૂંટણી સમજૂતી કરનાર સમાજવાદી પક્ષને અનુક્રમે સાત અને ૪૭ બેઠકો મળી ત્યારે કહેવામાં આવતું હતું કે પપ્પુ સાથે હાથ મેળવવાને કારણે અખિલેશ યાદવના બારે વહાણ ડૂબી ગયાં છે.
આ રાહુલ ગાંધી ગજબના આત્મવિશ્વાસ સાથે નરેન્દ્ર મોદીની સામે ઊભા રહી ગયા છે. ‘ઇન્ડિયા ટુડે’ નામના પ્રતિષ્ટિત સામયિકે ‘ધ ઈવોલ્યુશન ઓફ રાહુલ ગાંધી’ નામની કવર સ્ટોરી કરી છે જેમાં રાહુલના ઉદય અને વિકાસની કારણમીંમાસા આપી છે. રાહુલ ગાંધીનો ઉદય મુખ્યત્વે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને બી.જે.પી.એ કરી આપ્યો છે. તેમને એટલી હદે કચડી નાખવામાં આવ્યા હતા અને એટલી હદે તેમનું મોરલ તોડવામાં આવ્યું હતું કે રાહુલ માટે બે જ વિકલ્પ બચ્યા હતા. કાં તો રાજકારણને રામરામ કરવા અથવા વળતો હુમલો કરવો. રાહુલે હાર કબૂલી નહીં. કૉન્ગ્રેસમાં અસંતોષ પેદા થયો નહીં કે વિભાજન થયું નહીં. આ બાજુ નરેન્દ્ર મોદી નક્કર કાંઈ આપી શક્યા નહીં અને ઉપરથી નોટબંધી તેમ જ ઉતાવળા જી.એસ.ટી.ને કારણે અસંતોષ વધ્યો. એ સમયે નરેન્દ્ર મોદી અને બી.જે.પી.એ રાહુલ વિશેનો અભિગમ બદલવો જોઈતો હતો. કૂણા પડવું જોઈતું હતું.
એની જગ્યાએ તેઓ રાહુલ પરનું આક્રમણ હજુ નીચલા સ્તરે લઈ ગયા હતા. મહાભારતના અભિમન્યુ અને કૌરવો જેવો સીન નજરે પડવા લાગ્યો. રાહુલ ગાંધીએ આમ છતાં રાજકારણને રામરામ કર્યા નહીં, લડતા રહ્યા, ખૂબ પ્રવાસ કરતા રહ્યા અને અકળાયા વિના કે વિવેક ગુમાવ્યા વિના વિઘ્નોનો સામનો કરતા રહ્યા ત્યારે લોકોને લાગવા માંડ્યું કે રાહુલ ગાંધી સાથે જે થઈ રહ્યું છે એ અસભ્ય અન્યાય છે; પણ આ છોકરો સભ્યતા છોડતો નથી. આજ સુધી એક પણ એલફેલ શબ્દ તેમણે ઉચાર્યો નથી. આનો અર્થ એવો નથી કે લોકોએ રાહુલ ગાંધીને મોટા ગજાના નેતા તરીકે સ્વીકારી લીધા છે કે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જોવા માંડ્યા છે; આનો અર્થ એટલો જ લોકો નરેન્દ્ર મોદીને ઓળખી ગયા છે. નરેન્દ્ર મોદી વિકાસના મોરચે વિરાટ નથી અને માણસાઈના મોરચે વામન છે. આ બાજુ રાહુલ ગાંધી પાસે ધીરજ જાળવીને ટકી રહેવા સિવાય કોઈ માર્ગ નહોતો. એ ટકી રહ્યા અને નરેન્દ્ર મોદી તેમ જ બી.જે.પી.ના અન્ય નેતાઓના પ્રતાપે ઊભા થઈ ગયા. એટલું તો રાહુલ ગાંધીના દુ:શ્મનો પણ સ્વીકારશે કે જે સંજોગોમાંથી રાહુલ પસાર થયા છે એ અસાધારણ હતા. ભલભલો માણસ તૂટી જાય. એ તૂટ્યા નહીં અને ઊભા થયા એ કોઈ કરિશ્મા છે.
તો ૨૦૧૪માં ત્રણ ખાતરી હતી; કૉન્ગ્રેસ ખતમ થઈ જશે, રાહુલ ગાંધી કૉન્ગ્રેસ પર બોજ છે અને ક્યારે ય ઊભા નહીં થઈ શકે અને નરેન્દ્ર મોદીને કોઈ બે અને કદાચ ત્રણ મુદ્દત સુધી કોઈ હલાવી નહીં શકે. એ ત્રણે ય ખાતરી ખતમ થઈ ગઈ છે. કૉન્ગ્રેસ બેઠી થઈ ચૂકી છે, રાહુલનો ઉદય થઈ ચૂક્યો છે અને નરેન્દ્ર મોદીને સૂર્ય મધ્યાહ્નેથી ખસી ચૂક્યો છે. મુખ્યત્વે આનો શ્રેય નરેન્દ્ર મોદી અને બી.જે.પી.ને જાય છે.
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 06 જાન્યુઆરી 2019
![]()

