૩૪ વર્ષ પહેલાં રાજીવ ગાંધીના કાળમાં શિક્ષણ નીતિ બદલાયેલી ને તે પછી ૧૯૯૨માં નજીવા ફેરફાર થયેલા, તેટલું બાદ કરતાં શિક્ષણ નીતિને નામે ઘણી અનીતિઓ ચાલી અને એમાં શિક્ષણ તો ખાડે ગયું જ, પણ નોન ગ્રાન્ટેડ સંસ્થાઓની મનમાની પણ ચાલી. એમાં ઘણાની આર્થિક સ્થિતિ સુધરી ને વાલીઓ તથા શિક્ષકોનું શોષણ વધ્યું તે નફામાં!
૨૯ જુલાઈને રોજ વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની મીટિંગ મળી ને એમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી મળી ગઈ. તે હવે સંસદમાં રજૂ થશે ને એ બિલ પસાર થશે તો તેનો અમલ ૨૦૨૧ના નવા સત્રથી થાય એમ બને. આ નીતિને હજી બે જ દિવસ થયા છે ને સંસદમાં પણ તેમાં ફેરફાર આવી શકે એમ છે એટલે એને વિશે કોઈ આખરી મત બાંધી લેવાની ઉતાવળ કરવા જેવી નથી.
આમ તો કોઈ પણ શિક્ષણ નીતિ, અનીતિ કરવા તો ન જ ઘડાય. ૭+૪(જૂનું એસ.એસ.સી.)માં પણ સારું શિક્ષણ મળ્યું જ અને કેટલાંક ઉત્તમ પરિણામો પણ આવ્યાં જ! પછી ૧૦ અને ૧૨માં બોર્ડની પરીક્ષાનું મહત્ત્વ વધારી દેવામાં આવ્યું ને એ ત્રાસ ૩૪ વર્ષ સુધી ચાલ્યો. એમાં વિદ્યાર્થી પર શિક્ષણનો બોજ વધ્યો. ટયૂશનનું અને ટ્યૂશન ક્લાસનું મહત્ત્વ વધ્યું અને વાલીઓ પર સ્કૂલ અને ટયૂશનની વધારાની ફી ભેગી કરવાનું ભારણ વધ્યું. એ ફી ભેગી કરવામાં વાલી ખૂબ ખર્ચાયો. પુસ્તકો, ગાઈડો, નોટબુકોના ખર્ચા વધ્યા. ડોનેશનને નામે લૂંટ ચાલી. લાખો રૂપિયા ડોનેશન આપીને બનેલો ડોક્ટર સેવા કરે એવું અપવાદોમાં જ રહ્યું. શિક્ષણ જવાબદાર નાગરિક બનાવે એ વાત લગભગ ભુલાઈ ગઈ. શિક્ષણે સંસ્કારને બદલે શોષણના માર્ગો ખોલી આપ્યાં ને શિક્ષણ ને નામે સત્તા અને સંપત્તિનો મહિમા જ વધ્યો. અપવાદો હશે, પણ ભણ્યા વગર પીએચ.ડી થનારા નીકળ્યા ને ભણાવ્યા વગર પીએચ.ડી કરાવનારાઓ પણ મળી રહ્યા. એ બાકી હતું તેમાં એમ.ફિલનું તૂત પણ ચાલ્યું. એ શરૂથી જ નકામું હતું, પણ કોઈને એવું લાગ્યું નહીં અને બધાએ જ ધંધો કૂટી કાઢ્યો.
નવી શિક્ષણ નીતિમાંથી એમ.ફિલને તિલાંજલિ આપવામાં આવી છે. આ થવો જોઈતો મહત્ત્વનો ફેરફાર છે. બીજો મહત્ત્વનો ફેરફાર બોર્ડની ૧૦ અને ૧૨ની પરીક્ષાનું મહત્ત્વ ઘટાડવાનો છે. ૧૦+૨નું સ્થાન હવે ૫+૩+૩+૪ લેશે. નવી શિક્ષણ નીતિમાં ૩ વર્ષ આંગણવાડી/પ્રિ.સ્કૂલિંગના હોવા ઉપરાંત ૧૨ વર્ષ શાલેય શિક્ષણના હશે. એમાં છેલ્લા દિવસોમાં ગોખીને પાસ થઈ જવાનું ચાલતું હતું, તે ખાસ નહીં રહે ને સતત મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થી કેટલું શીખ્યો છે તે જોવાશે. એક મહત્ત્વનો ફેરફાર ઓબ્જેક્ટિવ પ્રશ્નોને બદલે વર્ણનાત્મક જવાબોનું મહત્ત્વ વધારવાનો પણ છે. આમ થતાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ લાવવાનું ચલણ બદલાય તો નવાઈ નહીં. મને એ નથી સમજાતું કે લાખ લાખ વિદ્યાર્થી ગુજરાતીમાં નાપાસ થતા હોય ત્યાં કોઈના ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ કઈ રીતે આવે? ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ જે એક્ઝામિનરે માર્ક્સ આપ્યા હશે એમના પણ નહીં જ આવ્યા હોય તે નક્કી છે. ગણિતમાં ૧૦૦ આવે તે સમજી શકાય, પણ ભાષામાં? અસંભવ. એ ૧૦+૨માં બન્યું તેમાં ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સનો ફાળો મોટો છે. આ પદ્ધતિ બદલાઈ છે તે સારું થયું છે. એમ થતાં વિચારીને લખવાની વિદ્યાર્થીઓની ક્ષમતા ને હિમ્મત વધશે.
પાંચ ધોરણ સુધી માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવાની વાત પણ આવકાર્ય છે. એને કારણે અંગ્રેજી માધ્યમની બોલબાલા ઘટશે. એક વિષય તરીકે અંગ્રેજી હશે, પણ શિક્ષણનું માધ્યમ અંગ્રેજી ન રહેતાં, માતૃભાષા કે પ્રાદેશિક ભાષા રહેશે. જો કે માતૃભાષા કે પ્રાદેશિક ભાષાનું મહત્ત્વ પાંચમાં સુધી જ સ્વીકારાયુ છે તે ઓછું છે, તેમાં પણ ગુજરાતમાં તો બહુ જ ઓછું છે, કારણ ગુજરાતને અંગ્રેજી માધ્યમનું એટલું વળગણ છે કે ગુજરાત જતે દિવસે અંગ્રેજીને માતૃભાષાનું સ્થાન આપે તો આઘાત ન લાગે. શિક્ષણને મામલે ગુજરાત સૌથી વધુ તરંગી અને તુક્કાઓનું રાજ્ય છે. શિક્ષણ વિભાગ શેખચલ્લીઓથી ઉભરાય છે. અહીં, જો ૧૨ ધોરણ સુધી સ્કૂલ શિક્ષણ રહેવાનું હોય તો ગુજરાતી ફરજિયાત હોવું જ જોઈએ એટલું જ નહીં, કોઈ પણ કોલેજ પ્રવેશ માટે અન્ય વિષયની ટકાવારીમાં ગુજરાતીની ટકાવારી પણ ઉમેરાવી જ જોઈએ. ઈચ્છીએ કે સરકાર આ બાબતે ગંભીર થાય.
અનલોક-૩માં ૩૧ ઓગસ્ટ સુધી સ્કૂલો ને કોલેજો બંધ રહેવાની જાહેરાત થઈ છે ને બીજી તરફ એકમ કસોટી લેવાનું ઝનૂન ગુજરાતના શિક્ષણ વિભાગનું ઓછું થતું નથી. કમાલ છેને! સ્કૂલો બંધ છે ને પરીક્ષાઓ ચાલે છે. ૨૯-૩૦ જુલાઈને રોજ પરીક્ષા બિલકુલ ઢંગધડા વગર લેવાઈ. પરીક્ષા બે દિવસ, પણ ૧૦ ઓગસ્ટ સુધીમાં ગમે ત્યારે ઉત્તરવહી આપો. એ ગાળા દરમિયાન ગમે ત્યારે જવાબો લખો, ગમે તે લખો, ગમે તેની પાસે લખાવો, ખાતાંપીતાં લખો, નો પ્રોબ્લેમ! હવે આ જ જો પરીક્ષા હોય તો આ શેખચલ્લીઓ મશ્કરી કોને કહે છે તે નથી સમજાતું. સરકારને પૂછી શકાય કે સ્કૂલો બરાબર ચાલુ થઈ જાય પછી પણ આમ જ પરીક્ષા લેવાશે કે? જો નહીં, તો અત્યારે આવાં નાટકો શું કામ?
શિક્ષણ નીતિ કેન્દ્ર સરકાર નક્કી કરે છે, પણ તેનો અમલ રાજ્યો પોતાની રીતે કરે છે ને દાટ એમાં વળે છે. પ્રજા તરીકે આપણે સ્વાર્થી અને મૂરખ છીએ. વર્ષો સુધી ૧૦+૨ની નીતિ રહી. કોઈ રાજ્યોમાં નો’તું એવું અંગ્રેજી માધ્યમનું ભૂત ગુજરાતમાં ધૂણ્યું. ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપીને રાજ્ય સરકારે શિક્ષણનો બોજ પોતાને માથેથી ખંખેરી નાખ્યો ને પ્રજા મૂરખની જેમ જોતી રહી.
આપણો ઇતિહાસ હવે ઇતિહાસકારો નથી લખતા, ખુશામતખોરો લખે છે. એ ધારે તેનો એકડો કાઢી નાખે ને ધારે તેનો એકડો મોટો કરી આપે એમ બને. બને નહીં, બની રહ્યું છે. એ ઇતિહાસ આપણા વિદ્યાર્થીઓ શીખે છે ને શીખવાના છે. શિક્ષણ નીતિ બદલાય કે ન બદલાય, પણ ઇતિહાસ બદલાઈ રહ્યો છે તે સમજી લઈએ.
નવી શિક્ષણ નીતિમાં પ્રિ.સ્કૂલિંગ/આંગણવાડીનાં ત્રણ વર્ષ પણ ગણતરીમાં લેવાયાં છે. એ વર્ષો કોઈ પણ રીતે બાળકને ઉપકારક નથી. ૩ વર્ષની ઉંમરથી બાળકને શિક્ષણમાં જોતરવું એ શુદ્ધ પાપ છે. જો સ્કૂલિંગ માટે પહેલું ધોરણ નક્કી હોય તો પ્રિ.સ્કૂલિંગ પર સરકારે નજર બગાડવાની જરૂર નથી. ૧ ધોરણથી પ્રાઈમરી એજ્યુકેશન શરૂ થતું હોય ને તે મફતમાં જતું હોય તો પ્રિ.સ્કૂલિંગ મફતમાં કેમ ન જાય? પણ તેનો બોજ ઉપાડવા સરકાર તૈયાર નથી. પ્રિ.સ્કૂલિંગ ખાનગી રાહે જ ચાલે છે ને ચાલશે જે અટકવું જોઈએ, કારણ એ આમ તો કમાવા માટે જ છે.
૩થી ૫ની ઉંમરનું બાળક ખાનગી સ્કૂલોનું પેટ પાળવા માટે હોય છે. આંગણવાડી ને ખાનગી સંસ્થાઓને ફી મળે, રિક્ષા કે કારવાળાને ભાડું મળે, યુનિફોર્મવાળા, દરજી વગરેના ધંધા એ ૩થી ૫ની ઉંમરના બાળકો પર ચાલે છે. એની સામે બાળકને શું મળે છે? અસહ્ય ત્રાસ, ઘરથી સ્કૂલની દોડાદોડી, ટીચરની નફરત ને ચીડ, મમ્મી-પપ્પાનું ટોર્ચર. ઊંઘમાંથી ગમે તે ઉઠાડી કાઢે, ન નહાવું હોય ત્યારે નહાવાનું ને ન ગમે તેવી સ્કૂલબેગનો પોતાનાં વજન કરતાં પણ વધારે બોજ ઉપાડીને ઢસડાવાનું … આ બધું જ આપણે જાણીએ છીએ, પણ બાળક પ્રત્યેની પૂરી નિર્દયતાથી ચલાવીએ છીએ. આપણે એનું ભલું કરીએ છીએ? જરા પણ નહીં. જે થોડા કલાક ઘરમાં શાંતિ થઈ તે ખરી. જે માબાપ રડતાં બાળકને ઘોડિયાં ઘરમાં મૂકે છે તેમને બાળક પછી ઘરડાંઘરમાં મૂકે તો રડવા જેવું નથી.
સરકાર, સ્કૂલો અને માબાપ બોલે છે ખરાં કે બાળક ભણવા માટે નથી મોકલાતું, એ તો રમવા મોકલાય છે. જરા અંતરાત્માને પૂછીએ કે એવું ખરેખર છે? જો રમવા જ મોકલાતું હોય તો એને ઘરમાં જ રમવા કેમ નથી દેવાતું? સવારના સાતનો સમય રમવાનો સમય છે તો સ્કૂલબેગ કઈ ખુશીમાં ખભે ઠલવાય છે તે કોઈ કહેશે? એક વાત સમજી લઈએ કે આપણે ટાબરિયાંને પ્રિ.સ્કૂલિંગ (કે ફૂલિંગ?) બીજાના ધંધા ચલાવવા કરાવીએ છીએ. ઘણા એવી દલીલ કરે છે કે છોડને વાળીએ તેમ વળે, બરાબર, પણ બાળક વાળવા જેવો છોડ બને એટલી ધીરજ તો રાખી શકાયને! કે તે બીજ કે કૂંપળ હોય ત્યારે જ મરડી નાખવાનું? ઘણા મહાભારતના અભિમન્યુને ગર્ભથી જ શીખવાનું મળ્યું એનો દાખલો આપે છે. એ અશક્ય નથી, પણ બધાંમાં એ સામાન્ય પણ નથી. એનું ગર્ભશિક્ષણ અધૂરું રહ્યું તે પણ સૂચક છે ને એ અધૂરાં શિક્ષણે શું પરિણામ આપ્યું તે પણ સૌ જાણે છે. એ પ્રયોગ હતો. એ બધાંને સરખી રીતે લાગુ પાડી શકાય એમ હોત તો તે પછી કેટલી સ્ત્રીઓ ગભવતી થઈ, એ પ્રયોગ ચાલુ કેમ ન રહ્યો? દરેક વાત ને એક સમય છે. યોગ્ય ઉંમરે શિક્ષણ મળે તો તેનો વાંધો જ નથી. લગ્નની ઉંમર અઢાર નક્કી છે, પણ ઉતાવળે નવ નવની બે કન્યાના સરવાળાને અઢાર તો ન ગણાયને?
પ્રિ.સ્કૂલિંગ ને સરકાર શિક્ષણ નીતિનો ભાગ બનાવી શકે નહીં, તેમ થશે તો સરકાર પણ તેને નામે ધંધો જ કરવા માંગે છે એમ સમજવાનું રહે.
૦
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ' નામક લેખકની કટાર, “ધબકાર”; 31 જુલાઈ 2020
![]()


રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ આખરે વિધાનસભા બોલાવવાની દરખાસ્ત ગ્રાહ્ય રાખી છે અને હવે ૧૪મી ઑગસ્ટે ગૃહ મળશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના વડપણ હેઠળ પ્રધાનમંડળે લાગટ ચોથી વાર કહ્યું ત્યારે ત્રણ નન્ના પછી રાજ્યપાલે છેવટે હા ભણી છે.
કેટલાં બધાં વયજૂથના, કેટલા બધા મિત્રો મળ્યા! મેં કહ્યું કે આમ જુઓ, તો આ તો ઉંમરની કરામત થઈ. એમાં હું નિરુપાય છું, ઉંમર પણ નિરુપાય … ને જમાનો પણ નિરુપાય. પણ થોડી થોડી મૈત્રી અને થોડું થોડું મિત્રમંડળ, થોડી થોડી પ્રવૃત્તિ એમ જે બધું બનતું ગયું. એમાંથી ઘડતર પણ કાંક કાંક થતું ગયું.
જે વિચારો અને પ્રવૃત્તિઓમાં હું ઉત્તરોત્તર ઠરતો ગયો, મારા ગ્રૅજ્યુએશનની વાત તો કરી, બીજનિક્ષેપનો વિચાર કરતાં પાછળ ફરીને જોઉં છું તો ૧૯૫૫ના સાબરમતી આશ્રમની એ વિચારશિબિરનું સ્મરણ થાય છે, જેમાં દાદા ધર્માધિકારીનાં સળંગ વ્યાખ્યાનો થયાં હતાં. શ્રોતાઓમાં પંડિત સુખલાલજી, ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોળી, વજુભાઈ શાહ, નારાયણ દેસાઈ, પ્રબોધ ચોકસી સહિતની એક આખી નક્ષત્રમાળા હતી. પંડિતજીએ પાછળથી એક વાર કહેલું કે જેના શ્રવણે કરીને આપણે શ્રાવક થઈએ એવાં વ્યાખ્યાનો એ હતાં. શાસન અને સમાજના સંદર્ભે નવવિધાનની ચર્ચા કરતાં, ક્રાન્તિ-આરોહણલક્ષી વ્યાખ્યાનો એ હતાં. દાદાએ જે મુખડો બાંધ્યો હતો, એ આ લખતી વખતે કાનમાં ગુંજે છે. એમણે બે ઉપનિષદ્-વચનો સંભારીને સહજીવનની માનવમથામણ વિષયક વિવિધ અભિગમોની ચર્ચામાં જવું પસંદ કર્યું હતું. પહેલું વચન હતું કે एकाकी न रमते, એકલા ગોઠતું નથી. અને બીજું વચન હતું કે द्वितीयात् भयम्, જ્યાં બીજું જણ ફૂટી નીકળે ત્યાં કમઠાણ, કમબખ્તી ! (સાર્ત્રબાવા કહેશે કે આ ‘અધર’ તે ‘હે’લ’ છે.) તો, સાથે રહેવાની, સહવાસ – સહવિકાસની મનુષ્યજાતિની મથામણ, પારસ્પર્યની કોશિશ, એ માટે સંસ્થાબાંધણી, એમાં વળી વિચારધારાની રમઝટ એવી એક સમગ્ર ચર્ચા આવતી કાલને અનુલક્ષીને એમાં હતી. માનવસભ્યતા સમસ્તનો મોટો ફલક હતો. બ્રિટિશ તંત્રી અને રાજપુરુષ રિચર્ડ ક્રૉસમેનની ‘ગર્વમેન્ટ ઍન્ડ ગવર્ન્ડ’ જેમ વિવિધ રાજકીય વિચારો અને સંસ્થાઓની નાગરિક પ્રવેશિકા જેવો સીમિત નહીં. એકલા ગોઠે નહીં અને બેકલા, અનેકલા અરસપરસ જામે નહીં. તો, આ જે પારસ્પર્ય, એ માટે તમને કેવું શાસન જોઈએ, કેવો સમાજ જોઈએ. દર્શકે, જૂનાં ભજનો નગદનાણું છે એમ કહીને મજાનો દાખલો આપ્યો છે. ગંગાસતીએ પુત્રવધૂ (છેલ્લા સંશોધન પ્રમાણે વડારણ) પાનબાઈને કહ્યું કે રમવાને આવો મેદાનમાં, તમને બતાવું નવલા દેશ. અને આ ‘નવલ’ની વ્યાખ્યા ? તો કહે, – નહીં વરણ, નહીં વેશ. અધ્યાત્મની વાત નથી આ. દિલીપ ચિત્રેના તુકારામ કહે તેમ યાંચી દેહી યાંચી ડોળં.