માણસની માણસ તરીકેની અખિલાઈ અને નીડરતા એ રાજકારણ છે કે આધ્યાત્મિકતા? ગાંધીજી ભારત આવ્યા એ પછી તેઓ સર્વત્ર અનુભવ કરતા હતા કે દેશની પ્રજામાં એકતા નથી અને ભય સાર્વત્રિક છે. અંગ્રેજોનો ભય, જેલ જવાનો ભય, સજા થવાનો ભય, કશુંક ગુમાવવાનો ભય અને સૌથી વધુ તો એકબીજાનો ભય. કોઈને કોઈના ઉપર વિશ્વાસ નથી. અંગ્રેજો પોતે ડરાવે છે અને ભારતની પ્રજાને એકબીજાથી પણ ડરાવે છે. ઉપરથી લાલચ આપે છે. ભારતીય સમાજનો કોઈ વર્ગ ડરીને અંગ્રેજોની આંગળી ઝાલી રાખે છે તો કોઈ લાલચથી. ગાંધીજીએ જોયું કે ભય અને શંકા ભારતીય રાજકારણનો સ્થાયીભાવ છે.
રાજકીય નિવેદનો નહીં કરવાનું ગાંધીજીએ ગોપાલકૃષ્ણ ગોખલેને વચન તો આપ્યું હતું, પરંતુ શંકાગ્રસ્ત, ભયભીત અને વિખરાયેલા સમાજ વિષે બોલવાનું આવતું જ રહેતું હતું. કર્મવીર ગાંધી તરીકેની ખ્યાતિ એવડી મોટી હતી કે ગાંધીજી જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં જે તે સમાજવિશેષના લોકો તેમની પાસેથી મોટી આશા રાખતા. જો આ માણસની તાકાત આપણને મળે તો ફલાણા સમાજને તેની જગ્યા બતાવી દેવાય. દરેકને આવું લાગતું હતું. એટલે ગાંધીજીને મળતી વખતે સૌ પહેલા તો તેઓ જે તે સમાજવિશેષથી અને તેના નેતાઓથી ચેતતા રહેવાની ગાંધીજીને સલાહ આપતા. આમ ગાંધીજીને અનુભવ થતો રહેતો હતો કે દરેકને એકબીજાનો ભય છે, દરેક એકબીજાને શંકાથી જુએ છે, દરેક બીજાના ભોગે પોતાની જગ્યા બનાવવા માગે છે.
એક પ્રસંગ બહુ જાણીતો છે. બેલગામમાં કૉન્ગ્રેસની પ્રાંતિક પરિષદ મળી હતી. ગાંધીજી નવા નવા ભારતમાં આવ્યા હતા એટલે ભારતના ઘણા નેતાઓએ તેમને એ પહેલાં ક્યારે ય જોયા નહોતા. આવા એક નેતા લોકમાન્ય તિલકનો જમણો હાથ ગણાતા દાદાસાહેબ ખાપરડે પણ હતા. બેલગામમાં તેઓ મંચ ઉપર લોકમાન્ય અને ગાંધીજીની પાછળની હરોળમાં બેઠા હતા. ગાંધીજી જ્યારે બોલવા ઊભા થયા ત્યારે તેમને સાંભળીને દાદાસાહેબ ખાપરડેએ આગળ ઝૂકીને તિલકના કાનમાં કહ્યું હતું કે, ‘આ માણસ છે તો દમદાર પણ આપણા કામનો નથી.’
એ પરિષદમાં બહુજન સમાજના નેતાઓ પણ આવ્યા હતા. તેઓ પણ ગાંધીજીને મળ્યા અને કહ્યું કે તેઓ સમાજને સનાતની બ્રાહ્મણોની અને તેમના મનુવાદી રાજકારણની ચુંગાલમાંથી મુક્ત કરવા સંઘર્ષ કરી રહ્યા છે. બ્રાહ્મણો સામાજિક સમાનતાના વિરોધી છે અને જ્યાં સુધી સામાજિક સમાનતા ન સ્થપાય ત્યાં સુધી આઝાદ ભારતમાં બહુજન સમાજનું કોઈ ભવિષ્ય નથી. તેમણે તેમના સંઘર્ષમાં ગાંધીજીની મદદ માગી ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે સમાનતા માટેની લડાઈ સમાનતા માટેની હોવી જોઈએ એમાં બ્રાહ્મણનો દ્વેષ કરવાની અને તેને ખતમ કરવાની જરૂર ક્યાં ઊભી થઈ? એવું છે કે કોઈના તરફ દુશ્મની રાખ્યા વિના સંઘર્ષ ન થઈ શકે? સંઘર્ષ મુદ્દાને લઈને કરવાનો હોય, વ્યક્તિ કે સમાજને લઈને? ગાંધીજીની આ વાત સાંભળીને બેલગામમાં બહુજન સમાજના નેતાઓ પણ એવા તારણ ઉપર આવ્યા હતા કે, ‘આ માણસ છે તો દમદાર પણ આપણા કામનો નથી.’
‘આ માણસ છે તો દમદાર પણ આપણા કામનો નથી’ એવો ભારતમાં ગાંધીજી વિશેનો સાર્વત્રિક અભિપ્રાય બની ગયો હતો. ગોપાલકૃષ્ણ ગોખલેએ ‘ભારત સેવક સમાજ’ નામની એક સંસ્થા સ્થાપી હતી. ગાંધીજી ભારત આવે એ પછી તેઓ ભારત સેવક સમાજમાં જોડાય એવી તેમની વર્ષો જૂની ઈચ્છા હતી. તેમને તો એમ લાગતું હતું કે તેમના પછી ગાંધીજી સમાજનું નેતૃત્વ કરશે. ભારત આવ્યા પછી ગોખલેના આગ્રહથી ભારત સેવક સમાજના સભ્યપદ માટેનું ફોર્મ ભર્યું. બન્યું એવું કે ગાંધીજી ભારત આવ્યા અને હજુ બે મહિના પણ નહોતા થયા ત્યાં ગોખલેનું અવસાન થયું. હવે ગાંધીજીને સભ્યપદ આપવાનો નિર્ણય ગોખલેના અનુયાયીઓએ લેવાનો હતો. તેઓ સભ્યપદ આપવાનું ટાળતા હતા. કારણ બહુ સ્પષ્ટ હતું; ‘આ માણસ છે તો દમદાર પણ આપણા કામનો નથી.’ છેવટે ભારત સેવક સમાજના પદાધિકારીઓને શરમથી મુક્ત કરવા ગાંધીજીએ પોતે સભ્યપદની અરજી પાછી લીધી હતી. ગોખલેના અનુયાયીઓને ગોખલેનો જ રાજકીય શિષ્ય નહોતો પરવડતો.
હિંદુ રાજકારણ કરનારા હિંદુઓ હોય, મુસ્લિમ રાજકારણ કરનારા મુસલમાનો હોય, મુસલમાનોમાં રૂઢિચુસ્ત રાજકારણ કરનારા મૌલવીઓ હોય કે આધુનિક શિક્ષિત મુસલમાન હોય, હિંદુ સનાતની સવર્ણોનું રાજકારણ કરનારા બ્રાહ્મણો હોય, દલિતો અને બહુજન સમાજનું રાજકારણ કરનારા નેતાઓ હોય, રસ્તા ઉપર ઉતર્યા વિના વિનય-અનુનયનું સંસદીય રાજકારણ કરનારા ઉચ્ચ શિક્ષિત વિનિતો હોય, આર્યગૌરવનું રાજકારણ કરનારા આર્યસમાજીઓ હોય કે પછી દ્રવિડ રાજકારણ કરનારા દ્રવિડ નેતાઓ હોય, પારસીઓ અને એંગ્લો ઇન્ડિયનો જેવી નાનકડી લઘુમતી કોમના નેતાઓ હોય; એ દરેકનો ગાંધીજી વિશેનો એકસરખો મત હતો કે, ‘આ માણસ છે દમદાર પણ આપણા કામનો નથી.’
ગાંધીજી ભારત આવ્યા એ પછી ગાંધીજીના ભારતીય નેતાઓ સાથેના પહેલા દીદાર વિષે, તેમની સાથે થયેલા વાર્તાલાપ વિષે અને તેમની પ્રતિક્રિયા વિષે આખું એક પુસ્તક લખી શકાય એમ છે. કેવું કુતૂહલ, કેવી મોટી અપેક્ષા અને કેવો મોટો મોહભંગ! પાછું લગભગ અપવાદ વિના સાર્વત્રિક. દરેકનું એક જ તારણ; ‘આ માણસ છે દમદાર પણ આપણા કામનો નથી,’ કનૈયાલાલ મુનશીએ તેમની આત્મકથામાં તેમના શબ્દો પણ આ જ વાત કહી છે.
આપણા કામનો નથી એટલે શું? દાદાસાહેબ ખાપરડે લોકમાન્ય તિલકને શું કહેવા માગતા હતા? બીજા નેતાઓ પણ લગભગ આવા જ તારણ ઉપર આવ્યા હતા તો તેમને ગાંધીજી શા માટે કામના નહોતા લાગ્યા? ગાંધીજી કોના કામના હતા અને કોના કામના નહોતા અને જો નહોતા તો શા માટે નહોતા? જે માણસ કામનો ન હોય એ દેશનું સતત ત્રણ દાયકા સુધી નેતૃત્વ કરી શકે? અને પાછી લોકપ્રિયતા પણ કેવી? જગતના ઇતિહાસમાં કોઈ નેતાની ભાગ્યે જ જોવા મળે એવી. કેવો હતો એ મોહનનો મસાલો જે બધાને જોઈતો હતો, પણ પાછો કોઈના કામનો પણ નહોતો. કોઈને પરવડે એવો નહોતો. વળી મસાલો પાછો એવો હતો જેની ઉપેક્ષા પણ થઈ શકે એમ નહોતી.
ગાંધીજી જ્યારે દરેક સમાજવિશેષના પ્રસ્થાપિત રાજકારણના પ્લેટફોર્મ નકારતા હતા અને લગભગ બધાને કામના નહોતા લાગતા ત્યારે લોકમાન્ય તિલકે તેમના એક અનુયાયીને ગાંધીજીની જાત શોધી કાઢવાનું કહ્યું હતું. લોકમાન્યના શબ્દોમાં: ‘મોટો માણસ છે એટલે જાહેરમાં પૂછવાનું શોભે નહીં, પણ અલ્યા તપાસ તો કર આ માણસ કઈ નાતનો છે. આ તો માળો દરેક ખભાને નકારે છે.’
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 નવેમ્બર 2020
![]()


એક પિતા તેમની પુત્રીને પત્રો લખે અને તેમાં પૂરા જગતભરનું દર્શન કરાવે અને તે પત્રો આગળ જતાં એક મહામૂલ્ય દસ્તાવેજની જેમ પ્રકાશિત થયો. આ દસ્તાવેજ એટલે જવાહરલાલ નેહરુ લિખિત ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’. નેહરુએ આ પત્રો જેલવાસ દરમિયાન પુત્રી ઇન્દિરાને લખ્યા હતા. એક પિતા તેના પુત્રીને વરસગાંઠની કેવી ભેટ આપી શકે તેનું આ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ભેટ આપતી વેળાએ શરૂઆતમાં નેહરુને જે અનુભૂતી થઈ હતી તે પણ તેમણે આલેખી છે. તેઓ લખે છે : “તારી વરસગાંઠને દિવસે હંમેશાં તને ભાતભાતની ભેટસોગાદો અને શુભેચ્છાઓ મળતી રહે છે. આજે પણ અંતરની શુભેચ્છાઓ તો તને ભરપૂર મોકલું છું, પણ નૈની જેલમાંથી હું તને ભેટ શી મોકલી શકું? મારી ભેટ બહુ સ્થૂલ કે નક્કર પદાર્થોની તો ન જ હોઈ શકે. તે તો કોઈ ભલી પરી તને આપી એવી સૂક્ષ્મ, હૃદય અને આત્માની ભેટો જ હોઈ શકે, અને તુરંગની ઊંચી ઊંચી દીવાલો પણ એ ભેટોને તો થોડી જ રોકી શકવાની હતી?” નૈની જેલમાંથી લખેલા પ્રથમ પત્રથી આ પુસ્તક આકાર લેવા માંડ્યું હતું. 31 ઑક્ટોબરે ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ હતી, તેને અનુલક્ષીને પિતા-પુત્રોના આ ભૂલાયેલા આ સંબંધને ફરી જાણવા જેવો છે.

થાય છે, ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીને મિશે (વિશે નહીં પણ મિશે) બે શબ્દો લખું. કેમ કે હું ઉમેદવાર હતો, લેખનકારી અંગત વાતોમાં સરી જાય તેવો ભય છે એ હું જાણુંસમજું છું પણ મારું વલણ ને નેમ એક સહૃદય હોઈ શકતા નાગરિકને નાતે કંઈક બિનઅંગત વાનાં જાહેરહિતમાં છેડવા ભણી છે.