જીવન પીડા છે, સાહિત્યસર્જન આશ્વાસન.
માનવજીવન અસંગત છે, ઍબ્સર્ડ, એવું જ્ઞાન આલ્બેર કામૂને થયું તેમાં કશી નવાઈ નથી. લોકમાનસમાં તો સદીઓથી છપાયેલું જ છે કે બધું માયા છે, મિથ્યા છે, જીવન નિ:સાર છે, સંસાર અસાર છે.
‘મહાભારત’-કાર વ્યાસે તો અસારત્વને બરાબરનું જાણ્યું છે ને એથી શું થાય, શું નીપજે, તે પણ જણાવ્યું છે. કહ્યું છે : યથા યથા વિ પર્યતે લોકતન્ત્રમ્ અસારત્વ, તથા તથા વિરાગો અત્ર જાયતે, ન તત્ર સંશય …
આપણા સૌનો અનુભવ છે કે જનજીવનમાં કે આપણા પોતાના જીવનમાં બધું ઊધુંછતું થવા માંડે, તળેઉપર થવા માંડે, પાયા હચમચી જાય, એટલે આપણે ધબૂસ થઈને બેસી પડીએ છીએ. ચિત્તમાં સૂનકાર છવાઈ જાય. જીવનરસ સૂકાવા લાગે. વૈરાગ્ય જન્મે. આપણને થાય, અહીં કશું છે નહીં, ચાલો ક્યાંક જતા રહીએ …
આ કોરોનાકાળે થઈ રહેલાં સંખ્યાબંધ મૃત્યુથી અનેકોના ચિત્તમાં અસારત્વ અને વૈરાગ્યના ભાવ જન્મ્યા છે.
પણ આ વિકરાળ પરિસ્થિતિ સામે કેટલીક વ્યક્તિઓ હાથ જોડીને બેસી નથી રહેતી. પોતાની સર્જકતાને કામે લગાડે છે. આપણે જોઈએ છીએ કે, પ્રવર્તમાન વિભીષિકાની સાથોસાથ, સાહિત્ય અને અન્ય કલાઓમાં પુષ્કળ સર્જન થઈ રહ્યાં છે. સામાન્ય વાત છે પણ જુઓ ને, રોજે રોજ સંખ્યાબંધ જોક્સ અને અર્થબોધ કરાવનારાં ઑડીઓ વિડીઓનાં ફૉરવર્ડ્ઝ અત્રતત્ર સર્વત્ર પ્રસર્યા જ કરે છે. એમાં મૂળ સર્જક કે પ્રોડ્યુસરનાં નામ પણ નથી હોતાં. એટલે હું તો એને કોરોનાકાળનું લોકસાહિત્ય કહું છું. આપણા મોહન પરમારે ‘કાલપાશ’ નવલકથા પ્રકાશિત કરી છે. રીષભ મહેતા અને એમનાં પત્ની લગભગ રોજ ગાયનવાદન કરે છે. બીજાઓ પણ ઘણુંક સરજી રહ્યા છે.
જાત-અલગાવ સ્વીકારીને જીવતા વિશ્વભરના કલાકારો કંઈ ને કંઈ સરજી રહ્યા છે. ચોપાસ માનવીય સર્જકતાની લીલા જોવા મળે છે. એક દૃષ્ટાન્ત આપું : CNN અમેરિકાની સુખ્યાત ન્યૂઝ ચૅનલ છે. વચગાળામાં, એણે દુનિયાનાં વિવિધ શ્હૅરોમાં વસતા ૯ કલાકારોને મૌલિક સર્જન કરવા કહેલું – એવાં સર્જન, જેમાં સામ્પ્રત પરિસ્થતિ ઝિલાઈ હોય. ચિત્ર અને શિલ્પમાં વધારે કલાકૃતિઓ સરજાઈ હતી. એ કલાકારોએ ભાવ-પ્રતિભાવ વ્યક્ત કર્યા : કોઈ કલાકારને સર્જનની એ તક વિરલ વરદાન લાગી. કોઈએ કહ્યું – આવા સમયે જ લોકોમાં રહેલું શુભ પ્રકાશે છે. કોઈએ મૅસેજ આપ્યો – આપણે સૌએ એકમેકની સાથે પ્રેમથી જીવતાં શીખવાનું છે. વગેરે.

Picture Courtesy : CNN
વૈશ્વિક પરિસ્થિતિ દુ:સ્વપ્ન જેવી, પણ માણસ રીઢો સ્વપ્નદૃષ્ટા છે, એટલે આવાં સર્જનાત્મક સપનાં આકારીને દુ:ખોનો નાશ કરે છે. ઘોર નિરાશા વચ્ચે કલાની સત્તા પ્રગટી રહી છે. એવી તકો પ્રગટી રહી છે કે માણસને જીવન નિ:સાર ન લાગે. સંગતિ તેમ જ અર્થવત્તાની અનુભૂતિ થાય. આશાનાં વાદળ બંધાવા લાગ્યાં છે. બને કે નજીકના ભવિષ્યમાં વરસે ને શારીરિક, ભૌતિક તેમ જ આધ્યાત્મિક ઠંડક અનુભવાય. એવા એક વાદળનું નામ છે વૅક્સીન … અને વૅક્સીન પણ મહામૂલું સર્જન જ છે …
વ્યાસ પોતે કૌરવો-પાણ્ડવોના જ નહીં પણ એ કાળના દુ:ખદાયી મનુષ્યજીવનને બચાવી લેવા માગતા’તા. ‘મહાભારત’-ની રચના પાછળના એમના એ ઉદ્દેશ વિશે જેટલું વિચારીએ, ઓછું પડવાનું. શું વ્યાસ, પાણ્ડવોનો ‘વિજય’ અને કૌરવોનો ‘પરાજય’ જ દર્શાવે છે? ના. મનુષ્યજીવનમાં યુદ્ધ ભયાનક દુર્ઘટનાવલિ છે એટલું જ દર્શાવે છે? ના. વ્યાસ એમ પણ સૂચવે છે કે યુદ્ધ તો મનુષ્યના ચિત્તમાં વસે છે. સતવાદી યુધિષ્ઠિર માટે જ સ્વર્ગનાં દ્વાર ખૂલે? હા, પણ સત્યમય જીવન પોતે જ સ્વર્ગીય છે.
અને સાંભળો, મહાભારત યુદ્ધ પછી હસ્તિનાપુરની ગાદી સંભાળતા પેલા પરીક્ષિતનું ૭ દિવસમાં મૉત થવાનું હતું, પણ એ ‘શ્રીમદ્ ભાગવત’-ના શબ્દશ્રવણથી બચી ગયો. શબ્દ સંજીવની છે. શાપ ઋષિએ આપેલો, શાપ ટળ્યો પણ ઋષિવાણીથી. ઋષિઓ અને કલાકારો ક્રાન્તદૃષ્ટા હોય છે, ભવિતવ્યને જોઈ શકે …
મારું મન્તવ્ય છે કે જીવન અને સર્જન વચ્ચે ગર્ભિત સમ્બન્ધ છે. દુ:ખોને સર્જક નીરખે, અનુભવે, ને પછી પોતાની સર્જકતાએ કરીને તેનું નિરસન કરે. જીવન જો પીડા છે, તો સાહિત્ય અને કલાઓનાં સર્જન તેનાં રસિકડાં આશ્વાસન છે. સમજો, કુદરતે અસારત્વ સરજ્યું, તો માણસે સારત્વ … કદાચ બધો સાર અસારતાની નીચે છુપાયેલો હતો … સર્જકતાએ શોધી કાઢ્યો …
= = =
(January 18, 2021: USA)
![]()


ઝારખંડ વિધાનસભાના એકદિવસીય ખાસ સત્રમાં આગામી વસ્તીગણતરીમાં આદિવાસીઓ માટે અલગ ધર્મકોડની માંગણીનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. અલગ ઝારખંડ રાજ્યની રચના જેટલી જ જૂની માંગ અલગ આદિવાસી ધર્મકોડની પણ છે. ઝારખંડ મુક્તિ મોરચાએ વિધાનસભા ચૂંટણીમાં અલગ ધર્મકોડનું વચન આપ્યું હતું. એ જ પક્ષના હેમંત સોરેન મુખ્ય મંત્રી બનતાં માંગણીને બળ મળ્યું. દેશનાં અનેક રાજ્યોના આદિવાસીઓ રાષ્ટ્રીય કક્ષાએ પણ આ માંગ વરસોથી કરતા રહ્યા છે. ઝારખંડનાં આદિવાસી સંગઠનો કોરોનાકાળમાં પણ અલગ ધર્મકોડ માટે ઉગ્ર આંદોલન કરી રહ્યા હતા. એટલે સરકારે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જમણેરી બળો આદિવાસીઓને હિંદુ જ ગણે છે, પરંતુ આદિવાસીઓના મત ગુમાવવા ન પડે એટલે રાજ્યના મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પક્ષને પણ સરના-આદિવાસી એવા અલગ ધર્મકોડની માંગણીનું સમર્થન કરવું પડ્યું છે.