
![]()

![]()
ગયા સપ્તાહના લેખમાં મેં લખ્યું હતું કે આઝાદીનાં આંદોલન દરમ્યાન ભારતીય રાષ્ટ્રની સંકલ્પના વિષે પ્રશ્નો પૂછાતા હતા અને ગાંધીજી સહિત કૉન્ગ્રેસના બધા વરિષ્ઠ નેતાઓએ ખુલાસા કરવા પડતા હતા. ગાંધીજીનાં સામયિકોનો એવો એક અંક જોવા નહીં મળે જેમાં આવો સવાલ પૂછવામાં ન આવ્યો હોય અને ગાંધીજીએ જવાબ ન આપ્યો હોય. આનાથી ઊલટું હિંદુ રાષ્ટ્રની સંકલ્પના વિષે હિન્દુ રાષ્ટ્રવાદીએ પ્રશ્ન પૂછ્યા હોય અને હિન્દુત્વવાદી નેતાઓએ ખુલાસા કર્યા હોય એવો એક પણ પ્રસંગ યાદ નથી. સામેથી તો ખુલાસો નથી કરતા, પણ સેક્યુલર હિંદુઓ ખુલાસો માગે છે ત્યારે પણ તેઓ ખુલાસો નથી કરતા. શા માટે? કશુંક ગોપિત છે? કે પછી તેઓ પણ નથી જાણતા કે હિંદુરાષ્ટ્ર કેવું હશે? તમને એક સાચા હિંદુ રાષ્ટ્રવાદી તરીકે એમ નથી લાગતું કે તમારાં સંતાનનાં ભવિષ્ય ખાતર પણ હિંદુ રાષ્ટ્રના સ્વરૂપ વિષે સ્પષ્ટતા હોવી જોઈએ?
હિંદુ હિંદુ રાષ્ટ્રવાદી હોય કે ભારતીય રાષ્ટ્રવાદી, હિંદુ હિન્દુત્વવાદી હોય કે સેક્યુલર; સવાલ તો એક જ છે કે હિંદુ રાષ્ટ્ર માથાભારે હિંદુઓનું હશે કે શક્તિશાળી હિંદુઓનું? લાભ કેવા હિંદુને પેદા કરવામાં છે? દેશનું અને હિંદુનું ભવિષ્ય કેવા હિંદુને પેદા કરવામાં છે?
હવે માથાભારે પ્રજા કેવી હોય અને શક્તિશાળી પ્રજા કેવી હોય એનો તફાવત તો આ લેખમાળામાં પારસીઓ અને ભાયાતોના ઉદાહરણ દ્વારા બતાવી આપવામાં આવ્યો છે. પારસીઓ દુન્યવી અર્થમાં નિર્બળ હોવા છતાં હજુ આજે પણ શક્તિશાળી છે અને ભાયાતો દુન્યવી અર્થમાં બળુકા હોવા છતાં ઇતિહાસ બની ગયા છે. કારણ એટલું જ કે તેઓ માથાભારે હતા, શક્તિશાળી નહોતા.
‘રાજા, વાજા અને વાંદરા એને છેડવાના ન હોય’ અથવા ‘પાણીમાં રહીને મગર સાથે દુશ્મની ન કરાય’ એવી બે કહેવતો તો તમે સાંભળી જ હશે. પહેલી કહેવત એમ સૂચવે છે કે જેની પાસે સત્તા છે એની પાસે તાકાત છે અને બીજી કહેવત એમ સૂચવે છે કે જેની પાસે તાકાત છે એની પાસે સત્તા છે. આ સ્થિતિમાં તમે સાચા હો તો પણ તમને ન્યાય મળવાનો નથી, કારણ કે એક પાસે સત્તાની તાકાત છે અને બીજા પાસે તાકાતની સત્તા છે. બન્ને સત્ય અને ન્યાયબુદ્ધિને બાજુએ મૂકીને વર્તવાની અનુકૂળતા ધરાવે છે અને કોઈની તાકાત નથી કે કોઈ સવાલ કરે. માટે સમય વર્તીને જીવવામાં ડહાપણ છે એમ આપણા બાપ-દાદાઓ આપણને કહેતા ગયા છે. જેની પાસે સત્તા હોય એ મનસ્વી અને માથાભારે તો હોવાના જ એને સનાતન સત્ય તરીકે માની લેવામાં આવ્યું હતું.
ભારતમાં મુસલમાનોની સત્તા હતી ત્યારે મુસલમાનો માથાભારે હતા એવો હિંદુઓનો અનુભવ હતો. એ અનુભવ ભ્રામક નહોતો સાચો હતો. કેટલાક મુસલમાનો ખરેખર માથાભારે હતા. એક સમયે તો મુસલમાનોને એમ લાગવા માંડ્યું હતું કે તેઓ શક્તિશાળી છે અને હિંદુઓ કાયર છે. હિંદુઓ પણ પોતાને કાયર અને મુસલમાનોને શક્તિશાળી સમજવા લાગ્યા હતા. ગાંધીજીના શાળાના મુસ્લિમ મિત્ર શેખ મહેતાબે ગાંધીજીને કહ્યું હતું કે તમે હિંદુઓ કાયર એટલા માટે છો કે તમે માંસાહાર કરતા નથી અને અમે મુસલમાનો માંસાહાર કરીએ છીએ એટલે તાકાતવાન છીએ. ટૂંકમાં હિંદુઓને મુસલમાનોના માથાભારેપણામાં કાંઈ અજુગતું લાગતું પણ નહોતું. મુસલમાનો પાસે સત્તા છે એટલે મુસલમાનોથી ચેતીને તેમ જ ડરીને જીવવાનું એ તેમણે ગાંઠે બાંધી લીધું હતું.
હિંદુઓને માથાભારેપણા અને શક્તિશાળીપણા વચ્ચેનો ફરક ત્યારે સમજાયો જ્યારે ભારતમાં યુરોપિયનો અને તેમાં પણ ખાસ કરીને અંગ્રેજો આવ્યા. આઠ-નવ હજાર કિલોમીટર દૂરના દેશમાંથી થોડાક સો લોકો આવે અને પહેલાં વેપારમાં અને એ પછી ભારતનાં એક પછી એક પ્રદેશો ઉપર વર્ચસ્વ કઈ રીતે સ્થાપિત કરી શકે? નથી તેમની પાસે સંખ્યા કે નથી તેમની પાસે તેમનું પોતાનાઓનું બનેલું લશ્કર. તેઓ આક્રમક લૂંટારુ પણ નહોતા જે દેશમાં લૂંટફાટ કરીને જતા રહે. હિંદુઓને આવા આક્રમણકારોનો પણ મોટો અનુભવ હતો. તેઓ નથી ગાળીગલોચ કરતા કે નથી ધોલધપાટ કરતા કે નથી કોઈની કોઈ ચીજને હાથ લગાડતા. તેઓ ટોળામાં પણ ફરતા નથી.
યુરોપિયનો અને અંગ્રેજોને જોઇને વિચારવાની ક્ષમતા ધરાવતા કેટલાક હિંદુઓના મનમાં સવાલ થયો હતો કે આ તાકાતનું એક નવું સ્વરૂપ છે જેનો આપણને અનુભવ નથી. આ એવી શક્તિ છે જે તલવાર, જે તે ઓળખ, ઓળખની સંખ્યા, ટોળાં અને સત્તામાંથી નથી આવતી. તેમને એ પણ સમજાવા લાગ્યું હતું કે આ શક્તિ વધારે મોટી શક્તિ છે અને વધારે શાશ્વત પણ છે. જે વિચારી શકતા હતા એવા હિંદુઓના મનમાં એ પણ સવાલ જાગ્યો કે જો હિંદુઓએ મુસલમાનો જેવા માથાભારે થવું જોઈએ કે અંગ્રેજો જેવા શક્તિશાળી? અને જો શક્તિશાળી બનવું હોય તો હિંદુઓએ સૌથી પહેલાં તો એ શક્તિને ઓળખવી પડશે અને એ પછી તેને અપનાવવી અને કેળવવી પડશે.
૧૯મી સદીમાં આનો પ્રારંભ થયો હતો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ઍપ્રિલ 2021
![]()
= = = = પ્રિય પુરુષ પ્રિય ખરો પણ એની જીવનદૃષ્ટિ સ્વીકારીને સ્ત્રીથી ઝાંઝું જિવાતું નથી. પ્રિય સ્ત્રી પ્રિય ખરી પણ એની જીવનદૃષ્ટિ સ્વીકારીને પુરુષથી પણ ઝાઝું જિવાતું નથી. છતાં સ્ત્રી કે પુરુષ એવો ઢૉંગ જરૂર કરે છે, આરામથી કરે છે. બન્ને જાતને તેમ જ એકમેકને પટાવતાં હોય છે. સાર્ત્ર એને જાત સાથેની છેતરપિંડી કહે છે, આત્મવંચના – બૅડ ફેઇથ = = = =
માનવસમ્બન્ધોમાં મહામૂલો સમ્બન્ધ પ્રેમસમ્બન્ધ છે.
આગલા વાક્યમાં ૩ વાર ‘સમ્બન્ધ’ શબ્દ આવ્યો છે – જેનો મતલબ એટલો જ છે કે સમ્-તાથી, સરખી રીતે, બંધાવું – કનેક્ટ થવું ને પછી એ કનેક્શનને પાક્કું કરતા રહેવું. દરકાર રાખવી કે પ્લગમાં પિન ગઈ છે કે બહારની બહાર રહી ગઈ છે. ચૅક કરતાં રહેવું કે કોઈ વાયર કરપાઈ તો નથી ગયો ને …
સાચાં સમ્બન્ધીઓ લવ-ચૅકિન્ગને બરાબર સમજે છે. વારંવાર સ્વિચને ઑન-ઑફ કરતાં હોય છે. રૂ-બ-રૂ તો ખરાં જ પણ સ્માર્ટ ફોનથી રાત્રે ઊંઘ ન આવે ત્યાંલગી એકબીજાંને સજ્જડ બાંધી રાખે છે. બેનપણીઓ બેનપણાં ટકાવી જાણે છે. હાથમાં હાથ પકડીને હસતાં હસતાં જતી હોય, દોડે પણ ખરી, ઘાઘરીની ઝૂલ પાસે રૂપાનાં ઝાંઝર છમ્મ છમ્મ થાય. જો કે હવે ઘાઘરી-પોલકાં કોઈ પ્હૅરતું નથી. બે ભાઈબંધો ભાઈબંધી સાચવી જાણે છે. એકમેકના ખભે વ્હાલભર્યો હાથ ભરાવીને જતા હોય; અમારા જમાનામાં તો ગળે રેશમી રૂમાલ બાંધતા, વ્હિસલો વગાડતા જાય, ગાયનો લલકારે – જિયા બેકરાર હૈ … છાયી બહાર હૈ … આ જા મેરે બાલમા … તેરા ઇન્તજાર હૈ … ત્યારે એમને ભાન ન્હૉતું રહેતું કે ગાનારી તો સ્ત્રી છે, અને એનો બાલમા રાજકપૂર છે.
પરન્તુ બાપ-દીકરી મા-દીકરો પતિ-પત્ની કે પ્રિય-પ્રિયા, એટલે કે, એક સ્ત્રી અને એક પુરુષ, એકબીજાં જોડે કનેક્ટ થાય છે, ત્યારે એ વાત સાવ નૉંખી બની જાય છે.
બેનપણીઓ કે ભાઈબન્ધો વચ્ચેના સમ્બન્ધને ‘મૈત્રી’ કહીએ છીએ. બાપ-દીકરી વચ્ચેના કે મા-દીકરા વચ્ચેના સમ્બન્ધને ‘વ્હાલ’ કે ‘વાત્સલ્ય’ અને ભાઈ-બેન વચ્ચેના સમ્બન્ધને ‘સ્નેહ’ કહીએ છીએ. પણ સમજવાનું એ છે કે એ દાખલાઓમાં તત્ત્વાર્થમાં જે છે, તે ’પ્રેમ’ છે. કૌટુમ્બિક સમ્બન્ધો સૂચવતી એ સંજ્ઞાઓ યોજવા પાછળનો હેતુ એ છે કે કશું અજૂગતું ન થઈ જાય. કુટુમ્બ સચવાય, સંસ્કૃતિનું રક્ષણ થાય.
પણ એ બધી પાળને માનવ-અસ્તિત્વ ગાંઠતું નથી. એ પાળને બાપ, મા, દીકરો, દીકરી, ભાઈ કે બેન અમુક સંજોગો રચાય તો, અથવા રચી લઈને, ઓળંગી જતાં હોય છે. એ સીમાઓનું ઉલ્લંઘન પળ વારમાં થતું હોય છે. ઘરમાં એથી કંકાસ થાય છે, ઝઘડા થાય છે, મારામારી, હત્યા કે આત્મહત્યાના બનાવો પણ બને છે. જીવનમાં લગભગ રોજ અને અનેક સાહિત્યકૃતિઓમાં તેમ જ અનેક મૂવીઝમાં એ ઉલ્લંઘન વારંવાર જોવા મળે છે. એ ઉલ્લંઘન સદીઓથી થયા કર્યું છે, અને થયા કરશે. કારણ એક જ કે માણસ ગમે ત્યારે માણસ-તાને વશ થઈ જાય છે. એ ઇચ્છે કે ન ઇચ્છે, મૂળ વૃત્તિઓ એને એ ‘અજૂગતા’ ભણી ખૅંચી જાય છે – જળથી સભર વાદળી વરસીને રહે છે.
પરન્તુ સંસ્કૃતિના પોતડીદાસ રખેવાળો એક જ વાત રટતા આવ્યા છે – વૃત્તિઓના ગુલામ ન બનો. અને જીવનના મૂળાધાર પ્રેમને તેઓ ઓળખતા નથી, ઓળખે તો ગણકારતા નથી. ઉપરાન્ત, કહ્યા કરતા હોય છે – લવ અને સૅક્સને જુદાં રાખો. પણ મનુષ્ય કે પ્રાણીમાત્રના દેહનું બંધારણ જાણનારાં શાસ્ત્રો અને મનને વિશેનું શાસ્ત્ર, મનોવિજ્ઞાન, લવ અને સૅક્સને એક બલકે એકરૂપ ગણે છે.
ભલે.
એક સ્ત્રી અને એક પુરુષ પારિવારિક સમ્બન્ધના નામનિશાન વિના જોડાયાં હોય તો? શું થશે? સમાજ ક્રૂર મશ્કરીઓ કરશે. ઘણી બધી વ્યક્તિઓ એમને વખોડી કાઢશે. ભેગું થઈને ગામ એમને ગધેડે બેસાડી ભગાડી મૂકશે. એ અનેરા કનેક્શનના વાયર કાયમ માટે કાપી નાખનારા, હત્યારા, પણ હોય છે.

સાર્ત્ર અને સિમૉં દ બુવા
Picture Courtesy : Dangerous Minds
આ ક્ષણે મને સાર્ત્ર અને સિમૉં દ બુવાનો પ્રેમસમ્બન્ધ યાદ આવે છે. પોતાના સમયના રૂઢ તમામ રીતિરિવાજોને અને લગ્ન જેવી પ્રરૂઢ સંસ્થાને ફગાવી દઈને બન્ને જોડાયેલાં. જાણીતું છે કે બન્ને સાહિત્યકાર અને અસ્તિત્વવાદી ફિલસૂફ હતાં.
પણ વૈચિત્ર્ય તો જુઓ, કે એમનો અસ્તિત્વવાદ પ્રેમને જ નકારે છે !
જરા સમજીએ. પ્રેમને સાર્ત્ર ‘ધ મોસ્ટ ઍન્જેલિક ઇન્સ્ટિન્ક્ટ’ કહે છે, પ્રેમનું ગૌરવ કરે છે; ઉમેરે છે કે પ્રેમ ‘ધ ગ્રેટેસ્ટ સ્ટિમ્યુલસ ઑફ લાઇફ’ છે. એ ‘ઘણી જ દૈવી વૃત્તિ’-ને, ‘જીવનના એ મહાન ઉત્તેજક’-ને તેઓ વાસ્તવદૃષ્ટિથી પણ તપાસે છે. જેમ કે, મારી રીતે કહું કે પ્રિય પુરુષ પ્રિય ખરો પણ એની જીવનદૃષ્ટિ સ્વીકારીને સ્ત્રીથી ઝાંઝું જિવાતું નથી. પ્રિય સ્ત્રી પ્રિય ખરી પણ એની જીવનદૃષ્ટિ સ્વીકારીને પુરુષથી પણ ઝાઝું જિવાતું નથી. છતાં સ્ત્રી કે પુરુષ એવો ઢૉંગ જરૂર કરે છે, આરામથી કરે છે. પુરુષ કહેતો હોય છે : તારી વાત બરાબર છે ડાર્લિન્ગ, મને એ સમજાયેલું જ નહીં : સ્ત્રી કહેતી હોય છે : ઓહ યા, મને તો ખબર જ ન્હૉતી, નાઉ આઈ ગૉટિટ : બન્ને જાતને તેમ જ એકમેકને પટાવતાં હોય છે. એ નરી વાસ્તવિકતા છે. સાર્ત્ર એને જાત સાથેની છેતરપિંડી કહે છે, આત્મવંચના – બૅડ ફેઇથ.
કેમ કે, પ્રેમ માણસને પઝેસિવ બનાવે છે. કોઈપણ રીતે માણસ પ્રિયપાત્ર પર કબજો મેળવવા માગે છે, અને મેળવીને રહે છે. એ માટે માણસ લોભી બની જાય છે. મારઝૂડ પણ કરે છે. સમજવાનું એ છે કે પઝેશન મેળવાય ત્યારે જ પ્રેમ 'ખરો' અનુભવાય છે, ત્યારે જ પ્રેમની 'પૂર્તિ' થાય છે, ત્યારે જ પ્રેમનો 'આનન્દ' મેળવ્યાની લાગણી થાય છે. અને પઝેશન પણ આપી જ દેવાય છે. પુરુષ પોતાના હું-ને ભૂલીને દૃઢતાથી કહે છે – હું હવેથી બસ તારો. સ્ત્રી પણ કહે છે – તમે જ મારા પ્રાણનાથ. પણ એ દૃઢ લાગણીને સાર્ત્ર ભ્રમણા કહે છે – ઇલ્યુઝન.
કેમ કે, અસ્તિત્વપરક હકીકત ઊંધી છે. પ્રેમ વ્યક્તિના સ્વાતન્ત્ર્યનો હમેશાં ત્યાગ ઇચ્છે છે, સમર્પણ માગે છે. પણ વિરોધી હકીકત એ છે કે કોઈપણ વ્યક્તિ પોતાના સ્વાતન્ત્ર્યને ઝાઝો સમય બીજાને હવાલે નથી રાખી શકતી. એનું સ્વાતન્ત્ર્ય વાઘની જેમ બગાસું ખાઈને બેઠું થઈ જાય છે. પ્રગાઢ પ્રેમીઓ પણ ચાર-છ મહિનામાં જ કહે છે – બહુ થયું, આપણે ઝટ છૂટાં થઈ જઈએ … છૂટાછેડાનાં બાહ્ય કારણોની છેક નીચે છુપાયેલું કારણ તો આ સ્વાતન્ત્ર્ય છે. પ્રેમનો એ શત્રુ છે. ‘જોતાંમાં જ ગમી ગઈ’-ના સહજ જાદુને એ ભૂંસી નાખે છે. પ્રેમને અશક્ય બનાવી દે છે. આ બધી વાસ્તવિકતાઓને કારણે સાર્ત્ર પ્રેમને સંઘર્ષ કહે છે – કૉમ્ફ્લિક્ટ.
કહેવા બેસીએ તો કહી શકાય કે ફિલસૂફી અને જીવન આમ સામસામાં આવી જાય છે. લોકો ફિલસૂફીથી ભાગે છે. તત્ત્વનું ટૂંપણું નરસિંહ મહેતા સમેતના બધા જ શબ્દસ્વામીઓને તુચ્છ લાગે છે. એમને અને સર્વસામાન્ય મનુષ્યોને પણ પ્રેમરસ જ ખપે છે.
આ પળે સવાલ થાય છે કે જીવનને ફિલસૂફીના ચગડોળે બેસીને તપાસીએ કે એને પ્રેમથી લીલયા બસ લ્હૅરાવતા રહીએ …
= = =
(April 16, 2021: USA)
![]()

