દસ હજારથી વધુ લોકોની જુબાની સાથે, અને હજુ ઉમેરાતી જુબાનીઓ સાથે, ગુનીતા સિંઘે ‘પાર્ટિશન આર્કાઈવ્ઝ’ની દિશામાં મોટું કામ હાથ ધર્યું છે
કટોકટી દરમ્યાન 1976માં અમે સૌ મિસાબંદીઓનું જે રૂડું રાવણું જામ્યું હતું, વડોદરા જેલમાં, એમાં જનસંઘના રામદયાલ વિશ્વકર્મા પણ હતા. ભાગલા પછી સિંધથી જેઓ અહીં આવ્યા તે પૈકીના એક એ પણ હતા અને પહેલ ને પુરુષાર્થથી વડોદરા પંથકમાં ‘પ્રતાપ’ પેનના નિર્માણથી એમણે આગવી ઓળખ પણ જમાવી હતી. આગળ ચાલતાં એ વડોદરાના ડેપ્યુટી મેયર પણ થયા હતા તે આ લખતા સાંભરે છે.
આઝાદી દિવસના ઉંબર કલાકો માટે આ લખી રહ્યો છું, અને આ ઉંબર કલાકો – 14મી ઓગસ્ટનો દિવસ – સત્તાવાર રીતે ‘ભાગલાના ત્રાસ ને હિંસાના સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાનું એલાન થયેલું છે તેનો મને ખયાલ છે. જેલમાં વાંચવાનું ઠીક ઠીક બનતું. મહેન્દ્ર મેઘાણી તરફથી ‘મિલાપ’ના અંકો અને બીજું સાહિત્ય નિયમિત મળતું રહેતું. ‘મિલાપ’નો એક અંક ગુજરાતી લિપિમાં છાપેલી હિંદુસ્તાની રચના લઈને આવ્યો.
જલાવતન જિંદગી બસર કરતો કવિ પોતે જ્યાંથી નિર્વાસન પામેલો છે એ વતનને યાદ કરતા કોઈ મુલાકાતીને પૂછે છે, કેવું છે આપણું ગામ ને એની ગલીઓ, હજુ એ જ કૂવે પનિહારીઓ પાણી ભરે છે … અને હા, પેલું મંદિર ને ઘંટારવ. ઊતરતી આવતી રાતે અમારા વોર્ડમાં અમે સહજ બેઠા હતા અને આ રચના એક મિત્ર પ્રગટપણે વાંચતા હતા. એ વાંચતા જાય ને લીટીએ લીટીએ રામદયાલ વિશ્વકર્માનું ડૂસકું સંભળાય. દેખીતી રીતે જ, પોતે ભાગલા વખતે જે ધરતી પાછળ મૂકી એનો સાદ એમને સંભળાતો હતો ને ડુમાયેલ ડૂસકાં વિના એ ક્ષણે કદાચ કોઈ મોક્ષ પણ નહોતો.
મુદ્દે, ઐતિહાસિક કારણોસર આપણા પ્રજાજીવનના એક હિસ્સાને સારુ હિંદુ વિ. મુસ્લિમ એ મુખ્ય વિમર્શ મુદ્દો બની રહેલ છે. વિભાજનની સ્મૃતિ આપણને પજવે એ તો સમજી શકાય એમ છે, પણ એને એક રાજકીય વિચારધારાનો માંજો પાઈને ઉછેરવાના વલણને સ્વીકારી શકાતું નથી. એ દિવસો સંભારીએ ત્યારે વિભીષિકા ન સાંભરે એવું તો નહીં જ કહી શકાય. પણ એ વિભીષિકાને કેન્દ્રમાં રાખીને પ્રજાજીવન ઘડી શકાય? લાખો માણસો સરહદની એક બાજુએથી બીજી બાજુએ ગયા. બંને બાજુએ લોકોએ વેઠ્યું જ વેઠ્યું. જે લોકો આ બાજુએથી ત્યાં ગયા એ પણ પોતે છોડેલ વતનની યાદે ઝૂરતા નહીં હોય એમ તો કહી શકાતું નથી.
ઇતિહાસવસ્તુ તરીકે વિભીષિકા એક વાસ્તવિકતા છે, પણ આખા ઘટનાક્રમ પરત્વે અને આગળ ચાલવાની રીતે તો જે બન્યું એને કારુણિકા તરીકે જોઈએ એમાં કદાચ વિશેષ ઔચિત્ય છે. વિભીષિકાથી બને કે વિક્ટમહુડ અને વેરઝેરનું એક વ્યાકરણ રચાતું આવે. કારુણિકાનો અભિગમ આત્મખોજ અને રચનાનું કાવ્ય બનીને વિલસે. હમણાં હમણાં જે સત્તાવાર એલાન થયું છે, 26મી જૂનને ‘બંધારણ હત્યા દિવસ’ તરીકે મનાવવાનું, એને પણ આ રીતે જોઈ તો શકાય. કટોકટીકાળે દેશના અંતરાત્મા તરીકે ઉભરેલું વ્યક્તિત્વ જયપ્રકાશ નારાયણનું હતું. કટોકટી ઊતર્યા પછી જનતા પર્વ બેઠું ત્યારે જયપ્રકાશ છાત્ર યુવા સંઘર્ષ વાહિનીના સાથીઓને 26મી જૂનને ‘લોકચેતના દિવસ’ તરીકે મનાવવાનું સૂચવ્યું હતું. પ્રતિકારનો મહિમા પણ પ્રતિશોધની નહીં, પરંતુ નિર્માણની રાજનીતિનો પુરસ્કાર.
આખી વાતને ધોરણસર પરિપ્રેક્ષ્યમાં મૂકી જોવા-તપાસવા અને સમજવાની રીતે, બને કે, અમૃતસરમાં તાજેતરનાં વરસોમાં ઊભું થયેલું પાર્ટિશન મ્યુઝિયમ અને એ પ્રકારના બીજા ઉપક્રમો ઉપયોગી થઈ શકે. એક આવકાર્ય બિનસરકારી પહેલ, એમ તો, સુદૂર અમેરિકાના બર્કલી કેમ્પસ પરથી પાછલાં વર્ષોમાં થઈ છે. ગુનીતા સિંઘ ભલ્લાએ વિભાજન પછી 12-13 દેશમાં પથરાયેલા ભારતીયો કનેથી પ્રથમ વ્યક્તિ એકવચનમાં દસ્તાવેજી દાસ્તાન મેળવવાનો આખો એક મૌખિક ઇતિહાસ પ્રકલ્પ, કેટલાક પગારદાર ને સંખ્યાબંધ સ્વૈચ્છિક લોકોની સંકલનાથી ઊભો કર્યો છે. દસ હજારથી વધુ લોકોની જુબાની સાથે, અને હજુ ઉમેરાતી જુબાનીઓ સાથે, ગુનીતા સિંઘે ‘પાર્ટિશન આર્કાઈવ્ઝ’ની દિશામાં મોટું કામ હાથ ધર્યું છે. ગુનીતા સિંઘ કહે છે કે કોઈ સંસ્થાગત કે રાજકીય જુબાનીઓથી ઉફરાટે આ વ્યક્તિગત નિવેદનો કંઈક જુદું જ કહે છે. ભારત-પાકિસ્તાન સત્તાવર્તુળોની પોતપોતાની તરેહની ‘રાષ્ટ્રવાદી રજૂઆત’માં નહીં બંધાતી ઘણી વાતો સમજવાની રીતે સામે આવે છે.
સહેજ આઘોપાછો થતો લાગું, પણ સંભારું કે એક અર્થમાં આપણે બબ્બે વિભાજન જોયાં છે. પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશનું એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે બહાર આવવું, એ પણ આમ તો વિભાજન છે ને!
1905માં બંગભંગ એ પહેલો અનુભવ હતો, પછી ભારત-પાક ભાગલા, અને તે પછી પાકિસ્તાનના ભાગલા … સ્વતંત્ર વિષય છે, પણ આપણી ચર્ચામાં ઉપયોગી એવું સ્મરણ તસલીમા નસરીનનું કરી જ લઉં. અયોધ્યા ઘટના પછી બાંગ્લાદેશમાં મુસ્લિમ કટ્ટરવાદીઓએ હિંદુઓને નિશાન બનાવ્યાં ત્યારે કોમી ગાંડપણ સામેના નિર્ભીક ને નક્કુર અવાજ લેખે તસલીમા ‘લજ્જા’ નવલકથા લઈને ઉભર્યાં હતાં. પરિણામે એ નિર્વાસન પામ્યાં ને યુરોપમાં, અંતે, ભારતમાં નિવાસ પામ્યાં છે. આપણે એમને એમની નાગરિક ને માનવીય ભૂમિકાવશ સ્વાભાવિક જ પોંખીએ પણ છીએ.
આ જ તસલીમાએ એમનાં ભારતવર્ષોમાં જે જોયું, અનુભવ્યું એ પછી તે ‘લજ્જા’ની અનુનવલ ‘બેશરમ’ (‘શેઈમલેરસ’) લઈને આવ્યાં છે. બાંગ્લાદેશમાં રંજાડ પામેલું હિંદુ કુટુંબ ભારતમાં આશરો લે છે. આખો વાર્તાસાર તો નથી આપતો, પણ બાંગ્લા રંજાડવશ આ સમુદાર સેક્યુલર પરિવાર અહીં એક તબક્કે હિંદુત્વ રાજનીતિમાં પનાહ શોધવા કરે છે. પણ દિલનો કરાર ક્યાં. ઠેકાણું પડતું નથી. ક્યાંથી પડે?
પાકિસ્તાનની નિર્વાસન પામી ફહમિદા રિયાઝ અમૃતા પ્રીતમની ભલામણથી ઈંદિરાજીના કાળમાં આપણે ત્યાં સાત વરસ રહી ગયાં હતાં. પણ, પછી આપણી બદલાયેલી હવામાં માર્ચ 2014માં એમણે લખ્યું:
‘તુમ બિલકુલ હમ જૈસે નિકલે,
વો મૂર્ખતા, વો ગંવારપન,
જિસમેં હમને સદી ગંવાઈ,
આખિર પહોંચી દ્વાર તુમ્હારે,
અરે બધાઈ, બહોત બધાઈ …’
Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 14 ઑગસ્ટ 2024