ઇતિહાસકારનું કામ ઐતિહાસિક તથ્યોનો અભ્યાસ કરીને વર્તમાનને મુલવવાનું અને ભવિષ્યનું પૂર્વાનુમાન કરવાનું છે, પણ ઇતિહાસકાર જ્યારે ઇતિહાસની કોઈ વાતનો ઉપયોગ 'સળી' કરવા માટે કરે, ત્યારે તેના અભ્યાસ અને મૂલ્યાંકન, બંને પર શંકા જાય. ગયા અઠવાડિયે ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ આવી જ એક સળી કરીને અનાવશ્યક અને બેવકૂફીભર્યો વિવાદ ઊભો કર્યો. તેમણે તેમના ટ્વિટર હેન્ડલ પર, ૧૯૩૦ના દાયકામાં એક બ્રિટિશ લેખક ફિલિપ સ્પ્રેટના કથિત વિધાનને ટ્વીટ કરીને, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં લોકોને નારાજ કરી દીધા. ૧૧ જૂને ગુહાએ ટ્વીટ કરી હતી – "ફિલિપ સ્પ્રેટે ૧૯૩૯માં લખ્યું હતું – ગુજરાત ભલે આર્થિક રૂપે સમૃદ્ધ હોય, પણ સાંસ્કૃતિક સ્તરે પછાત છે … જ્યારે બંગાળ આર્થિક રૂપે પછાત છે, પણ સાંસ્કૃતિક સ્તરે વિકસિત છે."
સ્વાભાવિક રીતે જ ગુજરાત અને પશ્ચિમ બંગાળે તો, ફિલિપ સ્પ્રેટ તો સ્વર્ગસ્થ છે એટલે, રામચંદ્ર ગુહાની આ ગુસ્તાખીનો આકરો વિરોધ કર્યો, પણ અન્ય પક્ષો અને બુદ્ધિજીવીઓએ પણ આ વિધાનના ઔચિત્ય સામે પ્રશ્ન કર્યો. રામચંદ્ર ગુહાએ એ વિધાનની આગળ-પાછળ કોઈ સંદર્ભ આપ્યો ન હતો, એટલે બહુ વિરોધ થતાં એ એવું કહીને છૂટી પડ્યા કે, "હું જ્યારે કોઈ કથનનો હવાલો આપું, જે મને મારા રિસર્ચ દરમિયાન મળે, તો એ મને રસપ્રદ લાગે એટલે કરું છું, જરૂરી નથી કે તે વિચારો સાથે હું સંમત છું. એટલે તમે તમારો પ્રેમ અને ગુસ્સો એ વ્યક્તિ માટે જ રાખો, જેનું એ કથન છે."
રામ ગુહાને આ વિધાન કેમ 'રસપ્રદ' લાગ્યું, તે તેમને ઓળખનારા લોકો માટે સમજવું આસાન છે. શક્ય છે કે તેઓ કશું વાંચતા હોય અને ફિલિપ સ્પ્રેટનું આ વિચિત્ર વિધાન નજરે પડ્યું હોય, પણ એમાં એવી ય કોઈ ઊંડી, ડાહી કે મહાન સામાજિક સમજણ નથી કે તેને તત્કાળ લોકો સમક્ષ રજૂ કરવી પડે. રામ ગુહા પોતે ગુજરાતી સંસ્કૃતિમાંથી પેદા થયેલા મહાત્મા ગાંધીના લેખક છે, અને આસાનીથી ફિલિપ સ્પ્રેટના કથિત વિધાનની ઉપેક્ષા કરી શક્યા હોત, પણ તેમણે 'સળી' કરવાના આશયથી જ તેને ટ્વીટ કર્યું હતું. સોશ્યલ મીડિયા પર ભલભલા બુદ્ધિજીવીઓ ઘા ભેગો ઘસરકો ને લીટી ભેગો લસરકો કરવાનું ચૂકતા નથી, તેનું આ ઉદાહરણ છે.
આ ફિલિપ સ્પ્રેટ કોણ હતો? વિકિપીડિયા કહે છે કે ભારતમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના સ્થાપકો પૈકીનો એક ફિલિપ સ્પ્રેટ (૧૯૦૨-૧૯૭૧) હતો, અને ૧૯૨૯માં મેરઠ ષડ્યંત્ર નામના એક કેસમાં રાજદ્રોહ બદલ બ્રિટિશરોએ તેને જેલમાં પૂર્યો હતો. એટલે શક્ય છે કે તેને ગુજરાતીઓની ઉદ્યોગસાહસિકતા સામે વિરોધ હોય. ફિલિપ સાઉથ લંડનમાં પેદા થયો હતો અને કેમ્બ્રિજમાં ગણિતમાં અભ્યાસ કરતી વખતે કેમ્બ્રિજની ચર્ચા સભા, યુનિયન સોસાયટી, અને યુનિવર્સિટી લેબર ક્લબનો સભ્ય બન્યો હતો.
૨૪ વર્ષની ઉંમરે તેને, ઈંગ્લેંડમાં ભારતીય સર્જન ઉપેન્દ્ર દત્તના પુત્ર ક્લેમેંસ દત્તે, ભારત જઈને કમ્યુનિસ્ટ પાર્ટીની રચના કરવાનું સૂચન કર્યું હતું. તેનું કામ ભારતીય કૉનગ્રેસ, ટ્રેડ યુનિયનો અને યુવા સંગઠનોમાં કમ્યુનિસ્ટ સભ્યોને નેતાગીરી અપાવવાનું હતું. ૧૯૨૭માં ફિલિપ સ્પ્રેટે 'ઇન્ડિયા એન્ડ ચાઈના' નામની એક પત્રિકા લખી હતી અને તે બદલ તેની ધરપકડ થઇ હતી. તે પછી માર્ચ ૧૯૨૯માં બ્રિટિશ ઇન્ડિયા સામે બળવો કરવા બદલ ફિલિપ સ્પ્રેટ સહિત ૩૦ કમ્યુનિસ્ટો, કૉન્ગ્રેસીઓ, કામદાર આગેવાનોની મેરઠમાં ધરપકડ થઇ હતી. સ્પ્રેટને એમાં ૧૨ વર્ષની જેલ થઇ હતી, પરંતુ અપીલ બાદ તેને ૨ વર્ષની કરવામાં આવી હતી. જેલમાં તેનું 'હૃદય પરિવર્તન' થયું, અને સામ્યવાદમાંથી તેનો વિશ્વાસ ઊઠી ગયો. કોલકત્તાના 'મોડર્ન રિવ્યુ' નામની પત્રિકામાં તેણે દિલ પણ ઠાલવ્યું હતું.
૧૯૩૪માં સવિનય કાનૂન ભંગ વિરોધી ધારા હેઠળ તેની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી અને કર્ણાટકમાં બેલગામ કિલ્લામાં ૧૮ મહિના સુધી રાખવામાં આવ્યો હતો. તે મેરઠમાં હતો, ત્યારે હિન્દી શીખ્યો હતો અને તેણે હિન્દીમાં પહેલું પુસ્તક વાંચ્યું, તે મહાત્મા ગાંધીની 'આત્મકથા' હતી. તેના પરથી તેણે ગાંધીજી પર અભ્યાસ કરવા નક્કી કર્યું હતું અને બેલગામમાં હતો, ત્યારે 'ગાંધીઝમ: એન એનાલિસ' નામનું પુસ્તક લખ્યું હતું.
૧૯૪૩માં તે એમ.એન. રોયની ડેમોક્રેટિક પાર્ટીનો સભ્યો બન્યો હતો અને ૧૯૪૮માં પાર્ટીનો વિલય થયો પછી તે ઇન્ડિયન કૉન્ગ્રેસ ફોર કલ્ચરલ ફ્રિડમમાં જોડાયો હતો. ૧૯૬૪ સુધી તે બેંગ્લોરમાં 'માય ઇન્ડિયા' નામના મૂડીવાદ તરફી સામાયિકનો તંત્રી રહ્યો હતો, જેમાં તેણે ઉદ્યોગસાહસિકોને સાથે અપરાધી જેવો વ્યવહાર કરતી સરકારની ટીકા કરી હતી. પછી તે મદ્રાસ ગયો અને સી. રાજગોપાલાચારીના 'સ્વરાજ' સમાચારપત્રનો તંત્રી બન્યો હતો. ૮ માર્ચ ૧૯૭૧માં મદ્રાસમાં જ તેનું અવસાન થયું.
શરૂમાં ઉધોગસાહસિકતાનો વિરોધ અને પછી તેની જ તરફેણ કરવા પાછળ ફિલિપ સ્પ્રેટનાં કોઈ મજબૂત સૈદ્ધાંતિક કારણો નહીં જ હોય (અને એટલે ગુહાએ ટાંકેલું તેનું વિધાન પણ ઉપેક્ષા કરવા જેવું જ છે), પણ આ વિવાદમાં એક એવો તર્ક પણ આપવામાં આવ્યો કે સ્પ્રેટે ગુજરાતનું નામ લઈને આવું કહ્યું હોય તે વાત જ ખોટી છે, કારણ કે ગુજરાત તો ૧૯૬૦માં અસ્તિત્વમાં આવ્યું, અને તે વખતે (૧૯૩૯માં) ‘ગુજરાત’ નામ ચલણ ન હતું. આજનું ગુજરાત બોમ્બે પ્રેસિડેન્સીનો હિસ્સો હતું. આ એક અલગ વિષય બની શકે તેમ છે : ગુજરાતનું નામ સ્વતંત્ર રાજ્ય બન્યા પછી અસ્તિત્વમાં આવ્યું કે તે પહેલાં પણ તે બોલાતું હતું?
‘ઓલ્ટ ન્યુઝ’ નામની એક ફેક્ટ-ચેકિંગ કરતી વેબસાઇટે એવો હવાલો આપ્યો છે કે સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ બહુ પહેલેથી ‘ગુજરાત’નો ઉલ્લેખ કરતા હતા. રવીન્દ્રનાથ ટાગોરે લખેલા અને ૧૯૧૧માં પહેલીવાર ગવાયેલા રાષ્ટ્રગીતમાં ‘ગુજરાત’નો ઉલ્લેખ છે. મહાત્મા ગાંધીએ ૧૯૪૮માં લખેલા (સિલેક્ટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધી : વોલ્યુમ ૪) એક પત્રમાં તેમણે ‘ગુજરાતના લોકો’ શબ્દ વાપર્યો છે. ‘ઓલ્ટ ન્યુઝ’ કહે છે કે સ્વતત્રતા પહેલાં ગાંધીજીએ સરદાર પટેલને લખેલા અનેક પત્રોમાં ‘ગુજરાત’નો ઉલ્લેખ છે. બ્રિટિશ શાસન હેઠળની બોમ્બે પ્રેસિડેન્સીના ગેઝેટ(૧૮૮૦)માં અને ૧૯૧૧ની ભારતીય વસ્તી ગણતરીમાં પણ ‘ગુજરાત’નો ઉલ્લેખ છે.
ગુજરાત રાજ્ય સરકારના પોર્ટલમાં સંદર્ભ છે કે ‘ગુજરાત’ નામ ‘ગુજ્જરોની ભૂમિ’ પરથી આવ્યું છે, જે ૭૦૦મી-૮૦૦મી સદીમાં અહીં શાસન કરતા હતા. જેના કારણે ગુજરાત મહારાષ્ટ્રમાંથી અલગ પડ્યું, તે ‘મહાગુજરાત ચળવળ’ શબ્દની રચના કનૈયાલાલ મુંશીએ ૧૯૩૭માં કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકમાં કરી હતી. સાહિત્ય પરિષદના નામમાં ‘ગુજરાતી’ શબ્દ ૧૯૦૫માં તેની સ્થાપનાની સાથે જ છે. પરિષદના પહેલા પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા, જેમની કાલજયી નવલકથા ‘સરસ્વતીચંદ્ર’એ ગુજરાતી સંસ્કૃતિનો ડંકો દેશ-વિદેશમાં વગાડ્યો છે.
ખાલી પરિષદના પ્રમુખ રહી ચૂકેલા અમુક નામો વાંચીએ, તો ય ખબર પડે કે ગુજરાત સંસ્કૃતિક ક્ષેત્રે કેટલું સમૃદ્ધ હતું : નરસિંહરાવ દીવેટિયા, ‘આચાર્ય’ આનંદશંકર ધ્રુવ, મોહનદાસ કરમચંદ ગાંધી, અરદેશર ખબરદાર, રામનારાયણ વી. પાઠક, કાકા કાલેલકર, જ્યોતીન્દ્ર દવે, ઉમાશંકર જોશી, ત્રિભુવનદાસ લુહાર ‘સુન્દરમ્,’ ઝીણાભાઈ દરજી ‘સ્નેહરશ્મિ,’ મનુભાઈ પંચોલી, કેશવરામ કાશીરામ શાસ્ત્રી, જયંત પાઠક, નિરંજન ભગત, નારાયણ દેસાઈ, વગેરે.
ફિલિપ સ્પ્રેટે અને રામ ગુહાને આ ખબર ના હોય, તે શક્ય છે.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 જુલાઈ 2020
![]()


એક મિત્રએ મને સવાલ કર્યો કે દેશમાં આટ-આટલું બની રહ્યું છે ત્યારે સંઘપરિવારમાં ચૂપકીદી કેમ છે? કોઈ કેમ કાંઈ બોલતું નથી? એક વરસથી કાશ્મીરને લશ્કરી બેરેકમાં ફેરવી નાખવામાં આવ્યું છે. મનસ્વીપણે નાગરિક ધારો લાગુ કરીને બીજા તો ઠીક, પણ ઇશાન ભારતના હિંદુઓને નાગરિકતા વિહોણા કરી નાખ્યા અને બીજા કરોડો હિંદુઓ નાગરિકતાવિહોણા થવાના છે. ચાર કલાકની નોટિસમાં લોકડાઉન જાહેર કરીને લાખો મજૂરોને રઝળાવી મૂક્યા જેમાં અંદાજે ૯૦ ટકા હિંદુઓ હશે. તેમની યાતના અને વલોપાત જોઇને ભલભલાની આંખ ભીની થઈ જાય ત્યારે સંઘપરિવારમાંથી કોઈએ ગ્લાનિ નહીં અનુભવી હોય? ગાલ્વાનની ખીણમાં હિંદુ જવાનો શહીદ થાય અને વડા પ્રધાન કહે કે ભારતમાં કોઈ આવ્યું જ નહોતું ત્યારે સંઘપરિવારમાં કોઈનું હિંદુ દિલ કણસતું નહીં હોય? હિંદુ હોવા માટે ગર્વ લેનારાઓની હિંદુ સંવેદનશીલતા ક્યાં? તેઓ વધારે વ્યાપક બને એવી તો આપણે અપેક્ષા પણ રાખતા નથી.