કારખાનામાં મજૂરોની ખેંચ છે, વેપારમાં ઘરાકી નથી, કચેરીઓ ખૂલી છે પણ મુલાકાતીઓને પ્રવેશ નથી. શાળામાં શિક્ષકોને ભણાવવા સિવાયનાં કામ કરવાનાં છે, અધ્યાપકો ઑનલાઈન ભણાવવાના પાઠ શીખી રહ્યા છે, હિંમત કરીને કામધંધે ઘરની બહાર નીકળનારનું કલેજું પણ કોરોનાના ચેપની બીકે ફફડે છે … આવા માહોલમાં સરકારમાબાપ આપણને કહે કે પ્રેરક નારા બોલતા રહો. દુકાન ખોલતાં વંદે માતરમ્ અને બંધ કરતાં જનગણમન ગાવ — તો માની શકાય? પણ ગૌમૂત્ર, થાળી, તાળી, દીવા, મીણબત્તી, પુષ્પવર્ષાથી કોરોના સામે લડતા દેશમાં આવા ફતવાની નવાઈ ન લાગવી જોઈએ.
પ્લેગની મહામારી પછી નવેસરથી બેઠી થયેલી અને તે કારણે દુનિયા આખીમાં પંકાયેલી નર્મદનગરી સુરત એના હીરા અને કાપડવણાટ ઉદ્યોગથી જાણીતી છે. સુરતની ૧૭૦ કાપડબજારમાં લગભગ ૬૫ હજાર દુકાનો આવેલી છે. આજકાલ અમદાવાદ પછી સુરત કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. હીરાબજારના ૬૦૦ અને કાપડબજારના ૩૦૦ લોકો કોરોના પૉઝિટિવ આવ્યા છે. રાજ્યના આરોગ્ય સચિવ, મ્યુનિસિપલ કમિશનર અને ફૅડરેશન ઓફ ટેકસટાઈલ ટ્રેડર્સ એસોસિયેશનની બેઠક પછી મહાનગરપાલિકાએ આ મહિનાના આરંભે કેટલાક દિશાનિર્દેશ જારી કર્યા છે. તે મુજબ કાપડબજારના લોકોએ દુકાન ખોલતાં અને બંધ કરતાં રોજ સવાર-સાંજ રાષ્ટ્રગીત ગાવાનું છે, વેપાર કરતાં કરતાં વચ્ચે વચ્ચે “હારશે કોરોના, જીતશે સુરત” અને “એક લક્ષ્ય અમારું છે, કોરોનાને હરાવવાનું. છે” જેવા પ્રેરક નારા બોલતા રહેવાનું છે. ઉપરાંત, રોજેરોજ એવા શપથ જાહેરમાં બોલીને લેવાના છે કે તે મહામારી રોકવાના સરકારના બધા જ નિર્દેશોનું પાલન કરશે અને મહામારીનો ફેલાવો રોકવા તમામ પ્રયાસ કરશે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાપાણીને આવા નિર્દેશોમાં કશું અજુગતું લાગતું નથી. તેમના મતે રાષ્ટ્રીય એકતાની ભાવના માટે રાષ્ટ્રગીત ગાવું જોઈએ. મહામારી સામે લડવા માટે એક યુદ્ધઘોષ કરવા નારા બોલવા જરૂરી છે.
અંગ્રેજોના જમાનાની આપણી નોકરશાહી રાજસી ચરિત્ર ધરાવે છે, પણ દેશના પ્રધાનસેવકની તે બહુ પ્યારી છે. એટલે મહામારીના આ દિવસોમાં રાજકીય નેતૃત્વ ગાયબ છે અને સર્વત્ર અફસરોનું રાજ છે. થોડા અપવાદોને બાદ કરતાં આ સરકારી બાબુઓ જનતાથી જોજનો દૂર છે અને ભાગ્યે જ તેમનાં સુખદુ:ખનો વિચાર કરે છે. તટસ્થને બદલે તરફદાર વહીવટી તંત્ર રાજકીય આકાઓને ખુશ રાખીને રાજનેતાઓના હુકમોનું પાલન કરવાને બદલે પોતે જ હુકમ કરતું બની જાય છે. પાયાની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ તંત્ર હવે શપથ, સૂત્રો અને રાષ્ટ્રગાનથી કોરોના ભગાડે તેમાં અને કોરોનામાતાનાં બાધાઆખડીદોરાધાગામાં કોઈ ફરક ખરો?
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 20 જુલાઈ 2020; પૃ. 01