ઈ.સ. ૧૯૨૨માં અમદાવાદમાં કૉન્ગ્રેસનું અધિવેશન ભરાયું હતું. તેમાં સફાઈની સઘળી કામગીરી મામાસાહેબની આગેવાનીમાં જન્મે સફાઈ કામદારો સિવાયના વર્ગના લોકોએ ઉપાડી હતી. ગાંધીજીના આગ્રહથી સ્વેચ્છાએ સફાઈકામદાર બનેલા સ્વંયસેવકોની તસવીર લેવામાં આવી હતી. જે વીતેલા જમાનાના આદર્શોનું ઉત્તમ સંભારણું છે.
સામાન્ય માન્યતા એવી છે કે બા-બાપુ, બાપા, દાદાસાહેબ, કાકાસાહેબ, મામાસાહેબ, અણ્ણાસાહેબ જેવી પારિવારિક ઓળખ ગાંધીજીએ આશ્રમવાસીઓને આપી છે. પરંતુ ગાંધીજીએ આત્મકથામાં એ મતલબનું લખ્યું છે કે વડોદરાની ગંગનાથ વિદ્યાલયના સંચાલકે વિદ્યાલયમાં કૌટુંબિક ભાવના માટે અધ્યાપકોને પારિવારિક નામો આપ્યા હતા. તેમાં કાલેલકર ‘કાકા’ નામ પામ્યા, ફડકે ‘મામા’ થયા. (‘સત્યના પ્રયોગો’, પૃષ્ઠ, ૩૬૪-૬૫)
મામાસાહેબ ફડકે તરીકે જાણીતા વિઠ્ઠલ લક્ષ્મણ ફડકેના દેહવિલય(તા. ૨૯મી જુલાઈ ૧૯૭૪)ને આજે તો પોણા પાંચ દાયકા થવા આવ્યા છે. આજની પેઢી માટે તો એ કદાચ પાઠયપુસ્તકનું એક પાનું હશે. પરંતુ જેમણે ‘ગાંધીજીના જમાનાનો હું પહેલો અંત્યજસેવક ગણાઉં’ તરીકે પોતાની ઓળખ આપી છે, તે મામાસાહેબ ફડકે દલિતશિક્ષણના જ નહીં આભડછેટ નાબૂદી અને દલિતોદ્ધારના ભેખધારી હતા. અસ્પૃશ્યતા નિવારણને જીવનધ્યેય બનાવનાર તથા અનેક દલિત વિદ્યાર્થીઓના જીવનમાં કેળવણીનો પ્રકાશ પાથરનાર મામાસાહેબ ખરા અર્થમાં ‘અવધૂત’ હતા.
બીજી ડિસેમ્બર ૧૮૮૭ના રોજ મહારાષ્ટ્રના બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા મામાસાહેબને આરંભથી જ અંગ્રેજી શિક્ષણ અને અંગ્રેજરાજનો વિરોધ હતો. અને લોકમાન્ય ટિળકના જીવનકાર્ય અને વિચારોનું ખેંચાણ હતું. ૧૯૦૬માં ઓગણીસ વરસના યુવાન વિઠ્ઠલ ફડકેએ રત્નાગિરિમાં ટિળકની પચાસમી જયંતીની સભામાં ભાષણ આપ્યું અને લોકોની અને પોલીસની નજરમાં આવી ગયા. ભણવામાંથી મન ઊઠી ગયું હતું એટલે પિતાએ ફાઈનલની પરીક્ષા માટે ફોર્મ ભરવાના જે પૈસા આપેલા તે લઈને, પિતાની આજ્ઞા સાથે, દેશસેવાના નિર્ધારથી ઘર છોડ્યું. ફરતાંફરતાં વડોદરાની ગંગનાથ વિદ્યાલયમાં આવ્યા. અહીં આવ્યા તો હતા ભણવા માટે પણ શિક્ષક બનાવી દેવાયા. ઇતિહાસ ભણાવતા, રાષ્ટ્રીય ગીતો ગાતા-ગવડાવતા, ઉગ્ર ભાષણો કરતા અને જહાલવાદીઓના સંપર્કમાં રહેલા મામાસાહેબ પર અંગ્રેજ પોલીસની કરડી નજર હતી. એટલે ગંગનાથ વિદ્યાલય પર રાજદ્રોહનો આરોપ લાગ્યો. મામાસાહેબને વિદ્યાલય છોડવું પડ્યું અને પછી વિદ્યાલય પણ બંધ કરાવ્યું. વડોદરાના પ્રગતિશીલ રાજવી સયાજીરાવ ગાયકવાડે દલિતો માટે જુદી શાળાઓ તો શરૂ કરેલી પણ કહેવાતા ઉચ્ચ વર્ણના શિક્ષકો ભણાવવા મળતા નહોતા. એટલે મામાસાહેબે થોડો સમય વડોદરા રાજ્યની અંત્યજ શાળાના શિક્ષક તરીકે કામ કર્યું. રાજદ્રોહીની છાપને લીધે તે કામ પણ ગુમાવ્યું અને ત્રણેક વરસ ગિરનારમાં અજ્ઞાતવાસમાં ગાળ્યા.
દેશસેવાના કામ માટે મામા મુંબઈ, પુનામાં ફર્યા. ગાંધીજીની મુલાકાત પછી ઈ.સ. ૧૯૧૫માં અમદાવાદ આવી સત્યાગ્રહ આશ્રમ, કોચરબમાં જોડાયા. આશ્રમમાં મામા ગાંધીમય બની ગયા. ૧૯૧૭માં ગોધરામાં રાજકીય અને સામાજિક પરિષદ મળી. એ નિમિત્તે ગોધરાના સફાઈ કામદારોની વસ્તીમાં ગાંધીજીની સભા થઈ અને તેમના માટે શાળા શરૂ કરવામાં આવી. ગોધરાની ગાંધીયુગની પ્રથમ અંત્યજ શાળાના શિક્ષક તરીકે મામાસાહેબની ગાંધીજીએ અનાયાસ પસંદગી કરી. મામાસાહેબે પોતાના કાર્ય થકી એ પસંદગીને સાર્થક કરી દેખાડી. અજાણ્યું ગામ, અજાણ્યા લોકો અને અજાણી ભાષા છતાં અખૂટ શ્રદ્ધા અને લગનથી મામાસાહેબે કામ આરંભ્યું. સૌ સાથેનો પ્રેમભર્યો વ્યવહાર જોઈને બાળકો હોંશેહોંશે મામા તરફ આકર્ષાયા. અને સંખ્યા વધવા લાગી. વીસમી સદીના પહેલા-બીજા દાયકામાં દલિતોના શિક્ષણનું કામ કેટલું કપરું હતું તે મામાસાહેબની આત્મકથા’મારી જીવનકથા’માં જાણવા મળે છે. કહેવાતા ઉજળિયાત સમાજનો તો વિરોધ હતો જ જેમના બાળકોને ભણાવાતા હતા તે સફાઈ કામદારો અને દલિતોની કહેવાતી અન્ય ઊંચી પેટાજ્ઞાતિઓ પણ વિરોધમાં હતી.
દલિતોનાં શિક્ષણ અંગે મામાસાહેબમાં ઘણી વૈચારિક સ્પષ્ટતાઓ હતી. આત્મકથામાં તેમણે લખ્યું છે, ‘હું શિક્ષણ આપતો હતો તે સાક્ષરતા વધારવા માટે ન હતું, પણ જીવન સુધારવા માટે હતું. પરીક્ષા પાસ કરે અને છોકરા ધંધે વળગી જાય એવું મારું ધ્યેય ન હતું.’ ગોધરાની આ અંત્યજ શાળા પછી આશ્રમમાં પરિવર્તિત થઈ. ભારતનો સૌ પ્રથમ ગાંધીઆશ્રમ ગોધરામાં શરૂ થયેલો. ઈ.સ.૧૯૨૨માં અમદાવાદમાં કૉન્ગ્રેસનું અધિવેશન યોજાયું હતું. મામાસાહેબે તેમાં જન્મે સફાઈ કામદારો વિના જ સઘળી સફાઈનું કામ સંભાળ્યું હતું. મામાના મુખીપણાએ જે સ્વંયસેવકોએ સફાઈ કામ સંભાળ્યું તેમનો ફોટો પાડવા ગાંધીજી સૂચવ્યું. અનિચ્છાએ મામા તૈયાર થયા. બ્રાહ્મણ, વાણિયા અને મુસલમાન જ્ઞાતિના સફાઈ કામદારો બનેલા સ્વંયસેવકોની એ તસવીર વીતેલા જમાનાના આદર્શોનું ઉત્તમ સંભારણું છે. ૧૯૨૪માં મામાસાહેબના અધ્યક્ષપણામાં બોરસદમાં અંત્યજ પરિષદ યોજાઈ હતી. એ પરિષદમાં તેમણે કહ્યું હતું કે, ‘હિંદુમાંથી અસ્પૃશ્યતાનો રિવાજ જો બંધ કરવો હોય તો તે આપણું ખોબા જેટલા માણસોનું કામ નથી. પણ વયોવૃદ્ધો, પુરુષો, સ્ત્રીઓ, વેપારીઓ, મજૂરો, અને કારીગરોને ગળે વાત ઉતારવી જોઈએ. અસ્પૃશ્યતાનું નિવારણ એ સ્વરાજની એક શરત છે, એટલું જ કહ્યે વાત ગળે ઉતરી શકે નહીં’.
ગાંધીજી રચનાત્મક કામોને રાજકીય લડત જેટલું જ મહત્ત્વ આપતા હતા. એટલે ઈચ્છા છતાં મામાને ૧૯૩૦ની દાંડીકૂચમાં જોડાવાની મંજૂરી મળી નહોતી. જો કે સ્વરાજની લડતમાં જોડાઈને મામાએ ૧૯૩૧-૩૨ અને ૧૯૪૩-૪૪માં હાલોલ, સાબરમતી અને વિસાપુરની જેલોમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. ૧૯૪૪માં સત્તાવન વરસે પણ પોતાના રોટલાનો લોટ જાતે જ દળતા મામાને ઘંટીનો અંદરનો ખીલડો ઊડીને આંખમાં વાગ્યો. જે એમની એક આંખ લઈ ગયો. આંખની એ ગંભીર ઈજા અંગે ગાંધીજીની લાગણી મામા જોગની ઠક્કરબાપાની એક ચિઠ્ઠીમાં આમ વ્યક્ત થઈ છે : ‘બાપુ એક ડોકટર પાસે તમારી આંખની વાત કરતાં બોલ્યાં કે એમની આંખ જાય તો મારી જાય.’ આરંભે અરાજક અને જહાલ મામાસાહેબ કેવા ગાંધી રંગે રંગાયા હતા અને ગાંધીજીનો કેટલો ઉત્કટ પ્રેમ અને લાગણી પામ્યા હતા તેનો આ શબ્દો પુરાવો છે.
૮૭ વરસની પાકટ વયે મામાસાહેબનું અવસાન થયું હતું. ગોધરાનો ગાંધી આશ્રમ (જેની સાથે હવે મામાનું નામ જોડાયું છે) આજે પણ મામાસાહેબના દલિતોદ્ધારના કાર્યોનું જીવંત સ્મારક છે. ગાંધીજીના અંગતમંત્રી મહાદેવભાઈ દેસાઈએ મામાસાહેબને ‘અંત્યજ ઉદ્ધાર માટે જીવનવ્રત લેનાર’ ગણાવ્યા હતા. સવાયા ગુજરાતી કાકાસાહેબ કાલેલકરે તેમને ‘ગાંધીજીના રચનાત્મક કાર્ય માટે આખી જિંદગી નિચોવી નાંખનાર અવધૂત’ કહ્યા હતા. કોરોનાના કપરા કાળમાં પણ દલિતો પરના અત્યાચારો અને આભડછેટ એના વરવારૂપે દેખા દે છે. ત્યારે ગાંધીના આદર્શોને માથે ચઢાવી જીવનભર દલિતોદ્ધારનો ભેખ લેનાર મામાસાહેબ ફડકેના જીવનકાર્યનું મૂલ્ય સમજાય છે.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 29 જુલાઈ 2020
![]()


વાતની શરૂઆત વીસેક વર્ષ પહેલાં થઈ. ત્યારે આઇ.આઇ.ટી., બૉમ્બેમાં ભણતા સુંદર ઐયરને તેમના એક સહાધ્યાયીની જ્ઞાતિ વિશે ખબર પડી. મૅરિટ લિસ્ટમાં તેમનું નામ ન જોવા મળતાં, તેમને જાણ થઈ કે એ ભાઈ દલિત છે અને અનામત બેઠક પર તેમણે આઇ.આઇ.ટી.માં પ્રવેશ મેળવ્યો છે. ત્યાંથી ભણી લીધાનાં વર્ષો પછી, અમેરિકાની વિખ્યાત આઇ.ટી. કંપની ‘સિસ્કો’/CISCOમાં વળી પાછું તે બંનેને સાથે કામ કરવાનું થયું. ત્યારે સુંદર ઐયરે બીજા ભારતીય સાથી કર્મચારીઓ સમક્ષ પોતાના જૂના સહાધ્યાયી-હાલના સહકર્મીની જ્ઞાતિ જણાવવાનું શરૂ કર્યું. ભારતીય ગમે ત્યાં હોય, પણ મોટે ભાગે તો તે જ્ઞાતિવાદનાં પોટલાં સાથે ઊંચકીને જ ગયા હોય. આઇ.આઇ.ટી.માં ભણ્યા પછી ને ‘સિસ્કો’ જેવી કંપનીમાં જોડાયા પછી પણ એ લક્ષણ જાય? સુંદર ઐયરના આવા જ્ઞાતિવાદી પ્રચારને કારણે તેમના દલિત સહકર્મી સાથે કંપનીમાં ભેદભાવભર્યું વર્તન થવા લાગ્યું.
કોરોના મહામારીના સમયમાં શાળાકૉલેજો ખોલવી જોઈએ કે કેમ તે બાબતે અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. અનેક ખાનગી શાળાઓ ઑનલાઇન શિક્ષણનાં નામે નિયમિત હોય તેના કરતાં પણ વધુ ફી વિદ્યાર્થીઓ-વાલીઓ પાસેથી ઉઘરાવી રહી છે. તો બીજી બાજુ UGCની નવી ગાઇડલાઇન પણ સપ્ટેમ્બર સુધીમાં અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ કરવાનો આદેશ આપે છે. જો કે જ્યારે પરીક્ષા લેવાનો આદેશ અપાઈ રહ્યો છે ત્યારે ભારતમાં કોરોનાના કેસ 11 લાખ સુધી પહોંચવાની તૈયારીમાં છે. તો મૃત્યુનો આંકડો 26 હજાર કરતાં પણ વધુ છે. દેશમાં રોજ સરેરાશ 35 હજાર સંક્રમણના કેસ અને 500 મૃત્યુ નોંધાઈ રહ્યા છે. અમેરિકામાં પણ આ જ પરિસ્થિતિ છે. ટ્રમ્પ સરકારે તો ત્યાં સુધી કહ્યું છે કે જે શાળાઓ શરૂ કરવામાં નહીં આવે તેમની ગ્રાન્ટ કાપી લેવામાં આવશે. (એ જુદી વાત છે કે તેમનો પુત્ર જે શાળામાં ભણે છે ત્યાંના સંચાલકોએ જ શાળા શરૂ કરવાની ના પાડી દીધી છે.)