
ગૂજરાત વિધાપીઠની સ્થાપના કઈ રીતે થઈ એનો હું સાક્ષી છું. આરંભમાં ત્યાં થોડું ઘણું ભણાવવાનું કામ પણ મેં કર્યું છે. એ વખતે હું સાબરમતી આશ્રમમાં રહેતો હતો અને રોજ અહીં ભણાવવા આવતો હતો. આવતી વખતે ચાલતો આવતો હતો, પરંતુ પાછા જતી વખતે દોડતો જતો હતો. ૪૫ મિનિટનો એક વર્ગ હું લેતો હતો.
સાબરમતી આશ્રમમાં પણ ગીતા વિષેના મારા વર્ગ ચાલતા હતા. એ વર્ગ સવારે ચાલતા અને એમાં ૫-૪ વિધાર્થી રહેતા. બપોરે ત્રણ વાગે બીજો એક વર્ગ લેતો અને સાંજે પ્રાર્થનામાં પણ બોલતો હતો. બપોરના ગીતાના વર્ગમાં કેટલાક વિદ્યાર્થીઓને દોડીને આવવું પડતું હતું, એવી સમયની ખેંચ રહેતી હતી. આમ, આરંભમાં કંઈક કસાયેલું જીવન હતું. હવે સંસ્થા ધીરે ધીરે વિકસિત થઈ રહી છે, સાથોસાથ એમાં કંઈક સુવિધાઓ પણ વધી રહી છે.
ઉત્તમ ખોરાક મળવો જોઈએ
વિદ્યાર્થી-જીવનમાં ઉત્તમ ખોરાક મળવો જોઈએ, કેમ કે વિધાર્થીઓનું શરીર વિકસતું રહેતું હોય છે. એમના ખોરાકમાં કાંઈ કમી નહીં રહેવી જોઈએ. વિધાર્થીઓને એવી બધી સુવિધાઓ મળવી જ જોઈએ. જો કે સુવિધાવાળા જીવનની આદતો જીવનમાં કાયમી થઈ જાય તો, અધિક પુરુષાર્થ નહીં કરી શકે અને ગામડાંમાં રહીને કામ નહીં કરી શકે. ગામડાંમાં શહેરો જેવી સુવિધાઓ ના હોય.
વ્યાસ ભગવાને તો “મહાભારત’માં લખી દીધું છે, “सुखार्थिन: कुतो विद्या, विधार्थिन: कुतो सुखम् ” યાને સુખાર્થીઓને વિદ્યા ક્યાં અને વિદ્યાર્થીઓને સુખ ક્યાં ? આમ, સુખાર્થી અને વિદ્યાર્થી, એવા બે ભાગ સમાજના થઈ ગયા. યદ્યપિ વિધ્યાર્થીઓને આત્માનંદ, વિદ્યાનન્દ, ગુરુસેવા અને એવાં બીજાં ઘણાં સુખ હોય છે. પરંતુ સુખનો પ્રચલિત અર્થ છે : સુવિધાઓ મળવી. એ સુવિધાઓ એમને મળી શકતી નથી; અને જો તેઓ શારીરિક સુખ ચાહે છે, તો એમને વિધા મળી શકતી નથી.
શરીર સશક્ત કરવું જોઈએ
મારું શરીર તો પહેલેથી નબળું જ હતું. જો મેં શરીરને ક્યું ના હોત; ઠંડી, ગરમી, વરસાદ આંધી વગેરે સહન કરવાની શક્તિ કેળવી ના હોત, તો આ ભૂદાન-યાત્રામાં ટકી શક્યો ન હોત. સાત-આઠ વર્ષથી આ યાત્રા ચાલી રહી છે અને કોણ જાણે ક્યાં સુધી ચાલશે ! કયારેક ક્યારેક તો જ્યાં વધુમાં વધુ વરસાદ પડે છે, ત્યાં પણ સતત ચાલતો રહ્યો. જેમ કે કેરળમાં ૧૭૫ ઈંચ વરસાદ થાય છે. ચાર વર્ષ પહેલાં જ્યાં સૌથી વધુ ઠંડી પડી છે, ત્યાં યાત્રા ચાલી. ગરમીમાં બાંદદા અને નાલગુંડા જેવા જિલ્લાઓમાં જ્યાં ૧૧૮-૧૧૯ ડિગ્રી તાપમાન હોય છે, ત્યાં યાત્રા ચાલી.
જાણીબૂઝીને એ રીતે યાત્રાનું આયોજન થતું નથી. પણ એવું કરવું પડે છે. તેમ છતાં શરીર સાથ આપી રહ્યું છે, કેમે એવા જીવનની બાળપણથી આદત પાડી છે. એ અત્યારે કામ આવી રહી છે. માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનાં શરીર મજબૂત બને એમ હું ઇચ્છું છું. સારો ખોરાક મળે તો શરીર મજબૂત બને. કસાયેલું જીવન જ મધુર જીવન છે. જીવનમાં માધુર્ય કાયમ ટકી રહે એવું જીવન ઘડવું જોઈએ. જો કે વચ્ચે વચ્ચે ઉપવાસ પણ કરતા રહેવું જોઈએ. માટે આપણા પૂર્વજોએ વચ્ચે વચ્ચે ઉપવાસની યોજના પણ ઘડી રાખી હતી.
અભ્યાસમાં તન્મયતા રહેવી જોઈએ
પ્રકૃતિ આપણી મિત્ર છે. ખૂબ વરસાદ વરસે, તો આપણો મિત્ર મળવા આવ્યો છે એમ સમજવું. ગરમીમાં માટી તપે અને પછી એના પર વરસાદ પડે, તો સારો પાક થાય. એ રીતે આપણું શરીર પણ માટી છે, એને સૂર્યનારાયણનો સ્પર્શ થવો જોઈએ. પ્રકૃતિનાં આ તત્ત્વો આપણાં મિત્ર છે અને મિત્રૂપમાં જ એમનું સ્વગાત આપણે કરવું જોઈએ. વિધાભ્યાસ વખતે એવી તન્મયતા હોવી જોઈએ કે શું ખાઈ રહ્યા છીએ એની જીભને ખબર પણ ના પડે.
મારી બા રસોઈ કરતી વખતે ભજનો ગાયા કરતી હતી. ઘણાં ભજન એને યાદ હતાં. રસોઈ કરતી જાય અને સ્તોત્ર-પાઠ કરતી જાય. એમાં ક્યારેક મીઠું નાખ્યું કે નહીં એ ભૂલી જાય. કોઈ વખત બે વાર મીઠું નંખાઈ જાય. વધારે મીઠું ખાવાની એને આદત પણ હતી. સૌથી પહેલાં ખાઈને હું કૉલેજ ચાલ્યો જાઉં. રસોઈમાં મીઠું વધારે છે કે ઓછું એ તો મારા ધ્યાનમાં આવતું પણ નહીં. મારા પિતા જમવા બેસે ત્યારે કહે કે, અરે ! આમાં તો મીઠું વધારે છે. રસોઈ પહેલાં ચાખી લેવાનું બા માટે શક્ય નહોતું. કેમ કે એ ભગવાનને ધરાવતી હતી. હું કૉલેજથી આવું ત્યારે મને કહેતી, ““અલ્યા વિન્યા, મીઠું વધારે પડ્યું હતું, પરંતુ તેં તો મને કહ્યું પણ નહીં.” હું કહું, “મને એનો ખ્યાલ જ નહોતો રહ્યો.”
કહેવાનો મુદ્દો એ છે કે અભ્યાસમાં આવી તન્મયતા રહેવી જોઈએ. વિદ્યાર્થીને અસ્વાદ રૂપમાં નહીં, પણ આવી તન્મયતા સહેજે સાધ્ય થવી જોઈએ. આ તન્મયતાની કસોટી છે. અસ્વાદવ્રત અને કસાયેલું જીવન વિદ્યાર્થીઓ માટે જરૂરી છે. આ રીતે તમે શરીર – મનને કેળવશો તો મને આશા છે કે જે સેવા માટે તમે તૈયાર થઈ રહ્યા છો, એ સેવા તમે જરૂર કરી શકશો.
(અમદાવાદ, ૨૧-૧૨-૧૯૫૮ : ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ વચ્ચે. હિંદી પરથી અનુવાદ – અમૃત મોદી)
સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 સપ્ટેમ્બર 2020
![]()


મહાત્મા ગાંધીએ, સન 1948માં, કરેલી કદાચ છેલ્લી નોંધમાંની એકનો ઉલ્લેખ, 1958માં પ્રકાશિત, પ્યારેલાલકૃત ‘લાસ્ટ ફેઇઝ’ના બીજા ગ્રંથમાંના 56મા પાન પર થયો છે. ‘ગાંધીજીનું તાવીજ’ તરીકે તે જાણીતો બન્યો છે. ગાંધીજીની આ નોંધ આમ છે :
‘આત્મકથા’માં ગાંધીજીએ ‘રાયચંદભાઈ’ પ્રકરણના અંતે લખ્યું જ છે : ‘… મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈએ તેમના જીવનસંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકથી, ને રસ્કિને ‘અનટુ ધિસ લાસ્ટ’ – સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો.’
કાન્તિભાઈ કહે છે તેમ, ‘વીસમી સદી ઘણી ઊથલપાથલની, ઘણા ચઢાવ-ઉતારની, માણસની જ્વલંત સિદ્ધિઓની અને સાથોસાથ માણસનાં નપાવટ કુકર્મોની સદી રહી. આ સદીમાં માણસને આપણે એવરેસ્ટ-ઊંચી છલાંગ મારતોયે જોયો અને અતલ ઊંડી ગર્તામાં ગબડી પડતોયે જોયો. સૃષ્ટિનાં અવનવાં રહસ્યો છતાં કરતી, માણસને માટે અનેકાનેક શક્તિઓ ને કુશળતાઓ હાથવગી કરતી અને આપણી પૃથ્વીની જ નહીં, આકાશગંગાનીયે પેલે પારનાં વિશ્વોમાં ડોકિયું કરાવતી વિજ્ઞાનની અભૂતપૂર્વ શોધો આ સદીમાં થઈ, તો તેની સાથોસાથ બબ્બે મોટાં યુદ્ધો તેમ જ બીજાં તો અનેકાનેક યુદ્ધો આજ સુધી લડાતાં રહ્યાં છે અને માણસની બર્બરતાની અને અક્કલહીનતાની ચાડી ખાતાં રહ્યાં છે. અગાઉ ક્યારે ય કલ્પનાયે ન કરી હોય એટલી સાધન સમૃદ્ધિ અને વૈભવ માણસને આ સદીમાં ઉપલબ્ધ થયાં છે, અને છતાં લાખો માણસો માનવસર્જિત દુકાળમાં ભૂખમરાથી આ સદીમાં મર્યા છે. …’ 
અને આનો ઉકેલ ‘હિંદ સ્વરાજ’ તેમ જ ‘સર્વોદય’માં પડેલો છે. ગાંધીએ આપણને 1909માં ચેતવેલા. જ્યારે ગાંધી પહેલાં, ટૉલ્સ્ટોય અને રસ્કિને આપણને વારવાનો મજબૂત પ્રયાસ કરેલો. ‘અન્ટુ ધિસ લાસ્ટ’ના ગુજરાતી અનુવાદને આવકારતાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ લખે જ છે ને, ‘પુસ્તકો લખ્યે કે વાંચ્યે શું વળે ? દુિનયા તો કાં બળથી ચાલે, કાં છળથી ચાલે અને કાં ધનથી. ચોપડીથી ? જવા દો એ વાત !’ એમ કહેનારા હતા અને છે. પણ ચોપડીએ ચોપડીએ ફેર છે, એક લાખ દેતાં યે ન મળે ને બીજી ત્રાંબીઆના તેર લેખે મળે. જે લાખ દેતાં ન મળે તેવાં પુસ્તકોમાં ‘અન્ટુ ધિસ લાસ્ટ’ અક્ષયપાત્ર છે.’
મુરિયલ લેસ્ટરનાં સંસ્મરણોને આલેખતું પુસ્તક છે : Ambasssador of Reconciliation. તેમાં With Gandhi in India and at Kingsley Hall નામક રોચક પ્રકરણ છે. વિલાયતના લેન્કેશર પરગણામાં વિદેશી માલના બહિષ્કારને કારણે ઊભી થયેલી હાલાકીથી બેકારોની સંખ્યા વધી હતી. કલકારખાનાં ઠપ્પ થઈ ગયેલાં. આ વિસ્તારના આવા એક બેકાર પરંતુ સમજુ આદમીએ ઊભી થયેલી હાલાકી જોઈ જવા ગાંધીને આમંત્ર્યા. ગાંધીને જોઈતું હતું તે મળ્યું. હિંદની પરિસ્થિતિનો ચીતાર એમણે લેન્કેશરની પ્રજાને આપ્યો અને બહોળા પ્રમાણમાં તે લોકોનાં દિલ જીતીને પરત થયેલા.
ચંદુ મહેરિયાએ નોંધ્યું છે તેમ, ગાંધીજીએ અંગ્રેજોની બેરહમ હિંસા સામે ઉંહકારો પણ કર્યા સિવાય, કશા જ પ્રતિકાર વિના, માત્ર ને માત્ર અહિંસા દ્વારા જ સમગ્ર આઝાદીની લડત ચલાવી. બબ્બે વિશ્વયુદ્ધો કે લાંબા ગાળાનાં ઠંડા યુદ્ધો, પરમાણુ-અણુબૉમ્બથી માંડીને અત્યાધનિુક શસ્ત્રોથી દેશ અને દુનિયા સજ્જ હોય, સર્વત્ર હિંસા અને યુદ્ધની જ બોલબાલા હોય ત્યારે ગાંધીજીના અહિંસાના પ્રયોગો દુનિયામાં આજે પણ ક્યાંક ને ક્યાંક અજમાવાય છે અને તે સફળ પણ થતા રહ્યા છે. દેશના જુદા જુદા ખૂણે મહિલાઓના દારૂબંધી આંદોલન હોય કે સુંદરલાલ બહુગુણાનું ચીપકો આંદોલન, પૂર્વોત્તર હોય કે પશ્ચિમના દેશો આજે પણ એવા ઘણાં જૂથો દુનિયામાં કાર્યરત છે; જે માત્ર ને માત્ર અહિંસક માર્ગે જ પોતાના કાર્યક્રમો યોજે છે અને સફળ પણ થાય છે. માર્ટિન લ્યૂથર કિંગ, નેલ્સન મંડેલા કે આંગ સાન સૂકીની લડતમાં ગાંધીજીની ‘અહિંસા’ના વિચારનો સિંહફાળો હતો, તે તો હવે દુનિયા સ્વી કારે જ છે. ગાંધીજી માટે અહિંસા એ કોઈ આંદોલન પૂરતો મુદ્દો નહોતો એટલે જ એ કહેતા કે, “માણસ બીજાઓ સાથેના પોતાના વ્યવહારમાં અહિંસાનું આચરણ નહીં અને મોટી બાબતોમાં એનો પ્રયોગ કરવાની આશા રાખે તો તે ભીંત ભૂલે છે. માણસ પોતાના જ મંડળમાં અહિંસક રહે ને બહાર હિંસક રહે એ ન બની શકે. વ્યક્તિ ને અહિંસાની તાલીમ લેવાની જરૂર હોય, તો રાષ્ટ્રને તો એવી તાલીમ લેવાની જરૂર એથી પણ વધારે રહે છે.”
કિશોરલાલભાઈએ આપેલા ‘ગાધી-વિચાર-દોહન’ મુજબ, ‘દરેક યુગમાં અને દરેક પ્રજામાં સત્યના તીવ્ર શોધકો અને જનકલ્યાણ માટે અત્યંત ધગશ ધરાવનારા વિભૂતિમાન પુરુષો અને સંતો પેદા થાય છે. તે યુગના અને તે પ્રજાના બીજા માણસો કરતાં તેમણે સત્યનું કાંઈક વધારે દર્શન કરેલું હોય છે. એમનું કેટલુંક દર્શન સનાતન સિદ્ધાંતોનું હોય છે, અને કેટલુંક પોતાના જમાનાની પરિસ્થિતિમાંથી ઉદ્દભવેલું હોય છે. વળી, કેટલાક સિદ્ધાંતો તેના સનાતન સ્વરૂપમાં તેમને સમજાયા હોય, છતાં તેનો વ્યાવહારિક અમલ કરવા જતાં તે યુગ અને પ્રજાની પરિસ્થિતિ બંધબેસતી આવે એની મર્યાદામાં જ તેની પદ્ધતિ તેમને સૂઝે એમ બને છે. આ બધામાંથી જગતના જુદા જુદા ધર્મો ઉદ્દભવ્યા છે.’
‘ગાંધી, મહાપદના યાત્રી’ પુસ્તકના કર્તા જયન્ત મ. પંડ્યા ‘પ્રેમપંથ પાવકની જ્વાળા’ પ્રકરણમાં કહે છે, તે પ્રસંગ અહી ખૂબ પ્રસ્તુત છે: