રવીન્દ્રનાથનું એક કાવ્ય છે, “મારું ગીત”.
એનો ભાવાનુવાદ આપું :
ગીતકાર પોતાના બાળકને ઉદ્દેશીને કહે છે કે –
આ મારું ગીત, બેટા, એના સંગીતથી તને વીંટળાઈ વળશે – વ્હાલથી બથ ભરી દેશે.
આ મારું ગીત, બેટા, તારા કપાળે આશિષભરી પપી બની રહેશે.
કોઈ નહીં હોય તારી પાસે ત્યારે, તારી બાજુમાં બેસી કાનમાં તારા કશુંક કહેશે તને.
તું ભીડમાં વ્હીલું પડી ગયું હોઈશ, ત્યારે તને આવરી લેશે.
ગીત મારું ગોઠવાઈ જશે તારી કીકીઓ પર ને
નજરને તારી દોરી જશે વસ્તુઓના હાર્દમાં.
મારો અવાજ મૃત્યુમાં શમી ગયો હશે ત્યારે, આ ગીત મારું,
તારા વિયોગી હૃદય જોડે વાતો કરશે …
• • •

રવીન્દ્રનાથ – સૌજન્ય : kobo.com
ગીતકારે ગીત કયું તે નથી કહ્યું, ગાઈને રજૂ પણ નથી કર્યું. એટલે એ કુતૂહલ અકબંધ રહે છે. પરન્તુ એની કલ્પના તો કરી શકાય. એ ગીત નિંદર લાવી દેનારું હાલરડું હોઈ શકે અથવા એ કશી રમ્ય કલ્પના હોય. મનોમન રચાતી આલેખના પણ હોય.
પણ એ કશી માત્ર સૂરાવલિ ય હોઈ શકે છે — એટલે કે, શબ્દમય ગીત નહીં, પણ શુદ્ધ ગાન.
મારા પિતાને ગાવું બહુ ગમતું. હીંચકે ઝૂલતા ઝૂલતા ગાય, આંગળી અને અંગૂઠાથી ટકોરા વગાડી તાલ આપે. એમને એક તરન્નુમ આવડતી’તી ને અમને એ બહુ ગમતી. કેમ કે એથી ઊંઘ આવી જતી. એમાં માત્ર ગુંજન હતું, શબ્દો ન્હૉતા. રડતા પૌત્રને મારા પિતા પોતાના ખૉળામાં લે ને ગુંજવા માંડે. પૌત્ર ધીમે ધીમે શાન્ત … આંખો બીડાઈ ગઈ હોય.

બાળકને સ્તનપાન કરાવતી માતા – સૌજન્ય : Dreamstime.com
એક આવું જ દૃશ્ય છે : પોતાના બાળકને ખૉળામાં લઈ ધવરાવતી મા પોતાનો સાથળ હલાવતી હલાવતી કશુંક ગુંજતી હોય છે. એમાં પણ શબ્દો નથી હોતા. બાળક ધરાઈને સીધું બસ પોઢી ગયું હોય છે.
કાવ્યની, ‘મારો અવાજ મૃત્યુમાં શમી ગયો હશે’, એ છેલ્લી પંક્તિ એકાએક કરુણમાં સરી પડી છે. તેમ છતાં પણ, એમાં સરસ વાત એ છે કે ત્યારે એ ગીત બેટાના વિયોગી હૃદય જોડે વાતો કરવાનું છે.
આ કોરોના કાળમાં, કાલ કોણે દીઠી છે? દરેક વયસ્ક પુરુષે કે સ્ત્રીએ પોતાનાંને આવું આશાયેશભર્યું કશુંક હૃદ્ય ભાથું બંધાવવું જોઈએ. તમને શું લાગે છે?
= = =
(September 23, 2020: Ahmedabad)
![]()



આપણે અગાઉ જોયું તેમ અમદાવાદ શહેરની સેક્સવર્કર બહેનોની ઊંડાણપૂર્વકની મારી મુલાકાતે સામાજિક સંશોધનમાં icebreaking અને Rapport-buildingનો પાયો નાખ્યો. પણ મોટી સંખ્યામાં તેઓ વિશેની જરૂરી અનેકવિધ માહિતી અર્થે સર્વે અનિવાર્ય હતો, જેને પરિણામે તેઓને એચ.આઈ.વી. સંક્રમણથી બચાવની રણનીતિ ઘડી શકાય.
૧૯૪૩માં ‘અપ્સરા’નો પ્રથમ ગ્રંથ પ્રકાશિત થયો અને ૧૯૫૨માં પાંચ ગ્રંથ પ્રકાશિત થઈ ચૂક્યા હતા. ગુજરાતમાં એ હકીકત જાણીને આશ્ચર્ય થાય એવું નથી કે ના તો સાહિત્યના કે ના તો સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને દાયકાઓ દરમિયાન આ ગ્રંથોનો પરિચય કરાવવામાં ના આવ્યો. રમણલાલ વ. દેસાઈ તેઓની પ્રસ્તાવનામાં લખે છે, ‘આવા વિષયમાં સમાજશાસ્ત્રના અભ્યાસીઓએ અને વિવેચકો તરફથી મને માર્ગદર્શન મળે એવું વિવેચન થયું નથી, એમ મારું મન કહે છે. જો કે સામાન્ય સાહિત્યિક વિવેચન તો થયું છે’.
‘અપ્સરા’ પૂર્વે એક દાયકા પહેલાં રમણલાલ વ. દેસાઈએ ’પૂર્ણિમા’ નામે ગણિકાઓના જીવનને રજૂ કરતી નવલકથા પણ લખી હતી. આર.આર. શેઠની કંપનીએ ‘અપ્સરા'ના પાંચ ગ્રંથ પ્રકાશિત કરેલા. રમણલાલ વ. દેસાઈની જન્મશતાબ્દી નિમિત્તે વર્ષ ૧૯૯૩માં તેનું વિશેષ પુનઃમુદ્રણ થયેલું. નારીકેન્દ્રી લખાણો લખતા અને જેન્ડર સૉશિયોલૉજી ભણાવતા તેમ જ સમાજકાર્યનું શિક્ષણ આપતા અધ્યાપકોએ ’અપ્સરા’ને વિસારે પાડી છે, ત્યારે ગુજરાતની ઊગતી પેઢી આ અમૂલ્ય પ્રદાનથી છેવાડાની મહિલાઓ વિશેની સમજ અને સંવેદનશીલતા વિકસિત કરે એવી આશા.
