આ કોરોનાકાળમાં, મારો તો સાહિત્યકલા સિવાયનો કશો આરોઓવારો નથી.
વાસ્કો પોપા (1922-1991) મારો પ્રિય કવિ છે. કવિઓ બક્ષાયા હોય છે – બોલી શકે, બીજાઓ માટે. પણ પોપા વિશે ઑક્ટોવિયો પાઝે એમ કહ્યું કે આ કવિમાં બીજાઓને સાંભળવાનો વિરલ સદ્ગુણ છે.

Vasko Popa : Courtesy: YouTube

Octavio Paz: Courtesy: Google Images
વરસો પહેલાં એનાં કાવ્યોના અનુવાદ કરેલા, સુરેશ જોષીના ‘ઊહાપોહ’-માં પ્રકાશિત થયેલાં.
આજે એનાં બે કાવ્યોના ભાવાનુવાદ રજૂ કરું છું.
પહેલા કાવ્યમાં, એક ભૂલની વાત છે. કોરોના સંદર્ભે એ મને વિચારણીય ભાસે છે.
A conceited Mistake / Vasco Popa
એક અભિમાની ભૂલ (ભાવાનુવાદ : સુમન શાહ)
એક વાર એક ભૂલ હતી
એટલી સિલી એટલી સ્મૉલ
કે કોઈ કરતાં કોઈને દેખાયેલી જ નહીં
એનાથી ય પોતા સામે ન તો જોવાયેલું કે
પોતા વિશેનું સાંભળી શકાયેલું
પોતે હતી જ નહીં એમ ઠસાવવા
એણે બધા જ પ્રકારના ફાંફાં મારી જોયા
પુરાવા બતાવવા સ્થળ-સમય શોધી કાઢ્યાં
પુરાવા જોઈ શકે એવા લોકોને ય શોધી કાઢ્યા
એવું એવું એણે જે કંઈ શોધ્યું તે
સાવ સિલી ને સાવ સ્મૉલ ન્હૉતું પણ
જે થયું
ભૂલથી જ થયેલું
આખું જો કે બીજી રીતે પણ કરી શકાયું હોત
+ + +
બીજા કાવ્યમાં, નાયકનો ક્રોધ ભભૂક્યો છે. મને લાગે છે કે કોરોના પર એ કરવા જેવો છે.
Just come to my mind / Vasco Pop-a
એક વાર જો … / સુમન શાહ (ભાવાનુવાદ)
એક વાર જો
મારા મનમાં ભરાઈ ગયું ને
વિચારો મારા તારા ચ્હૅરાને તરડી નાખશે
એક વાર જો
મારી નજરે ચડ્યું ને
આંખો મારી એવી તો ઘૂરકશે તારી સામે
એક વાર મને
તારી યાદ આવવા દે
યાદદાસ્ત મારી એવો તો પંજો ઉગામશે
તારા પગ નીચેની જમીન ખસી જશે
+ + +
(October 1, 2020: Ahmedabad)
![]()


આપણે અનેક મહાન વક્તાઓ, વિચારકો, ચિંતકો, લેખકો અને સર્જકોના સર્જકતા, સ્વાયત્તતા અને સ્વતંત્રતાવિષયક અનેક ઉદ્ધરણો અહીં મૂકી આપીને એ અંગે વાત કરી શકીએ અને કોઈ તારણ સુધી પહોંચી શકીએ. પરંતુ, એના કરતાં આજના વર્તમાનમાં બદલાતી અને બદલાઈ રહેલી પ્રવાહી પરિસ્થિતિના સંદર્ભમાં આપણા અનુભવનું ભાથું જ કામે લગાડીને આપણે જે કંઈ વાચ્યું-વિચાર્યું છે અને એક સમજણ ઘડવાની મથામણ કરી છે, એની વાત માંડીએ તો એ વધુ વ્યવહારુ તેમ જ ફળદાયી હોઈ શકે એમ લાગતા આ ત્રણ શબ્દના ઝૂમખા વિશે એક વિમર્શ અર્થે પ્રવૃત્ત થવાનું મુનાસિબ લાગ્યું છે.