ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી પરના બળાત્કારની ઘટના કંઈ પહેલી નથી અને કદાચ છેલ્લી પણ નહીં હોય. દેશમાં દર પંદર મિનિટે બળાત્કારની એક ઘટના નોંધાતી હોવાનું દેશનું ગૃહ મંત્રાલય સત્તાવાર રીતે કબૂલે છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે છેલ્લા સત્તર વરસોમાં સ્ત્રીઓ પરના બળાત્કારના કેસો બે ગણા વધ્યા છે. બીજી તરફ બળાત્કારીઓને સજાનો દર ઘટી રહ્યો છે. ૨૦૦૬માં બળાત્કારના ગુનેગારોની સજાનો દર ૨૭ ટકા હતો તે ૨૦૧૬માં ઘટીને ૧૮.૯ ટકા થઈ ગયો હતો.
શું બળાત્કાર સહિતની મહિલાઓ પર ગુજારાતી હિંસા કાયદો અને વ્યવસ્થાનો જ સવાલ છે ? તેનો જવાબ હા પણ છે અને ના પણ છે. દિલ્હી, કઠુઆ, ઉન્નાવ, હૈદરાબાદ અને હવે હાથરસ જેવા જે મોટા સ્ત્રી હિંસાના અને સામૂહિક બળાત્કારના બનાવો બન્યા છે, તે દર્શાવે છે કે દેશમાં કાયદાનું મજબૂત શાસન છે અને તે તેમને છોડશે નહીં તેવો ગુનેગારોને ડર નથી. નિર્ભયા કાંડ અને તે પછીના જે કેટલાક બળાત્કારના બનાવો નોંધાયા છે, તેમાં મહિલા વિરોધી યૌન હિંસા અસહનીય હદે ક્રૂર રીતે પ્રગટી છે. સભ્ય સમાજ હોવાના આપણા તમામ દાવાને તેણે નકારી દીધા છે. હાથરસમાં જે જઘન્ય હિંસા આચરાઈ છે તેણે તો કોઈ પુરુષ કઈ હદે ક્રૂર બની શકે તે દર્શાવ્યું છે.
ભૂતકાળના બળાત્કાર અને યૌન હિંસાના બનાવો અને હાલના બનાવો એ વાતે પણ નોખા છે કે હવેના બનાવો સામૂહિક બળાત્કારના હોય છે, તેમાં બળાત્કાર પછી મહિલાને રહેંસી નાંખવામાં આવે છે, એટલે આ કોઈ સામાન્ય અપરાધી કે અપરાધી માનસનું કૃત્ય નહીં પણ અપરાધ સમૂહોનું કૃત્ય હોય તેવો પણ અંદેશો જાગે છે. પ્રતિષ્ઠિત અને ધર્મ, રાજ તથા અર્થસત્તા ધરાવતા લોકો યૌન હિંસા આચરવામાં મોખરે હોય છે. જાણે આખા સમાજનું અપરાધીકરણ થયું હોય તેમ આ બનાવોની પેટર્ન જોતાં લાગે છે. તેમાં પોલીસ અને તેને જેની ઓથ છે તે સરકારોની ભૂમિકા બહુ ભૂંડી છે.
જેમ હૈદરાબાદમાં તેમ હાથરસમાં પણ પોલીસ શરૂઆતમાં ફરિયાદ અને તપાસમાં વિલંબ કરતી જોવા મળી છે. સ્ત્રી હિંસાને ડામવા માટે પોલીસનું સંવેદનશીલ હોવું તે પોલીસ રિફોર્મનું પ્રથમ પગથિયું જ હજુ ભરાતું નથી. દેશ વિદેશમાં બહુ ગાજેલા ૨૦૧૨ના દિલ્હીના નિર્ભયા કાંડના દોષિતોને સજા અપાવવામાં સાત વરસ થયાં હતાં મહારાષ્ટ્રના ખેરલાંજી બળાત્કાર અને હત્યાકાંડને ચૌદ વરસ અને રાજસ્થાનના ભંવરીદેવી બળાત્કારને તો ત્રીસ વરસ થયાં છે પણ હજુ અંતિમ ન્યાય મળવાનો બાકી છે.
ભારતની સર્વોચ્ચ અદાલતમાં આશરે પચાસ હજાર, વડી અદાલતોમાં પચાસ લાખ અને દેશની અન્ય અદાલતોમાં ત્રણ કરોડ કેસો ન્યાયની આશા રાખીને ઊભા છે. સ્ત્રી વિરોધી હિંસા આચરતા અપરાધીઓને જાણે કે કાયદાથી બચવાના તમામ પ્રયાસોની ખબર છે પોલીસ તપાસ અને ન્યાયની અદાલતોમાં ત્વરિતતા અને તત્પરતાનો અભાવ છે. અદાલતોમાં લંબિત મામલાઓની સંખ્યા કરોડોની હોય, ન્યાયાધીશોના ઘણા પદ ખાલી હોય અને બળાત્કારના લાખો કેસ ન્યાયની રાહમાં અદાલતોમાં પડતર હોય તો મહિલાઓ પરની હિંસા અટકે ખરી ? બળાત્કારના કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાનો અનુભવ પણ પણ સારો નથી. માર્ચ ૨૦૧૯માં ૫૮૧ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ૫,૯૦,૦૦૦ કેસો પડતર હતા. બળાત્કારના કુલ કેસોમાં મોટો હિસ્સો ધરાવતા રાજ્યોમાં તો ફાસ્ટ કોર્ટો જ નથી.
ન્યાયની ઓછી અને પુરાવાની વધુ એવી ભારતની અદાલતોમાં દર ચારમાંથી એક જ બળાત્કારના આરોપીને સજા થાય છે અને બાકીના ત્રણ નિર્દોષ છૂટી જાય છે. ૨૦૧૮માં બળાત્કાર વિરોધી કાયદા હેઠળના કેસોમાંથી ૯૩.૨ ટકા અને પોક્સો એકટ હેઠળના કેસોમાંથી ૯૪.૩ ટકા કેસોમાં ચાર્જશીટ દાખલ થયા હતાં. પરંતુ આ બંને ગુના હેઠળ અનુક્રમે ૨૭.૩ ટકા અને ૩૧.૫ ટકા જ આરોપીઓ દોષિત ઠર્યા હતા. યૌન હિંસામાં ૯૯.૧ ટકા કિસ્સામાં તો ફરિયાદ જ થતી ન હોય ત્યારે સજાનો આટલો નીચો દર ચિંતાજનક છે.
૨૦૧૨ના નિર્ભયા કાંડ પછી રચાયેલી જસ્ટિસ વર્મા સમિતિની ભલામણોને અનુલક્ષીને કાયદામાં સુધારા કરાયા છે. મહિલા સલામતી માટે વિશેષ નિર્ભયા ફંડની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ રાજ્ય સરકારો મહિલા સુરક્ષાના મુદ્દે ઉદાસીન જણાય છે. નિર્ભયા કોષના પોણા ભાગનાં નાણાં વણવપરાયેલા રહ્યા છે. યુ.પી., દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણાએ તેને ફાળવેલા નિર્ભયા ફંડમાંથી માત્ર સાત જ ટકાનો ખર્ચ કર્યો હતો. મણિપુર, ત્રિપુરા, સિક્કિમ અને દમણ-દીવે એક પણ રૂપિયાનું નિર્ભયા ફંડ વાપર્યું નથી. સૌથી વધુ ખર્ચ કરેલ રાજ્યો, મિઝોરમ અને ઉત્તરાખંડે પણ પચાસ ટકા રકમ જ વાપરી હતી.
મહિલાઓ પરના અત્યાચારો ખાસ કરીને યૌન હિંસા માટે સરકાર જેટલો જ સમાજ પણ જવાબદાર છે. પુરુષોની એટલે પુરુષસત્તાક સમાજની દૂષિત માનસિકતા બદલાશે નહીં ત્યાં સુધી આ બાબતમાં ઝાઝો ફેર પડવાનો નથી. ઉત્તર પ્રદેશના બદાયું બળાત્કાર કાંડ વખતે પોતાના જાતભાઈઓની તરફેણમાં બુઝુર્ગ સમાજવાદી નેતા ઓચર્યા હતા કે, ‘લડકે હૈ ભૂલ હો જાતી હૈ’. હવે આવાં વલણો અને માનસિકતા ચાલશે નહીં. યૌન હિંસા માટે સ્ત્રીઓની દિનચર્યા કે વેશભૂષાને પણ જવાબદાર ઠેરવવાની માનસિકતા છે. ગામડાંની ખેતકામદાર સ્ત્રીઓ કે ગરીબ, દલિત ,આદિવાસી સ્ત્રીઓ હિંસા અને બળાત્કારનો સૌથી વધુ ભોગ બને છે. નાની બાળકીઓ અને વૃદ્ધાઓ પર પણ બળાત્કાર થાય છે એટલે સ્ત્રીઓની આધુનિકતા અને વેશભૂષા નહીં પુરુષોની નીચ માનસિકતા આ માટે જવાબદાર છે.
સામાજિક, રાજકીય, આર્થિક અને ધાર્મિક તાકાત દેખાડવા કે સ્ત્રીઓ પર અને તે દ્વારા નબળા અને દબાયેલા વર્ગો પર નિયંત્રણ અને વર્ચસ્ સ્થાપવા બળાત્કારનું હથિયાર ઉગામવામાં આવે છે. રોજ ચાર દલિત મહિલાઓ પર બળાત્કાર થતા હોવાનું સત્તાવાર અહેવાલો જણાવતા હોય તો તેની ગંભીરતા સરકાર અને સમાજને સત્વરે સમજાવી જોઈએ. દારૂ અને નશાનું જોર પણ સ્ત્રી હિંસાનું પ્રમુખ કારણ છે. હિંસક અને અશ્લીલ ફિલ્મો અને પોર્નોગ્રાફીનો ફાળો પણ આ સમસ્યાને વકરાવે છે. મહિલાઓ પરની યૌન હિંસાને અટકાવવા વ્યાપક પ્રમાણમાં સમાજ સુધારણા થવી જોઈશે. બાળકોમાં શરૂઆતથી જ સ્ત્રી-પુરુષ સમાનતાના સંસ્કારો રોપવાની અને તેની સતત માવજત કરતા રહેવાની પણ જરૂર છે.
(તા.૧૪-૧૦-૨૦૨૦)
e.mail : maheriyachandu@gmail.com