ઘટના અને અર્થઘટન –
કૌમુદી મુન્શી : જન્મ – ર ફેબ્રુઆરી ૧૯૨૮ — અવસાન – ૧૩ ઓક્ટોબર ૨૦૨૦
પચાસ વર્ષ સુધી જેમણે ગુજરાતી સંગીતરસિકોના હૃદય પર રાજ કરેલું, તે કૌમુદી મુન્શીનું તા.૧૩ ઓક્ટોબરે કોવિડ-૧૯ને કારણે અવસાન થયું છે. તેમનો જન્મ બનારસના જમીનદાર રાજા મુન્શી માધોલાલના પરિવારમાં થયેલો. જ્યારે એમનાં માતા સ્વાતંત્ર્ય પૂર્વેના સૌથી વધુ લોકપ્રિય નવલકથાકાર ર.વ. દેસાઇના બહેન હતાં. આ રીતે બાળપણથી જ તેઓ હિન્દી અને ગુજરાતી બોલતાં. ૧૯૫૧-૫૨માં તેઓ મુંબઇ આવ્યાં. પરિવારની ઇચ્છા હતી મુરતિયો શોધવાની પણ કૌમુદીબહેનની મહેચ્છા તો રેડિયો પર આવી શકે એવી ગાયિકા થવાનો હતો. પ્રારંભમાં તેઓએ અવિનાશ વ્યાસના જૂથમાં કામ કરેલું પણ ત્યાં ગાયિકા તરીકે ઊભરી શક્યાં નહોતાં.
૧૯૫૨માં તેમના ભાઇએ પેલા બંને કારણોસર નિનુ મઝુમદારનો સંપર્ક કર્યો. કૌમુદીબહેનનાં અતિશય મધુર અવાજ અને શાસ્ત્રીય સંગીતની જાણકારીએ નિનુભાઇ પર મોટો પ્રભાવ પાડ્યો. તેઓ પોતે ત્યારે ગાયક, ગીતકાર અને સંગીતકાર હતા. તેમણે કૌમુદીબહેનના અવાજ અને આવડતને અનુરૂપ ગીતો રચ્યાં. પોતાના બધા જ કાર્યક્રમોમાં એમને મુખ્ય ગાયિકા તરીકે લીધા અને એક ફિલ્મમાં પ્લેબેક પણ આપ્યું. નિનુ મઝુમદારના પિતા મૂંગી ફિલ્મના સમયથી દિગ્દર્શક હતા અને નિનુભાઇ પોતે હિન્દી ફિલ્મમાં સંગીત આપતા. કપૂરને પ્લેબેક માટે તેઓ એ બ્રેક આપેલો. દલસુખ પંચોલી દિગ્દર્શિત ફિલ્મ ‘ભાઇસાહેબ’માં કૌમુદીબહેને બેથી ત્રણ ગીત ગાયાં. આ ફિલ્મમાં સી.એસ. આત્મા હીરો તરીકે હતા.
૧૯૫૪માં નિનુભાઇનાં પ્રથમ પત્નીના અવસાન બાદ બંને લગ્નગ્રંથિથી જોડાયાં. એક આકસ્મિક અને સુખદ બનાવ એ થયો કે કૌમુદીબહેનને સિદ્ધેશ્વરી દેવી પાસે ઠુમરી, દાદરા વગેરે શીખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આકસ્મિક એટલે કે સિદ્ધેશ્વરી દેવી પોતાના માસી રાસેશ્વરી દેવી જોડે રાજા મુન્શી માધોલાલની એસ્ટેટ પર રહેતાં, જેમ એમને ત્યાં રોજના કારીગરો વગેરે પણ વસતા. જમીનદારો તે સમયે પોતાના બાગબગીચાઓ, નૌકાઓ તો ક્યારેક ઘરમાં જલસા કરતા. આમાં ઘરની સ્ત્રીઓ પડદામાં હોય અને હાજર ન રહી શકે. કૌમુદીબહેન વિદ્યાર્થીકાળમાં રિયાઝ કરતાં તો પણ એમનાં માતાએ બારીબારણાં બંધ કરી તડોમાં રૂ ભરી દેવું પડતું.
બીજી બાજુ કૌમુદીબહેન પોતે ઠુમરીમાં વિશેષ આગળ વધવા ચાહતાં હતાં. નિનુભાઇ બનારસ અને આસપાસના ગામમાં રહી ચૂક્યા હતા અને તેમને પણ યુ.પી.નાં લોકગીતો જેવા કે કજરી, ચૈતી, હોરી વગેરે અતિપ્રિય હતાં. લગ્ન પછી કૌમુદીબહેન બનારસ જાય તો સિદ્ધેશ્વરી દેવીને મળવા ઝંખે. ઘરના લોકો જવા ન દે કારણ કે એ માટે ‘દાલકી મંડી’ વિસ્તારમાં જવું પડે જ્યાં દેહવ્યવસાય પણ થતો હોય. એક વાર નિનુભાઇ પણ જોડે બનારસમાં હતા અને એમણે કહ્યું, ‘ચાલ, હું તને લઇ જઇશ.’ બંને ગયાં. સિદ્ધેશ્વરી દેવીને મળ્યાં અને સંગીતની વાતવાતમાં નિનુભાઇએ કહ્યું કે આ તમારી શિષ્યા બનવા આવી છે તે રાજા મુન્શી માધોલાલની પૌત્રી છે. માધોલાલ તેમ જ કૌમુદીબહેનના પિતા નંદલાલ મુન્શી સિદ્ધેશ્વરી દેવીના ચાહકોમાંના હતા. સિદ્ધેશ્વરી દેવીએ આનંદ અને આદરપૂર્વક શિષ્યા તરીકે સ્વીકાર્યાં. ત્યાર પછી પોતે લાંબો સમય બનારસમાં અને પછીથી દિલ્હીમાં રોકાતા અને ગુરુ પાસેથી જ્ઞાન મેળવતાં. નિનુભાઇએ પોતે જ એમને પિયરની અટક ચાલુ રાખવાની પ્રેરણા આપેલી.
કૌમુદીબહેન મુનશી શાસ્ત્રીય સંગીત શીખવનાર ગુરુ સિદ્ધેશ્વરી દેવીની પાર્શ્વભૂમાંની છબિની ઓથે
મણિ કોલની દસ્તાવેજી ફિલ્મમાં ‘સિદ્ધેશ્વરી’નો પ્રારંભ જ કૌમુદીબહેને કરેલી રેકોર્ડથી અને સિદ્ધેશ્વરી દેવી એમને કંઇ કહે છે એનાથી શરૂ થાય છે.
એકવાર એવું બનેલું કે ‘દાલકી મંડી’થી કૌમુદીબહેનને ઘરે પહોંચાડવા કોઇ માણસ મળ્યો નહોતો. સિદ્ધેશ્વરી દેવી આ યુવાન શિષ્યાને એકલાં જવા ન દે. એ પોતે રિક્ષામાં મૂકવાં આવ્યાં. ઘર આવ્યું એટલે કૌમુદીબહેને કહ્યું, "તમે અંદર આવો. રાજમહેલમાં તો રહ્યાં નહોતાં પણ ‘મુન્શી કટરા’ નામની એક સારી જગ્યામાં એમનું મકાન હતું. સિદ્ધેશ્વરી દેવીએ ના પાડી. સંબંધ જૂનો હતો પણ એ ‘ઘરનો’ નહોતો, બહારનો હતો. કૌમુદીબહેનના આગ્રહથી એ અંદર આવ્યા તો ખરા પણ કૌમુદીબહેનના માતા જે પાટ પર બેઠા હતાં ત્યાં ન બેઠાં અને નીચે જ બેઠાં. એમને માતાએ કહ્યું કે, ‘તમે મારી જોડે બાજુમાં બેસો,’ તો તેમણે કહ્યું, ‘મુન્શી પરિવારમાં મારે તમારી જોડે ના બેસાય.’ કૌમુદીબહેનનાં માતાએ કહ્યું, ‘તમે અહીં એ સંબંધથી નથી આવ્યાં. તમે મારી દીકરીનાં ગુરુ છો એટલે તમારે મારી જોડે જ બેસવાનું.’ અહીં કૌમુદીબહેનના ઘરની મધ્યકાલીન અંધારયુગની પરંપરા પૂરી થતી હતી, અને આધુનિક સંગીત સમાજનો પ્રારંભ થતો હતો. કૌમુદીબહેનના ભૂતકાળના બંને પાસાં ગણિકાનું ગાન અને ઘરની શરીફ ગણાતી ઘરની સ્ત્રીઓ બંને માટેનો અન્યાયી ભેદભાવ તૂટ્યો. સનુબહેન મુન્શીએ સિદ્ધેશ્વરી દેવીને પાટ પર જોડે બેસાડી અને સિદ્ધેશ્વરી દેવીએ કૌમુદીબહેનને શિષ્યા તરીકે સ્વીકારી.
કૌમુદી મુન્શીએ ઘણાં સંગીતકારો સર્જિત ગીતો ગાયાં છે. નિનુ મઝુમદારનાં, ‘મને છેડી ગયો છે નંદલાલા’, ચોર્યાસી રંગનો સાથિયો રે માંડ્યો’, વગેરે તેમ જ પ્રિયકાંત મણિયારનાં, ‘ફૂલનો પવન’ પ્રખ્યાત છે. બંનેના સાયુજ્યનો પ્રારંભ તો ૧૯૫૨માં એમને માટે નિનુભાઇએ લખેલી ઠુમરી, ‘મેશ ન આંજુરામ’થી થયેલી. આ ગીત ‘કુમાર’ સામયિકમાં પ્રગટ થયું હતું. તે ઉપરાંત પછીના કાળમાં દિલીપ ધોળકિયાના, ‘આ રંગભીના ભમરાને’ કે ‘તમે થોડું સમજો તો સારું,’ કિરીટ સંપટના ‘કેવડિયાનો કાંટો, મુજને વનવગડામાં વાગ્યો રે’, ઘણાં ગીતો ગાયાં. એમણે અવસ્થાને કારણે ગાવાનું બંધ કર્યુ. એ અગાઉ તેમનાં પુષ્ટિસંપ્રદાયના ભજનો અને વિધિગાનના સંગીતઆલ્બમ સ્મરણિકાની લાખો નકલોના વેચાણથી ખ્યાતિ મેળવેલી. ગાયક હોવું તે માટે શરીરના અંગો પણ સ્વસ્થ હોવાં જરૂરી છે જે ઉંમર વધવા સાથે બની શકતું નથી. પણ ત્યાં સુધીમાં તો કૌમુદીબહેન પોતે સંગીતગુરુ તરીકે ભૂમિકા નિભાવે છે. એમણે અનેક ગૃહિણીઓ તેમ જ વ્યાવસાયિક ગાયિકાઓને તાલીમ આપી છે. મોટામાં મોટા શ્રીમંત અને વિખ્યાત મારવાડી પરિવારોમાં તેમણે દરેક શુભપ્રસંગે નવું સંગીત સર્જન કરીને આપ્યું છે. ગુજરાતી સમાજમાં પણ તેમ જ હતું. ડૉ. શાંતિલાલ સોમૈયાનાં પત્ની એમનાં વિદ્યાર્થી હતાં અને જ્યારે કૌમુદીબહેનને કોરોના લાગુ પડ્યું ત્યારે એમને માટે વિશેષ વ્યવસ્થા વિદ્યાવિહારની હોસ્પિટલમાં થઇ ચૂકી હતી.
એમની ગાયક શિષ્યાઓ અત્યારે મોટું નામ કમાઇ રહી છે, એમાં પ્રભાવશાળી ગાયિકા ઉપજ્ઞા પંડ્યા અને પરિતા પંડ્યા તેમ જ જાહ્નવી શ્રીમાંકરનું નામ આગળ છે. અમેરિકાના વ્હાઇટહાઉસમાં એ.આર. રહેમાન સાથે તેમ જ ગ્રેમી એવૉર્ડસ માટે શોર્ટ લિસ્ટેડ થયેલી ‘ફાલુ’ એટલે કે ફાલ્ગુની દલાલ શાહ, જાહ્નવીની જેમ જ બાળપણથી જ કૌમુદીબહેન પાસે શાસ્ત્રીય તેમ જ સુગમ સંગીત શીખેલી છે.
કૌમુદીબહેન આપણાં પ્રથમ વ્યાવસાયિક ગાયિકા છે. તે અગાઉ વીણા મહેતા, માલિની મહેતા જેવાં સુંદર ગાયકો આપણી પાસે હતાં. પણ કોઇએ વ્યાવસાયિક ગાયિકા તરીકે કામ કરવું, પોતાની ગીતસમૃદ્ધિ વધારવી, મહાનગુરુની શિષ્યા બનવા જનાર, મહત્ત્વની શિષ્યાઓ તૈયાર કરનાર ગાયિકા કૌમુદી મુન્શી હતાં. એ રીતે અજોડ રહ્યાં. છેક હવે એકવીસમી સદીના બીજા દાયકામાં આપણે ત્યાં ગુજરાતી ગાયિકી ક્ષેત્રમાં આવી છે, જે પોતાની રીતે પોતાની કેરિઅર સંભાળે છે અને વધારે છે. એ સૌ માટે કૌમુદીબહેનને સ્નેહભર્યો આદર હતો. ૧૯૬૦ પછી એમણે પોતાની કેરિઅર પોતે જ વિકસાવેલી. સાત સાત દાયકા સુધી ગુજરાતી સંગીત સમૃદ્ધિ વધારનાર કૌમુદી મુન્શી એક ફિનોમિનન હતાં, નિનુ મઝુમદારે એમનો ટેલંટ જોયો અને તક આપી ત્યારે એ ૧૯૫૨-૫૩માં એ રેડિયોમાં સુગમસંગીત વિભાગના અધ્યક્ષ નહોતા. એ તો ૧૯૫૪માં થયા. તે છતાં કૌમુદી મુન્શીની સફળતા માટે એમના પતિની લાગવગ છે એમ કહેનારાને એમણે અનેક સંગીતકારોનાં ગીતો ગાઇને ચાટ પાડી દીધાં. કોઇ આઘે આઘેથી વેણુ વાય છે ને મને જતી રહું, જતી રહું થાય છે’ કે ‘મને ફાગણનું એક ફૂલ આપો કે લાલ મોરા, કેસૂડો કામણગારોજી રે’ નિનુ મઝુમદારની રચનાઓ નહોતી. કૌમુદીબહેને એ સ્ટેજ, કેસેટ, ટી.વી. વગેરે અનેક માધ્યમોથી વિખ્યાત કરાવેલી.
આ બહુમુખી સંગીત સામ્રાજ્ઞી છે ‘બાળગીતા’નું આલ્બમ બહાર પાડવું, મુસ્લિમ કવિઓને કૃષ્ણભક્તિનાં કાવ્યોનો સંગીતમય રસાસ્વાદ કરાવવો વગેરે અનેક ક્ષેત્રો એકલે હાથે ખેડેલાં છે. એમને લક્ષ્યાંકો ગોઠવવા, આયોજન કરવું. એને અમલમાં મૂકવું. તે માટે નાણાં સહિત સંસાધનો મેળવવા સંપર્કો જાળવવા વગેરે અનેક આવડતો પર હથૉટી હતી. તે સિવાય સાત સાત દાયકા સુધી સફળ શી રીતે થયા હોત? આ વ્યાવસાયિક મહિલાને સલામ.
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 15 ઑક્ટોબર 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=657648