ઉમાશંકર જોશીએ સરકારી ગુજરાત સાહિત્ય અકાદમીના સન્માનનો સવિનય અસ્વીકાર કર્યો અને સ્વાયત્ત અકાદમીની દિશામાં આપણે ત્યાં ઊહ ને અપોહનો આરંભ થયો. આગળ ચાલતાં ૧૯૯૩માં દર્શકના યોજકત્વમાં સ્વાયત્ત અકાદમી શક્ય બની એ તો હવે ઇતિહાસવસ્તુ છે. ૨૦૦૩માં સ્વાયત્ત અકાદમીના સુષુપ્તીકરણની પ્રક્રિયા શરૂ થઈ અને એપ્રિલ ૨૦૧૫માં ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા પેઠે પરબારી અધ્યક્ષનિયુક્તિ આવી પડી તે સાથે ઉમાશંકર-દર્શકનાં આંદોલનવર્ષોનું વળી વળીને સ્મરણ થવું સ્વાભાવિક હતું અને છે. વચગાળાનાં વર્ષોમાં પણ કંઈક ટીકાવચનોથી માંડીને, હાલની અધ્યક્ષનિયુક્તિથી આગમચ ૨૦૧૪માં અસહયોગની મંદ પણ મક્કમ શરૂઆત થઈ ત્યારથી ઉમાશંકર જાણે આપણી વચ્ચે હાજરાહજૂર અનુભવાતા રહ્યા છે.
તેથી ચાલુ વરસે ઉમાશંકરજયંતી પર્વે (૨૧મી જુલાઈએ) કોઈ વિશેષ આયોજન છે કે કેમ એવી પૃચ્છા ઊઠવી સ્વાભાવિક હતી, અને પત્રકારત્વના અધ્યાપક અશ્વિનકુમાર વિદ્યાપીઠના છાત્રાવાસમાં ઉમાશંકરની ઓરડીએ છાત્રો સાથે પ્રતિવર્ષે ‘જગો’ કરે છે તે સિવાય બીજું કોઈ જાહેર આયોજન લક્ષમાં ન આવે તો આ પૃચ્છાને ધાર નીકળે તે પણ એટલું જ સ્વાભાવિક હતું.
‘નિરીક્ષક’ના પ્રથમ અવતારના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સના અધ્યક્ષ અને તંત્રીનામ્ વરિષ્ઠઃ ઉમાશંકરની એ મતલબની પંક્તિઓમાં કદાચ આ પ્રશ્નનો ઉત્તર પડેલો છે કે જ્યારે કંઈ પણ સારું કામ થતાં થઈ જાય તે દિવસે ગાંધીજયંતી જાણશો. એનો તારીખિયા સાથે સંબંધ હોવો જરૂરી નથી. ‘નિરીક્ષક’ તંત્રીની આ દિવસોની લાગણી એ રહી છે કે ગુજરાતના અક્ષરકર્મીઓમાં સ્વાયત્તતા આંદોલનનો કિંચિત્પણ નવસંચાર થયો એ ઉમાશંકર જયંતીની રૂડી ઉજવણીરૂપ બીના છે.
જાહેર જીવનમાં સીધી સંડોવણી સારુ બધો વખત જાણીતા નહીં એવા નિરંજન ભગત સ્વાયત્તતાને મુદ્દે સક્રિય હોય અને વિશ્વભારતી સારુ રવીન્દ્રનાથ પરના ઉમાશંકરના લેખોના સંપાદનની જેમ જ આ પણ ઉમાશંકર સંદર્ભે પ્રાપ્ત દાયિત્વ છે એ રીતે વિચારતા હોય એ વાનું ગુજરાતના અક્ષરકર્મીઓએ અને સત્તાકર્મીઓએ ઓછું આંકવા જેવું નથી. જરી જુદો એક દાખલો, આ જ દિવસોમાં બની આવ્યો તે સુપ્રતિષ્ઠ વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાળાના પ્રત્યક્ષ પ્રવેશનો છે. અસહયોગ તો ૨૦૧૪માં જ એ પોકારી ચૂક્યા હતા પણ સ્વાયત્તતા સંમેલનમાં જોડાવાથી માંડીને હવે તો રીતસરની ચૂંટણીમાં જવાની તૈયારી એમના આજ સુધીના મિજાજ કરતાં ન્યારી અને અનેરી વરતાય છે. હવે વિધિકૌતુક જુઓ, હું પરિષદ પ્રમુખની ચૂંટણી લડવા તૈયાર છું એવો સંમતિપત્ર એમણે લખ્યો તે તારીખ, જોગાનુજોગ, ૨૧મી જુલાઈ હતી! આપણા વિવેચકને કંઈ આવા કોઈ તારીખમેળનો ખ્યાલ ત્યારે ભાગ્યે જ હશે પણ થતાં થઈ ગયું તે થઈ ગયું.
સ્વાયત્તતા આંદોલન શરૂ થયું ત્યારથી, સ્વાભાવિક જ શતાયુ સાહિત્ય પરિષદથી માંડીને મુકાબલે નવતરુણ ગુજરાતી લેખક મંડળ વગેરે એ અંગે સક્રિય ભૂમિકા લે એવી અપેક્ષા રહેતી આવી છે. પરિષદ પ્રમુખ ડૉ. ધીરુભાઈ પરીખે સ્વાયત્તતા સંમેલનની અધ્યક્ષતા કરી તો લેખક મંડળના પ્રમુખ મનીષી જાની, પ્રવીણ પંડ્યા અને આ લખનાર સહિતના સાથીઓ જોડે સંમેલનના આયોજન અને અગ્રચરણમાં બરોબરના હિસ્સેદાર છે તે આ સંદર્ભમાં અવશ્ય સ્મરણીય છે.
૨૦૦૭માં નારાયણ દેસાઈની અધ્યક્ષતામાં ગુજરાતી સાહિત્ય પરિષદે સ્વાયત્ત અકાદમીની માંગણી, કેવળ કારોબારી કે મધ્યસ્થ સમિતિના ધોરણે નહીં પણ સમગ્ર અધિવેશનના, રિપીટ, સમગ્ર અધિવેશનના ધોરણે ઘૂંટી હતી. સ્વાયત્તતા આંદોલનના માહોલમાં પરિષદની કારોબારી અને મધ્યસ્થ સમિતિએ તેનું પુનરુચ્ચારણ પણ કર્યું છે. તેમ છતાં, પરિષદના હોદ્દેદારો સરકારી અકાદમીમાં પરબારી નિયુક્તિ સ્વીકારતા માલૂમ પડે એમાં કંઈ નહીં તોપણ સંમિશ્ર સંકેતો પડેલા છે અને તે સોઈ ઝાટકીને સફાઈ માંગે છે. ૧૯૮૭માં સરકારી અકાદમીથી ફારેગ થવાનું સરૂપ ધ્રુવ, વીનેશ અંતાણી, રમણલાલ જોશી આદિને સૂઝી રહ્યું હતું એ હાલના પરબારા નિયુક્તિગત સૌને સારુ બેલાશક એક પથપ્રશસ્તકારી ઘટના છે.
જો કે સહજ સૂઝવું જોઈતું હતું તે આ હદે ખેંચાતું હોય ત્યારે મુખર સંડોવણી એ કોઈ પણ સ્વાયત્તતાચાહક અક્ષરકર્મીનું પ્રાપ્ત કર્તવ્ય બની રહે છે. એથી સ્તો પરિષદ પ્રમુખની ચૂંટણીમાં ‘નિરીક્ષક’ તંત્રીનો રસ સવિશેષ છે. નડિયાદના સંકલ્પ પરિવારે પ્રફુલ્લ ભારતીયની પહેલથી પ્રકાશ ન. શાહનું નામ લાગટ બીજી વાર સૂચવ્યું ત્યારે પ્રથમ પ્રતિભાવ બેલાશક દરમ્યાન થવાનો એટલે કે લડી લેવાનો હતો. પણ ડૉ. ટોપીવાળાનો મક્કમ નિર્ણય જાણ્યા પછી, મૂળ આશયને સંગતપણે એમની તરફેણમાં (સંકલ્પ પરિવાર અને મને ઇચ્છતા અન્ય સૌ પરત્વે કૃતજ્ઞતાપૂર્વક) ખસી જવાનો મારો નિર્ણય પણ એટલો જ ઉમંગભર્યો છે જેટલો ખુદ લડતી વેળાએ હોઈ શકતો હતો.
ટોપીવાળાની પ્રતિષ્ઠા અને ઓળખ આ લખનારની મોહતાજ નથી. પણ એક વસ્તુ કહેવી જોઈએ કે ગુજરાત-મુંબઈનાં વિવિધ વર્તુળોમાંથી છએક ઠેકાણેથી એમનું નામ સૂચવાયું છે તેમાં સ્વાયત્તતા પરત્વે એમની સક્રિય પ્રતિબધ્ધતાની પણ ભૂમિકા અવશ્ય રહેલી છે.
વારુ. ગીત ગોત્યું ગોત્યું ને ના જડ્યું એ કવિબોલ સામે, જાહેર જીવનના કવિ ઉમાશંકર જોશીએ યથાપ્રસંગ એ પ્રતીતિ પણ કરાવી છે કે જે ગીત ગાવા જોગ જણાયું તે બાબતે એમણે કદી પરહેજ કરી નથી. દેખીતી અંગત વાત છતાં એકંદરે બિનંગત એવી જાહેર નિસબતની આ વાત, લોકશાહીમાં ગાવા જોગ ગીતની આ વાત, તંત્રી તરફથી પોતાની ઉમેદવારી અને સંડોવણી સબબ વાચક પરિવારની ખિદમતમાં.
જુલાઈ ૨૭, ૨૦૧૫
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2015; પૃ. 10