પ્રથમ વ્યક્તિ એકવચનથી થયેલા આ લખાણની વાત નવી નથી, જૂની છે. પણ અત્યારે તેને પ્રસ્તુત જણાઈ, એટલે સ્થાન આપવા માટે તંત્રીને વિનંતી કરું છું.
લક્ષ્મણ માનેના દલિત આત્મકથન ‘ઉપરા’ના ગુજરાતી અનુવાદ માટે દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ‘અનુવાદ પુરસ્કાર ૨૦૦૬’ એ પછીના વર્ષે સ્વીકારતા અંગ્રેજીમાં કરેલા ભાષણમાં આભાર અને અનુવાદક તરીકેના ઘડતરની વાત કરી હતી. તદુપરાંત માનેનું પુસ્તક જે વિચરતી અને વિમુક્ત જાતિના અનુભવોનું કથન કરે છે, તે સમુદાયો વિશે કંઈક વાત કરી હતી. સામાજિક નિસબત ધરાવતા આવા સાહિત્યના અનુવાદની ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની લોકવિરોધી નીતિઓના યુગમાં વિશેષ જરૂરિયાત છે, એમ એ નીતિઓ સામે ટીકાના સૂર સાથે નોંધ્યું હતું. એ વખતે કેન્દ્રમાં યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સની સરકાર હતી. એ ભાષણ પછીથી ગુજરાતી વિચારપત્રોમાં પણ છપાયું હતું.
દિલ્હીની અકાદમીના પુરસ્કારને પગલે ગુજરાતી સાહિત્ય અકાદમીનો ૨૦૦૩ના વર્ષ માટેના અનુવાદ માટેનો પ્રથમ પુરસ્કાર પણ ‘ઉપરા’ માટે જાહેર થયો. તેનો પ્રશસ્તિપત્ર અને પાંચ હજાર રૂપિયાનો ચૅક પણ સપ્ટેમ્બર ૨૦૦૭ના પહેલા વર્ષમાં ટપાલ દ્વારા મોકલવામાં આવ્યાં. આ પુરસ્કારનો સ્વીકાર મેં વિરોધ સાથે કર્યો. વિરોધ વ્યક્ત કરતો પત્ર મેં ‘દિવ્ય ભાસ્કર’ને મોકલ્યો. અકાદમીને મોકલ્યો કે નહીં તેનું સાંભરણ નથી. તંત્રી અજય ઉમટે અગિયારમી સપ્ટેમ્બર ૨૦૦૭ના અખબારમાં તે પત્ર એક લેખ તરીકે તંત્રીપાને ઊલટભેર છાપ્યો. એ પત્રનો પહેલો વિરોધમુદ્દો અકાદમીની સ્વાયત્તતાનો હતો.
એ પત્ર આ નોંધ સાથે મૂકું છું. પણ તે પહેલાં એ જણાવવું જોઈએ કે આવો કોઈ વિરોધ કર્યો હતો, એ વાત હમણાં અકાદમી સ્વાયત્તતા માટેનું આંદોલન શરૂ થયું, ત્યારથી ગયા અઠવાડિયા સુધી યાદ જ આવી ન હતી. આવું કેમ તે વિચારતા એમ થાય છે કે આમ કરવું એ સહજ ક્રમ હતો. ‘આ તો આમ જ હોયને! આ સન્માન વિરોધ વિના શી રીતે સ્વીકારાય ?’ એવું કંઈક મનમાં હશે. એની પાછળ પ્રકાશ ન.શાહ, પુ.લ.દેશપાંડે, સરૂપ ધ્રુવ, હિરેન ગાંધી, નર્મદ-મેઘાણી લાઇબ્રેરીના સાથીઓ જેવાની વચ્ચે, તેમ જ સામયિકો-પુસ્તકો થકી થયેલું વિચારઘડતર હશે એમ ધારું છું. એ પણ નોંધવું જોઈએ કે મોટા અખબારમાં બહુ સાફ રીતે કરેલા વિરોધ પછી પણ સરકારની કે સાહિત્યકારોની કનડગત કે કિન્નાખોરી અનુભવી નથી. સરકારે કોઈ સીધા કે આડકતરા ઇશારા આપ્યા નથી. ‘શબ્દસૃષ્ટિ’માં મારા લેખો તે પછી પણ છપાયા છે. અકાદમીના એક ચર્ચાસત્રમાં વક્તવ્ય પણ આપવાનું થયું છે. લોકશાહીમાં હોવાનો આ અનુભવ દિલાસો આપનારો રહ્યો છે. ‘દિવ્ય ભાસ્કર’માં આવેલો પત્ર આ મુજબ હતો :
‘ગાંધીનગરની ગુજરાત સાહિત્ય અકાદમીએ ઑગસ્ટમાં જાહેર કરેલા પુરસ્કારોમાં સાહિત્યકૃતિના અનુવાદ માટેનો ૨૦૦૩ના વર્ષનો પ્રથમ ક્રમાંકનો પુરસ્કાર આ લખનારને મરાઠી લેખક લક્ષ્મણ માનેના આત્મકથાત્મક પુસ્તક ‘ઉપરા’ના અનુવાદ માટે મળ્યો છે. પુરસ્કારના પાંચ હજાર રૂપિયાનો ચૅક મને ગયે અઠવાડિયે મળ્યો. ગુજરાત સાહિત્ય અકાદમીનો આ પુરસ્કાર હું સ્વીકારું છું, પણ વિરોધ સાથે.
‘અકાદમી અત્યારે ગુજરાત સરકારના હાથમાં છે. તે સરકારનો હું ત્રણ મુદ્દે વિરોધ કરું છું : (૧) લોકશાહી પદ્ધતિથી રચાયેલી રાજ્ય સરકારે લાંબા સમયથી અકાદમીને યેનકેનપ્રકારેણ પોતાના તાબા હેઠળ રાખીને તેની બંધારણલક્ષી સ્વાયત્તતાનો ભંગ કરવાની પેરવી કરી છે. (૨) એક અધ્યાપક તરીકે, નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીપદ હેઠળની સરકારની ઉચ્ચશિક્ષણ અંગેની નીતિઓનો હું વિરોધ કરું છું. ઉજવણીઓ, ઉત્સવો અને ખુદની વાહવાહીની જાહેરખબરોમાં રાચતી સરકારે નવી ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજો શરૂ કરવાને બદલે સેલ્ફ-ફાઇનાન્સ્ડ કૉલેજોને ફૂલવા-ફાલવા દીધી છે. ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજોમાં નવા અધ્યાપકોની નિમણૂક ન કરીને શિક્ષણને ભારે નુકસાન પહોંચાડ્યું છે. શિક્ષણનું મોટા પાયે સરકારીકરણ થયું છે. સરકારના કહ્યામાં રહેનાર મોટા ભાગના વાઇસ-ચાન્સલરો અને યુનિવર્સિટીના હોદ્દેદારોએ અધ્યાપકોને અન્યાય અને અવહેલના સહન કરવી પડે તેવી રીતિનીતિ અપનાવી છે. (૩) પોસ્ટ દ્વારા ચૅક મોકલી દેવો એ પુરસ્કાર આપવાની રીત ન હોઈ શકે.
‘ઉપર્યુક્ત ત્રણેય મુદ્દા છતાં હું પુરસ્કાર એટલા માટે સ્વીકારું છું કે સરકાર એટલે કોઈ વ્યક્તિ કે પક્ષ નહીં. સરકાર એટલે લોકો અને સમાજ. પુરસ્કારની રકમમાં મહેનતથી કમાણીમાંથી કરવેરા ભરતા લોકોનો પણ ફાળો છે. એ લોકોમાં અને સમાજમાં મને શ્રદ્ધા છે. પુરસ્કારની રકમનો ઉપયોગ હું ગુજરાતી વિચારપત્રોની સ્વલ્પઅલ્પ સહાય માટે કરવાનો છું.’
(૧૧ સપ્ટેમ્બર ૨૦૦૭)
૨૪ જુલાઈ, ૨૦૧૫
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2015; પૃ. 11