એ મૂકે છે હળવે-હળવે પગ
ગંગામૈયાના પાણીમાં
તણાઈ ગયેલાં શબોના ચહેરાઓ સાદ કરે છે એને
ૐ શાંતિ!
મંદિરમાં પહોંચી
ધ્રૂજતા હાથે કૅમેરા સામે ઉતારે છે આરતી,
એ વગાડે છે ઘંટ,
યાદ આવે છે આ શસ્ત્રોથી જ
માંડ્યો’તો હારી ગયો એ જંગ!
ૐ શાંતિ!
દવા, ઈલાજ, પ્રાણવાયુ વિના તડપતા
અવાજો બની ગયા ધુમાડો
અવાજોની ભૂતાવળ માંડે છે ગોકીરો!
એ વગાડે છે ઘંટ,
ૐ શાંતિ!
ઘંટ અમોઘશસ્ત્ર છે એનું,
ઘંટ રક્ષાકવચ છે એનું,
મલેચ્છોના માથે મારો ઘંટ,
ગોત્ર વિનાની ખોવાઈ ગઈ છે એમની
કાલસર્પવાળી કુંડળી!
ૐ શાંતિ!
એ વગાડે છે ઘંટ
ને બંધ થઈ જાય છે આખા ય કાશ્મીરનું નેટવર્ક!
ૐ શાંતિ!
પગની પિંડીઓ ફૂલી જાય એમ રમરમાટ ભાગતા
મજૂરોની સાઇકલની ઘંટડીઓ પહોંચાડે નહીં ખલેલ એટલે,
એ વગાડે છે ઘંટ
ૐ શાંતિ!
ઘંટ વાગતાવેંત નીકળી પડે છે અનુચરો
ઢાળી દે છે ઘંટ સિવાયના કોઈ પણ અવાજને!
ૐ શાંતિ!
એ વગાડે છે ઘંટ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 13