વાપસીકારોનાં ટીકાવચન અને રઘુરામ રાજન જેવાનાં હિતવચનોમાં સપરમે દા’ડે સબરસ લાયક સામગ્રી ખાસી છે
આવતી કાલે [08 નવેમ્બર] બિહારનાં પરિણામો નવસંવતને વાસ્તે કેવીક વધામણી આપે છે એ તો જોતાં જોશું, પણ એવોર્ડ વાપસીનો દોર સંકેલાતે અઠવાડિયે પણ જેમનો તેમ જારી છે. રાષ્ટ્રીય સ્તરે ફિલ્મકારોની એવોર્ડ વાપસીમાં ગુણાત્મક વધારો જારી છે તો ગુજરાત સ્તરે ય સ્વાયત્ત અકાદેમી પ્રકરણ નિમિત્તે એવોર્ડ વાપસીનું ખાતું ખૂલ્યું છે. વાપસીકારોનાં ટીકાવચનોમાં તેમ નારાયણ મૂર્તિ, અરુણ શૌરિ અને સવિશેષ તો રઘુરામ રાજન જેવાનાં હિતવચનોમાં સપરમે દા'ડે સબરસ લાયક સામગ્રી ખાસી છે એટલું તો સૂચિત ને સંભવિત વધામણીથી નિરપેક્ષપણે પણ કહી શકાય તેમ છે. જો કે, એને શું કહીશું – કૌતુક કે પછી વિધિવિપર્યાસ જેવું વાનું તો કદાચ એ છે કે જેમ સાહિત્ય અકાદેમીની ગયે પખવાડિયે ખાસી ગાજેલી બેઠક વેળાએ વાપસી હિલચાલના વિરોધમાં રાષ્ટ્રવાદી રેલી યોજાઈ હતી તેવો જ એક ઓર રેલી દોર આ લખાણ સૂર્યપ્રકાશ જુએ તે પૂર્વે યોજાઈ (ખરું જોતા પ્રાયોજાઈ) ગયો હશે. છતાં, આવા દોર વચાળે સુધ્ધાં, જોવાનું એ છે કે એવોર્ડ વાપસીનો વિરોધ કરનાર અનુપમ ખેર, આદિત્યનાથને જે પ્રતિભામાં આતંકવાદી હાફીઝ સઈદનાં યૌગિક દર્શન થયા છે તે શાહરૂખની ટીકા સબબ નારાજ છે. જોવાનું એ પણ છે કે કમલ હાસન જેવા એવોર્ડ વાપસીનો વિરોધ કરે છે ત્યારે એવી સ્પષ્ટતા કરે છે કે વિરોધમુદ્દો સાચો છે, પણ એનો રસ્તો આ સિવાયનો હોઈ શકે છે.
મુદ્દે, લેખકો અને બીજા કલાકારો વગેરે માટે કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ જે ભાષા વાપરી એનાથી અને એના માંહ્યલાને પ્રગટ કરી આપતી યોગીવાણીથી – સમજદાર સૌ આહત છે. જો કે, શૌરિ તો યોગી પડમાં પધાર્યા એ પૂર્વે જ કરણ થાપર સાથેની દિલખુલાસ ને બેબાક ચર્ચામાં કેન્દ્ર સરકારની નબળી કામગીરી વિશે તેમ લેખકોના વિરોધ પરત્વે સરકારી રૂખ સંવેદનશૂન્ય હોવા વિશે બોલી જ ચૂક્યા છે. નરેન્દ્ર મોદીના (વડાપ્રધાનને નાતે) ગંભીર મૌન બાબતે શૌરિએ એક દાખલો ભરીબંદૂક આપ્યો છે: 28 સપ્ટેમ્બરના રોજ દાદરીમાં હત્યાકાંડ થયો ને તેના બીજા જ દિવસે તેમણે (મોદીએ) ટ્વિટ કરીને મહેશ શર્માને જન્મદિવસની શુભેચ્છા આપી છે. અંતિમ તબક્કાના મતદાનને આગલે દિવસે ભાજપની ‘બીફ’ જાહેરખબર બાબતે ચૂંટણી પંચે એક એફઆઇઆર દર્જ કરાવવાની નોબત આવી તે ઘટનાને આની સાથે મૂકીને જોવી જોઈએ. છતાં, શૌરિને તો માનો કે એક પદવંચિત લેખે ખતવીને એમનાં ક્ષ-પરીક્ષણને તુચ્છતાની ટોપલીમાં પધરાવવાની ભાજપના વૈખરીછૂટાઓને સકારણ પણ સગવડ છે. પણ નારાયણ મૂર્તિનાં વિધાનોનું શું કરીશું? સવિશેષ તો, રીઝર્વ બૅંકના ગવર્નર રઘુરામ રાજને ડાબેરી – જમણેરી અંતિમવાદો તેમ જ સમાજનું સંકોચાતું ને ઓજપાતું ખુલ્લાપણું એકંદર વિકાસમાં અવરોધ હોવાનો મુદ્દો હજુ હમણે જ બ્લુમબર્ગ ટીમ સાથેની ચર્ચામાં દોહરાવ્યો છે, એને કઈ રીતે જોશું?
નારાયણ મૂર્તિ અને રઘુરામ રાજનની ચિંતા શાહરૂખ ખાનને હાફીઝ સૈયદ સાથે સરખાવવાની ચેષ્ટામાં જ નહીં, તે સિવાય પણ અંકે થાય છે. તમે જુઓ, ગુજરાતમાં સરકારી અકાદમીના અધ્યક્ષને સાહિત્ય પરિષદની ભૂમિકામાં ‘આતંકવાદ’ દેખાય છે. ભગતસિંહ બ્રિટિશ છેડેથી આતંકવાદી (ટેરરિસ્ટ) હતા તો ભારત છેડેથી ક્રાંતિકારી (રેવોલ્યુશનરી) હતા એ પેરેલલ છોડી દઈએ તો પણ અસહકારની શાંતિમય કોશિશમાં ‘આતંકવાદ’ જોઈ શકાય? પ્રવીણ પંડ્યા અને ભરત મહેતાની એવોર્ડ વાપસીનો ધક્કો, બને કે, આ અધ્યક્ષીય માનસિકતામાં પડ્યો હોય. પક્ષપરિવારના વૈખરીછૂટાઓના ઉદ્દગારો અને સાહિત્યરસિક સનદી અધિકારીને જિહવાગ્રે વસતી સરસ્વતી, બે વચ્ચે કશુંક તો ગુણાત્મક અંતર હોય કે નહીં. બીજા વિશ્વયુદ્ધ પછીના દાયકામાં અમેરિકામાં મેકાર્થી અને ડલેસના મનોવલણોની બોલબાલા હતી – આપણે એવા દિવસોમાં પાછા જવું છે?
આ ‘સાથે નહીં તે સામે’ની તરજ ઉપર, આગળ જતાં ‘ધ અધર’ લગી લંબાતા મનોવલણ વિશે સંબંધિત સૌએ જરી જાતમાં ઝાંખવું જોઈશે. દાદરીખ્યાત મહેશ શર્માએ એપીજે અબ્દુલકલામ વિશે એક અદ્દભુત ટિપ્પણી કરી હતી કે તેઓ મુસ્લિમ હોવા છતાં રાષ્ટ્રવાદી હતા. (પક્ષપ્રમુખ અમિત શાહ, પછીથી ‘સામેવાળા’ જીતે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે એમ કહે એમાં શું આશ્ચર્ય.) પદ્મસન્માન પાછું વાળનાર શીર્ષસ્થ વૈજ્ઞાનિક ભાર્ગવે એક વાત માર્કાની કહી છે: મારે-અમારે યુપીએનો વિરોધ કે ટીકા કરવાના પ્રસંગો આવેલા છે, અને એમ તેમ કર્યું પણ છે. અત્યારે, કેમ કે તે સત્તા પર છે, અમારે એનડીએનો વિરોધ કે ટીકા કરવાના પ્રસંગો પ્રાપ્ત થાય છે. પણ યુપીએના સમયમાં અમારે શું ખાવું, શું પહેરવું તે કહેવામાં નહોતું આવતું. એનડીએ કાળમાં જે બની રહ્યું છે તે કેમ જાણે ભારતને પાકિસ્તાનને પંથે મૂકી આપે છે. હાલ જે સંજોગો ઊભા થઈ રહ્યા છે તેે 2005માં એટલે કે કૉંગ્રેસકાળમાં એવોર્ડ પાછો વાળનાર અરુંધતી રોયના શબ્દોમાં ‘ટોળાં વાટે સેન્સરશિપ’ના છે. ‘ફના’ અને ‘પરઝાનિયા’ ખ્યાત ગુજરાતના મોડેલના સંદર્ભમાં આ અલબત્ત કોઈ નવી નવાઈની વાત નથી.
આ બધું કહ્યા પછી અને છતાં એક વાત અધોરેખિતપણે, યથાસંભવ મુખરપણે, કહેવી જોઈએ કે બૌદ્ધિકો-કલાકર્મીઓ-વ્યાવસાયિકો આજે જે કંઈ લખીબોલી કરી રહ્યા છે એને એસ્ટાબ્લિશમેન્ટનાં તેમ સમાજનાં પણ કેટલાંક વર્તુળો ભાજપ વિ. કૉંગ્રેસનાં સરળસપાટ રાબેતામાં ઢાળીને જુએ છે એમાં વિવેક કે ઔચિત્ય નથી. એવોર્ડ ક્યારે પાછો આપવાપણું લાગ્યું એ વિશે અલગ અલગ અવલોકનો હોઈ શકે પણ કટોકટીનો વિરોધ પોકારનાર – 1984માં પીયુસીએલ મારફતે તપાસના અગ્રભાગી – 1992 અને 2002નાં એવાં જ ટીકાકાર, નયનતારા સહગલ સહિત કેટલાં બધાં ખરાં ઈલમી ખરાં શૂરાં આ દેશમાં હશે, જેમની પુણ્યાઈથી અહીં પ્રજાતંત્ર સંસ્કૃિત ટકી રહી છે. જરી તો વિચારો.
જેએનયુ કહેતા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની ટીકાનો ચાલ સુપ્રતિષ્ઠ છે. પણ કટોકટીમાં, 1984માં, 1991 પછી કૉંગ્રેસ-ભાજપ બેઉ સરકારોના નિયોલિબરલ એજન્ડામાં અને 1992 કે 2002માં, બધો વખત જેએનયુ એક ‘નર્વ સેન્ટર’ રહેલ છે. તમે એને કૉંગ્રેસ કે ભાજપના ખાનામાં નાખી શકશો? હા, ધારો કે, માર્કસવાદનો થપ્પો મારી શકો – પણ એની પણ કોઈ મોનોલિથિક સમજ તો હવે રહી નથી.
નવા વિક્રમવરસમાં પ્રવેશતી વેળાએ આવી થોડીકેક સફાઈ થઈ જાય અને જતી આવતી સરકારો વચ્ચે તેમ જ ‘સેન્સરશિપ આઉટસોર્સ્ડ ટુ મોબ’ની ચાલુ તાસીર અને તરાહ વચ્ચે પ્રજાસૂય ભૂમિકામાં રોપાયેલા સ્વતંત્ર બૌદ્ધિકોની થોડીકે કદરબૂજ વાસ્તે રાજકીય શાસકીય અગ્રવર્ગની ઈન્દ્રિય કંઈકે કેળવાય એથી રૂડું શું. જતી આવતી, સત્તે બેસતી, સત્તાથી ઊઠતી રાજકીય મંડળીઓ વચ્ચે ‘આપણી નોકરી પાક્કી છે’ એવી પ્રતીતિપૂર્વક પ્રતિબધ્ધ પ્રજાસૂય જણ, તારી ખોટ કદી ન પડો.
સૌજન્ય : ‘વિચારવલોણું’, “દિવ્ય ભાસ્કર”, 07 નવેમ્બર 2015