courtesy : www.cartoonistnituparna.org
courtesy : www.cartoonistnituparna.org
પ્રજાકારણ કે સમાજકારણ એ રાજકારણ છે. આને માટે ઊહાપોહ કરવો જોઈએ, મોઢું ખોલવું જોઈએ, જરૂર પડે તો રસ્તા પર ઊતરવું જોઈએ અને પ્રજાકીય આંદોલનો પણ કરવાં જોઈએ. પાંચ વર્ષ પહેલાં અણ્ણા હઝારેએ કરેલું એવું આંદોલન નહીં
જનાઝોં પર ફૂલ તો બહુત દેખે થે હમને, આજ ફૂલોં કા જનાઝા દેખા.
ગોરખપુરમાં બાળકોનાં કમોત વિશેની ગુલઝારની આ બે પંક્તિ વૉટ્સઍપ પર ફરી રહી છે અને તમે પણ ખિન્ન મને એને આગળ ફૉર્વર્ડ કરી હશે. સવાલ એ છે કે આગળ શું? માત્ર પીડાનો અનુભવ કરવાથી કે હમદર્દી બતાવવાથી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. ઘણા લોકો એવા પણ છે જેઓ બાળકોનાં મોતની પીડા કરતાં તેમને ગમતા શાસકોની બદનામીની પીડા વધુ અનુભવી રહ્યા છે એટલે તેઓ કૉન્ગ્રેસના શાસનમાં આવી કેટલી ઘટનાઓ બની હતી અને બાળકોનાં મૃત્યુ થયાં હતાં એના આંકડા આપે છે. મૃત્યુ એ તેમના માટે આંકડાની રમત માત્ર છે.
કોણ કહે છે કે દેશમાં કૉન્ગ્રેસનું કે બીજા રાજકીય પક્ષોનું શાસન હતું ત્યારે રામરાજ્ય હતું. અમે તો એમ પણ નથી કહેતા કે જે રાજ્યોમાં ગેરBJP પક્ષોની સરકાર છે ત્યાં રામરાજ્ય છે. અમે તો માત્ર એટલું જ કહીએ છીએ કે દેશમાં BJPનું શાસન આવવાથી કે નરેન્દ્ર મોદીના વડા પ્રધાન બનવા માત્રથી રામરાજ્ય આવવાનું નથી. રામરાજ્ય લાવવું હોય તો સમસ્યાનું નિરાકરણ કરવું પડે અને જો નિરાકરણ કરવું હોય તો સમસ્યા સમજવી પડે. સમસ્યા સમજતી વખતે નીરક્ષીર વિવેક કરવો પડે. કેટલીક ન ગમતી હકીકતો સ્વીકારવી પડે અને સમસ્યાનો શાસકો ઉકેલ લાવે એ માટે આગ્રહ કરવો પડે. સાહેબ કહે એ સાચું અને સાહેબ કરે એ ખરું એવો દાસત્વવાળો અભિગમ ન ચાલે. દુર્ભાગ્યે દાસત્વ એ ભારતીય પ્રજાના DNAમાં છે.
અમે જ્યારે યુવાન હતા અને વ્યવસ્થા-પરિવર્તન માટેના આંદોલનમાં લાગેલા હતા ત્યારે દાદા ધર્માધિકારી અમને કહેતા કે સમસ્યાની સમજ એ ઉકેલની શરૂઆત છે. જ્યાં સુધી તમે સમસ્યાને સાંગોપાંગ નહીં સમજો ત્યાં સુધી તમને ઉકેલ હાથ લાગવાનો નથી. બીજી બાજુ સમસ્યાઓ પેદા કરનારી વ્યવસ્થા અકબંધ ટકી રહે એમાં જેનું સ્થાપિત હિત છે એ લોકો સમસ્યાનું સરળીકરણ કરીને અને કામચલાઉ પાટાપિંડી કરીને તમને બેવકૂફ બનાવતા રહેશે. બીજા સમયે કોઈ બીજા શાસકો આવશે અને એ તમને બેવકૂફ બનાવશે.
તો સમસ્યાની સાંગોપાંગ સમજ એ સમસ્યાના ઉકેલની શરૂઆત છે એ દાદા ધર્માધિકારીએ અમને આપેલું તાવીજ હતું તો બીજું આવું જ મહત્ત્વનું તાવીજ ડૉ. રામ મનોહર લોહિયા પાસેથી અમને મળ્યું હતું. તેમણે કહ્યું હતું કે વ્યવસ્થા સંબંધી દરેક પ્રશ્ન રાજકારણ છે. આસમાની સુલતાની એવા બે શબ્દો તમે સાંભળ્યા હશે. આ બે શબ્દોના અર્થ સમજવાની કોશિશ તમે ક્યારે ય કરી છે ખરી? આસમાની સમસ્યા એ છે જેને માટે ઈશ્વર કે કુદરતી પરિબળો કારણભૂત છે. ઍક્ટ ઑફ ગૉડના નામે વીમા-કંપનીઓ પણ વળતર ચૂકવવાથી પોતાને બચાવે છે. સુલતાની સમસ્યા એવી છે જેને માટે સુલતાન, અર્થાત્ શાસક, અર્થાત્ રાજ્ય, અર્થાત્ વ્યવસ્થા જવાબદાર છે. આપણા વડવાઓને પણ એટલી સમજ હતી કે જે સમસ્યા ઈશ્વરી નથી એ બધી જ માનવનિર્મિત છે એટલે કે વ્યવસ્થાજન્ય છે. માણસ પોતે અંગત સમસ્યા પેદા કરે છે અને સમાજ સામાજિક સમસ્યા પેદા કરે છે.
ઘણી વાર અંગત સમસ્યા પર પણ સામાજિક સમસ્યાનો પ્રભાવ હોય છે. આ કૉલમમાં થોડા દિવસ પહેલાં મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે મોટાપા અને એવા બીજા જીવનશૈલી સંબંધિત દર્દો માટે કોણ જવાબદાર? વ્યક્તિ કે સમાજ અર્થાત્ વ્યવસ્થા? અમેરિકામાં આ ચર્ચા મોટા પાયે ચાલી રહી છે, કારણ કે જવાબદારી કોણ ઉઠાવે એ સવાલ છે. આમ વ્યક્તિની અંગત સમસ્યા પણ સામાજિક સમસ્યા હોય છે અને હવે તો આસમાની સમસ્યા પણ સામાજિક બનવા લાગી છે. દેશમાં અનેક પ્રદેશોમાં પૂરનું તાંડવ નજરે પડી રહ્યું છે એ આજના યુગમાં આસમાની સમસ્યા નથી રહી પણ માનવનિર્મિત અર્થાત્ વ્યવસ્થાનિર્મિત બની ગઈ છે. તો મુદ્દો એ છે કે સદીઓ પહેલાં આપણા વડવાઓને પણ એટલી જાણ હતી કે સમાજમાં બનતી કોઈ દુર્ઘટના એ શુદ્ધ અર્થમાં દુર્ઘટના હોતી નથી, એ શાસકીય કે સામાજિક વ્યવસ્થાની નિષ્ફળતા હોય છે. એટલે તો આફતના બે પ્રકારમાં બીજા પ્રકારને સુલતાની કહેવામાં આવી છે.
એ જમાનામાં પણ સુલતાનો પોતાની ચામડી બચાવવા માટે ઈશ્વરનો, ધર્મનો, કર્મોનો, આગલા જનમમાં કરેલાં પાપ-પુણ્યોનો આશરો લેતા હતા. હાથ ખંખેરી નાખવા માટે આ હાથવગું બહાનું છે. અહીં સુલતાનનો અર્થ માત્ર રાજવી એવો કરવાનો નથી, કારણ કે શાસનસંસ્થાઓમાં માત્ર રાજ્યનો એકલાનો સમાવેશ નથી થતો. ધર્મસંસ્થા, જ્ઞાતિસંસ્થા અને ઈવન કુટુંબસંસ્થા પણ શાસનસંસ્થા છે અને એમાં જે મોભી હોય એ સુલતાન હોય છે. જેની વાત તમારે સાંભળવી પડે અને માનવી પડે એ શાસક અને જે સાંભળે અને સ્વીકારે એ શાસિત. એક ઉદાહરણ જોઈએ. એક કુટુંબના વડા રૂઢિચુસ્ત છે અને એ કુટુંબમાં જન્મેલા બાળકને પોલિયોનો ટીકો નથી આપવા દેતા. કેટલાંક વરસ પછી બાળક પોલિયોગ્રસ્ત થઈ જાય છે તો આને માટે જવાબદાર કોણ? દેખીતી રીતે કુટુંબના વડીલ જવાબદાર છે; પરંતુ વડીલ નસીબ, ઈશ્વરની યોજના અને આગલા જનમનાં કર્મોની દલીલનો આશરો લેશે.
તો વાત એમ છે કે દરેક સમસ્યા વ્યવસ્થાગત હોય છે એટલે સુલતાની હોય છે અને એટલે રાજકીય હોય છે. સમસ્યાની સમજ એ ઉકેલની શરૂઆત છે એમ દાદા ધર્માધિકારીએ કહ્યું હતું તો ડૉ. રામ મનોહર લોહિયાએ કહ્યું હતું કે સમસ્યા સંબંધિત દરેક પ્રશ્ન રાજકારણ હોય છે. રાજકારણનો અર્થ માત્ર સત્તાનું રાજકારણ નથી થતો, એનાથી ઘણો વધુ છે. પ્રજાકારણ કે સમાજકારણ એ રાજકારણ છે. આને માટે ઊહાપોહ કરવો જોઈએ, મોઢું ખોલવું જોઈએ, જરૂર પડે તો રસ્તા પર ઊતરવું જોઈએ અને પ્રજાકીય આંદોલનો કરવાં જોઈએ. પાંચ વર્ષ પહેલાં અણ્ણા હઝારેએ કરેલું એવું આંદોલન નહીં. એ આંદોલનમાં દાદા ધર્માધિકારી કહેતા હતા એમ સમસ્યાને સમજવાનો અભાવ હતો અને માત્ર સમસ્યાનું સરળીકરણ કરવામાં આવ્યું હતું. એ પણ અરવિંદ કેજરીવાલનો એજન્ડા હતો. એ પછી નરેન્દ્ર મોદી સમસ્યાનું સરળીકરણ કરીને અવતારપુરુષ તરીકે આવ્યા હતા. આજે બન્ને રાજ કરે છે અને અણ્ણા અને એ આંદોલનમાં ભાગ લેનારા માસૂમ લોકો બેવકૂફ બનીને ઘરે બેઠા છે.
હવે રાજકારણ અર્થાત પ્રજાકારણ શા માટે અને કેવું હોવું જોઈએ એની થોડી વધુ ચર્ચા હવે પછી.
સૌજન્ય : લેખકની ‘કારણ-તારણ’ નામક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 18 અૉગસ્ટ 2017
જૂજ રચનાત્મક બાબતો પાછળ ધકેલાઈ જાય છે ….
આઝાદીના સિત્તેરમા વર્ષના આખરી મહિના મોતનાં સમાચારો વચ્ચે વીત્યા. ગોરખપુરમાં નવજાત ભૂલકાંનું જાણે હત્યાકાંડ, કાશ્મીરમાં આતંકવાદીઓ અને છત્તીસગઢમાં માઓવાદી સામેના મુકાબલામાં જવાનોની અવારનવાર શહીદી, લિન્ચિન્ગ કહેતાં ટોળા દ્વારા હત્યા, કર્ણાટકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સામ્યવાદી પક્ષના કાર્યકરોની હત્યા, દિલ્હીમાં ગટર સફાઈ કામદારોનાં અપમૃત્યુ, નવ રાજ્યોમાં રેલ આફતમાં મોત, શહેરમાં સ્વાઇન ફ્લુનો કેર. ગુજરાતમાં તો વળી ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને કૉન્ગ્રેસને પૂર હોનારતમાં મરી ગયેલાં માણસોની સંખ્યાની નહીં ધારાસભ્યોની સંખ્યાની ચિંતા હતી. બનાસકાંઠામાં બનાસ નદીના પાણી તો વળી મધ્યપ્રદેશમાં નર્મદાનાં પાણી શાસનતંત્રને કારણે આફતરૂપ બન્યાં છે. સરદાર સરોવર જળાશયને કારણે નિમાડ પંથકના ૧૯૧ જેટલાં ગામોનાં ચાળીસ હજાર જેટલા પરિવારો ડૂબમાં જવાના છે. સરકારના ખુદના આંકડા પ્રમાણે અઢાર હજાર પરિવારોને પુનર્વસનની જરૂર છે, અને તેના જ સમયપત્રક પ્રમાણે ઑક્ટોબરના પહેલાં અઠવાડિયામાં ગામોમાં પાણી ફરી વળવાનાં છે. અલબત્ત, વિસ્થાપિતો નર્મદા બચાઓ આંદોલન (એન.બી.એ.) નામના મંચના નેજા હેઠળ વિરોધ તો કરી જ રહ્યા છે. પ્રચંડ વિસ્થાપન સરકાર સંચાલિત માનવસંહાર ગણાશે એવો ભય કર્મશીલોએ સાતમી ઑગસ્ટે એક પત્રકાર પરિષદમાં દિલ્હીમાં વ્યક્ત કર્યો.
દિલ્હીના લજપત નગરમાં છઠ્ઠી ઑગસ્ટ રવિવારે ત્રણ સફાઇ કામદારો મ્યુિનસિપાલિટીની ગટરમાં ગૂંગળાઈને મરી ગયા. તેના વીસ દિવસ પહેલાં જ પાટનગરના ઘીટોર્ની વિસ્તારમાં જ ચાર મજૂરો જળસંગ્રહ માટે બનાવેલા ટાંકીમાંથી નીકળતા ઝેરી વાયુઓ ફેફસામાં જતાં મોતને ભેટ્યા. એકવીસમી જુલાઈએ ગુજરાતના પાટનગરના સેક્ટર ૧૯ માં સચીવ સ્તરના સરકારી અધિકારીઓ માટેના ‘કે’ ટાઇપ બંગલાઓની બહાર ગટરમાં ઊતરેલા બે સફાઈ કામદારો ગુંગળાઈને બેહોશ થઈ ગયા હતા, જે ફાયર બ્રિગેડની તત્કાળ મદદથી બચી ગયા. સ્વચ્છ ભારત અભિયાનનું ફારસ કરતા દેશને, તેની ગટરોને જાનના જોખમે સાફ રાખનાર શ્રમજીવીઓની કોઈ કિંમત નથી. એપ્રિલથી જુલાઈના સો દિવસમાં દેશમાં ૩૯ સફાઈ કર્મચારીઓ ગટરમાં કામ દરમિયાન મૃત્યુ પામ્યા છે એમ મૅગસેસે પુરસ્કાર સન્માનિત કર્મશીલ અને સફાઈ કર્મચારી આંદોલનના સ્થાપક બેઝવાડા વિલ્સન જણાવે છે. માથે મેલું ઊપાડવાના કામમાં માણસોને નોકરીઓ રાખવા સામેનો અને સફાઈ કામદારોના પુનર્વસન માટેનો કાયદો 2013 માં થયો હોવા છતાં તેના હેઠળ દેશમાં હજુ ભાગ્યે જ કોઈ ગુનો નોંધાયો છે.
ગુનાઓનો ભોગ મહિલાઓ સતત બનતી રહે છે. છેડતીના ગુના માટે ભાજપના હરિયાણાના પ્રમુખ સુભાષ બરાલાના પુત્ર વિકાસની ધરપકડ કરવામાં આવી. ચંડીગઢના ડાન્સ જૉકી અને સનદી અધિકારીની બહાદુર દીકરી વર્ણિકાએ વિકાસે કરેલાં હુમલાનું વર્ણન ફેઇસબુક પર લખ્યું છે. તેની પર ભાજપના ઉપપ્રમુખ રામવીર ભટ્ટી અને એક કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ કરેલા લવારા પક્ષ માટે તો ખાસ શરમજનક છે. યુવતીને નફ્ફટ રીતે ટ્રૉલ પણ કરવામાં આવી છે. જો કે તેની હિમ્મતને પરિવાર ઉપરાંત માધ્યમો, લોકો અને પોલીસે ટેકો આપ્યો. એવો ટેકો ચંડીગઢમાં જ સ્વાતંત્ર્ય દિને સવારે ધ્વજવંદન માટે શાળાએ જતાં બળાત્કારનો ભોગ બનેલી બાર વર્ષની બાળાને મળવો જોઈએ. છત્તીસગઢના દાંતેવાડાના ગામ પાલનારની નિવાસી આશ્રમશાળાની અગિયારમા ધોરણની કેટલીક આદિવાસી વિદ્યાર્થિનીઓની છેડતી માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના બે જવાનોની સામે તપાસ શરૂ થઈ છે.
જો કે મહિલાઓ પરના અત્યાચારના કિસ્સામાં કાનૂની રક્ષણ મળવાનો માર્ગ હવે વધારે અઘરો બનવાનો ભય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. તેનું કારણ સર્વોચ્ચ અદાલતે સત્ત્યાવીસમી જુલાઈએ આપેલો એક ચૂકાદો છે. આ ચૂકાદો સામાન્ય અર્થમાં દહેજ વિરોધી કાયદા તરીકે ઓળખાતા ૪૯૮એ કાયદાના વિધાયક ઉપયોગને અવરોધનારો છે. સ્ત્રી પરના શારિરીક કે માનસિક જુલમ સામે ૪૯૮એ હેઠળ ફરિયાદ નોંધવામાં આવે તો પોલીસે સ્ત્રીના પતિ કે સંબંધીઓ સામે તપાસ વિના તરત જ કડક પગલાં લેવાનાં હોય છે અને/અથવા તેમની ધરપકડ કરવાની હોય છે. સર્વોચ્ચ અદાલતે તાજેતરના એક ચૂકાદામાં એમ નિર્દેશ આપ્યો છે કે પોલીસ આમ કરે તે પહેલાં આરોપોની સચ્ચાઈ નક્કી કરવી જરૂરી છે. આ કામ રાજ્યએ બનાવેલી વેલફેર કમીટીઓ કરશે એમ પણ અદાલતે કહ્યું છે. અદાલતે આ ચૂકાદો કાનૂનનો દુરુપયોગ અટકાવવા માટે નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોના આંકડાને આધારે આપ્યો છે. અભ્યાસીઓ અને કર્મશીલો એમ માને છે કે પુરુષપ્રધાન ભારતીય સમાજમાં અદાલતના આ નિર્દેશથી સ્ત્રીઓ પરના અત્યાચારોમાં ન્યાય પ્રક્રિયાને મોટો ફટકો પડ્યો છે.
સ્ત્રીઓને આપણે ત્યાં શેનો શેનો સામનો કરવો પડશે તે કહેવાય નહીં. આગ્રા પાસે આવેલા મુતનાઈ ગામનાં સાઠ વર્ષનાં માલા દેવીને તેમની વસ્તીના એક પરિવારના લોકોએ બીજી ઑગસ્ટની રાતનાં અંધારામં મારી નાખ્યાં. હત્યારાઓને એવો વહેમ હતો કે આ દલિત મહિલા ચોટલી કાપનાર ડાકણ હતાં. ચોટલીકાંડ ગુજરાત સહિત દેશમાં સંખ્યાબંધ જ્ગ્યાએ નોંધાયો. તેની પાછળ આપણા સમાજના દરેક વર્ગમાં ઊંડી ઊતરેલી અંધશ્રદ્ધાનો મોટો ફાળો છે. તેને વળી પોષણ મળે છે તે શાસતંત્રના ખુદના અવૈજ્ઞાનિક અભિગમને કારણે. તેનાથી ત્રાસી ગયેલા વિજ્ઞાનીઓના સમૂહે આઠમી ઑગસ્ટે એક અભૂતપૂર્વ પગલું ભર્યું તે ‘માર્ચ ફૉર સાયન્સ’ એટલે કે વિજ્ઞાન માટેની કૂચનું. આ કૂચ અમદાવાદ સહિત દેશના પચીસ શહેરોમાં કાઢવામાં આવી. તેની મુખ્ય માગણીઓ હતી : દેશના બંધારણની કલમ ૫૧એમાં જણાવેલી ફરજ મુજબ સરકારે વૈજ્ઞાનિક અભિગમનો પ્રચાર કરવો, પ્રગતિવિરોધી પ્રતિગામી અવૈજ્ઞાનિક બાબતોને દૂર કરવા માટે પગલાં લેવાં અને વિજ્ઞાન સંશોધન માટેના નિધિમાં તરતનાં નક્કર વિકાસકેન્દ્રી પરિણામોની અપેક્ષા વિના વધારો કરવો. મુબઈમાં એક બાજુ થોડાક સો વિજ્ઞાન-ચાહકો અને બીજી બાજુ મરાઠા મહારેલીમાં આઠ લાખથી વધુ મેદની ! વિજ્ઞાનાધારિત રૅશનલ સમાજમાં જાતિ કે વર્ગભેદને સ્થાન હોઈ શકે ખરું ?
વિચાર અને તેની અભિવ્યક્તિ પર સતત પ્રતિબંધ ન લાવતી રહે તો તે સાંપ્રત સરકારો શાની? મહારાષ્ટ્રની ભાજપ-શિવસેના યુતીની સરકારે ઇતિહાસના અભ્યાસક્રમમાંથી મોગલ કાળ અને પશ્ચિમના દેશોને લગતા હિસ્સા દૂર કરવાનો નિર્ણય લીધો છે. ઝારખંડની ભાજપ-એ.જે.એસ.યુ. સરકારે પુરસ્કાર સન્માનિત સાંથાલ લેખક અને રાંચીના સરકારી તબીબ હાંસદા સોવન્તર શેખરના વાર્તાસંગ્રહ ‘આદિવાસી વિલ નૉટ ડાન્સ’ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પુસ્તકમાં આદિવાસીઓનાં વિસ્થાપન અને વીતકની કથાઓ છે.
ખુદ સ્વાતંત્ર્ય દિને તો એન.ડી.એ. સરકારે હદ કરી. પ્રસાર ભારતીએ ત્રિપુરાની કમ્યુિનસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા(માર્ક્સિસ્ટ)ની સરકારના મુખ્યમંત્રી માણિક સરકારના સ્વાતંત્ર્ય દિનના સંબોધનને રેડિયો અને ટેલિવિઝન પર પ્રસારિત થવા ન દીધું. સહુથી ચોખ્ખા અને સહુથી ગરીબ મુખ્યમંત્રી તરીકે આદર પામેલા માણિકદાએ તેમના ભાષણમાં એ મતલબનું કહ્યું હતું કે દેશમાં ‘સ્પિરિટ ઑફ સેક્ય્લારિઝમ’ પર હુમલો થઈ રહ્યો છે. કોમ, ધર્મ અને ગાયને નામે સમાજને તોડવામાં આવી રહ્યો છે. દેશના સંસાધનો થોડાક લોકોના હાથમાં જઈ રહ્યાં છે. બેકારી અને ગરીબી વધી રહી છે. ગરીબો, લઘુમતીઓ અને દલિતોની જિંદગી જોખમમાં છે. માણિકદાએ શું ખોટું કહ્યું ?
આઝાદીના ઇકોતેરમા વર્ષમાં દેશની દશામાં કોઈ બદલાવ આવશે ખરો ?
+++++++
૧૭ ઑગસ્ટ ૨૦૧૭
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 18 અૉગસ્ટ 2017