મોટાં માથાંઓની બેન્કો પાસેથી લોન લઈને બેંકોને નવડાવવાની હવે નવાઈ રહી નથી. ઘણી વાર તો બેન્ક પોતે ના’વા તૈયાર હોય છે ને તેનાં સાહેબો થોડા રૂપિયાની લાલચે ‘ગમે તેને’ લોન આપી પણ દે છે. લોન લેનારને ય ખબર હોય છે કે બેન્કના પૈસા ડુબાડવાના છે ને બેન્ક પણ જાણતી હોય છે કે આપેલી લોન પાછી આવવાની નથી. લોન પાછી નથી આવતી તો બેન્ક ઉઘરાણીઓ કરે છે, નોટિસ આપે છે, પોલીસ ફરિયાદ કરે છે ને લોન લેનારની મિલકતની હરાજી પણ કરે છે, પણ લોન પાછી આવતી નથી ને છેવટે બેન્ક તેનું નાહી નાખીને કેટલીક લોન માંડી વાળે છે. આ રીતે માંડી વળાયેલ લોનને નોન પરફોર્મિંગ એસેટ્સ(એન.પી.એ.)માં નાખીને બેન્ક ટકવા મથે છે, પણ બધી બેન્કોનો એન.પી.એ.નો આંકડો લાખો કરોડમાં હોય છે તે ભૂલવા જેવું નથી. માર્ચ 2020માં એન.પી.એ. 8.2 ટકા હતી જે માર્ચ 2021માં 7.3 ટકા થઈ છે. એ ટકાવારી ઘટીને સપ્ટેમ્બર, 2021 સુધીમાં 6.9 ટકા પર આવી ગઈ છે. આ માહિતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 28 ડિસેમ્બરે તેના રિપોર્ટમાં આપી છે. આ ઘટાડામાં કોરોના કાળની અસરો ભાગ ભજવતી હોય એમ બને. મોટાં ધિરાણ ઘટવાને કારણે પણ એન.પી.એ.નો આંકડો ઘટ્યો હોય એમ બને.
એન.પી.એ. વધવામાં દરેક વખતે બેન્કો જ જવાબદાર છે એવું પણ નથી. બેન્કોને રાજકીય હેતુપૂર્તિ માટે ક્યારેક ધિરાણ કરવાની ફરજ પણ પાડવામાં આવે છે ને પછી એ લોન પાછી આવવાની શક્યતાઓ ઘટે છે ને એન.પી.એ. વધે છે. ખેડૂતોને અપાતી લોન માંડી વાળવાનું સરકારી વલણ પણ એન.પી.એ. પર પ્રભાવ પાડે છે. કેટલાક કિસ્સાઓમાં જાહેર ક્ષેત્રની બેન્કોની ઓછી કાર્યક્ષમતા ને સ્ટાફને પોષવાની જવાબદારી પણ ખોટનો આંકડો વધારે છે. આ સ્થિતિ પછી બેન્કોના મર્જરમાં પરિણમે છે ને નબળી બેન્કોનું નફો કરતી બેન્ક સાથેનું મર્જર બેંકની નફાકારકતા પર પણ અસર પાડે છે. સરવાળે તો એ ખોટનો ધંધો જ બની રહે છે.
એ ખરું કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી ગ્રાહકોની માહિતી જાહેર કરી શકાય છે. પહેલાં તો ગ્રાહકોની ગોપનીયતાને નામે રિઝર્વ બેન્ક ગ્રાહકોની માહિતી જાહેર કરી શકતી ન હતી, પણ સુપ્રીમના આદેશ પછી હવે ગ્રાહકોની માહિતી જાહેર કરી શકાય છે, એટલે જે ઇરાદાપૂર્વક લોન ભરવા નથી માંગતા એમને પણ હવે ખુલ્લા પાડી શકાય છે. આ બધું છતાં કેટલીક બેન્કોની લોન પાછી નથી જ આવતી ને બેન્કો નબળી પડે છે તે હકીકત છે.
ગઈ કાલે લોનનું મહાકૌભાંડ સામે આવ્યું છે ને એમાં એક બે નહીં, 28 બેન્કોના 22,842 કરોડ સલવાયા છે. આ દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ છે ને મામલો સી.બી.આઈ. પાસે પહોંચ્યો છે. અત્યાર સુધીમાં નીરવ મોદીએ 14 હજાર કરોડ, વિજય માલ્યાએ 9 હજાર કરોડની કરેલી છેતરપિંડી ગવાઈ છે. આ ઉપરાંત મેહુલ ચોક્સી, લલિત મોદી, સાંડેસરા ગ્રૂપ જેવાં પણ કૌભાંડમાં સંડોવાયાં છે ને એમાંના કેટલાક તો વિદેશ ભાગી જવામાં પણ સફળ થયા છે. એમની મિલકત જપ્ત કરીને રકમ વસૂલાય તો પણ પરિણામ બેન્કોની ખોટમાં જ મોટે ભાગે આવે છે. આમાં બેન્કો પણ દૂધે ધોયેલી હોય એવું જરૂરી નથી. સાધારણ માણસને નાની રકમની લોન જોઈતી હોય તો તેની પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ્સ મેળવવામાં બેન્ક જેટલી કાળજી રાખે છે, એટલી કાળજી મોટી રકમની લોનમાં ભાગ્યે જ રખાતી હોય છે. બેન્કોની રહેમ નજર આવાં મોટાં ધિરાણમાં રહેતી હોય કે રાજકીય દબાણને વશ થવાનું બેન્કોને આવે તો લોન પાછી આવવાની શક્યતાઓ ઘટી જાય છે. નીરવ મોદી, વિજય માલ્યા જેવા પરદેશ ભાગી છૂટવામાં સફળ થાય છે, પછી બેન્કોએ લોન પરત મેળવવા ફાંફાં જ મારવાના રહે છે. એક બાબત બહુ સ્પષ્ટ છે કે ક્યાંકને ક્યાંક અપ્રમાણિકતા ને છેતરપિંડીનો ઇરાદો કેન્દ્રમાં રહે છે ને સરવાળે બેન્કે ભોગવવાનું આવે છે.
અત્યાર સુધીમાં છેતરપિંડીનો મોટો આંકડો માલ્યા કે મોદીનો લાગતો હતો, તેને ટપી જાય તેવો આંકડો 22,842 કરોડના કૌભાંડનો સી.બી.આઈ.એ ફોડ્યો છે. એ.બી.જી. શિપયાર્ડ લિમિટેડના પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ અને બીજા સાત અધિકારીઓ સામે સી.બી.આઈ.એ કેસ દાખલ કર્યો છે. અહીં પણ અગ્રવાલ પરદેશ વસી ગયાની વાત છે જ. બેન્કોને નવડાવીને પરદેશ વસી જવાની યુક્તિ અહીં પણ કામે લગાડાઈ હોવાનું લાગે છે. ગઈ 7 ફેબ્રુઆરીએ સી.બી.આઈ.એ કેસ દાખલ કર્યો ને તેનાં અનુસંધાને ડિરેક્ટરોના સુરત, ભરૂચ, મુંબઈ, પુના સહિતના 13 ઠેકાણે દરોડા પાડી દસ્તાવેજો કબજે કર્યા છે. કંપનીના તત્કાલીન ડિરેક્ટરો સામે તથા બીજી એક કંપની એ.જી.બી. ઇન્ટરનેશનલ સામે (જે પણ આ કંપનીનો જ ભાગ છે) ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસ દાખલ થયા છે.
2012થી 2017 દરમિયાન આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં સંપત્તિનો દુરુપયોગ કર્યાનું સી.બી.આઈ.નું માનવું છે. લોન જે હેતુસર લેવામાં આવી તેનો તે હેતુ માટે ઉપયોગ ના થયો ને બીજા જ કામમાં લોન વપરાઈ. 2016માં કંપનીનાં ખાતાં એન.પી.એ. જાહેર થયાં અને પછી 2019માં તેને ફ્રોડ એકાઉન્ટ્સ જાહેર કરાયાં. 2019ના નવેમ્બરમાં 28 બેન્કોએ આ કંપનીઓ વિરુદ્ધ સી.બી.આઈ.માં ફરિયાદ દાખલ કરી. દોઢ વર્ષ ફોરેન્સિક ઓડિટ ચાલ્યું જેમાં 22,842 કરોડનું કૌભાંડ પકડાયું. પ્રમોટરોએ મેળાપીપણામાં ગરબડ કરી હતી. વેપારના નામે લોન લેવાઈ હતી, પણ તેમાંથી સંપત્તિ ખરીદાઈ હતી અને નાણાં વિદેશ પણ મોકલાયાં હતાં. 2020માં બેન્કોએ ફરી ફરિયાદ કરી ને સી.બી.આઈ.એ દોઢ વર્ષ તપાસ કરીને 7 ફેબ્રુઆરીએ એફ.આઇ.આર. નોંધી. 6 બેન્કોની જ 17.734 કરોડની રકમ સલવાઈ છે જેમાં સૌથી વધુ રકમ 7.089 કરોડ આઇ.સી.આઇ.સી.આઇ.ની છે. સ્ટેટ બેન્કના પણ 2.925 કરોડ બાકી લેણાં છે. આ ઉપરાંત આઇ.ડી.બી.આઇ.ના 3,634 કરોડ સાથે બીજી બેન્કોના પણ કરોડો રૂપિયા બાકી લેણાં નીકળે છે.
એ.બી.જી. શિપયાર્ડ જહાજ બનાવવાનું અને મેઇન્ટેનન્સનું કામ કરતી હતી. આ કંપની 1985માં સુરતના મગદલ્લામાં શરૂ થઈ હતી ને તે દહેજમાં પણ ચાલતી હતી. 1991 સુધી તો કંપની નફો પણ કરતી હતી, પણ 2016માં કંપનીને 55.7 કરોડ ડોલરની ખોટ ગઈ ને વૈશ્વિક મંદીમાંથી પણ તે બેઠી ન થઈ શકી. આ સાચું હોય તો કંપનીના ડિરેક્ટરોએ, જે હેતુ માટે લોન અપાઈ હતી, તે સિવાયના હેતુઓ માટે રકમ સગેવગે કરી એનું શું? એ મંદીનું પરિણામ તો ન જ હોય. એટલે કંપની મંદી અને વેપાર ઘટતાં ને ખર્ચ વધતાં લોન ભરપાઈ ન કરી શકી કે ડિરેક્ટરોએ લોનનો દુરુપયોગ કર્યો તે લોન ડૂબવાનું મુખ્ય કારણ છે એ સ્પષ્ટ થતું નથી. આ ફ્રોડમાં એલ.આઇ.સી.ના પણ 136 કરોડ સલવાયેલા છે ને બીજી બેન્કોના પણ કરોડો રૂપિયા તો ખરા જ !
આમ તો આ કૌભાંડ કોરોના કાળ પહેલાંનું છે, પણ કોરોના દરમિયાન પણ થયેલાં લોકડાઉનમાં નોકરીધંધા મંદા પડ્યાં હતાં એટલે બેન્કો પાસેથી લોન લઈને વેપાર કરવાનું મુશ્કેલ જ હતું. એ દરમિયાન રિઝર્વ બેન્કે પણ વ્યાજદરોમાં ફેરફાર કરવાનું એટલે ટાળ્યું કે બેન્કો વધુને વધુ ધિરાણ કરી શકે. રિઝર્વ બેન્કની ધિરાણને પ્રોત્સાહિત કરવાની નીતિએ પણ એવી સ્થિતિ સર્જી કે બેન્કો ખરાંખોટાં ધિરાણ માટે આકર્ષાય અને એમાં જે જેન્યુઇન ધિરાણ છે તે તો પાછું આવે, પણ કેટલુંક ન પણ આવે ને એ એન.પી.એ.નો આંકડો વધારે એમ બને. બેન્કોની લોન પરત આવે તેમ જરૂર ઈચ્છીએ, પણ ધિરાણની ફરજ પડે એવું પ્રોત્સાહન કેટલીક વાર બેડ લોનનું નિમિત્ત પણ બને છે. આ અટકવું જોઈએ. મોટાં ધિરાણમાં વધુ નફાની તકો બેન્કોને રહેલી છે જ, પણ એમાં જોખમ પણ છે જ. 22.842 કરોડ નાનું ધિરાણ નથી જ. એમાં એક, બે નહીં, 28 બેન્કો ફસાઈ છે ત્યારે આટલી બધી બેન્કોમાંથી કોઈને પણ લોન પરત નહીં આવે એવી ચિંતા થઈ હશે કે કેમ તે નથી ખબર. આટલી બધી બેન્કો એક બે કંપનીને જ આટલાં મોટાં ધિરાણ માટે એક સાથે તત્પરતા દાખવે એ પણ ધિરાણની ગરજ, બેન્કોની વધારે રહી હોવાનો સંકેત કરે છે. આ રકમમાંથી કેટલી રકમ પરત આવશે તે તો સમય જ કહેશે. જવાબદારો સામે કેવાં પગલાં લેવાશે એની પણ રાહ જોવાની રહે, પણ એટલું ચોક્કસ છે કે અગાઉનાં માલ્યા, મોદીનાં લોન ડુબાડીને વિદેશ ભાગી જવાનાં ઉદાહરણો સામે હોય, પછી પણ બેન્કો સમૂહમાં આટલું મોટું ધિરાણ કઈ ખાતરીથી કરતી હશે એનું પરમ આશ્ચર્ય જ સામાન્ય માણસ પાસે રહી જાય છે. એક સમય હતો જ્યારે બેન્કોને ડિપોઝિટના ટાર્ગેટ અપાતા ને ડિપોઝિટ પર 10થી 12 ટકા જેવું સારું એવું વ્યાજ અપાતું. આજે ડિપોઝિટ તરફ બેન્કો બેધ્યાન છે. એમાં જે સિનિયર્સ ડિપોઝિટ પર ટકી ગયા હતા, એમના હાથમાં વ્યાજ ચણામમરા જેવું માંડ આવે છે. એમની સ્થિતિ દયનીય છે. એનું પણ આશ્ચર્ય જ છે કે ડિપોઝિટની બહુ પરવા ન કરતી બેન્કો ધિરાણને આટલું પ્રોત્સાહન કયા આધારે આપે છે ! આ ભેદ સાધારણ માણસને સમજાતો નથી. કોઈ ભલે કહે કે ખાતો નથી ને ખાવા દેતો નથી, પણ હવે તો ખાઈને ખવડાવો એ નીતિ જ કદાચ કેન્દ્રમાં છે. અનીતિ જ નીતિ હોવાનો વહેમ પડે છે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ફેબ્રુઆરી 2022