બંધારણને દેશનું દર્પણ કહેવામાં આવે છે. આપણે દેશવાસીઓ આ દર્પણમાં કદી પોતાને જોઈએ છીએ? દર્પણ આપણને ઓળખ જ નહીં, પોતાને સંવારવાની તક પણ આપે છે.
‘ભારત મારો દેશ છે. બધાં ભારતીયો મારાં ભાઈબહેન છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.
હું મારા માતાપિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.’
બંધારણ લાંબુ લાગતું હોય એવા નાગરિકોએ આ રાષ્ટ્રીય પ્રતિજ્ઞા યાદ રાખવી.
‘અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનું અને દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને દરજ્જાની સમાનતા નિર્ધારિત કરવાનો તેમ જ તેઓમાં વ્યક્તિનું ગૌરવ તેમ જ દેશ પ્રત્યેની એકતા અને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો દૃઢતાપૂર્વક નિર્ણય કરીને તારીખ 29મી નવેમ્બર, 1949ના રોજ આ બંધારણસભામાં આ બંધારણ અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ.’
આ શબ્દો છે સ્વતંત્ર ભારતના બંધારણના આમુખના. 26 જાન્યુઆરી 1950ના રોજ આ બંધારણનો અમલ શરૂ થયો અને ભારત પ્રજાસત્તક બન્યું. બંધારણને દેશનું દર્પણ કહેવામાં આવે છે. આપણે દેશવાસીઓ આ દર્પણમાં કદી પોતાને જોઈએ છીએ? દર્પણ આપણને ઓળખ જ નહીં, પોતાને સંવારવાની તક પણ આપે છે.
મહાત્મા ગાંધી કોમી આગને ઠારવા નોઆખલીમાં ફરતા હતા ત્યારે એમણે જોયું કે ત્યાંના નેવું ટકા મુસ્લિમો કુરાન પઢી શકતા હતા, પણ તેને સમજી શકતા નહોતા. એટલે મૌલવીઓ કહે તે જ સાચું એમ માનતા હતા. ગાંધીજીએ મૌલવીઓની નારાજગી વહોરીને પણ એમને કુરાનનો ખરો અર્થ સમજાવવા માંડ્યો. આપણે પણ આવા જ નથી? બંધારણ વાંચી તો શકીએ છીએ, પણ એના અર્થઘટન માટે રાજનેતાઓ અને અદાલતો પર આધાર રાખીએ છીએ અને એ પણ ત્યારે જ, જ્યારે કોઈ મોટી મુશ્કેલી આવી પડી હોય. બાકી તો આવું બધું કરવાનો ય આપણને કંટાળો આવે છે.
આ બેદરકારી, આ અજ્ઞાન આપણને ખૂબ ભારે પડ્યું છે, પડે છે અને પડતું રહેશે; પણ આપણને એનો ખ્યાલ નથી કે પછી એની પરવા નથી. આ બેદરકારીને લીધે આપણો દેશ અનેક વિવાદો અને ગેરસમજોથી ઘેરાયેલો રહ્યો છે. બંધારણ સર્વોચ્ચ કાયદો છે અને એના પ્રમાણે દેશ ચાલે છે તો દરેક નાગરિકની એ ફરજ છે, જવાબદારી છે કે બંધારણને સમજી લે અને છતી આંખે અંધ થવાનું બંધ કરે.
લોકશાહીના ત્રણ આધારસ્તંભો હોય છે : સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર. આ ત્રણે કઈ રીતે કામ કરશે, શું કામ કરશે, કોની કેવી રીતે ને કોના દ્વારા નિમણૂક થશે, વહીવટી તંત્રોની રચના કેવી રહેશે, જવાબદાર વ્યક્તિઓની કેવી લાયાકાત અને ફરજો રહેશે? નાગરિકોના અધિકાર અને ફરજો કયા હશે – આ અંગેના નિયમોનો સમૂહ એટલે બંધારણ. ભારતની કોઈપણ વહીવટી બાબતોમાં બંધારણનો શબ્દ આખરી હોય છે. પ્રેસને ચોથો આધારસ્તંભ ગણવામાં આવે છે.
જરા ઇતિહાસમાં જઈએ. 1600માં ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. પછીના સાડા ત્રણ સૈકા વિદેશી પ્રભાવ અને શાસનના હતા. લાંબાં આર્થિક શોષણ ને રાજકીય દમન પછી અને પશ્ચિમી શિક્ષણથી આવેલી બૌદ્ધિક જાગૃતિને કારણે બ્રિટિશ શાસનને પડકારવાની શરૂઆત થઈ અને ભારતે ધીમે ધીમે છતાં મજબૂત રીતે લોકશાહી તરફ કૂચકદમ શરૂ કરી.
શરૂઆત બ્રિટિશ શાસકો સમક્ષ અસંતોષની રજૂઆતથી થઈ. પછી મવાળ અને એ પછી જહાલ માર્ગે માગણીઓ થઈ જેમાં બંધારણનો વિચાર સામેલ હતો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન હિંદના રાષ્ટ્રવાદીઓએ અને 1922માં ગાંધીજીએ વિચાર રજૂ કર્યો કે ભારતીયોએ તેમનું ભાવિ પોતે જ ઘડવું જોઈએ અને પ્રજાએ પસંદ કરેલા પ્રતિનિધિઓ દ્વારા વ્યક્ત થતી ભારતની પ્રજાની ઈચ્છાઓમાંથી સ્વરાજ ઉદ્દભવવું જોઈએ.
1929ના લાહોર કૉંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઐતિહાસિક ઠરાવ થયો. સાથે સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાની જરૂર પર ભાર મૂકાયો. 1934માં તો કૉંગ્રેસે સ્પષ્ટ રીતે જ બંધારણસભાની માંગણી કરી અને 1936ના લખનૌ અધિવેશનમાં તેણે જણાવ્યું કે બહારની સત્તાની દરમિયાનગીરીથી ઘડાયેલા કોઈ બંધારણનો કૉંગ્રેસ સ્વીકાર કરશે નહિ.
ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે બંધારણ ઘડવું એ નક્કી હતું. જો કે તેના સ્વરૂપ અંગે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે ગંભીર મતભેદો હતા. ડિસેમ્બર 1946માં બંધારણસભા મળી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ તેના અધ્યક્ષ નીમાયા. સૌથી અગત્યની એવી ડ્રાફ્ટિંગ કમિટી બની, જેના અધ્યક્ષ ડૉ. આંબેડકર હતા. આ કમિટીએ વિશ્વના 60 દેશોના બંધારણનો અભ્યાસ કર્યો અને અમેરિકાના બિલ ઑફ રાઈટ્સમાંથી મૌલિક અધિકારની, બ્રિટનમાંથી સંસદીય લોકશાહીની, કેનેડા પાસેથી મજબૂત કેન્દ્રની, આયર્લૅન્ડ પાસેથી લોકોનું ભલું કરવાની જવાબદારી શાસનની, ફ્રાન્સ પાસેથી સમાનતા અને બંધુત્વની, ઑસ્ટ્રેલિયા પાસેથી રાજ્યો વચ્ચે વેપારની, રશિયા પાસેથી સામાજિક-રાજકીય-આર્થિક ન્યાયની, જર્મની પાસેથી કેન્દ્ર સરકારને મળતી ઈમર્જન્સી સત્તાઓની અને જાપાન પાસેથી ન્યાયતંત્ર બંધારણની કલમોનું અર્થઘટન કરી શકે, બદાલાવી શકે નહીં – આવી સંકલ્પનાઓ અપનાવી અને ભારતની પરંપરા અને વિવિધતાને પણ ધ્યાનમાં લઈ 315 આર્ટીકલ, 22 ભાગ અને 8 પરિશિષ્ટનો એક ડ્રાફ્ટ આપ્યો. જે પછી સભામાં ચર્ચા માટે મુકાયો.
બંધારણા સભામાં પ્રત્યેક ૧૦ લાખની જનસંખ્યા પર એક પ્રતિનિધિના ધોરણે દરેક પ્રાંતને બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. એમાં જાતજાતની વિચારસરણીઓ ધરાવતાં જૂથો હતાં, પણ લગભગ બધાં જ સભ્યો તેજસ્વી, લોકશાહીવાદી અને ઉદારવાદી વિચારોથી પ્રભાવિત હતા અને છેવાડાના અદના આદમીની ચિંતા ધરાવતા હતા.
કલ્પના કરો કેવી ચર્ચાઓ કરી હશે આવા 389 સભ્યોએ? શમા બેદી અને અતુલ તિવારીની લખેલી અને રાજ્યસભા ટી.વી.એ બનાવેલી ‘સંવિધાન’ સિરિયલના 10 એપિસોડમાં આ આખો ઇતિહાસ અને પ્રક્રિયા ખૂબ રસપ્રદ અને પ્રમાણભૂત રીતે બતાવાયો છે. યુટ્યૂબ પર અવેલેબલ છે. આપણા ઉત્કર્ષ મઝુમદાર એમાં સરદાર પટેલની ભૂમિકામાં શોભ્યા હતા.
2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ ચર્ચા ચાલી અને બંધારણને આખરી ઓપ અપાયો. અન્ય દેશોની તુલનાએ ભારતનું બંધારણ ખૂબ મોટું અને વિસ્તૃત છે. વિશ્વનાં બંધારણોના ખ્યાતનામ અભ્યાસી સર આઇવર જેનિંગ્ઝ પણ આ વાતનું સમર્થન કરે છે.
પ્રેમબિહારી નારાયણ રાયજાદાએ સુંદર કર્સિવ ઈટાલિક્સમાં બંધારણની પ્રત લખી. એ માટે 432 જેટલી હૉલ્ડર નિબનો ઉપયોગ થયો. લખતા છ મહિના થયા હતા. આ પૃષ્ઠોને શાંતિનિકેતનના કલાકારોએ સુશોભિત કર્યાં હતાં. પછી તેની હિંદી નકલ કૅલિગ્રાફર વસંતકૃષ્ણ વૈદ્યે કરી. પૂનામાં હાથે બનાવેલા કાગળ એમાં વપરાયા છે. અંગ્રેજી પ્રતનું વજન 13 કિલો અને હિન્દી પ્રતનું વજન 14 કિલો છે. આ બન્ને પ્રતો નાઈટ્રોજન ભરેલી કાચની પેટીઓમાં મૂકવામાં આવી જેથી કાગળ બગડે નહીં.
આપણા બંધારણ અનુસાર નાગરિક કોઈપણ રાજ્યનો હોય, સમગ્ર ભારતનો નાગરિક ગણાય છે. નાગરિકોને સમાનતા, સ્વતંત્રતા, શોષણ સામે વિરોધ, ધાર્મિક સ્વાતંત્ર્ય, સાંસ્કૃતિક અને કેળવણી-વિષયક, મિલકતનો અને ન્યાયનો – આ મૂળભૂત અધિકારો અપાયા છે. નિમ્ન સ્તરના વર્ગો રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં ભળી શકે એ માટે ભારતના બંધારણમાં પછાત અને વર્ગીકૃત જાતિઓ માટે વિશિષ્ટ જોગવાઈઓ છે. માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શાંતિનો ઉદ્દેશ સામેલ છે. ભારત બહુભાષી હોવાથી હિંદીને રાષ્ટ્રભાષાનું સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતે બ્રિટનના જેવી સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે, જેમાં પ્રજા દ્વારા ચૂંટાતા નીચલા ગૃહ લોકસભાને વ્યાપક સત્તાઓ મળેલી છે. તે કાયદાઓ ઘડે છે, અંદાજપત્ર મંજૂર કરે છે, સરકારની રચના કરે છે તેમ સરકારને પદભ્રષ્ટ પણ કરી શકે છે. આનો અર્થ એ કે આપણે જેમને ચૂંટીને મોકલીએ છીએ તે પ્રતિનિધિઓની, સરકાર પર સીધી અસર પડે છે. આપણે આ ધ્યાનમાં રાખીને મતદાન કરીએ છીએ?
જેના શબ્દોથી શરૂઆત કરી એ આમુખ બંધારણના ઉદ્દેશ્ય તથા લક્ષ્યને સ્પષ્ટ કરે છે. જ્યાં બંધારણની ભાષા સંદિગ્ધ લાગે ત્યાં આમુખની મદદ લેવામાં આવે છે.
અને શાળામાં રોજ બોલતા એ પ્રતિજ્ઞા તો યાદ હશે જ,
‘ભારત મારો દેશ છે, બધાં ભારતીયો મારાં ભાઈબહેન છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. હું મારાં માતાપિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.’
બંધારણ લાંબુ લાગતું હોય એવા નાગરિકોએ આ રાષ્ટ્રીય પ્રતિજ્ઞા યાદ રાખવી.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 23 જાન્યુઆરી 2022