૧૭મી મે ૨૦૧૮ને ગુરુવારના રોજ, રમોલાબહેને આપણી વચ્ચેથી વિદાય લીધી. અહીં મારે ચીલાચાલુ શ્રદ્ધાંજલિ લખવાનો ઇરાદો નથી. મારે તો તેમની કેટલીક યાદોને વાગોળવી છે.
પચીસેક વર્ષ પહેલાં – કદાચ ૧૯૯૪માં – હ્યુસ્ટન નાટ્યકલા વૃંદે એક નાટ્ય મહોત્સવ ઉજવેલો અને તેમાં કેટલાંક એકાંકીઓ ભજવેલાં. હું હ્યુસ્ટનમાં સાવ નવો નવો આવેલો. મને કોઇ ઓળખે પણ નહીં. પાંચ ડોલરની ટિકિટ લઈને, હું ઓડિટોરિયમની પાછળની કોઇ હરોળમાં બેઠેલો અને નાટકો જોતો હતો. અને મારી ટેવ પ્રમાણે, મને જે ગમતું એની નોંધ હું ગુજરાતી ભાષામાં ટપકાવતો હતો.’ હું, તમે અને આપણે બધાં’ એ નામની એકાંકીમાં મેં રમોલાબહેનને જોયાં. અને મને થયું કે આ સ્ત્રીને હું ઓળખું છું. એ નાટકમાં ઉલ્કાબહેન અમીન અને હેમંત ભાવસાર પણ હતાં. બીજા એક નાટક ‘બ્રહ્મ લટકા કરે’માં પણ આ ત્રણે ય કલાકારો હતાં. એ જમાનામાં એમ કહેવાતું કે જે નાટકમાં હેમંત અને રમોલા હોય એ નાટક સરસ જ હોય!
જીવનના સામાન્ય પ્રસંગોમાંથી હાસ્ય નિષ્પન્ન કરીને એને પોતાના અભિનયથી પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાની કળા આ કલાકારો પાસે હતી. ૧૯૯૦ના વર્ષમાં પણ હેમંત-રમોલાની જોડીનું એક નાટક ‘પડદા પાછળ’ આ બે કલાકારોએ સફળતાપૂર્વક ભજવેલું. ‘સંતાકૂકડી’ નાટકમાં રમોલાબહેને નીલાફોઇની ભૂમિકા ખૂબ સરસ રીતે ભજવેલી. પ્રેક્ષકોને એ નીલાફોઇ જ યાદ રહી ગયાં હતાં. એ નાટકમાં હેમંતી શાહ, સંદીપ શાહ પણ હતાં. રમોલાબહેન ના પતિ કિરણ દલાલે એ નાટક વખતે રંગમંચ નિયોજન કરેલું. રમોલાબહેન દલાલે માસ્ટર ઓફ સેરિમની તરીકે પણ સુંદર સેવા બજાવેલી. રમોલાબહેને સોવેનિયર બનાવવા માટે પણ ખાસ્સી જહેમત ઉઠાવેલી. જાહેરાતો મેળવવા અને લેખોની પસંદગી કરવાથી માંડીને, પ્રિન્ટીંગવાળાને ત્યાં ધક્કા ખાવા જેવી દોડાદોડી કરતા મેં તેમને જોયાં હતાં.
આ તો થઈ પચ્ચીસ વર્ષ પહેલાંની વાતો.
નાટક જોઈને ઘેર જતાં, મને થયું કે આ રમોલા દલાલ તો મારી સાથે રંજનબહેન દલાલના મોન્ટેસોરી બાલમંદિરમાં ભણતી હતી. એની મોટીબહેન શીલા મારા ક્લાસમાં હતી. અને રમોલા અને અમોલા બે વર્ષ પાછળ હતાં. રમોલા અને અમોલા, બન્ને બહેનો ગોરી ગોરી, રૂપાળી અને બધાંથી જુદી તરી આવતી. સાંકડી શેરીમાં, હરિભક્તિની પોળમાંથી પતાસાપોળમાં જઈએ ત્યાં, ચોકઠામાં, ચબૂતરા પાસે, એક જૂના જમાનાની હવેલીમાં એ બહેનો રહેતી. એમનો ભાઈ સુકેતુ એટલે જાણે બીજો રાજકપૂર જ. એક્દમ હેન્ડસમ.
એ જ પોળના ચોકઠામાં, બીજી એક હવેલીમાં, અમારા બાળમંદિરમાં મારી સાથે, મારા જ ક્લાસમાં ભણતો કૈયૂર નાણાવટી નામનો સોહામણો છોકરો રહેતો હતો. જે પાછળથી શીલા સાથે પરણ્યો હતો અને શીલા બી.ડી. આર્ટસ કોલેજમાં પ્રોફેસર બની હતી. આ તો મારી યાદો છે, કદાચ, એમાં મારી કોઇ શરતચૂક પણ હોય કે હકીકતદોષ પણ રહી ગયો હોય. આજે આ ઉંમરે, (૭૭) આવું થવું સામાન્ય છે.
હું આ લોકોને ઓળખતો હતો, જોતો હતો પણ ક્યારે ય, જુવાનીમાં મળ્યો નથી કે વાતચીત સુધ્ધાં કરી નથી. હા! ૧૯૬૧માં એ બાલમંદિરના રજતજયંતી પ્રસંગે, મેં અને અમીત દિવેટિયાએ સ્વ. જયંતિ દલાલના લખેલા એકાંકી નાટક ’જોઇએ છે, જોઇએ છીએ’માં અભિનય કરેલો ત્યારે અમારી અછડતી મુલાકાત થયેલી એવું યાદ આવે છે. પણ અમે વાત તો નહીં જ કરેલી. રંજનબહેન દલાલ એટલે જયંતિ દલાલનાં પુનર્લગ્નનાં પત્ની.
એ રાત્રે બાર વાગ્યે ઘેર જઈને, મેં કિરણભાઇને ફોન કરીને, રમોલાબહેન વિશે પૂછપરછ કરીને, મારી વાતની ખાતરી કરી લીધી હતી. ત્યાર પછી તો અમે – એટલે કે કિરણભાઈ, રમોલાબહેન અને હું – ઘણીવાર મળ્યાં છીએ અને એમના કુટુંબી જનોના સમાચાર મેં જાણ્યા છે.
એમની માંદગીના સમાચાર, મને મારી બહેન ડોક્ટર કોકિલા પરીખ પાસેથી મળતા રહેતા. એમના અવસાનના સમાચાર અને ફ્યુનરલના સમાચાર પણ કોકિલાબહેને જ આપ્યા હતા.
મારાં સ્મરણમાં રમોલા મારી નાની બહેન જ નહીં, એક ઉત્તમ કલાકાર તરીકે પણ રહેશે. કેટલાક માણસો જાય છે અને છતાં જતાં નથી. દેહના અવસાન પછી એ દેખાતાં નથી, પણ અનુભવાય છે.
રમોલાબહેનનું હાસ્ય, એમની આંખની જ્યોત, એમનો ભાતીગળ મિજાજ શું શું યાદ કરીએ અને કોને કહીએ ? આવી વ્યક્તિઓ ધરતીમાંથી ફૂલ થઈને પ્રગટે છે. અગનજ્વાળાઓમાંથી સિતારા થઈને આકાશમાં ઝળહળે છે.
રમોલાબહેનનો દેહ ભલે વિલાઇ ગયો હોય, પણ એ એના ચાહકોમાં, એના મિત્રોમાં કે હ્યુસ્ટન નાટ્યકલા વૃંદના સાથી કલાકારોના હૃદયમાં જીવે જ છે.
પરમકૃપાળુ પ્રભુ તેમના આત્માને ચિરશાંતિ અર્પે એ જ પ્રાર્થના.
ક્મનસીબે, મારી પાસે રમોલાબહેનનો એકે ય ફોટો નથી. એમનાં નાટકોના ફોટા પણ નથી. કોઇ આ વાંચીને, મને મોકલાવશે તો હું એને મીડિયામાં મોકલી આપીશ.
(લખ્યા તારીખ- ૧૮ મે, ૨૦૧૮ )
6606 DeMoss Dr. # 1003, Houston, Tx 77074
Blog : navinbanker.gujaratisahityasarita.org
![]()


ઘણી વાર ફરિયાદનો સ્વર ઊઠે છે કે વિનોદ આજકાલ બહુ તાજગીભર્યો જણાતો નથી. યા તો એ બહુ માંદો હોય છે, યા તો એ સાવ ફિક્કો હોય છે.