ક્યાં છે ભારત ? છે ક્યાં ભારત ?
પર્વતમાંથી, નદીઓમાંથી, દરિયામાંથી
ગામ-નગરથી, લોકોમાંથી એકસામટો નાદ ઊઠતો
ને
વ્હીસલ મારતી ગાડી ભકછૂક ભકછૂક ચાલી જાય
ચાલી જાય
ચાલી જાય
ભીતર ધરબાયેલું લોક
થર્ડક્લાસના ડબ્બાઓમાં મુંઝાતું રે થોક
બોલે ટીવીઃ સબ સલામત !
કહે રેડિયોઃ સબ સલામત !
અખબારોમાં, નેતાઓના ભાષણોમાંઃ સબ સલામત !
વિકાસના સહુ નારા ગાજે
હટાવ ગરીબી સૂત્ર ચાલે
લઘુમતીની વાતો ચગતી
રાષ્ટ્રદ્રોહના ફતવા મ્હાલે
મહાયજ્ઞ બસ એક ચાલતોઃ
એક જ વાત સહુ સાંભળે
એ જ વાત જોવાની સહુએ
ગામનગરમાં, ચોરે ચૌટે
ઊંચનીચના ચાક ચડાવી
ચતુર્વર્ણના ચાળા ચગવે
ફાટફૂટ લોકોમાં પાડે
જૂઠમૂઠને ગજવે ત્રાડે
મુંબઈ જેવું મુંબઈ સાલું
કામદારનો અઢળક ડહોળી દરિયો
વિધાનસભામાં હસતું ખીખીઃ સબ સલામત!
કોલકાત્તા ઓ કોલકાત્તા
ભારતના આ નકશામાં તું એક જ ટપકું
આંખે તારી પાડા બકરી જેવા બલિ ચડે
ને માણસ જેવા માણસ
તારી અંધ ગલીમાં સબડે
સબડે ઇચ્છાઓનાં વન
ફૂટે બંદૂક, છૂટે ગોળી
લાલ રંગના ધાબાં તારા ચહેરે પડતાં
તો ય કહે તુંઃ સબ સલામત!
ઓ ય અરે ઓ દિલ્હી,
તું તો સલ્તનતોનું ડૂબ્યું નૂર
કેવો તારો ચહેરો, કેવા સૂર!
તારી પીઠે કૈંક સવારી આવી ઊતરી
હાથી આવ્યા, ઘોડા આવ્યા
સરનાઈટના ખિતાબ આવ્યા
તારા તો કૈંક રૂપો આવ્યા વિરમ્યાઃ
તું સ્વરાજી સ્વપ્ન થઈને મ્હાલ્યું
તું અરાજક ટમટમિયું થઈ સાલ્યું
તું સવા અબજનું ભાવિ ખરડે વીંટે
તું સવા અબજની આશા ક્યાં ક્યાં વેચે!
આ દેશને ખૂણે ખૂણેથી
તારે આંગણ
જાતજાતના ભાતભાતના
પ્રતિનિધિના ધાડાં આવ્યાં
એ પણ સાથે પરદેશીના દલાલ રાડાં લાવ્યાં
દિલ્હી, તું તો ઉજળિયાત કોમોનું મંદિર
હાયર સોસાયટીનો વીડિયો પડદો, તું !
અમેરિકા ને રશિયાના, ચાઈના અને બ્રિટનના
સંદેશા તારા છોગાં
મલ્ટીનૅશનલ ઉદ્યોગોના ભરે સદા તું ખોખાં
આજ અહીં જે રમતું તે તો તારું નવમું રૂપ
જાણે ના તું લોક મહીં જઈ છૂપ્યું જે સ્વરૂપ!
તું ત્રિરંગો લહેરાવે પણ પેટે એને ખાડો
તુ સંસદને કાખે તેડે તો યે ઊભો થયો ગૂંચવાડોઃ
પાટનગર, તું ચાટ પડે છે
ઘાટ વગરનો દેશ બન્યો ને કાટ ચડે છે!
જંતરમંતર જેવું ચાલે તારી અંદર શું?
તંતરબંતર જેવું સાલે તારી ભીતર શું?
માણસ સહુ અહીં છાયા જેવા
તંત્રમંત્રની માયા જેવા
સાંજ સવારે સૂરજ ભાગે
અહીં ડાકલું એક જ વાગે
અહીં મજાની આંગળીઓ કંઈ
આમ હલે ત્યાંઃ સબ સલામત !
સહી કરે ત્યાંક્ક સબ સલામત !
કદી ટ્રીગર પર
કદી જીગર પર
કદી નમે એ મતપેટી પર
કદી ભમે એ શબપેટી પર
છતાં મળે જ્યાં સંસદ બેઠક
અરસપરસને ચીંધે ચીખે
અરસપરસને છેદે કાપે
પછી હળુક લઈ ટેભા લેતી
અખબારોના ટોપ ન્યૂઝમાં જઈને ઠરતી
પ્રજાતંત્રના વડવાગળની જેમ ઊડતી
અરસપરસની રક્ષા કરતી!?
દિલ્હી, આવા કંઈ આ ખેલ તમાશા
તારે આંગણ રોજ રમાતા
તું ધૂળઢેફાના માણસની સમજે ક્યારે ભાષા?
પેટ-હાથના ચકરાવાની સરજે ક્યારે આશા?
દૂરદૂરનો અહીં અઢેલી ઇતિહાસ બોલતો
સૂરસૂરમાં અરમાનોની લાશ ઢોળતો
ચાલ, કહી દે તું યે દિલ્હીઃ સબ સલામત !
સબ સલામત ! ?
હા, સબ સલામત !
ઊંચે જો આકાશ સલામત
સૂરજ સળગે રોજ સલામત
ઊગે ચાંદો એ ય સલામત
તારલિયા આ ટમકે કેવા, સબ સલામત
પવન કદી ના બનતો કેદીઃ સબ સલામત !
ફરફર ફરકે પાન અને આ ખીલે ફૂલોઃ સબ સલામત !
વહેતાં જળમાં તરે માછલી સબ સલામત !
નામ ગરીબી લેવાનું ના
કામ લોકનું કરવાનું ના
લઘુમતિ કે વર્ણભેદની વરવી વાતો કરવાની ના
એમ કર્યું તો મળવાનો બસ કોઈ જાસો
ના થતું કશું યે ખોટું,
ન્યાય માગવા શાને આવો?
કોઈ બાળકી કોઈ કિશોરી
ભેદાઈ ગઈ, છેદાઈ ગઈ
અને પછી તો સાવ ચગદાઈ ગઈ
એ તો ભૂલી જવાનું વિકાસના આ વાવેતરમાં !
ધામ રામનું રહે સલામત
નેતા માટે સંસદ આખી રહે અનામત!
ચાલો ત્યારે કોમવાદનું તૂત ચલાવો
લઘુમતીનું ઝેર વલોવો
ચતુર્વર્ણને ઊલટીપલટી સૌથી પહેલો પરધાન બનાવો
આપણું કર્યું કારવ્યું પાર પાડવા ફોજ બઢાવો
શેઠિયાઓની લાંચ લગાવો
મજદૂરોના પેટ જલાવો
એમ કરીને નવા વર્ગના શંખ ફુંકાવો
અને પછી શા મંચ સજાવી
સંસદ જોરે લહેરાવી તિરંગો ઠોકો ભાષણ
કચડો રોકો આંદોલન
દેશના સાચા દાઝણહારા જે કંઈ બોલે
સુણી સમજી લોકો ડોલે
ગણો એમને રાષ્ટ્રદ્રોહી
તમે ભલે હો લાલચમોહી ..
ખળા ખાણ ને ખેતરમાંથી સાદ ઊઠતો
ભૂગર્ભે જઈ ધરબાયેલો અગ્નિગર્ભી નાદ ઊઠતો
ફરીફરીને દિલ્હીની એ આંગળીઓ રે બનતી ટ્રીગર
ફરીફરીને કાપે છેદે પાડે કાણાં લોકોને જીગર!
ફરી મારતી વ્હીસલ ગાડી ભકછૂક ભકછૂક ચાલી જાય
ચાલી જાય
ચાલી જાય
ફરીફરીને થર્ડક્લાસના ડબ્બાઓમાં રુંધાતું આ લોક
ભીતર ધરબાયેલો શોક
કહે રેડિયોઃ સબ સલામત !
બોલે ટીવીઃ સબ સલામત !
અખબારો પણ છાપેઃ સબ સલામત !
ઊંઘે સંસદઃ સબ સલામત !
વાગે સાયરનઃ સબ સલામત !
બાકી ભારતના સહુ રસ્તા કહેતા
‘વાડ ઊઠીને ગળે ચીભડાં’
ત્યાં
સબ સલામત રસ્તા ક્યાંથી રહેતા?
આ છે ભારત સબ સલામત !?
છે આ ભારત સબ સલામત !?
E-mail : barinmehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2018; પૃ. 14-15
![]()


સામાન્ય રીતે આપણી સંસદના સત્રમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં એની આમ આદમીને બહુ પડી નથી હોતી, સિવાય કે ગૃહમાં સભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી કે જોરદાર અફડાતફડી મચી ગઈ હોય અને ટીવી-ચૅનલો પર લગાતાર એ દૃશ્યો ટેલિકાસ્ટ થતાં હોય. પરંતુ તાજેતરમાં લોકસભામાં વિરોધ પક્ષોએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો એ સેશન દેશભરમાં મશહૂર બની ગયું છે. એનું કારણ ન તો સંસદમાં વિપક્ષ અને શાસકના સભ્યો દ્વારા ચર્ચાયેલા મુદ્દાઓ છે કે ન તો વિપક્ષી નેતા રાહુલ ગાંધીનું આક્રમક વક્તવ્ય છે. એનું કારણ છે રાહુલ ગાંધીએ અચાનક જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને આપેલું આલિંગન! સંસદના ઇતિહાસમાં કદાચ પ્રથમ વાર વિપક્ષી નેતાએ શાસક પક્ષના વડાને આવી જપ્પી આપી છે અને એ જે રીતે તદ્દન અચાનક અપાઈ એનાથી મોદીજી ચોંકી ગયા હતા.
જોત જોતામાં હવે તેને ય અાશરે ત્રણેક દાયકાઅો થવામાં છે. ’ગુજરાતી સાહિત્ય અકાદમી’ની બીજી ભાષા-સાહિત્ય પરિષદની, લેસ્ટર ખાતે, વ્યવસ્થાના તે દિવસો હતા. ઝામ્બિયાથી અા મુલકે તેવાકમાં જ સ્થાયી થવા અાવેલા ચંદુભાઈ મટાણીના વડપણમાં, સ્થાનિક સ્તરે, સ્વાગત સમિતિની રચના કરવામાં અાવી હતી. લેસ્ટરના બેલગ્રેવ રોડ અને મેલ્ટન રોડના લગભગ ચોખંભે ત્યારે તેમની દુકાન હતી, તેવું સાંભરણ છે. તેમની દુકાને, તેમના ઘરે પણ, અા અંગેની નિયિમત બેઠકો થતી અને તે દરેકમાં ભાગ લેવા લંડનથી અાવરોજાવરો રહેતો. તેવા તેવા દિવસોથી જ જાણે કે એમનું વ્યક્તિત્વ સતત અાકર્ષતું રહ્યું છે; અને હવે તે સંબંધ વિસ્તરીને અંગત મૈત્રીમાં ય ફેરવાઈ ગયો છે. ‘પૂર્વાલાપ’ના કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’, સખા બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને ઉદ્દેશીને, ગાય છે તેમ, ચંદુભાઈને ય ઉદ્દેશવાનું, અાથીસ્તો, મન છે :
ત્યાં ચંદુભાઈની ક્ષિતિજ ધીમે ધીમે વિસ્તરતી ચાલી. મુફલીરા ગામે જમાવટ કરી. વેપારવણજનો જેમ પથારો જામ્યો તેમ તેમની ખુદની પાકટતા ય નીખરતી ચાલી. પોતાના અંતરમનમાં પડેલા સંસ્કારને કારણે, ફોટો કસબ પણ ખીલવ્યો. ગળું અને કંઠ પણ સોજ્જા. સંગીતમાં ઊંડો રસ. ખૂબ સાંભળે. સમજે. હિન્દી ફિલ્મજગતના ગાયક મૂકેશના ભારે ચાહક. પરિણામે, ચંદુભાઈ મજલિસ જમાવે અને મૂકેશે ગાયેલાં એકમેકથી ચડિયાતાં ગીતોની હૂબહૂ જમાવટ કરે. બીજી પા, સ્વામી કૃષ્ણાનંદ સરસ્વતીની આવનજાવન અને એમનો ઊંડો પાસ લાગ્યો; તેમ આપણા શિરમોર ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીત પ્રવાસનો ય રંગ લાગ્યો. આ બધું સ્વાભાવિકપણે એમના પાયામાં ધરબાયું છે. સુગમ સંગીતને ક્ષેત્રે, જેમનાં એકમેકથી ચડિયાતાં કામોના ચોમેર આજે સિક્કા પડે છે, તેવા આ ચંદુભાઈ મટાણીની ભેરુબંધી, ગોવિંદભાઈ પટેલ સંગાથે સન ૧૯૫૫થી બંધાઈ. એક પેટી વગાડે, બીજા તબલા પર સંગત કરે અને છતાં, પાછા, બંને ગાય – ગીતો, રાસ, ભજનો, અને ઘણુંબધું. સંગીત સંગે, ઝામ્બિયામાં અને વિલાયતમાં, આ બેલડાએ એક વાતાવરણ ઊભું કર્યું, સમાજ ઊભો કર્યો. બીજી પાસ, વિલાયતમાં લેસ્ટરથી, ‘શ્રુતિ આર્ટ્સ’ની રચના વાટે ચંદુભાઈ મટાણીએ તો કમાલ કરી જાણી છે.