મતદારો માટે હિંદુ બહુમતી, વિકાસ અને રાષ્ટ્રવાદ આ મુદ્દા, મોદીએ ફેંકેલા ત્રિશૂળનાં ત્રણ પાંખિયા સાબિત થયા
ઐતિહાસિક જ કહી શકાય તેવાં ચૂંટણીનાં પરિણામે પક્ષને નહીં, પણ એક ચહેરાને મત આપીને ૨૦૧૪નાં ‘વેવ પૉલિટિક્સ’નું પુનરાવર્તન કર્યું છે. ખરેખર તો આ પુનરાવર્તન એ મોદીની સફળતાનો નહીં પણ આ ભારતીય રાજકારણ અને ભારતમાં આવેલાં પરિવર્તનનો પુરાવો છે.
મોદીની સફળતાએ રાજકારણમાં એક એવો યુગ શરૂ થયો છે, જ્યાં બીજા કોઇ રાજકારણીની શક્તિ – સત્તા સંતુલનમાં કામ લાગતી જ નથી. અહીં માત્ર એક જ માણસનું ચાલે છે અને તે છે મોદી. એક સમયે ‘ઇંદિરા ઇઝ ઇન્ડિયા’ ચાલ્યું હતું, તો હવે રાષ્ટ્રવાદ એ મોદી ભક્તિનો પર્યાયવાચી બની ચૂક્યો છે. ગમે કે ન ગમે પણ હકીકત એ છે કે ભારતનાં વિચાર-આકાર-ઘડતર-ઓળખ, તમામ સાથે જો કોઇનું નામ જોડવું હોય તો એ પહેલાં ઇંદિરા ગાંધી હતું અને હવે નરેન્દ્ર મોદી છે. મોદીએ ૨૦૧૪નાં રાજકારણમાં જાતિ, પ્રદેશ વગેરેના વિચારો પર ધર્મનું ત્રિશૂળ ફેંક્યું. મતદારો માટે હિંદુ બહુમતી, વિકાસ અને રાષ્ટ્રવાદ આ મુદ્દા, મોદીએ ફેંકેલા ત્રિશૂળનાં ત્રણ પાંખિયા સાબિત થયા. જો કે રાષ્ટ્રીય ફલક પર કાઠું કાઢવા માટેની ધાર કાઢવાની મહેનત અમિત શાહની મદદથી ૨૦૧૪ની ચૂંટણીનાં ઘણાં વર્ષો પહેલાં ચાલુ થઇ ગઇ હતી.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં ‘મેનેજમેન્ટ’ એક એવો સંસ્કાર છે, જેનો ઉપયોગ કરવામાં મોદી-શાહે પાછું વળીને નથી જોયું. અમિત શાહ ગુજરાતનાં રાજકારણમાં સક્રિય થયા પછી તેમણે જુદાં જુદાં સ્તરની ૨૯ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી અને એકેયમાં હાર્યા નથી. લોકો સુધી પહોંચીને પોતાની વાત ગળે ઉતારવામાં અમિત શાહ પાવરધા છે. તેમણે આ વર્ષે ચૂંટણી માટે દોઢ લાખ કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો અને ૧૬૧ જાહેર રેલીઓ સંબોધી. બુથથી માંડીને પન્ના પ્રમુખ સુધી અમિત શાહ પહોંચ્યા હતા. જે રીતે સંઘ મેનેજમેન્ટનું મોડલ ગુજરાતનાં રાજકારણમાં અનુસરાયું તે જ રીતે તે રાષ્ટ્રીય સ્તરે પણ અનુસરાયું. તેમણે અલાઇઝને ધરપત આપી, સ્થાનિક મત બેંકને ભા.જ.પા. તરફ કરીને વિરોધીઓને દૂર રાખ્યા, જ્યાં નવા અલાઇઝની જરૂર હતી ત્યાં એ પણ કર્યું. અડવાણી કે વાજપાયીનાં સૂકાન હેઠળ જ્યાં અલાઇઝને સાચવવા માટે થઇને હિંદુત્વનો પૂરેપૂરો ઉપયોગ નહોતો કરાતો, ત્યાં શાહ-મોદીનાં રાજકારણમાં હિંદુત્વને ભા.જ.પા.નાં કટ્ટર રાષ્ટ્રવાદી એજન્ડા સાથે ભેળવીને જ પ્રચાર કરાયો. વળી અમિત શાહે પ્રચારમાં વિરોધ પક્ષો માટે કોઇપણ શેહ-શરમ રાખ્યા વિના વાણી વિલાસ કર્યો. જ્યારે વિરોધ પક્ષોનાં પ્રચારને તેમણે પાકિસ્તાનીઓની રેલી વગેરે સાથે સરખાવ્યા ત્યારે પોતાના પક્ષને ટેકો આપનારાઓને રાષ્ટ્રપ્રેમી, હિંદુ મૂલ્યોની જાળવણી કરનારાની ઓળખ આપવાનું પણ એ ભૂલ્યા નહીં. મતદારોની અસંતોષની અને વિરોધ પક્ષો સાથેનાં અંતરની લાગણીને ભા.જ.પા.એ પોતાની ઊર્જા બનાવી લીધી. જ્યાં પ્રાદેશિક પાર્ટીઓની બોલબાલા હતી તેવા રાજ્યોમાં પણ ધીમે અને મક્કમ પગલે ભા.જ.પા.એ પગપેસારો કર્યો.

આ ચૂંટણી એકત્વની એટલે કે વ્યક્તિત્વની ઓળખની અને દેશની ઓળખ બનાવવાની ભૂખના આધારે લડાઇ તથા જીતાઇ છે. મોદીની છાપ એક વંચિત વાતાવરણમાંથી સખત સંઘર્ષ કરીને આગળ આવેલા માણસની રજૂ કરાઇ જે સતત પોતાના દેશને આંતરરાષ્ટ્રીય ફલક પર કેન્દ્રમાં લાવવા પ્રયત્નશીલ છે. દરેક સામાન્ય માણસની મહેચ્છા સંઘર્ષ કરીને, આગળ આવીને કાઠું કાઢવાની જ હોય છે અને માટે તેઓ મોદી સાથે પોતાની જાતને સાંકળી શક્યા. મોદીએ ‘હિંદુ’ મતદારને નવું જ જોમ પૂરું પાડ્યું. ભારતના રાજકીય ભૂતકાળમાં ઓળખ મેળવવા સ્પર્ધાઓ થઇ છે, સત્તાના એક કરતાં વધારે ચહેરા રહ્યા છે અને કૉન્ગ્રેસનાં છત્રી રાજકારણ પછી મહાગઠબંધને દેશની છાપ ઘડી. મોટાભાગનાં મતદારોને વિખેરાયેલી ઓળખને મજબૂત રીતે જોડવા એક જ ઓળખમાં વણાઇ જવાનું ગળે ઊતરી ગયું. ભા.જ.પા.એ પક્ષ તરીકે એક જ વિચારને સતત આગળ કર્યો કે અમારા ભારતીય મતદારોમાંથી મોટા ભાગનાં હિંદુ છે અને અમારો પક્ષ હિંદુ હિતને હૈયે રાખે છે. વળી કમનસીબે આખા વિશ્વમાં આતંકવાદનો વિસ્તાર, તેમાં મુસ્લિમ ઓળખનું ખરડાવું વગેરે પણ મોદીની તરફેણમાં કામ કરી ગયું છે. મોદીએ જ્યારે પણ ભારતીય પુનરુત્થાનની વાત કરી ત્યારે હિંદુ મૂલ્યોને પુનઃઉજાગર કરવાની જ વાત કરાઇ. પહેલાના સત્તાધિશોને પશ્ચિમી, વિદેશી, પરિવારવાદનાં લેબલ અપાયાં જે લોકોને ગળે ઊતરી ગયાં, વળી વિરોધી પક્ષોએ આ લેબલમાંથી બચવાના કોઇ માર્ગ પણ ન અપનાવ્યા. મૂલ્યની વાતમાં ગૌરક્ષા, ગૌમૂત્ર, ધર્મ, લિન્ચીંગ એવું બધું પણ વપરાયું. હિંદુ મૂલ્યો પ્રત્યેની પોતાની વફાદારી સાબિત કરવા માગતા ‘ભક્તો કોઇપણ હદે જાય છે. મોદી ઇચ્છે તો ય આ ‘કુકર્મો’નો ખૂલીને વિરોધ નહીં કરે કારણ કે આ તેમની સિક્યોરિટી એજન્સીનાં ‘ચોકીદાર’ છે. આવી હાલતમાં ચૂંટણી ટાણે ડાબેરીઓએ તો જાતે જ ભીંતમાં માથા અફાળ્યા તો જાતિવાદને આધારે ચાલતા પક્ષો પણ કંઇ ઉકાળી ન શક્યા અને પ્રાદેશિક ઓળખ ધરાવતા પક્ષોને ભા.જ.પા. સામે લડવાનું આવ્યું ત્યારે અમિત શાહની ચાણક્ય સંઘ નીતિ કામ કરી ગઇ.
પક્ષમાં આંતરિક રીતે મોદીની પકડ એવી રહી કે જરા સરખી સ્પર્ધાનાં એંધાણ પણ આપે એવી વ્યક્તિઓ હાંસિયામાં ધકેલી દેવાઇ. એક જ વ્યક્તિ તરફી, એક જ વ્યક્તિ મુજબ બધું થવા માંડ્યું. વરિષ્ઠોને ખસેડી દેવા, મજબૂત લાગે તેવા ચહેરાઓ સાથે સિફતથી કામ લેવું, વિરોધીઓને ફગાવી દેવા, વગેરે પક્ષનું આંતરિક રાજકારણ પણ સતત ચાલ્યું. વળી, મોદીનું ઇમેજ બિલ્ડીંગ પહેલેથી જ મજબૂત હતું. રોડ શો, ભાષણો, ઇન્ટરવ્યુઝથી માંડીને સતત કોઇને કોઇ રીતે સમાચારમાં ઝળકવું આ બધું જ મોદીની મહેનતનો અને જીતની યોજનાનો હિસ્સો રહ્યું છે. ભા.જ.પા.ની ઓળખ હવે એક જ ચહેરા પૂરતી સીમિત થઇ હોવા છતાં પણ તે રાષ્ટ્રની ઓળખ ઘડવામાં સફળ રહેલો પક્ષ છે.
જે.એન.યુ.નાં પ્રોફેસર ઝોયા હસનનું કહેવું છે કે, “ઐતિહાસિક રીતે દરેક રાષ્ટ્ર કોઇને કોઇ તબક્કે જમણેરી, મજબૂત પૌરૂષીય જોર દેખાડી શકે તેવાં અને સરમુખત્યાર રાજકારણ તરફ વળે છે, જેમ કે અમેરિકા, ફિલિપાઇન્સ, રશિયા વગેરે. પરંતુ, આ કાયમી નથી. ૧૯૮૪ની સાલમાં કૉન્ગ્રેસને ૪૦૦થી વધુ બેઠક મળી પણ તેના પછીની ચૂંટણીમાં ૧૯૮૯ની સાલમાં આ બેઠકો ૨૦૦થી પણ ઓછી હતી. ભા.જ.પા.ની જીત અસાધારણ ન ગણાય કારણ કે યુ.પી.એ.ની સરકારને પણ ૨૦૦૪ અને ૨૦૦૯માં બે વાર સત્તા મળી હતી. ભા.જ.પા.નાં સત્તા પર આવવા પાછળ તેમનું શક્તિ પ્રદર્શન કામ કરી ગયું છે કારણ કે લોકોને ‘થિગડાં સરકાર’ કરતાં એક મક્કમ સરકારમાં વધારે વિશ્વાસ બેસે છે. પહેલાં પાંચ વર્ષમાં રાજકારણી તરીકે મોદીએ દેશ માટે કંઇ બહુ નથી કરી નાખ્યું, પણ લોકોને મજબૂતાઇની છાપ પાસેથી અપેક્ષા છે. વિરોધ પક્ષો અત્યારથી પ્રવૃત્ત થશે તો જ ફેર પડી શકશે.”
બાય ધી વેઃ
પશ્ચિમી દેશો માટે ભારત હંમેશાં એક ઉદારમતવાદી, મોકળો દૃષ્ટિકોણ ધરાવતો અને વૈશ્વિક સ્તરે વાજબી રીતે વહેવાર કરનારો દેશ રહ્યો છે પણ મતદારો અને ભા.જ.પા.ના સત્તાધિશો માટે દેશની ઓળખ જરૂરી નથી. મોદી પ્રત્યેની વફાદારીને રાષ્ટ્રવાદનું રક્ષા કવચ આપી દેવાયું છે. જે રીતે આપણે આપણા દેશને જોતા થયા છીએ અથવા જોવા માગીએ છીએ એ હિંદુ રાષ્ટ્ર તરફ જોવાનો દૃષ્ટિકોણ પશ્ચિમી દેશો બદલી નાખે તેવું ય બને. જ્યાં સરમુખત્યારશાહી ચાલે છે અથવા તો જ્યાં રાષ્ટ્રના વડાને દિવાલો ચણવી છે ત્યાં આ આખી વાત જુદી રીતે જોઇ શકાય છે. આ પણ એક તબક્કો છે, જે પસાર થઇ જશે અને ફરી ભારતીય રાજકારણમાં કંઇક જુદું થશે. પણ એ થાય ત્યાં સુધી આપણે એ સ્વીકારવું રહ્યું કે આજથી દસ વર્ષ પહેલાં જે ભારત હતું તે હવે નથી રહ્યું. વિરોધ પક્ષોએ એમ માનવાની જરૂર નથી કે ૨૦૨૪માં મતદાર, સત્તા વિરોધી મતદાન કરીને બાજી પલટી નાખશે કારણ કે દેશને ‘સારા’ નેતાનો નહીં પણ શક્તિશાળી ‘નેતા’નો મોહ વધારે છે. લોકશાહી બહુ મજબૂત તંત્ર છે, એવું મજબૂત કે તેને પગલે એક સરમુખત્યાર પણ જીતીને સત્તા પર આવી શકે છે. પરંતુ આ જ તંત્ર વિરોધ પક્ષને પણ મોકો આપી શકે છે, જો કે એ ત્યારે જ શક્ય બને છે જ્યારે વિરોધ પક્ષો માત્ર ચૂંટણી રાજકારણ નહીં પણ બે ચૂંટણી વચ્ચેનાં રાજકારણને ખેલતાં પણ શીખે.
સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ‘રવિવારીય’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 26 મે 2019
![]()


The bilingual Dalit poet Neerav Patel, who wrote in Gujarati and English, died on 15 May in Ahmedabad. The news of his death was not buried under the more important headlines of a desperately fought general election in India; it did not make any headlines. In fact, it is at just such a juncture in the political life of Gujarat and India that we should feel the loss of a poet like Patel.
ગુજરાતી આલમનાં એક ઊંચેરાં કમર્શીલ કેળવણીકાર, વિચારક લેખક દંપતી માલિનીબહેન − જ્યોતિભાઈ દેસાઈએ, ઘણું કરીને વિક્રમ સંવત 2044 વેળા, મધ્ય અમેિરકાનો શંતિસૈનિકને નાતે પ્રવાસ કરેલો. ત્યાંના અનુભવો તેમ જ સંસ્મરણોને આલેખતા એમણે જે પત્રો લખેલા, તેનું ‘અમાસ’ (મધ્ય અમેરિકાના પ્રવાસના છ પત્રો) નામે આ પુસ્તક 1988 વેળા પ્રગટ થયું હતું. તે પુસ્તિકાના પાન 54-58 પરે આ લેખ અપાયો છે.
