‘પત્રકારની કલમ તો તેજાબમાં ઝબોળેલી જ હોવી જોઈએ. જો તમે એવું ના લખી શકો તો કરિયાણાંની દુકાન ખોલીને બેસી જવું જોઈએ!’ ફ્રીડમ ઑફ સ્પીચ ઍન્ડ એક્સપ્રેશનના સિદ્ધાંત પર બે ઝુઝાર પત્રકારો ફિલીપાઈન્સની મારિયા રેસા અને રશિયાના ડિમિટ્રી મુરાટોવને પત્રકારત્વ ક્ષેત્રે ગુણત્વસભર સમાચારો જાનનાં જોખમે પણ પ્રકાશિત કરવા માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યા.
જોસેફ મેકવાન દલિત સાહિત્યના એક જબ્બરદસ્ત લેખક. એમનો સગો ભત્રીજો મનીષ મેકવાન લેખક અને ધુરંધર પત્રકાર પણ કોરોનાનો કોળિયો થઈ ગયો. એ કહેતો : “પત્રકારની કલમ તો તેજાબમાં ઝબોળેલી જ હોવી જોઈએ. જો તમે એવું ના લખી શકો તો કરિયાણાંની દુકાન ખોલીને બેસી જવું જોઈએ!” પણ સરકારની મહેરબાનીમાં રાચતા મીડિયા માલિકો એને જીરવી ન શક્યા. એ નોકરીઓ બદલતો રહ્યો પણ વ્યવસાયના સિદ્ધાંત સાથે સમાધાન ન કરી શક્યો. સિત્તેર ટકા અખબારો અને નેવું ટકા ન્યુઝ ચેનલો જાણે સરકારી માધ્યમો હોય એવો મસાલો પીરસી રહ્યાં છે.
એક જ દાખલો બસ થશે. યોગી એટલે યોગસાધક અને શિષ્યોનો યોગગુરુ. આદિત્ય એટલે સૂર્ય. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ. ગોરખપુરના એક આશ્રમના સાધુ અધિપતિ; પણ સત્તાગ્રહણ બાદ ફરી સત્તામાં આવવાના અભરખે સાધુત્વ પાતળું પડી ગયું. રોજે રોજ ભારતના એક બે નહીં પણ સેંકડો અખબારોમાં પાનાંઓ ભરીને સરકારી ખર્ચ પોતે શી સિદ્ધિઓ હાંસલ કરી છે એની પ્રસિદ્ધિ કરતા રહે છે. ટી.વી. ન્યુઝમાં પણ. કારણ કે રાજ્ય ધારાસભાની ચૂંટણીઓ માથે છે. ન્યુઝ ચૅનલોમાં દિવસમાં દસ વાર ડીંડક વગાડતા રહે છે. ગરીબ રાજ્યના કરોડો નહીં પણ અબજો રૂપિયા વેડફતા રહે છે. આપણે જાણીએ છીએ કે અખબારના એક પાનાની જાહેરખબરના દર લાખો રૂપિયા હોય છે. ન્યુઝ ચેનલના દર પ્રતિ સેંકડે લાખોમાં આપવા પડે છે; પણ ક્ષિતિજમાં ઉષાનાં આનંદદાયક ગુલાબી કિરણો પણ ચમકે છે.
તા. 9 ઓક્ટોબર, 2011ના માધ્યમોમાં એક સુખદ સમાચાર વાંચ્યા. ફ્રીડમ ઑફ સ્પીચ ઍન્ડ એક્સપ્રેશનના સિદ્ધાંત પર બે ઝુઝાર પત્રકારો ફિલીપાઈન્સની મારિયા રેસા અને રશિયાના ડિમિટ્રી મુરાટોવને પત્રકારત્વ ક્ષેત્રે ગુણત્વસભર સમાચારો, જાનનાં જોખમે પણ પ્રકાશિત કરવા માટે, નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યા. એમના વિશે થોડું :
મારિયા રેસા ફિલીપાઈન્સની આ મહિલા અખબારનવીશને માનવધર્મ આચરતા રહીને સંશોધન માટે અમેરિકાની કુલબ્રાઈટ સ્કૉલરશીપ મળી એ પ્રેસિડેન્ટ ડયુટર્ટ રેપલરના ભ્રષ્ટાચાર સામે સતત લડતી રહી. પ્રમુખના કૉન્ફલીકટ ઓફ ઈન્ટરેસ્ટ (હોદ્દાનો અપ્રમાણિક લાભ) એ મારિયાનો એક પત્રકાર તરીકેનો મુખ્ય મુદ્દો રહ્યો એની સામે સરકારે બદનક્ષીનો કેસ કર્યો અને જેલ ભેગી કરી. અત્યારે જામીન પર છે.
એવો જ બીજો રશિયાનો ભડવીર પત્રકાર ડિમિટ્રી મુરાટોવ સરમુખત્યાર સામ્યવાદી સરકાર સામેની ગેરરીતિઓ સામે અને ખાસ તો પ્રેસિડેન્ટ પુટિનનો કટ્ટર વિરોધી બનીને અખબારોમાં લખતો રહીને શાંતિનું નોબેલ પારિતોષિક જીતી ગયો. એ પહેલાં રશિયામાં એના જેવા છ પત્રકારોનાં ખૂન થયેલાં. મુરાટોવે પોતાનો પુરસ્કાર આ શહીદ પત્રકારોને અર્પણ કરીને કહ્યું કે, “ભાષા અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરની એની લડાઈ ચાલુ જ રહેશે.” આમ 86 વરસ પછી પ્રથમવાર નિર્ભિક પત્રકારત્વને વિશ્વનું સૌથી મોટું નોબેલ પ્રાઈઝથી નવાજવામાં આવ્યું.
આપણા બંધારણની કલમ 19 (1) (અ) અન્વયે આપણા મૂળભુભૂ અધિકાર (ફન્ડામેન્ટલ રાઈટ્સ) મુજબ આપણને ‘વક્તવ્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય’ની મહામૂલી ભેટ મળી છે. કલમ 19(2)માં દર્શાવ્યા મુજબના વાજબી પ્રતિબંધો સાથે તમારાં મંતવ્યોને ખુલ્લંખુલ્લા વાચા આપી શકો છો. સરકારને એમાં દખલ કરવાની સત્તા નથી. આ નાગરિક હક્ક લોકશાહીની કરોડરજ્જુ સમાન છે; પણ હમણાં હમણાં પેગાસસ સોફટવેર નામે એક ઈઝરાયેલી જાસૂસી તકનીકે ઉપાડો લીધો છે. એ તમને ખબર પણ ન પડે એ રીતે તમારા અંગત જીવનની તમામ વિગત વ્યાપારી હિતો, ખાનગી મસલતો, રાજકીય કૌભાંડો, વગેરેમાં છૂપી રીતે ઘૂસી જાય છે. આ ટેક્નીકનો સૌથી વધુ દુરુપયોગ સત્તાધીશ પાર્ટી દ્વારા વિરોધ પક્ષોના નેતાઓ પર થાય છે. સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે તમે કોઈના ખાનગી જીવન, અન્ય હિતો કે યોજનાઓ પર તરાપ ન મારી શકો. અત્યાર સુધીની તમામ વિગતો ખુલ્લી કરો પણ હંમેશની જેમ સરકાર ગલ્લાંતલ્લાં કરી રહી છે.
અત્યાર સુધીમાં દુનિયાના સરમુખત્યાર શાસકો અને સ્થાપિત હિતોની સામે લડતા હજારો પત્રકારોનાં ખૂનો થઈ રહ્યાં છે. ‘મેરા ભારત મહાન’ પણ આ મીડિયા સંહારમાંથી મુક્ત નથી.
બંધારણના આમુખમાં આપણા દેશને સાંપ્રદાયીક રાષ્ટ્રનું મહોરું ચડાવ્યું છે પણ પત્રકાર એનો ભંગ થતાના સમાચાર છાપશે કે કટ્ટરવાદી સંપ્રદાયવાળાઓ એના પર તૂટી પડશે કે એને મોતને ઘાટ પણ ઊતારી દેશે. ક્યાંક ગુંડાના કરતૂતો સામે લેખ છપાય તો લખનારને પતાવી દેવાના કારસા તો જગજાહેર છે. વર્ષોથી જમ્મુ–કાશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓએ ઉપાડો લીધો છે પણ સરકાર થોડાને મારે છે અને પોતાનાયે મરાય છે. બધા સોશિયલ મીડિયા, વાઈ–ફાઈ, ઈન્ટરનેટ સરકાર બંધ કરે છે પણ કાયમી ઉકેલ આવતો નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ઉધડો લીધો છે કે તમે લોકોના માહિતી મેળવવાના હકને બંધ ન કરી શકો; પણ સરકાર ઈન્ડિયન પીનલ કોડની કલમ 124–અ બતાવીને કહેશે કે અમુક વ્યક્તિઓએ દેશદ્રોહ કર્યો છે. આતંકીઓને મદદ કરી છે, આમ કોર્ટને પણ ગાંઠતી નથી.
સરકાર જે કાંઈ કરે એની માહિતી પ્રેસનોટ દ્વારા પ્રિન્ટ અને દૃશ્ય માધ્યમોમાં આવતી જ હોય છે પછી મસમોટી જાહેરખબરોની શી જરૂર? તમે સરકારનાં કાળાં કામો ઉઘાડાં કરો તો સરકારી જાહેરખબર ન મળે. મીડિયા મૅગ્નેટોને એ કેમ પોસાય? પત્રકાર બીચારો શું કરે? – એને પણ બેરીછોકરાં હોય કે નહીં?
કરદાતાઓના આવા બેફામ વેડફાટની સામે એક અદના એક્ટિવીસ્ટ (કર્મશીલ) તરીકે બૉમ્બે હાઈ કોર્ટમાં એક પી.આઈ.એલ. (જનહિત યાચિકા) નં. 24 ઑફ 2004 ફાઈલ કરી. પ્રતિવાદી તરીકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર 2004ના ફેબ્રુઆરીમાં મે મહિનામાં થનારી લોકસભાની ચૂંટણી માટે વાજપેયીની સરકારે પાર્લામેન્ટ બરખાસ્ત કરી. રખેવાળ સરકાર તરીકે અત્યંત જરૂરી બાબતો સિવાય કોઈ વધારાનો ખર્ચ ન કરી શકે; પણ તેઓ તો ‘ઇન્ડિયા શાઈનીંગ’નાં સૂત્ર હેઠળ જાહેરખબરો દ્વારા પોતાની સરકારી સિદ્ધિઓ બતાવવા કરોડોનો ખર્ચ કરવા માંડ્યા. મહારાષ્ટ્ર સરકારના કાઁગ્રેસી મુખ્ય પ્રધાન સુશીલકુમાર શિંદેએ ‘અગ્રેસર મહારાષ્ટ્ર’ની તીતૂડી વગાડીને જાહેરખબરો માટે પચીસ કરોડ ફાળવી દીધા જે અગાઉની ચૂંટણીઓમાં રૂપિયા બે કરોડ જ હતા; પણ વિરોધ પક્ષો છાપાંઓએ કાગારોળ મચાવી મૂકી. અંતે ઈલેક્શન કમિશનને પ્રતિબંધ મુક્વો પડયો. મારે ત્યાં ગુજરાતી અંગ્રેજી મળીને ચાર છાપાંઓ આવે છે. એમાંથી 41 મસમોટી જાહેરખબરો જે સુશીલકુમાર શિંદેએ આપેલી એ પકડી પાડીને મેં એફિડેવિડમાં આમેજ કરી. પણ મારું તો ‘વો દિન કહા કી મિયાં કે પાંવમેં જૂતી’ જેવું થયું. મારી પિટીશન હજુ હાઈ કોર્ટની આલમારીમાં સૂનાવણીની રાહમાં ધૂળ ખાતી પડી છે. ભારતના ન્યાયતંત્રની શરમ.
••••
રૅશનાલિસ્ટ ભગવાનજી રૈયાણી ઍડવોકેટ નથી; છતાં ભારતભરમાં સૌથી વધુ 115 ‘જનહિતની અરજી’ (Public Interest Litigation) નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેઓ ‘ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના સ્થાપક અને માનદ્ અધ્યક્ષ છે. તેઓ અંગ્રેજીમાં ‘ન્યાય દિશા’ ત્રિમાસિક ( http://fastjustice.org ) પણ પ્રકાશિત કરે છે. આ લેખ ‘અભિવ્યક્તિ’ બ્લોગ માટે ખાસ મને મોકલવા બદલ હું તેઓનો આભાર માનું છું.
‘જન્મભૂમિ પ્રવાસી’, મુમ્બઈમાં દર રવિવારે પ્રગટ થતી એમની કટાર ‘મેરા ભારત મહાન! મગર કભી કભી’માં તા. 07 નવેમ્બર, 2021ના રોજ પ્રગટ થયેલ એમનો આ લેખ, લેખકશ્રીના અને ‘જન્મભૂમિ પ્રવાસી’ ના સૌજન્યથી સાભાર …
Ground Floorm, Kuber Bhuvan, Bajaj Road, Vile Parle (West), Mumbai – 400 056
eMail: fastjustice@gmail.com
https://govindmaru.com/2022/04/08/bhagwanji-raiyani-11/
પોસ્ટ કર્યા તારીખ : 08–04–2022