
રમેશ ઓઝા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતના ભાષણ પછી આખી ચર્ચા સંઘ-બી.જે.પી. સંબંધ વિષે, નરેન્દ્ર મોદી સંઘ વચ્ચેના ૨૦૦૨થી લઈને અત્યાર સુધીના સંબંધ વિષે, મોદી-શાહને નાથવા સંઘ હવે પછી શું કરશે કે નહીં કરે કે કરી શકે એ વિષે થઈ રહી છે અને તેમાં મહત્ત્વનો પ્રશ્ન જ ચર્ચામાં આવતો નથી. મોહન ભાગવતે તેમનાં ભાષણમાં ભારતનાં સહિયારાપણા વિષે, સહઅસ્તિત્વ વિષે, લઘુમતી–બહુમતી વચ્ચે બંધુત્વ વિષે, સંવાદ વિષે, સહમતી વિષે, બંધારણનિષ્ઠા વિષે, મર્યાદા વિષે અને તેમની અથવા સંઘની કલ્પનાના હિંદુ વિષે જે વાત કરી છે એ મહત્ત્વની છે અને તેના વિષે વાત થવી જોઈએ.
સવાલ એ છે અને બહુ મહત્ત્વનો અને મુંઝવનારો સવાલ છે કે જો સંઘને આવો મર્યાદામાં માનનારો વિવેકી હિંદુ અભિપ્રેત છે તો મુસલમાનનાં ઘરમાં ડોકિયાં કરનાર, મુસલમાનની ટોળે મળીને હત્યા (લીન્ચિંગ) કરનાર, મુસ્લિમ પ્રેમીની હત્યા કરનાર, વિરોધીઓને માંબહેનની ગાળો દેનાર, ટ્રોલીંગ કરનાર, વિરોધીઓને સતાવનાર, મુસ્લિમ છે એટલે હિંદુઓની બહુમતી ધરાવતી સોસાયટીમાં પોતાના જ ઘરમાં પ્રવેશતી મુસ્લિમ સ્ત્રીને રોકનાર, મુસલમાનોની દુકાનનો બહિષ્કાર કરનાર, મણિપુરમાં અનેક ચર્ચોને આગ લગાડનાર, ખ્રિસ્તી મિશનરીઓની હત્યા કરનાર, મુસ્લિમનું અહિત થતું જોઇને કિકિયારી કરનાર, સીટી વગાડનાર હિંદુ આવ્યા ક્યાંથી? આવા હિંદુઓનો પરિચય આપણને ૨૦૦૨થી થઈ રહ્યો છે. જો આપણને એ નજરે પડી રહ્યા છે તો સંઘને પણ નજરે પડતા જ હશે. કોણે પેદા કર્યા? આ એવા હિંદુ છે જે મોહન ભાગવતના અભિપ્રાય મુજબ સંઘને જેવા હિંદુ અભિપ્રેત છે તેનાથી સાવ વિપરીત છે. મોહન ભાગવતને અને સંઘને જે હિંદુ નથી ખપતા એ હિંદુ આવ્યા ક્યાંથી? કોણે પેદા કર્યા?
મોટા ભાગના લોકો એમ માનીને ચાલે છે કે જરૂરિયાત મુજબ સમયે સમયે અનેક ભાષામાં બોલવું અને કઠણ જમીન આવે તો ચાતરી જવું એ સંઘની દાયકાઓ જૂની રમત છે એટલે મોહન ભાગવતનું વક્તવ્ય પણ આવું જ, એ જ શ્રુંખલાનું છે એટલે એ બધી ડાહી વાતોને ધ્યાનમાં લેવા જેવું નથી. આ લખનારે પણ આગલા લેખમાં આમ જ કહ્યું હતું. માટે મોહન ભાગવતના વક્તવ્યમાં મહત્ત્વનો મુદ્દો છે સંઘ-બી.જે.પી. સંબંધ (અર્થાત્ રાજકીય સૂચિતાર્થો) બાકી ડહાપણ તો ઠીક છે.
પણ આની વચ્ચે મારા જોવામાં એકાદ બે અભિપ્રાય એવા પણ આવ્યા જેમાં કહેવામાં આવ્યું છે કે સંઘ ખરેખર ચિંતિત છે. નરેન્દ્ર મોદી-અમિત શાહના સત્તાકેન્દ્રી અને સત્તાલક્ષી હિન્દુત્વવાદી રાજકારણનું જે સ્વરૂપ જોવા મળી રહ્યું છે એ સંઘના હિન્દુત્વવાદી રાજકારણ કરતાં જૂદું છે. એ રાજકારણે જે હિંદુ પેદા કર્યા છે એ બધા જ સંઘની શાખાઓમાંથી પેદા થયેલા નથી. તેમણે સંઘસાહિત્ય વાંચ્યું નથી, સંઘની શિબિરોમાં હાજરી આપી નથી, સંઘના નેતાઓને સાંભળ્યા નથી, સંઘના સામયિકો વાંચતા નથી અને સંઘનાં જે કોઈ મૂલ્યો છે તેને આત્મસાત કર્યાં નથી. તેમને મન હિંદુરાષ્ટ્ર એટલે હિંદુઓની સરસાઈવાળું રાષ્ટ્ર અને સરસાઈ એટલે કેવળ માથાભારેપણું. આ સંઘ બહારના હિંદુઓનું જે હિંદુત્વકરણ થયું છે એ સંઘના હિન્દુત્વવાદી રાજકારણને નુકસાન પહોંચાડી રહ્યું છે. ટૂંકમાં સંઘના હિન્દુત્વને વરેલા હિન્દુત્વવાદીઓ અને એક નેતાના સત્તાલક્ષી અને સત્તાકેન્દ્રી રાજકારણે પેદા કરેલા હિન્દુત્વવાદીઓ એક નથી, પણ અલગ અલગ છે.
શું આ સત્ય છે? આપણે જાણતા નથી, પણ સંભાવના નકારી શકાય એમ નથી. અત્યારનું હિન્દુત્વવાદી રાજકારણ સત્તાલક્ષી અને સત્તાકેન્દ્રી માથાભારે છે અને એ પણ એક વ્યક્તિની આસપાસ. આવું આ પહેલાં જોવા મળ્યું નથી. નથી કેન્દ્રમાં જોવા મળ્યું કે નથી ગુજરાતને છોડીને કોઈ રાજ્યમાં. હવે સર્વત્ર જોવા મળી રહ્યું છે. બીજી બાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યાપક એજન્ડા ધરાવે છે અને દૂરનું વિચારે છે. તેની સો વરસની યાત્રા છે. વ્યક્તિ તો જાય અને આવે, તો ત્યાં કોઈ એક વ્યક્તિની સત્તાની એષણા સંઘ માટે ગૌણ હોવાની. પણ અત્યારે જે જોવા મળી રહ્યું છે એ સંઘ માટે પચાવવું મુશ્કેલ બની રહ્યું છે. એ વાત ખરી કે નરેન્દ્ર મોદીના કારણે બી.જે.પી.ને એકલા હાથે કેન્દ્રમાં સત્તા સુધી પહોંચવા મળ્યું. એ વાત પણ ખરી કે નરેન્દ્ર મોદીના કારણે રામમંદિર, આર્ટીકલ ૩૭૦ જેવા સંઘના એજન્ડા લાગુ કરવા મળ્યા અને એ વાત પણ ખરી કે નરેન્દ્ર મોદીના કારણે બી.જે.પી.ને બંગાળમાં, ઓડીશામાં, આસામ સિવાયના ઇશાન ભારતમાં અને કર્ણાટક ઉપરાંત દક્ષિણ ભારતમાં ફેલાવા મળ્યું. એટલે સંઘે ચૂપકીદી સેવી હશે, પણ એની જે કિંમત છે એ સંઘને અત્યારે મોંઘી પડતી નજરે પડી રહી હોય એવું બને. ચૂંટણીનાં પરિણામોએ બતાવી આપ્યું કે એ મોંઘી પડી પણ રહી છે.
શાસકો સંઘના, પક્ષ સંઘનો, એજન્ડા સંઘનો પણ રાજકીય સંસ્કૃતિ સંઘબાહ્ય એવી કોઈક વિચિત્ર સ્થિતિ નજરે પડી રહી છે અને એ સંઘના નેતાઓને અકળાવતી હોય એ શક્ય છે. એમાં આગળ કહ્યું એમ સંઘને અભિપ્રેત નથી એવી હિંદુઓની એક જમાત પણ પેદા થઈ છે જે હિંદુ રાષ્ટ્રવાદી ઓછી છે અને મુસ્લિમ માટે દ્વેષ ધરાવનારી વધુ છે.
શું ખરેખર આમ છે? આપણે જાણતા નથી. આ પણ સંઘની એક વિશેષતા છે. અટકળો કરતા રહો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 જૂન 2024