મારે તો મારા સમગ્ર જીવન પર મારા પિતાનો કેવો પ્રભાવ પડ્યો, તેમનું જીવન મારી નજર સમક્ષ કેવા સ્વરૂપે ઉપસ્થિત થયું, તેમના જીવનનાં કયાં પાસાંઓ મારા ચિત્ત-તંત્ર ઉપર અમીટ અંકાઈ ગયાં, કયા પ્રસંગો આજે પણ હું અબઘડીનાં તાજાં જ હોય તેમ અનુભવું છું, અને એમના પ્રત્યક્ષ જીવને જ અમારું કઈ રીતે ઘડતર કર્યું તે બધું લખવું છે. આમ છતાં હું જાણું છું કે આ તો એક પ્રયાસ માત્ર રહેવાનો છે.
હું મારી જાતને ભાગ્યવાન સમજું છું કે ઉત્તમ માતા-પિતા મળ્યાં. પિતાજીનું સમગ્ર જીવન પોતે જ એક ક્રાંતિકારી પ્રેરણા સમું હતું. પારસના સ્પર્શથી લોઢું સોનું બની જતું તો નથી જોયું પણ સદ્દપુરુષોના તપસ્યામય જીવનમાંથી ટપકેલા શબ્દના સ્પર્શથી થતો વિસ્ફોટ જોયો છે અને થોડો અનુભવ્યો પણ છે. બાપુજીનું જીવન પણ એ શબ્દ-બાણથી વીંધાયેલું, વીંધાઈને પરિવર્તિત થયેલું જીવન હતું.
મારા બાપુજીનો જીવન-સાર માત્ર ત્રણ શબ્દોમાં જ રજૂ કરવો હોય તો હું સત્યાગ્રહ, નિર્ભયતા અને રામનામમાં રજૂ કરું. એમણે જીવનભરમાં કેટલા સત્યાગ્રહો કર્યા તેનો કોઈ હિસાબ જ નથી. પોતાની જાત તેમ જ પરિવારજનો સામેના સત્યાગ્રહથી માંડીને રાષ્ટ્રીયકક્ષા સુધીના સંખ્યાબંધ સત્યાગ્રહોનો અખંડ પ્રવાહ જ જાણે એમનું જીવન બની ગયું હતું. ‘સત્યાગ્રહી’એ એમનું સ્થાયી વિશેષણ બની ગયું હતું. ગુલામી, ગરીબી, શોષણ, અન્યાય, બળાત્કાર, જુગાર, શરાબ, કાળાબજાર, ભ્રષ્ટાચાર, ગુંડાગીરી વગેરે અનિષ્ટો સામે સીધી ટક્કર તેઓ લેતા.
અમારે મન એમનું સ્થાન હંમેશાં મોતના મુખમાં જ રહેતું. સીધી મોત સાથે જ બાથ ભીડવાનું એમને ફાવતું. છુટપુટિયામાં, સુરસુરિયામાં એમને રસ જ ન હતો. નાનપણમાં અમે અનેક વખત એમના મોઢે મસ્તીલા મિજાજમાં બોલાતું એક વાક્ય સાંભળતા, ‘બંદો કાં મેડીએ ને કાં બેડીએ.’
મારાં બા પણ બાપુજી સાથે સ્વરાજય આંદોલનમાં જોડાયેલાં હતાં. જો કે એમનો પિંડ ઘણો સૌમ્ય હતો. એમની ભાષા પણ અહિંસક હતી. એમનાં હૃદયમાં અમ બાળકોની સવિશેષ ચિંતા રહેતી. છતાં એમણે પણ બાપુજીનાં સાર્વજનિક કાર્યોમાં પૂરેપૂરો સાથ આપ્યો. મારાં બાને જેલમાંથી એટલા માટે મુક્ત કરવામાં આવેલાં કારણ કે મારો જન્મ થવાનો હતો. પણ જેલમાં પ્રસૂતિ માટેની કોઈ વ્યવસ્થા નહોતી તેથી તેમને મુક્ત કરવાં પડેલાં. આ યોગ હું કદી ભૂલી શક્યો નથી. ‘ગર્ભાવસ્થાથી જ અમને સ્વાતંત્ર્ય’ મળેલું હતું. ગર્ભશ્રીમંત તો ઘણા જોયા છે પણ અમારી સ્વતંત્રતા તો જન્મસિદ્ધ હતી. સ્વરાજ્ય આંદોલનના એ તીવ્ર કાર્યક્રમોના વાતાવરણમાં અમારું બાળપણ વીત્યું. તે વખતના દૃશ્યો આજે પણ નજર સામે તરવરે છે.
મને યાદ છે એક પ્રસંગ. હું ખૂબ નાનો હતો. ગામડામાં ગરીબ ખેડૂતોની જમીન કોઈ દરબારે છીનવી લીધેલી. ઉપરાંત ખેડૂતોને સારી પેઠે મારેલા. બાપુજી પાસે ફરિયાદ આવી. બાપુજી બીજે જ દિવસે તે ગામે જવા નીકળ્યા. હું પણ સાથે જવા તૈયાર થઈ ગયો. પહોંચ્યા સીધા દરબારની ડેલીએ જઈને અટકયા. ‘આવો આવો, આત્મારામભાઈ, ધન ઘડી ધન ભાગ અમારાં, અમારે આંગણે આપ ! એલા ઢોલિયો ઢાળો.’ કહીને દરબારે સ્વાગત કર્યું. ફટાફટ ઢોલિયા ઢળાઈ ગયા. ગાદી-તકિયા પથરાઈ ગયા. ‘લો, બિરાજો, આત્મારામભાઈ!’ માટલાનું ઠંડું પાણી આવી ગયું. દરબારે કહ્યું કે, ‘આજે રોટલા ભેળા જમીએ. રોટલા વગર તો નહિ જવા દઈએ.’ ઉત્તરમાં બાપુજી કહે કે, ‘ઈ વાતો પછી, પહેલાં તો તમે આ કોળીઓની જમીન લઈ લીધી છે ઈ પાછી આપી દ્યો અને આ લોકોને માર્યા છે તે બદલ …’
‘અમારે આંગણે આપ આવો એટલે આપ જે કહો તે અમારે કરવાનું જ હોય. પણ આપે અમારી વાતે ય સાંભળવી તો જોઈએ જ. બસ એક વાર આપ અમારી વાત સાંભળી લો અને પછી આપ જે નિર્ણય આપો તે અમારે કબૂલ મંજૂર. આપ કહો તે પહેલાં કોરા કાગળે અમે સહીઓ કરી આપીએ. આવો, આપણે મેડી ઉપર બેસીએ. બધી વાતો બધાની વચ્ચે ન થાય.’
દરબાર, તેમના બે-ત્રણ સાગરીતો અને બાપુજી ડાયરામાંથી ઊભા થયા અને ઉપરની મેડીએ જઈને બેઠા. હું અને અમારી સાથે આવેલા બીજા એક ભાઈ ગામ લોકો વચ્ચે નીચે જ બેઠા. ઉપર ગુફતેગો શરૂ થઈ. થોડીવાર તો અમારું ધ્યાન ઉપર જ મંડાયેલું રહ્યું પણ છાની વાતડિયુંનો એક પણ શબ્દ કોઈને કાને ન પડ્યો. પંદરેક મિનિટ થઈ હશે ત્યાં તો ઉપરથી અચાનક વીજળીના કડાકા જેવો તીક્ષ્ણ અવાજ સંભળાયો : ‘દરબાર, ઈ ઘર બીજા, શું તમે મને ખરીદી લેવા માંગો છો ?’ મેડી ઉપરની ગોઠડી વીંખાઈ ગઈ. ધમધમ પગ પછાડતો જુવાન આખી ડેલીને ધણ-ધણાવીને દાદરો ઊતરી ગયો.
‘આત્મારામભાઈ, તમે સમજ્યા નહીં. આપની ગેરસમજ થઈ છે. અમે આપને શું નથી ઓળખતા? આ તો એમ કે અમારે આંગણે પહેલી વાર બાબાભાઈ આવ્યા છે એટલે એમના હાથમાં અમારે કંઈ મૂકવું જોઈએ.’ બાજી સુધારવાનો દરબારે પ્રયત્ન કર્યો પણ તેનો કઈ અર્થ નહોતો. નીચે ઊતરતાં જ બાપુજી કહે, ‘ચાલો, ભાઈ ચાલો. દરબાર મને લાંચ આપવા ઈચ્છે છે. હવે તો ગામસભામાં જ બધી વાતો કરીએ.’
બીજી એક યાદ આવે છે – બા બાપુજી બંને જેલમાં હતા. મારા મોટાભાઈ અનિલભાઈ અને હું બહાર હતા. જેલમાં બાપુજીની તબિયત બગડેલી. પણ આવા જોખમી માણસને જેલમાંથી છોડવા કરતાં જેલમાં જ રાખીને બીજી વિશેષ સગવડો આપવી રાજ્યને ડહાપણભરી લાગતી હતી. એ સગવડોમાં એક એ પણ હતી કે જેલમાં જ બાપુજી સાથે મારાં બા અને અમે બંને ભાઈઓ સાથે રહી શકીએ તેવી વિશેષ ગોઠવણ કરી આપવામાં આવી. બે રૂમ અને વરંડાવાળી જગ્યા અમને ત્યાં મળી. અમે બંને ભાઈઓ ભણતા હતા, એટલે જેલમાંથી નાહી-ધોઈ-જમીને દફતર લઈને નિશાળે ભણવા જતા અને નિશાળેથી ભણીને પાછા જેલમાં એટલે કે અમારા ઘરે આવી જતા. આ વ્યવસ્થાના શરૂઆતના દિવસો હતા તે વખતે એક નાનકડો પ્રસંગ બન્યો. અમે નિશાળેથી પાછા આવ્યા, પણ જેલની અંદરનો બીજો દરવાજો ખોલે તે પહેલાં અમારાં દફ્તરોને અનુલક્ષીને સંત્રી કહે, ‘આમાં શું છે? બતાવો.’ અનિલભાઈ કહે, ‘શું કામ? શું અમે કંઈ ચોરબોર છીએ ? નહીં બતાવીએ. જાઓ થાય તે કરી લો.’ એમ કહીને અમે અમારાં દફ્તરો પાછાં ખેંચ્યાં. સંત્રી સાથેની અમારી રકઝક અંદર બેઠેલા જેલરના ધ્યાનમાં આવી એટલે તેઓ બહાર આવ્યા. વાત સમજી લીધા પછી પેલા ચોકીદારને કહે, ‘જવા દે આ છોકરાઓને, એમના થેલાઓ તપાસવાના નહીં.’ તરત જ અંદરનો દરવાજો ખૂલી ગયો! જાણે મોટો વિજય થયો હોય તેમ અમે તો કૂદતા, ઊછળતા બા-બાપુજી પાસે પહોંચી ગયા. ભારે ગર્વ અને અધીરાઈ સાથે બાપુજીને વાત કરી સંભળાવી. મને યાદ છે – ત્યારે બાપુજીની આંખમાં શાબાશીનો પ્રકાશ છવાઈ ગયેલો!
વેકેશનમાં અમારે અમારા નાનાને ત્યાં નવલખી જવું હતું. તેઓ ત્યાં પોર્ટ ઓફિસર હતા. રાજકોટથી નવલખી ટ્રેઇનમાં જવાનું ગોઠવાયેલું. મારાં નાના ભાઈ-બહેન મહેન્દ્ર અને કુમુદ પણ સાથે હતાં. અમે ત્રણ જણાં રાજકોટ જેમને ઘરે ઊતરેલાં તેમના હાથમાં રેલવે મિનિસ્ટ્રી હતી. હવે રેલવે મિનિસ્ટરના ઘરનાં સભ્યો ટ્રેઇનમાં મુસાફરી કરવાનાં હોય ત્યારે તેમની વ્યવસ્થા-સગવડ આતિથ્યમાં રેલવે તંત્ર કસર રહેવા દે જ નહિ! અમને સ્ટેશને પહોંચાડવા માટે મોટર આવી, સ્ટેશન માસ્ટર જાતે સ્વાગત કરે, પહેલા વર્ગની મુસાફરી … બધું ટીપટોપ! રજાના દિવસો નવલખી ગાળીને જ્યારે અમે ભાવનગરના ઘેર ગયાં ત્યારે બાપુજીને અમે આ વાત કરી. બાપુજીને લાગ્યું કે અમે ટિકિટ વગર જ મુસાફરી કરી હોય. આ સાંભળીને બાપુજીને ખૂબ દુ:ખ થયું. ‘તું હવે નાનો નથી. તારે ટિકિટ લીધા બાબતની ખાત્રી કરી લેવી જોઈતી હતીને !’ મને લઈ સીધા રેલવે સ્ટેશને ગયા. ભાવનગરથી નવલખીની પહેલા વર્ગની બે ટિકિટો ખરીદી. મારી આખી અને મહેન્દ્ર-કુમુદની અડધી અડધી. મને બતાવી અને પછી ફાડી નાખી. અમે મુસાફરી કરી હતી રાજકોટથી નવલખીની; ટિકિટ લીધી ભાવનગરથી નવલખીની. દંડ પણ જાતે જ નક્કી કરી લીધો. હું તો ઊંડો ઉતરી ગયો !
બાપુજી સ્વભાવે સત્યાગ્રહી હતા એટલે આગ્રહી પણ હતા. પરંતુ તેમના આગ્રહનો બોજ અમને ભાઈ-બહેનોને લાગ્યો નથી, બલકે એમની નિષ્ઠાનો જ સ્પર્શ અમે હંમેશાં અનુભવ્યો છે. અમારા નાનપણથી જ અમે પૂર્ણ સ્વાતંત્ર્યનો અનુભવ કર્યો છે. ‘મને આ બરાબર લાગતું નથી છતાં તમારે જે કરવું હોય તેમ કરો’ની બહુ જ અનાગ્રહી ભૂમિકા. આગ્રહ બધો સત્યને જ સમર્પિત થઈ ગયેલો. તેથી વ્યાવહારિક બાબતોમાં અનાગ્રહનું બળવત્તર તત્ત્વ જ કામ કરતું. આગ્રહમાં બળ માનવામાં આવે છે, પણ અનાગ્રહ તો વધુ બળવાન છે – તે વાત અમને મોટા થયા પછી સમજાઈ. અમને આગ્રહ અને અનાગ્રહ બંનેના લાભો મળ્યા. ડગલે ને પગલે અમારે આગ્રહના ખડકો સાથે અથડાવાનું આવ્યું હોત તો અમારા સૌમાં જબરી પ્રતિક્રિયા આવી હોત, પણ તેવું અમારા કોઈના જીવનમાં ન થયું. અમે સૌ સ્વતંત્ર રીતે વૈચારિક નિર્ણય કરી શકીએ તેવા થયા ત્યાર પછી બાપુજીની વિચાર-પદ્ધતિ કે તેમની કાર્યશૈલી બાબત અમારા મતભેદો જરૂર રહ્યા, તેમ છતાં અમારા સૌનાં ચિત્ત પર તેમની સો ટચની નકકર ખણખણતી નિષ્ઠાનો પ્રભાવ જ મુખ્યરૂપે રહ્યો.
બાપુજી જીવનભર એકલવીર પ્રવાસી જ રહ્યા, છતાં ‘આખો ય પંથ અમે જોયું ન કોઈ, છતાં કોઈ હતું, સાથે ને સાથે’નો અનુભવ એમને અને અમને પણ થતો ગયો! અને વાત પણ સાચી છે કે તે વિના આટલું સાહસ અને આટલી નિશ્ચિતતા ક્યાંથી આવત? ‘રામ રાખે તેમ રહીએ’ની ભાવના તેમના જીવનમાં અખંડ વહેતી અમે જોયેલી. એમનું નામ – સ્મરણ ચાલ્યા કરતું. સત-સાહિત્ય પઠન અને હરિનામ સ્મરણ એ એમની આંતર-ઉર્જા હતી!
(૧૯૯૧માં પ્રકાશિત ‘મારા પિતા’, સંપાદક – પુ.ગ. માવળંકર-માંથી સારવીને)
•
મારી મુગ્ધાવસ્થા
જુગતરામકાકા પાસે કેળવણી લેવા ગયો તો ઘણું શીખવા મળ્યું. બીજું બધું તો ઘણું સારું, પણ સવારની પ્રાર્થના માટે હું ઊઠતો નહીં. જુ’કાકા પાસે ફરિયાદ ગઈ. કાકાએ કહ્યું, આજથી મારી સાથે સૂવાનું.
સૂતો ય ખરો પણ જેવો પ્રાર્થનાનો ઘંટ વાગે એટલે બિસ્તરો લઈ બીજે જઈને સૂઈ જવાનું ! પછી તો મને ઘંટ પાસે સૂવાડ્યો, પ્રાર્થનાના સ્થળે સૂવડાયો, પણ જેવી બધાની આંખો બંધ થાય એટલે હું બીજે જઈને સૂઈ જાઉં. મને વહેલો ઊઠાડવામાં એ સફળ ન થયા. પણ વિનોબા પાસે આવીને વહેલો ઊઠવા માંડ્યો!
હું સેવાગ્રામમાં ઉત્તર બુનિયાદી તાલીમ માટે થોડાં વર્ષ રહ્યો. ત્યારે વિનોબાજીને જોયા હતા. ૧૯૫૩માં ભૂદાનયાત્રા વખતે બાબા પાસે આવ્યો. આવ્યો તે આવ્યો! પાછો ગયો જ નહિ! હું પાછો જવા માંગતો જ ન’તો! બસ, હું તો તેમની પાસે જ રહેવા માંગુ છું. હું તો એમ કહેવા માગું છું કે હું એમની પાસે નથી ગયો પણ એ મારી પાસે આવ્યા. એમના આવવાથી મારા જીવનની દિશા નક્કી થઈ ગઈ ! એને હું ઈશ્વર પરની સૌથી મોટી કૃપા માનું છું કે હું બાબા પાસે પહોંચ્યો ! મને લાગે છે કે મારા ભવિષ્યના બધા જન્મારા પૂરા થઈ ગયા. બાબા ઉપર હું એકદમ મુગ્ધ છું, આજે પણ એ જ મુગ્ધાવસ્થામાં રહું છું.
મારું માનવું છે કે બાબાની સૌથી મોટી વિશેષતા એમની મૌલિકતા છે. એ ભલે ગાંધીજીની વાત કરે છે. પણ ભૂદાન, ગ્રામદાન, સર્વોદયપાત્ર વગેરે કાર્યક્રમ એમની મૌલિક દેણ છે. જનતા જડ બનીને સૂતી રહે છે, લોકશક્તિ જગાડવી સહેલી નથી. બાબા પાસે મેં એકવાર વાત મૂકી કે, ‘આજના શિક્ષણમાં કોઈ દમ નથી.’ મને એમ કે બાબા આજના શિક્ષણની જોરદાર ટીકા કરશે. પણ મારી વાત શાંતિથી સાંભળ્યા પછી તેમણે લોખંડની બે પેટીઓ તરફ ઈશારો કરીને કહ્યું, ‘એમાં વેદ, ઉપનિષદ, શબ્દકોષ છે. બાબાનો એકે ય દિવસ અધ્યયન વિનાનો નથી હોતો, તું પણ અધ્યયન કર !’
આજકાલ મને કાંઈ સાંભળવા, બોલવા, વાંચવાની ઈચ્છા જ થતી નથી (૨૦૨૦ના મે માસની આસપાસ અરુણભાઈ વિનોબાજીના પવનાર ખાતેના આશ્રમમાં રહેવા ગયેલા). ઈશાવાસ્થ ઉપનિષદમાં ‘विद्यां च अविद्यां च’ આવે છે. જે વિદ્યામાં ડૂબેલો રહે છે તે ઘોર અંધકારમાં જાય છે. બસ અંદર ‘રામહરિ’ ચાલ્યા કરે છે. કોઈ સાથે વાત કરું છું તો ‘રામ-હરિ’ બોલું છું, એવું લાગે છે. કોઈ બહેને પૂછયું કે, ‘આ વખતે આપ મૌન કેમ છો?’ હું કહું છું, ‘હું ભીતરમાં ડૂબેલો રહું છું.’ કોઈએ પૂછ્યું, ‘તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે?’ મેં કહ્યું, ‘એવું તો ન કહેવાય પણ જે ઈશ્વરમાં ડૂબેલા રહેતા તેવા બાબામાં હું હંમેશાં ડૂબેલો રહું છું !’
(‘मैत्री’ના જુલાઈ, ૨૦૨૦ના અંકમાં પ્રકાશિત ‘मेरी मुग्धावस्था’માંથી સારવીને)
– અરુણ ભટ્ટ
•
અમારું સહજીવન
ભલે હું અમારા લગ્નને ‘સ્વયં-વરણ’ કહું, પરંતુ મારા અંતરતરનું એમના માટેનું સંબોધન છે – દેવદત્ત! મારા માટે એ દેવના દીધેલ છે. દેવાધિદેવ તરફથી થતી ઉપલબ્ધિને આપણે ‘પ્રસાદી’ કહેતા હોઈએ છીએ, અને ‘પ્રસાદી’ના રંગ-રૂપ-સ્વાદની કદી આલોચના ન થઈ શકે.
એકંદરે મને એમના વ્યક્તિત્વમાં સહજ સ્વીકારની ભૂમિકા જ કામ કરતી દેખાઈ છે. છૂટકો ન હોય, ત્યાં જ નકારો સાંભળવા મળે. બાકી સમગ્ર જીવનાકાશમાં ‘ૐ-ૐ’નો હકારાત્મક ધ્વનિ જ સાંભળવા મળે! એમની સહજવૃતિ સદાય છેલ્લે રહેવાની. કોઈને હડસેલો મારીને આગળ થઈ જવાનું તો સ્વપ્ને ય ન સૂઝે. વિનોબા પદયાત્રામાં પણ ક્યારેક સરસ ચર્ચા ચાલતી હોય, ત્યારે મારી નજર એમને આમતેમ શોધે! પણ બાબા સાથે થઈ જવાની હોડ ચાલતી હોય, ત્યાં એમના દર્શન કેવા?
પિતા આત્મારામભાઈથી સાવ વિપરીત એમનો અભિગમ. પણ અનાગ્રહ એટલે પાછી મૂલ્યોમાં ઢીલાશ નહીં! ગાંધીજીના ત્રણે ય વાંદરાને એ ય પાળી રાખે! રખે ને, કશું અજુગતું થતું-થતું બચી જાય, તો પણ અંતરપટ આખ્ખું વિનોબા સમક્ષ ખુલ્લુંખમ! એની મોટી છત્રછાયા! એકવાર કાર્યકરોના નિર્વાહ અંગે વિનોબા સમક્ષ સંવાદ ચાલ્યો, ત્યારે વચ્ચે અરુણ કહે, ‘બાબા, મને પોતાને મારા માટે માંગતા કદી સંકોચ નથી થતો. જરૂર પડે હું મિત્રોને નિ:સંકોચ કહી શકું છું!’
ગળ્યું ખૂબ ભાવે, પોતાના રસાસ્વાદના બચાવમાં ભગવાન શ્રીકૃષ્ણનો ભગવદ્ગીતા કથિત સધિયારો મેળવી લે, ‘આહાર કેવો હોવો જોઈએ?’ તો ભગવાન કહે, ‘રસાળ, સ્નિગ્ધ અને મધુર!’ આ ગીતાભક્તે ત્રિગુણી વાનગી શોધી કાઢી! બંગાળના રસગુલ્લાં! કપડાનાં રંગની પણ પસંદગી – ના પસંદગી! ભડકામણા રંગનું હું કે અમી કાંઈ પહેરીએ તો કોમેન્ટ્સ આવે અને કપડાં બદલાવે છૂટકો થાય! પરંતુ ‘અંતિમ પર્વ’માં ન કોઈ આગ્રહ, ન કોઈ પસંદગી, ન કોઈ ના-પસંદગી ! પહેલાં અમુક જ રંગના ઝભ્ભા જોઈએ, હવે જે હોય તેનાથી ચાલ્યું જાય.
સુવા અંગેની સૂગ તો એવી કે અડખે-પડખે કશું પણ નડે તે ન ચાલે! એક વાર ગમ્મત થઈ. મુંબઈમાં દેવનારના કતલખાને ગોરક્ષા માટેના સત્યાગ્રહ વખતે પોલીસે સૌ સત્યાગ્રહીઓને એક રાત પોલીસ-કસ્ટડીમાં રાખવાની સજા કરી. પચાસ-સાઠ સત્યાગ્રહીઓને એક મોટા ઓરડામાં હકડેઠઠ ભરી દીધા. ખટારાના બળદોની જેમ સ્તો ! રાત પડી, બધા સત્યાગ્રહીઓ તો અડખે-પડખે કાયા લંબાવી ઊંઘી ગયા! પણ આ ‘ટચ મી નોટ’નું શું થયું એ જાણવામાં અમને ખૂબ રસ! ‘શું વળી, આખી રાત ટૂંટિયું વાળીને બેસી રહ્યો!’ મચ્છરનો ગણગણાટ પણ ન ચાલે. પ્રવાસમાં, એક જોડી કપડાં ઓછાં લઈ જાય, પણ મચ્છરદાની તો સાથે હોય જ! રૂમમાં કોઈ વડીલ પણ મચ્છરદાની વગર સૂતા હોય તો આંખ આડા કાન કરે! પણ ‘માણસ નામે નબળું પ્રાણી, એને એની ઊંઘ બહુ વહાલી!’ જોઈએ તો એક ટંક ભૂખ્યા રાખો, પણ નિંદર તજે એ બીજા! વડોદરામાં સંગીતના કાર્યક્રમ તો છાશવારે યોજાય, પણ નવ વાગ્યા પછી પથારીમાં પડી જવું એ જ સાંસ્કૃતિક કાર્યક્રમ!
ભજન તો એમની રગોમાં રક્તની જેમ વહે. મકરંદભાઈને ઘણી હોંશ હતી કે ભજન-વિદ્યાપીઠ ઊભી કરવામાં અરુણ સમય આપે! પરંતુ સ્વધર્મ સર્વોદય-કાર્યનો હતો. એટલે એ તો શક્ય ન બન્યું. મકરંદભાઈને હૃદય પર પહેલો હુમલો આવ્યો ત્યારે મુંબઈની હોસ્પિટલમાં અરુણ કુન્દનિકાબહેનની મદદાર્થે પહોંચી ગયા. પંદરેક દિવસ રહ્યા હશે. ત્યાર પછી કુન્દનિકાબહેનનો પત્ર આવ્યો, અરુણભાઈના વ્યક્તિત્વનો નવો પરિચય થયો. તદ્દન સહજ અને નિરાડંબરી! નિ:સંકોચ ગમે તે કામ સોંપી શકાય. એ પોતે તો બોજો ન જ અનુભવે, આપણને પણ બોજો અનુભવવા ન દે!
તમામ પ્રકારનાં કામો કરી છૂટવાની દાનત. રસોઈ તો ઠીક, કપડાં-વાસણ-સફાઈ બધું કરે! અમારું સહજીવન બે મિત્રો જેવું. તમામ મોરચે એ સાથે ને સાથે! મિત્રો તો મજાકમાં કહે, ‘ભલે બાળકોને પેદા કર્યા મીરાબહેને, પણ ઊછેરીને મોટા કરવામાં બૃહદ્દ ભાગ ભજવ્યો અરુણભાઈએ!’ મારી બીજી સુવાવડ વખતે ખડે પગે એમણે મારી ચાલીસ દિવસ સેવા કરી. ખબર કાઢવા આવતા મહેમાનો સહજ પ્રશ્ન પૂછે, ‘સુવાવડ માટે કોણ આવ્યું છે ?’ બાપુજી એટલી જ સહજતાથી કહે, ‘અરુણ છે ને!’ અમારું સહજીવન યથાર્થમાં બે મિત્રોનું સહજીવન બની શક્યું એનું મહદ્દ શ્રેય અરુણને ફાળે જાય છે. શું ઘરકામ કે શું બાળકોનો ઉછેર – તમામ પારંપરિક મોરચે એમનું સહજ અને નિરાડંબરી વ્યક્તિત્વ જ પ્રગટ થતું રહ્યું. એક તબક્કે તો, મારે સર્વોદયનાં કામ માટે ત્રણેક મહિના સુદૂર બિહાર – આસામ જવાનું થયું ત્યારે કાલુંઘેલું બોલતાં શીખતો થયેલો અનિકેત અરુણને જ ‘મા’ કહીને બોલાવતો !
મુખ્ય ચીજ જીવન! જીવનમાં ન ઊતરી હોય તેવી કોઈ ડહાપણ ડાહી વાતો નહીં! માત્ર પારિવારિક સંબંધોમાં જ નહીં, સામાજિક ક્ષેત્રે પણ કોઈ મજૂરોને ટોપલા ઉપાડતાં કે ઈંટો સરકાવતાં જુએ તો એ જોડાઈ જાય. એક તો, કોઈ વોલીબોલ ખેલતું હોય અથવા તો રાસ રમતું હોય તો એમના પગ ઝાલ્યા ના રહે, બીજું કોઈ શ્રમિકને પરસેવે રેબઝેબ થતો કોદાળી લઈને ખોદતો જુએ તો એ વાર્યા વરે નહીં. સૌની સાથે હળવા-ભળવામાં દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય. છતાં ય એમની મૂળભૂત પ્રકૃતિમાં એક પ્રકારની અસંગવૃત્તિ દેખાય! ઘણી વિકટ પરિસ્થિતિમાં અને ઘણા દિલદાર સંબંધોમાં પણ એક પ્રકારની તટસ્થતાનો અણસાર સાંપડે! સૌના સંગમાં રાજી રાજી તો ખરા, પરંતુ સહેલાઈથી કોઈના સંગનો રંગ ન લાગે. પોતાની અસ્મિતા અકબંધ રાખે! વિરહ-વેદના શું એ ન જાણે ! છતાં ય કાળજી-નિસ્બત પૂરેપૂરા ! મૃત્યુના સમાચારથી હાલી ન ઊઠે, બલકે કશુંક સારું થયાનો ભાવ અનુભવે! આવા માણસને શું કહેવો? રાગી – અનુરાગી કે વૈરાગી? બીજા માટે કરી છૂટવામાં સહેજ પણ ખામી ન રાખે, પરંતુ જેવા out of sight એવા out of mind! એમને કશું ચોંટી, વળગી ન શકે. હાજરાહજૂર માણસ ભગવાન જેવો! પણ જાય પછી પડછાયાને પોતાના સુધી લંબાવા ન દે !
જોવું-જાણવું, હરવું-ફરવું ગમે, ખૂબ ગમે. પણ એના માટેના પ્રયત્નોમાં આંગળી પણ ઊંચી ન કરે! સામે આવે તે સોનાથી પણ વધારે, પણ કશાની ય પાછળ પડી જવાની ઘેલછા નહીં! એટલે જ એ મહિનાઓ સુધી એકનું એક ગીત ગાતા રહ્યા કે ‘સહજ મળ્યું તે લીધું, મેં તો સહજ મળ્યું તે લીધું!’ મમત નહીં, મમત્વ પણ નહીં, ગામડે બેસીને સર્વોદયનું કામ કરવાની ઊંડી લગન, પણ મારા વલણમાં નગરવાસ સહજ જણાયો, તો કદી ય એની રાવ-ફરિયાદ નહીં ! ‘રામ રાખે તેમ રહીએ’નો અભિગમ! આગ્રહ-અભિનિવેશ નહીં! હા, નજર સામે કશું ખોટું આચરાતું જુએ તો સત્યાગ્રહી પિતાનો પુત્ર સિંહની જેમ ગર્જી ઊઠે !
બાળપણથી જ ભગવાનની મૂર્તિના પાઠ-પૂજા-આરતી વગેરેના કાંઈ સંસ્કાર નહીં, ઘરની હવામાં જ ગાંધી વ્યાપી રહેલો, છતાં મન થાય ત્યારે મંદિરે જઈ આવે. કહે, ‘ઈશ્વરે મારી કશી જ લાયકાત ન હોવા છતાં ઘણું બધું આપ્યું છે, એની કૃપા હું કેમ ભૂલી શકું?’
આમે ય, સ્વભાવમાં ક્યારેક આગ્રહ, મમત, ધાર્યું કરવાની વૃત્તિ હતી જ નહીં, પરંતુ હવે તો જો પહેનાવે, સો હી પહનૂંની વૃત્તિ છે, કશા ય પ્રયાસ વગર અમારું સહજીવન ‘મિલે સૂર મેરા તુમ્હારા ! તો સૂર બને હમારા !’ જેવું થઈ ગયું છે.
(૨૦૧૬માં પ્રકાશિત ‘મિલે સૂર મેરા તુમ્હારા’માંથી)
•
પતિ ‘પતાવન’ અરુણભાઈ
એક વાર અમે ચૌદ જણા સાબરમતી આશ્રમમાં ગોરક્ષાર્થ એકવીસ દિવસના ઉપવાસ પર બેઠાં. અરુણભાઈ બે-ચાર દિવસ માટે આવેલા. એક સાંજે પ્રાર્થનાનો સમય થવા આવ્યો હતો પણ છાવણીની છોકરીઓ હજુ વાસણોમાંથી પરવારી નહોતી. સહજ ભાવે અરુણે ત્યાં પહોંચીને મદદ માટે હાથ લંબાવ્યો, પણ સૌ બહેનો ‘ના-ના-ના’ કહીને ચિત્કારી ઊઠી. છતાં અરુણે તો પરાણે વાસણો માંજવાનું ચાલુ જ રાખ્યું. એ સહન ન થતાં બેત્રણ જણે ખેંચીને વાસણ લઈ લીધા અને બોલી, ‘તમને વાસણ માંજવા દઈએ તો લોક અમને એમ ન કહે કે ‘છોડિયું બધી મરી પરવારી હતી કે ભાઈને વાસણ માંજવા પડયાં ..’ ત્યારે ફરી હાથમાં વાસણ ખેંચી લેતાં અરુણે કહ્યું, જો તમને કોઈ આવું કહેને તો એમને કહેજો કે છોડિયું બધી તો પહેલાં પણ જીવતી હતી અને હજુ આજે પણ જીવે છે, પરંતુ પુરુષો બધાં મરી પરવાર્યા હતા, તેમાંથી એક ભાઈ પાછો જીવતો થયો છે!’
બહારનો સમાજ પતિપણું સચવાઈ રહે તે માટે ઘણી ચિંતા રાખે, પણ એને કોઈ ગાંઠે તો વાત બને ને! ઊલટું એક વાર ગામડાના એક છોકરાએ નવો પાઠ ભણાવ્યો, તે જ ગાંઠે બંધાઈ ગયો. એકવાર શાળામાં વાર્તા કહેવા ગયા. શરૂની પ્રાર્થનામાં એક છોકરો પોતાની આંખો સજ્જડ ભીડી, ધૂન આ રીતે ઝીલે – “રઘુપતિ રાઘવ રાજારામ, પતિ ‘પતાવન’ સીતારામ!” ધ્યાન ગયું પછી તો હસવું હાથમાં ન રહે, પણ પ્રાર્થના પછી અરુણભાઈએ કહ્યું, “અત્યારે સુધી અમે ધૂન ગાતાં કે, પતિત-પાવન સીતારામ! રામજી પતિતોને પણ પાવન કરે છે. પરંતુ આજે તમારી શાળાના આ નાનકડા બાળે નવો અર્થ સમજાવ્યો કે, રામજી ‘પતિ-પતાવન’ હતા, એટલે કે પોતાનું પતિપણું, માલિકીપણું, સ્વામિત્વ એમણે પતાવી દીધું હતું. સમાજનું પતિત્વ પણ પતાવી શકે એવા છે આ રામજી!”
– મીરા ભટ્ટ
(“અખંડ આનંદ”, સપ્ટેમ્બર, ૨૦૦૩માંથી સારવીને)
સૌજન્ય : “ભૂમિપુત્ર”’ 16 ઑક્ટોબર 2024; પૃ. 12-15 તેમ જ 23