તે દિવસો ચોમાસાની શરૂઆતના હતા. આમ છતાં ધોધમાર વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું હતું. લાગતું હતું કે આ વખતનું ચોમાસું ભયાનક રહેવાનું છે.
અમે જંગલની અંદર કેમ્પ બનાવી, ત્રણ દિવસથી પડ્યા હતા. અને સતત વરસાદ પડતો હતો.
જંગલમાં સુમસામ જગ્યાએ ગાઢ વૃક્ષોની વચ્ચે …. ઝાડી-ઝાખરાઓની વચ્ચે, અને તે પણ ધોધમાર વરસાદમાં રહેવું તે સરળ કામ નથી.
હજી સવાર થવાને વાર હતી. પણ આખી રાતથી વરસતો વરસાદ હમણાં જ બંધ થયો. મને આખી રાત ઊંઘ નહોતી આવી.
સતત વરસાદ અને મનમાં ચાલતા વિચારોનાં તોફાને મને જગાડી રાખ્યો હતો. અચેતન મનમાં મને ભય વર્તાતો હતો.
હું કેમ્પથી થોડે દૂર આવ્યો. અનામિકા ત્યાં ભીના થઈ ગયેલા મોટા પથ્થર ઉપર બેઠી હતી. હજી વાતાવરણમાં અંધકાર અને ચોમાસાની ઠંડી હતી. અનામિકાએ જાડાં કપડાંમાંથી બનાવેલા ખાખી કલરના પેન્ટ-શર્ટ પહેર્યાં હતાં. જેના ઉપર પાણીના ટીપાઓ પડવાના કારણે ઘણી જગ્યાએ ભીનાશ દેખાતી હતી. અનામિકાના માથાના વાળ ટૂંકા હતા. જે આજે તેણે ખૂલા રાખ્યા હતા.
કદાચ તે પણ આખી રાત જાગી હશે …
મારો આવવાનો અવાજ સાંભળી તેણે મારી સામે જોયું અને સ્મિત કર્યું.
હું તેની નજીક જઈને બેઠો. તે મોટા પથ્થર ઉપર બેસવાની સારી એવી સપાટ જગ્યા હતી.
“અનામિકા.” મેં કહ્યું.
“હમમ…..” તેણે જવાબ આપ્યો.
“વાત કરવી છે,” મે આગળ ચલાવ્યું.
“હું હવે તે બાબતમાં વધારે સાંભળવા નથી માગતી.” તેણે અકળાઈને જવાબ આપ્યો.
“પણ, હું તને ચાહું છું. મારા જીવ કરતાં પણ વધારે. હું નથી ઈચ્છતો કે તું એક્શનમાં ભાગ લે. અમે ત્રણ પૂરતા છીએ. તું બેકઅપમાં રહે. હું વિશ્વનાથ સાથે વાત કરી લઈશ.” મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો.
અનામિકાએ પોતાનો ચહેરો મારી સામે કર્યો. તેની આંખોમાં આક્રોશ હતો.
“સાથી, આ સમય લાગણીઓમાં વહેવાનો નથી. પ્રેમનું ગુલાબ અને ક્રાંતિનો રંગ બંને લાલ જ હોય છે. હું એક્શનમાં ભાગ લીધા વગર રહી શકવાની નથી. તે મારી મજબૂરી છે.”
“અનામિકા, કેમ સમજતી નથી?” મેં મનમાં જ મારી જાતને પ્રશ્ન કર્યો.
કાશ … ત્યારે તે સમજી હોત. કાશ, ત્યારે વધારે પ્રયત્નો મેં કર્યા હોત. પણ જે થવાનું હતું તે થઈને રહ્યું.
અનામિકા મારી નજીક સરકી. તેના હાથ મારા માથામાં ફરતા હતા. જેમ લોહચુંબક એકબીજાની નજીક આપોઆપ આકર્ષાઈ જાય છે, તેમ મારા હોઠ અને અનામિકાના હોઠ આપોઆપ આકર્ષાયા.
અમે કેટલો સમય પ્રેમમગ્ન રહ્યાં હશું, તે ખબર નહીં. પણ જ્યારે કેમ્પ પર પાછા ફર્યાં ત્યારે વિશ્વનાથ અને અસલમ અમારી રાહ જોતા બેઠા હતા.
બંને અમારી જેમ જ ખાખી કલરના જાડાં કપડાંમાંથી બનાવેલા પેન્ટ-શર્ટ પહેર્યા હતા. તે મેલા થઈ ગયા હતા. અમારી દાઢીઓ પણ વધી ગઈ હતી.
વિશ્વનાથ અમારા બધાથી મોટો હતો. અને તે અમારી ચારની ટુકડીનો નેતા અને કેપ્ટન હતો. મિલેટ્રીની ભાષામાં કહું તો અમે તેના કમાન્ડમાં હતા. વિશ્વનાથ આધેડ ઉમરનો હતો. પણ જીવનમાં ઘણી-બધી ઘટનાઓ જોઈ લીધી હતી. હથિયારો અને યોજનાની બાબતમાં તે નિષ્ણાત ગણાતો.
અસલમ જ્યારે સામાન્ય હતો. તર્કો, વિચારવાની શક્તિ અને અસલમને કોઈ સંબંધ નહોતો. પણ તે હૃદયથી નિખાલસ હતો…અને ઝનૂની હતો.
“તમે લોકો, અનામિકા અને રાકેશ, આમ પ્રેમપંખીડાંની જેમ ફર્યા રાખો તે કેમ ચાલે? આપણે કોઈ પિકનિકમાં નથી આવ્યા” વિશ્વનાથે ગુસ્સામાં બરાડા પાડતા કહ્યું.
અનામિકાએ કોઈ જવાબ આપ્યો નહીં.
મેં હિંમત ભેગી કરી જવાબ આપ્યો, “અમે અગત્યની વાત કરવા ગયાં હતાં. હું નથી ઈચ્છતો કે અનામિકા આ એક્શનમાં ભાગ લે. પણ તે નથી માનતી.”
વાતાવરણમાં શાંતિ સ્થપાઈ ગઈ. વિશ્વનાથ અને અસલમ અમારી સામે જોતા રહ્યા. થોડીક વાર મારી સામે, તો થોડીક વાર અનામિકા સામે. આ તેમના માટે પણ આંચકાજનક સમાચાર હતા.
વિશ્વનાથે થોડીવાર પછી કહ્યું, “અનામિકા, તું એક્શનમાં ભાગ લેવાની છો કે નહીં? મારું કોઈ દબાણ નથી. તું નિર્ણય લેવા માટે સ્વતંત્ર છો.”
અનામિકાએ ટૂંકો અને ભાવવિહીન જવાબ આપ્યો, “હા,હું સાથે જ છું.”
વિશ્વનાથે મારી સામે જોઈને કહ્યું, “તો નિર્ણય થઈ ગયો. રાકેશ, તે સમજાવવાનો પ્રયત્ન કરી લીધો છે. પણ અનામિકા એક્શનમાં ભાગ લેશે. હવે આ બાબતની ચર્ચા કરવાની નથી.”
આમ પણ હવે આગળ કોઈ ચર્ચા કરવા જેવું રહ્યું પણ નહોતું.
તે પછી જમવાનું ચાલુ થયું. કેમ્પના તંબુની બહાર થોડું મેદાન અમે સાફ કરી નાખ્યું હતું. ત્યાં ભીના લાકડાઓ અમે મહા-મહેનતે સળગાવી બાજરાના રોટલા અને કઢી બનાવ્યાં. તે માટેનું રાશન મેં સાથે લાવ્યાં હતાં. આ દરમિયાન કોઈએ વધારે વાતચીત ન કરી.
જમીને વિશ્વનાથે મિટિંગ ભરી. તંબુની બહાર પડેલા પથ્થરો પર આ મિટિંગ ભરવામાં આવી.
“સાથીઓ આપણો કેમ્પ મુખ્ય રસ્તાથી લગભગ ત્રણ કલાકના અંતરે જંગલમાં છે. એટલે તે બાબતમાં આપણે સલામત છીએ.
હવે મુખ્ય વાત, પરમ દિવસે મુખ્ય રસ્તા ઉપરથી અંગ્રેજોનો કંઈક કિંમતી સામાન જવાનો છે. તે શું છે તેની ખબર પડી નથી. પણ તે જરૂર કંઈક અગત્યનું અથવા કિંમતી હોવું જોઈએ. નહિતર અંગ્રેજો આટલા ચેતતા ન રહે.
આપણી પાર્ટીની સેન્ટ્રલ કમિટીએ આપણને મિલ્ટ્રી એક્શનનો આદેશ આપ્યો છે.
આપણને મળેલી માહિતી પ્રમાણે બે ઘોડા જોડેલી ઘોડાગાડી અને તેની રક્ષા કરતા છ ઘોડેસવાર દેશી સિપાહીઓ હશે. ઘોડાગાડી માટેનો ચલાવનાર અને ગોરો અફસર હશે. ઘોડાગાડીની આગળ ત્રણ અને પાછળ ત્રણ ઘોડસવાર સિપાહીઓ, એમ હોવું જોઈએ.
આપણને અત્યાર સુધી જેટલી માહિતી મળી છે, તે સંપૂર્ણ સાચી ન પણ હોય. એટલે તે માટે આપણે ચેતતા રહેવાનું છે.
જો કે અત્યાર સુધી ક્યારે ય એવું બન્યું નથી કે આપણને મળતી માહિતી સંપૂર્ણ ખોટી સાબિત થઈ હોય. એટલે તે બાબતમાં શંકા કરવાનું કોઈ કારણ નથી. આમ છતાં ચેતતા રહેવાનું છે.
છ સિપાહીઓ, એક ઘોડાગાડી ચલાવનાર અને એક ગોરો અફસર, આમ આઠ જણાની ટુકડી હશે. જ્યારે આપણે ચાર છીએ. સંખ્યામાં તેના કરતાં અડધા.”
વિશ્વનાથ આ છેલ્લું વાક્ય મારી સામે જોઈને બોલ્યો. જાણે કહેવાનો માગતો હોય કે અનામિકાને દૂર કરી દીધી હોત, અનામિકા એક્શનમાં ભાગ ન લેત, તો કેટલી ખરાબ હાલત થાત.
વિશ્વનાથે આગળ ચલાવ્યું, “આપણે સંખ્યામાં અડધા ભલે હોઈએ. પણ આપણી પાસે અગત્યનું જમા પાસું છે. આપણે ઓચિંતો હુમલો કરીશું અને તે પણ ખૂબ ઝડપથી. જેથી દુ:શ્મનને ચેતવાનો સમય જ ન મળે. અને તે પોતાની બંદૂક હાથમાં લે તે પહેલાં જ આપણી ગોળી તેની આરપાર ચાલી જાય ….. ઓચિંતા અને ઝડપથી.”
“ઓચિંતા અને ઝડપથી.” વિશ્વનાથે આ શબ્દ ફરી પાછા જોરથી અને ભારપૂર્વક ઉચ્ચાર્યા.
તે દિવસે વિશ્વનાથે પોતાની વ્યૂહરચના બધાને સમજાવી. કોણે શું કરવાનું હતું. તે સમજાવ્યું.
તે પ્રમાણે અમારે રસ્તાના એક વળાંક પાસે આવતાં, ઝાડો ઉપર હથિયારો સાથે સંતાઈ જવાનું હતું. હું અને અનામિકા પાસ-પાસે ઊગેલા પીપળાના ગાઢ ઝાડ ઉપર સંતાવાનાં હતાં. અને તે એવી રીતે કે રસ્તા ઉપર નિશાન લઈ શકાય.
તે જ રીતના વિશ્વનાથ અને અસલમ રસ્તાની બીજી તરફ, એટલે કે અમારી સાઇડની સામેની બાજુ સંતાઈ જવાના હતા. અસલમ ઊગેલા ઝાડ ઉપર અને વિશ્વનાથ મોટા ઝાડના થડની પાછળ સંતાવવાનો હતો.
તે એટલે કે વિશ્વનાથ ઝાડ ઉપર નહોતો સંતાવવાનો. કારણ કે તે નજીક, આવનારા અંગ્રેજ કાફલાનું અવલોકન કરવાનો હતો. અને કંઈ પણ શંકાસ્પદ જણાય તો એક્શન, હુમલો કેન્સલ કરવાનો હતો.
અમારે બધાએ વિશ્વનાથની બંદૂકના અવાજની રાહ જોવાની હતી. વિશ્વનાથ એકશનની શરૂઆત કરવાનો હતો. જો બધું બરાબર હોય, તો વિશ્વનાથ ઘોડાગાડી ચલાવનારને સૌપ્રથમ ગોળીથી વીંધી નાખવાનો હતો. અને તે અમારા માટે સૂચના હતી … સિગ્નલ હતું.
મારે અને અનામિકાએ તરત જ આગળ ચાલતા ઘોડેસવાર સિપાહીઓને વીંધી નાખવાના હતા. અને અસલમ અને વિશ્વનાથ પાછળના ઘોડેસવાર સિપાહીઓને વીંધી નાખવાના હતા. ઘોડાગાડી ઉપર બેઠેલા ગોરા અફસરને જીવતો પકડવાનો વિશ્વનાથનો વ્યૂહ હતો.
આ દરમિયાન જો કોઈ ભાગી છૂટે તો તેને અટકાવવાનો પ્રયત્ન કરવાનો હતો. વિશ્વનાથના હુમલામાં કોઈ જીવતું આજ સુધી બચ્યું ન હતું. તે દુ:શ્મનને જીવતા છોડવામાં માનતો નહીં. પણ આમ છતાં કોઈ ભાગી છૂટે તો અમારે તેનો પીછો કરવાનો ન હતો. અમારી બંદૂકની રેન્જમાંથી દૂર ચાલ્યો જાય તો તેને જતો કરવાનો હતો.
વિશ્વનાથની યોજના કોઈ નાટકની વાર્તા જેવી હતી. તેણે અમને બધાને પોતપોતાની ભૂમિકા સમજાવી … વારંવાર યાદ કરાવી. કોઈ નાટકના અભિનેતાઓને પોતાના ભજવવાના પાત્રો અને ઘટનાઓ યાદ કરાવવામાં આવે છે તેવી રીતે!!
વિશ્વનાથ માટે આ બાબત નાટક જેવી જ હતી. તે ઘણી વખત જિંદગીને નાટકના રંગમંચ સાથે સરખાવતો.
પણ આ કોઈ નાટક ન હતું.
આમાં ગુલાલનો લાલ રંગ નહીં, પણ લોહીનો લાલ રંગ ઉડવાનો હતો.
એવું ન હતું કે હું આવા એક્શનમાં પહેલી વખત ભાગ લેતો હતો. એવું પણ ન હતું કે અનામિકા પેહલી વખત આવા એક્શનમાં ભાગ લેતી હતી. ગયા વર્ષે લાહોરમાં અંગ્રેજ કલેકટરનો છડેચોક વધ, અમારી જ ક્રાંતિકારી ટુકડીએ કર્યો હતોં. અનામિકા અને મેં એક સાથે બંધૂક માટે ગોળીઓ થોડી હતી. અને પોલીસ બંદોબસ્તમાંથી, શહેરમાં રહેલા સખત ચોકી-પહેરા વચ્ચે અમે આબાદ છટકી ગયાં હતાં …
આજ રીતના ચાલુ ટ્રેને હથિયારોની લૂંટ પણ અમારી જ ટુકડીઓ કરી હતી. ખુદ અનામિકાએ જ એક યુવાન અંગ્રેજ અધિકારીને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો હતો. ત્યારે અનામિકાનું સ્વરૂપ જોઈને હું પણ ગભરાઈ ગયો હતો.
એક કોમળ, કવિ હૃદયની યુવતી કોઈ જીવતા માણસને ચાલુ ટ્રેનમાંથી ફેંકી શકે? અને તે પણ કોઈ જાતનો વિચાર કર્યા વગર? પણ તે અનામિકા હતી.
કોમળ અને કવિ હૃદય …. સાથે સાથે પથ્થર જેટલી કઠોર …
પણ આ વખતે મને બીક લાગતી હતી. ભય લાગતો હતો. મને કંઈક અમંગળ બનવાનો ડર સતાવી રહ્યો હતો.
કાશ, મેં બળજબરીપૂર્વક તે દિવસે અનામિકાને રોકી હોત!! અથવા તો હું જ આ એક્શનમાંથી દૂર થઈ ગયો હોત. તો પછી ત્રણ વ્યક્તિઓથી આ હુમલો થવાનો ન હતો.
પણ મને તે વિચાર જ ન આવ્યો. હું અનામિકાને દૂર થવાનું સમજાવતો રહ્યો. પણ હું પોતે અલગ થઈ જાઉં .. દૂર થઈ જાઉં … એક્શનમાં ભાગ ન લઉં. તેનો વિચાર મને ન આવ્યો. કેમ ન આવ્યો? આજે પણ આટલાં વર્ષો પછી મને આ પ્રશ્નનો જવાબ મળ્યો નથી. કદાચ મારું અચેતન મન હિંસા ઝંખતું હશે. ખબર નહીં.
તો તે દિવસે વિશ્વનાથે પોતાની વ્યૂહરચના બધાને સમજાવી દીધી હતી. વાતાવરણ શાંત હતું. આકાશમાં વાદળો ઘેરાયેલા હતા. વીજળીઓ થતી હતી. લાગતું હતું હમણાં વરસાદ તૂટી પડશે. પણ તે દિવસે વરસાદ આવ્યો નહીં. તોફાન આવ્યું નહીં. તે દિવસે અમે ઘણી વાર સુધી વાતો કરતા બેઠાં રહ્યાં. અડધી રાત્રે અસલમ અને વિશ્વનાથને ત્યાં બેઠેલા મૂકી હું અને અનામિકા તંબુમાં સૂવા ચાલ્યાં ગયાં.
“તું ઈચ્છતો હતો કે હું આમાં ન પડું?” અનામિકા મારી બાજુમાં સૂતાં-સૂતાં બોલી.
“હા,” મેં માત્ર એટલો જ ટૂંકો જવાબ આપ્યો.
“તું એટલો બધો પ્રેમ કરે છે?” અનામિકાએ બીજો પ્રશ્ન પૂછ્યો .. મને તે પ્રશ્ન ન ગમ્યો.
“હા,” વળી મેં ટૂંકો જવાબ જ આપ્યો. સ્ત્રીઓ શા માટે વારંવાર આવા પ્રશ્ન પૂછતી હશે?વારંવાર?
અનામિકા મારી નજીક આવી. તેના હોઠ મારા ગાલને સ્પર્શતા હતા.
“આ એક્શન પછી આપણે લગ્ન કરી લઈશું.” અનામિકાએ મને કહ્યું.
“અને પછી આ બધું છોડીને ઘર માંડીશું … બાળકો પેદા કરીશું.” મેં જવાબ આપ્યો. મારા જવાબમાં કટાક્ષ હતો. અનામિકાને તે સ્પર્શી ગયો.
“તું ખોટો ગરમ થાય છે. ખોટા વિચારો કરે છે. લગ્ન પછી ભલે સામાન્ય માણસોની જેમ ઘર ન માંડી શકીએ …. ભલે બાળકો પેદા ન કરી શકીએ. પણ….” અનામિકાએ પોતાનું વાક્ય અધૂરું છોડી દીધું.
“પણ … પછી શું, અનામિકા? કેમ કંઈ બોલી નહીં?” મેં તેના તરફ ચહેરો કરીને પૂછ્યું.
“તું મને અસહજ કરી નાખશ … વિચલિત કરી નાખશ … કાશ, હું તારા પ્રેમમાં ન પડી હોત.” અનામિકા બોલી.
“હવે તને અફસોસ થાય છે?” મેં પૂછ્યું.
પણ અનામિકાએ જવાબ ન આપ્યો. તે મારી વધુ નજીક સરકી.
હું અને અનામિકા ક્યારે ઊંઘી ગયાં તેનો મને ખ્યાલ નથી. રાત્રે અમારા ઊંઘી ગયા પછી અસલમ અને વિશ્વનાથ તંબુમાં ઊંઘવા આવ્યા હશે.
મારી ઊંઘ ઉડે ત્યારે અસલમ અને વિશ્વનાથ સૂતા હતા. અનામિકાની જગ્યા ખાલી હતી.
હું તંબુની બહાર નીકળ્યો. અનામિકાએ લાકડાં ભેગાં કરીને તાપણું સળગાવ્યું હતું. તેની ઉપર વાસણ મૂકીને કોફી બનાવતી હતી.
અમે કોફી અને સૂકો નાસ્તો કર્યો. અનામિકાએ સાથે લીધેલાં બીજી જોડી કપડાં પહેર્યાં હતાં. તે હતી તેના કરતાં પણ વધારે સુંદર આજે લાગતી હતી.
“એ લોકો રાત્રે મોડે સુધી જાગતા હશે” અનામિકાએ કહ્યું.“હા, કદાચ આપણને એકાંત મળી રહે એટલે તે બંને બહાર બેઠા હશે,” મેં મારો વિચાર કહ્યો.
હું અનામિકાની વધુ નજીક ગયો. “અનામિકા, કાશ સામાન્ય માણસની જેમ આપણી જિંદગી હોત! આ જંગલોમાં ભટકતા રહેવાનું, વેશપલટો કરી શહેરોમાં … વસ્તીમાં ફરતા રહેવાનું. એક પછી એક હિંસામાં ભાગ લેતા રહેવાનું. કાશ, આ બધું ન હોત. કાશ, જીવ હથેળીમાં લઈને જીવવાનું ન હોત.”
અનામિકા મારી સામે જોતી રહી. જ્યારે તે બોલી ત્યારે તેના શબ્દોમાં આક્રોશ હતો … કટાક્ષ હતો.. “તો પછી આપણી માતૃભૂમિમાંથી અંગ્રેજી શાસનને કોણ ઉખાડીને ફેકશે? કોણ આ અન્યાયનો વિરોધ કરશે? આપણે આ બલિદાન આપીએ છીએ જ એટલે કે આવનારું ભવિષ્ય ઉજજવળ બને. આપણે સામાન્ય જીવન નથી જીવી શકતાં. પણ આવનારા ભવિષ્યમાં લાખો સ્ત્રી-પુરુષો તે જીવન જીવી શકશે.”
અનામિકાનો પ્રતિવાદ કરવાની શક્તિ મારામાં ન હતી.
ત્યાર પછી બધી ઘટનાઓ જલદી બની. મોડેથી અસલમ અને વિશ્વનાથ જાગ્યા. ત્યારે લગભગ બપોર થવા આવી હતી.
અમારે સ્થળની રેકી કરવા જવાનું હતું.
અમે બધાં ત્યાં જ નીકળી પડ્યાં. રસ્તામાં વિશ્વનાથે અમને બધું ફરી પાછું સમજાવ્યું. અચાનક ભાગવાનું થાય તો કઈ દિશામાં બધાએ ભાગવાનું. ક્યાં સંતાઈ શકાય તેમ છે, તે સ્થળો પણ બતાવ્યાં. અને જો બધું આયોજન પ્રમાણે થાય તો કેમ્પ સુધી બધાએ ઝડપથી પહોંચી, જરૂરિયાતનો સામાન લઈને બાકીનો સામાન અને તંબુ તરત સળગાવી નાખવાની તૈયારી પણ સમજાવી.
બરાબર અવલોકન કરી અમે સ્થળ પસંદ કર્યું. વિશ્વનાથે બધાની જગ્યાએ જઈને ઊંડું અવલોકન કર્યું હતું.
વિશ્વનાથ ચોકસાઈથી ચાલનારો માણસ હતો. તેની પાસે નાનકડી ભૂલ માટે પણ કોઈ જગ્યા નહોતી. તેણે અમને સૂચનાઓનો કડક અમલ કરવાની વારંવાર યાદ અપાવી હતી.
આ બધું હું સાંભળતો રહ્યો. જોતો રહ્યો. મને લાગતું હતું કે મારો આત્મા શરીર છોડીને જતો રહ્યો છે. હું આ એક્શનમાં ભાગ લેવાનો હોવા છતાં મને એવું થતું હતું કે “હું” એ “હું” નથી બીજી કોઈ વ્યક્તિ છે!!
રાત્રે અમે બધાં પાછા કેમ્પ પર આવ્યાં. વિશ્વનાથે જરૂરી સામાન પેક કરાવી નાખ્યો. આવતીકાલે એક્શનનો દિવસ હતો. અને એક્શન પછી અમારી પાસે પેકિંગ કરવાનો સમય રહેવાનો ન હતો. એટલે વિશ્વનાથે અત્યારે જ તૈયારી કરાવી.
તે રાત્રે બધાં વહેલા ઊંઘી ગયાં. બધાના ચહેરા ઉપર ભાર વર્તાતો હતો. ડર દેખાતો હતો. અમે ભાગ્યે જ વાતચીત કરી હશે.
તે પછીના દિવસે વિશ્વનાથે બધાને વહેલા ઉઠાડ્યા.
વહેલી સવારે અમારી છેલ્લી મિટિંગ માટે બધાં ભેગા થયાં. બધાએ પોતાના હથિયારો સાબદા કર્યા. વિશ્વનાથે છેલ્લી સૂચનાઓ આપી.
અને અમે કેમ્પ છોડી નીકળી પડ્યાં, ક્રાંતિનો નારો બુલંદ કરવા.
પહેલા વિશ્વનાથ ચાલતો હતો. તેની પાછળ અસલમ. અને તેની પાછળ હું અને અનામિકા. અનામિકાએ પોતાની બંદૂકનો પટ્ટો અમારા બંધાની જેમ ખંભે લટકાવ્યો હતો.
હું તેને જંગલના ઊબડખાબડ રસ્તા ઉપર ચાલતા જોઈ રહ્યો. અનાવિકા સસલાની જેમ લયબધ ચાલતી હતી. ન થાક વર્તાતો હતો, ન કંટાળો.
અમારી ચારની ટુકડીને ત્યારે જોવા માટે જંગલમાં કોઈ ન હતું.
અમે પાંદડાઓ અને ડાળીઓ ઉપર થઈને અમારા ગંતવ્ય સ્થાન ઉપર આવી પહોંચ્યાં.
વિશ્વનાથે છેલ્લી વાર બધાને બધું, વળી, પાછું યાદ અપાવ્યું. અને મોરચામાં પોતપોતાની જગ્યાએ જવાનો હુકમ કર્યો.
અમે બધાં પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયાં.
પછી ચાલુ થયો કંટાળાનો સમય. એક એક સેકન્ડ યુગ જેવી લાંબી લાગતી હતી. વળી, ગરમીનું પ્રમાણ પણ વધુ હતું. આકાશમાં વાદળો તો ઘેરાયેલા જ હતા. વીજળીઓ પણ થતી હતી. આવાં વાતાવરણમાં મચ્છરો અને બીજી જીવાતોનો ત્રાસ પણ હતો.
અનામિકાનો ચહેરો લાલ થઈ ગયો હતો. મચ્છરો અને જીવાતના ત્રાસથી તે કંટાળી હતી. આમ છતાં રસ્તા ઉપર નિશાન તાકીને અડીખમ ઝાડની ડાળી ઉપર ગોઠવાયેલી હતી.
બાજુના વૃક્ષની એક મજબૂત ડાળી ઉપર હું ગોઠવાયેલો હતો. મને મારી જગ્યાએથી રસ્તો બરાબર દેખાતો હતો. હું અસલમ અને વિશ્વનાથને પણ જોઈ શકતો હતો. કદાચ તે લોકો પણ મચ્છરોના, જીવાતોના અને ગરમીના ત્રાસથી કંટાળ્યા હશે!!
આ સ્થિતિમાં ત્રણ-ચાર કલાકનો સમય પસાર થયો હશે. વિશ્વનાથની સૂચના હતી કે અમારે જરૂર પડે તો અડધી રાત સુધી રાહ જોવાની. જ્યાં સુધી વિશ્વનાથ ઈશારો ન કરે ત્યાં સુધી કોઈએ પોતાની જગ્યા મૂકવાની નહોતી.
તો આવી સ્થિતિમાં ત્રણ ચાર કલાકનો સમય પસાર થયો હશે.
આ દરમિયાન હું વિચારશૂન્ય બની ગયો હતો. મચ્છરો અને જીવાતના ડંખ પણ મને અસર નહોતા કરતા. ગરમીના કારણે પણ મને કોઈ અકડામણ નહોતી થતી. લાગતું હતું કે મારા મગજને કોઈએ કાઢી અને દૂર કરી નાખ્યું છે. મને કોઈ સંવેદનાનો એહસાસ થતો નહોતો.
બપોર થવા આવ્યા હશે. ત્યારે મને દૂરથી ઘોડાઓના ડાબલાઓનો અવાજ સંભળાયો. પહેલા તો મને લાગ્યું કે મને ભ્રમ થયો છે. મેં અનામિકાની સામે જોયું. તેના ચહેરા પરના હાવભાવ ઉપરથી લાગતું હતું કે તેને પણ દૂરથી આવતો ઘોડાઓના ડાબલાઓનો અવાજ સંભળાયો છે.
અને ચાલુ થયો યમરાજના આગમનનો સમય. મેં મારી બંદૂક ઉપરની પકડ મજબૂત કરી. અચાનક મારા હૃદયના ધબકારા વધી ગયા.
ધીમે-ધીમે અવાજ નજીક આવતો ગયો. ધીમે-ધીમે તે પ્રબળ બનતો ગયો.
થોડી જ મિનિટોમાં મને ઘોડેસ્વારે સિપાઈઓ દેખાયા. તે અંગ્રેજ લશ્કરનો પોશાક પહરેલા સિપાઈઓ હતા. તેના ખંભે બંદૂકો લટકતી હતી. તેની પાછળ ઘોડાગાડી ચાલતી હતી. તે બંધ કોચવાળી હતી. તેની પાછળ બીજા સિપાઈઓ હતા.
મેં તરત ગણતરી કરી. તે કુલ દસ સિપાઈઓનો કાફલો હતો. ઘોડો ચલાવનાર અને તેની બાજુમાં બેઠેલો ગોરો અફસર અલગ. કુલ બાર વ્યક્તિઓનો કાફલો હતો.
વિશ્વનાથ ખોટો સાબિત થયો. અમારી ગણતરી કરતાં સિપાહીઓ વધારે હતા. પણ હવે કંઈ થઈ શકે તેવું નહોતું.
મને લાગ્યું કે વિશ્વનાથે પણ તે બાબત નોંધી હશે. આશા જાગી કે તે હુમલો કરવાનું આયોજન માંડી વાળે.
પણ હું ખોટો સાબિત થયો. વિશ્વનાથે પોતાના જીવનનું પહેલું દુઃસાહસનું કામ કર્યું.
તે અંગ્રેજ કાફલો જેવો અમારી નજીકથી પસાર થયો કે વિશ્વનાથે ગાડી ચલાવનાર ઉપર ગોળી છોડી. ગોળી છૂટવાનો અવાજ શાંત જંગલમાં પ્રસરી ગયો. તેના પડઘા પડ્યા.
અચાનક આવો અવાજ થવાથી ઘોડાઓ ભડક્યા. અને અચાનક ઊભા રહી ગયા. ઘોડાગાડી ચલાવનારો પોતાની જગ્યાએ ઉથલી અને નીચે પડ્યો.
વિશ્વનાથે શરૂઆત કરી દીધી હતી. હવે પાછા ફરવાનો કોઈ પ્રશ્ન નહોતો.
મેં ક્ષણનો પણ વિચાર કર્યા વગર નિશાન તાક્યું. મારી બંદૂકમાંથી ભડાકો થયો. અને આગળ ચાલનાર સિપાહી પોતાના ખોડા ઉપરથી ઉથલી અને પડ્યો. તરત જ અનામિકાએ અને અસલમની બંદૂકો ગર્જી ઊઠી.
બંધૂક માટે ગોળી છુટવાના અવાજો અને મરણચીસોના ભયાનક અવાજથી જંગલ ધ્રુજી ઊઠ્યું.
સામે પક્ષે પણ તાલીમબંધ ફોજીઓ હતા. અમારા અચાનક થયેલા હુમલાએ તેમને થોડી ક્ષણો પૂરતા ગભરાવી નાખ્યા હતા. પણ તે માત્ર થોડી ક્ષણો પૂરતા જ.
તરત જ તે લોકોએ મોરચો માંડ્યો. તરત ઘોડા ઉપરથી ઉતરીને આસપાસના ઝાડવાઓ અને ઝાડીઓમાં સંતાઈ ગયા. તે એટલી ઝડપી બન્યું કે તેનું વર્ણન કરવામાં પણ સમય લાગે. આંખના પલકારામાં બન્યું.
આખી જિંદગી ફોજની તાલીમની આ અસર હતી.
તે લોકોએ ઝાડી-ઝાખરાંની આડસમાં રહીને અમારી દિશાઓમાં ગોળીઓ છોડવાનું ચાલુ કર્યું. અમે કઈ દિશામાં સંતાયા છે તે તેમને ખબર પડી ગઈ હતી. અમે ઝાડ ઉપર ક્યાંક છીએ. પણ અમારું ચોક્કસ સ્થાનનો તેમને અંદાજ આવ્યો ન હતો. એટલે અંધાધૂંધ અમારી દિશામાં ગોળીઓ છૂટી હતી.
આજ રીતના અસલમ જે ઝાડ ઉપર હતો તે દિશાઓમાં પણ ગોળીઓ વરસવા લાગી.
આ બધાની વચ્ચે વિશ્વનાથની સ્થિતિ સારી હતી. તે તો ઝાડની નીચે જમીન ઉપર જ સંતાયો હતો. પહેલી ગોળી પણ તેણે છોડી હતી. આમ છતાં તેની તરફ અંગ્રેજી સિપાહીઓનું ધ્યાન ગયું ન હતું. નહિતર વિશ્વનાથ અચૂક ઘેરાઈ જાત …ગોળીઓથી વીંધાઈ જાત.
થોડી ક્ષણોમાં અમારી સ્થિતિ ખરાબ થઈ ગઈ. અમારી પાસે એવી કોઈ આડસ નહોતી કે અમે તેની પાછળ સંતાઈ શકીએ … અને આવનારી ગોળીઓથી બચી શકીએ.
મેં અનામિકા તરફ જોયું. તે પણ મૂંઝવણમાં હતી.
આ અમે વિચાર્યું હતું, એવું ન થયું. અમારી સામે મોરચો મંડાઈ ગયો હતો. અમારો અચાનક હુમલો કરવાનો પ્લાન નિષ્ફળ ગયો.
મેં હિંમત ભેગી કરી. નિશાન લઈને ફાયરિંગ કરવાનું ચાલુ રાખ્યું. અનામિકા અને અસલમ પણ તેવું જ કરી રહ્યાં હતાં. આમ સામસામે ગોળીબાર ચાલુ થયો. વાતાવરણમાં દારૂ સળગવાની ગંધ પ્રસરી ગઈ.
ત્યારે થોડીક વારમાં એક ગોળી હું જે ડાળ ઉપર હતો તેની આગળના ભાગમાં આવીને ઝાડના થડમાં અંદર ઘૂસી ગઈ.
હું ધ્રુજી ગયો. મેં અનામિકા તરફ જોયું. પણ તે પોતાની જગ્યા ઉપર નહોતી. તે ઝાડ પરથી નીચે ઊતરી ગઈ હતી. અને જાડા થડની પાછળ સંતાઈ રહી હતી. મે તેને સંતાતા જોઈ.
હું પણ હવે આ સ્થિતિમાં લાંબો સમય રહી શકું તેમ ન હતો. મારી બંદૂકમાંથી છૂટતી ગોળીઓના આધારે દુ:શ્મને મારું પગેરુ કાઢી લીધું હતું. હું કયા સ્થળે છુપાયો છું, તેનો આછો-પાતળો અંદાજ તેમને આવી ગયો હોય તેમ લાગતું હતું.
હું પણ હિંમત ભેગી કરી ઝાડ ઉપરથી નીચે ઉતર્યો અને નજીકની ઝાડીમાં સંતાઈ ગયો.
આ દરમિયાન મારી દિશામાં ઓચિંતાનું ફાયરિંગ વધી ગયું. મારી પાછળ બે-ત્રણ ગોળીઓ જાડા થડને અથડાઈ હોય તેવો અવાજ આવ્યો.
તેનો મતલબ કે દુ:શ્મનને મારી હિલચાલની ખબર પડી ગઈ હતી. પણ હવે પાછા વળવાનો પ્રશ્ન ન હતો!!
હું માંડ-માંડ બાજુમાં ઊગેલી ઝાડીઓમાં સંતાઈ શક્યો. હું રીતસરનો જમીન ઉપર ઊંધો સૂઈ ગયો હતો. ત્યાં ઊગેલા કાંટાઓ શરીરમાં ઘણી જગ્યાએ વાગ્યા. પણ ત્યારે મને કોઈ પીડા નહોતી થઈ. તે તો આ બધું પતી ગયું પછી ખ્યાલ આવ્યો.
હું જમીન ઉપર સૂતા-સૂતા જ શું બની રહ્યું છે, તે જોવાનો પ્રયત્ન કરતો હતો. પણ મને કંઈ દેખાતું નહોતું. માત્ર જુદી-જુદી દિશાઓમાંથી થતા ગોળીબારના અવાજો જ આવતા હતા.
મેં ધીમે-ધીમે સિપાહીઓ જે દિશામાં સંતાયેલા હતા, તે તરફ સરકવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં ઝાડની પાછળ એક દેશી સિપાઈ દેખાયો. મે તેનો ચહેરોને જોયો હતો કે નહીં તે મને યાદ નથી.
મેં નિશાન તાક્યું. બંદૂકમાંથી ગોળી છૂટી. અને બીજી જ ક્ષણે પેલો દેશી સિપાહી, હવામાં ઊલટી દિશામાં પીડાજનક રાડ નાખતો ફેંકાયો. મેં તેની છાતીનું નિશાન લીધું હતું.
હું તે તરફ આગળ સરક્યો. જમીન ઉપર પડેલા સિપાહીની નજીક આવ્યો. તેની છાતીમાં કાણું પડી ગયું હતું. તેમાંથી ઝડપથી લોહી બહાર નીકળતું હતું. તે હજી જીવતો હતો. માત્ર તેની આંખોના ડોળા હલતા હતા હવે તે કંઈ કરી શકે તેમ નહોતો. થોડા જ સમય માટે ગુજરી જવાનો હતો.
એટલે મારે તેની ચિંતા કરવાની જરૂર નહોતી.
હું વધારે આગળ સરક્યો. મને લાગ્યું કે ફાયરિંગ બંધ થઈ ગયું છે. પણ મારી પાસે વધારે વિચારવાનો સમય નહોતો. હકીકતમાં તો હું વિચારી શકું તેવી સ્થિતિમાં નહોતો.
હું વધારે આગળ સરક્યો અને ડોક ઊંચી કરીને રસ્તા ઉપર જોયું. સાચું કહું તો હિંમત કરીને જ ડોકું ઊચું કર્યું હતું. અત્યાર સુધી માત્ર માથું નીચું રાખીને જ હું જમીન ઉપર સર્પની જેમ સરકી રહ્યો હતો.
વિશ્વનાથ મારી સામે જ હતો. તેને મારી દિશામાં, પણ થોડે જુદી તરફ નિશાન લેતો જોયો. તેની બંદૂકમાંથી નીકળતી આગની જ્વાળાઓ મેં જોઈ. અને તરત કોઈની ચીસ અને પડવાનો અવાજ આવ્યો.
વિશ્વનાથ ઝાડના થડની બહાર ખુલ્લામાં આવી ગયો. ઝડપથી રસ્તો ઓળંગી મારી બાજુની દિશામાં આવી ગયો. તેને કદાચ મારી હાજરીનો ખ્યાલ નહીં હોય. તે ઝડપથી એક ઝાડની પાછળ ચાલ્યો ગયો.
ખબર નહિ કેટલો સમય વીત્યો હશે! પણ તે દરમિયાન બધું શાંત થઈ ગયું હતું. ક્યાં ય અવાજ આવતો નહોતો. કોઈ હલનચલન થતું ન હતું. જંગલ પોતાની પહેલાની શાંતિમાં પાછું ફરી ગયું હતું. આવાની લડકીઓ સાથે ઝાડવાઓનાં પાંદડાઓનો અવાજ આવતો હતો. વાતાવરણમાં દારૂ સળગવાની ગંધ પ્રસરી ગઈ હતી.
સૌપ્રથમ મેં અસલમને જોયો. તે ઝડપથી ઝાડ ઉપરથી ઉતર્યો. તેના કપાળમાંથી લોહી નીકળતું હતું. ગોળી તેના કપાળને ઘસરકો મારીને પસાર થઈ ગઈ હોય તેમ લાગતું હતું.
તે ધીમે ધીમે ખૂલા રસ્તા ઉપર આવ્યો. હજી ઘોડાગાડી ત્યાં જ પડી હતી. પણ તેના બંને ઘોડાઓ અંધાધૂંધ ફાયરિંગની ગોળીઓનો ભોગ બની ગુજરી ગયા હતા.
અસલમ ઘોડાગાડીની કેબીનની પાછળ ઝડપથી સંતાઈ ગયો. થોડીક વાર રાહ જોઈ. પછી તે ધીમે-ધીમે બહાર આવ્યો.
મને હતું કે હમણાં તે ગોળીઓથી વીંધાઈ જશે. પણ તેવું થયું નહીં.
તેનો અર્થ દુ:શ્મનો નષ્ટ થઈ ગયા હતા. હું હજી કંઈ વિચારું કે આજ મારી નજીક સળવળાટ થયો. હું ચમકી ગયો. મેં તરત જ તે દિશામાં જોયું. વિશ્વનાથ ત્યાં હતો. જમીન ઉપર સૂતા સૂતા તે સરકતો હતો. તેનું મોઢું પહેલા જેવું જ હતું. કોઈ નિશાન કે લાગણી ન હતી. કોઈ ચિહ્ન નોહતું.
વિશ્વનાથને મારી હાજરીનો ખ્યાલ આવી ગયો. તે મારી બાજુમાં આવ્યો. ધીમેથી બોલ્યો, “લાગે છે દુ:શ્મનોને આપણે ખલાસ કરી નાખ્યા છે.”
મેં માત્ર હકારમાં માથું હલાવ્યું. વિશ્વનાથ તે જોયું હશે કે નહીં તેનો મને કોઈ ખ્યાલ નથી. તે પરિસ્થિતિ એવી હતી કે બધું અચાનક જ બની રહી ગયું હતું.
વિશ્વનાથે સૂતા-સૂતા જ બૂમ પાડી. “અસલમ, તારી બાજુ તપાસ કર. ત્યાં કોઈ સંતાઈને બેઠું નથી ને?”
તે મુજબ તરફ અસલમ પોતાની બાજુ તપાસ કરવા ગયો.
“આપણે આ બાજુ તપાસ કરીએ. હવે જમીન ઉપર સૂતા સૂતા આગળ વધવાનું કોઈ અર્થ નથી.” વિશ્વનાથે કહ્યું.
અને અમે બંને સાવચેતીથી ઊભા થયા. અને તેટલી જ સાવચેતીથી તપાસ કરી.
ત્યાં કુલ ત્રણ સિપાહીઓના મૃતદેહ પડ્યા હતા. બધા ગોળીથી વિંધાઈ ગયા હતા. અમારી બાજુ કોઈ દુ:શ્મન નહોતો.
અસલમ પણ તપાસ કરીને પાછો આવ્યો … અમે સાવચેતીપૂર્વક ઘોડાગાડીનું અવલોકન કર્યું. તેના કોચની અંદર કોઈ ભરાઈ બેઠું હોય. પણ તેના દરવાજે તાળું મારેલ હતું.
ઘોડાગાડી ચલાવનાર અને ગોરા અક્ષરના મૃતદેહ ક્યાં પડ્યા હતા. અંગ્રેજ અધિકારીની ખોપરી ફાટી ગઈ હતી. મને તે જોઈને વિકૃત આનંદ આવ્યો.
અને ત્યાં જ અચાનક મને અનામિકાનો વિચાર આવ્યો. મેં તરત જોરથી બૂમ પાડી, “અનામિકા …”
અસલમ અને વિશ્વનાથને પણ હવે અનામિકાના વિચાર આવ્યો.
અમે બધું મૂકી અને જે ઝાડ પાછળ સંતાઈ હતી તે તરફ દોડ્યા.
મારું હૃદય ધબકારો ચૂકી ગયું. આખા શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ.
ત્યાં અનામિકા જમીન પડી હતી. બાજુમાં, ધૂળમાં તેની બંધૂક પડી હતી.
અનામિકાને છાતીના ઉપરના ભાગમાં ગોળી વાગી હતી. તેમાંથી લોહી નીકળતું હતું. અને તે લોહીમાં આજુબાજુની જમીન લાલ થઈ ગઈ હતી.
હું સ્તબ્ધ બની ઊભો રહી ગયો. પણ અસલમ અને વિશ્વનાથ તરત અનામિકા પાસે દોડી ગયા. અનામિકાના શ્વાસ ચાલતા હતા.
“રાકેશ, શ્વાસ ચાલુ છે. જલદી કર. અનામિકાને અહીંથી ખસેડવી પડશે.” વિશ્વનાથ બૂમ પાડી.
મેં તેના શબ્દ સાંભળ્યા. પણ હું હલનચલન કરી શક્યો નહીં. આઘાતના કારણે શરીરે મગજના હુકમો માનવાનો બંધ કરી દીધું હતું.
મને તેમ ને તેમ ઊભેલો જોઈને વિશ્વનાથે ગાળ કાઢી. વિશ્વનાથ ગુસ્સામાં હતો. તે ક્યારે ય ગાળો બોલતો નહીં. હંમેશાં સભ્યતાથી જ વાત કરતો. પણ આજે પહેલી વખત તે ગાળો બોલ્યો હતો.
છતાં હું તેમને તેમ જ ઊભો રહ્યો. મારાથી હલાતું પણ ન હતું. અસલામે ઊભા થઈને મને જોરદારનો તમાચો માર્યો. મારા ગાલમાં હજારો સોયો એક સાથે ભોંકાઈ ગઇ હોય તેવું દર્દ થયું. આખું શરીર હલબલી ગયું. જાણે આખા શરીર ઉપર વીજળી ત્રાટકી ન હોય …
આ બધું ખૂબ જ ઝડપથી બન્યું હતું.
હું હોશમાં આવ્યો. તરત અનામિકા પાસે પહોંચ્યો. અનામિકાના શ્વાસ ચાલતા હતા. પણ તે ધીમા હતા …ખૂબ ઘીમા. રક્તસ્રાવનાં કારણે તે બેહોશીમાં સરી પડી હતી.
વિશ્વનાથે તરત આદેશ આપ્યો, “આપણે સાથે લીધેલા મોટા ઓછાડમાં અનામિકાને સુવડાવી રાકેશ અને અસલમ કેમ્પ પર પહોંચો … જલદી કરો. બને તેટલી ઝડપે પહોંચજો. પણ તે પહેલા અનામિકાની છાતીના ઉપરના ભાગમાં બંદૂકનો પટ્ટો જોરથી બાંધી નાખો. જેથી લોહી વહેવાનું ઓછું થાય.”
અમે વિશ્વનાથે કહ્યું હતું તે પ્રમાણે કર્યું. બંધૂકનો પટ્ટો ઘા ઉપર કસોકસ બાંધી દીધો. લોહી વહેવાનું તેના કારણે ધીમું પડ્યું.
વિશ્વનાથ પોતાની પાસે રહેલી અફીણની ગોળીઓમાંથી એક ગોળી અનામિકાના મોઢામાં મૂકી દીધી. અનામિકા બેહોશીની હાલતમાં જ, થોડીક સેકન્ડોમાં જ તે ગળી ગઈ.
“તમે હવે અનામિક અમે લઈને જલદી નીકળો.” વિશ્વનાથે આદેશ આપ્યો.
વિશ્વનાથ પ્લાનિંગથી ચાલનારો માણસ હતો. કોઈ હુમલામાં ઘાયલ થાય તો શું કરવું, તેનું પૂરું પ્લાનિંગ તે કરતો. આજે મને વિશ્વનાથ ઉપર માન થઈ આવ્યું.
તેણે જે વસ્તુઓ સાથે લેવડાવી હતી, તેમાં એક મોટો જાડા કપડાનો બનાવેલો ઓછાડ હતો. જે અમે થોડીક દૂર ઝાડીઓમાં સંતાડી રાખ્યો હતો. એક્શન દરમિયાન કોઈ ઘાયલ થાય તો તેને આ મોટા ઓછાડનું સ્ટ્રેચર બનાવી ઊંચકીને લઈ જઈ શકાય. આ જ રીતના અમારા બધાની પાસે નાનકડું નાઇફ અને દસ-બાર અફીણની ગોળીઓ પણ સાથે લેવડાવી હતી.
અસલમ ઝડપથી ઓછાડ લઈને આવ્યો.
મેં અનામિકાના ખંભેથી ઊંચકી, અસલમે પગ પાસેથી ઊંચકી અને અનામિકાને ઓછાડ ઉપર સુવડાવી.
“હું અહીં થોડીક તપાસ કરીને પાછળ આવું છું. તમે લોકો જલદી નીકળો.” વિશ્વનાથે કહ્યું. અને તે ઘોડાગાડીના કોચ તરફ ઝડપથી ચાલ્યો ગયો.
ઓછાડના બે છેડા મેં ઊંચક્યા અને બે છેડા અસમલમે અને અમે કેમ્પ તરફ ઝડપથી ચાલવા માંડ્યા.
અમે ખૂબ ઝડપથી ચાલતા હતા. બે-ત્રણ વાર તો હું પડતા-પડતા બચ્યો. અસલમની સ્થિતિ પણ સારી નહોતી. તેના કપાળમાંથી લોહી નીકળવાનું બંધ થઈ ગયું હતું. પણ તેનો આખો ચહેરો પોતાના જ લોહીથી ખરડાઈ ગયો હતો. અને તે લોહી જામવાનું ચાલુ થયું હતું. સુકાઈ જવાનું ચાલુ થયું હતું.
અસલમ બોલતો ન હતો. પણ તેને ભયંકર પીડા થતી હોવી જોઈએ, તેવો મને વિચાર આવ્યો.
મારા અને અસલમના શ્વાસ ભરાઈ ગયા હતા. અમે જંગલમાં દોડ જ મૂકી હતી.
કેમ્પ ઉપર પહોંચતા જ અસલમ ફસડાઈ પડ્યો. હું પણ અનામિકાની પાસે બેસી ગયો. મારે શ્વાસ લેવાની જરૂર હતી. અસલમને પણ શ્વાસ લેવાની જરૂર હતી.
પણ કુદરતને તે પસંદ નહોતું. આકાશમાં વાદળો તો ક્યારના ઘેરાઈ ગયા હતા. સવારથી જ ઘનઘોર, કાળા ડીબાંગ વાદળોમાં વીજળી થતી હતી. વરસાદ હમણાં જ આવશે તેવું થતું હતું … અને તે એવા સમયે આવ્યો જ્યારે તેની કોઈ જરૂર નહોતી. જ્યારે તે અમારા માટે મુસીબત સમાન હતો.
થોડા છાંટા પડવાનું ચાલુ થયું. અને વીજળીના ગાજવીજ સાથે ધમધોકાર વરસાદ ચાલુ થઈ ગયો.
અમે ઝડપથી અનામિકાને તંબુની અંદર લઈ ગયા. પણ અમે મોડા પડ્યા. હું અસલમ અને અનામિકા અડધા એવા ભીંજાઈ ગયા.
અસલમના ચહેરા ઉપર પાણી પડવાથી સુકાઈ ગયેલું લોહી ઓગળીને પાણી સાથે વહેતું હતું. અને તે બિહામણુ દૃશ્ય બનાવતું હતું. લાગતું હતું જાણે અસલમને ચહેરા ઉપર અસંખ્ય છિદ્રો પડી ગયા છે, અને દરેકમાંથી લોહી વહી રહ્યું છે.
“તું પહેલા તારો ઘા સાફ કરીને, આ સૂતરાઉ કાપડનો ટુકડો બાંધી લે. નહિતર ઘા પાકી જશે. ત્યાં સુધીમાં હું અનામિકાને….” આગળનું વાક્ય મારાથી બોલી શકાયું નહીં.
પણ અસલમને અધૂરું વાક્ય સાંભળવાની કોઈ જરૂર ન હતી.
હું અનામિકા તરફ ફર્યો.
તે ધીમે-ધીમે શ્વાસ લઈ રહી હતી.
મેં તેના કપાળ ઉપર હાથ મૂક્યો. શરીર ગરમ થઈ ગયું હતું. તાવ આવવા લાગ્યો હતો.
હું મૂંઝાયો. મને આ સ્થિતિમાં શું કરવું તેની ખબર નહોતી. અમારા કેમ્પની આસપાસ કોઈ ગામ કે વસ્તી નહોતી. કે ત્યાં અનામિકાને લઈ જઈ શકાય અને કોઈ ડોક્ટરની સારવાર લઈ શકાય.
વિશ્વનાથ અમારી પાછળ જ હતો. તે તપાસ કરવા રોકાયો હતો. ઘોડાગાડીના બંધ કોચનું તાળું તેણે તોડ્યું હતું. અંદર જોઈને તેની આંખો ફાટી ગઈ હતી. કારણ કે અંદર કંઈ નહોતું.
અંગ્રેજોએ ચાલ ચાલી હતી. અમને ફસાવ્યા હતા. એટલે તો અમારા અંદાજ કરતા વધારે સિપાહીઓ તે ટુકડીમાં હતા. અમને મળેલી માહિતી ખોટી હતી. અને અમે તેમાં ભેરવાઈ ગયા.
ઓચિંતો છાપામાર હુમલો કરવાના કારણે અમે તે આખી ટુકડીને ખતમ તો કરી નાખી હતી. પણ બીજા અંગ્રેજી સિપાહીઓની ફોજ જરૂર આવવાની હતી. હવે તે સમયનો પ્રશ્ન હતો. અને જો તેવું થાય તો અમે ઘેરાઈ જવાના હતા. અમારો અંત નક્કી થઈ જાય.
પણ આ બધું મને પાછળથી ખબર પડી.
ત્યારે તો હું માત્ર અનામિકાની જ ચિંતામાં ખોવાયેલો હતો. મને કંઈ સૂઝતું નહોતું. મારી બુદ્ધિ બહેર મારી ગઈ હતી. વિશ્વનાથ ન આવે ત્યાં સુધી શું કરવું? અસલમની સ્થિતિ પણ મારા જેવી જ હતી. તે પોતાનો ચહેરો સાફ કરીને આવી ગયો હતો. કંઈ બોલ્યા વગર મારી બાજુમાં બેસી ગયો.
મેં અનામિકાની છાતી ઉપરના ભાગમાં પડેલા જખમ ઉપર જોરથી હાથ દબાવી રાખ્યો, એ આશાએ કે તેમાંથી લોહી નીકળતું બંધ થઈ જાય.
થોડોક સમય જ વિત્યો હશે. આમ છતાં મને યુગોના યુગો વીતી ગયા હોય તેમ લાગ્યું.
વિશ્વનાથ વરસતા વરસાદમાં આવી પહોંચ્યો. તે આખો પલળી ગયો હતો. વળી હવે રાતનું અંધારું થવા પણ આવ્યુ હતું.
આવતાની સાથે જ વિશ્વનાથે મને દૂર ધકેલી દીધો. “જલદી લાકડા સળગાવો. મેં તે ખૂણામાં થોડાંક સૂકાં લાકડાઓ રાખી મૂક્યા છે. તે લાકડાઓ સળગાવો … ઉતાવળ કરો … અને બહારથી પથ્થરો શોધી તેની ઉપર પાણી ગરમ કરો.”
હું બહાર વરસતા વરસાદમાં જઈને થોડા પથ્થરો લઈ આવ્યો. અને ત્યાં પડેલા તપેલામાં પાણી ગરમ કરવા મૂક્યું. અસલમે ત્યાં સુધીમાં લાકડાઓ સળગાવ્યા હતા. તેનો ધુમાડો બંધ તંબુમાં ભરાતો હતો. પણ ત્યારે અમને તેની કંઈ પડી નહોતી.
તે દરમિયાન વિશ્વનાથે અનામિકાનો પટ્ટો પોતાના પોકેટ નાયફ વડે કાપી નાખ્યો. તેનો ઘા સાફ કર્યો. અને પોતાની પાસે રહેલા સામાનમાંથી ડોક્ટર વાપરે તેવા સોય અને દોરો કાઢ્યા.
“અનામિકાને ગોળી આરપાર નીકળી ગઈ છે. બંને તરફ સ્ટીચીસ લેવા પડશે.” વિશ્વનાથ બોલ્યો.
અને તેણે ટાંકાઓ લેવાનું ચાલુ કર્યું. હું તેની પાસે જઈને અનામિકાને બંને ખંભેથી પકડીને બેઠો હતો. જો કે તેની જરૂર નહોતી. અનામિકા બેહોશ હતી.
વિશ્વનાથે થોડીક વારમાં જ ટાંકાઓ લઈ લીધા. ગરમ પાણી સ્ટીચીસ અને ઘા સાફ કર્યા. સૂતરાઉ કાપડની પટ્ટીથી તેને બાંધી દીધું.
“હવે આપણે રાહ જોવાની છે. તેને તાવ ચડવાનો ચાલુ થયો છે. વારાફરતી ભીનાં પાણીનાં પોતાં તેના કપાળ ઉપર મુકતા રહો.” વિશ્વનાથે આદેશ આપ્યો. અને પોતાના હાથ ગરમ પાણીથી સાફ કર્યા.
મેં અનામિકાના કપાળ ઉપર હાથ મૂક્યો. એક ખૂબ ગરમ હતો. જાણે સળગતા કોલસા ઉપર હાથ મૂકી દીધો હોય તેમ લાગતું હતું.
અમે કપાળ ઉપર પોતાં મૂકવાના ચાલુ કર્યા.
વરસાદમાં પલળવાના કારણે મને ઠંડી ચડવા લાગી હતી. પહેલા ધીમે-ધીમે પછી ધ્રુજારી ચાલુ થઈ. મેં ભીનાં કપડાં ઉતારી નાખ્યાં, પણ બીજાં કોરાં કપડાં પહેરવાના હતા નહીં. મેં મારા સામાનમાંથી ઓઢવાનો ઓછાડ કાઢ્યો. જે તંબુમાં જ પડી રહેવાના કારણે ભીંજાયેલ ન હતો.
હું સળગાવેલા તાપણાની નજીક ગયો. મને રાહત થઈ. અને વિશ્વનાથની અગમચેતી ઉપર માન થયું … જો આ સમયે મને ગરમી ન મળી હોત, તો જરૂર મને ઠંડી ચડી જવાની હતી. મારી તબિયત પણ ખરાબ થવાની હતી.
બહાર વીજળીના ભયાનક કડાકાઓ થતા હતા. તેની સાથે ધોધમાર વરસાદ પણ વરસતો હતો. સાથે-સાથે જોરશોરથી પવન પણ ફૂંકાવાનો ચાલુ થયો હતો. તેનાં કારણે અમારો તંબુ પણ વિચિત્ર રીતે હલતો હતો.
પવનનું જોર હજી વધે તો અમારો તંબુ જરૂર ઉખડી જવાનો હતો. અને તો અમારી સ્થિતિ ભયાનક થવાની હતી. અને વિશ્વનાથને તેની જ ચિંતા હતી.
જો કે આ પરિસ્થિતિમાં તંબુની અંદર બેઠા-બેઠા કંઈ થઈ શકે તેમ નહોતું. અમે ભગવાનને યાદ કરવા માંડ્યા.
હું અને અસલમ વારાફરતી વારા અનામિકાના કપાળ ઉપર પોતાં મૂકી રહ્યા હતા.
વિશ્વનાથ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો હતો. તે ચિંતિત અને વ્યગ્રહ હતો. કદાચ આ બધાની પાછળ તે પોતાની જાતને જવાબદાર માનવા લાગ્યો હતો.
હું મનોમન ભગવાન પાસે અનામિકાના જીવનની ભીખ માગતો રહ્યો.
આવી સ્થિતિમાં અમે ચૂપ-ચાપ …. બોલ્યા વગર બેસી રહ્યા હતા. ફક્ત માત્ર બહારથી વરસતા વરસાદનો, વીજળીનો અને જોરશોરથી ફૂંકાતા પવનનો અવાજ આવતો હતો. આવી સ્થિતિમાં કેટલો સમય પસાર થયો હશે તેનો મને ખ્યાલ નથી.
અને અચાનક જ આવાં વાતાવરણમાં અનામિકાના શબ્દો સંભળાયા, “હું ક્યાં છું?” મને લાગ્યું કે તે શબ્દો મેં સપનામાં સાંભળ્યા છે.
મેં અનામિકા સામે જોયું. તેને હોંશ આવી ગઈ હતી. આંખો ખોલી હતી, “હું ક્યાં છું?” વળી તેણે ધીમેથી પ્રશ્ન પૂછ્યો.
“અનામિકા, તું કેમ્પ ઉપર છો. અને સલામત છો” મે તેની નજીક જઈને કહ્યું.
તેણે વળી પાછી આખો બંધ કરી દીધી. કદાચ તેને વધારે પડતો શ્રમ સહન નહોતો થતો. અસલમ અને વિશ્વનાથ પણ અનામિકાની બાજુમાં આવી ગયા હતા.
અમે અનામિકાને ચૂપચાપ જોતા રહ્યા.
થોડીક વાર પછી અનામિકાએ વળી પાછી આંખો ઉઘાડી, “આપણા એક્શનનું શું થયું?”
આ વખતે વિશ્વનાથે જવાબ આપ્યો. “અંગ્રેજોની આખી ટુકડીને આપણા સાફ કરી નાખી છે.”
“તો હવે?” અનામિકાએ ખૂબ જ ધીમેથી પૂછ્યું. તેનો અવાજ કોઈ ઊંડા કૂવામાંથી આવતો હોય તેવો ધીમો અને અસ્પષ્ટ હતો.
“તું આરામ કર. ખોટું બોલ-બોલ ના કર.” વિશ્વનાથે કહ્યું.
અનામિકાએ બોલવાનું બંધ ન કર્યું. તાવની અસર તેના મગજ ઉપર થઈ ગઈ હતી.
“મને દૂર-દૂરથી અવાજો સંભળાય છે. અંગ્રેજી શાસનને ઉખેડીને ફેંકી દેવામાં આવ્યું છે. તેના યુનિયન જેકને ફાડીને ફેંકી દેવામાં આવ્યો છે. તેની જગ્યાએ …. તેની જગ્યાએ લાલ ઝંડો આવી ગયો છે.” એટલું બોલી અનામિકા શાંત થઈ ગઈ.
અનામિકા હવે ટ્રાન્સ અવસ્થામાં હતી. તેની અર્ધબેભાન અવસ્થામાં તેને ભ્રમ થવાના ચાલુ થયા હતા.
હું અને વિશ્વનાથ એકબીજાની સામે જોતા રહ્યા. અસલમ પણ ત્યાં બેઠો હતો.
“વિશ્વનાથ, અનામિકાની હાલત બગડી રહી છે. આપણે કંઈક કરવું પડશે.” મે કહ્યું.
“હા…પણ આપણી પાસે હવે કોઈ ઉપાય નથી. પાણીનાં પોતાઓ મૂક્યા રાખ્યા સિવાય.” વિશ્વનાથના અવાજમાં ભારોભાર નિરાશા હતી.
હું આગળ કંઈ બોલી શક્યો નહીં.
તાવ ઘટવાના બદલે વધ્યો હતો. અનામિકાનું શરીર વધારે ગરમ થઇ ગયું હતું. તેને શ્વાસોશ્વાસ પણ ધીમા પડી ગયા હતા.
અને અમે તેમના તેમ બેઠા રહ્યા. અનામિકાના કપાળ ઉપર ભીનાં પોતાઓ બદલતા રહ્યા.
“મારે હવે જવાનો સમય આવી ગયો છે.” અનામિકા આંખો ઉઘાડી મારી સામે જોતાં બોલી. લાગતું હતું તે સંપૂર્ણ ભાનમાં આવી ગઈ છે.
મારાથી રહેવાયું નહીં … આંખોમાં આંસુ આવી ગયાં. કંઠ રૂંધાઈ ગયો.
“તારે ક્યાં ય જવાનું નથી. હજી તો આપણે અંગ્રેજી શાસનને ખદેડવાનું બાકી છે.” વિશ્વનાથે અનામિકના હાથ પોતાના હાથમાં લેતા બોલ્યો.
“ના હવે સમય નથી,” ધીમો અવાજ સંભળાયો.
અનામિકાની તે આંખો પછી ક્યારે ય ન ખૂલી. તે હંમેશના માટે બંધ થઈ ગઈ. તેના શ્વાસ બંધ થઈ ગયા.
અનામિકા અમને છોડીને ચાલી નીકળી હતી. હું રડી પડ્યો. વિશ્વનાથની આંખોમાં પણ આંસુ હતાં. અસલમ પણ રડતો હતો.
મેં મારાં જીવનનું મોટામાં મોટું બલિદાન આપ્યું.
તે રાત્રે મારા આત્મા ઉપર જે ઘા વાગ્યો, તે આજે પણ રૂંઝાયો નથી.
•••••
V.B.S., opp. Gowal’s Masjid, Pancheshwar Tower Road, JAMNAGAR – 361 001, India
e.mail : hjrcv008@gmail.com