ગુજરાતી સાહિત્ય પરિષદના 50માં અધિવેશનમાં, અતિથિ વિશેષ તરીકે આપેલું પ્રવચન [27 ડિસેમ્બર 2020] :-
આદરણીય સિતાંશુભાઈ, આદરણીય પ્રકાશભાઈ, આદરણીય પ્રફુલ્લભાઈ તેમ જ હમસફર દોસ્તો,
એકસો પંદરની આવરદાએ પહોંચેલી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું આ પચાસમું અધિવેશન છે, પરંતુ પહેલવહેલું ‘વર્ચ્યુઅલ’ – ઑનલાઈન અધિવેશન. અને રા.વિ. પાઠક સભાગૃહમાં મળતાં આ અધિવેશન સારુ અતિથિ વિશેષ તરીકે મને નોતર્યો છે, તે ફક્ત મારું જ નહીં, બલકે આશરે અડધી સદીથી કાર્યરત વિલાયત માંહેની અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નું તેમ જ ગુજરાતી ડાયસ્પોરે થતાં અનેકવિધ કામોનું ય બહુમાન હોવાનું સમજું છું. પરિસ્થિતિ તો જુઓ, સાહિત્યકારના દાયરામાં હું આવતો નથી, પત્રકારને નાતે લેખક હોઈશ તો હોઈશ; પણ અહીંની અકાદમીનો કાર્યભાર સંભાળતા સંભાળતા મને ય ભાષા-સાહિત્ય-સંસ્કૃતિનો જબ્બર નેણો લાગ્યો છે, તે કબૂલ.
પરિષદ જોડેના સીધા લગાવને હવે છપ્પન-સત્તાવન વર્ષ થશે. દશેક અધિવેશનોમાં હાજર પણ રહ્યો હોઈશ. સન 1981માં હૈદ્રાબાદ અધિવેશનમાં દિવંગત મિત્ર હરીન્દ્ર દવેના સૂચને તત્કાલીન પરિષદ પ્રમુખ મનુભાઈ પંચોળી ‘દર્શકે’ વિલાયતની વાત રજૂ કરવા કહેલું તે સાંભરી આવે છે. તે ઘડીથી ‘દર્શક’ જોડે અને તત્કાલીન મહા મંત્રી રઘુવીર ચૌધરી જોડે અંગત અનુસંધાન થયું તે સતત, ચન્દ્રકલા શું, મહોરતું રહ્યું. સન 1986 વેળા અમરેલી જ્ઞાનસત્ર ટાંકણે અમારી અહીંની રજૂઆતની પછીતે ઉમાશંકરભાઈ જોશીએ જાહેરમાં પીઠ થાબડેલી તે ય સાંભરી આવે છે. 1989ના રાજકોટ અધિવેશનમાં જયન્તભાઈ મ. પંડ્યા, વસુબહેન ભટ્ટ, વર્ષાબહેન અડાલજા તેમ જ અન્યો સંગાથે જાહેરમાં રમૂજનો ફુવાર કરતાં રહેલાં તે ય હવે પડઘાય છે. 1995ના જામનગર અધિવેશનમાં તો તે વેળાના મહા મંત્રી પ્રકાશ ન. શાહે તો નાદુરસ્તીને કારણે ન આવી શકેલા પ્રાધ્યાપક ચી.ના. પટેલને ઠેકાણે, છેલ્લી ઘડીએ મીરાંબહેન ભટ્ટ જોડાજોડ વક્તા તરીકે મને બેસાડી દીધેલો તે કેમ ભુલાય ?
વળતી સાલનું અધિવેશન અમારા માટે ઐતિહાસિક અધિવેશન બનતું હતું. એક પા તત્કાલીન ઉપપ્રમુખ જયન્ત મ. પંડ્યા અને તત્કાલીન મહા મંત્રી પ્રકાશ ન. શાહ જોડે અમે અધિવેશન પ્રમુખ નિરંજનભાઈ ભગતને સાથે રાખીને, કાર્યસૂચિમાં ન હોવા છતાં, ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્ય સર્જકોની જ એક બેઠક ભોજન વિરામના સમયે ગોઠવી દીધેલી ! વિલાયત તેમ જ અમેરિકા સમેતના ભારત બહારના સર્જકોનો ત્યારે મેળો જામેલો. એ ભાતીગળ બેઠકના પડઘા હજુ આજે ય ગાજતા ભાળું છું. વચ્ચેના ગાળે પાટણ ખાતે 2001 વેળા જેમનો હું સતત ઋણી છું તેવા મારા સન્મિત્ર રઘુવીર ચૌધરી પ્રમુખપદે બિરાજતા હતા. તે અવસરે, છેલ્લી બેઠકમાં એક ઠરાવ રજૂ કરવા મને જ ઊભો કરવામાં આવેલો, તે ય સ્મરણે ચડે છે. વારુ, મુંબઈના ઉપનગર કાંદિવલી ખાતે 2005માં અધિવેશન મળતું હતું. બકુલ ત્રિપાઠી પ્રમુખપદે હતા. પરંતુ નિવૃત્ત થતાં પ્રમુખ ધીરુબહેન પટેલની કુનેહને કારણે અમેરિકાનિવાસી પ્રાધ્યાપક મધુસૂદન કાપડિયા તેમ જ બ્રિટન નિવાસી વિપુલ કલ્યાણીને વક્તા તરીકે નોતરવામાં આવેલા. બન્નેની સોજ્જી રજૂઆત હતી. પરંતુ કેટલાક મુદ્દે મારું વક્તવ્ય વિવાદનો મધપૂડો છંછેડી બેઠું હતું. વિચારતાં વિચારતાં તે વખતની મારી વાત આજે પણ ખરી છે તેમ લાગ્યાં જ કરે છે.
હવે આ પચાસમું અધિવેશન. નિવૃત્ત થતા પ્રમુખ સિતાંશુભાઈ તો મારી યુવાવસ્થામાં ફાર્બસ સભાની અનેક બેઠકોમાં મને મળતા અને પોરસાવતા રહેતા. તે દિવસોમાં નવોસવો, ઉચ્ચાભ્યાસ માટે હું મુંબઈ ગયેલો. ત્યારની એ મૈત્રી ફોરતી આવી છે. નિર્વાચિત પ્રમુખપદનો કાર્યભાર મિત્ર પ્રકાશભાઈ ન. શાહ સ્વીકારે છે, ત્યારે માંહ્યલો રાજીના રેડ છે. પ્રકાશભાઈનો પરોક્ષ પરિચય તો પાંચેક દાયકાને આંબીને રહ્યો છે. અંગત સંબંધને ય હવે ચચ્ચાર દાયકા થયા હોય. એ તો બે ય કાંઠે સભર સભર વહેતો અનુભવીએ છીએ. એમનું અગાધ વાંચન. એમનું તરબતર કરતું વિશ્લેષણ. તલસ્પર્શી તેમ જ તાગ મેળવતું સોજ્જું લખાણ અનેકોની જેમ મને ય મોજ કરાવે છે. સતત ખીલખીલ સ્મિત કરતા રહેતા પ્રકાશભાઈ સૌને જોડવાનો કસબ, કાચુંપાકું હોય ત્યાં સાંધવાનો કસબ સુપરે સમજે છે, જાણે ય છે. તેથી સાંપ્રત પરિષદને પણ લાભવાનું જ થશે, તેવી શ્રદ્ધા.
પરિષદ જોડેના લગાવને કારણે કેટલાક નિસબતે ભરેલાં મિત્રો સાંપડ્યાં છે તેનું સ્મરણ કરી લઉં. મનુભાઈ પંચોળી સાથેનો નાતો એમના બ્રિટન પ્રવાસોને કારણે મજબૂત થયેલો. પણ રઘુવીર ચૌધરી, જયન્ત મ. પંડ્યા, રમેશ ર. દવે ખાસ સાંભરી આવે. આજે પારુબહેન નથી તેનો અસાંગરો ઓછો નથી.
ભલા, ઇતિહાસની એરણે, કેટલાને સાંભરે 1909નું એ રાજકોટ અધિવેશન ? અંબાલાલ સાકરલાલ દેસાઈના પ્રમુખપદે મળેલા અધિવેશન ભણી મારો અંગૂલિનિર્દેશ છે. દોસ્તો, તમને સાંભરતું ય હોય, તે વેળા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર પરિષદના મહામંત્રી હતા અને એમણે જગત ભરે પથરાયા ગુજરાતીઓને ઉદ્દેશીને એક કાગળ પાઠવેલો. આવો એક કાગળ જપાનના કોબો શહેરે સ્વીકાર્યો અને જાહેર સભા કરેલી તેમ, અમારા આ મુલકના પાટનગર લંડન ખાતે પણ પચાસેક ગુજરાતીઓની એક સભા બોલાવાયેલી. દક્ષિણ આફ્રિકાના રંગભેદના અટપટા કોયડાઓના ઉકેલ શોધવા મોહનદાસ કરમચંદ ગાંધી અહીં પ્રતિનિધિમંડળ લઈને પધારેલા. એમણે આ સભા બોલાવી હતી. કારણ ? આ ત્રીજા અધિવેશનને સારુ ભાષાશુદ્ધિ અને જોડણીશુદ્ધિ પ્રત્યે આગ્રહ કેળવવા તથા લખાણો તપાસવા માટે વિદ્વાનોની નિમણૂક કરવા સભામાં ઠરાવ કરી ગાંધીએ મોકલી આપેલો. પછી તે ઠરાવનું શું થયું ? કોણ કહશે ?
અમને સવાલ થાય : તે દિવસોમાં જે સંપર્ક બ.ક.ઠા. અને મિત્રો કરતા, જાળવતા, તે ભલા, આજે કેમ ગેરહાજર છે ? આજે તો પ્રત્યાયનનાં સાધનો તો આંગળીને વેઢે જ છે ને ? વિજ્ઞાને આપણને 1909 પછીના ગાળામાં આજે વધુ નજીક મૂકી દીધાં છે. આજે જોતજોતામાં આપણે જગતને કોઈ પણ દેશ ઝડપથી આવી જઈ શકીએ છીએ. હવે તો વીજાણુ માધ્યમ વાટે સતત સંપર્ક જાળવી શકાય છે. દેશ દેશના ગુજરાતીઓ નજીક આવ્યા છે. આથી તળ ગુજરાત એકલું રહી નહીં શકે. આમ પરિષદ સમેતના ગુજરાત પ્રત્યે અપેક્ષાઓ સકારણ વધી છે. આપણા પૂર્વસૂરિ રણજિતરામ વાવાભાઈ મહેતા અને કનૈયાલાલ માણેકલાલ મુનશી કહેતા તેમ ગુજરાતના ભૌગોલિક સીમાડા વળોટીને બહારના ગુજરાતની પણ પરિષદે સક્રિય ચિંતા હવે તો કરવી જ રહી.
મુંબઈ, કોલકત્તા, કોઈમ્બતૂર, સરીખા સરીખા ભારત માંહેનાં નગરો અને વિસ્તારો ઉપરાંત પાકિસ્તાન, ઑસ્ટૃલિયા – ન્યુઝિલૅન્ડ, વિલાયત સમેત યુરોપ, તથા કેનેડા સમેત અમેરિકા તેમ જ આફ્રિકા ખંડના દક્ષિણ ને પૂર્વ વિસ્તારના દેશોનો ય સમાવેશ કરવો રહ્યો. આ વિસ્તારે ભાષાસાહિત્યની ફક્ત ચિંતા જ સેવવામાં આવી નથી, ત્યાં નક્કર કામો પણ થયાં છે. અમારે ત્યાં જ 1964ના અરસાથી ગુજરાતીનું શિક્ષણ અપાતું રહ્યું છે. અમારી અકાદમીએ જ 18 વર્ષ વિવિધ પરીક્ષાઓનું અયોજન કર્યું જ હતું ને. આથી અમે ય ગાઈએ છીએ : ’કહે દલપતરામ રાજા અધિરાજા સુણો, / રુડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.’ વળી અમે તો નવેક ભાષા-સાહિત્ય પરિષદો ય ભરી છે અને તેમાં નક્કર રજૂઆતો થઈ છે. ‘અસ્મિતા’ના અંકો તેની સાહેદી પૂરશે. આ તો અમારી એક વાત બની. પરંતુ આ દેશોએ કેવા કેવા સરસ કવિલેખકો આપ્યાં છે, જેણે આપણી વાણીને ન્યાલ કરી છે. તે દરેકને પરિષદે પોતાના કેન્દ્રવર્તી દાયરામાં સક્રિયપણે દાખલ કરવા જ રહ્યાં. કોઈક ઉચિત માનઅકરામોથી તેમને વંચિત ન રખાય તે જોવાનું કામ પણ તળ ગુજરાતે કરવું રહ્યું.
વીજાણું માધ્યમમાં પરિષદે પ્રવેશ કર્યો છે તે બહુ મોટી વાત છે. તમારી ‘નોળવેલની મહેક’ હવે ચોમેર પ્રસરી છે. તે સતત પ્રસરતી રહો. તમે સરસ વેબસાઈટ તૈયાર કરી અને તેમાં ‘પરબ’ને ય સામેલ કર્યું છે. વીજાણું માધ્યમનો લાભ લેનારા મિત્રોને સારુ આ અગત્યનું ઓજાર બની રહે છે. સોશિયલ મીડિયાના બાજોઠે જે સાહિત્ય વહેતું રહ્યું છે, તેમાં ક્યાંક ક્યાંક ચમકારા જોવા મળે છે. તે ભણી બેધ્યાન ન રહેવાય તેમ થવું જોઈએ. તમે તો વળી આ અધિવેશનમાં, આજને સારુ, બહુભાષી કવિમિલન’નું આયોજન કર્યું છે; અને આવતીકાલની બેઠકમાં ‘મહામારીના સમયમાં સાહિત્ય’ નામે એક પરિસંવાદ પણ કરવાના છો ને ! બહુ સરસ. આનંદ આનંદ. આ મહામારીને કેન્દ્રમાં રાખીને કેટલાં સરસ કાવ્યો, નિબંધો, લેખો, વાર્તાઓ રચાયાં છે તે દરેક ભણી પણ આપણે ધ્યાન આપવું રહ્યું. હકીકતે આ ઉપક્રમ પરિષદ માટે હરણફાળ જ છે. તેને માટે તમને જેટલાં બીરદાવીએ તેટલું ઓછું પડે.
વિરામ લઉં તે પહેલાં, એક અગત્યના મુદ્દે નિર્દેશ કરવાની રજા લઉં છું. પરિષદ અને પરિષદનાં વિવિધ સ્તરોનાં નાનાંમોટાં કામો અંગે ‘ગાંધીજીનું તાવીજ’ યાદ રાખવા જેવું છે. તેમ કરવાથી કોઈ પરાયા નહીં હોય, સૌ કોઈ પોતીકા હશે. તળ ગુજરાતે તેમ જ બૃહદ્દ ગુજરાતે પણ.
1936માં, આ અમદાવાદ નગરે, પરિષદનું 12મું અધિવેશન મળેલું. એ અધિવેશનના પ્રમુખપદે બીરાજમાન મોહનદાસ કરમચંદ ગાંધીએ, સન 1948માં કહેલું, “તમે જે ગરીબમાં ગરીબ અને લાચારમાં લાચાર મનુષ્ય જોયો હોય તેનો ચહેરો યાદ કરીને તમારી જાતને પૂછો કે તમે જે પગલું ભરવાનું વિચારો છો તે આ મનુષ્ય માટે કોઈ કામનું છે ? આનાથી એને કોઈ લાભ થશે ? આનાથી એ પોતાના જીવન અને ભાગ્ય પર કાબૂ મેળવી શકશે ? આનાથી આપણા દેશના કરોડો ભૂખ્યા પેટ અને ક્ષુબ્ધ આત્માવાળા લોકોને સ્વરાજ્ય મળશે ?
"ત્યારે તમે જોશો કે તમારી શંકાઓ અને અહમ્ ગાયબ થઈ રહ્યાં હશે.”
આમ જનતાની, ગરીબાઈની વાત હું અહીં નથી છેડતો; વિસ્તારે વિસ્તારે, કસબે કસબે, ગામે ગામે જ શા માટે, ખંડે ખંડે ય વિસ્તરેલી આપણી જમાતની વાત કરું છું. તે દરેક પરાયી નહીં રહેવી જોઈએ. આ ‘ગાંધી તાવીજ’ આપણા દાયરામાં કેન્દ્રસ્થાને રહેવું જ રહ્યું. અને વળી, તેને સારુ, 01 જૂન 1921ના ‘યંગ ઇન્ડિયા’માં લખતાં મહાત્મા ગાંધીએ કહેલું તે આપણો ધ્યેયમંત્ર બની રહેજો : ‘મારું ઘર બધી બાજુએ ઊભી દીવાલોથી ઢંકાયેલું રહે અને એની બારીઓ અને બાકોરાં બંધ કરી દેવામાં આવે એ હું નથી ઇચ્છતો. મારા ઘરની આસપાસ દેશ દેશાવરની સંસ્કૃતિનો પવન સુસવાતો રહે એમ જ હું ઇચ્છું છું, પણ તે પવનથી મારી ધરતી ઉપરથી મારા પગ ફગી જાય અને હું ઊથલી પડું એ હું નથી ઇચ્છતો.’
પ્રકાશભાઈ, સિતાંશુભાઈ, આ ભાતીગળ અધિવેશનને સર્વાંગી સફળતા મળજો, તેમ અંતરમનથી પ્રાથું છું; અને ભાવિનાં કામોને સારુ આપણને દરેકને ઇચ્છાશક્તિનું બળ મળજો.
હેરૉ, 18-21 ડિસેમ્બર 2020
e.mail : vipoolkalyani.opinion@btinternet.com