માનવજાતે હજારો વર્ષથી કેટકેટલા સંઘર્ષો કરીને, વેઠીને સભ્યસમાજનું સર્જન કર્યું છે. એક જમાનામાં માણસ વસ્તુઓની જેમ માણસ દ્વારા જ વેચાતો, પ્રાણીની જેમ સાંકળે બાંધી પીંજરામાં એને માણસ ઉર્ફે માલિક પૂરતો !
આજે આ બધું અસભ્ય ગણાય, જંગલી પ્રથા રૂપ ગણાય.
માણસના બહેતર જીવન જીવવા માટે લાખો લોકોએ સપનાં સેવ્યાં અને સપનાં સાકાર કરવા બલિદાનો પણ આપ્યાં.
આજથી બરાબર બસ્સો વર્ષ પૂર્વે ઠેઠ 1817માં મજૂર અધિકારો માટે ઝઝૂમનારા રોબર્ટ ઑવન નામના યુરોપિયન કર્મશીલે સૂત્ર કંડાર્યુ હતું ને લોકોમાં ગૂંજતું કર્યું હતું કે 'આઠ કલાક મજૂરી, આઠ કલાક મનગમતાં કામ ને આઠ કલાક આરામ ..'
દિવસના ચોવીસ કલાકને ત્રણ સરખા ભાગે વહેંચવાનું આ સપનું યુરોપમાં નહીં પરંતુ દાયકાઓ પછી અમેરિકામાં ફરીથી શ્રમજીવીઓમાં ગુંજતું થયું અને છેવટે 1937માં અમેરિકામાં મજૂરો માટે અઠવાડિયાના 40 કલાક શ્રમકાર્યનો કાયદો બન્યો. અને ધીરે ધીરે આખી દુનિયાના મોટા ભાગના દેશોમાં આ આઠ કલાક શ્રમકાર્યનો કાયદો વીસમી સદીમાં સ્વીકારાયો.
પણ ઘડિયાળના કાંટા ઊંધા ફરે એમ જ્યાં બજારની બોલબાલા વધી છે, સંપત્તિ – નાણાંનું સામ્રાજ્ય નવી ટેકનોલોજીના ટેકે વધ્યું છે ત્યાં હવે રોજના આઠ કલાક મજૂરી-કામને બદલે દસથી બાર કલાકની મજૂરી હવે સામાન્ય બનતી ચાલી છે અને ખાસ કરીને કમ્પ્યુટર-ઈન્ટરનેટ -સેલફોન આધારિત કામગીરીમાં હવે તો કંપનીઓ; વ્યવસ્થાતંત્રો ને ઓફિસોની જગાઓ બચાવવાનાં ભાગ રૂપે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચાઓ મર્યાદિત કરીને ટેકનોલોજી આધારિત કામ કરતાં તેમનાં કર્મચારીઓ પોતાના ઘરે બેસીને જ કામ કરે તેવું રાખે છે. યાને કિ પાલતુ કૂતરાના ગળે પટ્ટો બંધાય એમ કંપની માલિકો તેમની કંપનીના કર્મચારીઓ – કારીગરોને ચોવીસે કલાક કમ્પ્યુટર કે મોબાઇલ એટલે કે ઈન્ટરનેટના પટ્ટે બાંધી રાખે છે.
પણ આપણા જેવા ગરીબ દેશોમાં જ્યાં ટેકનોલોજી એટલાં મોટાં પ્રમાણમાં વીકસી નથી ત્યાં ય હવે શ્રમનું જે મહત્ત્વ હતું, સન્માન હતું તે જમીન, સંપત્તિ અને નાણાંના મુકાબલે દિવસે ને દિવસે ઘટતું રહ્યું છે તે ચિંતાનો વિષય છે.
આપણે ત્યાં આઝાદી આંદોલન દરમિયાન પણ વણાટ – કાંતણકામ જેવા શ્રમકાર્યને પ્રતીકરૂપે બનાવી ગાંધીજીએ વેઠપ્રથામાં સબડતા આદિવાસીઓ હોય કે દલિતો કે ખેતમજૂરો કે કિસાનો, તેમનાં દુઃખદર્દને વાચા આપી તેમની કષ્ટમુક્તિ માટેના આંદોલનોને પ્રેરણા આપનાર તો રહ્યા જ.
અને બીજી બાજુ રશિયન ક્રાંતિ ગઈ સદીમાં દુનિયાભરમાં શ્રમશક્તિ અને ખાસ કરીને સંગઠિત શક્તિનો મિજાજ ઊભો કરવામાં પ્રેરણારૂપ બની. સાથે સાથે ટ્રેડ યુનિયન પ્રવૃત્તિઓ પણ અન્ય દેશોની જેમ વિકસતી રહી.
આ બધી જ પ્રવૃત્તિઓ પર છેલ્લાં પચીસ વર્ષમાં ધીરે ધીરે બજાર કંટ્રોલ કરતું થઈ ગયું છે અને મજૂરોએ પોતાના અધિકારો માટે સંઘર્ષોથી ઊભા કરેલા કાયદાઓ પર જાણે કે સત્તાઓ દ્વારા પાણી ફેરવાઈ રહ્યું હોય એવો માહોલ ઊભો થઈ રહ્યો છે.
ગઈ સદીમાં શ્રમજીવીઓની તાકાતનો જે મિજાજ ઊભો થતો રહ્યો દેખાતો હતો તેની તો હવે કલ્પના પણ આ નવી સદીના બીજા દાયકામાં કરવી મુશ્કેલ બની ચૂકી છે.
મુંબઈની મજૂર પ્રવૃત્તિને યાદ કરીએ તો 1938ની 7મી નવેમ્બરે બાબાસાહેબ આંબેડકર જેમણે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી ઊભી કરી હતી અને ડાંગે જેવા ડાબેરી નેતાઓએ સહિયારી લડાઈ 'હડતાળ એ મજૂરોનો હક્ક છે' એ મુદ્દે કારખાને-કારખાને સભાઓ અને વિશાળ રેલી કાઢી હતી ને સત્તાને પડકારી હતી. તે દિવસે પોલીસ સાથેના સંઘર્ષમાં મૃત્યુ પામ્યા હતા.
એ વખતે મુંબઈ પ્રાંતીય સરકારમાં કૉન્ગ્રેસનો દબદબો હતો અને કૉન્ગ્રેસ દ્વારા જ ઔદ્યોગિક વિવાદ બીલ વિધાનસભામાં મૂકાયું હતું જેમાં હડતાળ પર પ્રતિબંધ મૂકતો કાયદો બનવા જઈ રહ્યો હતો.
બાબાસાહેબ આંબેડકરે તેનો વિરોધ કરતા, રેલી કાઢતા જણાવ્યું હતું કે 'હડતાળ એ તો મજૂરોનો મૂળભૂત હક્ક છે, જો હડતાળનો હક્ક જતો રહે તો મજૂર વેઠિયો – બંધવા મજદૂર – બોન્ડેડ લેબર માત્ર બની રહે ..'
અને એ પછી તો આઝાદ દેશમાં જે મજૂર કાયદાઓ બન્યા તેમાં બોન્ડેડ લેબર, કોન્ટ્રાક્ટ પ્રથા, બાળમજૂરી, મજૂરીના કલાક, બોનસ, લઘુત્તમ વેતન અને સલામતી અંગેના અનેકાનેક કાયદાઓ ઘડાયા.
પણ સૌથી દુઃખદ વાત એ છે કે 2002માં, વાજપેયીજીના શાસન સમયમાં જે રાષ્ટ્રીય શ્રમ આયોગની ભલામણો પર આધારિત બીલ સંસદમાં રજૂ થવાનું હતું તેનો ભારે વિરોધ થતાં તે પડતું મૂકાયું હતું પરંતુ એ જ મુદ્દાઓને સાંકળી લઈ સંસદના તાજેતરના સત્રમાં તે બીલ સરકારે પાસ કરાવી લીધું.
સંસદના આ ઐતિહાસિક ગણાતા સત્રમાં 30 જેટલા બીલ સરકારે ફટાફટ મંજૂર કરાવ્યા તેમાં આ 44 જૂના મજૂર કાયદાઓ નાબૂદ કરી, નવા ચાર લેબર કૉડ એટલે કે શ્રમ સંહિતાઓ ઘડવામાં આવી. અને તેમાંથી બે, વેજ કૉડ બીલ અને કોમર્શિયલ સેફ્ટી બીલ આ મહિનાની શરૂઆતમાં જ રાજ્યસભામાં 55 વિરુદ્ધ 8 મતે પસાર કરાવી લેવાયું. દેશના 50 કરોડ લોકોને સ્પર્શતા આ બીલોની ચર્ચા કરવામાં સંસદસભ્યોને ખાસ રસ પડ્યો નહીં તે તેમની આ અંગેની ચર્ચામાં હાજરી જ દર્શાવે છે.
આ બે શ્રમ સંહિતાઓને સંસદમાં રજૂ કરતાં સરકાર દ્વારા કહેવાયું કે જૂના સમયના અટપટા મજૂર કાયદાઓનું સરલીકરણ કરીને હવે 4 લેબર કૉડ – શ્રમ સંહિતાઓ બનાવી દેવાઈ છે જે દેશના પચાસ કરોડ શ્રમજીવીઓના જીવનને ઉપકારક બની રહેશે.
પણ ટ્રેડ યુનિયન નેતાઓ, શ્રમજીવીઓના અધિકાર માટે લડતા કર્મશીલોના મત પ્રમાણે તો આ નવી શ્રમ સંહિતાઓ મજૂરોના હિતમાં નહીં, પરંતુ માલિકોના હિતમાં બનાવવામાં આવી હોય એવું લાગે છે.
વેજ કૉડ પ્રમાણે હવે કેન્દ્રીય કક્ષાએ લઘુત્તમ વેતન નક્કી થશે, પરંતુ આ લઘુતમ વેતન નક્કી કરવાના માપદંડ વિશે કોઈ સ્પષ્ટતા નથી. દુનિયાભરના દેશોમાં લઘુતમ વેતન રોજ નિશ્ચિત કરવા માટે જુદા જુદા માપદંડો પ્રવર્તે છે જેમાં ખોરાક, પોષણ, સ્વાસ્થ્ય, શિક્ષણ, ઘર ભાડાં, વાહન ભાડાં જેવાં પરિવારના ખર્ચાઓને ગણતરીમાં લેવાય છે.
સ્ત્રી-પુરુષ કામદારોને સમાન વેતનની જોગવાઈ આ બીલમાં કરવામાં આવી છે તે આવકારદાયક છે.
આ નવી મજૂર સંહિતામાં વિવાદાસ્પદ વાત એ છે કે જ્યાં દસથી ઓછા કામદારો હશે ત્યાં કોઈ મજૂર કાયદા લાગશે નહીં. એટલે કે અસંગઠિત ક્ષેત્રમાં, આઉટ સોર્સ-કોન્ટ્રાક્ટ કામોમાં, ઘરમાં બેસીને થતાં કામોમાં અર્થાત્ દેશના 90% જેટલા કામદારોને આ કાયદા લાગુ પડશે નહીં.
વિશેષમાં આ નવી સંહિતા મુજબ, લેબર ઇન્સ્પેક્ટર માલિકોના સહયોગમાં કામ કરશે. એટલે કે કોઈની ફરિયાદ લઇને ફેક્ટરીની તપાસ નહીં થાય પણ કમ્પ્યુટર પર જોઈ પસંદ થયેલા કારખાનાઓની તપાસ થશે. પોલીસની જેમ છાપો પાડી યા માલિક પર કેસ નહીં કરાય પરંતુ સમજાવટથી અને માલિકની મંજૂરીથી કાર્યવાહી થશે. અને માલિકોને જેલમાં મોકલવાના તમામ પ્રાવધાનો બાજુએ મૂકી મજૂર ખાતાની સમજુતીની પ્રક્રિયા અને ન્યાયાલયની વચ્ચે એક બોર્ડ પણ ઊભું કરાશે.
બીજો ગંભીર મુદ્દો છે મજૂર સલામતીની બાબતે કોન્ટ્રાક્ટરની જવાબદારી છેવટની ગણાશે. અત્યારના કાયદાઓ પ્રમાણે છેવટની મુખ્ય જવાબદારી મૂળ ફેક્ટરી માલિકની ગણાય. આ ફેરફારને લઈ ફેક્ટરી માલિકો અને કોન્ટ્રાક્ટથી કામ આપનારા સરકારી તંત્રો પણ પોતાની જવાબદારીઓમાંથી છટકી જશે. મજૂરના મૃત્યુ કે ગંભીર અકસ્માતમાં ફેક્ટરી માલિકો જવાબદાર નહીં ગણાય જેને લઈ મજૂરને તેના હક્ક મળવામાં ઘણા ગૂંચવાડા ઊભા થશે. કોન્ટ્રાક્ટ કામો માટે લાઇસન્સ પદ્ધતિ લાવવાની વાત છે પણ તે અંગે સ્પષ્ટતા નથી.
વળી કોન્ટ્રાક્ટ પ્રથાને કારણે ફેક્ટરીના મજૂરીના નિશ્ચિત કલાકોની વાત જતી જ રહેશે ને ? કેટલા કલાક મજૂરી કરાવવી તે કોણ નક્કી કરશે ? કોન્ટ્રાક્ટર કે માલિક? અને ખાસ તો 'ઓવર ટાઈમ'નો નિયમ બનાવી તેને સ્વીકૃતિ અપાતાં આઠ કલાક કામનો સભ્ય સમાજનો આદર્શ રહેશે જ નહીં. આ ઉપરાંત એડવાન્સ નાણાં આપી મજૂરી કરાવવી એ ગુનારૂપ કાયદાની નાબૂદીથી વેઠપ્રથા – બોન્ડેડ લેબરની જેમ કામ કરાવવાની મજબૂરી મજૂરની બની રહેશે.
અને સૌથી જોખમરૂપ વાત એ એપ્રેન્ટીસશીપનો મજૂરની વ્યાખ્યામાં સમાવેશ નહીં થાય. વાસ્તવિકતા એવી છે કે અત્યારે ઓછા પગારથી રખાતાં એપ્રેન્ટીસ પાસેથી પૂરા ટાઈમના મજૂર જેટલું જ કામ લેવાતું હોય છે. હવે એપ્રેન્ટીસને જ મજૂરની વ્યાખ્યામાંથી બાદબાકી કરાતા તેને મજૂર તરીકેનો કોઈ હક્ક, લાભ, કલ્યાણકારી યોજનાનો લાભ નહીં મળી શકે.
કોન્ટ્રાક્ટ પ્રથાને પ્રોત્સાહન આપતા આ નવા મજૂર કાયદાઓને લઈ સુપ્રીમ કોર્ટે જે 'સમાન કામ માટે સમાન વેતન'નો ચુકાદો આપેલો છે તે અર્થહીન બની જશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા ટ્રેડ યુનિયને પણ તે મુદ્દે સરકાર સામે વિરોધ દર્શાવેલો છે.
અને જ્યારે આ શ્રમ સંહિતાઓ વિશે રાજ્યસભામાં ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે એ જ સંસદમાર્ગ પર દેશભરના ટ્રેડ યુનિયનોના આગેવાનોને હજારોની સંખ્યામાં ઊમટી પડેલા મજૂરો આ નવા કાયદાઓનો વિરોધ કરી રહ્યા હતા.
જો કે સંસદમાં તો વિરોધપક્ષો પણ જાણે કે આ નવા મજૂર કાયદાઓનું સમર્થન કરતા હોય એવું જણાયું. મજૂરોનો અવાજ સંસદમાં બેઠેલા, તેમના જ મતથી ચૂંટાઈને ગયેલા જનપ્રતિનિધિઓ ના સાંભળતા હોય એ પણ આજના સમયની નોંધપાત્ર વાત છે.
સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 14 ઓગસ્ટ 2019