Opinion Magazine
Number of visits: 9766162
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી૧૫૦ : શું ન કરવું…’

ઉર્વીશ કોઠારી|Gandhiana|8 October 2018

સઆદત હસન મંટોની એક લઘુકથા હતી : ટોળું તોફાને ચઢ્યું. તેમાંથી એક જણે સર ગંગારામના પૂતળાનું મોં કાળું કર્યું. બીજાએ તેને જૂનાં ખાસડાંનો હાર પહેરાવ્યો. પોલીસ આવી. લાઠીચાર્જ અને ગોળીબાર થયો. તેમાં જૂતાંનો હાર પહેરાવનાર ઘાયલ થયો. એટલે સારવાર માટે તેને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

બરાબર એક મહિના પછી સરકારી રાહે ગાંધીજીની દોઢસોમી જન્મજયંતીનાં ઉજવણાં શરૂ થશે. તેમાં ગાંધીજીની હાલત કંઈક અંશે ઉપરની કથામાં આવતા સર ગંગારામ જેવી થવાની પૂરી આશંકા છે. ગાંધીજીના મોઢે મેશ લગાડવાના પ્રયાસ કરનાર અને તેમના વિશે ધિક્કાર ફેલાવનારા પણ (ગાંધી૧૫૦ને વટાવી ખાવા) ગાંધીના શરણે જશે. તેમના સતત કુપ્રચાર છતાં ગાંધીગાડી હજુ ચાલી રહી છે,  એ જોઈને ચલતા પૂર્જા ચાલુ ગાડીમાં ચડી બેઠા છે.  બાકી રહ્યો ગાંધીના નામે ચરી ખાવાનો ધંધો. એ તો ગાંધીની હયાતીમાં જ શરૂ થઈ ચૂક્યો હતો. આમ, બે બાજુથી વહેરાતી અસલી ગાંધીની સ્મૃિતનું તેમની દોઢસોમી જન્મજયંતી નિમિત્તે સાવ પરચૂરણીકરણ થઈ જાય, એ સંભાવના ગંભીર છે. તેની શરૂઆત છેલ્લા થોડા સમયથી (સ્વચ્છતા અભિયાન જેવાં ગતકડાં સાથે ગાંધીને સાંકળીને) થઈ ચૂકી છે.

આ સંજોગોમાં ગાંધી૧૫૦ નિમિત્તે શું ન કરવું જોઈએ તેની કેટલીક સ્પષ્ટતા ઉપયોગી નીવડી શકે છે. સાચા ગાંધીપ્રેમીઓ આ અધૂરી યાદીમાં પોતાના તરફથી ઉમેરા પણ કરી શકે છે. પરંતુ ધુમાડાબંધ રીતે થનારાં ઉજવણાંમાં ગાંધીનું હાર્દ ખોવાઈ ન જાય, એટલા પૂરતી આ એક શરૂઆત.

વૈષ્ણવજનનું આલ્બમીકરણ : ગાંધીજીના હાર્દ સુધી પહોંચવાની પળોજણમાં ન પડવું હોય તો સહેલો રસ્તો તેમનાં પ્રતીકોને પકડવાનો છે – જેમ સરકારી સ્વચ્છતા ઝુંબેશમાં ગાંધીના ચશ્માને સંડોવી દેવામાં આવ્યા (જે ગાંધીજીના નહીં, પણ ‘તારક મહેતાકા ઊલટાં ચશ્માં’ના લોગોની યાદ અપાવે છે) ‘વૈષ્ણવજન’એવું જ એક પ્રતીક છે, જેનું સહેલાઈથી બજારીકરણ કરી શકાય છે. એક સમાચારમાં વાંચ્યું કે આ ભજન જુદા જુદા દેશના મોટા ગાયકો પાસે ગવડાવવાનું વિચારાઈ રહ્યું છે. પછી ‘વૈષ્ણવજન’નું આલ્બમ બનશે. મૅડોના સફેદ સાડીને પહેરીને એ ભજન ગાશે કે શકિરા પંજાબી ડ્રેસ પહેરીને, એ હજુ જાણવા મળ્યું નથી. પણ આવું આલ્બમ ધારો કે ધૂમ મચાવે, તો પણ તેમાં ગાંધી ક્યાં આવ્યા? તેમનાં મૂલ્યો ક્યાં આવ્યાં? એ આલ્બમનાં વેચાણમાંથી ગાંધીને લગતું કોઈ કામ કરીને માર્કેટિંગને વાજબી ઠરાવવાની કોશિશ કરવામાં આવે, એ તો માથું કાપ્યા પછી પાઘડી પહેરાવવા જેવું ન ગણાય? અને જે લોકોને આવાં કામ વિશે ’આટલું ય કોણ કરે છે?’ એવો ભાવ થતો હોય, તેમને જણાવવાનું કે ‘આટલું’ જો આવું જ થવાનું હોય તો કશું ન થાય તે વધુ સારું.

ઘેલાઈભર્યા વિશ્વવિક્રમો : કામ કરનારા લોકો પોતાનું કામ કરે છે અને વિશ્વવિક્રમો નોંધાય છે, જ્યારે ધ્યાનભૂખ્યા, શોર્ટકટિયાઓ દરેક બાબતમાં વિક્રમો નોંધાવવા હડી કાઢીને છીછરી માનસિકતાનું પ્રદર્શન કરે છે. ઘણા સમયથી આવી માનસિકતાને રાજ્યાશ્રય પણ મળેલો છે. એટલે યોગ જેવી ભારતીય પરંપરાનું જે હદે સરકારીકરણ અને વિશ્વવિક્રમીકરણ કરવામાં આવ્યું છે, એવું ગાંધીના મામલે પણ થવાની પૂરી આશંકા છે. જેમ કે, ફલાણા ઠેકાણે એક સાથે વિક્રમી સંખ્યામાં લોકોએ ’વૈષ્ણવજન’ ગાયું કે ઢીકણા ઠેકાણે વિક્રમી સંખ્યામાં લોકોએ ગાંધી મૅરેથૉન યોજી …

ગાંધીને ગાંધી બનવા માટે એકેય વિશ્વવિક્રમ નોંધાવવા પડ્યા ન હતા. તેમણે લખેલા પત્રોની સંખ્યા કદાચ એક જીવનમાં, એક માણસ દ્વારા લખાયેલા સૌથી વધુ પત્રોનો વિશ્વવિક્રમ હોઈ શકે, પરંતુ એ વિક્રમ ન હોય તો પણ તેનાથી શો ફરક પડે છે, જો તેમાં ગાંધીપણું ન હોય! એટલે સંખ્યાના કે નાણાંના જોરે વિશ્વવિક્રમો સ્થાપીને મોટાઈ અનુભવવાની લઘુતાગ્રંથિથી બચવું રહ્યું – કમ સે કમ ગાંધીને અંજલિ આપવાની બાબતમાં તો ખરું જ.

ગાંધીમૂલ્યોના ધંધાદારી બ્રાન્ડ ઍમ્બેસેડર : ગાંધીમૂલ્યો એ જાહેરખબરોનો મામલો નથી કે જેટલો મોટો બ્રાન્ડ ઍમ્બેસેડર, એટલો વધારે પ્રભાવ. જેમાં ગાંધી કરતાં બ્રાન્ડ ઍમ્બેસડર પર વધારે ભાર હોય તે સંદેશો તો અપાતા પહેલાં જ ખોવાઈ ગયેલો કે આડા પાટે ચડી ગયેલો ગણાય. ગાંધીના ઉપદેશને અમિતાભ બચ્ચનના ચહેરાની કે રાજકુમાર હીરાણીના ડાયરેક્શનની જરૂર નથી. ગાંધી અને નવરત્ન તેલમાં કે ગાંધી અને સંજય દત્તમાં એ પાયાનો ફરક છે. ગાંધીના મામલે, મૂળ ‘પ્રોડક્ટ’ એવી નથી કે તેને તારી નાખવા માટે મોટા બ્રાન્ડ ઍમ્બેસેડરની જરૂર પડે. તેનો અર્થ એમ પણ નહીં કે બચ્ચન-હીરાણી ટાઇપના લોકોના પ્રયાસની ટીકા કરવી. સવાલ યોગ્ય તોલમાપ કરવાનો છે. ગાંધીની થોડીઘણી વાત કે વિચાર પહોંચાડવા માટે પણ પૅકેજિંગના મોહમાં પડ્યા, તો રસ્તો ચૂક્યા સમજવું. ગાંધીને સારા પૅકેજિંગ કરતાં પણ વધારે, પ્રામાણિક અને સાચુકલા સ્વરૂપે રજૂ કરવાની જરૂર છે. ભેળસેળ વગરના, સો ટકા શુદ્ધ ગાંધી પોતે બધા બ્રાન્ડ ઍમ્બેસેડરના બાપ થાય એમ છે.

ધર્મ-અધ્યાત્મગુરુઓ અને ગાંધી : ધાર્મિક-આધ્યાત્મિક રજવાડાંથી ગાંધી દૂર જ રહ્યા અને લોકોના ધક્કે પણ પોતે એ ખાંચામાં ન સરી જાય તેની પૂરતી ચોંપ રાખી. ધર્મ-અધ્યાત્મની લાઇનમાં રહેલા લોકોના મોઢેથી ગાંધીની વાત એટલા માટે જ રુચતી નથી. ગીતા હોય કે કુરાન, ગાંધીએ ધર્મને માનવતાની ઉપર કદી સવાર થવા દીધો નહીં અને ધર્મગુરુઓને માથે ચડવા દીધા નહીં. કોમી તનાવના સમયમાં ધર્મ વિભાજન અને હિંસાનું કારણ બન્યો, ત્યારે પણ ગાંધીએ માનવધર્મનો મહિમા કર્યો અને બધા ધર્મગુરુઓથી ઉપર બની રહ્યા. પોતે લોકો પાસેથી જે ફાળો ઉઘરાવતા હતા, તેનો પૂરેપૂરો હિસાબ રાખ્યો. બારડોલી સત્યાગ્રહ કે પૂરરાહત વખતે એકઠાં થયેલાં નાણાંનો આના-પાઈનો હિસાબ તેમના સાપ્તાહિક ‘નવજીવન’નાં પાનાં ભરીને પથરાયેલો જોવા મળે છે. લોકસેવા અને ઉત્તરદાયિત્વનાં આવાં ગાંધીધોરણોથી વિપરીત આચરણ ધરાવતા અને સરકારો જોડેની સારાસારીમાં મહાલતા ધર્મગુરુઓ કે સ્યુડો-ધર્મગુરુઓ કયા મોઢે ગાંધીની વાત કરી શકે?

એરણની ચોરી કર્યા પછી સોયનું દાન કરીને પોતાની સાત્ત્વિકતા પર જાતે ને જાતે હરખાતા અથવા પ્રચાર માધ્યમોના જોરે છવાઈ જતા કહેવાતા ગુરુજીઓના મોઢેથી ગાંધીની વાત શોભશે?

વિચારવાનું આપણે છે.    

Email : uakothari@yahoo.com

(લેખકના બ્લોગ http://urvishkothari-gujarati.blogspot.com/ના સદ્ભાવથી)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2018; પૃ. 02 અને 15 

Loading

8 October 2018 admin
← સંઘ દર્શન : બાંયેદાહિને, આગેપીછે
મહાત્માની અરધી જિંદગીનો પૂરો હિસાબ : ગાંધીજીનું પહેલું જીવનચરિત્ર →

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved