છઠ્ઠી જુલાઈએ બપોરે એક અખબારી ખબરપત્રીએ ખબર આપ્યા કે અમૃતલાલ વેગડનું નિધન થયું છે. મને તેમનો પરિચય દોઢેક દાયકા પહેલાં થયેલો. શાંતિનિકેતનમાં આચાર્ય નંદલાલ વસુ (બોઝ) પાસે આઝાદી પછી પાંચ વર્ષ ચિત્રકળાની તાલીમ લીધેલી. પછી નિવૃત્ત થયા ત્યાં સુધી જબલપુરની કળાશાળામાં શિક્ષણકાર્ય કરેલું. જો કે ગુજરાતમાં તેમની ઓળખ ચિત્રકાર તરીકે છે તેથી ઘણી વધારે એક પ્રકૃતિપ્રેમી, સંવેદનશીલ લેખક તરીકેની બની રહી છે. તેમના બે પુસ્તકઃ ‘સૌન્દર્યની નદી નર્મદા’ તથા ‘પરિક્રમા નર્મદામૈયાની’ વાંચવાનો લ્હાવો મળ્યો ત્યારે ધન્ય થયાની લાગણી તથા આનંદ અનુભવ્યા હતાં. તેમનાં ઉપરોકત પુસ્તકો પહેલા સામયિક કે અખબારોમાં હપતાવાર શ્રેણી રૂપે ગુજરાતી તથા હિન્દીમાં પ્રકાશિત થયેલ. ભારતની અન્ય ભાષાઓમાં પણ તેના અનુવાદો પ્રકાશિત થયા છે.
એમના અંગે થોડી વિગત જાણવાની આશાથી ઈન્ટરનેટ પર વિકિપીડીઆ જોતાં માહિતી મળી : જન્મ-૧૯૨૮, સ્વર્ગવાસ -૨૦૧૮ . “ગુરુ ગોવિંદ દોનો ખડાં કિસકો લાગુ પાય?”, સાહિત્ય અને કળા ક્ષેત્રે અમૃતભાઈનાં પ્રદાનને કે વિકીપીડીઆની સજાગતાને?
મને શાંતિનિકેતન જવાની તથા સારો એવો સમય ત્યાં રહેવાની તકો મળતી રહી હતી. પરંતુ આંખે જોયેલ તથા જાતે અનુભવેલ તેનાં અનોખાં વાતાવરણની સમજ તો મને અમૃતભાઈએ ગુજરાતીમાં આલેખેલ શાંતિનિકેતન અંગેના પુસ્તકમાંથી જ મળી. ગુજરાતીઓમાં વાંચન પ્રસાર પ્રવૃત્તિ માટે મહેન્દ્ર મેઘાણી લાંબાં વર્ણનો ધરાવતાં લખાણોને સંક્ષિપ્ત રૂપે પ્રકાશિત કરતા હતા. ‘અર્ધી સદીની વાંચનયાત્રા’માં (કે તેવા કોઈ પ્રકાશનમાં) અમૃતભાઈએ લખેલ શાંતિનિકેતન સંબંધિત લેખ સમાવાયેલો તો ખરો, પરંતુ તે લેખ મૂળ હતો, તેથી પણ જરા લાંબા સ્વરૂપે. તેમાં મહેન્દ્રભાઈએ ઉમેરણ કરવું પડ્યુંઃ આ લખાણમાં એક પણ શબ્દ એવો નથી શોધી શક્યો કે જે કાઢતા લખાણ ખંડિત થયેલું ન અનુભવાય. (મૂળ શબ્દો જરા જુદા હશે). મને આશ્ચર્ય તો એ જાણીને થયું કે અમૃતભાઈના પિતા તો ૧૯૦૬માં કચ્છથી મધ્યપ્રદેશમાં જબલપુર જઈ વસેલા. ૧૯૨૮માં જન્મેલા અમૃતભાઈએ ગુજરાતીનું શિક્ષણ ક્યાં અને ક્યારે મેળવ્યું હશે, મોસાળમાં? ઘરમાં તો લિપિ ન ધરાવતી કચ્છી બોલી જ વપરાતી હશે. છતાં ગુજરાતી ભાષા પર પ્રભુત્વ કઈ રીતે હાંસલ કરી લીધું?
અત્યંત નમ્ર અને માયાળુ સ્વભાવ છતાં સાથોસાથ સ્પષ્ટ વક્તા પણ ખરા. નર્મદાની પરિક્રમા તેમણે પારંપારિક ઢબે સળંગ નહીં પણ તૂટક તૂટક કરેલી. શાળાની નોકરી અને શિક્ષક તરીકેની જવાબદારીઓ પ્રત્યેની જાગરૂકતા તેમને ‘હક રજા’ તથા ‘સીક લીવ’ જેવા પારંપારિક બની ચૂકેલા માર્ગ અપનાવવા દે તે શક્ય જ ન હતું. પરિક્રમા પૂરી કરવા વરસોવરસ દિવાળીની છૂટ્ટીઓ દરમ્યાન જેટલું અંતર ચલાય તેટલું કાપતા રહેતા. તે પણ બહુ ઓછું કપાતું કેમ કે વચ્ચે અવારનવાર રેખાંકનો દોરવા કે દૃશ્યચિત્રો બનાવવા અટકી જવું પડતું હતું. વળી, વચ્ચે વચ્ચે અચાનક ભેટી જતા અન્ય ગ્રામવાસી પરકમ્માયાત્રીઓ તથા સાધુ બાવાઓ જોડે ‘જ્ઞાનગોષ્ઠી’માં પરોવાઈ રહેતા હતા. આ અસ્ખલિતતા અંગેની અવઢવ જેવો વસવસો તેમણે એક સહયાત્રી સાધુ પાસે વ્યક્ત કર્યો ત્યારે સાધુએ કહ્યુંઃ લડ્ડુ પૂરા ખાઓ, ટૂકડા કરકે ખાઓ યા ચૂરા કરકે ખાઓ ફરક ક્યા પડતા હૈ? આવી, લોક્સ્તરે, લોકવાણીમાં પ્રગટ થતી રહેલી ગોષ્ઠીઓના અનેક પ્રસંગો અમૃતભાઈએ એમના પુસ્તકોમાં આલેખ્યા છે, કંડાર્યા પણ છે. (એમાંનો એક પ્રસંગ મેં એક મેનેજમેન્ટ ગુરુને કહેલો. તેને તે એટલો બધો ગમી ગયો કે તે દૃષ્ટાંત હવે તેમના લેક્ચર્સનો કાયમી હિસ્સો બની રહ્યો છે. જ્યારે પણ મને તે મળે છે ત્યારે એ પ્રસંગ યાદ કરી ‘થૅંક્સ’ વ્યક્ત કરે છેે.)
સાહિત્યક્ષેત્રે તેમનાં અનોખાં પ્રદાનોને તો સારો પ્રતિભાવ મળ્યો, રાષ્ટ્રીય સાહિત્ય અકાદેમી દ્વારા તેમને ૨૦૦૪માં પુરસ્કારિત કરાયા હતા. તે ઉપરાંત પણ એમને ઘણા પુરસ્કારો અપાયા છે. પરંતુ મહાનગરોમાં જઈને ચિત્રો પ્રદર્શિત કરવાનું કે પુસ્તકાકારે તેને પ્રકાશિત કરવાનું કામ વધુ અટપટું અને ખૂબ ખર્ચાળ હોઈ તે ક્ષેત્રે તેમણે કરેલાં ‘કોલાજ’ પ્રકારનાં ચિત્રો તેમ જ શાંતિનિકેતનમાં પ્રચલિત હતી તેવી નંદલાલ વસુની શૈલીની છાપ ધરાવતાં જોશીલા તથા લયબદ્ધ રેખાંકનો અંગે ઓછા લોકો માહિતગાર થઇ શક્યા.
•••
અજય પાઠક તરફથી મળેલ ભાવાંજલિનોંધના અંશો :
૧૯૭૭માં પોતાની ૪૯ની ઉંમરે એમણે નર્મદા પરિક્રમા પગપાળા શરૂ કરી હતી. એક જ વારે આ પરિક્રમા સંપન્ન થાય તેવું નથી. તેથી એકથી વધુ વખત યાત્રાઓ ગોઠવી, જુદા જુદા બિન્દુઓથી આરંભ કર્યો. છેલ્લી યાત્રા ૧૯૯૯માં ૭૧ વર્ષની ઉંમરે સંપન્ન કરી. આ યાત્રામાં તેમનાં પત્ની પણ સાથે હતાં, ક્યારેક વિદ્યાર્થીઓ પણ. યાત્રા દરમિયાન નર્મદાનાં વિભિન્ન રૂપોનું આહ્લાદક રસપાન કર્યું, તેમ કરાવ્યું. રેખાંકનો દ્વારા તેમ શબ્દો દ્વારા. ચિત્રકારની સૌંદર્ય દૃષ્ટિ, શિક્ષકનો સ્વભાવ તેમ રસપ્રદ અભિવ્યક્તિ. તેમાં ભળ્યો નર્મદા કાંઠાંના ગામોમાં વસતા લોકોનો ભાવ-ભક્તિપૂર્ણ સ્વભાવ-સ્પર્શ. તે બધાંથી રસાઈને આવ્યું અમૃતલાલનું શબ્દામૃત. ૧. સૌંદર્યની નદી નર્મદા, ૨. નર્મદાની પરિક્રમા, ૩. પરિક્રમા નર્મદામૈયાની.
આપણે કાકાસાહેબનો ‘હિમાલયનો પ્રવાસ’ આજ પર્યંત વાંચીએ છીએ, વાગોળીએ છીએ. તેવું આ બીજું પ્રદાન છે અમૃતલાલ વેગડનું. સરસ અભિવ્યક્તિ, વધુમાં તાદૃશ્ય રેખાંકનો. ભારતીય સંસ્કૃિતનો સંસ્પર્શ અને ભક્તિ-ભાવ. ભક્તિ/ પ્રેમ રાધાનો હોય, મીરાનો હોય કે કલાકારનો હોય; તે માર્ગ જ એવો છે જે અમુક મુકામે પહોંચાડે છે, સર્જકને તેમ ભાવકને. વેગડનો આ માર્ગ હતો.
અમૃતલાલ વેગડ સૌંદર્યલુબ્ધ જરૂર હતા પણ પર્યાવરણ-સભાન સામાજિક હતા. સક્રિય કાર્યકરની ભૂમિકા નિભાવતા હતા. નર્મદા-સમગ્ર-સંસ્થાના પ્રમુખ હતા.
તેમણે લોકકથાઓ, નિબંધો વગેરે પણ લખ્યાં છે. ‘થોડું સોનું-થોડું રૂપું ઉલ્લેખનીય.’
સારા ચિત્રકાર, સારા સાહિત્યકાર તેમ સારા વક્તા પણ ખરા. ગુજરાતી સાહિત્ય પરિષદના એકાદ જ્ઞાનસત્રમાં, મોરારિબાપુને ત્યાં ગુરુકુલ (મહુવા)માં યોજાતાં સત્રો – અસ્મિતા, સદ્ભાવનામાં તેમને સાંભળવાનો / સજોડે બેઠેલાં જોવાનો લહાવો લીધો છે તેનું સ્મરણ થાય છે. પહેલીવાર સાંભળ્યા ત્યારે થયું કે ભલભલા હાસ્યકારોની હરોળમાં બેસે તેવું તેમનું વક્તવ્ય છે. શબ્દો, ભાષા, ઉચ્ચાર અને દૃષ્ટિકોણના નાવીન્યથી તેમનું વક્તવ્ય એટલું બધું રસપ્રદ બનતું કે જે તે દિવસના તે પ્રતિભાવિશેષ બની રહેતા. આવા કલાકાર, સાહિત્યકાર, હાસ્યકાર અને ઉત્તમ વક્તાને ભલે બસ વાટે પણ એક પરકમ્માવાસીનો નાતે મારી ભાવભરી અંજલિ!
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2018; પૃ. 16 તથા 15