Opinion Magazine
Number of visits: 9447718
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીની કચ્છયાત્રા

પ્રભુલાલ ધોળકિયા, પ્રભુલાલ ધોળકિયા|Gandhiana|28 December 2016

આ વાતને ય હવે 91 વર્ષનું છેટું છે.

નવ જાન્યુઆરી 1915ના ગાંધી ભારત આવ્યા, ને 1925 વેળા હજુ દશ સાલ થયાં છે. અને બીજાં 23 વર્ષમાં તો મહાત્માને ગોળી ધરબીને જંપ્યા.

દક્ષિણ આફ્રિકે ગાંધી મૂઠી ઊંચેરા માનવી બનેલા તેથી હિંદમાં એમની આભા અને પ્રતિભા ઓજસ્વી હતી. પણ એમનાં વિચાર ને કામ અંગે ચોમેર હજુ કોકરવાયું ને ઉદાસીન મનોજગત ખડું હતું. આજના, જમણેરી, ગુજરાતમાં જે વાતાવરણ છે, જ્ઞાતિવાદ, જાતિવાદ અને પંથસંપ્રદાય કૂદકા મારે છે તો તે વેળા કેવી વરવી હાલત હશે ?! સોશિયલ મીડિયાથી તો જાણેલું છે કે એક જણ તો ગોડસેની ત્રણ ગોળીને બદલે ગાંધીને ફક્ત એક જ ગોળીને ભડાકે દેવાના તોરમાં રાચે છે !!

ખેર ! અહીં નીચે ભુજના પ્રભુલાલભાઈ ધોળકિયાએ કચ્છ માંહેના ગાંધીજીના સન 1925ના પ્રવાસની લખી ડાયરીના પાન આપીએ છીએ. ગાંધીને કેન્દ્રબિંદુમાંથી ખસેડી લઈએ અને વાસ્તવાદી બની જઈએ તો લાગશે કે આજે પરિસ્થિતિમાં છે કોઈ ફેરફાર ? જાતિવાદ, જ્ઞાતિવાદ, પંથસંપ્રદાયવાદ આજે ય વકરેલા જ છે ને ?

સામાજિક, સાંસારિક ને વેપારવણજ ને જાહેરજીવન ક્ષેત્રે જે વમળો ત્યારે હતા તેના સગડ તો ડાયરી લેખકે સહજપણે આપ્યા જ છે, પણ આપણો પથ કેવડો વિકટ છે તેની સાહેદી ય કદાચ લેખકે આપી જાણી છે.

કચ્છ સાથે સીધો જેને જેને નાતોસંબંધ છે અને ગુજરાતનું ઘડતરચણતર કરવામાં લગીર પાછીપાની નથી કરતાં તેવાં તેવાં તમ સ્નેહીમિત્રોને આહ્વાહન કરું … 

વાચક દોસ્ત ! તમારા કનેથી ક્યાંક પ્રકાશ લાધી પણ જાય …

− વિ.ક.

• • • • •

મારા પિતાશ્રી સ્વ. પ્રભુલાલ ધોળકિયાની નોંધ વર્ષોથી મારી પાસે સચવાયેલી હતી. ગાંધીજી 1925માં બે અઠવાડિયા માટે કચ્છની યાત્રા પર આવેલા. સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાદેવભાઈ દેસાઈ પણ સાથે હતા. લેખક-સ્વયંસેવકને નાતે સાદ્યંત આ યાત્રામાં ય જોડાયેલા. આ એક ઐતિહાસિક દસ્તાવેજ છે અને ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ માટેના કરેલા પ્રયાસો છે. કચ્છમાં દરેક સ્થળે બાપુનું ભવ્ય સન્માન થયું, તેમના દર્શનાર્થે માનવ મેદની ઊમટતી, છતાં દરેક સ્થળે હરિજનોને અલગ રાખવામાં આવ્યા. ક્યાંક તેમને માર પડ્યો. સભા તોડવાના પ્રયત્નો થયા. આ સ્થિતિ જોઈ બાપુની વેદનાનો પાર ન રહ્યો.

લેખકનો ‘આંખે દેખ્યો અહેવાલ’ પ્રથમ કચ્છથી પ્રકાશિત થતા રમેશભાઈ સંઘવીના તંત્રીપદ હેઠળ સંપાદિત દ્વિમાસિક “શાશ્વત ગાંધી”માં હપ્તાવાર છપાયો. “ઓપિનિયન”ના વાચકોને તત્કાલીન સામાજિક રૂઢિઓ અને લોકમાનસનો પરિચય થાય તે હેતુથી અહીં પ્રસ્તુત કરું છું.

− સરોજ ન. અંજારિયા

•••

-1-

ભુજ 22 ઓક્ટોબર 1925

કચ્છ માટે આજે આનંદોત્સવનો દિન છે. વિશ્વવંદ્ય મહાત્મા ગાંધીજીના પુનિત પગલાંથી  કચ્છની ભોમકા પાવન થઈ.

પાટનગરના આંગણે ભારે મોટી માનવ મેદની બાપુના દર્શનાર્થે જમા થયેલી છે. કચ્છના જાહેર જીવનમાં ભાગ લેતાં સેંકડો ભાઈ બહેનો આ પ્રસંગે અહીં પહોંચ્યાં છે. દૂર દૂરના ગામોએથી ગ્રામવાસીઓ પણ પાટનગરના પાદરે સંતના સ્વાગત કાજે ઉમળકા ભેર આવ્યા છે. વિરાટ સ્વાગત સરઘસ મહાત્માજીના જયનાદો ગજવતું પાટનગરના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થયું. અનેક સ્થળોએ જનતાએ ભક્તિભાવથી ફૂલહાર અને પુષ્પવૃષ્ટિથી બાપુને વધાવ્યા. સંતના સન્માનથી જાણે ધન્યતા અનુભવતો ન હોય એવો આનંદ-ઉલ્લાસ પાટનગરના વાતાવરણમાં ભર્યો છે.

નાગરી નાતની વંડી લોક સમૂહથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી. સ્વાગત મંડળે સુશોભિત મંચ ઊભો કરેલો. બાપુના વચનામૃતો  ઠેરઠેર મૂકેલાં છે. આખું સભાસ્થાન ધજા પતાકાથી શણગાર્યું છે. બેસવાનું આયોજન પણ સુઘડ રીતે કર્યું છે. સભાનું વિભાજન બે ભાગે કરેલું. રાષ્ટ્રીય સૂત્રો અને સુશોભનોથી વિભૂષિત એવો ભદ્ર લોકનો વિભાગ અને દોરડાંની આડશથી અલગ પડેલો એવો અસ્પૃશ્યો માટેનો વિભાગ. બાપુની બેઠક ભદ્ર લોકના ભાગમાં શણગારેલા મંચ પર રાખેલી. સભા મંડપનું આ રીતનું આયોજન સ્વાગત મંડળને તો સાવ સ્વાભાવિક લાગેલું. મનમાં કશો પણ અંદેશો આ વિષે ન હતો.

બાપુ અને એમના અંતેવાસીઓએ મંચ પર સ્થાન લીધું અને સ્વાગત ગીત ગવાયું. સ્વાગત મંડળી વતી માનસંગભાઈ કચરાએ સ્વાગત કર્યું. અને કચ્છના નગર શેઠ શ્રી સાકરચંદ પાનાચંદે માનપત્ર વાંચ્યું. માનપત્રમાં પૂજ્ય બાપુના અસ્પૃશ્યતા વિશેના આદેશોની પ્રશંસા પણ હતી અને પ્રજા વતી તેનું પાલન કરવાનો કોલ પણ હતો. આ બધું માનપત્રમાં તો હતું જ પણ ગાંધીજી જેવા હરિજન ઉદ્ધારકની સન્મુખ સભામાં હરિજનનું સ્થાન ક્યાં હતું? બાપુના જીવનમાં આ કંઈ પહેલો પ્રસંગ નહોતો. આવા દુઃખ અને દર્દ ભર્યા પ્રસંગો અનેક સ્થળે બાપુએ અનુભવ્યા હતા. આવા પ્રસંગે બાપુએ સમાજને ચેતવણીના આકરા વેણ પણ સંભળાવેલા.

માનપત્રનો જવાબ વાળતાં બાપુએ “અંત્યજવાડો” સભામાં અલગ ઊભો કરેલો તે વિષે ખેદ બતાવતાં પોતાનું સ્થાન તો એ અંત્યજો વચ્ચે છે એમ જાહેર કર્યું અને કચ્છની પહેલી સભામાં જ સહુની આંખ ઉઘાડે એવાં વચનો કહ્યાં. આ રહ્યા એ હૃદયભેદક વેણ:

“માનપત્ર પરથી તો મેં ધારેલું કે તમે તમારી સભામાં તમારી અને અંત્યજોની વચ્ચે લીટી નહીં દોરો પણ મેં જોયું કે તમે દોરી છે. ત્યારે મને થયું કે મારું સ્થાન અંત્યજ ભાઈઓમાં છે. કારણકે મેં ઠેકાણે ઠેકાણે મને ભંગી તરીકે ઓળખાવ્યો છે. એ દાવો મિથ્યાભિમાનનો નથી. એ દાવો કેવળ સેવાભાવથી થયેલો છે. અને તે પણ જન્મથી હિન્દુ ધર્મની ઓળખ કરીને, જન્મથી જ ધર્મિષ્ઠ મા બાપના સૂક્ષ્મ અનુકરણથી, હિન્દુ ધર્મનું પાલન કરીને, નહીં કે પશ્ચિમના વાયુથી દોરવાઈને મેં કરેલો છે. શરીર અને શારીરીને ઓળખવાનો મેં અભ્યાસ કરેલો છે, અને તે અભ્યાસને અનુભવમાં પણ ઉતારેલો છે. એ અભ્યાસને અંતે અને અનુભવને અંતે હું એવા નિશ્ચય ઉપર આવેલો છું કે અસ્પૃશ્યતાને હિન્દુ ધર્મ રાખી રહે તો હિન્દુ ધર્મનો નાશ થાય, હિન્દુસ્તાનનો નાશ થાય. એટલે તમને સાફ કહી દઉં છું કે એવા વિચાર વાળો હું તમારે મન અસ્પૃશ્ય હોઉં તો તમે આગ્રહથી મારો ત્યાગ કરજો અને કહેજો કે ‘તું તારી મુસાફરી એક દિવસમાં આટોપી લે’ આમ કરશો તો મને દુઃખ નહીં થાય પણ સુખ થશે. હું એમ સમજીશ કે કચ્છમાં પોતાપણાનું ભાન છે, હિંમત છે, મોટા કહેવાતા માણસોની સામે પણ મતભેદ બતાવતાં કચ્છીઓ હઠે તેમ નથી. એટલે મને કાઢશો તો તેમાં તમારું એકલાનું જ નહીં પણ મારું અને અંત્યજોનું પણ શ્રેય છે. તમારા ત્યાગથી  મારા અને તમારા સંબંધોમાં કશો ફેર નહીં પડે, એની ખાતરી રાખજો. તમે મારો ત્યાગ કરશો એમાં મારો અનાદર નથી. પણ મને બોલાવી અંત્યજોનો અનાદર કરવો એ તો મારો સખ્ત અનાદર છે. હું હિન્દુ ધર્મમાં ઓતપ્રોત છું. હિન્દુ ધર્મ માટે જીવું છું અને હિન્દુ ધર્મ માટે જ મરવા ઈચ્છું છું. એ હિન્દુ ધર્મની સેવા કરતો આજે હું અસ્પૃશ્યતાને ભારેમાં ભારે કલંક માનુ છું. અંત્યજોને પ્રાણ સમા માનું છું. અંત્યજોનો તિરસ્કાર જ્યાં થતો હોય ત્યાં હું ઊભો પણ ન રહી શકું. ભાગું જ. કારણ, ત્યાં મારા આત્માને ક્લેશ થાય. તમે મારા સત્યાગ્રહની સ્તુિત કરી છે ત્યારે તેનો પદાર્થપાઠ આપવાનું બીડું હું આજે ઝડપી લઉં છું. એટલે કાં તો અંત્યજોને આવવા દો અથવા તેમની મધ્યે જઈને મને બેસવા દો. પણ યાદ રાખજો કે મારી સેહમાં આવીને ઘેર જઈને નાહી લેવાની વૃત્તિથી તમે કાંઈ કરશો તે બરાબર નથી. મેં તો તમને કચ્છ આવું તે પહેલાં મારા પ્રાર્થનાપત્રથી સાવચેત કર્યા હતા એટલે તમે અંત્યજોને તમારી વચ્ચે આવવા દો તો એ નિશ્ચયથી આવવા દેજો કે તેમ કરવામાં તમે પુણ્ય કરો છો હિન્દુ ધર્મને સ્વચ્છ કરો છો અને તમે માનતા હો કે એમ કરવું એ પાપ છે તો બેલાશક તમે મને તેમની વચ્ચે બેસવા દેજો. બેમાંથી ગમે તે કરો પણ તે નિશ્ચયપૂર્વક, કોઈના ડર કે શરમ વિના કરશો તો તમારા કિંમતી ચાંદીના રેંટિયા અને ચાંદીની માનપત્ર પેટી કરતાં તમે મને વધારે માનપત્ર આપ્યું સમજીશ. પણ જોજો આજે અંત્યજોને આવવા દઈને પછી માંગરોળની જેમ તેમનો તિરસ્કાર કરશો તો તમે તેમની સેવા નહીં પણ કુસેવા જ કરવાના છો. વળી એટલું પણ કહી દઉં કે આજે જે સુધારો તમે કરો છો તે વિચારપૂર્વક કરવો જોઈએ. તમારી શક્તિનું માપ લઈને કરવું જોઈએ. કાયમના સુધારા તરીકે કરવો જોઈએ.”

બાપુની દર્દભરી વાણી સભા સ્તબ્ધપણે સાંભળી રહી. આભડછેટની તરફેણમાં અને વિરુદ્ધમાં મત લેવાયા. લોકોએ વિચારપૂર્વક હાથ ઊંચા કર્યા એમ લાગ્યું. તરફેણમાં ઓછા હાથ ઊંચા થયા લાગ્યા. બાપુએ પરિણામ જાહેર કર્યું અને સભાની બહુમતીને માન આપવા સૂચવ્યું. મંચ પરનું ટેબલ હરિજન ભાઈઓવાળા વિભાગમાં મુકવામાં આવ્યું. બાપુ અને તેમની મંડળી એ વિભાગમાં જઈ બેઠી. સભામાંથી પણ સારી જેવી સંખ્યામાં ભાઈઓ ત્યાં જઈને બેઠા. સ્વાગત મંડળના સભ્યો અને કાર્યકર્તાઓ પણ પૂજ્ય બાપુની મંડળી સાથે ભળી ગયા. આ સ્થળાંતરમાં બે પાંચ મિનિટ થોડી ગરબડ સભામાં થઈ ખરી, પણ તરત જ જાણે કાંઈ બન્યું ન હોય તેમ અપૂર્વ શાંતિથી બાપુને વિરાટ મેદનીએ સાંભળ્યા. માનપત્રમાં પણ રાજતંત્રના દુઃખો બાબતમાં કહેવામાં આવ્યું. મુંબઈ બંદરે વિદાય આપવા આવેલા કચ્છી આગેવાનોએ પણ બાપુને કાને ફરિયાદો નાખેલી. એ બધા પરથી બાપુએ રાજા અને પ્રજાના સંબંધો વિશેની વાતો કહી. પ્રજાએ પણ સત્યનિષ્ઠ રહીને હિંમત અને દ્રઢતાથી પોતાની ફરિયાદો રાજાને કહેવી જોઈએ એમ લોકોને ભારપૂર્વક સમજાવ્યું. પાટનગરે અભૂતપૂર્વ એવી પ્રેરણાદાયી અને તાજગીભરી સભા જોઈ.

*

-2-

23 ઓક્ટોબર 1925

પૂજ્ય બાપુએ સવારે એકાદ કલાક રાજ્ય કર્મચારીઓને મુલાકાતો આપવામાં ગાળ્યો. પ્રજાના સેવકો તરીકે તેમણે પ્રજા સાથે કેવા સંબંધોથી બંધાવું જોઈએ એની મિત્રભાવે વાતો કરી. પછી નવેક વાગે મહારાઓશ્રીને બાપુ મળ્યા. આ મુલાકાત પાટનગરના શરદ બાગમાં રાખવામાં આવી. શરૂમાં ઔપચારિક વાતો વખતે તો રાજ્ય કુટુંબના બધા સભ્યો પણ હાજર રહેલા. પછી બાપુ અને મહારાઓશ્રીએ એકાંતમાં બેસીને વાતો કરી. બાપુએ લોકોની ફરિયાદો એમની લાક્ષણિક વિવેકી ભાષામાં મહારાઓશ્રીના કાને નાખી, અને લોકલાગણીને સમજીને તંત્રને સુધારવાનો આગ્રહ કર્યો.

બપોર પછી પાટનગરના સંભાવિત નાગરિકો, જૈન મુનિઓ અને જાહેર સેવકો બાપુને મળ્યા, અને એમના વચનામૃતો સાંભળ્યા. આભડછેટના સવાલથી હચમચી ઊઠેલા ભુજના વિષમ વાતાવરણમાં ય મહાત્માજીના દર્શનનો મોકો મળ્યો તેનો લાભ લેવા અનેક બહેનો ભક્તિભાવ અને આદરથી આવી એ પાટનગરની એક વિશેષતા ગણાય. સાંજની જાહેર સભા આજે પણ નાગરની વંડીમાં યોજવામાં આવી હતી. બેસવાની વ્યવસ્થા ગઈકાલના બાપુના સૂચનને અનુસરીને રાખેલી. એક ભાગ અસ્પૃશ્યતામાં માનનારાઓનો અને બીજો ન માનનારાઓનો. ન માનનારાઓનો વિભાગ અને સંખ્યા પહેલી નજરે લગભગ સરખો જ દેખાતો હતો. હરિજન ભાઈઓ બાપુનો સંદેશો સાંભળવા મોટી સંખ્યામાં આવ્યા હતા. તેઓ બે કલાક વહેલા આવીને પોતાનો અધિકાર માનીને જમાવી બેઠા હતા. આટલા મોટા સવર્ણોના સમૂહમાં ખભેખભા મિલાવીને જાહેર સભામાં ભાગ લેવાનો તેમના જીવનમાં આ પહેલો પ્રસંગ હતો એટલે તેઓ ભારે આનંદમગ્ન હતા.

ધ્વનિવર્ધક યંત્ર હજી કચ્છમાં આવ્યાં નથી છતાં ય દશેક હજારની માનવ મેદનીએ બાપુની પ્રેરક વાણીનો અવિરત પ્રવાહ એકશ્વાસે સાંભળ્યો. ટાંકણી પડે તો ય અવાજ સંભળાય એવી નિરવ શાંતિમાં બાપુએ સભાને સંબોધી. મહારાઓશ્રીને પોતે મળ્યા તેની છાપની વાતો કરી, અને પ્રજાને પોતાની અસ્મિતા અને તેજ વધારવાનો આદેશ આપ્યો. ‘કચ્છનો પૈસો કચ્છમાં’ એવો પ્રચાર મુંબઈમાં એક વર્ગે શરૂ કરેલો તેની કચવાણ પ્રગટ કરી. કચ્છના સાહસિક દરિયાખેડુ અને વ્યવહાર કુશળ લોકો આવું સાંકડું દિલ રાખશે એવી તેમને કલ્પના પણ નહોતી. એ વિષે કચવાતા મને એમણે કહ્યું, “કચ્છના સાહસિક લોકો આવી વાત કરશે એમ નહીં કલ્પેલું. તેઓ રેંટિયો ચલાવે અને ખાદી પહેરે એટલું બસ નથી. હિન્દુસ્તાનના હાડપિંજરમાં કઇંક ચરબી ભરવા માટે મને દ્રવ્ય આપે એવી હું તેમની પાસે આશા રાખું છું. દેશબંધુનું સ્મરણ કાયમ રાખવું છે, એ પણ ભુલાવુ નહીં જોઈએ. મારે કાને ભણકારો આવ્યો છે કે હું કચ્છના પૈસા લઈ બીજે વાપરું છું. આ વાત સાચી છે પણ તે ફરિયાદ રૂપે નહીં આવવી જોઈએ. કચ્છમાં કંગાલિયત હોય તો માહારાઓશ્રીને લાંછન છે. કચ્છના કરોડપતિને લાંછન છે. કચ્છના લોકો કચ્છને સારુ પોતે જ પૈસા એકઠા કરે અને વાપરે એ તેમને શોભે. મારો તો ધંધો જ એ છે કે જ્યાંથી મને મળે ત્યાંથી પૈસા ઉઘરાવી જ્યાં જરૂર હોય ત્યાં અને જરૂરી લાગે તેવા કામમાં અથવા નિયત કરેલા શુદ્ધ કાર્યમાં વાપરવા. ગોસેવા અને રાષ્ટ્રભાષાના કામ માટે લાખો રૂપિયા મારવાડીઓ પાસેથી લાવ્યો છું. તેમણે કદી કહ્યું નહીં કે આ નાણાં મારવાડમાં વાપરજો. આવી વાત તો લાખોપતિ કચ્છીઓના મુખેથી સંભાળી મને દુઃખ થાય છે.”

સ્વાગત મંડળીની ધારણા તો લાખેકની રકમ દેશબંધુ સ્મારકમાં અને તેટલી જ રકમ ખાદી અને ગોસેવાના કામ માટે પૂજ્ય બાપુની ભિક્ષા ઝોળીમાં કચ્છની યાત્રા ટાણે મેળવી લેવાની હતી પણ ‘કચ્છના નાણાં કચ્છમાં’ વપરાય એવી બેહૂદી વાત પ્રચાર પામી અને દેખાદેખીથી ભડ એવા કચ્છીઓ પણ દોરવાઈ ગયા અને કચ્છનું નામ બાપુની યાત્રા જેવા વિરલ પ્રસંગે દેશદેશાવરમાં ગવાયું. આ નામોશીમાં ય મોટા આશ્વાસનરૂપ એવું દાન કેરાના સૂફી કવિ મહમદ હાસમ ચમને રૂપિયા 500 ગોસેવા માટે આપ્યા એ બન્યું. શેઠ માનસંગભાઈએ તો સ્વાગત મંડળનો લગભગ બધો ભાર પોતા પર ઉપાડી લીધેલો. તેમણે 10,000 રૂપિયા દેશબંધુ ફાળામાં અને રૂ. 2,500 ગોસેવા માટે આપ્યા. કચ્છની બેનમૂન કારીગરીવાળો ચાંદીનો બારડોલી ઢબનો નક્કર રેંટિયો કચ્છ પ્રજાની ભેટ લેખે માનપત્રની સાથે અપાયો તેનું શ્રેય પણ શેઠ માનસંગભાઈને ફાળે જાય છે.

*

-3-

24 ઓક્ટોબર 1925

પૂજ્ય બાપુ મોઢ વણિક ન્યાતના. એટલે પાટનગરની મોઢ વણિક જ્ઞાતિ પોતાનો જ્ઞાતિજન જગતનો મહાપુરુષ પાક્યો એટલે તેને સન્માનવાનું કેમ ચુકે? પછી ભલેને તેના ઉદ્દેશો ન્યાતને પસંદ હોય કે ન હોય, સામાન્યપણે તેના વિચારોનું પાલન કરવાનું બંધન ક્યાં સ્વીકારવાનું રહે છે? ન્યાત સન્માનનું ગૌરવ બાપુને મન ન હોય પણ ન્યાતનો તો ઉમળકો આવે એ સ્વાભાવિક છે. અંત્યજ સેવા અને ગોરક્ષાનો સંદેશો માનપત્રના જવાબમાં આપ્યો.

પાટનગરની બહેનો મારફતે કચ્છની સ્ત્રી શક્તિને બાપુનો સંદેશો મળે એવી ઉમેદથી નગરશેઠના પત્ની અને અન્ય આગળ પડતી બહેનોએ જૈન કોમની વંડીમાં બહેનોની સભા બપોર પછી ગોઠવી. સારી એવી સંખ્યામાં બહેનો આવી અને બાપુએ પણ બહેનોને માતૃપદ શોભાવવાની અને રાષ્ટ્ર સેવામાં બહેનોએ ભજવેલા ભાગની વાતો કરી.

સાંજે હરિજનવાસમાં સભા મળી. હરિજન કુટુંબો વચ્ચે બેસીને બાપુએ હરિજનોને તેમનાં દુઃખો માટે આશ્વાસન આપ્યું અને હિંમત રાખીને સમાજસુધારકોના પ્રયત્નોને અનુસરવાની શીખ આપી. શહેરના આગેવાન નાગરિકો અને સ્વાગત મંડળના સભ્યો ઉપરાંત આ પ્રસંગે પાટનગરમાં ઉપસ્થિત બધા કાર્યકરો પણ હરિજનવાસમાં બાપુ સાથે હતા. એટલે ખાસ્સી મોટી એવી સભા હરિજનવાસમાં થઈ ગઈ. હરિજનોની સામાજિક વિડંબણા અને આર્થિક શોષણની ગંભીર અને વેદના કરાવે તેવી વાતો બાપુ પાસે કાર્યકરોએ પણ રજૂ કરેલી અને બાપુને ટપાલમાં પણ મળેલી. સવર્ણ વસ્તીમાંથી પસાર થતાં “પોઇસ” (જેનો અર્થ મહેરબાન આઘા ખસો એવો થાય) બોલતાં હરિજનને જવું પડે અને આમ છતાં સવર્ણની ગફલતને લીધે તે કોઈને અડકી જાય તો લાકડીના મારે હાડકાં પાંસળાં ભંગાવવાં પડે એવી હાલત હરિજન સમાજની કચ્છમાં છે એનું દુઃખ હરિજનને તો કોઠે પડી ગયું  છે. એટલે એની ફરિયાદ તો એમનામાંથી ભાગ્યે જ કોઈએ કરી. પણ ‘ભૂંડી-ભૂંછી’ નામે કચ્છમાં કલંક રૂપ એવો આ કોમોને માટે વ્યભિચારના ઇજારાનો કાયદો પ્રચલિત. એ કાયદાની રૂએ અંત્યજોને સજા કરવામાં આવે. આનો ન્યાય કોર્ટ કચેરીએ ન થાય પણ ઇજારદારને ન્યાયનું કામ સોંપાયેલું. જાહેર ચડાખડીમાં વધારેમાં વધારે નાણાં આપે તેને આ ગુનાનો ન્યાય આપવાનો ઈજારો મળે. ઇજારદાર ન્યાય ચૂકવે અને દંડ વસૂલ કરે. પોતાની આવક વધારવા માટે ઇજારદાર ગુના વધારવાની તરકીબો કરે. વ્યભિચાર ન હોય ત્યાં ઠરાવે અને ગુનાનું આરોપણ કરાવી આવક વધારે. આ વ્યભિચારના ઇજારાનો ભારે ત્રાસ હરિજન અને પછાત કોમોને વેઠવો પડે એથી આ કોમોના સામાજિક અને નૈતિક ધોરણો પર બૂરી અસર થાય.

એવી જ એક બીજી પ્રથા વણકરોનું શોષણ કરનારી ચાલે. આ પ્રથામાં વણકરે જે કોઈ ધીરધાર કરનાર ધનિક પાસેથી કરજે નાણાં લીધા હોય તો તે તેના સિવાય બીજા કોઈનું તે વણી જ ન શકે. ધિરાણની રસમની આંટીઘૂંટી એવી કે વણકર તેમાં ફસાયો કે તેમાંથી છૂટી જ ન શકે. આ પ્રથાએ આપેલા અધિકારોથી ધિરાણ કરનાર નક્કી કરેલા દરે વણકર પાસે જીવનભર વણાટ કામ કરાવે. આવા ધનિકો વણકરના પરસેવે માલેતુજાર થાય. કચ્છનો કુશળ વણકર કારીગર આ પ્રથા હેઠળની ગુલામીમાંથી છૂટવા પોતાના  બાપદાદાનો વણાટ કસબ છોડી દેવા લાગ્યો છે. આ બંને પ્રશ્નો પણ બાપુએ મહારાઓશ્રી સાથેની ચર્ચામાં રજૂ કરેલા અને તેની નાબૂદી વિશેની ખાતરી મહારાઓશ્રી પાસેથી મેળવેલી.

પૂજ્ય બાપુનો પાટનગર નિવાસનો સમય મધ્યસ્થ સ્વાગત મંડળને સારુ મોટા ગૌરવનો અને અતિ આનંદનો બની રહ્યો. કચ્છના દૂરના ગામોએથી આવેલા નાના મોટા કાર્યકરો માટે પણ ખૂબ પ્રેરણાપ્રદ બન્યો. સ્વાગત મંડળે બીજા દિવસથી ઊંડાણથી વિચારીને સભાઓનું અને મુલાકાતોનું જે આયોજન કર્યું તે અંત્યજ પ્રશ્ને આણેલી ક્ષુબ્ધતામાંયે સફળાતાથી પાર પડ્યું એ સહુના સંતોષનો વિષય બન્યો. મહારાઓશ્રી સાથે પૂજ્ય બાપુની મુલાકાતના પ્રત્યાઘાત પણ પ્રમાણમાં સાનુકૂળ જણાયા. બાપુના સૌજન્યની અને મહામાનવના હૃદયની ઊંડી છાપ મહારાઓશ્રીના દિલ પર પડી અને એના પરિણામે કચ્છી પ્રજાનો રાજ્યતંત્ર વિશેનો કચવાટ ઠીક ઠીક અંશે ટળશે એવી આશા બંધાઈ.

મહારાઓશ્રીએ પણ નિખાલસ મનથી બાપુ પાસે પોતાનું દિલ ખોલ્યું એવું પૂજ્ય બાપુના ભાવવાહી ઉદ્‌ગારો પરથી પ્રતીત થયું. ગ્રામ પ્રદેશોમાંથી આવેલા કાર્યકરોને સરદારશ્રી અને મણિભાઈ કોઠારીને મળવાનો મોકો મળ્યો એથી કચ્છના કામોની સારી એવી માહિતી એ આગેવાનોને મળી. કચ્છમાં હિન્દુ મુસલમાન વચ્ચે પ્રવર્તતા એખલાસની વાતો જાણીને બાપુને ખૂબ સંતોષ થયો. કચ્છનો મુસ્લિમ ગોસેવાના કાર્યમાં હિન્દુ ધર્મી જેટલી જ દિલચસ્પી દાખવે છે એનું પ્રમાણ કવિ ‘ચમન’ના સાત્વિક દાનથી આ પ્રસંગે પ્રગટ થયું એ સુખદ ગણાય.

સ્વાગત મંડળે બે કોરી જેવું મામૂલી લવાજમ રાખી ગરીબમાં ગરીબને પણ બાપુના સ્વાગતનો અધિકારી બનાવ્યો એ પ્રશંસાપાત્ર ગણાયું. તે સાથે કચ્છના વાગડ જેવા પ્રદેશમાં હજી ડોશીમાનો રેંટિયો મોજુદ રહ્યો છે તેની પ્રસાદીરૂપ મેળવેલી સૂતરની સેંકડો આંટીઓ બાપુને ચરણે ધરવામાં આવેલી એ વિધિને સરદારશ્રીએ ખૂબ આવકારદાયક ગણી.

*

-4-

25 ઓક્ટોબર 1925

આજે સવારે યાત્રાનું પ્રયાણ કચ્છના પશ્ચિમ ભાગ તરફ થયું. રસ્તે આવતાં ગામોની જનતા સ્વાગત અને દર્શન કાજે સડકે ટોળાબંધ ઊભેલી અને જયનાદો પોકારતી હતી. ભુજમાંથી ચારેકોર ફેલાયેલી ભેળસેળની વાતે મહાત્માના દર્શનની ખેવના મોળી પડેલી ન લાગી. અભડાઈ જવાની ભડક જેવી મહાજનોમાં દેખાઈ તેવી ગ્રામપ્રદેશમાં ન લાગી.

રસ્તે દેશલપુર પાસે મંજલના ત્રિભેટે મંજલના વતની કચ્છના ખેડૂત અને અંત્યજ સેવક ખટાઉ વાલજીનાં બહેન સાધ્વી મૈયા અને તેમના મહિલાશ્રમની બહેનોએ બાપુના દિલને ટાઢક વળે તેવું સ્વાગત કર્યું. આશ્રમની બધી બહેનો નખશીખ ખાદીધારી. સ્વાગત ફૂલહારોને બદલે જાતે કાંતેલી આંટીઓની ભેટ ધરીને કર્યું. અંત્યજ સેવા અને ખાદી ભાવનાથી રંગાયેલી આ બહેનોની દેશભક્તિ જોઈ બાપુના મુખેથી “કચ્છમાં સાવ સૂકું નથી, લીલું ય છે ખરું!” એવા પ્રશંસાના શબ્દો નીકળ્યા.

બપોર પહેલાં રોહાવાળા કોટડા ગામે યાત્રાસંઘ પહોંચ્યો. આ ગામે એક સાધુચરિત હરિજન સેવકને જન્મ આપ્યો છે. કચ્છની યાત્રામાં આ ગામે જવાનો બાપુએ પોતે જ આગ્રહ સેવેલો. કોટડાના એ લોકસેવક જીવરામ કલ્યાણજી કોઠારીએ પોતાની સમગ્ર મિલકત ખાદી અને હરિજન-ગિરિજનની સેવા અર્થે દેશને ચરણે ધરેલી. આ સેવાવીરે પોતાનું સર્વસ્વ તો અર્પણ કરેલું જ ઉપરાંત પોતાનું જીવન પણ અંત્યજ અને આદિવાસીઓની સેવાને સમર્પણ કર્યું. તેઓ પોતાના પત્ની નાથીબાઈ સાથે ઓરિસ્સાના કંગાળ વિસ્તારમાં ભદકમાં આશ્રમ સ્થાપી જનસેવા કરે છે.

બાપુના કોટડા આગમન ટાણે જીવરામભાઈના જીવને ટાઢક વળે તેવું તો ન બન્યું એ દુઃખ જીવરામભાઈને માટે અસહ્ય હતું. બાપુને આપવામાં આવેલા ઉતારામાં હરિજનને પ્રવેશવાની બંધી રખાઈ હતી. આસપાસના ગામોએથી આવી ઊમટેલી માનવ મેદનીવાળી સભામાં સ્થાનિક સ્વાગત મંડળના પ્રમુખ ગામના સવર્ણોના હાથ પકડી પકડી તેમને અલગ તારવી હરિજનો સાથે બેસતા વારતા હતા. આ વર્તાવ જીવરામભાઈને માટે ભારે આઘાતજનક બન્યો. સ્વાગત મંડળનું પ્રમુખ પદ શોભાવતી વ્યક્તિનો આવો વિલક્ષણ વર્તાવ કેટલો બેહૂદો ગણાય! દેશાવરમાં જાણીતા કોટડાના બેએક ધનપતિઓએ કોટડામાં હરિજન શાળા સ્થાપવાનો વિચાર કર્યો અને તેનો શિલારોપણ વિધિ બાપુના વરદ હસ્તે કરાવવાનો કાર્યક્રમ યોજ્યો. શાળા માટે વ્યવસ્થા વિચિત્ર રીતે વિચારેલી એની જાણ જીવરામભાઈને પણ ન કરેલી! તે વાત બાપુના કાને આવી. શાળા હરિજન બાળકોની, પણ શિક્ષક બાળકોનો સ્પર્શ કર્યા વગર ભણાવે એવી તેમની પૂર્વયોજિત ગણતરી! અસ્પૃશ્યતાના ત્યાગનો પાયો નાખવાને બદલે આ અવિવેકી યોજના વડે આભડછેટનું સંભારણું ગામમાં જાણે ન હોય! અને તે કાર્યનો પાયો પૂજ્ય બાપુને પવિત્ર હાથોએ નાખવાનો! દાતાઓની આ મૂઢ સમજણ સરદારશ્રીની સમજાવટથી ટાળવામાં આવી અને તેમની પાસેથી ખાતરી મેળવ્યા પછી જ જીવરામભાઈએ બાપુની સંમતિ પાયો નાખવા માટે મેળવી. પાયો નખવાનો પ્રસંગ પણ એવો જ અણછાજતો થયો. ગોળ ધાણા વેચાયા તે લેવા અચાનક બે ચાર હરિજન બાળકો આવી ચડ્યા તે સિવાય કોઈ હરિજનની હાજરી આ પાયાવિધિની સભામાં નહીં! પરમ વૈષ્ણવ નરસિંહ મહેતાના અવતાર સમા જીવરામભાઈના કોટડા ગામે તો સાંભળ્યા પ્રમાણે બાપુને આપેલ ઉતારો તેમને વિદાય આપ્યા પછી ગોમૂત્ર અને ગંગાજળ છાંટીને શુદ્ધ કર્યો.

કોટડા જવાનું આકર્ષણ બાપુને જીવરામભાઈની અંત્યજ સેવાને કારણે રહેલું. કોટડાનો વણકર ખાદી કાર્યમાંથી માનભરી રોજી મેળવે તે માટે જીવરામભાઈએ વણાટ શાળા શરૂ કરેલી. આસપાસના ગામોમાં પણ રેંટિયા ફરતા કર્યા અને વણકરોને પાકાં મકાન બંધાવી આપ્યાં. તેમના બાળકોના શિક્ષણની ચિંતા પણ જીવરામભાઈને માથે હતી. બાપુની પધરામણીને કોટડાવાસીઓએ વધાવી લીધી તો ન કહેવાય તો પણ ગરીબ વણકરોના બાળકોને બાપુના આશીર્વાદે હરિજન શાળા મળી. એટલા પૂરતો સંતોષ જીવરામભાઈના દિલને થયો ખરો! અને વણકરો અને વૃદ્ધ કાંતનારીઓ કોટડાના પાદરે બાપુના દર્શનાર્થે આવેલા એથી જીવરામભાઈનું ભક્ત હૃદય ગદગદિત થતું જોયું. સ્થાનિક સ્વાગત મંડળના મોવડીના સંકુચિત વ્યવહારનું દુઃખ આવા સત્સંગીઓની હાજરીથી જીવરામભાઈ ભૂલી જાય એવા એ સરળ હૃદયના ભાવુક છે. કોટડામાં તેમણે શરૂ કરેલ ખાદી પ્રચાર અને અંત્યજ સેવાનાં કામનો પરિચય સરદારશ્રી અને મહાદેવભાઈએ વિગતે મેળવી લીધો અને બાપુને એથી વાકેફ કર્યા. બાપુ એ જાણી પ્રસન્ન થયા. કોટડાની મુલાકાત આ સેવાયજ્ઞના દર્શનથી સાર્થક થઈ ગણાય.

ગઈ રાતે જીવરામભાઈની વિદાય લઈને સંઘ કોઠારા તરફ ઉપડ્યો. આગળ મોટર ચાલે તેવું ન હતું એટલે મહારાઓશ્રીએ આપેલ મોટર ભુજ પાછી મોકલી દીધી. આખી રાતની વિકટ મુસાફરી કરીને સવારે કોઠારા પહોંચ્યા. અબડાસાના આ ભાગનો ગાડા રસ્તો ભારે અજંગડ. અબડાસાવાસીઓએ જૈન મહાજનનો સુંદર રથ બાપુની મુસાફરી માટે સજાવીને મોકલેલો. તેમ મહારાઓશ્રીએ પણ આ વિકટ વનવાટ માટે પાલખી મોકલેલી. રસ્તો ખૂબ સાંકડો અને ખાંચાવાળો એટલે રથને બદલે પાલખીનો ઉપયોગ કરવા કાર્યકર્તાઓએ બાપુને વિનવ્યા. બાપુ થોડે રસ્તે પાલખીમાં બેઠા તો ખરા પણ પાલખી ઉપાડનારા ભોઈ લોકો ભારે અનાડી! એલફેલ બોલે અને કાર્યકર્તાઓને ભાંડ્યે રાખે! રાજ્યના માનીતા આ કર્મચારીઓને મનાવે પણ કોણ? કોઈનું સાંભળે ત્યારેને? છેવટે પાલખી છોડીને બાપુ રથમાં બેઠા અને કાંટા, ઝાંખરાની વાડો વચ્ચે ભીંસાતા પસાર થઈને ગાડાવાટે રથમાં રાત બધી બેસી રહી ઊંઘ વગરની મુસાફરી કરી.

કોઠારાએ સ્વાગત માટે ભવ્ય મંડપ ઊભો કરેલો અને બીજી તૈયારીઓ પણ મોટા પાયે કરેલી, પણ કોઈ વાતનું ઠેકાણું ન મળે. બાપુ શેની અપેક્ષા રાખશે એની જાણે કોઈને પડી જ ન હતી. સ્વાગત પ્રમુખ પોતે પરદેશી વસ્ત્ર વિભૂષિત, તો બીજે ખાદીના દર્શનની આશા શી રાખવી? પ્રમુખ આમ તો ભલા માણસ. દેશબંધુ ફાળાની વાત તેમને કરી તો આવી કોઈ વાત તેમને કોઈએ કરી જ ન હોય એવું અજાણ પણું બતાવ્યું. સભામાં હરિજનને કોણ આવવા દે? સરદારશ્રીએ જાતે જઈને હરિજનોને સભામાં સ્થાન અપાવ્યું પણ તેમની સાથે બેસનારા ક્યાંથી કાઢવા?

કોઠારા અબડાસા તાલુકાનું મુખ્ય મથક જેવું ગણાય. સ્વ. ગોકળદાસ તેજપાલ જેવા દાની પુરુષની જન્મ ભોમકા. ત્યાંના કાર્યકરો પણ કસાયેલા. બાપુને સારી જેવી રકમ ત્યાં ફાળામાં મળશે એવી આશા રાખવામાં આવી હતી. પણ એમાં ય કોઠારાએ સાવ નિરાશ કર્યા. ગઈ કાલની કપરી મુસાફરીનો થાક અને ઉજાગરો એટલે બાપુને સહેજ તાવ આવી ગયો. આજે મૌનવાર છે એટલે બાપુએ સાંજે મૌન લઈને ટપાલ લખી-લખાવી અને “નવજીવન”, “યંગ ઇન્ડિયા” માટે લેખો લખ્યા-લખાવ્યા.

અબડાસાવાસીઓએ પૂજ્ય બાપુની કચ્છ યાત્રા આસાન અને સુખ સગવડ ભરી થાય તે માટે જૈન મહાજનનો કલાત્મક અને આરામદાયી બેઠક વાળો રથ સ્વાગત મંડળને સોંપેલો એ તો હું આગળ લખી ગયો. આવો પ્રગટ આતિથ્યભાવ દાખવનાર યજમાનોના મંુબઈવાસી આગેવાનોએ સભાઓ ભરીને બાપુ કચ્છનો પૈસો બહાર તાણી ન જાય તેવી તકેદારી રાખવાના ઠરાવો કરીને સ્થાનિક મહાજનોને મોકલેલા એ હકીકત અમ યાત્રિઓથી છુપી રાખી શકાઈ નહીં. સરદાર જેવા ચાણક્ય પુરુષ તો આ હકીકત ભુજથી જ અખબારોના પ્રતિનિધિ પાસેથી સૂચક એવી ચર્ચામાંથી પામી ગયેલા. આતિથ્યભાવનાનો આવો વિષમ જોગ જોઈને સરદારના દિલમાં તો ભારે વેદનાગ્નિનો રોષ ભર્યો હતો. પણ એમણે બાપુએ સીંચેલા સંયમ અને વિવેક વડે આ રોષના ઝેર પી જઈને મૌન જાળવ્યું એ સરદારશ્રી જેવા રાજનીતિજ્ઞની લાક્ષણિકતા છે.

ગોકુલદાસ તેજપાલ જેવા ઉદારચિત્ત મહાનુભાવના દાનની સીમાઓ લોકે આત્મસાત કરી ન હતી તેની યાદ સરદારે કોઠારામાં કાર્યકરોની સભામાં અબડાસાવાસીઓને આપી. બાપુની રથયાત્રા કાઢનાર અબડાસાવાસીઓ આવી સાંકડી મનોદશા સેવતા હશે એવું કોઈ માની શકે નહીં એમ કહી સરદારે સાથી કાર્યકરોને મિત્ર દાવે ઠપકો પણ આપ્યો. ‘કચ્છનો પૈસો કચ્છમાં’ વપરાય એવી અણછાજતી ઝુંબેશની અસર અબડાસા પર વધારે થયેલી લાગી. કોઠારાની સભામાં અમે ઝોળી ફેરવી એમાં ગરીબ જનતાના દોકડા – ઢીંગલા કે બહુ તો કોરી, પાંચિયાના થોડા સિક્કા મળ્યા, સિવાય મોટી રકમોની જાહેરાત કે વચનો કોઠારાની સભામાં ન સંભળાયા તેની શરમ અને દુઃખ અમ યાત્રીઓને રહ્યાં.

*

-5-

27 ઓક્ટોબર, 1925

કોઠારાથી વિંઝાણ થઈને મોડી રાત્રે ડુમરા પહોંચ્યા. આસપાસના કેટલાં ય ગામોના લોકો બપોરથી ડુમરાના પાદરમાં જમા થયેલા. સાંજે થનારી સભા મોડી રાતે થઈ. તો પણ હજારો ભાઈ-બહેનો કલાકો સુધી ધીરજથી રાહ જોઈને બેઠાં હતાં. બાપુએ પાટનગરથી આજ સુધીમાં થયેલા અનુભવોની વાત પણ  કહી. ડુમરાની સભા સ્વયઁભૂ અને સ્વયંસંચાલિત હતી એટલે તેમાં સવર્ણ અને અંત્યજને અલગ બેસાડવાની વ્યવસ્થા વિચારવાનો સવાલ ન હતો. લોક જેમ જેમ આવતા ગયા તેમ તેમ બેસતા ગયા. સભાને ફાળાની અપીલ કરી. કેટલીક બહેનોએ ઘરેણાં અને અનેક લોકોએ નાની રકમો ઝોળી ફેલાઈ તેમાં ભાવથી આપી.

અબડાસાના ડુમરા ગામના યાત્રા પડાવમાં કોથળો ભરીને ટપાલ મળી. પૂજ્ય બાપુની પાટનગરની સભાઓ અને અન્ય કાર્યક્રમોના અહેવાલો મુંબઈના અખબારોને તેના પ્રતિનિધિઓ મારફતે તારથી તો ઝટ પહોંચ્યા હશે પણ વર્તમાન પત્રો ટપાલમાં તો ત્રીજા દિવસે કચ્છ પહોંચે.  બાપુની  યાત્રાના નિયત કાર્યક્રમ પ્રમાણે ટપાલ હરેક પડાવના મોટા ગામે મળતી રહે તેવી ગોઠવણ સ્વાગત મંડળે કરેલી. મુંબઈના ઘણા ખરાં વૃત્તપત્રો બાપુની ટપાલમાં આવે છે. આજે આવેલી ટપાલમાંના અખબારોમાં પાટનગરની સભાઓના રંગદર્શી અહેવાલો વાંચવા મળ્યા. અખબારોના વૃત્ત વિવેચકોનો આગવો એવો કસબ અહેવાલમાં જોવા મળ્યો.  સમાચારો ચમકાવવાની હથોટીવાળા અખબારનવેશોની મનોદશાથી બાપુ પૂરા પરિચિત હતા એટલે એમને તો નવાઈ ન લાગી. બાપુનું સ્થાન દુનિયાના મહાન પત્રકારોમાં પણ આગળનું ગણાય છે. પત્રકારિત્વની બાપુની નીતિ સાત્વિક, સત્યનિષ્ઠ અને પ્રામાણિક. સત્યના પૂજારીને અખબારોની આ સમાચાર લીલા શે ગમે? ભભકા ભર્યા શીર્ષકોથી વિગતોની સ્થૂળ વાતોને ચગાવવાનું આ ધોરણ સાત્વિક પત્રકારિત્વની નીતિને બેસતું ન ગણાય એવી ટીકા બાપુએ આ સમાચારો પર નજર ફેરવી જઈને કરી. છાપાંના પ્રતિનિધિએ તો સરદારશ્રી અને મહાદેવભાઈ તરફથી સાનુકૂળ અભિપ્રાયની અપેક્ષા રાખેલી તે પણ ન સંતોષાઈ એથી અજંપો થાય એ સ્વાભાવિક છે. હવે પછી યાત્રાના સમાચારો પર મહાદેવભાઈ કે મણિભાઈ નજર નાખી જાય પછી જ રવાનગી કરવી એવું સરદારશ્રીનું સૂચન પ્રતિનિધિઓએ સ્વકાર્યુ. એ બાપુના સહયાત્રી બનેલા  અખબારનવેશોને માટે શોભાભર્યું ગણાય.

ડુમરાની સભાનું વાતાવરણ અને ઠાવકાઈ પ્રસંશાપાત્ર હતા એ તો આગળ લખી ગયો છું. સ્પર્શાસ્પર્શની સૂગ યાત્રીઓને મળેલા ઉતારામાં ક્યાં ય ન જણાઈ. જૈન જ્ઞાનશાળામાં યાત્રીઓ માટે સર્વ પ્રકારે સગવડો કરવામાં આવેલી. ભોજન વ્યવસ્થામાં પણ કોઈ પ્રકારનો ખચકાટ કે પંક્તિભેદ ન વર્તાયો. જ્ઞાનશાળાનાં સંચાલિકા કુમારી કબુબહેને ખૂબ આદર અને ભાવથી અતિથિ સત્કારની વ્યવસ્થા જ્ઞાનશાળાની બહેનોના સહકારથી સુંદર રીતે કરી. કુમારી કબુબહેન બ્રહ્મચર્ય વ્રતધારી, સુશીલ અને અભ્યાસી જીવ. મહાદેવભાઈ અને સરદારશ્રી પણ કબુબહેનનાં સૌજન્ય અને સદ્દવૃત્તિથી પ્રભાવિત થયા. ડુમરાની સભાની વ્યવસ્થા કુશળતાપૂર્વક જૈન બાળાશ્રમના કિશોર વિદ્યાર્થીઓએ જાળવી. બપોરથી અનેક ગામોએથી આવીને ડુમરાના પાદરે જમા થયેલાં હજારો ભાઈ-બહેનોને ઉતારા-પાણીની સગવડો આ સ્વયંસેવકોએ કરી આપી. ધીરજની કસોટી થાય તેટલી મોટી સભા થઈ શકી છતાં આવડી મોટી મેદનીએ સભાસ્થાને વ્યવસ્થિત ગોઠવાઈ જઈને મોંઘેરા મહેમાન તરફ જે ભક્તિભાવ અને આદર બતાવ્યો તે ખરે જ ધન્યવાદને પાત્ર છે.

સુનિયંત્રિત વ્યવસ્થા અને વાતાવરણ સર્જવામાં બાળાશ્રમના ગૃહપતિશ્રી ગોવિંદજી આશરનો મોટો ફાળો છે. ગોવિંદજીભાઈ સંનિષ્ઠ શિક્ષક અને ચુસ્ત રાષ્ટ્રવાદી. તેમનું આખું કુટુંબ ખાદીધારી. વિદ્યાર્થી સ્વયંસેવકો પણ તેમની અસરને લીધે શુદ્ધ ખાદીના ગણવેશમાં હતા. શ્રી ગોવિંદજીભાઈએ બાળાશ્રમને રાષ્ટ્રીય વાતાવરણનો રંગ લગાડ્યો છે. વિદ્યાર્થીઓ ઘણા શિસ્ત અને તાલીમબદ્ધ. બાપુ અને સરદારશ્રી પર આ બાળાશ્રમની સારી છાપ પડી.

*

-6-

28 ઓટકોબર, 1925

ડુમરાથી માંડવી ભણી વળ્યા. વાટે આવતાં ગામોના લોકો સ્વાગત કરતાં તેટલા પૂરતું રોકાણ વચ્ચે થતું. આ બધી મુસાફરી દરમ્યાન યાત્રાસંઘ રેંકડા, ઊંટ અને ઘોડાના ચાડીકાના કાફલા વાળો, ધૂળ ઉડાડતો આગળ વધી રહ્યો હતો. માંડવી તાલુકાના જાણીતા ગામ ગોધરામાં સાંજે પહોંચીને મેલાણ નાખ્યું. કોટાડાથી શરૂ થયેલી થકવી નાખે તેવી મુસાફરીનો થાક ઉતારવાની ગણતરીથી માંડવી પહોંચતાં પહેલાં થોડોક સમય બાપુને આરામ મળે એ ખ્યાલે ગોધરાના શેઠ ડુંગરશીભાઈની વાડીમાં એક દિવસ વધુ રોકાઈ જવાનું કાર્યકર્તાઓએ ગોઠવ્યું. એ નજરે ગોધરાની સભાનો કાર્યક્રમ થોડો હળવો રાખ્યો હતો.

‘કચ્છના નાણાં કચ્છમાં’ એ હિલચાલવાળા ભાઈઓએ મુંબઈની એક સભામાં કરેલ ઠરાવની સત્તાવાર જાણ અમને અહીં ગોધરાના મહાજન પાસેથી થઈ. મુંબઈના પરા જેવા લાગતા મેડીઓવાળા ગોધરા ગામમાં દેશબંધુ સ્મારક ફાળા માટે સારી આશા હતી તે આ જ કારણે ન ફળી. મુંબઈના ઠરાવ છતાં ય અમારા યજમાન ડુંગરશી શેઠે શરમે ભરમે પાંચસો રૂપિયા દેશબંધુ ફાળામાં આપ્યા એટલું ગનીમત.

યાત્રામાં સરદાર વલ્લભભાઈ પટેલ સાથે હતા. એ સ્વાગત મંડળને સારુ મોટી હૂંફ હતી. તેમની દોરવણી અને શાણી સલાહ સ્વાગત મંડળની ઘણી મૂંઝવણો ટાળી દેતી. સભાને સંબોધવાનું તો હજી એમણે ટાળ્યું હતું પણ યાત્રીઓને મર્માળા અને વેધક વાર્તા વિનોદથી થાક કે કંટાળાનો સ્પર્શ થવા દેતા નહીં. એક સુવાંગ રેંકડો સરદારશ્રી માટે રાખવામાં આવ્યો હતો. તેમાં કોઈ કોઈ વાર ભાગીદારી આનંદીબહેન મેળવી લેતાં. રેંકડાના બસુરા ખડખડાટમાં પણ આનંદીબહેનના મીઠા કંઠમાંથી નીકળતાં કવિ ત્રિભુવન વ્યાસનાં બાળગીતો સહુને તાજગી અને આનંદ આપતાં.

અંત્યજ પ્રશ્ન તો અહીં અને સર્વત્ર ચર્ચાનો અને કુતૂહલનો વિષય થઈ પડ્યો હતો. એની ગંભીરતા પોતાની લાક્ષણિક રમૂજથી સરદારશ્રી ઓગાળી નાખતા. તેઓ એવા ગંભીર ભાવે રમૂજ વહેતી મુકતા કે સાંભળનારાને એના વિષે ભાગ્યે જ શંકા આવે. અમારા ઊતારાવાળી વાડીમાં અમ સહુ કાર્યકર્તાઓની પંગત જમવા બેઠેલી. અમ સરખા અંત્યજ બંધુઓને ધાતુના વાસણમાં જમણ પીરસાય તો તે વાસણ અભડાઈ જાય ને! પત્રાવળાં અને રામપાત્રમાં જ જમાડાય ને! સ્વયંસેવકો આનંદથી પીરસતા હતા. આ ભાઈઓ સાંભળે તેમ સરદારશ્રીએ રમૂજ વહેતી મૂકી. બાપુના મંત્રી ભાઈ કૃષ્ણદાસજી પંગતમાં પહેલા બેઠેલા. પીરસણી ત્યાંથી શરૂ થાય. સરદાર કહે, “કૃષ્ણદાસજીને બધા માનપાન આપે ને તેની વધુ સારસંભાળ રાખે એમાં નવાઈ શી? એ તો ગાંધીના માનીતા અંત્યજ ખરાને?” આ સાંભળી પીરસાનારા બિચારા અટકી ગયા. બાપુના આ સંઘમાં કોણ જાણે કોણ હરિજન હશે અને કોણ નહીં હોય એ વિમાસણે સ્વયંસેવકો મનમાં સમસમી રહ્યા. સંક્ષુબ્ધ સમાજની વિષમધારણા મનોદશાને આવી રમૂજોથી સરદાર આંચકા આપીને નાણી જોતા અને વાતાવરણને રસભર્યું બનાવતા.

ભુજથી યાત્રા આગળ વધી ત્યારે વ્યવસ્થાતંત્રના સંચાલન માટે મધ્યસ્થ સ્વાગત મંડળના પ્રતિનિધિ તરીકે સ્વાગત મંડળના બે મંત્રીઓ શ્રી ગુલાબશંકર ધોળકિયા અને શ્રી કાંતિપ્રસાદ અંતાણી તથા સ્વાગત મંડળના એક સભ્ય શ્રી પ્રભુલાલ ધોળકિયાને સરદારશ્રીએ બાપુના રસાલા સાથે રહેવાનું કહ્યું એટલે આ ભાઈઓએ યાત્રાના સમગ્ર આયોજનનું તંત્ર સંભાળી લીધું.

મુંબઈથી બાપુ રૂપાવતી સ્ટીમરમાં માંડવી બંદરે ઉતર્યા. એમની સાથે બાપુના મંત્રીઓ શ્રી મહાદેવભાઈ દેસાઈ તથા શ્રી કૃષ્ણદાસજી, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી મણિલાલ કોઠારી, ખાદી સેવક શ્રી પુરુષોત્તમ આશર, શ્રીમતી વલાબહેન આશર, શ્રી આનંદિની આશર, સરદારશ્રીના પુત્ર શ્રી ડાહ્યાભાઈ અને મુંબઈ વસતા ભુજના શ્રી દોલતરામ જટાશંકર ધોળકિયા તેમ જ મુંબઈના અખબારોના પ્રતિનિધિ તરીકે શ્રી જીવરાજ ગોકુલદાસ નેણસી યાત્રી સમૂહમાં ભેળા આવ્યા છે. જે જે સ્થળોએ બાપુનો પડાવ મુકર્રર કરવામાં આવ્યો છે ત્યાં ત્યાં સ્વાગત મંડળો રચાયાં છે. મધ્યસ્થ સ્વાગત મંડળના યાત્રામાં સાથે રહેલા પ્રતિનિધિઓના માર્ગદર્શન પ્રમાણે કાર્યક્રમોની વ્યવસ્થા કરવાનું આથી સરળતાથી ચાલે છે.

બાપુ તો દેશના કામો અર્થે દેશભરમાં હંમેશાં પ્રવાસ કરતા હોય છે. એમના પ્રવાસનું આયોજન પૂર્વયોજિત અને વ્યવસ્થાપૂર્ણ હોય છે. પ્રવાસમાં પણ બાપુનાં અનેકવિધ કામો અને દિનચર્યા તેઓશ્રીના આશ્રમમાં હોય છે તે રીતે અવિરત ચાલતાં રહે છે. એટલે યાત્રાની સમગ્ર વ્યવસ્થા પર સરદારશ્રી દેખરેખ રાખી રહ્યા છે અને મણિભાઈ કોઠારીની દોરવણીથી દેશબંધુ સ્મારક ફાળો ઉઘરાવવાનું કામ પણ મધ્યસ્થ સ્વાગત મંડળના મોવડીઓ ગામેગામ કરી રહ્યા છે. વ્યવસ્થાની દ્રષ્ટિએ તો યાત્રા ધાર્યા પ્રમાણે સફળતાથી આગળ ચાલી રહી છે. કચ્છના કાચા રસ્તા અને ટાંચાં સાધનોનાં કારણે એક પડાવથી બીજા પડાવે પહોંચવામાં મોડું થઈ જાય તો ય એમાં તો કચ્છની પરિસ્થિતિને કોઈ દોષ દઈ શકાય તેવું નથી.

આજે વિશ્રાંતિ દિન ગોધરામાં ગાળ્યો. યાત્રાના કર્મમાં ખાસ આઘીપાછી કર્યા વગર માંડવી મુકામે નિર્ણિત દિવસે પહોંચવા રસ્તાના ગામોમાં રોકાણોને ટૂંકાવવાનું વિચારવું પડયું. બાપુનો વિશ્રાન્તિદિન એટલે એમના મૌનવારની જેમ ટપાલ લખવા-લખાવવાનો, લેખો લખવા-લખાવવાનો કે મુલાકાત આપવાનો દિવસ. કોથળો ભરીને રોજ આવતી ટપાલ મહાદેવભાઈ અને કૃષ્ણદાસજી જોઈ જાય અને તારવીને બાપુ સમક્ષ રજૂ કરે. બાપુને જાતે લખવા-લખાવવા જેવી ટપાલ અલગ તારવવામાં આવે. બાપુ જવાબ વાળવામાં ખૂબ નિયમિત અને ચીવટ વાળા. સારા દેશમાંથી અને દુનિયા આખીમાંથી પત્રો આવે ને આશ્રમવાસીઓ પણ લખતાં રહે. આશ્રમની કુમારશાળાના બાળકો પણ લખે. બાપુને મન એ બાળકોના પત્રોનું પણ એટલું જ મહત્ત્વ. આશ્રમના કે અન્ય સાથીઓના કુટુંબના સાજા માંદાની તબિયત પૂછાવવાનું ને સારવારમાં માર્ગદર્શન આપવાનું પણ બાપુ ગંભીર બાબતો વિશેની ટપાલ લખવા-લખાવવાતાં ના ચૂકે.

ટપાલની તારવણી કરવામાં અમારો સહકાર પણ બાપુના મંત્રીઓ લે. ટપાલમાં આવતાં પરબીડિયાં અને છાપાંનાં રેપર કાઢીને ફેંકી ન દેવાય. પરબીડિયાં અને રેપરને ચપ્પુ – કાતરથી સુરેખ રીતે કાપી કોરીને નાના પેડની જેમ ગોઠવીને રાખવાની કળા બાપુએ સરદારશ્રી તથા મહાદેવભાઈને શીખવેલી તે અમે જાણી લીધી. ટપાલ આવે કે અમે આ કામમાં પરોવાઈ જઈએ. બુક પોસ્ટ પર વીંટાળેલી દોરીને સંભાળથી ઉકેલી તેની કોકડી બનાવી લેવાની. આવી દેખીતી રીતે નજીવી દેખાતી ચીજ પણ સરવાળે સ્ટેશનરીનો મોટો બચાવ કરે છે એનો ખ્યાલ તો બાપુના અંતેવાસીઓને અને સાથીઓને આવી ચબરખીઓ પર પત્રો લખે તે જોઈને આવે. આવી કરકસર, કાળજી અને ત્રેવડની ટેવ કેળવાય તે જીવનમાં કેટલી લાભદાયી નીવડે એની ઝાંખી આ તાલીમથી થઈ. ઝીણી નજરથી આવો વ્યવહાર માણસ કરે તો દેશની સંપત્તિનો થતો બગાડ અટકે એ સત્ય આવી નાની ગણાતી વાતમાંથી પણ સમજાયું.

કચ્છમાં ફળ ફૂલો બધી મોસમમાં ન મળે. ગામડાંમાં તો ભાગ્યે જ મળે. બાપુને કચ્છ યાત્રામાં ફળો મળતાં રહે તે વિચારે મુંબઈના મિત્રો ફળના કરંડિયા મોકલવા લાગ્યા. યાત્રાના હરેક મુકામે ફળ પહોંચી આવે તેવી ગોઠવણી એ સ્નેહીઓએ કરેલી. સ્વાગત મંડળને તો આ ગોઠવણી ગમી. બાપુના ઉતારામાં આવતા આ કરંડિયાઓ પર બાપુની નજર અહીં પડી ગઈ, એમણે એ વિષે અમને પૂછ્યું. સરદારે તો એ મિત્રોના સદ્ભાવનો બચાવ કર્યો પણ બાપુ તો આ પરિગ્રહ અને તેની પાછળ થતો વ્યય શેના સાંખી લે? મુંબઈના મિત્રોને કરંડિયા ન મોકલવાનું લખી નાખવા એમણે મહાદેવભાઈને તે જ વખતે કહી દીધું. જે પ્રદેશમાં જે પેદાશ થતી હોય તે વડે શરીર પોષવું રહ્યું એવો એમનો આદેશ સ્વીકારીને અમારે ચાલવું રહ્યું.

કચ્છે બાપુને જે થેલી અર્પણ કરવાની હતી તેની જાહેરાત સભામાં દાતાની નામાવલી સાથે થતી. તે ઉપરાંત સભામાં અમે ઝોળી ફેરવતા. દર્શને આવેલાં ભાઈ બહેનો પણ પોતાની પાસે જે કંઈ હોય તેમાંથી શક્તિ પ્રમાણે લાગણીથી ઝોળીમાં આપતા. ઘણી બહેનો આભૂષણો ઉતારીને પણ આ ઝોળીમાં અર્પણ કરતી. આ ઉઘરાણાં અને ઝોળીમાં મળતી ત્રાંબિયા દોકડા જેવી નાની રકમોનો મેળ પણ બરાબર મળ્યો કે કેમ તેની પૂછપરછ કરીને બાપુ વિગતો જાણી લે. ત્રાંબિયો દોકડો ઝોળીમાં ધરનાર દાતાનું મૂલ્ય બાપુને મન લાખનું દાન આપનાર ધનવાન જેટલું જ હતું.

અંત્યજ પ્રશ્ને પાટનગરમાં મચાવેલ ખળભળાટના પરિણામો અહીં પહોંચતાં જ અમને મળેલી ટપાલમાં જાણવા મળ્યા. બાપુની યાત્રામાં સાથે રહેલા ચારે ય નાગર યુવકોને ન્યાતે ન્યાત બહાર મૂકીને નવાજ્યાના સમાચાર આવ્યા. સરદારશ્રીએ આ હકીકત સાંભળી એ ભાઈઓને અભિનંદન આપ્યા. સાંજની પ્રાર્થના વખતે બાપુના કાને આ વાત એમણે નાખી. આ સાથીઓની કસોટી થઈ રહી છે એ જાણી તેઓ રાજી થયા. આ કસોટીમાં દ્રઢ રહીને પાર ઊતરે એવા આશીર્વાદ પણ એમણે ભાઈઓનો વાંસો થાબડીને આપ્યા. બાપુની પવિત્ર એવી સાયં પ્રાર્થના ટાણે આ ભાવુક યાત્રીઓએ બાપુને પ્રણામ કરીને એમના આશીર્વાદને પાત્ર બનવાની ભાવના વ્યક્ત કરી એ દ્રશ્ય ભારે રોમાંચક હતું.

ગોધરા પહોંચતાં સુધીમાં યાત્રાનો તબક્કો તો પૂરો થયો ગણાય. મધ્યસ્થ સ્વાગત મંડળના ત્રણ ભાઈઓને તો ગણતરીપૂર્વક સરદારે સાથે રાખેલા છતાં ય બાપુની યાત્રામાં વચ્ચેથી જોડાવાનો મોહ પણ ઘણા ભાઈઓને રહ્યો ખરો. તેવા કેટલાક ભાઈઓ પોતાના વાહનો લઈને સાથે રહેવા લાગ્યા. સરદારશ્રી જેવા ચકોર પુરુષથી આ વાત અછતી ન રહી. બાપુનો સંઘ આમે ય તેમને મોટો લાગેલો અને તે વધતો ગયો એ વાત તેમને ન રુચિ. કોઠારાથી ગોધરા સુધી તો તેમણે આ સ્થિતિ સહી લીધી. ગોધરાથી તો આ ભાઈઓ પાછા ફરે અને બાપુના સાચા સ્વાગતને સારું કાઇંક પણ સક્રિય કાર્ય પોતાના સ્થાને જઈને કરે એવું તેમણે આ ભાઈઓને કહી દીધું. “આ તો જાણે ગાંધીની જાનમાં સાજન-માજન થઈને માણવા નીકળી પડ્યા હો એવું તમને નથી લાગતું?” એવી રમૂજ ભરી ટકોર પણ તેમણે આ ભાઈઓને પાછા ફરવાની સલાહ આપતાં કરી. સરદારશ્રીની આવી સ્પષ્ટ સલાહથી એ બધા ભાઈઓ ગોધરાથી છુટ્ટા પડયા.

*

-7-

30 ઓક્ટોબર 1925

ગોધરાથી સંઘ માંડવી પહોંચ્યો. માંડવીની ખ્યાતિ તો કચ્છ બહાર પણ સારી. હરિજન સેવક ગોકુલદાસ ખાદી સેવક દામજી વચ્છરાજ વગેરે ભાઈ – બહેનોના સુંદર રચનાત્મક કામોની વાતોથી પૂજ્ય બાપુ પરિચિત એટલે અત્યાર સુધીમાં જે બનાવો બનતા આવ્યા છે તેની અસર માંડવી ધોઈ કાઢશે અને કચ્છને આદર્શ દૃષ્ટાન્ત પૂરું પાડશે એવી આશા રાખેલી પણ એ આશા તો ઠગારી નીવડી. ઊલટાનું જે બનાવ માંડવીમાં બન્યો એ બાપુને વધારે આઘાત આપનારો નીવડ્યો. એ કચ્છની કમનસીબી ગણાય.

મુંબઈથી બાપુ માંડવી બંદરે ઊતરેલા. તેમના રસાલામાં બહેન આનંદી આશર હતાં. બાપુ સાથે કોઈ છોકરી હોય તો તેમણે ખોળે બેસાડેલી દીકરી અંત્યજ લક્ષ્મી જ હોવી જોઈએ એવી ભ્રામક સમજથી લોકે આનંદીબહેનને લક્ષ્મી જ માની લીધાં. ભુજથી ધૂંધવાયેલો અંત્યજ પ્રશ્ન જૂજવા રૂપે યાત્રામાં હરેક જગ્યાએ દેખાયો. હરિજન બાળકીને સાથે રાખનારને ઉતારો આપનાર મેળવવાનું મુશ્કેલ કામ સ્વાગત મંડળે રિદ્ધગરજી બાવાને મનાવી પાર તો પાડ્યું પણ સરવાળે એ તો સહુને ભારે પડી ગયું. ઉતારા કરતાંય સભા સ્થાન મેળવવાનું વધારે કપરું હતું. બાવા રિદ્ધગરજીએ બાપુનું સ્વાગત કરવાનું અને બ્રહ્મપુરીમાં સભા ભરવા દેવાનું સ્વીકાર્યું. રિદ્ધગરજી જેવા શ્રીમંત અને જાણીતા સાધુને આમ સ્વાગત મંડળે જીતી લીધા. એ કચ્છના સ્વાગત મંડળોમાં એમની સિદ્ધિ ગણાય. પણ વ્યવહારદક્ષ અને ગણતરી બાજ એવા માંડવીના મોવડીઓની ગણતરી અવળી નીકળી.

સ્વાગત મંડળે બાવાજીને મનાવી લેવા સભા અંગેના કેટલાક નિયમો ઘડીને પત્રિકા રૂપે પ્રગટ કર્યા હતા. આ નિયમોની પાછળ રહેલી નબળાઈ કોઈને સમજાઈ નહીં એ દુઃખદાયક ગણાય. એ નિયમો આ પ્રમાણે હતા, ‘આપણા ગામના દરેક શહેરીઓના વિચારોને જરા પણ આંચકો ન આવે માટે સભાની ગોઠવણ આ પ્રમાણે રાખવામાં આવેલ છે. ગાંધીજીની બેઠક એક પ્લેટફોર્મ પર રાખવામાં આવશે. પ્લેટફોર્મની એક બાજુએ સ્પર્શાસ્પર્શમાં માનનારાઓ અને બીજી બાજુએ સ્પર્શાસ્પર્શમાં ન માનનારાઓ બેસશે. અંત્યજો બ્રહ્મપુરીની આથમણી કોરના રસ્તેથી જ આવશે જશે. તે ભાઈઓ કોઈ પણ સંજોગોમાં પોતાના વિભાગમાંથી સ્પર્શાસ્પર્શમાં માનનારા ભાઈઓના વિભાગમાં જશે નહીં. ઉપરાંત સ્ત્રીઓ માટે સ્પર્શાસ્પર્શમાં માનનારા ભાઈઓને વિભાગ મધ્યે યોગ્ય અલાયદી જગ્યા રાખવામાં આવશે. ઉપલી ગોઠવણથી દરેક ભાઈ બહેનના ધાર્મિક વિચારો સચવાશે. આમ કોઈ પણ વર્ગની લાગણી ન દુઃખાય તે ખાતર બેઠક બે વિભાગમાં ગોઠવેલ છે. પહેલો વિભાગ અંત્યજ સ્પર્શથી અભડાનારાઓનો અને બીજો અંત્યજ સ્પર્શથી નહીં અભડાનારાઓનો અને અંત્યજોનો છે.’

આ ગોઠવણમાં રહેલ વિચાર દોષ સ્વાગત મંડળના વિચક્ષણ આગેવાનોને તેમ જ રાષ્ટ્રીય કાર્યકર્તાઓને પણ દેખાયો નહીં એ વિધિની વિચિત્રતા ગણાય. એમણે સહુએ એવો આગ્રહ રાખેલો કે બાપુ સ્પર્શાસ્પર્શથી માનનારાઓ માટે નક્કી કરેલા દરવાજેથી આવીને પોતાના માટે નિશ્ચિત કરેલા સ્થાને બેસે. સ્વાગત મંડળે કરેલ ઠરાવને બાપુએ અનુસરવું એવો વિચિત્ર ગણાય એવો આગ્રહ સ્વાગત મંડળના આગેવાનોએ કર્યો પણ ખરો. બાપુ અને બાપુના સંઘે હરિજનો માટે અલગ રાખેલા દરવાજેથી સભા સ્થાને પ્રવેશ કર્યો. બાપુ પોતાના સ્થાને પહોંચે તે પહેલાં તો  રિદ્ધગરજી બાવાનું માથું ફર્યું, તેમને પોતાની આજ્ઞાનું ઉલ્લંઘન થતું લાગ્યું. તેમનાથી આ સહન ન થયું (એંશી વરસની પાકટ ઉંમરના). બાવાજી ચેલાઓના ટેકાથી સભાસ્થાન છોડીને ચાલ્યા ગયા. સ્વાગત મંડળે બહાર પાડેલી પત્રિકા અને કરેલી ગોઠવણ કદાચ બાવાજીને સંતોષવા માટે હશે. તેઓ બાપુને અડ્યા વગર માનપત્ર આપીને પણ વિવેક બતાવી શક્યા હોત. પણ એ વાત તેમને ગળે ઉતારવાની હિંમત કોણ કરે?

બાપુના અંત્યજ દરવાજાથી થયેલા પ્રવેશથી બ્રહ્મપુરી અભડાઈ ગઈ માની તેનો રોષ ઠાલવવા બાવાજીએ ચેલાને સભા વિખેરવા મોકલ્યા. ચેલા લાકડીઓ લઈને આવ્યા અને નિર્દોષ એવા હરિજનોને લાકડીઓ ઘોંચીને બ્રહ્મપુરીની બહાર કાઢયા. બાપુએ સભા બરખાસ્ત કરી અને વળતે ‘દી જાહેર મેદાનમાં સભા ભરવાની જાહેરાત કરી.

*

-8-

31 ઓક્ટોબર 1925

માંડવીના માઠા બનાવના સમાચાર ગઈ કાલે જ રાત પહેલાં મુંબઈના અખબારોને તેના પ્રતિનિધિઓ દ્વારા પહોંચી ગયા. મુંબઈના કચ્છી ભાઈઓનાં દિલ હલી ઊઠ્યાં. કચ્છના સમૃદ્ધ શહેરે સંતનું આવું સન્માન કર્યું એવી શરમે મુંબઇનો કચ્છી સમસમી ઊઠ્યો. ક્ષમા માંગતા અને દુઃખની લાગણી વ્યક્ત કરતા એવા સંખ્યાબંધ તારો મુંબઈના અને કચ્છી આગેવાનો તરફથી આવ્યા.

સંત હૃદયને તો માન-અપમાનનો હરખ-શોક શો હોય? જાણે કાઈં જ બન્યું ન હોય તેવા સ્વસ્થ મનથી માંડવીનો કાર્યક્રમ બાપુ પતાવવા માંડયા. સુપ્રસિદ્ધ વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇંદ્રજી ઠાકરે બાપુની મુલાકાત લીધી અને કચ્છની વનસ્પતિ સમૃદ્ધિની રસપ્રદ વાતો કરી.બાપુના વરદ હસ્તે તેમણે વૃક્ષારોપણ કરાવ્યું. આ વૃક્ષ સમૂહને ‘ગાંધી કુંજ’નું નામાભિધાન આપી તેની ભાળવણ માંડવી નગરપાલિકાને સુપરત કરી. મહાદેવભાઈને કાઠડા રાજમહેલ લઈ જઈને ત્યાં કરેલો વિપુલ વનસ્પતિ સંગ્રહ અને વનસ્પતિ પ્રદર્શન બતાવ્યા.

સાંજે તળાવ વાળા નાકા બહાર વિરાટ સભા થઈ. સરદારશ્રીએ પણ અંત્યત આગ્રહ થતાં આ સભાને સંબોધન કર્યું. તેમણે કચ્છના જડસુપણા માટે અને બાપુ સાથે વાણિયાસાઈ વર્તાવ કર્યા બદલ ગંભીર વાણીમાં ઉપાલંભ આપ્યો. બાપુએ માંડવી જેવા કચ્છના પ્રથમ નંબરના નગરની ગંદકી અને શહેરીઓની શૌચ જવાની અસંસ્કારી આદત તરફ ધ્યાન ખેંચ્યું. ગઈકાલે બનેલી ગંભીર ઘટનાનો ઉલ્લેખ કરી સ્વાગત મંડળે ત્રણ પ્રકારે અપમાન કર્યું તેનું દુઃખ વ્યક્ત કર્યું. ભદ્ર લોકના દરવાજેથી બાપુ આવે એવો આગ્રહ સ્વાગત મંડળે સેવ્યો એમાં તો ત્રણ અપમાન થયાં. પહેલું અપમાન હરિજનોનું, બીજું હરિજનોને ભાઈ સમજનાર ગાંધીનું અને ત્રીજું અપમાન લોકોનું પોતાનું. બાપુને જે દુઃખ થયું એ ખેદ સાથે એમણે જણાવ્યું. હરિજનોનો કોઈ દોષ નહોતો છતાં તેમને બાવાના ચેલાઓએ લાકડીઓ ગોદાવી અપમાનિત કરી સભામાંથી કાઢ્યા તેની વ્યથા બાપુએ હૃદયને હલાવે તેવા શબ્દોમાં કહી. બાપુ સાથે પણ સોદો કરવા નીકળેલા ભાઈઓની મનોદશાથી અહીંના સ્વાગત મંડળના ભાઈઓ પણ મુક્ત ન હતા એટલે દેશબંધુ ફાળામાં માંડવીમાંથી લાખ મળવાની આશા રાખેલી તેના પાંચ હજાર મળ્યા.

બ્રહ્મપુરી સભાના પ્રસંગથી માંડવીના સમજુ નાગરિકોના દિલને જે આઘાત લાગેલો તે આજની સભામાં પૂજ્ય બાપુના સંબોધનથી ઘણે અંશે શમ્યો લાગ્યો. પ્રેમ નીતરતો ભાવ અને બાપુના ઉદ્બોધનો સાંભળી લોકોએ શાતા અનુભવી. કટ્ટરમાં કટ્ટર પ્રત્યાઘાતી અને જડસુ રૂઢિચુસ્તના મન પણ કુણાં બની ગયાં લાગ્યાં. માંડવીનો હરેક નાગરિક એકમેકને મળતાં ધોખો વ્યક્ત કરતો આશ્વાસન મેળવવા લાગ્યો. સરદારશ્રીની ચોટદાર વાણીમાંથી મળેલા બોધપાઠથી ગણતરીબાજ અને જાતને વ્યવહારુ સમજતો ધનિક વર્ગ પણ ભોંઠો પડી ગયો હોય તેવી વાતો સાંભળવા મળે છે એ નોંધવું ઘટે.

પવિત્ર વૈષ્ણવ મંદિરો અને આરાધ્ય એવી હવેલીઓના ભક્તોમાં પણ નાગરિક જીવનની ગંદી આદતો અને રૂઢિ આચરવાનું ભાન બાપુ અને સરદારની શીખથી જાગૃત થયું તે આનંદની વાત છે. સંસ્કારી ગણાતો નાગરિક બ્રાહ્મ મુહૂર્તે શરમ સંકોચ નેવે મૂકી શેરીમાં કુદરતી હાજતે જઈ બેસે એ દ્રશ્ય સુધરેલી દુનિયામાં ક્યાં ય જોવા મળે ખરું? શૌચાચારનું અભિમાન ધરાવતો સભ્ય શહેરી આવો લાગણી શૂન્ય કેમ બન્યો હશે એ સમજમાં ઊતરતું નથી. આ ગંદી ટેવો માટે બાપુએ આપેલી ચીમકીથી શહેરી જીવનમાં સ્વચ્છતાનો આદર વધશે એ વિષે શંકા નથી.

રેશમ અને ભાતીગળ કાપડ વણાટના કસબોમાં મશહૂર માંડવીના વણકરોના આગેવાન ભાઈઓ સરદારશ્રી અને મણિભાઈને મળવા આવ્યા. માંડવીના જહાજી વાડામાં બંધાતા મુલ્ક મશહૂર વહાણના શઢનું વણાટકામ પણ માંડવીમાં મોટા પાયે ચાલતું. જાપાન અને બીજા યુરોપીય દેશોની કચ્છમાં વધતી જતી કાપડ આયાતે આ કસબ ભાંગી પડવાની અણી પર છે તેની દુઃખભરી વાતો તેમણે કરી. રાજ્યની જકાત નીતિ એવી બેહૂદી છે કે આ કારીગરોની જીવાઈને ઉત્તેજન મળવાને બદલે તેમને પરદેશની હરીફાઈમાં ઊતારે છે. જેના પરિણામે સૈકા જૂનો આ કારીગરોનો વ્યવસાય તૂટતો જાય છે. સરદારશ્રીએ એમની વાતો ખૂબ સહાનુભૂતિથી સંભાળી અને આ અંગે રાજ્યના સૂત્રધારોની સાથે વિચારણા કરીને આ દિશામાં માર્ગ કાઢવાનું તેમને આશ્વાસન આપ્યું.

આજે સરદારશ્રીની વરસગાંઠ છે. યાત્રી સમૂહે સવારે ભેળા થઈને સરદારશ્રીને વંદના કરીને અભિનંદન પાઠવ્યા. સરદારશ્રીએ સહુને ભાવથી ભેટીને અભિવાદન સ્વીકારી આભાર માનતાં માનતાં જીવનની જવાબદારીની અને વાર્ધક્ય સાથે વધતાં જીવનનાં જોખમોની મર્માળી વાતો કહીને સહુને આનંદિત કર્યા. પોતાની વર્ષગાંઠ નિમિત્તે પ્રભાતે ઊઠતાં વેંત જ પ્રાર્થના ટાણે પૂજ્ય બાપુને દણ્ડવત પ્રણામ કરીને સરદારશ્રીએ એમના આશીર્વાદ યાચતો વિધિ કર્યો એ પ્રસંગ અમારે સારુ ભારે પ્રેરણાદાયી બની રહ્યો. પૂજ્ય બાપુએ સરદારને વાંસે ખાસ્સો જોરદાર ધબ્બો મારીને વ્હાલપથી હાથ પકડીને તેમને ઊઠાડ્યા અને પ્રેમ ભરી વાણીથી સરદારનું દીર્ઘાયુ વાંછ્યું.

ગઈકાલે સાંજે માંડવીની વિદાય લઈ કંઠીના જાણીતાં અને સમૃદ્ધ એવાં ગામોમાં થઈને મુંદરા જવા ઉપડયા. માંડવીના પ્રસંગો જેવા યાદગાર બન્યા તેવી જ યાદગાર તેની વિદાય રહી. માંડવી બંદરના દાની અને માની એવા સોદાગરોના બનેલા બનાવોએ ભારે ચોટ દીધેલી તેની અસર વિદાય વેળાએ જોઈ શકાતી હતી. સગવડ ભર્યા સમાધાન શોધીને માર્ગ કાઢવામાં નિપુણ ગણાતા માંડવી બંદરના અગ્રણીઓને લાગ્યું કે બાપુ જેવા પુણ્ય પુરુષને દુભવીને જગબત્રીસીએ ચડ્યા એ તો ઠીક ન થયું. સરદાર જેવા કુશાગ્ર પુરુષથી તેમની મૂંઝવણ અછતી ન રહી. વિદાય આપવા માટે સ્વાગત મંડળના તમામ સભ્યો અને બીજા અનેક શહેરીઓ ઉતારે આવ્યા હતા. બાપુને માંડવીએ વ્યથિત કર્યા તેને સારુ સરદારશ્રી પાસે તેમણે માફી માગી. સરદારે તેમને સહુને આશ્વાસન આપ્યું અને કોઈ બાબતની ગાંઠ બાપુના ઉદાર દિલમાં નથી બંધાઈ તેની ખાતરી આપી. પૂજ્ય બાપુએ વિદાય માગતાં સહુને પ્રેમભર્યા નમસ્કાર કર્યા અને સૌને ગઈ ગુજરી ભૂલી જવાનું એમના લાક્ષણિક એવા હાસ્યથી કહ્યું. પૂજ્ય બાપુની સ્વભાવ સહજ એવી પ્રેમભરી મમતાનાં દર્શન એમની આંખ અને મુખ પર વાંચીને સ્વાગત મંડળના સભ્યોના દિલે ધરપત આવી અને ગુજરી ગયેલી ઘટના માટે ક્ષમા યાચવાનો ઉપચાર કરવાનો તેમનો ઉચાટ મનમાં શમી ગયો. આ સત્યદર્શી સાધકની ભૂમિકા જ એટલી ઉદ્દાત્ત છે કે આવા બનાવોનો સ્પર્શ જળકમળવત્‌ બની જાય છે. એવા પ્રેમભપૂર હૃદયમાં કોઈના પ્રત્યે દ્વેષ કે રોષનો અંશ માત્ર પણ નથી દેખાતો.

બાપુએ માંડવીની જનતાને વિદાયવેળા અમી ભરી આંખે અને નેહભર્યા હૃદયે સત્યનિષ્ઠા અને સદાચારનો જાણે મૂક સંદેશો આપ્યો. માંડવી આ અર્થગંભીર સંદેશને આચારમાં મૂકી સાર્થક કરશે એવી આશા સાથે અમે આગળ વધ્યા. વચ્ચે આવતાં ગામોનું સ્વાગત સ્વીકારતા યાત્રા લગભગ ત્રણ વાગે પરોઢિયે ભુજપુરના પાદરે પહોંચી. દિવસ ઊગ્યા પછી સભા અને માનપત્રનો કાર્યક્રમ રહેશે એમ અમને ત્યાંના આગેવાન ભાઈઓએ કહ્યું. કંઠીના યુવાનોમાં ખૂબ ઉત્સાહ અને તરવરાટ અમે જોયા. તેમણે સ્વાગત મંડળના સભ્યો નોંધવાનું અને બાપુના સ્વાગત માટે કંઠીને શોભે એવી ગોઠવણ કરવાનું માથે લીધેલું. ગામે ગામ ફરીને બાવન ગામના મહાજન તરફથી શાનદાર સ્વાગત સમારંભ ભુજપુરમાં યોજવાની તૈયારીઓ આદરેલી. તેમના આદરને સીમા ન હતી. આ ઉત્સાહભર્યા વાતાવરણથી પ્રભાવિત થઈને મધ્યસ્થ સ્વાગત મંડળે ભુજપુરમાં સમગ્ર કંઠી તરફથી સન્માન સમારંભ રચાશે એ ગણતરીએ કંઠી યાત્રા પડાવનું મુખ્ય મથક ભુજપુરમાં નિયત કરેલું.

સવાર પડી. ‘દી ચડતો ગયો, પણ સભા કે સમારંભની કોઈ તૈયારી ગામમાં ફરતાં ફરતાં અમારી નજરે ચડી નહીં. ગામના નર નારીઓમાં ઉમળકો તો ભારે જોયો પણ કોઈ ભય પ્રેરિત લાગણીઓથી તે દાબ્યો દબાયો હોય એવું લાગ્યું. યુવક વર્ગને મૂંઝાતો મુરઝાતો ઘેર ઘેર ફરીને સભામાં આવવાનાં નોતરાં આપતો જોયો, અમારો ઉતારો ભુજપુરની વિશાળ ધર્મશાળામાં સુંદર સજાવટથી રાખેલો, અમે ત્યાં રાહ જોતા રહ્યા. વખત વીતવા લાગ્યો, યુવકો વિમાસણમાં પડયા અને તેમની મુંઝવણ વધતી ગઈ. સભા કે સન્માનની વાત જ હવામાં વિલીન થઈ ગયેલી! મેગવાળોના (હરિજનો) સગા ભાઈ જેવા ગાંધીને મહાજન સન્માને એ વાત જ ચર્ચાઈ ચર્ચાઈને આખર ઉડી જ ગઈ! બિચારો યુવાન! સરદારે તેમને આશ્વાસન આપ્યું અને આપણા ભીરુ સમાજમાં તો આવું બન્યા જ કરે એવી અનુભવ વાણી વડે તેમનો વિષાદ દૂર કર્યો.

છેવટે બાપુ હરિજનવાસમાં ગયા. ગામના યુવાનો અને ઉત્સાહી આગેવાનો પણ સાથે આવ્યા. હરિજનવાસમાં સારી એવી સંખ્યા વાળી સભા થઈ. વણકરોએ ખાદીનો ધંધો ભાંગી પડ્યો છે તેની વાત કરી. તેમણે વણાટનો ધંધો ચાલે તેવું કરાવી દેવાની માંગણી બાપુ પાસે કરી. બાપુએ તેમને આશ્વાસન આપ્યું અને કંઠીના રાષ્ટ્રપ્રેમી યુવાનોને સંબોધીને આ કામમાં મદદરૂપ થવા ભલામણ કરી. કચ્છના કંઠી વિભાગની નામના દેશ દેશાવરમાં ય સારી. મુંબઈના દાણા બંદરના જાણીતા વેપારીઓમાં કંઠીનો મોટો ભાગ. રાષ્ટ્રીય હિલચાલમાં ય કંઠીના અનેક ભાઈબહેનો ઊલટભેર ભાગ લે અને લોકહિતનાં કામો કરવાનો અને અંત્યજ સેવાની પ્રવૃત્તિઓ શરૂ કરવાનું ક્ષેત્ર પણ એટલા માટે કંઠીને ગણ્યું. બિદડા, ભુજપુર જેવાં ગામોને આ કામો ગોઠવવામાં નજરમાં રાખેલ, અને ત્યાંના રાષ્ટ્રપ્રેમી ભાઈઓના સહકારથી આ કામો ચાલતાં પણ કરેલાં. આવા રાષ્ટ્રીય વાતાવરણથી સભર એવો કંઠી વિભાગ બાપુના સન્માનમાં પણ સુંદર ફાળો આપશે એવી અપેક્ષા રાખેલી. તે ન ફળી એથી યુવાન વર્ગ ખૂબ નિરાશ થયો અને કંઠીના આગેવાન ભાઈઓને પણ દુઃખ થયેલું જોયું. ભુજપુરના હરિજનવાસની સભા પૂરી થયેથી ભુજપુરના પાદરે એકઠી થયેલ લોકમેદનીથી વિદાય લઈને મુંદરા તરફ મજલ શરૂ કરી.

મુંદરા પણ એક કાળે કચ્છનું ખ્યાતનામ બંદર હતું. આફ્રિકા, અરબસ્તાન સાથે બહોળા વેપાર વણજથી સંકળાયેલું. મુંદરા કચ્છનું નાનું એવું પણ સ્વચ્છ શહેર. તેનું નગર આયોજન સુવિચારિત એટલે તેને ‘કચ્છનું પેરિસ’ એવું બિરુદ મળેલું. હવેલી જેવાં મકાનો, પહોળા રસ્તા અને લીલી કુંજાર એવી વાડીઓ અને બગીચાથી મુંદરાની શોભા કચ્છમાં દર્શનીય ગણાય. મુંદરાના ભાટિયા અને વણિક કુટુંબો ઉદાર દિલના ગણાય. સખી ખોજા લખપતિઓ સખાવતેશૂરની નામના પામેલા. આ દાતાઓને પોતાના વતન કંઠી માટે ખૂબ લાગણી. નાની મોટી અનેક સખાવતોથી વતનના ઘણાં ગામોમાં સાર્વજનિક હિતનાં કામો પણ સારા પ્રમાણમાં કરેલાં. શાળા, પાઠશાળા, પાંજરાપોળ અને ગૌશાળા તેમ જ અન્નક્ષેત્રો ચલાવવાં ને ધર્મશાળાઓ બાંધવી એ કાળના યુગ ધર્મનાં આ પુણ્ય કાર્યો આ દાતાઓએ મુક્ત મનથી કર્યાં છે. આફ્રિકા, અરબસ્તાન અને એશિયાના બીજા દેશોની પ્રજા સાથે આર્થિક અને સાંસ્કૃિતક વ્યવહારોથી સંબંધિત એવા મુંદરાના આ શાહ સોદાગરો સામાજિક સુધારણામાં ઠીક પ્રમાણમાં આગળ પડતા ગણાય.

મુંદરાની આવી ઊંચી સામાજિક ભૂમિકાની કલ્પનામાં અમે રાચતા હતા. મુંદરા કંઠી વિસ્તારમાં આગળ પડતો ભાગ ભજવશે એવી અમારી ગણતરી સાચી ન ઠરી. ઉતારાની વ્યવસ્થાથી માંડીને સભા સુધીની રચનામાં મુંદરાના સ્વાગત મંડળીની સાંકડી મનોદશા દેખાઈ આવી. અતિથિઓને સાચવવામાં અને તેમની ખાવા પીવાની ગોઠવણીમાં તો કોઈ પ્રકારની ખામી ન જણાઈ એવી કાળજી રાખવામાં આવી, પણ એ બધી ગોઠવણીમાં મરજાદી મનોદશા કામ કરી રહી હતી. એ બાબતમાં સ્વાગત મંડળના મનમાં કાંઈ ખટકો અમે ન દીઠો એની નવાઈ અમને લાગી. પાટનગરમાં સમાધાનકારી માર્ગ મધ્યસ્થ સ્વાગત મંડળે કાઢ્યો તેનું વિકૃત સ્વરૂપ મુંદરાએ પોતાને ત્યાંના સ્વાગત સમારંભમાં આપ્યું. એમાં ન તો શાણપણ હતું, ન તો વ્યવહારુ ડહાપણ.

પૂજ્ય બાપુજીના મંત્રી મહાદેવભાઈની ભાષામાં કહું તો “મુંદરાએ તો મર્મ ઘા કર્યો” મુંદરાની સરખામણીમાં તો માંડવીની દુઃખદ ઘટના પણ સહ્ય કહી શકાય. મુંદરાએ જે આચર્યું એ તો બુદ્ધિમાં ન ઊતરે એવું અને હૃદયને હચમચાવી મૂકે એવું અસહ્ય હતું. પાટનગરે પ્રાપ્ત સ્થિતિમાં વ્યવહારુ માર્ગ કાઢયો. પછી કોટડા અને કોઠારાએ પોતાની શક્તિ મતિ પ્રમાણે પાટનગરને અનુસરવામાં શાણપણ જોયું. માંડવીએ સહુને રાજી રાખવાની કરામતમાં થાપ ખાધી, જ્યારે મુંદરાએ તો ક્રૂર મશ્કરી જ કરી. બાપુએ પાટનગરની સભામાં સૂચવેલ માર્ગનું મુંદરાએ વિપરીત અર્થ કર્યો: “મહાત્માજી, તમારે બે વાડા જોઈને? તો લ્યો આ બે વાડા.” આવા અવિચારી વર્તાવથી હરકોઈ સમજદારને આઘાત લાગે.

સભાનું આયોજન જે રીતે થયું તેની કુરૂપતા ભૂલી નથી શકાતી. હરિજન માટે રાખેલ અલગ વાડામાં ગામનો એકેય જણ નહીં! હરિજન શાળાના મુસલમાન શિક્ષક ભાઈ પણ સવર્ણના વિભાગમાં. મુંદરાના મુસલમાન ભાઈઓ પણ જાણે અસ્પૃશ્યતામાં માનતા ન હોય! સ્વાગત મંડળના પ્રમુખ આફ્રિકા વગેરે દેશ દેશાવરમાં ફરેલા અને પોતાને આભડછેટમાં ન માનનારા ગણાવે, છતાં તેઓ સવર્ણોની બેઠક વચ્ચે. સ્વાગત મંડળનું એક જણ પણ બાપુ સાથે નહીં. મહાત્માજીનો વાડો સાવ અલગ! બાપુનો સંઘ બાપુ સાથે હરિજન વાડામાં બેઠો. માનપત્ર અર્પણનું નાટક ભજવાયું. બાપુના વિશ્વવંદ્યંપણાની, બાપુના ત્યાગની પ્રશંસાનાં કાવ્યો વકતાઓએ લળી લળીને ગાયાં નાટકની અદાથી! પ્રમુખે માનપત્ર તેવી જ અદાથી વાંચીને ઊંચેથી બાપુના હાથમાં મૂક્યું!

બાપુએ આ ક્રૂર મશ્કરીથી થયેલ વેદના એમના વક્તવ્યમાં મૂકીને મુંદરાની પ્રજા મારફતે તમામ હિન્દુ પ્રજાને હિન્દુ ધર્મનું સત્યાનાશ આવા વર્તાવથી થઈ રહ્યું છે તે સામે ચેતવણી આપી. પૂજ્ય બાપુના વેદનાભર્યા વચનો સાંભળીને અમ સૌ યાત્રીઓનાં દિલ વલોવાઈ ગયાં. આ રહ્યાં એ વેદના-વચનો :

“જ્યાં આખી પ્રજા જ અસ્પૃશ્યતામાં માનતી હોય ત્યાં મને બોલાવવો એ અયોગ્ય ગણાય, જ્યાં અંત્યજોની અવગણના થતી હોય ત્યાં મને બોલાવવો એ મારું અપમાન ગણાય, આજે મારી છાતીને ચીરો તો તમે તેમાં જોશો તો તેમાં રુદન ભર્યું છે. મતભેદ બધે હોય પણ મતભેદ છતાં તેમાં આમન્યા હોય, જ્યાં મતભેદ એટલો બધો હોય કે મળવાપણું કશું હોય જ નહીં ત્યાં મને બોલાવવાપણું ન હોય. આપણી વચ્ચે અખાત નથી પણ મોટો સમુદ્ર પડ્યો છે. એટલે તમે મને તમારી પાસે આવું સ્વાગત લેવા બોલાવ્યો તેના કરતાં મારા વિચાર સાંભળવા તમે સાબરમતી આવો તે યોગ્ય છે. મને તો અંત્યજ સેવા જેને વહાલી હોય, જેને અંત્યજ સેવા વિષે જાણવું હોય તે જ બોલાવે. પણ જે લોકો ક્ષણવાર અંત્યજ સાથે બેસી શકતા ન હોય તે શા સારુ બોલાવે? આજે તો તમે જે ધર્મ માની રહ્યા છો તે ધર્મ જોઈને મને થાય છે કે આ ધર્મનો નાશ થાઓ! જેમ બોઅર લડાઈ વખતે એક અંગ્રેજ પ્રાર્થના કરતો હતો કે મારો દેશ હારજો. જેમ ભીષ્મ કૌરવોની સાથે હતા પણ તેમના આશીર્વાદ પાંડવોને જ હતા, જેમ કૃષ્ણ ભગવાનના આશીર્વાદ પાંડવોને જ હતા. તેમ જ માર્રી પાર્થના ઈશ્વરની પાસે રહી છે કે જો હિન્દુ ધર્મ આવો હોય તો તેનો નાશ થાઓ. તમારો એ ધર્મ હતો કે તમે જો બધા જ અંત્યજથી અભડાતા હતા તો મને દૂર બેઠા બેઠા મારા લખાણ વાંચીને મારા વિચારો જાણો. હું તો હિન્દુસ્તાનનો ગુલામ છું. એકલો એકલો પણ મારા ધર્મની સેવા કરતો, એ ધર્મનું પાલન કરતો ઊભો રહી શકું છું. પણ મારો ધર્મ છોડીને મારી સાથે આખી દુનિયા ઊભી હોય તો ય મને જીવવું પાલવે એમ નથી. એટલે તમારો એ ધર્મ હતો કે “તારે અહીં આવવાની જરૂર નથી, તું મહાત્મા આફ્રિકામાં ભલો.” તમે મને વિશ્વવંદ્યં કહો એનો અર્થ શું? મારં કંઈ વંદવાપણું હોય તો તે મારો સત્યાગ્રહ છે. એ સત્યાગ્રહ સમજવા ખાતર તમે મને બોલાવી શકતા હતા. મારામાં જે ભરેલું છે તે એ સત્યાગ્રહ અને તેની સાથે રહેલો અંત્યજ પ્રેમ અને ખાદી. એ તમને પ્રિય હોય તો જ તમે મને સંઘરી શકો.”

આટલું હૃદયનાં ઊંડાણમાંથી કહ્યું :

“અહીંયા આવીને કચ્છની પ્રજાની કંજુસાઈ અને નિર્દયતા અનુભવી રહ્યો છું. તમે ભાગવત ગીતાના શ્લોકો બોલો છો, ગાયત્રી મંત્ર જપો છો, નવકાર મંત્ર ભણો છો, પણ અંત્યજને માટે તમારા હૃદયમાં સ્થાન નથી. તમારો હિન્દુ ધર્મ નથી, જૈન ધર્મ નથી, જે માંકડને બચાવવા તૈયાર થાય તે અંત્યજ રૂપી રાંકડી ગાયને બચાવવા તૈયાર ન થાય? તમે કૈંક તો ચેતો! કૈંક તો શીખો! મારી પાસેથી શીખવાનું, મારુ લડવાનું જોર નથી પણ મારો પ્રેમ છે. એ જોર પણ મારા સત્યમાંથી નિપજેલું છે. મારી દયામાંથી, મારા પ્રેમમાંથી ઉત્પન્ન થયેલું છે. એ પ્રેમ વિના મારી બધી લડાઈ અને લડવાનું વ્યર્થ છે. એ પ્રેમ જિંદગીમાં ઉતારનાર માણસ જ અંત્યજની અને ગાયની દુવા લઇ શકશે. તમે તમારી આંખનાં પડળ ખોલો, તમારા હૃદયના પડદા ખોલો, કૈંક તો સમજો! કૈંક તો ચેતો. ઈશ્વર તમારું કલ્યાણ કરો.”

હૃદયસ્પર્શી આર્ષવાણી એક શ્વાસે સાંભાળી જમા થયેલી મેદની જાણે વિચારમાં ડૂબી ગઈ એવી નીરવ શાંતિ છવાઈ ગઈ. મુંદરામાં હરિજન શાળા ચાલે છે તેની મુલાકાત બાપુજી લઈ આવ્યા. આ શાળા પણ ત્યાંના એક સખી ખોજા ગૃહસ્થ શેઠ ઇબ્રાહિમ પ્રધાન તરફથી ચાલી રહી છે. આ ગૃહસ્થ ફિલસૂફ અને માનવપ્રેમી સજ્જન છે. હરિજન બાળકોને ઊંચે લાવવામાં તેમને રસ. માનવ પ્રેમી મુસ્લિમ હરિજન સેવા કરે એ વાતનું મુંદરાનો હિન્દુ શી રીતે અભિમાન લઇ શકે?

*

-9-

3 નવેમ્બર 1925

સવારે મુંદરાથી ભુજ રસ્તે અંજાર જવા પ્રસ્થાન કર્યું.

પાટનગરમાં ગણાતી ન્યાતોમાં વ્યાપેલ રોષ અને ખળભળાટ હવે તો શમ્યાં હતાં. બાપુની યાત્રામાં બાપુને કાજે યાત્રિક બનેલા ચાર નાગર સેવકોને ન્યાત બહાર મૂકીને નાગરી ન્યાતે સંરક્ષક વૃત્તિને સંતોષી. ઔદિચ્ય બ્રાહ્મણની ન્યાતે પણ ન્યાતના ગાંધી ભક્તોની ખબર લઈ નાખી. જૈન વણિક ન્યાતે રોષભરી ચર્ચા કરીને છેવટે મૌન સેવીને શાણપણ બતાવ્યું. આ બધા ફફડાટ અને ખળભળાટની વ્યાપક અસર પાટનગર પહોંચતાં અનુભવી. કચ્છમાં પધરામણી થયા બાદ ત્રણ દિવસ બાપુ પાટનગરમાં રહેલા. તે દિવસોમાં સેંકડો સ્વયંસેવકો અને કાર્યકરોનો કાફલો ઉતારામાં પડ્યો પાથર્યો રહેતો.

આજે  ભુજ પાછા ફરતાં ચાર સ્વયંસેવકો સિવાય કોઈ ઉતારે ફરક્યું નહીં! યાત્રીઓની રસોઈ કરવા ન આવ્યો કોઈ રસોઈઓ કે ન મળે કોઈ પાણી લાવનાર બાઈ કે ભાઈ! રસોઈ પાણીનો તમામ ભાર પેલા કુમાર સ્વયંસેવકોએ હસતાં રમતાં ઉપાડી લીધો અને કોઈ જાતની ખામી વર્તાવા દીધી નહીં.

આગમન વેળાએ ગાજતો ઉતારો વિદાય વેળાએ સાવ સુમસામ બની ગયો. પાટનગરે જાણે ગાંધીયાત્રાનો સામાજિક બહિષ્કાર ન કર્યો હોય તેવું દીસતું હતું. અગ્રણીઓમાં નગરશેઠ સાંકળચંદભાઈ અને માનસંગભાઈ, સંભવિતોમાં વિઠ્ઠલભાઈ દવે અને ન્યાત બહાર થયેલા નાગર ભાઈઓની આ પળે કસોટી હતી. પાટનગરની વિદાય કોઈ એવું સ્વરૂપ ન લે કે જેથી પાટનગરની શાન ઓછી થાય એ સૌની ચિંતાનો વિષય હતો. આ ભડકપ્રેરી ઉપેક્ષાવૃત્તિ સિવાય તો કઇં ન બન્યું એટલી લાજ રહી ગઈ.

અસહકારના યુગથી પૂજ્ય બાપુના કચ્છ અને કચ્છીઓ સાથે ગાઢા સંબંધો બંધાયા હતા. મુંબઈ અને દેશાવર વસતા કચ્છીઓ તો વર્ષોથી ઉત્સાહથી ભાગ લેતા અને અસહકારના જુવાળ વખતે તો કેટલા ય જાણીતા કચ્છીઓ રાષ્ટ્રીય લડતમાં જોડાઈ જેલવાસી પણ બન્યા હતા. દેશી રાજ્યોની પ્રજાકીય હિલચાલ શરૂ થયા પછી તો બાપુ સાથેના સ્થૂળ સંબંધો પણ વધતા રહ્યા. કચ્છની પ્રજાકીય પ્રવૃત્તિઓનું ઉગમ સ્થાન મુંબઈ હતું તો પણ કચ્છના સ્થાનિક કાર્યકર્તાઓ રિયાસતોની રાજકીય પ્રવૃત્તિઓના ઘડવૈયા મનસુખલાલ ઝવેરી, મણિભાઈ કોઠારી, અમૃતલાલ શેઠ વગેરેની મારફતે બાપુને કચ્છમાં પાંગરી રહેલી પ્રવૃત્તિઓથી વાકેફ રાખે અને દોરવણી પણ આપતા રહે. સરદારસાહેબનો રસ પણ કચ્છ પ્રત્યે ખૂબ. ગુજરાત પ્રાંતિક સમિતિમાં કચ્છને તેના પ્રમાણ ભાગ કરતાં સવિશેષ સ્થાન વલ્લભભાઈએ આપેલું. અંત્યજ સેવા અને ખાદી પ્રચારનાં કામો પણ ગુજરાતના કસાયેલા કાર્યકર્તાઓ શ્રી મણિભાઈ કોઠારી અને શ્રી છગનભાઈ જોશીને વખતોવખત કચ્છ મોકલીને તેઓ જોતા રહેતા.

તંત્રની ઉદાસીન નીતિને લોકોની સ્થિતિચુસ્ત મનોદશાને કારણે રાષ્ટ્રીય પ્રવૃત્તિનાં મૂળ કચ્છમાં હજુ જામ્યાં નથી તો પણ સ્થાનિક કાર્યકર્તાઓ આ દિશામાં કુછ ન કુછ કરી છૂટવાની અદમ્ય હોંશ અને ધગશ તો ધરાવે જ છે. આવા અદમ્ય ઉત્સાહથી પ્રેરાઈને પૂજ્ય બાપુનાં પગલાં કચ્છમાં થાય તો પ્રજા જીવનમાં પ્રાણ પ્રગટે અને રાજ્યતંત્રમાં ચેતના આવે એવી અપેક્ષાથી સ્થાનિક કાર્યકર્તાઓએ બાપુને કચ્છ પધારવા આગ્રહ કર્યો. બાપુએ આમંત્રણનો સ્વીકાર તો તરત જ કર્યો, પણ બાપુની દેશવ્યાપી પ્રવૃત્તિઓ અને તે અંગેનાં રોકાણોના અનિવાર્ય એવા પ્રવાસોને લીધે વાત વાતમાં આઠ નવ માસ નીકળી ગયા.

કચ્છી પ્રજાનો ભક્તિભાવભર્યો આગ્રહ સરદારશ્રી પણ જાણતા હતા. એથી તેમણે પણ બાપુની ક્ચ્છયાત્રા યોજવામાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું અને યાત્રામાં બાપુના રસાલા રહેવા માટેનો સમય અનેક કામો વચ્ચેથી પણ કાઢ્યો એથી કાર્યકર્તાઓને મોટી ઓથ મળી.

કચ્છના દરેક પડાવમાં લોકલાગણીનો ઉમળકો અને આદર, દર્શનની ખેવના અને તાલાવેલી અપૂર્વ હતાં. કચ્છના ગામોએ આવું સ્નેહભર્યું અને આદરયુક્ત સ્વાગત કોઈનું નહીં કર્યું હોય. અને સભાઓમાં ઊમટેલી મેદની, ભવ્ય સજાવટ અને શણગાર ગામોએ કદાચ પહેલી વાર જોયાં હશે. બાપુ ઔપચારિક રીતે તો કચ્છના મહારાઓશ્રીના અતિથિ હતા.

*

-10-

4થી નવેમ્બર 1925

અંજાર પણ માંડવીની જેમ કચ્છના કસાયેલ કાર્યકર્તાઓનો ગઢ ગણાય. યાત્રા આગળ વધતી ગઈ તેમ ઉત્તરોત્તર અંત્યજ પ્રશ્નોની ઉત્કટતા વધતી ગઈ. મુંદરામાં બન્યું એવું અંજારમાં થવાનું હોય તો બાપુએ માનસંગભાઈ અને મણિભાઈ કોઠારીને કહી દીધું કે તેઓ અંજાર જવાનું ટાળે. પણ તેમણે તો યાત્રાક્રમ પૂરો કરવાનું જ નક્કી કર્યું અને અંજારના કાર્યક્રમો રખાયા.

સ્વાગત મંડળના પ્રમુખ ભારે હોશિયાર. તેમણે ઉતારો પોતાને ત્યાં રાખ્યો. ને એમ કરીને બાપુના સ્વાગતનો પૂરેપૂરો યશ કમાયા. તેમણે સ્વાગત મંડળમાં ઠરાવ કરાવીને ભુજની જેમ સભાની ગોઠવણ વિચારી કાઢી. સભામાં હાજરી આપીને નાહી લેવાની વ્યવહારુ શિખામણ સ્વાગત મંડળના સભ્યોને આપી રાખેલી.

સભા થઈ. ગાંધીજીનો મંચ હરિજન ભાઈઓની મધ્યમાં રાખેલો. સ્વાગત મંડળના કેટલાક અભ્યો તેમાં આવી બેઠા. અંજારના નગરશેઠે માનપત્ર વાંચ્યું અને બાપુમાનપત્ર ઊંચકી લેવા આગળ આવ્યા ત્યારે તેમણે હાથોહાથ જઈને આપ્યું. પછી ભલેને ઘેર જઈને નાહી લેવાનું તેમણે નક્કી કર્યું હોય! આમ માનપત્ર તો ભુજ સિવાય બીજે બધે ઊંચેથી અપાયાં તેમ ન કરતાં અહીં હાથોહાથ અર્પણ કર્યું એટલી સરસાઈ અંજારે બતાવી.

સ્વાગત મંડળના નિર્ણયને બાપુએ અનુકૂળ થઈને વર્તવું એવો જે આગ્રહ સેવ્યો અને પ્રમુખે જે સોદાગીરી કરીને વ્યવહાર કર્યો તે બધું વત્તે  અંશે  તેવું  જ તત્ત્વત: થયું. એ બધું થવાથી બાપુને જે વેદના થઈ તે વ્યક્ત કરતા શબ્દો હૃદયદ્રાવક હતા.

આ રહ્યા તે વ્યથિત વેણ:

“કચ્છમાં આ અમારી છેલ્લી સભા છે. અત્યારે મારી એવી ઈચ્છા એવી નથી કે જે વાતો હું અનેક સભાઓમાં અનેક રીતે કરી ચુક્યો છું તે ફરી કહી જાઉં. મારા વિચારો તમે અનેક સ્થળેથી અનેક રીતે જાણી લીધા છે. તે ફરી ફરી સંભળાવવા નિરર્થક છે. જેમ સમસ્ત ભારત વર્ષમાં તેમ કચ્છમાં પણ મેં પ્રેમ, પ્રેમ અને પ્રેમનો જ અનુભવ કર્યો છે. મારી ખાતર મને જોઈએ તે કરતાં વધારે સેવા કચ્છમાં મળી છે. દરેક સ્થળે ભાઈબહેનોએ અતિશય પરિશ્રમ ઊઠાવીને મને સુખી કરવામાં કચાશ રાખી નથી. પણ તમારે સમજવું જોઈએ કે મારી પોતાની જાતની સેવા લેવા કચ્છમાં નહોતો આવ્યો. હિન્દુસ્તાનમાં હું ભ્રમણ કરું છું તે મારી પોતાની સેવા લેવા નથી કરતો. મારી પોતાની સેવામાં કચ્છે કશી ઉણપ નથી રાખી. … કચ્છ બીજા પ્રાંતો કરતાં ઊતરે તેમ નથી. પણ એ મારે માટે કંઈ નથી. હું જે વસ્તુનો ભૂખ્યો છું, તરસ્યો છું તે જુદી જ વસ્તુ છે. એટલે તમારા અસીમ પ્રેમનો સ્વીકાર કરી એટલું જ કહીશ કે મને એવા પ્રેમથી ન કચરો. જે પ્રેમથી હું રીઝું એ વાત આજે મારે નથી કરવી. જો કહું તો તમને દુઃખ થશે, જો કે તમે એ સાંભળશો પણ હું તમને નહીં સંભળાવું. જગતના દરેક ધર્મશાસ્ત્રમાં લખેલું છે કે જયારે મનુષ્ય ઉપર દુઃખ પડે ત્યારે તેણે પ્રભુને સંભારવો. બધાની ક્ષમા માંગીને હું આજે રામનામ લઉં છું. મારું દુઃખ ઈશ્વર પાસે ઠાલવવા ઈચ્છું છું. અને મારે જે આનંદ અને સુખ જોઈએ તે એની પાસે માગવા ઈચ્છું છું. એ એક જ વસ્તુ છે જેમાં હિન્દુ સમાજ મને સાથ દઈ શકે છે. એટલે મારું ભાષણ પૂરું કરું છું અને એની પાસે મારું હૃદય ઠાલવવા ઈચ્છું છું. તમે, અંત્યજો અને બીજા જેનાથી તમે અભડાઓ છો તે પણ તેમાં જોડાઓ. દરેક સારા કાર્યના પ્રારંભ અને પૂર્ણાહુતિ વેળાએ આપણે રામનામ લઈએ છીએ. તેમ આજે પણ રામનામથી જ પૂર્ણાહુતિ  કરીએ.  મારો બબડાટ હવે બંધ થાય છે.”

આ હૃદયભેદક વેણ સંભાળી અમે સમસમી રહ્યા. આ પછી મહાદેવભાઈએ રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ એ ધૂન બોલાવી. ધૂનના પ્રેરક વાતાવરણમાં સભા નિસ્તબ્ધ બનીને પ્રેમથી નાહી રહી. રાતે  કાર્યકર્તાઓની સભા બાપુના ઉતારે મળી. બસો જેટલા કાર્યકર્તાઓ હાજર હતા. કચ્છ જેવડા મુલકમાં આટલા બધા લોકસેવકો હોય પછી કામની બાબતમાં કચ્છ પાછળ કેમ રહે? ખાદીકામ, હરિજન સેવા, ગોસેવા, રાષ્ટ્રીય કેળવણી, એવાં અનેકવિધ રચનાત્મક કાર્યોની વાતો કાર્યકરોને કહીને આ કામોમાં ખૂપી જવાનો આદેશ બાપુએ આપ્યો. કચ્છનાં કામોની વિગતો પણ બાપુએ કાર્યકર્તાઓ પાસેથી સાંભળી. ગુજરાત પ્રાંતિક સમિતિની સહાય આવાં બધાં કામોમાં કચ્છને મળશે એવી ખાતરી બાપુએ સરદારશ્રી વતી પણ આપી.

કાર્યકરોએ સરદારશ્રી પાસે પણ સ્થાનિક પ્રશ્નો રજૂ કરી તેમની દોરવણી માગી. મણિભાઈ કોઠારી પણ રજવાડાના રંગ ઢંગ અને સવાલોના અઠંગ અભ્યાસી. તેમની સાથે પણ ઘણી ચર્ચાઓ થઈ. આમ કચ્છના ગંભીર એવા વહીવટી અને આર્થિક સવાલો સંબંધે પૂજ્ય બાપુની હાજરીમાં સારી એવી છણાવટ થઈ એથી સહુને બળ મળ્યું અને અંતરની સૂઝ વધી. લંબાણ ચર્ચાને અંતે સરદારશ્રીએ રચનાત્મક કામો દિલ દઈને  કરવા, લોકજીવનનો અભ્યાસ ઊંડાણથી કરીને પોતાની જાતની અને સંઘશક્તિ વધારવાની સલાહ આપી. કાઠિયાવાડમાં ભાવનગર-રાજકોટ જેવા રાજ્યોના શાણા રાજવીઓ અને યુગપારખુ દીવાનોની મહેરબાની છતાં પ્રજા જાગૃતિ વગર ત્યાં પણ આગળ વધી શકી નથી અને કોયડાઓ વણઉકેલ રહ્યા છે એ અનુભવ સિદ્ધ વાતો દાખલા દ્રષ્ટાંતો આપીને સરદારશ્રીએ કરી. આ અનુભવ વાણીથી કચ્છના કાર્યકરોને ખરે જ નવી દિશા દેખાઈ.

*

-11-

5 નવેમ્બર 1925

યાત્રાની ફલશ્રુતિ  શી? કાર્યકર્તાઓને તો મોટો બોધપાઠ આ યાત્રાએ આપ્યો.  પોતાનાં શક્તિ અને દૈવતનું ભાન સૌને થયું. સાચું રચનાત્મક કામ કઈ રીતે પ્રજાની પાસે મૂકી શકાય તની દ્રષ્ટિ પણ સાંપડી. સમાજ સુધારણાના અને રાષ્ટ્ર ઘડતરનાં કામો બધાને રાજી રાખવાની નીતિથી સફળ ન થઈ શકે એનો પદાર્થપાઠ ગામેગામથી મળ્યો. સમાજસુધારકે હિંમત અને દ્રઢતાથી માનેલા આદર્શને અનુસરવું જોઈએ એવો બોધપાઠ યાત્રના અનુભવે આપ્યો.

પૂજ્ય બાપુને કચ્છ પધારવાનું આમંત્રણ આપેલ તે આમંત્રણ અને આગમન વચ્ચેનો મોટો એવો ગાળો મધ્યસ્થ સ્વાગત મંડળને પ્રચાર કરવા માટે અને પૂર્વ તૈયારી માટે મળ્યો. બાપુ જેવી વિભૂતિને આમંત્રીને જે જવાબદારી માથે લીધેલી તેનો ખ્યાલ તો સ્થનિક કાર્યકર્તાઓને હતો પણ બાપુ આપણામાં કઈ કઈ આશા અપેક્ષા રાખશે એ વિશેની અમારી દ્રષ્ટિ કેળવાયેલી નહીં એટલે પ્રચાર અર્થે મળેલા સમયમાં બાપુને યોગ્ય એવા સત્કાર માટે લોકમાનસને કેળવવા માટે કોઈ યોજના અમલમાં મુકાઈ નહીં, એવું યાત્રમાં થયેલા અનુભવે લાગ્યું. સ્વાગત મંડળની અનેક સભાઓ મળેલી. બાપુના શાનદાર સ્વાગતની વિગતો વિચારાઈ. ગામેગામ ફરીને સ્વાગત સભ્યો નોંધવાની ઝુંબેશ પણ નક્કી થયા પ્રમાણે સારી રીતે થઈ. તેમ જ વખતોવખત પત્રિકાઓ પ્રગટ કરીને બાપુની યાત્રા જ્યાં જ્યાંથી પસાર થાય ને જ્યાં જ્યાં સભાઓ યોજાય ત્યાં ત્યાં આવીને સત્કાર કરવાનો અને દર્શનનો લાભ લેવાનો લોકોને સ્વાગત મંડળે અનુરોધ કરેલો. પણ ખાદી ધારણ કરવાની કે ખાદીનો પ્રચાર કરવાની, આભડછેટ ટાળી અંત્યજોને અપનાવવાની કે ગોસેવા ને હિન્દુ મુસ્લિમ ઐક્યની એવી અપેક્ષા બાપુ આપણામાં રાખશે અને એ પૂરી કરીએ તો જ સંત સ્વાગત આપણે કર્યું કહેવાય એવી વાત જનતાને કહેવાનું સ્વાગત મંડળને જાણે સૂઝ્યું જ નહીં!

પ્રચાર પત્રિકાઓ દ્વારા કે પ્રચાર કાર્યકર્તાઓના પ્રયત્નો વડે આવી પાયાની વાતો પ્રજાને કાને પહોંચવી જોઈતી હતી તે ન પહોંચી. દેશબંધુ ફાળામાં કચ્છીઓના હિસ્સાની વાત પણ પ્રજાને પહોંચાડવાની હતી. મહિનાઓ સુધી સ્વાગત મંડળે પ્રચાર કર્યો એથી મહાત્માના દર્શનની ઉત્કટ લાગણી લોકહૃદયમાં જન્મી ખરી, પણ મહાત્માના જીવનમાંથી પ્રજાએ શું પામવાનું છે એની ઊર્મિ પ્રજાના દિલમાં ન જાગી ને પરિણામે મોંઘા અતિથિ એવા મહાત્માના દિલને દુભવ્યા જેવો વ્યવહાર જાણે અજાણ્યે હરેક સભા અને સ્વાગત પ્રસંગોમાં થઈ ગયો. એનું દુઃખ એ અનુભવીને ન રહ્યું હોય પણ કચ્છના નામે ઇતિહાસના પાને કુરૂપ પ્રસંગો ચડ્યા એનો આંચકો યાત્રાની ભૌતિક સફળતા છતાં કાર્યકર્તાઓને લાગ્યો તો ખરો જ.

આ અરસામાં સ્વ. દેશબંધુ ચિત્તરંજન દાસનું રાષ્ટ્રીય સ્મારક ભંડોળ કરવાનું દેશે નક્કી કરેલું. એ સ્મારક ભંડોળમાં કચ્છની યાત્રામાં પ્રજા પાસેથી સારી એવી રકમ મળશે એવી આશા બાપુને આપવામાં આવેલી અને કાર્યકરોએ પણ સેવેલી. પણ કચ્છના એક વર્તમાનપત્રે સ્થાનિક કાર્યકર્તાઓ પ્રત્યેના અંગત રાગદ્વેષથી પ્રેરાઈને ‘કચ્છના નાણાં કચ્છમાં વપરાય’ એવો પ્રચાર વહેતો કર્યો. વતનભક્તિ અને સ્વદેશ પ્રેમના રૂપાળા નામે ચાલેલી આ સાંકડી મનોવૃત્તિને ઉત્તેજિત કરે એવા પ્રચારનો ભોગ કચ્છ બહાર વસતા ઘણા એવા ભોળા નાગરિકો બન્યા અને કચ્છીઓની સ્વાભાવિક એવી ઉદાર વૃત્તિને ન શોભે એવો વર્તાવ દાતાઓએ કર્યો એ બનાવ પણ કચ્છના નામને ઝાંખપ આપે એવો આ યાત્રા-ઇતિહાસમાં નોંધાયો!

બાપુની કચ્છ યાત્રા ખાસ્સા બે અઠવાડિયા જેટલા સમયની યોજી શક્યા, પણ કચ્છમાં વ્યવહારના સાધનો અઢારમી સદીનાં એટલે બાપુને ખૂબ શ્રમિત કર્યા છતાં કચ્છનો થોડોક જ ભાગ યાત્રા પથમાં આવરી શકાયો.

બાપુને વિદાય આપતી વેળાનું દ્રશ્ય ભારે પ્રેરક હતું. હરેક કાર્યકર્તા પોતાના દિલને ઢંઢોળી રહ્યો હતો. બાપુના સંદેશાએ દિલ દિમાગને ઘણું ઘણું આપ્યું હતું. એને જીરવવાની પોતાની કેટલી તાકાત અને તૈયારી છે એની મૂંઝવણ છતાં કાર્યકરોએ બાપુને ભાવભરી વિદાય આપીને કૃતકૃત્યતા અનુભવી.

કચ્છની ખમીરવંતી ભૂમિ અને તેના ભડવીર સંતાનો જગતના આ પુરુષોત્તમનો સંદેશ જીવનમાં ઉતારવા દિલમાં દીવો ધરી પ્રકાશ પાડશે એવી આશા રાખવી રહી.

e.mail : saroj.anjaria@gmail.com

મુદ્રાંકન સહયોગ : આશાબહેન બૂચ

Loading

28 December 2016 admin
← પર્યાવરણરક્ષાના અનુપમ ક્રાંતિસૈનિક
અલવિદા 2016, ‘પર્સન ઑફ ધ યર’ કોણ? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved