‘નિરીક્ષક’ના ગયા [01 ડિસેમ્બર 2016] અંકના છેલ્લા પાને હિમાંશી શેલતે છત્તીસગઢની ભયંકર પરિસ્થિતિ અંગે રામચન્દ્ર ગુહાએ ચૌદમી નવેમ્બરના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં લખેલા ‘રિપબ્લિક ઑફ અનફ્ર્રીડમ’ લેખની વાત કરી છે. તેમાં નંદિની સુંદરના ‘ધ બર્નિંગ ફૉરેસ્ટ’ અને અનુભા ભોંસલેના ‘મધર, વ્હેર ઈઝ માય કન્ટ્રી’ એ અસ્વસ્થકારક નવાં પુસ્તકોનો ય ઉલ્લેખ કર્યો છે. એના અનુસંધાને અહીં નંદિની સુંદર વિશેની એક નોંધ અને ગુહાના લેખનો અનુવાદ મૂક્યાં છે. ગુહાએ ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ (૨૦૦૭) નામના સમકાલીન ઇતિહાસના પુસ્તકમાં ભારતની લોકશાહીને ફિફ્ટી-ફિફ્ટી ડેમૉક્રસી ગણાવી હતી. પ્રસ્તુત લેખને અંતે ભારતમાં ‘ઇલેક્શન-ઓન્લી ડેમૉક્રસી’ હોય તેવો મત ગુહા વ્યક્ત કરે છે.
નોંધ અને અનુવાદ : સંજય શ્રીપાદ ભાવે
નંદિની સુંદર
છત્તીસગઢની નક્સલવાદની સમસ્યામાં રાજ્ય સરકારની અમાનવીય ભૂમિકા સામે અવાજ ઉઠાવનારમાંનાં એક તે દિલ્હી યુનિવર્સિટીના સમાજશાસ્ત્રનાં અધ્યાપક નંદિની સુંદર. રાજ્ય અને નક્સલવાદીઓ વચ્ચેના સંઘર્ષનો જુદી જુદી રીતે ભોગ બનેલા આદિવાસીઓનાં પુનર્વસન તેમ જ ન્યાયની કામગીરી સાથે તે સંકળાયેલાં છે. છત્તીસગઢમાં જનતાના એક હિસ્સાને બીજા હિસ્સા સામે હથિયાર તરીકે વાપરવાનો પરવાનો આપતી સલ્વા જૂડુમ નામની, ગેરબંધારણીય સરકારી વ્યૂહરચના સામે સુંદરે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી કરી હતી. તેમની સાથે ઇતિહાસકાર રામચન્દ્ર ગુહા, કેન્દ્ર સરકારના પૂર્વ સચિવ ઇ.એ.એસ. શર્મા, આદિવાસી કાર્યકર કર્તમ જોડા અને સમાજસુધારક અગ્નિવેશ હતા.
અદાલતે સરકારને સલ્વા જૂડુમ વિખેરી નાખવાનો આદેશ આપ્યો હતો. વળી અદાલતે એ બાબતે પણ ઘેરી હતાશા બતાવી કે રાજ્ય સરકાર માનવઅધિકારની વાત કરનાર તેમ જ રાજ્યમાં પ્રવર્તતી અમાનવીય હાલત સામે સવાલ ઉઠાવનાર દરેક સામે શંકાસ્પદ ગુનેગાર અને માઓવાદી તરીકે જુએ છે. બરાબર આ જ વાત છત્તીસગઢની પોલીસ નંદિની સાથે કરતી રહી છે. ચાર વર્ષ પહેલાં નંદિની સુંદરને માઓવાદીઓની સાથે બેઠક કરી હોવાના આરોપમાં સંડોવવાની કોશિશ કરવામાં આવી. એ વખતે નંદિની સામે રાજ્યની ખફગીના દૌરનું કારણ બસ્તરના રોઘાટમાં સૂચિત ખાણખોદાણ યોજનાના સ્થાનિક વિરોધને આપેલો ટેકો હતું. ચાર વર્ષ પહેલાં પણ એક કૉંગ્રેસી આગેવાન પર હુમલો કરવાના આરોપ હેઠળ નંદિનીને ફસાવવાનું તરકટ રચવામાં આવ્યું હતું. જો કે બનાવ વખતે તે પેરિસમાં હતાં! તાજેતરમાં સુંદર સરકારી દમનનો ફરી એક વખત ભોગ બન્યાં છે. તેઓ જે જૂથની સાથે જોડાયેલાં છે તે જૂથે કલહથી તૂટી ગયેલા બસ્તર પ્રદેશની મુલાકાત લઈને છત્તીસગઢમાં માનવ અધિકારની કથળતી જતી પરિસ્થિતિ અંગે અહેવાલ તૈયાર કર્યો. એનાથી છત્તીસગઢની પોલીસ એટલી બધી ખફા થઈ કે તેણે આ જૂથ પર ખૂનનો આરોપ લગાવી દીધો.
ઑક્સફર્ડ અને કૉલંબિયા યુનિવર્સિટીઓમાં ભણેલાં, નંદિનીએ માનવવંશશાસ્ત્ર શાખામાં બસ્તરના મૂળ નિવાસીઓ પર પાયાનું સંશોધન કર્યું છે. આદિવાસીઓની આપઓળખ, નાગરિકતા, દક્ષિણ એશિયાની ઇન્સર્જન્સીમાં રાજ્યની ભૂમિકા, ન્યાયનું સમાજશાસ્ત્ર, જંગલોનું સહિયારું સંચાલન, અને સ્વાતંત્ર્ય સમાનતા નંદિનીના વિશેષ અભ્યાસના વિષયો છે. પેરિસ, યેલ, મિશિગન, કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓનાં મુલાકાતી અધ્યાપક નંદિનીએ આકર ગ્રંથો અને અભ્યાસો આપ્યાં છે.
૪૯ વર્ષીય નંદિની તેમનાં સામાજિક કાર્યને ‘વર્ગખંડમાં આવવા’ દેતા નથી. દિવસે એ નિયમિત વર્ગો લે છે, એસાઇનમેન્ટસ્ તપાસે છે અને રાત્રે છત્તીસગઢના અભ્યાસમાં પરોવાય છે. ઍક્ટિવિસ્ટ તરીકે ઓળખાવાનું એ પસંદ કરતાં નથી. એ કહે છે : ‘ભારતીય માનવવંશશાસ્ત્રીઓમાં એક શિરસ્તો રહ્યો છે કે એ જે લોકસમૂહો પર સંશોધન કરતાં હોય તેમના હિતોનાં રક્ષણ માટે કામ કરે. વેરિયર ઍલ્વિન, નિર્મલકુમાર બોસ, અક્ષયકુમાર ર. દેસાઈ જેવાએ આ કર્યું છે. હું પણ માનવવંશશાસ્ત્રી અને નાગરિક તરીકેની મારી ફરજ બજાવી રહી છું.’
બિનઆઝાદ લોકતંત્ર / રામચન્દ્ર ગુહા
નવેમ્બર મહિનો ભારતીય લોકશાહી માટે ખરાબ હતો. પહેલાં સરકારે એન.ડી.ટી.વી. ઇન્ડિયા પર એક દિવસનો પ્રતિબંધ લાદ્યો, મોટો વિરોધ થતાં સરકાર ઝૂકી અને તેણે આ પ્રતિબંધ મોકૂફ રાખ્યો, પણ આ મોકૂફી અત્યાર પૂરતી છે કે હંમેશ માટેની એ સ્પષ્ટ થતું નથી. આ મોકૂફીથી લોકશાહીમાં માનનાર દેશવાસીઓએ સહેજ રાહતનો દમ લીધો, ત્યાં તો સમાચાર આવ્યા કે છત્તીસગઢની પોલીસે લેખકો અને કર્મશીલોના એક જૂથની સામે ખૂનનો ગુનો નોંધ્યો છે. એ જૂથમાં દિલ્હી યુનિવર્સિટીના સન્માનનીય પ્રોફેસર નંદિની સુંદર પણ છે. નંદિની ભારતના એક સર્વોત્તમ માનવવંશશાસ્ત્રી છે અને તેમને યથાર્થ આંતરારાષ્ટ્રીય નામના મળેલી છે.
આપણા દેશમાં લાંબા સમયથી અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર જોખમ તોળાઈ રહ્યું છે. લેખકોને પુસ્તકો પરના પ્રતિબંધનો, કલાકારોને તેમનાં પ્રદર્શનોમાં ભાંગફોડનો અને ફિલ્મમેકર્સને તેમની ફિલ્મ્સ પરની સેન્સરશીપનો અનુભવ થયો છે. પણ છત્તીસગઢમાં જે કંઈ બન્યું તેમાં પડતીની વધુ ઊંડી નિશાની દેખાઈ. સુંદર જે જૂથની સાથે જોડાયેલાં છે તે જૂથે કલહથી તૂટી ગયેલા બસ્તર પ્રદેશની મુલાકાત લઈને છત્તીસગઢમાં માનવાધિકારની કથળતી જતી પરિસ્થિતિ અંગે અહેવાલ તૈયાર કર્યો. સુંદરના જૂથનો ખરો ગુનો તો આ હતો. એનાથી છત્તીસગઢની પોલીસ એટલી બધી ખફા થઈ કે તેમણે આ જૂથ પર ખૂનનો આરોપ લગાવી દીધો.
બસ્તર ભારતનો એક એવો વિસ્તાર છે કે જેમાં મને ઘણાં લાંબા સમયથી રસ રહ્યો છે. બસ્તરના આદિવાસી જીવનના મહાન આલેખક વેરિયર એલ્વિનનું જીવનચરિત્ર મેં લખ્યું છે. આદિવાસીઓના જમીન અને જંગલ પરના અધિકારનું રક્ષણ થાય તે માટે એલ્વિને ઊંડી નિસબતથી કામ કર્યું હતું. એમને આશા હતી કે આઝાદ ભારત આદિવાસી અધિકારોનો સન્માનપૂર્વક સ્વીકાર કરશે અને તેમને રક્ષણ આપશે. તેને બદલે એક પછી એક આવતી સરકારોએ આદિવાસી અધિકારોને તિરસ્કાર અને અહેસાનનો મામલો બનાવી દીધા. જંગલો અને આદિવાસીઓની જમીનોની જપ્તીએ તીવ્ર અસંતોષ ઊભો કર્યો. આ બાબતનો માઓવાદીઓએ હમણાંના દાયકાઓમાં ચાલાકીથી ઉપયોગ કરીને આદિવાસી વિસ્તારોમાં અને ખાસ કરીને બસ્તરમાં મોટા પાયે પગપેસારો કર્યો.
માઓવાદનો સામનો લોકશાહી શાસને આદિવાસીઓને તેણે પહોંચાડેલી પીડાના ઇલાજ દ્વારા કરવો જોઈતો હતો. તેને બદલે સરકારે સલ્વા જુડુમના નામે રક્ષકોના એક દળને આગળ કર્યું. આ દળે એક ઘાતકી યુદ્ધ શરૂ કર્યું કે જેમાં માઓવાદીઓના હિંસાચારનો રાજ્યે સાલવા જુડુમ થકી એટલા જ ભયંકર હિંસાચારથી જવાબ આપ્યો. આ બે વચ્ચે આદિવાસીઓ સપડાયા. એક બાજુ એ તિરસ્કાર અને બીજી બાજુ અત્યાચારનો ભોગ બનતા રહ્યા. આ સતતના આંતરવિગ્રહમાં ડઝનબંધ ગામડાં ખાખ કરી દેવાયાં, સેંકડો આદિવાસીઓને મારી નાખવામાં આવ્યા અને એક લાખ લોકોને હિજરત કરવી પડી. ૨૦૦૬ના વર્ષમાં કોઈ રાજકીય જોડાણ ન હોય તેવા તટસ્થ નાગરિકોનું જૂથ બસ્તર ગયું. તેમાં હું અને સુંદર હતાં. બસ્તર જઈને આવ્યા પછી અમારા જૂથે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની એક અરજી કરી. અદાલતે જુલાઈ ૨૦૧૧માં આપેલા એક ચૂકાદામાં સલ્વા જૂડૂમને બરખાસ્ત કરવાનો આદેશ આપ્યો. સર્વોચ્ચ અદાલતે આ મતલબનું કહ્યું : ‘રાજયના ઘણા હિસ્સામાં જે અમાનુષતા વકરી છે. તેની સામે સવાલ ઊઠાવનારાને છત્તીસગઢની સરકાર અને તેના કેટલાક વકીલો માઓવાદીઓ અથવા તેમના હિતેચ્છુ ગણે છે. આવા નજરિયામાં સરકાર અને તેના ભિલ્લુઓની પોતાની બંધારણીય મર્યાદાઓ દેખાઈ રહી છે. પણ તે અંગેની તેમની બેપરવાઈ જોઈને અમે ભારે આઘાત અને ચિંતા અનુભવીએ છીએ. વળી આ સરકાર બંધારણને નામે અમાનુષ હિંસાચાર માટેની મંજૂરી પણ માગે છે.’ ન્યાયમૂર્તિ સુદર્શન રેડ્ડી અને એસ.એસ. નિજ્જરે કહ્યું : ‘નક્સલવાદીઓ/માઓવાદીઓના બંડથી ચાલેલા હિંસાચારની સામે કાયદાના સાનભાન વિનાના હિંસાચારે સમસ્યાનો ઉકેલ આવ્યો નથી અને આવશે પણ નહીં. ઊલટું, એનાથી હિંસાચારનું ચક્ર વધુ સમય સુધી ચાલતું જ રહેશે.’ કમનસીબે, સર્વોચ્ચ અદાલત કડક ટીકા કરી શકે છે પણ જાહેર જીવનમાં એના આદેશોના પાલનની ખાતરી આપી શકતી નથી. બસ્તરમાં બર્બર લડાઈ ચાલુ જ છે. માઓવાદીઓને હિંસાનું વળગણ છે અને તેઓ એનું ગૌરવ પણ કરે છે, એટલા માટે આ લખનાર તેમને તિરસ્કારે છે. પણ વધુ દુઃખદ વાત એ છે કે બંધારણનું પાલન કરવાના શપથ લેનારી સરકાર કાયદાના શાસન અને પાયાના લોકશાહી મૂલ્યોની પૂરેપૂરી પાયમાલી બાબતે માઓવાદીઓનાં પગલે ચાલી રહી છે. બસ્તર રણમેદાન બની ગયું છે. ત્યાં સામાન્ય નાગરિકને માત્ર માઓવાદીઓનો જ નહીં પણ પોલીસનો પણ ડર લાગે છે.
છત્તીસગઢમાં નાગરિક સ્વાતંત્ર્યનો તિરસ્કાર કરનારા પોલીસ અધિકારીઓની હરોળ ચાલી છે. દરેક નવો અધિકારી તેના પહેલાના અધિકારી કરતાં વધુ ઝેરીલો અને વેરીલો રહ્યો છે. અત્યારે બસ્તરનો હવાલો જેની પાસે છે તે પોલીસ વડાએ ‘ધ હિંદુ’ અખબારને કહ્યું હતું , ‘અમને કોઈ હસ્તક્ષેપ કે માર્ગદર્શનની જરૂર નથી. બસ્તરને પોતાના પ્રશ્નો સાથે કામ પાડતાં આવડે છે.અમને કોઈ દખલગીરી પસંદ નથી.’ આ નીતિ અમલમાં મૂકીને છત્તીસગઢની પોલીસે ઘણાં પત્રકારોની બનાવટી આરોપો હેઠળ ધરપકડ કરી છે અને બીજા કેટલાકને પરેશાન કરીને રાજ્ય છોડી જવા મજબૂર કર્યા છે. બિલકુલ હમણાં તેમણે સુંદર અને તેમના સાથીદારો પર ખૂનના આરોપ હેઠળ એફ.આઈ.આર. કરી છે. મેં એ એફ.આઈ.આર. વાંચી છે. તેમાં સાક્ષીઓએ તે પોતે જેમને ક્યારે ય મળ્યા નથી એવા લોકોનાં નામ અને શબ્દો અચૂક રીતે યાદ રાખીને આપ્યા છે. તેમાંથી એ સ્પષ્ટ થાય છે કે આ એફ.આઈ.આર. બનાવટી છે અથવા ધાકધમકીથી કરાવવામાં આવી છે.
ઇન્ફોસિસ પુરસ્કાર સહિત અનેક સન્માન મેળવનારા વિદ્વાન સુંદર પરનો આ કાનૂની હુમલો અકસ્માતે નહીં હોય. ગયા મહિને સુંદરનું ‘બર્નિંગ ફૉરેસ્ટ’ પુસ્તક પ્રકાશિત થયું. હૃદયને સ્પર્શી જનારું આ પુસ્તક ઊંડા સંશોધન પછી લખાયું છે. આ પુસ્તકમાં માઓવાદીઓને નિર્દોષ ગણવાની કોઈ વાત નથી. પણ છત્તીસગઢની રાજ્ય સરકારના અપરાધ, એણે કાયદાનું સાતત્યપૂર્વક અને ક્યારેક તો જઘન્ય રીતે કરેલાં ઉલ્લંધન, બંધારણ તેમ જ સર્વોચ્ચ અદાલત માટે તેણે સતત બતાવેલા તિરસ્કાર પર આ પુસ્તક પ્રખર પ્રકાશ ફેંકે છે. પોલીસે સુંદર પર કરેલી એફ.આઈ.આર. એ દ્વેષપૂર્વકનો બદલો છે. બદમાશ પોલીસ દળનું આ કામ ભારતીય લોકશાહી માટે શરમજનક છે. હું આ લખું છું ત્યાં સુધી તો રાજ્ય અને કેન્દ્ર સરકારે મૌન સેવ્યું છે. શરમજનક કૃત્ય કરનાર સરકારોને શું આ મંજૂર છે ? આશા રાખીએ કે એમ ન હોય. આઝાદ દેશના પૂરા નિર્દોષ નાગરિકો પર ખૂનના આરોપ ફટકારી દેવા એ પુતિને રશિયામાં કે જિનપિંગે ચીનમાં ચલાવેલા પોલીસ રાજની લાક્ષણિકતા છે. છત્તીસગઢની સરકારને લોકશાહીની કોઈ ઊંડી સમજ હોવાનો યશ હું આપતો નથી. પણ કેન્દ્ર સરકારના કેટલાક મંત્રીઓને ચોક્કસ સમજાવું જોઈએ કે છત્તીસગઢની સરકારનું આવું આપખુદ અને વેરભર્યું વર્તન તેમના પક્ષને, તેની સરકારને અને ખુદ દેશની પ્રતિમાને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે.
એન.ડી.ટી.વી. ઇન્ડિયા દિલ્હીની અગ્રણી ચૅનલ છે. પ્રોફેસર સુંદર આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચું સ્થાન ધરાવે છે. આ બંને પણ આપખુદશાહી અને જુલમનો ભોગ બનતા હોય તો, દેશવ્યાપી મીડિયાના પ્રકાશથી દૂર રહીને કામ કરી રહેલા લેખકો, પત્રકારો, સંશોધકો અને કલાકારો પર શું વીતતી હશે એ કલ્પના પણ ધ્રૂજાવી દેનારી છે. અને સામાન્ય નાગરિકની સ્થિતિ પણ બહુ જુદી નહીં હોય.
અંતરિયાળ વિસ્તારમાં રાજ્ય અને બળિયા રાજકારણીઓના ટેકે પત્રકારો પર શારીરિક હુમલા એ વધુ ને વધુ સામાન્ય બાબત બનતી જાય છે. બસ્તર, કાશ્મીર અને મણિપુર જેવા સંઘર્ષમય વિસ્તારોમાં સામાન્ય નાગરિકોની પોલીસ અને અર્ધ લશ્કરી દળો દ્વારા થતી કનડગત લગભગ સાર્વત્રિક છે. મને વધુ ને વધુ એમ લાગતું જાય છે કે ભારત એ ‘ઇલેક્શન-ઓન્લી ડેમૉક્રસી’ છે. આપણે ત્યાં મુક્ત અને ન્યાયપૂર્ણ ચૂંટણીઓ છે. પણ એક વખત એક પક્ષ સત્તા જીતી જાય એટલે એ આવતાં પાંચ વર્ષ માટે એ ખુદને ટીકા અને મૂલ્યાંકનથી પર ગણવા લાગે છે. એન.ડી.ટી.વી. અને બસ્તરના બનાવો ભારતીય રાજકારણીઓ અને જાહેર અધિકારીઓની દાનત કેટલી ભયંકર રીતે બિનલોકશાહી છે તે નવેસરથી બતાવે છે.
૧૧ નવેમ્બર, ૨૦૧૬
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2016; પૃ. 14-15
![]()

