“આમે ય પહેલેથી જ ગાંધીચીંધ્યા માર્ગના પથિક તો હતા જ એટલે જીવનમાં સાદાઈ, સ્વાશ્રિયતા અને સંયમ તો હતા જ એમાં શ્રીજી ચીંધ્યા માર્ગનો રંગ ભળતાં સોનામાં જાણે સુગંધ ભળી. તેઓ આજીવન ખાદી અને સંત સમાગમના ઉપાસક રહ્યા.”
– પ્રમુખ સ્વામી મહારાજ.
“પરહિત સરિસ ધરમ નહીં ભાઈ ।”
ગોસ્વામી તુલસીદાસ, રામચરિતમાનસ
અર્થાત્, “બીજાના હિત જેવો બીજો કોઈ ધર્મ નથી.”
•
સૌરાષ્ટ્રના પ્રથમ હરોળના સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીચીંધ્યા માર્ગે રચનાત્મક પ્રવૃત્તિ કરનારા, આદર્શ સત્સંગી અને સ્નેહાળ મનુભાઈ બક્ષી (૧૯૦૮•૧૯૯૨) જીવનભર તન-મન-ધનથી વ્યક્તિઓને અને સંસ્થાઓને હંમેશાં સહાયક બનતા રહ્યા હતા. મનુભાઈ બક્ષીનું જીવન જોતાં એક વાતનો અચંબો થયા વિના રહેતો નથી. સ્વાતંત્ર્યની લડત હોય, આરઝી હકુમતનું કામ હોય, ગાંધીવિચાર હોય, સાહિત્યનો રસ હોય કે મનોવિજ્ઞાન અને નિસર્ગોપચાર જેવા વિષયો હોય – મનુભાઈ દરેકમાં રસપૂર્વક જોડાયેલા જોવા મળે છે. એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જતાં એમની જિજ્ઞાસા અને કંઈક નવું જાણવાની-સમજવાની ધગશ જાણે ઓછી જ થતી નથી. એમના જીવનની આવી કેટલી ય વાતો યાદ આવે છે. કેટલીક વાતો એમના કાર્યની ઓળખ કરાવે છે, તો કેટલીક એમની સાથેના સંબંધોની હૂંફનો અનુભવ કરાવે છે.
પૂર્વજો :
મનુભાઈના પિતા મણિલાલ છ. બક્ષી ઝારોળા વણિક જ્ઞાતિના ધાર્મિક વૃત્તિના વૈષ્ણવ. માતા મુક્તાલક્ષ્મીબહેન. મણિભાઈ મૂળ ભાવનગરના વતની. વ્યવસાય અર્થે મુંબઈ જઈને વસ્યા. ખંત, પુરુષાર્થ અને સતત પરિશ્રમથી શેરબજારમાં આર્થિક રીતે સદ્ધર થતા ગયા અને શેરદલાલ તરીકે પ્રતિષ્ઠિત થઈ ગયા. મણિભાઈ ધર્મનિષ્ઠ અને ઉદાર તથા રાષ્ટ્રપ્રેમી વિચારસરણી ધરાવતા હતા. તેઓ જીવનમાં નીતિ, પ્રમાણિકતા અને સદાચારના આગ્રહી હતા. મનુભાઈ આઠ વર્ષના થયા ત્યારે તેમની માતાનું અવસાન થયું. ત્રણેય ભાઈઓએ માતાની હૂંફ ગુમાવી. પરંતુ મણિભાઈએ માતૃવાત્સલ્યથી, કુશળ શિક્ષકની રીતે પુત્રોને ઉછેર્યા. તેઓ તંદુરસ્ત શરીર, સાદું અને ધર્મયુક્ત જીવન, સ્વાવલંબન, સેવાભાવના તથા અપરિગ્રહની વૃત્તિ ઉપર હંમેશાં ભાર મૂકતા હતા. મણિભાઈ ‘હવે વધારે કમાવું નથી, ભેગું કરવું નથી.’ એવા અનાસક્ત ભાવે વ્યવસાયમાંથી નિવૃત્ત થયા. તેમણે પોતાની કમાણીમાંથી વધારે રકમ લોકહિતાર્થે દાનમાં આપી. ધર્મપત્નીની સ્મૃતિમાં કન્યા કેળવણી માટે ભાવનગરમાં ‘મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલય’ શરૂ કર્યું. તદુપરાંત, ભાવનગરની જાણીતી વિવિધલક્ષી શિક્ષણ સંસ્થા શિશુવિહારની અનેકવિધ પ્રવૃત્તિઓના વિકાસ માટે તેઓ આર્થિક સહાય કરતા હતા.
જન્મ, અભ્યાસ અને લગ્ન :
મનુભાઈનો જન્મ ભાવનગરમાં થયો હતો. આખું નામ મનહરલાલ હતું. પછી કુટુંબીજનો, મિત્રો, રચનાત્મક કાર્યકરો – પરિચિતોમાં ‘મનુભાઈ’ નામથી જાણીતા થયા અને એ જ નામ કાયમી રહ્યું.
તેમના પિતાશ્રી ત્યારે મુંબઈ રહેતા હતા. મનુભાઈએ પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું. ત્યાં તેમના મિત્રો હતા – દેવશંકરભાઈ બધેકા, ભાઈચંદભાઈ શાહ, વકીલ પ્રેમચંદભાઈ શાહ. બધા જ દેશભક્તિના રંગે રંગાયેલા હતા. અવારનવાર જીવનના આદર્શો વિશે ચર્ચા-વિચારણા કરતા.
એ અરસામાં સરદાર પૃથ્વીસિંહ છુપાવેશે ‘સ્વામીરાવ’ના નામે ભાવનગરમાં રહેતા હતા. તેઓ મોતીબાગ અખાડામાં અને ગણેશક્રીડા મંડળમાં વ્યાયામના વર્ગો ચલાવતા હતા અને યુવાનોને તૈયાર કરતા હતા. મનુભાઈ, બહાઉદ્દીનભાઈ વગેરે મિત્રો તાલીમ લેવામાં અગ્રેસર હતા.
કૉલેજના અભ્યાસ માટે મનુભાઈ મુંબઈ ગયા. બી.કૉમ.નો અભ્યાસ કરતા હતા. દરમિયાન ૧૯૩૦નો નમક સત્યાગ્રહ થયો. લડતમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડીને ધોલેરા છાવણીમાં પહોંચી ગયા. ૧૯૩૪માં લડત પૂરી થયા પછી મુંબઈ આવીને પુનઃ અભ્યાસમાં લાગી ગયા અને આ રીતે બી.કૉમ. પૂરું કર્યું.
૧૯૩૪માં વડોદરાના પ્રતિષ્ઠિત શ્રોફ કુટુંબનાં પુત્રી રમાબહેન સાથે મનુભાઈનાં લગ્ન થયાં. પિતાજી અને શ્વસુરપક્ષે આગ્રહપૂર્વક સમજાવીને બંનેને વધુ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ મોકલ્યા. મનુભાઈએ ત્યાં અર્થશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કર્યો. એકાદ વર્ષ ત્યાં રહ્યા એ અરસામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. મણિભાઈએ તાર કરીને બંનેને દેશમાં પાછા બોલાવી લીધાં. ત્યારે મણિભાઈ મુંબઈ-ખારમાં રહેતા હતા.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં :
મનુભાઈને સાદાઈ, શ્રમ, પ્રમાણિકતા, અપરિગ્રહના સંસ્કાર પિતાશ્રી તરફથી પ્રાપ્ત કર્યા હતા. રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા મણિભાઈની અંતરની એવી ભાવના હતી કે ‘તેમના ત્રણ પુત્ર દેશસેવામાં રંગાય તો ખોટું નહીં.’ ગાંધીવિચારધારાના પ્રભાવથી પ્રેરાઈને મોટા પુત્ર મનુભાઈએ રાષ્ટ્રસેવાને જીવનધ્યેય બનાવ્યું.
૧૯૩૦, માર્ચ મહિનાની ૧૨ તારીખે ગાંધીએ ૭૮ ચુનંદા સાથીઓ સાથે દાંડીકૂચનો પ્રારંભ કર્યો. નમક સત્યાગ્રહ સમેટાઈ ગયા પછી ગાંધીજી સેવાગ્રામ, વર્ધામાં જઈને રહ્યા હતા. કાઠિયાવાડમાં બે સ્થળે નમક સત્યાગ્રહ શરૂ થયેલો. (૧) ધોલેરા (૨) વીરમગામ.
સૌરાષ્ટ્રના સિંહ અને ‘સૌરાષ્ટ્ર’ સમાચારપત્રના અધિપતિ અમૃતલાલ શેઠે ગાંધીજીની સંમતિ મેળવીને ધોલેરાને મુખ્ય મથક બનાવ્યું. ચારે તરફથી નવયુવાનો-યુવતીઓ આવી પહોંચ્યાં. મનુભાઈ કૉલેજનો અભ્યાસ છોડીને મુંબઈથી ધોલેરા (સૌરાષ્ટ્ર) મુકામે પહોંચી ગયા હતા.
છઠ્ઠી એપ્રિલ, ૧૯૩૦ના મંગળ પ્રભાતે ૨૧ સત્યાગ્રહીઓ સાથે અમૃતલાલ શેઠે ધોલેરા બંદરે જઈને ખોબો ખોબો મીઠું ઉપાડી સત્યાગ્રહનો પ્રારંભ કર્યો. અમૃતલાલ શેઠની ધરપકડ કરવામાં આવી. દરરોજ ટુકડીઓ મીઠું ઉપાડવા પહોંચી જાય – નેતાની ધરપકડ થાય.
મણિશંકર ત્રિવેદીએ સત્યાગ્રહને વ્યાપક બનાવવાની દૃષ્ટિએ ધંધુકા તાલુકામાં જુદાં જુદાં સ્થળોએ છાવણીઓ બનાવી અને સૈનિકોને આખા યે તાલુકામાં વહેંચી દીધા. ધોલેરાથી પંદરે’ક માઈલ દૂર દરિયાકિનારે મીંગલપુર ગામની છાવણીના નાયક તરીકે મુંબઈથી આવેલા નવયુવાન મનુભાઈ બક્ષીની નિમણૂક કરવામાં આવી. તેમના સાથી સત્યાગ્રહીઓમાં રતુભાઈ અદાણી, વજુભાઈ શાહ, જયમલ્લ પરમાર, મોહનલાલ મહેતા (સોપાન), મનુભાઈ પંચોળી (દર્શક) જેવા ૪૦ નવયુવાનો.
રતુભાઈ અદાણીએ મનુભાઈનો પરિચય આપતાં લખ્યું છે કે, “બેઠી દડીનો ઠીંગણો દેહ, વ્યાયામથી કસાયેલી કાયા, ગુલાબી છાંટ સાથેનો ઊજળો વાન, મોં પર સદાય ફરકતું મંદ મંદ હાસ્ય, બહુ જ ચોકસાઈથી ઓળેલા માથાના વાળ, ખાખી રંગની ચડ્ડી અને બાંડિયું, એવા મનુભાઈએ થોડા જ સમયમાં અમારી છાવણીની જે વ્યવસ્થા ગોઠવી કાઢી તેના ઉપરથી એમની આયોજન અને વ્યવસ્થાશક્તિ, તેમ જ એમના સ્વચ્છતા અને શિસ્તના આગ્રહનો ખ્યાલ આવી ગયો.”
ધોલેરા સત્યાગ્રહ દરમિયાન બિનજકાતી મીઠું ઉપાડી લાવ્યા પછીના સમયમાં સૈનિકો છાવણીમાં હોય ત્યારે નાના-મોટા કાર્યક્રમો યોજાતા. તેમાં મનુભાઈએ વ્યાયામનો કાર્યક્રમ ઉમેરેલો.
બરવાળામાં સામુદાયિક સવિનય કાનૂનભંગનો કાર્યક્રમ યોજાયેલો. ૧૪ સપ્ટેમ્બરનો દિવસ. વહેલી સવારે જ સૈનિકો મીઠું લેવા ઊપડી ગયેલા. સવાર પડતાં મીઠાની થેલીઓ સાથે આવેલા સૈનિકો તૂટી પડ્યા. એમને અમાનુષી માર માર્યો, સ્ત્રીઓ કકળી ઊઠી, ‘‘એ રાક્ષસો જરા તો દયા રાખો.’’
ત્યારબાદ આગેવાનોની ધરપકડ કરી, બીજાને છોડી મૂક્યા. સરકારી અમલદારોએ સત્યાગ્રહ છાવણીઓ ગેરકાયદેસર જાહેર કરી તો સૈનિકોએ નદીના તટમાં સ્મશાન પાસે મુકામ કર્યો. ‘સ્મશાન છાપરી’ને ‘સત્યાગ્રહ છાવણી’ નામ અપાયું.
વચ્ચે વિરામકાળ વખતે (ગાંધી-ઈરવિન વાટાઘાટો) ગામડાંઓમાં લોકજાગૃતિનું કામ કર્યું.
૧૯૩૨માં પુનઃ સવિનય કાનૂનભંગના કાર્યક્રમો ચાલતા રહ્યા. સૈનિકોએ ધરપકડ વહોરીને જેલો ભરી દીધી.
મનુભાઈએ ૧૯૩૦ની લડતમાં બે-ત્રણ માસ સાબરમતી જેલમાં (બી વર્ગ) અને ૧૯૩૨ની લડત વખતે દોઢ વર્ષની જેલની સજા ભોગવી. ઘણોખરો સમય વીસાપુરની આકરી ગણાતી જેલમાં રહ્યા.
મનુભાઈએ ‘મારાં જેલજીવનનાં સંસ્મરણો’માં લખ્યું છે કે, ‘‘સાબરમતી જેલમાં બી વર્ગમાં બ્રેડ-બટર વગેરે મળતાં, પણ અમે રાજદ્વારી કેદીઓ, ‘સી’ ક્લાસના અમારા બિરાદરોની સહાનુભૂતિમાં, ખાવામાં બ્રેડ-બટર નહોતા લેતા, પણ ‘સી’ ક્લાસના બિરાદરોની માફક સવારે રોટલો અને દાળ તથા સાંજે રોટલો અને શાક લેતા.’’
સાબરમતી જેલમાં રવિશંકર મહારાજ, ઉમાશંકર જોશી, રોહિત મહેતા, જોરસિંહ કવિ વગેરે પણ હતા.
૧૯૩૨ની લડત વખતે દોઢ વર્ષની સજા વીસાપુરની ઘણી આકરી ગણાતી જેલમાં ભોગવી. અહીં ‘સી’ ક્લાસમાં રાખવામાં આવેલા. ત્યાં રવિશંકર મહારાજ જેવા સંતપુરુષનો સહવાસ મળ્યો, રોહિત મહેતા, બાબુભાઈ વૈદ્ય, બબલભાઈ મહેતા, પ્રતાપભાઈ પારેખ જેવા સાથીદારો મળ્યા. જેલમાં તંબૂ જેવી બૅરેકમાં રહેવાનું હતું. નહાવા માટે બાજુના તળાવે જતા અને તરવાનો આનંદ લેતા. ત્યાંના જેલર મિ. ક્વીન્સ આઇરિશ હતા.
મનુભાઈએ લખ્યું છે કે તેમણે આયર્લેન્ડની સ્વાતંત્ર્ય લડત વિશે વાંચેલું. જેલરે તેમને કહ્યું કે, ‘‘તમારા રાજદ્વારી કેદીઓ માટે મને માન છે. કારણ તમે ભારતની આઝાદી માટે બ્રિટિશરો સામે અહિંસક લડત લડી રહ્યા છો. તમારે જે પુસ્તકો વાંચવા હોય તે માગજો. હું તમને આપીશ. લાઇબ્રેરીમાં નહિ હોય તો નવાં ખરીદીશ.’’
આઇરિશ જેલરની સહાનુભૂતિથી આયર્લેન્ડ, જર્મની, રશિયા તથા અન્ય દેશોની ક્રાંતિનાં પુસ્તકો તેમને વાંચવા મળ્યાં. માનસ પૃથક્કરણશાસ્ત્રના ચિંતકો ફ્રોઈડ, એડલર, યુંગ, બર્ટ્રાન્ડ રસેલ વગેરેનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. મિત્રો સાથે ચર્ચાઓ કરતી વખતે મનુભાઈ ભૌતિક વિજ્ઞાન અને બુદ્ધિપ્રામાણ્ય પર વધુ ભાર મૂકતા.
જેલર રાજદ્વારી કેદીઓ પાસે બહુ કામ કરાવતા નહોતા. ઉપરી અધિકારી આવે ત્યારે કામ કરવાનું કહેતા. જેલની વાડીમાં સૌ કામ કરતાં હતાં. ત્યાં ઉગાડેલાં કાકડી-મરચાં ખાતાં હતાં.
જેલમાં ‘યોગમીમાંસા’ અંગ્રેજી ત્રૈમાસિક સૌ વાંચતા અને તેઓ શીર્ષાસન, સર્વાંગાસન વગેરે દસ આસનો પોતે કરતા અને સાથીદારોને પણ શીખવતા હતા.
તેમણે નોંધ્યું છે કે, ‘‘આ બંને જેલયાત્રાનો કાળ મારા જીવનનો એક સારામાં સારો સમય હતો એમ મને લાગ્યું છે.’’
૧૯૪૨નો આખરી સંગ્રામ :
આખરી સંગ્રામમાં રતુભાઈ અદાણી, મનુભાઈ બક્ષી, ગુણવંતભાઈ પુરોહિત, જયમલ્લ પરમાર, બંસીભાઈ શાહ વગેરે મિત્રોએ સાથે મળીને ચર્ચા કરી, ‘કાઠિયાવાડ ક્રાંતિકારી દળ’ની સ્થાપના કરી અને અંગ્રેજ સરકારના તંત્રને ખોરવી નાખવા ભૂગર્ભમાં રહીને ભાંગફોડના કાર્યક્રમો શરૂ કર્યા. રહેઠાણ સંપૂર્ણપણે ગુપ્ત રાખવાનાં હતાં. રતુભાઈનું મુખ્ય મથક બોટાદ હતું. સરકારી તંત્રને ખેરવવાની કામગીરી જોખમી અને કપરી હતી. છુપાઈને રહેવાનું, વેશપલટો કરીને નીકળવાનું કઠિન. મુસાફરી ક્યારેક પગપાળા જવું પડે. વ્યાયામથી સદૃઢ શરીરસૌષ્ઠવ અને ચહેરા પર સદાયે રમતું હાસ્ય. મનુભાઈના વ્યક્તિત્વની આભા હતી. તેમને ભાંગફોડના જોખમી કામમાં લેવાને બદલે સૈનિકો માટે, કાર્યકરો અને કાર્યક્રમો માટે ફંડફાળા એકત્ર કરવાની જવાબદારી સોંપવામાં આવી. સત્યાગ્રહી તરીકેની ઓળખ તો છુપાવવાની હતી જ. તેમણે અદ્દલ વેપારીનો વેશ ધારણ કર્યો. ઝીણી કિનારીવાળું સફેદ ધોતિયું, સફેદ કોટ, માથે ટોપી, એક હાથમાં છત્રી અને બીજા હાથમાં નાનકડી થેલી. જાણે કે કોઈક પેઢીના મુનીમ! મનુભાઈ ત્રણ વર્ષ સુધી ચાલેલા આ કાર્યક્રમ માટે કુશળતાપૂર્વક ભંડોળ એકઠું કરતા રહ્યા. તેમના પોતાના બહોળા સંબંધો અને નાણાં મેળવવાની કુનેહને કારણે સૌને આર્થિક રીતે નિશ્ચિંત રાખ્યા હતા. આ સમય દરમિયાન મિત્રોની સુરક્ષા અને સ્વાસ્થ્ય અંગેનો ખ્યાલ પણ રાખતા હતા. વૈદ્ય વજુભાઈ વ્યાસે તેમને ‘‘૪૨ની રાષ્ટ્રીય લડતના અમારા જવામર્દ સાથીદાર, કર્મયોગી અને ભામાશા’’ કહીને ઓળખાવ્યા છે.
આરઝી હકુમત :
૧૯૪૭માં સ્વરાજ્યપ્રાપ્તિ પછી દેશી રાજ્યોનો પ્રશ્ન ઊભો થયો. સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહથી એ પ્રશ્ન ઉકેલાયો. સૌરાષ્ટ્રમાં જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનું નક્કી કર્યું.
સ્વરાજ્ય માટે લડનારા સત્યાગ્રહીઓ ‘સોરઠની લોકક્રાંતિ’ માટે લડવા તૈયાર થયા. રતુભાઈ અદાણી, રસિકભાઈ પરીખ, ગુણવંતભાઈ પુરોહિત, મનુભાઈ બક્ષી, મહંત વિજયદાસજી મહારાજ વગેરે મિત્રો નવા સ્વરૂપે, નવી લડતના સાથીદાર બન્યા. દિલ્હીથી સરદાર વલ્લભભાઈ પટેલ અને મુંબઈથી શામળદાસ ગાંધીનું માર્ગદર્શન-પ્રેરણા અને સહકાર સાથે આરઝી હકુમતની સ્થાપના કરી. લોકક્રાંતિ માટે સૈનિકોએ હાથમાં રાયફલ ઉઠાવી.
આ સમયે મનુભાઈ ઉપર પહેલી જવાબદારી જરૂરી રકમ એકત્ર કરવાની આવી. તો સાથોસાથ નવા સૈનિકોની ભરતી કરવી, તેમને તાલીમ આપવી, જરૂરી હથિયારો આપવા ઇત્યાદિ કામગીરી તેમણે સફળતાથી પાર પાડી હતી.
લોકક્રાંતિ સફળ થઈ, જૂનાગઢના નવાબને પાકિસ્તાન ભાગી જવું પડ્યું. ૧૯૩૦થી સ્વરાજ્ય માટેના જે સત્યાગ્રહ-સંગ્રામો-આંદોલનો શરૂ કર્યાં હતાં તે સફળતાથી પાર પાડવાનો સંતોષ અને લડતમાંથી મુક્ત થયા પછી સૌએ નિરાંતનો શ્વાસ લીધો.
સત્યાગ્રહના બદલામાં પેન્શન લેવાનું ખરા સત્યાગ્રહી ગમે નહિ, પરંતુ આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં પેન્શન સત્યાગ્રહીને સ્વમાનભેર જીવવામાં ઉપયોગી થાય – તેથી બીજાને પેન્શન લેવાનો સંકોચ ન થાય તે હેતુથી મનુભાઈએ પેન્શન સ્વીકારેલું. ૧૯૭૨માં ભારત સરકાર તરફથી શરૂ થયેલા પેન્શનમાં સન્માન દાખવતાં સાથે તામ્રપત્ર પણ હતું. તામ્રપત્રનો સહર્ષ સ્વીકાર કર્યો પણ પેનશનની રકમ તેઓએ ક્યારે ય પોતાને માટે ઉપયોગમાં લીધી ન હતી. જરૂરિયાતમંદને માટે સત્કાર્ય માટે તે રકમ વાપરતા હતા.
રચનાત્મક પ્રવૃત્તિ :
ઇંગ્લૅન્ડથી મનુભાઈ સ્વદેશ પાછા ફર્યા ત્યારે તેમના પિતાશ્રી ખાર-મુંબઈમાં રહેતા હતા. ત્યાં સરદાર પૃથ્વીસિંહ – સ્વામીરાવના નેતૃત્વ હેઠળ ગાંધીજીના આશીર્વાદથી ‘અહિંસક વ્યાયામ સંઘ’ની શરૂઆત થયેલી. મનુભાઈને નાનપણથી વ્યાયામનો શોખ. તેઓ એમાં જોડાયા. સંઘના પ્રમુખ કેદારનાથ (નાથજી) હતા અને મનુભાઈ માનદ્ મંત્રી હતા. તેમાં સભ્યો હતા : રામેશ્વરદાસ બિરલા, કેશવજી નેવટિયા, પ્રહલાદભાઈ વૈદ્ય, ગોપાળરાવ કુલકર્ણી, પૂનમચંદ શાહ વ. મહાનુભાવો. અહિંસક સૈનિક તાલીમનો બે વર્ષનો વ્યવસ્થિત અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો. મનુભાઈએ તેમની નોંધમાં લખ્યું છે કે, ‘‘વહેલા ઊઠીએ, પ્રાર્થના કરીએ, કવાયત, વ્યાયામ, કાંતણ, શિક્ષણના વર્ગો, સ્વાધ્યાય, રોજનીશી લખવી વગેરેથી દૈનિક કાર્યક્રમ ભરચક રહેતો. બહુ ઉત્સાહ હતો – મજા આવતી.’’
એ સમય દરમિયાન સરદાર પૃથ્વીસિંહના વિચારો-વર્તનમાં પરિવર્તન આવતું જોઈને ગાંધીજી મુંબઈ આવ્યા ત્યારે નાથજી, સરદાર પૃથ્વીસિંહ અને મનુભાઈ તેમને મળવા ગયા. તે પ્રસંગ મનુભાઈએ જ નોંધ્યો છે. મનુભાઈએ બાપુને કહ્યું, ‘‘તેઓ (પૃથ્વીસિંહ) એમ માનવા લાગ્યા છે કે સત્ય અને અહિંસા સાચાં, પણ તે પ્રાપ્ત કરવા માટે વચ્ચે અસત્ય, હિંસા કે ગરબડ થાય તો ચાલે-ચલાવી લેવું.’’
બાપુએ સરદાર પૃથ્વીસિંહને પૂછ્યું, ‘‘આ સાચું છે?’’
સરદારે હા પાડી. ‘‘મનુભાઈ સાચા છે.’’
પછી બાપુ તેમને ઉદ્દેશીને બોલ્યા : ‘‘સાધન અને સાધ્ય બંને શુદ્ધ હોવાં જોઈએ. તો હવે સંઘ બંધ કરો.’’
આમ, ‘અહિંસક વ્યાયામ સંઘ’ સમેટાયો.
કિશોરલાલભાઈ મશરૂવાળા સાથેના કૌટુંબિક પરિચયને કારણે મનુભાઈ તેમની વિચારણાથી પ્રભાવિત હતા. વળી અભ્યાસકાળ દરમિયાન પણ ભવિષ્યમાં ગામડામાં જઈને રહેવું, સેવા કઈ રીતે કરવી તે અંગે વિચારતા હતા. કિશોરલાલભાઈની સલાહ લેવા વર્ધા ગયા ત્યારે તેમણે ગાંધીજી સાથે મુલાકાત ગોઠવી આપી. તે વખતે ઓળખાણ કરાવી : ‘‘આ ભાવનાશીલ યુવાન છે, સેવાનું કામ કરવા ઇચ્છે છે.’’
મનુભાઈ બક્ષીએ પોતાની નોંધમાં લખ્યું છે કે, ‘‘બાપુએ કહ્યું : બધા મધ્યમ વર્ગના છો, વાણિયાના દીકરાઓ છો. અમુક રીતે ઉછર્યા છો. તેથી ગામલોકોના સ્તર પર જઈ, તેમની સાથે એકતા અનુભવવા માટે બને તેટલી સાદાઈ માટે પ્રમાણિક પ્રયત્ન કરજો.’’
મેં કહ્યું : ‘‘છેવટ આપ કાંઈક કહો.’’
બાપુએ કહ્યું : ‘‘તમે સૌ મિત્રો ભણ્યા છો તે વાત ભૂલી જજો. નમ્રતા અને નિષ્ઠાથી કામે લાગી જજો.’’
આમ, ગામડામાં કામ કરવા માટેનો જાણે કે એક સંદેશ આપી દીધો. બીજી પણ બે વાત સમજાવી –
(૧) ‘મારે ગામડાના લોકોને સુધારવા છે.’ એવી વૃત્તિ સાથે ગામડામાં ન જશો. (૨) ગામલોકો તમારા જીવનને જોશે.
‘જીવન કમાવામાં નથી ગાળવું’ એ ભાવના સાથે બાપુની વાત સ્વીકારીને મનુભાઈ – રમાબહેન સુરત જિલ્લાના મલવાડા ગામે દિનકર પંડ્યા સાથે ગૌશાળા અને ડેરીના કામમાં જોડાઈ ગયાં. પરંતુ ત્યાંની આબોહવા રમાબહેનને માફક ન આવી, તેથી તેઓને એ સ્થળ છોડવું પડ્યું.
તરવડા, જિ. અમરેલી :
મનુભાઈ મુંબઈમાં રહીને, કમાણી કરીને આનંદ-પ્રમોદમાં જીવન વ્યતીત કરવા માગતા નહોતા. તેમને દેશ માટે, સમાજ માટે ગાંધીચીંધ્યા માર્ગે કામ કરવાની ભાવના હતી.
૧૯૩૪માં સત્યાગ્રહ મોકૂફી પછી રતુભાઈ અદાણી, જયમલ્લ પરમાર વગેરે મિત્રોએ અમરેલી જિલ્લાના શેત્રુંજીને કાંઠે આવેલા નાનકડા તરવડા ગામે ‘સર્વોદય મંદિર’ નામની સંસ્થા શરૂ કરી. ત્યાં ચર્મોદ્યોગની મુખ્ય પ્રવૃત્તિ, ‘ગ્રામ સેવક વર્ગ’ અને અન્ય પ્રવૃત્તિઓનો પણ પ્રારંભ કરેલો. ઇસ્માઈલભાઈ નાગોરી, દેવીબહેન પટ્ટણી, ભીખુભાઈ, રામનારાયણ ના. પાઠક વગેરે સહકાર્યકરો તરીકે જોડાયા હતા.
મનુભાઈએ રતુભાઈ વગેરે મિત્રો સાથે તરવડાની સંસ્થામાં જોડાવાનું નક્કી કર્યું. પરંતુ પુત્ર પ્રદીપના અભ્યાસ માટે તેમણે રહેવાનું ઘર અમરેલીમાં રાખ્યું. સર્વોદય આશ્રમ(તરવડા)ના આજીવન સભ્ય બન્યા અને સંસ્થાના નિયામક તરીકેની જવાબદારી વહન કરી. મનુભાઈએ પરદેશમાં એક્ચ્યુરિયલ સાયન્સનો અભ્યાસ કરેલો. રતુભાઈની વિનંતીથી તેમણે એક મહિનાનો સમય લઈને સંસ્થાના હિસાબોનું ચોકસાઈથી ઑડિટ કરી આપેલું. સંસ્થાની પ્રવૃત્તિની સાથોસાથ કાર્યકરોના યોગક્ષેમનો તેઓ ખ્યાલ રાખતા.
સ્વરાજ્યપ્રાપ્તિ બાદ – રચનાત્મક કાર્ય :
સ્વરાજ્ય મળ્યા પછી સૌરાષ્ટ્રનું નવું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. વિધાનસભાની ચૂંટણી માટે તેમને આમંત્રણ મળ્યું. પરંતુ તેમણે વિનયપૂર્વક તેનો અસ્વીકાર કર્યો. મનુભાઈ સમજપૂર્વક સત્તાના રાજકારણથી દૂર રહ્યા અને રચનાત્મક કાર્યોમાં ગૂંથાઈ ગયા.
લોકજાગૃતિ અને ગ્રામ વિસ્તારોમાં રહીને કામ કરે તેવા કાર્યકરો તૈયાર કરવા માટે જૂનાગઢ પાસેના વંથલી ગામની નજીક દિલાવરનગર હતું ત્યાં જ ‘ગ્રામ કાર્યકર વિદ્યાલય’ શરૂ કરવામાં આવ્યું.
રતુભાઈ અદાણી અને તરવડા આશ્રમના સાથી કાર્યકરો અનુકૂળતા અને જરૂરિયાત પ્રમાણે તેમાં કાર્યરત બન્યા. ‘ગ્રામ કાર્યકર વિદ્યાલય’માં ઇસ્માઈલભાઈ નાગોરી અને મનુભાઈ બક્ષીએ પ્રજામાનસને સમજીને કામ કરનારા કાર્યકરો માટે એક વાતાવરણ તૈયાર કરી આપ્યું.
થોડા સમય પછી રતુભાઈએ જૂનાગઢ પાસેના શાહપુર ગામમાં ‘સર્વોદય આશ્રમ’ સ્થાપ્યો (૧૯૪૮). અહીં કાર્યક્ષેત્ર થોડું વિસ્તાર્યું. ગ્રામ કાર્યકરોના વર્ગો ઉપરાંત પંચાયત તાલીમ વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા. છાત્રાલય પણ હતું. અહીં સંસ્થાની વ્યવસ્થા માટે અકબરભાઈ નાગોરી અને મદીનાબહેન તેમાં જોડાયાં. તો વિદ્યાર્થીઓની શૈક્ષણિક તાલીમ અને જીવનઘડતર અને વર્ગોની વ્યવસ્થા મનુભાઈ બક્ષીએ સંભાળી હતી.
સૌરાષ્ટ્રમાં રચનાત્મક પ્રવૃત્તિ અને કાર્યક્રમોનું વ્યવસ્થિત આયોજન તથા સંચાલન કરી શકાય એ ઉદ્દેશથી રાજકોટમાં ‘સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ’ સંસ્થા શરૂ કરવામાં આવી. મનુભાઈ તેની કારોબારીના કાયમી સભ્ય બન્યા.
મનુભાઈ જૂનાગઢમાં ગ્રામોદ્યોગ સમિતિના કાર્યવાહક મંત્રી હતા. તેમના માર્ગદર્શન નીચે ‘ગ્રામોદ્યોગ વાડી’નું કામ ચાલતું. તેઓનું રહેઠાણ પણ ત્યાં જ રાખ્યું હતું. મનુભાઈ, રતુભાઈ અદાણી વગેરે સાથે મળીને ગ્રામોદ્યોગ માટેની યોજના અંગે વિચારણા કરતા અને તેને સફળ બનાવવા પ્રયત્નશીલ રહેતા.
સૌરાષ્ટ્ર ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની રચના થતાં તેના સભ્ય-સચિવ તરીકે ખાદી ગ્રામોદ્યોગના વિકાસ માટે કાર્યરત રહ્યા.
ગુજરાત રાજ્યની રચના થતાં ‘ગુજરાત રાજ્ય ગ્રામોદ્યોગ બોર્ડ’ના મંત્રી તરીકેની જવાબદારી ૧૭ વર્ષ સુધી વહન કરી.
ગુણવંતભાઈ પુરોહિતે તેમના વિશે લખ્યું છે કે, ‘મૂળભૂત ગાંધી વિચાર અને નીતિને તેઓ હંમેશાં વળગી રહેતા. ખાદી બોર્ડમાં તેમના સચિવપદના સમયને ખાદી બોર્ડના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે.’
સંસ્થાઓમાં માર્ગદર્શક :
સૌરાષ્ટ્ર-ગુજરાતની અનેક સંસ્થાઓ સાથે તેઓ કોઈમાં પ્રમુખ તો કોઈમાં મંત્રી કે સભ્ય કે પછી સ્વજન મિત્ર તરીકે સંકળાયેલા રહ્યા હતા.
‘વલ્લભ કન્યા કેળવણી મંડળ’ – રાજકોટ, ‘ગ્રામોદ્યોગ મંદિર’ – ગઢડા, ‘સર્વોદય સરસ્વતી મંદિર’ – બાબાપુર, ‘સર્વોદય આશ્રમ’ – મઢી, ‘સર્વોદય પરિવાર ટ્રસ્ટ’ – પિંડવળ, ‘મુનિ આશ્રમ’ – વાઘોડિયા, ‘આદિવાસી કન્યા વિદ્યાલય’ – મઢી વગેરે સંસ્થાઓ મુખ્ય હતી. સંસ્થાની વ્યવસ્થા-પ્રવૃત્તિમાં માર્ગદર્શક સાથે આર્થિક વ્યવસ્થામાં પણ સક્રિય રહ્યા હતા.
મનુભાઈ કુદરતી ઉપચારના ઉપાસક હતા. રાજકોટના નિસર્ગોપચાર કેન્દ્રમાં અને અમદાવાદના ગિદવાણીજીના કુદરતી ઉપચાર કેન્દ્ર ‘પ્રાયોગ ટ્રસ્ટ’માં પ્રમુખ તરીકે પૂરો રસ લેતા હતા.
રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચારનું વિધિવત્ કાર્ય સૌરાષ્ટ્રમાં ૧૯૩૯માં શરૂ થયું તે પહેલાં ૧૯૩૭માં અમરેલીમાં ‘હિન્દી પ્રચાર સભા’ની પરીક્ષાનું કેન્દ્ર મનુભાઈએ સ્થાપેલું. ત્યારથી રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચારનું કાર્ય આરંભ્યું. ‘સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ’ના અગ્રણી તરીકે છેવટ સુધી માર્ગદર્શન આપતા રહ્યા. મનુભાઈ માતૃભાષા ગુજરાતી અને રાષ્ટ્રભાષા હિન્દીના આજીવન પ્રખર હિમાયતી રહ્યા હતા.
કુટુંબજીવન :
મનુભાઈનું કૌટુંબિક જીવન હર્યુંભર્યું હતું. તેમનાં જીવનસહચારિણી રમાબહેન સ્નાતક થયાં હતાં અને લગ્ન પછી બીજું એક વર્ષ ઇંગ્લૅન્ડ જઈને વધુ અભ્યાસ કરી આવ્યાં હતાં. સૌજન્યની મૂર્તિસમા અને સરળ સ્વભાવનાં બુદ્ધિશાળી રમાબહેને પણ સહજ રીતે પતિની સાથે સેવાવ્રત સ્વીકારી લીધેલું. મહિલા વિકાસ કાર્યમાં ગૃહઉદ્યોગ ક્ષેત્રે તેમણે ઉમદા ફાળો આપ્યો હતો. નારી કલ્યાણ માટે તેઓ સતત કાર્ય કરતાં રહ્યાં.
એ દંપતીની મોટામાં મોટી વિશેષતા તો એ કે તેમનું ઘર સદાયે રાષ્ટ્રીય અતિથિગૃહ સમું બની રહ્યું હતું. રમાબહેન સ્વજનો, મિત્રો અને કાર્યકર્તાઓ સૌનો ઉમળકાભેર સત્કાર કરતાં અને ભાવથી ભોજન કરાવતાં. (રમાબહેનનું સ્નેહાળ આતિથ્ય માણવાનો લહાવો, મારા પિતાશ્રી રામનારાયણ ના. પાઠક સાથે મને પણ મળ્યો છે.) પરોપકારી દંપતી સ્વજનો-સહકાર્યકરોની કાળજીભરી સંભાળ રાખતાં. આર્થિક સહાય પણ કરતાં રહેતા.
માતા-પિતાએ પુત્ર પ્રદીપભાઈને શિસ્ત, સાદાઈ અને પરિશ્રમી જીવનના પાઠ ભણાવ્યા. અભ્યાસમાં અત્યંત તેજસ્વી પ્રદીપભાઈ બોસ્ટન(અમેરિકા)ની જાણીતી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેઓ અને તેમનાં પત્ની હંસિકાબહેન પોતાની રહેણીકરણી અને વિચારો દ્વારા મહાત્મા ગાંધી તેમ જ ભારતીય સંસ્કૃતિની પિછાન અમેરિકન સમાજને કરાવે છે.
મનુભાઈ અને રમાબહેન બોસ્ટનમાં પ્રદીપભાઈને ત્યાં રહી આવતાં. પણ તેમણે મુખ્ય રહેઠાણ તો અમદાવાદમાં રાખ્યું હતું.
પારદર્શક વ્યક્તિત્વ :
કેળવણીકાર યશવંતભાઈ શુક્લે ‘કર્મપુરુષ અને ધર્મપુરુષ મનુભાઈ’ એમ કહીને તેમના સમગ્ર વ્યક્તિત્વની ઓળખ આપી દીધી છે. તદુપરાંત તેમણે જણાવ્યું છે કે, ‘‘કરકસર, સાદાઈ, સ્વચ્છતા, વ્યવસ્થિતતા અને કોઈપણ પ્રશ્નનો ત્વરિત નિકાલ કરનારી સૂઝ એ મનુભાઈના સમગ્ર અસ્તિત્વમાં વ્યાપી ગયેલા ગુણો હતા. તેઓ જેટલા પ્રામાણિક તેટલા જ કાર્યદક્ષ અને સહકાર્યકરોની માનવીય દેખભાળ રાખનારા વત્સલ મિત્ર હતા.’’ તેઓ સ્પષ્ટ વક્તા હતા. પણ તેમાં ક્યારે ય કટુતા આવતી નહીં.
મનુભાઈનું વ્યક્તિત્વ વૈવિધ્યસભર હતું. તો તેમના રસના વિષયો પણ વિવિધ પ્રકારના હતા. જેવા કે, વ્યાયામ કરવો અને કરાવવો, તથા ઉત્તમ પુસ્તકો વાંચવા, તેનું મનન કરવું અને પુસ્તકોનું વાંચન કરાવવું. શાંતિથી, આનંદથી જમવું અને સૌને જમાડવા, પ્રવાસો કરવા અને કરાવવા, રચનાત્મક કાર્યો કરવા અને અન્યને તે માટે સક્રિય કરવા અને સૌથી મોટી વાત તો હતી તેમની બૃહદ્ કુટુંબભાવના અને પારકાને પોતાનાં કરી લેનારું તેમના ચહેરા પર સદાયે રમતું સ્મિત. તેમની માર્મિક વિનોદવૃત્તિને કારણે ક્યારેક તેઓ પોતાની જાત ઉપર પણ રમૂજ કરી શકતા.
મોતિયાના ઑપરેશનમાં તેમણે એક આંખ ગુમાવેલી. એ પછી તેઓ કહેતા કે, ‘‘હું ‘વાણિયો’ હતો, ‘સ્વામિનારાયણિયો’ થયો, અને હવે ‘કાણિયો’ પણ થયો.’
ધર્મશ્રદ્ધા :
ઘરમાં ધર્મનિષ્ઠ વાતાવરણ હતું. મનુભાઈ મંદિર, સાધુ, સંન્યાસી, પૂજાપાઠ વગેરેમાં રસ લેનાર ધાર્મિક વ્યક્તિ ન હતા. પરંતુ જીવનમાં સચ્ચાઈ, પ્રમાણિકતા અને નીતિમત્તાના આગ્રહી વ્યક્તિ હતા.
૧૯૬૬માં એમના જીવનમાં અણધાર્યું પરિવર્તન આવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં દૃઢ શ્રદ્ધા ધરાવતા તેમના નાનાભાઈના આગ્રહથી અક્ષરપુરુષોત્તમ મંદિર, દાદર (મુંબઈ) જાય છે અને ત્યાં યોગીજી મહારાજનાં દર્શન કરે છે. મહારાજશ્રીના સહજ સ્નેહાળ વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને તેમને ગુરુભાવે સ્વીકારી લે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના રંગે રંગાઈ જાય છે. તેમણે પોતે લખ્યું છે કે, ‘‘બાપા સાથેની આ પહેલી જ મુલાકાતે મારું મન એમનામાં જોડાઈ ગયું. એમણે મને સ્વામિનારાયણ સંપ્રદાયની કંઠી બાંધી.’’
ત્યાર પછી તેઓ કપાળમાં ચાંદલો કરતા, સંપ્રદાય પ્રમાણે પૂજા કરતા, શિક્ષાપત્રી, વચનામૃત વગેરેનું વાંચન કરતા. સંતોનાં વ્યાખ્યાનો સાંભળવા દર રવિવારે મંદિરમાં રવિસભામાં જતા. યોગીજી મહારાજ ધામમાં ગયા પછી પ્રમુખસ્વામી મહારાજનો પણ એવો જ સ્નેહભાવ તેઓ પામ્યા હતા.
સુભદ્રાબહેન શ્રોફે તેમને માટે લખ્યું છે તેમ, ‘‘સદ્ભાવના, સદ્વિચાર અને સદાચાર જીવનભર સાચવી જીવન ધન્ય બનાવી ગયા.’’
• • •
સ્નેહ નિર્ઝર
હું નવયુગ વિદ્યાલય, પોરબંદરમાં અભ્યાસ કરતી હતી. ૧૯૫૪માં, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ‘હિન્દુસ્તાની’ – વિનીતની પરીક્ષા આપતી હતી. અમારી લેખિત પરીક્ષા થઈ ગયા પછી મૌખિક પરીક્ષા લેવા માટે મનુભાઈ બક્ષી આવેલા. મૌખિક પરીક્ષામાં અભ્યાસક્રમમાંથી એક કાવ્ય કંઠસ્થ કરવાનું હતું. મારો વારો આવતાં હું જેવી પરીક્ષાખંડમાં પ્રવેશી કે સ્મિતભર્યા ચહેરે મનુભાઈએ કહ્યું, ‘આવો, ઉષાબહેન!’ અભ્યાસક્રમમાંથી ટૂંકા પ્રશ્નોત્તર પછી મેં છંદ-લયમાં આરોહ-અવરોહ સાથે કાવ્યગાન શરૂ કર્યું. મનુભાઈ એકધ્યાન બનીને સાંભળતા હતા. અચાનક હું અટકી ગઈ. વચ્ચેની એક પંક્તિ મને યાદ આવતી નહોતી. થોડી વારે તેઓ હું જ્યાં અટકી હતી તે પંક્તિ એ જ લયમાં બોલ્યા અને મને આખું કાવ્ય યાદ આવી ગયું.
મનુભાઈના પ્રેમભર્યા આવકારથી મૌખિક પરીક્ષાનો અડધો ડર ઓછો થઈ ગયો હતો. કાવ્યગાન વખતે સંપૂર્ણપણે ચાલ્યો ગયો. પરીક્ષક તરીકે વિદ્યાર્થીને મૂંઝવવાને બદલે તેનો આત્મવિશ્વાસ ટકી રહે તે રીતે ઉત્તર કઢાવનાર કુશળ અધ્યાપક મનુભાઈ મારે માટે મુરબ્બી સ્વજનસમા બની ગયા.
આ મારો તેમની સાથેનો પહેલો પરિચય. પરીક્ષાનું કામ પૂરું થયા પછી તેઓ મારા પિતાશ્રી (રામનારાયણ નાગરદાસ પાઠક)ને મળવા અમારે ઘેર (ગાંધી આશ્રમ, છાયા) આવેલા. મારા પિતાશ્રી વાત કરતી વખતે પ્રસંગોપાત્ મુક્ત રીતે હસતા. એ જ રીતે મનુભાઈ પણ મુક્ત હાસ્ય વેરનારા … તે દિવસે બંને મિત્રોની વાતો અને ખડખડાટ હાસ્યથી અમારું નાનકડું ઘર ગાજી ઊઠેલું.
મનુભાઈનો – બક્ષી કુટુંબનો વિશેષ પરિચય થયો ઈ.સ. ૧૯૫૫માં. અમે તરવડા (જિ. અમરેલી) રહેતાં હતાં. મારા પિતાશ્રી અને તેમના સહકાર્યકર આતાભાઈ ગોલણ ચાર હરિજન વિદ્યાર્થીઓને સતાધાર મંદિરે દર્શન કરાવવા લઈ ગયેલા. ત્યાં તે સૌને કેટલાક રૂઢિચુસ્તોના હાથે માર પડ્યો. મારા પિતાશ્રીને માથામાં જ વધારે ઊંડો ઘા પડ્યો હતો. વિસાવદરમાં મોહનભાઈ માંડવિયાને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા પછી તેમને જૂનાગઢ લઈ આવ્યા. મનુભાઈ બક્ષી ત્યાં ગ્રામોદ્યોગ વાડીમાં સંચાલક હતા. રતુભાઈ અદાણી અને મનુભાઈ બક્ષીએ નક્કી કર્યું કે મારા પિતાશ્રીને સારવાર માટે ગ્રામોદ્યોગ વાડીમાં રાખવા.
એ વખતે અમે કુટુંબીજનો સૌ તરવડા હતાં. રતુભાઈએ અમને તેડવા માટે જીપ મોકલેલી. અમે જૂનાગઢ આવ્યાં.
સામાન્ય રીતે સંસ્થાઓમાં સાદું મહેમાનગૃહ હોય અને સંસ્થાનું રસોડું હોય. સંસ્થામાં જવાની વાત સાંભળીને મારું મન નારાજ થઈ ગયું હતું, પરંતુ અહીં દૃશ્ય જુદું હતું. માથે મોટા પાટા સાથે મારા પિતાશ્રી સંપૂર્ણપણે મનુભાઈ અને રમાબહેનની સારસંભાળ નીચે તેમના ઘરમાં હતા. મારાં બા થોડા દિવસ રોકાઈને પાછાં તરવડા ગયાં. પિતાશ્રીની સંભાળ લેવા માટે હું ગ્રામોદ્યોગ વાડીમાં રોકાઈ હતી. પણ ખરેખર તો અમ પિતા-પુત્રી બંનેની સંભાળ બક્ષી કુટુંબ રાખતું હતું.
મારા પિતાશ્રીએ મને મનુભાઈ બક્ષીની બહુમુખી પ્રતિભાનો પરિચય આપ્યો. વ્યાયામથી કસાયેલું શરીર, સ્મિતભર્યો ચહેરો અને પ્રેમાળ ભર્યો ભર્યો અવાજ સૌને પ્રભાવિત કરી દેતા હતા. સમય મળે ત્યારે તેઓ મને પાસે બેસાડીને મારા અભ્યાસ અંગેની – વાંચન અંગેની વિગતો પૂછી લેતા હતા. હું એમ.એસસી.માં ઉત્તીર્ણ થઈ પછી બાહ્ય વિદ્યાર્થિની તરીકે પ્રથમ વર્ષ વિનયનનો અભ્યાસ કરતી હતી. મનુભાઈએ કૉલેજમાં નિયમિત વિદ્યાર્થિની તરીકે અભ્યાસ કરવા અંગેનું મહત્ત્વ સમજાવેલું.
પ્રદીપભાઈ મુંબઈની કૉલેજમાં અભ્યાસ કરતા હતા. એ દિવસોમાં તેઓ જૂનાગઢ આવ્યા હતા. વળી, રમાબહેનના પિતાશ્રી ચીમનભાઈ શ્રોફ પણ ત્યારે ત્યાં હતા. ચીમનભાઈ જ્યોતિષશાસ્ત્રના અભ્યાસી. પ્રદીપભાઈને પણ જ્યોતિષનો શોખ. મારા પિતાશ્રીને પણ તેમાં રસ. આથી ગ્રહોના પ્રભાવની અને કુંડળીઓની ચર્ચા રસપૂર્વક થતી. જેના પરિણામે મારામાં પણ તેના વિશે જાણવાની જિજ્ઞાસા જાગી હતી. રાત્રે ઘણીવાર મારા પિતાશ્રી વાર્તાઓ કહેતા, ક્યારેક સંસ્કૃત સુભાષિતો સમજાવતા હતા.
આમ, અમે મનુભાઈ અને રમાબહેનના મહેમાન નહિ પણ કુટુંબીજન બની ગયાં હતાં.
૧૯૮૮માં મારા પિતાશ્રીના અવસાન પછી મનુભાઈનો મારા ઉપર આશ્વાસનનો પત્ર આવ્યો. ઘરનાં સર્વેના સમાચાર પૂછેલા અને જણાવેલું કે તેઓ અમને સૌને મળવા માટે ભાવનગર આવશે.
પંદરે’ક દિવસ પછી તેમનો પત્ર આવ્યો. તેઓ ભાવનગર આવવાના છે, એક સાંજ અમારી સાથે ગાળશે અને સાંજનું વાળું (તદ્દન સાદું ભોજન) અમારે ત્યાં કરશે તેમ પણ જણાવ્યું હતું. ભાવનગરમાં ઘણી મોટી વ્યક્તિઓ સાથે તેમને મૈત્રી હતી. પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે નિકટનો પરિચય હતો. પરંતુ તેમણે અમારે માટે સ્વતંત્ર રીતે સમય ફાળવ્યો હતો.
અમારે ત્યાં આવીને તેમણે ઘરના સૌ સભ્યોનો પરિચય પૂછ્યો. મારા નાનાભાઈ સતીશભાઈ એક્સલ ઇન્ડસ્ટ્રીઝમાં છે, તેમના કાર્યક્ષેત્રની તથા તેમનાં પત્ની ઉર્મિલાના અભ્યાસ અને પ્રવૃત્તિની સાથોસાથ નાની દીકરીઓને વહાલથી બોલાવીને નામ પૂછ્યાં. આમ, અંગત કુટુંબીજનોની રીતે સૌને મળ્યા. મને પણ મારા કૉલેજના અધ્યાપનકાર્ય અને લેખનકાર્ય વિશે થોડી વાત પૂછી લીધી. મારાં બીજાં બંને બહેનો સુધાબહેન અને ભારતીબહેનના સમાચાર પણ પૂછ્યા.
મારા પિતાશ્રી સાથેનાં તેમનાં સ્મરણો યાદ કર્યાં, સાથોસાથ તેમનાં છેલ્લાં વર્ષો દરમિયાનનાં લેખનકાર્યની વિગતો ઝીણવટથી જાણી લઈને ‘નર્મદાબહેન સ્મારક ગ્રંથમાળા’નાં પુસ્તકો ધ્યાનથી જોયાં.
ત્યાર પછી સ્વામિનારાયણ ધર્મ અને પ્રમુખસ્વામી મહારાજની થોડી વાતો અમને કરી. બહેનો માટેના સામયિક ‘પ્રેમવતી’ની માહિતી આપી. થોડા સમય પછી અમારે ત્યાં ‘પ્રેમવતી’ માસિક આવવા લાગ્યું, જેની વ્યવસ્થા તેમણે કરી હતી.
તે દિવસે મનુભાઈ ‘રામભાઈ પરિવાર’ સાથે એક સાંજ ગાળવા માટે જ ખાસ આવ્યા હતા. અમારે ત્યાં સાંજનું વાળું (ભોજન) કરીને અમારાં હૃદયને ભાવથી ભરી દીધાં હતાં. આશ્વાસન આપવાની તેમની કેવી અનોખી રીત!
થોડા કલાકોમાં તો મનુભાઈ અમારા આત્મીય સ્વજન બની ગયા. તેમની પ્રેમાળ સ્મૃતિને મારી સાદર શ્રદ્ધાંજલિ!
• • •
‘પારિજાત’, ૧૯૫૯ – ‘બી’, સિન્ધી હાઈસ્કૂલ પાસે, સરદારનગર, ભાવનગર-૩૬૪ ૦૦૧
![]()

