‘મને મુંબઈ ગમે છે કારણ અહીં બધાને માટે ખીલવા અને ખૂલવાનો અવકાશ છે’ – નેહરુ
એક હતો છોકરો. ઉંમર વરસ પંદર. પણ આટલાં વરસમાં એણે કોઈ સ્કૂલનું મોઢું ય જોયું નહોતું. ના, ના, રખે માનતા કે એ ગરીબ હતો, અભણ હતો. ૧૯મી સદીમાં આપણા દેશના ઘણા માલેતુજારો પોતાનાં સંતાનોને ભણવા માટે કોઈ સ્કૂલમાં મોકલતા નહિ. તેમને ભણાવવા માટે શિક્ષકો ઘરે આવતા. જુદા જુદા વિષયના જુદા જુદા શિક્ષકો. બને ત્યાં સુધી ગોરા શિક્ષકો શોધવાના. એ ન મળે તો પછી પારસી કે બંગાળી. ગુરુદેવ ટાગોર પણ એ રીતે ઘરે જ ભણેલા. આ પંદર વરસનો છોકરો હતો અલાહબાદના જ નહિ, આખા હિન્દુસ્તાનના જાણીતા-માનીતા ધનાઢ્ય વકીલ મોતીલાલ નેહરુનો દીકરો, નામે જવાહર.
પણ હવે મોતીલાલજીએ નક્કી કર્યું હતું કે આ એકના એક દીકરાને આંખથી અળગો કરવો પડશે. એને ભણવા વિલાયત મોકલવો પડશે. પણ એકના એક દીકરાને એકલો મોકલતાં જીવ કેમ ચાલે? એટલે નક્કી કર્યું કે પોતે અને છોકરાની માતા સ્વરૂપરાણી તેને મૂકવા લંડન જશે. મુંબઈ સુધીની મુસાફરી, મુંબઈની સારામાં સારી હોટેલમાં રહેવાની સગવડ. એ વખતની પ્રખ્યાત પી એન્ડ ઓ કંપનીની એસ.એસ. મેસેડોનિયા સ્ટિમરમાં બે સારામાં સારી કેબિન બુક થઈ ગઈ. જવાહરલાલે અને તેમનાં માતા-પિતાએ ૧૯૦૫ના મે મહિનાની ૧૩મી તારીખે ગ્રેટ બ્રિટન માટેની મુસાફરી શરૂ કરી. ભલે ટૂંકી, પણ પંડિત જવાહરલાલ નેહરુ(જન્મ ૧૪ નવેમ્બર ૧૮૮૯)ની મુંબઈની આ પહેલી મુલાકાત. બેરિસ્ટર બન્યા પછી ૧૯૧૨માં પાછા આવ્યા ત્યારે પણ જવાહરલાલ મુંબઈના બારમાં જ ઊતરેલા. બેરિસ્ટર થઈને આવેલા, અલ્હાબાદમાં ધીકતી પ્રેક્ટિસ થઈ શકે તેમ હતું. પણ ૧૯૧૬ના ડિસેમ્બરની ૨૬મી તારીખે લખનઉમાં ગાંધીજી અને જવાહર પહેલી વાર મળ્યા. અને ત્યારથી નેહરુના જીવનની દશા અને દિશા બદલાઈ ગઈ.
૧૯૩૬ના મે મહિનામાં નેહરુ સતત છ દિવસ સુધી મુંબઈમાં રહ્યા હતા. કેમ? ચૂંટણીપ્રચાર માટે. ૧૯૩૬માં તો દેશમાં અંગ્રેજી રાજ હતું. ત્યારે વળી ચૂંટણી કેવી? ‘ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૯૩૫ હેઠળ દેશમાં ‘સ્થાનિક સ્વરાજ્ય’ માટે ૧૯૩૭માં ચૂંટણી યોજાવાની હતી. તેમાં કાઁગ્રેસ એક આગળ પડતો પક્ષ હતો. નેહરુ છ દિવસ મુંબઈમાં રહ્યા તે દરમિયાન તેમણે રોજની એક મોટી સભામાં ભાષણ કર્યું. એ વખતે મુંબઈમાં કોટન મિલ્સની બોલબાલા હતી એટલે એક મીટિંગ રાખી હતી એ મિલોમાં કામ કરતા કામદારો માટે. બીજીમાં કૉન્ગ્રેસના ટેકેદારોને એકઠા કરવામાં આવ્યા હતા. તો બીજી બાજુ વેપારીઓ, ઉદ્યોગપતિઓ, બેન્કરો વગેરેની સંસ્થાઓના સભ્યોને પણ નેહરુ મળ્યા હતા. તો એક ખાસ મીટિંગમાં એવા લોકો સાથે વાતચીત કરી હતી કે જે લોકો સમાજવાદમાં માનતા હોય અને તે પ્રમાણે આર્થિક સુધારાઓને ટેકો આપતા હોય. આ બધી સભાઓમાં નેહરુએ ક્યાં ય સીધી રીતે ‘કાઁગ્રેસને મત આપો’ એમ કહ્યું નહોતું. પણ લોકોએ દેશની પ્રગતિ કરી શકે એવા પક્ષને મત આપવા જોઈએ તેમ કહ્યું હતું. એ વરસના મે મહિનાની ૨૦મી તારીખે એક નિવેદનમાં નેહરુએ કહ્યું કે મુંબઈની આ મુલાકાત દરમ્યાન હું કેટલી મીટિંગમાં બોલ્યો છું એનો આંકડો તો હું પોતે પણ કહી શકું એમ નથી. તેમણે ઉમેર્યું કે મુંબઈની કુલ વસતીના ચોથા ભાગ જેટલા લોકો સામે તો હું બોલ્યો જ છું. ૨૧મી મેએ ‘બોમ્બે ક્રોનિકલ’ અખબારમાં પ્રગટ થયેલા એક લેખમાં નેહરુએ કહ્યું હતું: “This great city is destined to play as great a part as it did in the past in our freedom struggle.”
પણ નેહરુની સૌથી વધુ મહત્ત્વની મુંબઈની મુલાકાત તે તો ૧૯૪૨ના ઓગસ્ટની મુલાકાત. એ વરસના ઓગસ્ટની સાતમી તારીખે ઓલ ઇન્ડિયા કાઁગ્રેસ કમિટીની મિટિંગ મળી તેમાં સહભાગી થવા નેહરુ મુંબઈ આવ્યા હતા. એ વિશાળ સભા ગોવાળિયા ટેન્ક મેદાન ખાતે યોજવામાં આવી હતી. આખું મેદાન લોકોથી ખીચોખીચ હતું અને બહાર રસ્તા પર ઠેઠ નાના ચોક સુધી લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં. આ બેઠકમાં ગાંધીજી ઉપરાંત પંડિત નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ અને આચાર્ય કૃપલાની જેવા દેશના ધુરંધરો હાજર હતા. ‘ક્વિટ ઇન્ડિયા’નો ઠરાવ નેહરુએ રજૂ કર્યો હતો જે બહુમતીથી પસાર થયો. ત્યાર બાદ ગાંધીજીએ તેમનું ઐતિહાસિક ‘હિન્દ છોડો’ પ્રવચન આપ્યું હતું. નવમી ઓગસ્ટે વહેલી સવારે બ્રિટિશ સરકારે કાઁગેસના લગભગ બધા જ નેતાઓને ગિરફ્તાર કર્યા હતા. ગાંધીજીને પુણેના આગાખાન પેલેસમાં અને નેહરુને અહમદનગરના કિલ્લામાં આવેલી જેલમાં રાખવામાં આવ્યા હતા. ૧૯૪૫ના જૂન સુધી નેહરુ આ જેલમાં રહ્યા હતા. આઝાદીની લડત દરમિયાન ૧૯૧૨થી ૧૯૪૫ દરમિયાન બ્રિટિશ સરકારે નેહરુને કુલ નવ વખત જેલમાં મોકલ્યા હતા. બધું મળીને તેઓ ૩,૨૫૯ દિવસ (લગભગ નવ વરસ) જેલમાં રહ્યા હતા.
ત્યાર બાદ ૧૯૪૬માં એવા સંજોગો ઊભા થયા કે નેહરુએ બીજા કાર્યક્રમ રદ્દ કરીને તાત્કાલિક મુંબઈ આવવું પડ્યું. એ વરસના ફેબ્રુઆરીની ૧૮મી તારીખે મુંબઈમાં રહેલા બ્રિટિશ નેવીના હિન્દી સૈનિકોએ અચાનક બળવો પોકાર્યો. જોતજોતામાં આ બળવો ફેલાવા લાગ્યો. એ વખતે નેહરુ ચૂંટણીના પ્રચારના કામમાં રોકાયેલા હતા. એ અંગેનાં રોકાણો રદ્દ કરીને તેઓ તાબડતોબ મુંબઈ આવ્યા. નેવીના સૈનિકો માટે નેહરુને પૂરેપૂરી સહાનુભૂતિ હતી. પણ બળવાને કારણે થતી જાનહાનિ બને તેટલી જલદી રોકવી જોઈએ એમ તેમને લાગતું હતું.
૧૯૫૦ની નેહરુની મુંબઈની મુલાકાત સૌથી વધુ ચર્ચાસ્પદ રહી છે. કેટલાક તો ત્યાં સુધી કહે છે કે એ વખતે નેહરુ મુંબઈ આવ્યા જ નહોતા! લાંબી માંદગી બાદ ૧૯૫૦ના ડિસેમ્બરની ૧૫મી તારીખે સવારે ૯.૩૭ વાગ્યે નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનું મુંબઈમાં બિરલા હાઉસ ખાતે અવસાન થયું. અવસાનના સમાચાર મળતાં જ નેહરુએ સવારે ૧૦.૪૫ વાગ્યે લોક સભામાં જાહેરાત કરી અને સાથોસાથ જણાવ્યું કે મારા સાથી શ્રી રાજગોપાલચારી અને હું હમણા જ મુંબઈ જવા નીકળીએ છીએ. તેમણે એમ પણ ઉમેર્યું કે પ્રમુખ ડો. રાજેન્દ્ર પ્રસાદે પણ મુંબઈ જવાનું નક્કી કર્યું છે. લોકસભામાં બોલતાં તેમણે ઉમેર્યું હતું કે છેલ્લાં કેટલાં ય વરસોથી સરદાર અને હું એક જ પાટલી પર બેઠા છીએ. મને લાગે છે કે હું હવે એકલો પડી ગયો છું. તેમની ખાલી પડેલી જગ્યા તરફ મારી નજર જાય છે ત્યારે હું અંદરથી ખાલીપો અનુભવું છું. – આ શબ્દો તે દિવસની લોકસભાની કાર્યવાહીના અહેવાલમાં નોંધાયેલા છે. સરદારના અંતિમ સંસ્કારનો અહેવાલ ‘ટાઈમ’ મેગેઝીનના ૨૫ ડિસેમ્બર, ૧૯૫૦ના અંકમાં છપાયો હતો તેમાં લખ્યું છે કે જ્યારે સરદારને તેમના દીકરા ડાહ્યાભાઈ પટેલે અગ્નિદાહ આપ્યો ત્યારે એ જોઈને નેહરુ ચોધાર આંસુએ રડતા હતા. પણ સૌથી મોટો પુરાવો તો બ્રિટિશ પાથેની દસ્તાવેજી ફિલ્મ છે. તેમાં સરદારના અંતિમ સંસ્કાર વખતે નેહરુ હાજર હતા એ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
નેહરુ ભારતના ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા તો સાથોસાથ તેના ભવિષ્યના દૃષ્ટા પણ હતા. હવે પછીના જગતમાં અણુશક્તિ વગર ચાલશે નહિ એ હકીકત સમજીને પ્રખ્યાત વૈજ્ઞાનિક અને અંગત મિત્ર ડો. હોમી ભાભા સાથે મળીને માર્ચ ૧૯૫૫માં ‘સ્વિમિંગ પૂલ’ પ્રકારનું પહેલવહેલું એટોમિક રિએક્ટર બાંધવાનું નક્કી કર્યું. એ રિએક્ટરનો ઘણોખરો ભાગ પાણીમાં ડૂબેલો રહેવાનો હતો એટલે નામ આપ્યું ‘અપ્સરા’. લગભગ બે વરસના ટૂંકા ગાળામાં અપ્સરા તૈયાર થઈ ગયું અને તેને રાષ્ટ્રને સમર્પિત કરવા નેહરુ ૧૯૫૭ના જાન્યુઆરીની ૨૦મીએ મુંબઈ આવ્યા.
નેહરુની એક આંખ ભવિષ્યને જોતી, તો બીજી આંખ ભૂતકાળ તરફ રહેતી. દાયકાઓ પહેલાં કાઁગ્રેસે ભાષાવાર પ્રાંતરચનાની હિમાયત કરતો ઠરાવ પસાર કર્યો હતો. આઝાદી પછી એ રીતે નવાં રાજ્યો અસ્તિત્વમાં આવતાં ગયાં. મુંબઈ સહિતના સંયુક્ત મહારાષ્ટ્ર માટે જોરદાર ચળવળ શરૂ થઈ. શરૂઆતમાં મુંબઈ રાજ્યના ભાગલા પાડવાની તરફેણમાં નેહરુ નહોતા. પણ લોકશાહીમાં લોકોનો નિર્ણય સર્વોપરી ગણાવો જોઈએ એમ માનતા. એટલે ૧૯૬૦ના મે મહિનાની પહેલી તારીખે જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં ત્યારે મહારાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કરવા નેહરુ મુંબઈ આવ્યા. ૩૦ એપ્રિલ અને પહેલી મે વચ્ચેની મધરાતે મુંબઈના રાજ ભવનમાં નેહરુએ મહારાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કર્યું. એ વખતે મહારાષ્ટ્રના પહેલા ગવર્નર શ્રીપ્રકાશ અને પહેલા ચીફ મિનિસ્ટર યશવંતરાવ ચવ્હાણ હાજર હતા. ૩૦મીની સાંજે નેહરુએ શિવાજી પાર્કમાં વિશાળ સભા સમક્ષ ભાષણ કરતાં કહ્યું કે મુંબઈ એ માત્ર મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર નથી, પણ સમગ્ર પશ્ચિમ ભારતનું કેન્દ્ર છે, અને તેના વિકાસમાં ભારતનાં દરેક રાજ્યના લોકોનો ફાળો છે.
નેહરુ છેલ્લી વાર મુંબઈ આવ્યા ૧૯૬૧ના નવેમ્બરની ત્રીજી તારીખે, ભારતીય નૌકાસૈન્યમાં જોડાતી આઈ.એન.એસ. વિક્રાંતને વધાવવા માટે. એરપોર્ટથી તેઓ સીધા બેલાર્ડ પિયર ગયા અને ત્યાંનો કાર્યક્રમ પૂરો થયા પછી સીધા યુનાઇટેડ કિંગડમની મુલાકાત માટે મુંબઈથી જ રવાના થયા.
મુંબઈમાં બેસીને લખેલા અને ‘નેશનલ હેરાલ્ડ’માં પ્રગટ થયેલા એક લેખમાં નેહરુ લખે છે: “મને મુંબઈ ગમે છે. કારણ અહીં બધાને માટે ખીલવા અને ખૂલવા માટે અવકાશ છે. સમુદ્ર અને સમુદ્ર પરથી આવતો પવન આ શહેરને થોડું ઠંડુ રાખે છે. અંધારું થાય તે સાથે મુંબઈનો દરિયા કિનારો અસંખ્ય બત્તીઓથી ઝળાંહળાં થઈ જાય છે. રાતને વખતે અસંખ્ય બત્તીઓની હાર દરિયા કિનારાને અજવાળે છે તે જોવું એ એક લહાવો છે. જો કે મુંબઈમાં ઊંચાં ઊંચાં મકાનો ઝડપથી બંધાઈ રહ્યાં છે તે મને નથી ગમતું. જો કે મારે કબૂલ કરવું જોઈએ કે દૂરથી જોઈએ તો આ ઊંચાં મકાનોની હાર પણ મનોહર લાગે છે. મુંબઈમાં અને મુંબઈના લોકોમાં કોઈ અજબની ઉષ્મા અને મૈત્રીની ભાવના છે. અને એટલે જ મને વારંવાર મુંબઈ આવવું ગમે છે.”
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ ડે”; 14 નવેમ્બર 2026
![]()

