Opinion Magazine
Number of visits: 10,353,126
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરિષદ : પરંપરા  અને પરિવર્તન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 November 2026

ચોથી નવેમ્બરે  2027 – 30ના ગાળા માટે ગુજરાતી સાહિત્ય પરિષદના  પ્રમુખ અને મધ્યસ્થ સમિતિનાં ચૂંટણી પરિણામ સાથે એક પ્રકારે કોલાહલ અને સહજ તનાવનો દેખીતો અંત તો આવ્યો, પણ એક રીતે એ હાલ પૂરતો છે; કેમ કે પરિવર્તન મંચના પ્રવેશે ઊહ અને અપોહની  જરૂરત અવશ્ય ઘૂંટી છે. માત્ર, એમાંથી ખરા અને ખોટા મુદ્દા તારવવાનો વિવેક જરૂરી છે. કારણ, શું ચકચારી અને શું ચર્ચા લાયક તેનો આવે વખતે ક્ષણાવેશમાં ખયાલ નયે રહે. પુસ્તક મેળામાં સ્ટૉલ છે કે નથી એવા નૈમિત્તિક સાસુવહુ છણકા પણ આવે વખતે કોઈક રીતે જરૂરી અગર બિનજરૂર્રી ખેલ પાડતા હોય છે. એક વાર વાત ઉપડે એટલે બેઉ બાજુએથી દેદાફૂટ વાસ્તે  માહોલ જામે … અને આહા એવો સમો બંધાયો નથી ને બંધાવો નથી.

વાતમાં મોણ નાખી અવાંતર એક્રોબેટિક્સનો રાહ છોડી મુદ્દા પર આવવાની કોશિશ કરું તો મંચે અભિનિવેશપૂર્વક મહિલા પ્રમુખનો મુદ્દો આગળ કર્યો હતો. મહિલા નેતૃત્વ શક્ય બને એમાં તત્ત્વતઃ સૌ રાજી જ હોય. દા.ત., તાજેતરનાં વર્ષોમાં અનિલાબહેન અગર હિમાંશીબહેન  ઉમેદવારી કરે એવી ઇચ્છા સતત વ્યક્ત થતી રહી છે એ મિત્રોના ખયાલમાં હોય જ. ધીરુબહેન ગયાં ત્યારે કેટલા વખતથી કોઈ મહિલા પ્રમુખ નથી બન્યાં એવો સવાલ અને તે માટેનો આગ્રહી  વસવસો ‘પ્રમુખીય’ વાટે કહો કે વ્યાસપીઠ પરથી જ આ લખનારે વ્યક્ત કર્યો  હતો. અહીં આ સંદર્ભે જે અર્થઘટનને અવકાશ છે તે કદાચ એ છે કે કોઈ ચોક્કસ એજંડાગત  ચોક્કસ મહિલાને આગળ કરવાનો વ્યૂહ પરિવર્તન મંચનો હોઈ શકે છે. જો એમ હોય તો આ પસંદગી  લિંગગત નહીં પણ વ્યક્તિગત હોઈ શકે છે.

અહીં એક મહિલા અગર પુરુષ તરીકે નહીં પણ વ્યક્તિ તરીકે વિચારીએ તો ઉષાબહેન સાહિત્યસેવી છે, વિદુષી લેખે એમનો સ્વીકાર-પુરસ્કાર પણ છે, જૂઈ મેળા તરેહની એમની સક્રિયતા પણ ધ્યાનાર્હ છે. બીજી બાજુએ અક્ષરજીવન અને જાહેર જીવનની સંગમભૂમિએ પરિષદની પાટે જે પ્રતિબદ્ધતા જોઈએ એની કસોટીએ પરિષદ-સંધાન દરમ્યાન એ પ્રગટપણે  ઊણાં ઊતર્યા છે. તે હમણેના દિવસોમાં ક્યાંક યાદ પણ કરાયું છે. આ સંજોગોમાં પરિવર્તનના ચહેરા તરીકે વૈકલ્પિક પસંદગીનું લૉજિક હતું અને છે.

પરિવર્તન  મંચ પાછળ અને એમાં પણ ઉષાબહેનની પ્રમુખીય મૃગયા પાછળ ગુજરાત સાહિત્ય અકાદમીની સીધી સંડોવણી  હતી અને  એમની તરફે પ્રચારમાહોલ બનાવવા વાસ્તે અકાદમીના ઉપક્રમો અક્ષરશ: વિક્રમ ઊંચાઈએ ને વિ-ક્રમ તળિયે અતોનાત હતા તે જગજાણીતી બીના છે. ગુજરાતના સત્તાપક્ષે કૈંક રસ લીધાની તેમ કોઈ સરકારી વર્તુળોના પરોક્ષ સથવારાનીયે  વાત સાંભળવામાં આવી છે. પણ એ અનુમાનમાં નહીં અટવાતાં આપણે અકાદમીની સીધી સંડોવણી પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ તો શું સમજાય છે? સરકારે અકાદમીને પેરેશુટ પ્રમુખો મારફત તેમ ચૂંટણીનું ઉલાળિયું કરીને ખણ્ડી લીધી અને એટલાથી ધરવ ન હોય તેમ હવે રણજીતરામની પ્રજાસૂય કૃતિને ઓળવી લેવા અકાદમી લાલાયિત છે. મામલો આખો એવો લક્કડફીટ છે કે સામાન્યપણે  જેમને અંગે 36ના સંબંધની  છાપ છે તે વર્તમાન અકાદમી પ્રમુખ અને પૂર્વ અકાદમી પ્રમુખ બેઉ ઉષાબહેનના સમર્થનમાં હતા. નક્કી, એમાં કોઈ સરકારી કે સત્તાપક્ષી  સંધાન કામ કરી ગયું હશે?

હમણાં મેં જે સંધાનની વાત કરી તેનું એક વિચારધારાકીય પાસું પણ લક્ષમાં લેવા જેવું છે. ‘શબવાહિની ગંગા’ના દોરમાં તત્કાલીન અકાદમી પ્રમુખે સંસ્થાના અધિકૃત પત્રમાં તંત્રી તરીકે, કહો કે અધ્યક્ષીય વ્યાસપીઠ પરથી સહસા શંખધ્વનિ કર્યો હતો કે અમે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલા છીએ. સાહિત્ય પદારથ અંગેનો એમનો નિકષ સત્તાપક્ષી રાજકીય વિચારધારા હોય એવી બૂ એમાંથી સોડાતી હતી. આ અંગે અકાદમીના અનુગામી અધ્યક્ષે કોઈ ફેરવિચારની જરૂર જોઈ નથી. એક પૃષ્ઠભૂ તરીકે આ વિગત જોઈએ તો પરિવર્તન મંચ તરફે પ્રચાર દરમ્યાન વચ્ચેવચ્ચે જે રાષ્ટ્રવાદનો સોલો ઉછાળા મારતો હતો એનું રહસ્ય સમજાશે. આ કોઈ સહજ સ્વદેશવત્સલ ભૂમિકા નથી, પણ ચોક્કસ બ્રાન્ડ છે જેને કેન્દ્ર અને રાજ્યની સરકારો પ્રમોટ કરી રહી છે.

આમ સમગ્ર સંદર્ભમાં જોઈએ તો પરિવર્તન મંચનો પ્રવેશ, એમાં જોડાયેલા પૈકી બધા આ મુદ્દે સભાન હોય કે ન હોય પણ એક રાજકીય મહોરાવત બની રહે છે. એ જે વિચારધારાને પ્રતિનિધિત કરે છે એમાં ઓછુંવત્તુ માનનારા મિત્રો પરિષદમાં પૂર્વે નહોતા કે આજે નથી, એવું નથી. પણ એમની હાજરી અને સામેલગીરી વ્યક્તિગત તરેહની છે. કે.કા. શાસ્ત્રી પ્રમુખ થયા પણ તે સંસ્થાને ચારે બાજુએથી ભીંસમાં લેતો કોઈ પક્ષીય વ્યૂહ નહોતો. એમની લાંબી કારકિર્દી અને કામગીરી પછી (વિશ્વ હિન્દુ પરિષદ સાથેના એમના સન્ધાનથી નિરપેક્ષપણે) એ અહીં પહોંચ્યા હતા. એ કોઈ આ  ઉમેદવારીમાં જોવા મળે છે તેવી વ્યૂહરચનાનો પુરજો નહોતા. છેલ્લા દસકામાંથી નમૂના દાખલ બે નામ લઉં ? હરિકૃષ્ણ પાઠક અને પ્રફુલ્લ રાવલે પરિષદમાં કોઈ ને કોઈ હોદ્દે રહીને કામગીરી કરી છે. વિચારધારાની રીતે કે સત્તાસંધાન અને પક્ષપ્રવેશની રીતે એમને ઠીક અવકાશ પણ હશે, પરંતુ પરિષદના હોદ્દેદારોએ સરકારી અકાદમી સાથે અસહયોગની જે ભૂમિકા લીધી એને એ બિલકુલ વળગી રહ્યા, કેમ કે અહીં એ કોઈ વ્યૂહરચનાવશ નહીં પણ સાહિત્યના રસથી પરિષદપ્રીત્યર્થ સંકળાયા હતા.

 જ્યાં સુધી અકાદમી પ્રકરણનો સવાલ છે, 2015 ની પેરેશુટ ઘટના પછી હર ચૂંટણીમાં એના તરફદારો એટલે કે પરિષદ એનો અસહયોગ છોડી દે એમ ઇચ્છનારાઓ ઓછાવત્તા પાછા પડતા રહ્યાં છે. આગળપાછળનો ઇતિહાસ આ તબક્કે છોડી દઉં છું.  આ પાછા પડનારાઓનો મોટો વર્ગ કદાચ એવો છે જેને અકાદમીની સ્વાયત્તતા ગઈ એનો ખાસ ખટકો નથી, બીજાં  રાજ્યોમાં આ પ્રકારનાં આયોજનોમાં નહીં એવી લેખકીય કોન્સ્ટિટ્યુઅન્સી સહિતની ચૂંટણીની જે વાસંતી વિશેષતા, એને બૂજવા સારુ જોઈતી નાસિકા અગર ઇન્દ્રિયનું   આવું ટાંચું ઉમાશંકર અને દર્શક સરખા સ્વાતંત્ર્ય સૈનિક સર્જકોની આ ભૂમિમાં ? ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’ની સેન્સરશીપ સામેની લડાઈનું ગૌરવ ક્યાં ગયું? પરિષદે અભિવ્યક્તિને મુદ્દે કટોકટી રાજ સામે ઠરાવ કર્યો ત્યારે ગુજરાતના અક્ષરકર્મીઓનો જે જોસ્સો હતો તે ક્યાં? જો કે આટલી મુખર પ્રતિક્રિયા પછી અને છતાં કબૂલવું જોઈએ કે હવે સ્વાયત્તતાની માંગમાં સૌ, પણ અસહયોગમાં નહીં એવું ચિત્ર દેખીતું ઉભરી રહ્યું છે. સ્વાયત્તતા ગયાનું જોતે છતે નહીં જોતો વર્ગ હવે પુનર્વિચારપૂર્વક અગર વ્યૂહાત્મક સગવડ સારુ પોતાને તે જોતો જાહેર કરવા ચાહે છે. ભલે ભાઈ, રાજી.પણ અસહયોગનો વિરોધ શાને ? માત્ર,તમે પરિષદને હોદ્દે હો અને અકાદમીનું નિમંત્રણ ન સ્વીકારો એટલી સાદી વાત છે. આપણે હાંસલ કરેલી સ્વાયત્તતા ચાલી જાય અને એના ઓળવૈયાના નોતર્યાં આપણે રંગરૂસણે રમીએ? પરિવર્તન મંચ તરફે એક ફેસબુક પોસ્ટમાં બચાડા નવા ચુંટાનારા જોગ લાભોજીના લાળકારણની રીતે હિતવચનો પણ ઉચ્ચારાયા કે તમને પરિષદમાં કંઈ મળશે નહીં અને અકાદમીનું ખોશો. જેમણે પરિષદે સ્વીકારેલ અસહયોગના સમાદર સાથે લડી જાણ્યું, એમની આવી ઠેકડી  કરવાની કે દયા ખાવાની ? ભલા ભાઈ, આપણે અક્ષરકર્મી છીએ કે અક્કરમી.

ધૂમ પ્રચાર વચ્ચે એ એક વાત પરિવર્તન વર્તુળોમાંથી ઉછાળાતી હતી કે 2024-2026ની ચૂંટણી વખતે હર્ષદ ત્રિવેદી અને કિરીટ દુધાત તરફથી પ્રચારમાં એવી છાપ આપવામાં આવતી હતી કે એક વાર ચૂંટાઈ આવીએ એટલે અસહયોગની વાતને જતી કરીશું. સ્વાયત્તતાની માંગણી અલબત્ત ચાલુ રહેશે. પણ આ ત્રણ વરસ દરમ્યાન એવું તો કાંઈ બન્યું  નહીં. જો હર્ષદભાઈએ અને કિરીટભાઈએ પૂર્વે એવી છાપ આપી હોય તોપણ આ ત્રણ વરસને અંતે એવો કોઈ પુનર્વિચાર કરવો જરૂરી જણાયો નહીં. એનું રહસ્ય કદાચ એ છે કે પ્રત્યક્ષ કાર્યભાર વહન  કરતાં  સાથીઓ જોડે અવિધિસર ને વિધિસર (રેકોર્ડેડ) ચર્ચા દરમ્યાન એમને અસહયોગ પડતો મુકવાપણું નહીં લાગ્યું હોય. ચૂંટણી વખતે જરી સમાલી  લેવાનાં  ડાહ્યાં મિત્રવચનો મળતાં  હોય  છે એમ એમનેય મળ્યાં  હશે. પણ છેલ્લાં  ત્રણ વરસ દરમ્યાન  સમજ સાફ થયાથી અને એથી સંકલ્પ દૃઢાયાથી એમણે આભાર સહ એવી બધી સલાહ શીંકે મુકવામાં સાર જોયો હશે.

એક્સપ્રેસ સાથે વાત કરતાં નવનિર્વાચિત (હજુ જો કે વરાયેલ) પ્રમુખ કિરીટ દુધાતે અકાદમી-પરિષદ પ્રકરણના સુખદ સમાધાનની આશા વ્યક્ત કરી છે. આ અલબત્ત પ્રત્યક્ષ કાર્યકાળ શરૂ થાય તે પૂર્વે એક ઠાવકા પ્રતિભાવનો મામલો છે. સરકાર નિયુક્તિકારણ છોડે એ જ સાદો ઉપાય છે. ગોવર્ધન શતાબ્દી (1955) અને 2015 (પેરેશુટ પ્રસંગ), આ છ દાયકાએ પરિષદને એકાધિકારથી મુક્ત થતી જોઈ. ઉમાશંકર અને દર્શક સરખા પરિષદમોભીઓ થકી અકાદમીને સ્વાયત્ત કરાવાતી જોઈ અને પછી આપણા એકના એક જયંતિ દલાલે ક્યારેક કહેલું તેમ અકાદમી એટલે એક આદમી ને બાકી ડમી  એવોયે ટેબ્લો દીઠો.

પરિવર્તન પેનલ સામે પરંપરા પેનલ એવું નામ ક્યાંથી ચાલ્યું એનો મને ખ્યાલ નથી. ખરું પૂછો તો પરિવર્તન મંચે  જે રીતે પેનલબદ્ધ  મુકાબલો શરૂ કર્યો એની સામે એક જવાબી પેનલ આવી એમ લાગે છે. સાડા  ત્રણ દાયકાના મારા પ્રત્યક્ષ સંધાન દરમ્યાન પરિવર્તન મંચ જેવો લગભગ પક્ષવત ઉધામો  મેં જોયો નથી. આવી સામસામી મોરચાબંધીમાં પરેશ નાયક જેવી વ્યક્તિને સારુ સ્વતંત્ર ભૂમિકાને અવકાશ ન રહે અગર તો ચત્રભુજભાઈ જેવી નવીન વ્યક્તિના પ્રવેશ સારુ સુવાણ ન હોય એમ પણ બને. ગમે તેમ પણ, પરિવર્તન મંચનું અવિધિસરનુંયે પક્ષવત હોવું ન ગમતે  છતે તે પરિષદને વૈચારિક રીતે  પ્રત્યક્ષ નહીં  તો પરોક્ષ સંકોરી શકે, એથી રૂડું શું. જો કે આ ક્ષણે તો મન વિમાસણ, વિસ્મય ને વિશેષ તો વિષાદ પણ અનુભવે છે કે ઠેકઠેકાણે નવપરિવર્તનનો વાસંતી સપાટો વર્તાતો હોય ત્યારે  અહીં પરિવર્તનને નામે પ્રતિગામી ઠકાઠેક શાને.

06 નવેમ્બર 2026 
e.mail : prakash.nireekshak@gmail.com

Loading

8 November 2026 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—365 

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—365 
  • સચિવાલયમાં માણસાઈ સિવાય બધું જ છે …
  • જેન ઝી નવપડાવ અને રામલીલા પર્વ : પ્રતિરોધની રાજનીતિ વિકલ્પ ભણી 
  • વીસમી એશિયન ગેમ્સની વ્યવસ્થા અને વર્તનના ખેલની કથા
  • લાખના ભજિયાં ને ખાખના કજિયા …

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved