આપણામાં તો જરા જેટલી પણ અક્કલ નથી. કોઈ પણ બહાને સામેવાળાને પાણીથી પાતળા કરવા એ જ હેતુ છાપાંઓ, ચેનલો, ફેસબુક, ઇન્સ્ટાનો હોય છે. આખું સોશિયલ મીડિયા જે રીતે રાજકારણીઓની ને તેમાં ય શાસક પક્ષની પાછળ પડી જાય છે, તો થાય કે આ લોકોને કોઈ કામધંધો છે કે નહીં? આ શું શાસકો જેમ તેમ કારભાર કરતા હોય ત્યારે, વિપક્ષો વાતે વાતે ડિંગલી કર્યા કરે? ખરેખર તો વિપક્ષોની ધુલાઈ જ કરી નાખવી જોઈએ, ત્યારે શું? આમ ડિંગલી જ કરવી હોય તો અંદરોઅંદર દાંતિયાં કરો ને ! આ શું છાશવારે શાસકોની મેથી માર્યા કરો છો? આમ શાસકો સામે વાતે વાતે બાથ ભીડવા લાગે તે ઠીક નથી. એમને ખ્યાલ જ નથી કે કેટલી મહેનતે શાસકો હોજરી ભરતા હોય, ત્યાં વિપક્ષો થોડે થોડે વખતે ભૂખમરાનું રડ્યા કરે એ તેમને જરા પણ શોભતું નથી. તમારો વારો આવે, ત્યારે તમેય ભજિયાં ખાજો ને ! કોણ ના પાડે છે?
આમ તો શાસક પક્ષમાં એક બે ભજિયાવાલા હતા પણ ખરા, પણ એમણે સેવા સિવાય કંઇ કર્યું નથી. તમને થશે કે આ કેમ ભજિયાં, ભજિયાંના મણકા ફેરવ્યા કરે છે, તો તેનો જવાબ એ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ગયે અઠવાડિયે ચંદની પડવા નિમિત્તે દોઢેક કલાકની સામાન્ય સભામાં પાર્ટી કરી. આમ તો શાસનનો અર્થ ‘પાર્ટી’ જ રહી ગયો છે. તેમાં સુરત મ.ન.પા.ને હરખ ઊભરાયો કે મીઠાઈનો આખા જગતમાં ક્યાં ય ઉત્સવ નથી, તો આ વખતે સુરત કોર્પોરેશનમાં ઉઠમણું, સોરી, ઉજવણું કરીએ ને સામાન્ય સભામાં છાકો પાડી દઈએ. ઘારીભૂસાં ઝાપટીએ, પણ મેયર મેડમે મેનુ જરા બદલ્યું ને ભૂસાં ને બદલે ભજિયાં કર્યાં. સભામાં નગરસેવકો, અધિકારીઓ, પત્રકારો … મળીને લગભગ બસોથી વધુ લોકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી. આમ તો આ સામાન્ય સભા હતી ને સવારે દસની આસપાસનો સમય હતો, એટલે ઘરે નાસ્તો, જમવાનો વખત કોઈ પાસે ન હોય એમ બને ને સભા કોર્પોરેશનમાં યોજાતી હોય ને તે પણ સામાન્ય સભા, તો ઘરનું પાણી પણ ન પીવાય. એ તો કોર્પોરેશનમાં જ પીવાનું. ટૂંકમાં, ખાઈએ ત્યાં જ ખોદીએ, સોરી, ખાઈએ ત્યાં જ (બીજું) ખોળીએ એ સભાનો સ્વભાવ હોય છે.
આમ તો ચંદની પડવો હતો ને દિવાળી નજીક હતી એટલે મેયર મેડમે ભારે નાસ્તો કરાવવાનું માથે લીધું. તેમણે ક્યાં સસ્તો પડે તે તપાસ કરીને કોઈ ભજિયાં હાઉસમાંથી ભજિયાં મંગાવ્યાં. તે એક બે કિલો નહીં, 131 કિલો. જુદા જુદા આકાર, પ્રકારના ભજિયાં જોઇને ઘણાં કોર્પોરેટરોને મોંમાં પાણી જ નહીં, લાળ પણ પ્રગટી. આમ તો સમાન્ય સભામાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાની હોય, પણ એવી ચર્ચા તો પછી પણ થાય ને ! ભજિયાં ક્યાં રોજ રોજ મળે છે. ઝાપટો ને ઝાપટ્યાં. આમ તો કોર્પોરેશનમાંથી ખાવા, પીવા ને વાપરવાનું તો મળી જ રહે છે, પણ બસો-ત્રણસોની પિકનિક તો રેર જ ને ! કોર્પોરેશનમાં ખાવા ખવડાવવાની નવાઈ નથી, પણ આ ભજિયાંનું અદકેરું મહત્ત્વ હતું. કેટલાકે ઘારી પણ ખાધી, પણ ડરીને ! રખેને ડાયાબિટીસ વળગે તો? આમ તો ઘણાંને (દોઢડાયા)બિટીસ પણ હોય છે, પણ એનો ઈલાજ નથી. હા, ડાયાબિટીસનો ઈલાજ છે જ. ઘારી તો નામની જ ખવાઈ. તેનું બિલ આવ્યું, 20,000. હવે બસો-ત્રણસો માટે 20,000 વધારે ન કહેવાય, પણ ભજિયાંનું બિલ આવ્યું પૂરા એક લાખ. છે ને તમ્મર આવે એવું? આ પછી આખી સાધારણ સભા અસાધારણ સભામાં ભેરવાઈ, સોરી, ફેરવાઈ. 200 જણા લાખ રૂપિયાના ભજિયાં ખાઈ જાય એ તો બહુ કહેવાય.
જો કે મેયર મેડમને એમાં કંઇ અજુગતું લાગ્યું ન હતું. આમ તો ભજિયાં હતાં, છતાં સામાન્ય સભાની તબિયતની કાળજી રાખી ને ગમે તેવાં ભજિયાં ન ખવડાવતાં ઓઈલ ફ્રી ને (અવ)ગુણવત્તાવાળાં ભજિયાં ચોક્કસ દુકાનેથી મંગાવ્યાં. ભલે ભાવ 800 રૂપિયે કિલો હોય, પણ સભાસદોને કંઇ ગમે તેવું તો ના જ ખવડાવાયને ! ઘરના કૂતરાને ગમે તેવું ન ખવડાવતાં હોઈએ, તો સામાન્ય સભાને ગમે તેવું તો ના જ ખવડાવાય ને ! ઓર્ડર આપી દીધો. સામાન્ય સભા કલાકેકમાં 131 કિલો ભજિયાં ખાઈ ગઈ. તેમાં ચટણી તો ફ્રી ને ઉપરથી કોર્પોરેશનને પહોંચવાના છે એટલે કિલોના 800ના ભાવ પર 50 રૂપિયા ડિસ્કાઉન્ટ ! કિલોના 750 જ લીધા. ભજિયાંવાળો પણ કેટલો ઉદાર ! 131 કિલો ભજિયાં પર સીધા 5૦ રૂપિયા ઘટાડી દીધાં. બિલ થયું લાખની આસપાસ. તેમાં ખાતર પર દિવેલની જેમ ઘારીના 20,000 તો જુદા. ટૂંકમાં, સામાન્ય સભા 1,18,250ની પડી. બસોથી વધુ સભાસદો લગભગ 600 રૂપિયાનો નાસ્તો કલાકેકમાં ખાઈ ગયા. કોર્પોરેશનની સામાન્ય સભા હોય તો નાસ્તો તો હોય જ, પણ જમવાનું ન થાય, એટલાનું ભજિયું ખવાય તે તો ચાલે જ કેમ? ઊહાપોહ થયો. વિપક્ષના કેટલાકે તો 600 ઝાપટ્યા પછી પાછો વિરોધ પણ કર્યો. એમ ત્યારે, ખાવાની વખતે ખાવાનું ને ગાવાની વખતે ગાવાનું. એમાં કોઈની શરમ નહીં !
પછી તો ચેનલો, પ્રિન્ટ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટા પર ભજિયું ભજિયું થઈ રહ્યું. બસો જણને લાખના ભજિયાં તો હોય જ કેમ? ઠેર ઠેર એ જ ચર્ચા ને સિસકારા કે લાખના ભજિયાં હોય તો કજિયા પણ હોય જ ને ! જાણે કે એવાં ભજિયાંને સભાસદો લાયક જ ન હોય તેમ સામાન્ય સભા વગોવાઈ ગઈ. 300-500ના ભાવે ભજિયાં ગધેડે ગવાતાં હોય ને તે પણ ગુણવત્તાવાળાં, તો 800નાં કિલોનો તો ખીલો જ વાગે ને ! લાખના ભજિયાંએ કાળો કકળાટ કરી મૂક્યો. ભજિયાં, કજિયાનું રૂપ લઈને જ રહ્યાં. એક વાત રોકડી છે ને તે એ કે સામાન્ય સભામાં ઝેર સિવાય કૈંક તો ખવડાવવું પડે ને ! હવે આ તો પાછી સુરતની ટોપીઓ, તો એને છાણવાસીદું તો ના જ ખવડાવાય ને ! એવું કરે તો આ જ મીડિયાવાળા કકળાટ કરી મૂકે કે કોર્પોરેશન એટલું ગરીબ થઈ ગયું કે ચીંથરું ખવડાવ્યું? એટલે મેયર મેડમનો તો આમ પણ મરો ને તેમ પણ મરો. 800ના ભાવનું ખવડાવે તો પણ દુ:ખ ને ન ખવડાવે તો પણ દુ:ખ. આ ભજિયાંકાંડથી એટલું તો થયું કે મેયર મેડમ લગભગ સાઈલેન્ટ મોડ પર હતાં, તે એકાએક સ્પીકર પર આવી ગયાં. આદ્યશક્તિની જેમ અત્ર, તત્ર સર્વત્ર દેખાવા લાગ્યાં. ગુણવત્તા ગુણવત્તા એટલી વખત કહ્યું કે મીડિયાના કાનની ગુણવત્તા ઘટી ગઈ.
મીડિયાનું કહેવું છે કે શાસકોએ પ્રજાને પૈસે મિજબાની માણી. હવે આ વાત સાવ ગુણવત્તા વગરની છે. સીધી વાત એ છે કે કોર્પોરેશન જ પ્રજાને પૈસે થઈ હોય તો, શાસકો પ્રજાને પૈસે મોજ ન કરે તો શું કરે? ના, ના ! મોજ કરવી હોય તો બજારમાં ઠોબલાં ખખડાવે? ભજિયાં ખાધાં ને કરકસર ન કરી એવું પણ મીડિયા કહે છે. 800નાં ભજિયાં 750માં લઈને લગભગ 6,500 -6,600 બચાવ્યા, તે કરકસર નહીં? મીડિયાને કરકસર એટલે 50 નહીં, પણ 750નું ડિસ્કાઉન્ટ એવું હશે?
વેલ, આ ભજિયાં, ભજિયાં કિંગમાંથી મંગાવ્યાં હોવાનું કહવાય છે, તો હવે એની પંચાત ! ભજિયાં કિંગમાંથી જ કેમ મંગાવ્યાં? ક્વીનમાંથી કેમ નહીં? જ્યાંથી પણ મંગાવ્યાં હોત, 800નાં કિલોનો વાંધો પડ્યો જ હોત. આપણા લોકો પણ કંઇ ઓછાં નથી. મતલબ કે ઓછાં જ છે. આ રડારોળ તો મીડિયા કરે છે, લોકોનો તો અવાજ જ ક્યાં છે? લોકોમાં બૂતું બળ્યું હોત તો કોર્પોરેશનની શી મજાલ કે 800ના ભાવ તરફ નજર પણ નાખે. જનતા જોતી જ નથી, તો કોર્પોરેશન પણ જનતાની ફિકર શું કામ કરે?
કોર્પોરેશન આપણા ઘણાં કામ કરે છે. તે રસ્તે ભૂવા પાડે છે. ખૂબ મહેનત કરીને રેલ લાવે છે, પાણી કાપ મૂકે છે, પીળું પાણી પીવા માટે મોકલે છે, પુલથી ફૂલ બનાવે છે …. આટલી મહેનત બીજી કોઈ કોર્પોરેશન નથી કરતી, તો સુરત મ.ન.પા. ભજિયાં ખાય તો આપણા પેટમાં દુખાવો શું કામ થવો જોઈએ. એ તો કોર્પોરેશનથી જનતા ખવાતી નથી, બાકી, 800નાં ભાવના ભજિયાં શું કાંદા ખાવા ખાય?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 નવેમ્બર 2026
![]()

