હા, સાહિત્ય પરિષદની ચૂંટણી જાહેર થઈ છે ને તે હવે તેના આખરી તબક્કામાં છે. મતપત્રકો ઘણા ખરા આજીવન સભ્યો સુધી પહોંચી ગયા છે, તો કેટલાકે મતપત્રકો મત આપીને રવાના પણ કરી દીધા છે. આ વખતે પરિષદ પ્રમુખની ચૂંટણીમાં કિરીટ દૂધાતની સામે ઉષા ઉપાધ્યાય ઊભાં રહ્યાં છે. બંને ઉમેદવારોએ પોતાનો પક્ષ સભ્યો સમક્ષ મૂક્યો છે. આશા રાખીએ કે જે પણ પ્રમુખ થાય તે પરિષદનું હિત જુએ ને 121 વર્ષ જૂની આ સંસ્થા કોઈનો પણ હાથો બન્યા વગર શુદ્ધ સાહિત્યિક પ્રવૃત્તિઓ કરે. અત્યારે જોખમ એવું પણ છે કે પરિષદ રાજકીય સંસ્પર્શનો ભોગ બને. ચૂંટાનાર કોઈ પણ પ્રમુખે એ જોવાનું રહે કે પરિષદનાં હિત સિવાયનો કોઈ પણ રાજકીય સંસ્પર્શ સંસ્થામાં પ્રવેશતો અટકે. કોઈ પણ પ્રમુખ પોતે જે માન્યતા ધરાવતા હોય તે ભલે, પણ તેને પરિષદનાં હિતની વિરુદ્ધ ખપમાં ન લે તે અપેક્ષિત છે. પ્રમુખ તરીકેના એક ઉમેદવાર કિરીટ દૂધાત પરિષદમાં અત્યારે સક્રિય છે ને બીજા ઉમેદવાર ઉષા ઉપાધ્યાય એક સાહિત્યિક મંચ દ્વારા આગળ કરાયાં છે. પ્રમુખ તરીકે કોઈ પણ જીતે, પણ પરિષદ નામશેષ ન થાય તેટલી કાળજી લેવાય એ જરૂરી છે.
આ વખતે ચૂંટણીમાં સંસ્થા સભ્યો છ છે, પણ તે પાંચથી વધુ છે, એટલે ચૂંટણી થશે. દાતા સભ્યો વચ્ચે સ્પર્ધા નથી, એટલે કોઈ પણ સભ્ય બિનહરીફ ચૂંટાઈ આવે એમ બનવાનું. વધુ સ્પર્ધા મધ્યસ્થનાં ઉમેદવારો વચ્ચે છે. મધ્યસ્થમાં 91 સભ્યોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ને એમાંથી 40 સભ્યો જ ચૂંટવાના છે. બીજા શબ્દોમાં કહીએ તો 51 સભ્યોની બાદબાકી કરવાની છે. આ અઘરું છે, પણ અશક્ય નથી. આટલી ભીડ મધ્યસ્થમાં અગાઉ થયાનું ધ્યાનમાં નથી, પણ આમ થવું સકારણ છે ને એ પરિષદની નીતિને કારણે બન્યું છે.
એક કાળે સાહિત્ય અકાદમીમાં ચૂંટણી થતી હતી અને તે વખતના વરિષ્ઠ સાહિત્યકારો પ્રમુખ તરીકે મળ્યા હતા. પછી રાજકીય વાતાવરણ બદલાયું અને અકાદમીમાં ચૂંટણીથી નહીં, પણ સરકારની નિયુક્તિથી અધિકારીઓ અકાદમીનાં અધ્યક્ષ થયા. આ બાબતે પરિષદને વાંધો પડ્યો ને અકાદમીની સ્વાયત્તતા પુન: સ્થાપિત થાય તે માટે ઠરાવ કર્યો. પછી પ્રમુખો બદલાતા રહ્યા, પણ ઠરાવમાંનો સ્વાયત્તતાનો મુદ્દો આજની તારીખે પણ સજીવ છે. આજે પણ પરિષદનો કોઈ હોદ્દેદાર કે મધ્યસ્થ સમિતિનો સભ્ય અકાદમીના કોઈ કાર્યક્રમમાં જાય કે તેનો પુરસ્કાર સ્વીકારે તો તે પરિષદને માન્ય નથી. એવી રીતે જનાર સભ્યોએ કે હોદ્દેદારોએ પરિષદ છોડી છે અથવા તો તેમને છોડાવવામાં આવી છે. આ નીતિને કારણે અન્ય રીતે ઉપયોગી સાહિત્યકાર વગર પરિષદે ચલાવવાનું આવ્યું છે.
એમાં પરિષદના કોઈ ટ્રસ્ટી અકાદમીના કાર્યક્રમમાં ગયા હોય તો તેમની સામે કોઈ પગલાં લેવાયાં નથી, લેવાવાં પણ ન જોઈએ, કારણ પરિષદના કોઈ માનનીય ટ્રસ્ટીશ્રી અકાદમી દ્વારા નિમંત્રિત હોય તો તેનું પરિષદે ગૌરવ લેવું જોઈએ, તેને બદલે તેમની સામે દંડાત્મક કાર્યવાહી થાય તો તે પરિષદને શોભે નહીં. અકાદમીમાં મહામાત્ર રહી ચૂકેલા બે સાહિત્યકારો અત્યારે પરિષદમાં હોદ્દાઓ પર છે, તો તે અકાદમીમાંથી આવ્યા છે એટલે તેમને પરિષદ છોડાવીશું? આ અગાઉ ડઝનેક સભ્યોને પરિષદે નકારી કાઢ્યા હતા ને તેમને બે ટર્મ (6 વર્ષ) સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, તો સવાલ થાય કે ચૂંટણી જીતીને આવેલા સાહિત્યકારોને પરિષદ છોડવાની સ્થિતિમાં મૂકવાનું યોગ્ય છે? કમ સે કમ દંડાત્મક પગલું એક ટર્મ સુધી સીમિત કરી શકાય. આમ બબ્બે ટર્મ સુધી પરિષદ ખાલી કરાવીને તેણે હાંસલ શું કરવું છે તે સમજાતું નથી.
સાચું ખોટું ખબર નથી, પણ અકાદમીમાં પણ ચૂંટણી થવાની છે એવી વાત છે. એ સાચું હોય તો અકાદમી પર આરોપ છે કે ત્યાં ચૂંટણી થતી નથી ને નિયુક્તિથી કામ ચાલે છે એ વાતને રદિયો મળે. ધારો કે અકાદમીમાં ચૂંટણી આવે છે, તો પરિષદનો સ્વાયત્તતાનો મુદ્દો જ નીકળી જાય. પરિષદ અને અકાદમી, બંને સંસ્થાઓ સ્વાયત્ત હોય એ મોટી ઉપલબ્ધિ જ ગણાય. બીજી એક ચિંતા એવી છે કે પરિષદ પ્રમુખ તરીકે કોઈ એક વિજેતા નીવડે ને મધ્યસ્થના સભ્યો તેના વિરોધીઓ બને તો સંમતિ, અસંમતિ વચ્ચે પરિષદનું સુચારુરૂપે સંચાલન ન થઈ શકે, એટલે કોઈને ગમે કે ન ગમે, ઇચ્છવું તો એ જ પડે કે જે માન્યતાઓ ધરાવતો પ્રમુખ જીતે, તેના વળના સભ્યો જ મધ્યસ્થ સમિતિમાં પણ જીતે.
અગાઉ અપમાનિત થયેલા એકબે સાહિત્યકારે પરિષદની સમાંતરે આખું ગ્રૂપ ઊભું કર્યું ને તેના સભ્યોને પરિષદની સામે મધ્યસ્થમાં ને અન્ય હોદ્દે ખડા કર્યા. એ જ કારણ છે કે આ વખતે 91 સભ્યો મધ્યસ્થની ચૂંટણી લડવા મેદાને છે. પેલા ગ્રૂપને સરકારી સંસ્થાનો ટેકો હોવાની વાત છે. એ સાચું હોય તો બે જૂથ પડી ગયાનું ચિત્ર ઉપસે છે. એક પરિષદ તરફી છે ને એક પરિષદની સામે છે. આ જૂથો એટલાં સક્રિય છે કે બંનેએ મધ્યસ્થના પોતાના વળના 40-40 સભ્યોની યાદી અલગ અલગ તૈયાર કરીને મત આપવાનો આગ્રહ કર્યો છે. સૂરતમાં તો પરિષદ તરફી ચાળીસ સભ્યોની યાદી બહાર પાડીને સભ્યો તે પ્રમાણે મત આપે એવો માર્ગદર્શન કેમ્પ પણ યોજાઈ ગયો. એ સભા થઈ તેનો એટલો વાંધો ન હતો જેટલો સભ્યોને મતપત્રક સાથે આવવાનું કહ્યું તેનો હતો.
આમ તો આ સ્થિતિ માટે પરિષદ પોતે જવાબદાર છે. અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો સો ટકા સાચો ને અકાદમી સ્વાયત્ત હોય તે પણ કબૂલ, પણ એને માટે જે અભિગમ કેળવાયો તે વધુ પડતો જડ હતો. પરિષદ અને અકાદમી, બંને સાહિત્યિક સંસ્થાઓ છે. બંને પોતપોતાની રીતે સાહિત્યની પ્રવૃત્તિઓ કરે છે. એ સ્થિતિમાં પરિષદ અને અકાદમીમાં જવા-આવવાનો કોઈ બાધ ન હોવો જોઈએ. અકાદમીમાં જવું એ એવી બિનસાહિત્યિક પ્રવૃત્તિ નથી કે ત્યાં જવા બદલ પરિષદ ચૂંટાયેલા સભ્યોને કાઢી મૂકે. પરિષદે અકાદમી પાસેથી લાખો રૂપિયાની મદદ મેળવી છે ને ઘણી સાહિત્યિક પ્રવૃત્તિઓ તેથી શક્ય બની છે. તેની આટલી સૂગ પરિષદને છાજતી નથી. પરિષદ, સ્વાયત્તતાનો મુદ્દો ઊભો રાખીને, એવી છોછ ન રાખે કે ભવિષ્યમાં પરિષદ તો હોય, પણ સભ્યોની ટાંચ પડે. એ સાથે જ ભવિષ્યમાં એક જોખમ એવું પણ છે કે અન્ય સાહિત્યિક સંસ્થા પરિષદ પર જ હાવિ થઈ જાય ને પરિષદને ટકવાના ફાંફાં પડી જાય. અકાદમી તરફી સભ્યો ચૂંટાઈ આવે તો દેખીતું છે કે પરિષદનો એકડો જ નીકળી જાય. એ સ્થિતિમાં કોઈ પણ ચૂંટાઈ આવે, પરિષદનું હિત ન હોય એવી કોઈ પણ પ્રવૃત્તિને ઉત્તેજન ન મળે એ પ્રાથમિકતા હોવી ઘટે.
પરિષદે અંદર રહીને જેટલી ચિંતા અકાદમીની સ્વાયત્તતા સંદર્ભે કરી છે, એટલી બહાર નીકળીને કરી નથી. ભૂતકાળમાં તે વખતના ઉપપ્રમુખોએ એક મંત્રીને મળીને સરકારને સમજાવવાની કોશિશ કરેલી, પણ તે વખતના પરિષદ પ્રમુખને એ વાત માન્ય ન હતી ને પછી સરકાર સુધી પહોંચવાનો કોઈ પ્રયત્ન થયો હોય એવું લાગતું નથી. અકાદમીને મળવાનો, વિચાર વિમર્શ કરવાનો કે સભા-સરઘસો કાઢીને વિરોધ કરવાનો ગંભીર પ્રયત્ન પરિષદે કર્યો હોય એવું લાગતું નથી. પરિષદનો અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો કુલડીમાં ગોળ ભાંગવા જેવો છે. પરિષદે બધી શક્તિ પોતાના જ સભ્યોને કાઢી મૂકવામાં ખર્ચી છે, એટલે અકાદમીને તો કોઈ ફેર પડ્યો નથી, તે તો તેની રીતે ચાલે જ છે, પણ પરિષદની પ્રવૃત્તિ સભ્યો પર જ દાઝ ઉતારવા જેવી રહી છે. અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો જ એટલો હાવિ રહ્યો છે કે પ્રકાશન, પુરસ્કાર, ગ્રંથાલય, પરિષદ ભવનનું નવીનીકરણ જેવી ઘણી બાબતો ધીમી પડી ગઈ છે. હવે તો અંદરથી કે બહારથી કોઈ એવું આવવું જોઈએ જે પરિષદના હિત સિવાયની કોઈ પણ રાજકીય પ્રવૃત્તિઓ ન કરે. એવી પ્રવૃત્તિઓનું જોખમ છે, એટલે બકરું કાઢવા જતાં ઊંટ પેઠું એવું ન થવું જઈએ.
અગાઉ ક્યારે ય ન હતું એવું જોખમ પરિષદના અસ્તિત્વ સામે ઊભું થયું છે. ઈચ્છીએ કે 121 વર્ષ જૂની સંસ્થા વધારે મજબૂત બનીને આ ચૂંટણીમાંથી બહાર આવે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 ઑક્ટોબર 2026
![]()

