જો હું મતદાર નથી તો કોણ છું. ક્યાં છું, શું છું, મોદી – શાહ, જ્ઞાનેશ, કોઈક તો બોલો, કૈંક તો બોલો. કુંઠિત કંઠ ખોલો ને મારી હયાતીનું પ્રમાણપત્ર તો આપો
એક અંતરાલ પછી દેશ જુદા જ માહોલમાંથી પસાર થઇ રહ્યો છે. ‘યે તો એક અંગડાઇ હૈ, આગે ઓર લડાઈ હૈ’, એ સૂત્ર 20મી જુલાઈની જંતરમંતર ઘટના પછી અંગડાઈને ક્યાં ય પાછળ મેલીને પૂરું કદ હાંસલ કરવા જઈ રહેલી લડાઈનું લાવણ્ય પ્રગટ કરી રહેલ છે. અહીં લાવણ્ય એ પ્રયોગ મેં સાભિપ્રાય કીધો છે, કેમ કે લાવણ્ય જેનું નામ એનો સીધો સંબંધ લવણ સાથે છે. જ્યારે તમે લડી જાણો છે, લોકશક્તિનું લાવણ્ય પ્રગટ થાય છે. ગાંધી લવણ સારુ લડ્યા અને રાજનીતિના કેન્દ્રમાં આમ આદમીને આણવાની એક પ્રબળ પ્રક્રિયા આગળ ચાલી. પણ આ કેન્દ્રસ્થ હોવું રાજનીતિમાં અંકિત ક્યારે થાય? મીઠાની લડાઈ, ભગતસિંહે સાચું રાજ મહેનતકશોનું એ સ્વરાજસંદેશ ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ શા હલકાફૂલકા બૉમ્બધડાકાથી નેશનલ ઍસેમ્બ્લીમાં મારફત ગગન ગાજતો કીધો એ સરદારની અધ્યક્ષતામાં કરાચી કૉંગ્રેસમાં મૂળભૂત અધિકારોના પ્રસ્તાવ સાથે સુરેખ ઉપસી રહ્યો અને વાંસોવાંસ પુના કરાર થકી એમાં ઓર કસ ભળ્યો. આમ આદમીલક્ષી લડત સન સુડતાલીસમાં સ્વરાજપ્રતિષ્ઠ થઇ જરૂર; પણ સાર્વત્રિક મતાધિકાર ક્યાં ? એ તો સન પચાસના પ્રજાસત્તાક સાથેની સંપ્રાપ્તિ હતી. કોઈ સામાન્ય વાત નહોતી એ. જે મહિલા મતાધિકાર બ્રિટનમાં છેક 1928માં લાંબી લડત પછી મળ્યો હતો, તે આપણે ત્યાં પુખ્ત વયનાં સ્ત્રીપુરુષને એક સાથે મળ્યો – એ એક મીની ક્રાંતિ અવશ્ય હતી. આગળ ચાલતાં રાજીવ ગાંધીના કાર્યકાળમાં એકવીસથી અઢારની પાયરીએ પહોંચતાં આપણા પ્રજાસત્તાકે નવો જ મુકામ હાંસલ કીધો.
અહીં આ ઇતિહાસવાર્તામાં જવાનો આશય શો છે? ભાઈ, સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કંઈ શંકરની જટામાં બધ્ધ તો રહી શકે નહીં. એને તો જહ્નુની જંઘાથીય વટીને નીચે મેદાનોમાં ખેત ખલિહાનોમાં ભાગીરથી ગંગા સ્વરૂપે સાઠ હજાર સગરપુત્રો કહેતાં દેશના જન જનને મતાધિકારસંપન્ન બનાવવાનો છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન – સર એ કંઈ નાગરિકોને મતથી વિપન્ન બનાવવા વાસ્તે તો હોઈ શકે નહીં. કેમ કે હું નાગરિક છું, રાજ્ય અને એની સંવૈધાનિક સંરચનાઓની ફરજ મને મત થકી સંપન્ન બનાવવાની છે. સરનો જે દોર ચાલ્યો આપણે ત્યાં એને અંતે ઉપસી રહેલી છાપ એ હતી અને છે કે મતદારોની સંખ્યામાં અમર્યાદ ઘટાડો કરવાનો એનો આશય હતો. એમાં મેથડ ઈન મેડનેસનું તો મનસ્વિતા અગર મનમુરાદશાહીનું લક્ષણ પણ સાફ દેખાય છે,
ઈલેક્શન કમિશનમાં લોકસભાની ચૂંટણી વખતના રાજીવ કુમાર હો અગર હાલના જ્ઞાનેશ કુમાર, કેવળ અને કેવળ કોમ્પ્રોમાઈઝ્ડ જણાય છે. સુકુમાર સેન, લિંગદોહ, શેષન, ક્યાં ગયા બધા? ગોપાલસ્વામી આયંગારે પણ અચ્છો હિસાબ આપ્યો હતો. (હિન્દુસ્તાન ટાઇમ્સની કુમકુમ ચઢ્ઢાએ એક વાર આ લખનારને કહ્યું હતું કે પોતે ખેડામાં કલેક્ટર હતા ત્યારે લોકોના કામ માટે અર્ધી રાતે ઉઠાડતા માધવલાલ શાહ જેવા ગુજરાતી સ્વાતંત્ર્ય સૈનિકોએ મને ઘડ્યો છે.) પણ આજે દિલ્હીમાં ગુજરાતનું ઘડતર કૈંક નવી જ છટા ખીલવી રહ્યું જણાય છે. એમાં વળી નિયુક્તિ સમિતિમાંથી દેશના મુખ્ય ન્યાયમૂર્તિને બાકાત રાખવાની તેમ જ સરકારી સભ્યોની ધરાર બહુમતીની અને ઈલેક્શન કમિશનરને હોદ્દાકીય અભયકવચની 2023ની જોગવાઈ પછી તો કહેવું જ શું.
મૃતાત્માઓ. ઘુસપેઠિયાઓ અને બે વાર સ્થાન પામેલા મતદારો. બધું મળીને તેર કરોડ હોય?અસંભવ. મેથડ ઈન મેડનેસ. મનમુરાદશાહી. મતદારોએ સરકાર ચૂંટવાની એ વાત ખોટી, હવે સરકાર મતદારોને ચૂંટશે. પણ એથી કરપીણ વાત જે આપણી સમજમાં જ હજી સુધી નથી આવી. હું મતદાર મટી જાઉં છું તે સાથે આ રાજના એક સ્ટેક હોલ્ડર તરીકે મારું મૃત્યુ થાય છે. હું છું છતાં નથી. આ કોઈ યૌગિક અનુભવ નથી, પણ મને – એક નાગરિકને – મતાધિકારવંચિત અને એથી ધરાર નપુંસક બનાવતી નિર્મમ બીના છે. હું છું અને છતાં નથી. કોને કહેવું? ક્યાં જવું?
હિટલરનું યહૂદી નિકંદન તો જોવું હોય તો જોઈ શકાતું હતું. પણ નાગરિક નિકંદન સત્ર ક્યાંથી દેખાય? પ્રજાસત્તાકનો પડકાર છે ભાઈ, આ તો.
14 ઑક્ટોબર 2026
e.mail : prakash.nireekshak@gmail.com
![]()

