Opinion Magazine
Number of visits: 10,243,744
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—360

દીપક મહેતા|Opinion - Opinion|3 October 2026

એકવીસ વરસની ઉંમરે આનંદીબાઈ બન્યાં ડોક્ટર આનંદી જોશી, એમ.ડી.

ફિલાડેલ્ફીઆ, ગુરુવાર, ૧૧ માર્ચ, ૧૮૮૬

વિમેન્સ મેડિકલ કોલેજ ઓફ પેન્સિલવેનિયાનો પદવીદાન સમારંભ શરૂ થાય તે પહેલાં જ આખો હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો. ખુરસી તો એક પણ ખાલી નહોતી. જેમને બેસવાની જગ્યા ન મળી તેઓ શાંતિથી દીવાલને અઢેલીને પેસેજમાં ઊભા હતા. તો કેટલાક લોકો પગથિયાં પર બેસી ગયા હતા. ખુરસીઓની હાર વચ્ચેની બધી જગ્યા પણ ખીચોખીચ ભરાઈ ગઈ હતી. કોલેજની વિદ્યાર્થિનીઓ સ્ટેજ આગળની ‘પિટ’માં સાંકડમુકડ ગોઠવાઈ ગઈ હતી. અધ્યાપકો અને તેમના આમંત્રિત મહેમાનોથી સ્ટેજ પરની બધી ખુરસીઓ ભરાઈ ગઈ હતી. પણ આપણે એ અંગે વાત કરવા કરતાં એ સમારંભમાં હાજર હતાં તેવાં Mrs. Caroline Healey Dall પાસેથી જ એ વાત સાંભળીએ. 

વિમેન્સ મેડિકલ કોલેજ ઓફ પેન્સિલવેનિયા, ૧૮૫૦

મિસિસ આનંદીબાઈ ગોપાલ જોશીએ સફેદ સાડી પહેરી હતી. એ સાડી પ્રમાણમાં સાદી હતી પણ તેની પહોળી બોર્ડર સોનેરી તારની ફૂલ-બુટ્ટાની ભાતથી ઝગમગતી હતી. એ પહેરનાર આનંદીબાઈને કાંઈ બહુ સુંદર સ્ત્રી કહી શકાય નહિ. પણ તેઓ શુદ્ધ સ્ત્રીત્વની જાણે સાક્ષાત મૂર્તિ હોય એવાં લાગતાં હતાં. સભાગૃહમાં જેટલા હાજર હતા તે બધાંની નજર આ ૨૧ વરસની છોકરી પર મંડાયેલી હતી. આજના આ સમારંભમાં ખાસ મહેમાન તરીકે આવેલાં રમાબાઈ રાનડે આનંદીની બાજુમાં બેઠાં હતાં. મરાઠા વિધવા સ્ત્રીઓ પહેરે છે તેવાં સાદાં સફેદ કપડાં તેમણે પહેર્યાં હતાં. અહીંના લોકોને આનંદીબાઈ અને રમાબાઈ બંને, સ્પેનનાં વતનીઓ જેવાં લાગતાં હતાં. 

કોન્વોકેશન માટે સફેદ સાડીમાં સજ્જ આનંદીબાઈ 

સૌથી પહેલાં ડો. માર્શલે ભાષણ કર્યું. છેક હિન્દુસ્તાનથી દાક્તરીનું ભણવા આવેલી એક છોકરી, અજાણ્યો મુલક, જૂદાં રીતરિવાજ, ખાણીપીણી. તેમાં વળી નાજુક તબિયત. અને છતાં કેવળ દૃઢ મનોબળ, ખંત, અને અપાર મહેનતને બળે આજે પોતાના નિર્ધારેલા મુકામ પર પહોંચી છે. ડોક્ટર થવા પાછળનો તેનો ઈરાદો સારી કમાણી કરવાનો નથી. તેના મુલક હિન્દુસ્તાનમાં ગમે તેવી માંદગી આવે તો પણ સ્ત્રી દરદીઓ પુરુષ ડોકટર પાસે જાય નહિ એવો ચાલ છે. કાં તો ઊંટવૈદું કરતી કોઈ સ્ત્રી પાસે જાય, અને નહિતર મૂંગે મોઢે યાતના સહન કરીને મરણ શરણ થાય. આવી સ્ત્રીઓને યોગ્ય વૈદકીય સારવાર મળી રહે એ માટે દાક્તરીનો અભ્યાસ કરવાના ઉમદા હેતુથી મિસિસ જોશી અહી આવ્યાં. આપણી મેડિકલ સિસ્ટમનો અભ્યાસ કરવા સાથે તેમણે પોતાના દેશની પરંપરાને પણ સાંકળવાનો ઈરાદો રાખ્યો. અને એટલે તેમના થિસિસ માટે જે વિષય પસંદ કર્યો તે હતો “Obstetrics among the Aryan Hindus.” લાંબી અને ઉજ્જવળ પરંપરા ધરાવતી આપણી આ કોલેજ માટે પણ આજનો આ દિવસ અનોખો છે. હિન્દુસ્તાનથી ભણવા આવેલી પહેલવહેલી છોકરીને આજે MDની ડિગ્રી એનાયત કરતાં હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. મને ખાતરી છે કે હિન્દુસ્તાન પાછાં ગયા પછી ડોક્ટર આનંદી ગોપાળ જોશી ત્યાંની સ્ત્રીઓની સારવાર કરતી વખતે પાછું વાળીને નહિ જુએ.

હિન્દુસ્તાન, જાપાન અને સીરિયાની વિદ્યાર્થિનીઓ – પોતપોતાના દેશની પહેલી ડોક્ટર

સ્ટેજની નીચેનો બધો ખાલી ભાગ રંગબેરંગી ફૂલોના બૂકેથી, જાત જાતની ભેટોથી, શુભેચ્છાના સંદેશાનાં કવરોથી ભરાઈ ગયો હતો. આનંદી ગોપાળરાવ જોશી હળવેકથી ઊભાં થયાં. ટટ્ટાર ચાલે સ્ટેજનાં પગથિયાં ચડ્યાં, સહેજ ઝૂકીને ડોક્ટર માર્શલ સામે ઊભાં રહ્યાં. ડોક્ટરની પાછળ ઊભેલા સહાયકે ડોકટરના હાથમાં સર્ટીફિકેટ મૂક્યું. ડોક્ટર માર્શલે તે આનંદીબાઈના હાથમાં આપ્યું. સહેજ નમીને આનંદીબાઈએ એ સ્વીકાર્યું, પછી હોલમાં બેઠેલા લોકો તરફ ફરીને જરા ઝૂકીને તેમના દેશના રિવાજ પ્રમાણે બે હાથ જોડીને નમસ્કાર કર્યા. અને પછી ધીમા પણ મક્કમ પગલે સ્ટેજ પરથી નીચે ઊતર્યાં. પોતાની જગ્યાએ બેઠાં. હવે બીજા વક્તાઓનાં ભાષણ શરૂ થયાં. પણ આનંદીબાઈ હવે નહોતાં વિમેન્સ મેડિકલ કોલેજ ઓફ પેન્સિલવેનિયાના હોલમાં, નહોતાં અમેરિકામાં, એ તો અત્યારે પહોંચી ગયાં હતાં એસ.એસ. સીટી ઓફ કલકત્તા સ્ટીમરના ડેક પર.

મુસાફરી દરમિયાન બે અંગ્રેજ સ્ત્રીઓનો સથવારો મળ્યો હતો. બંને બાઈઓ હતી તો ભલી, પણ લાગ મળ્યે આનંદી આગળ ખ્રિસ્તી ધર્મનાં ગુણગાન ગાવા લાગતી. થોડા દિવસ પછી તો તેમણે લગભગ સીધી વાત કરી : ‘તારો આ હિંદુ ધરમ, આ પહેરવેશ, આ ખાવા-પીવાના નિયમો, એ બધું અમેરિકામાં કેટલો વખત ચાલશે? એના કરતાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લે.’

સથવારાની બંને સ્ત્રીઓને થોડા દિવસ લંડન રોકાવું હતું એટલે પાનબાઈ – સોરી, સોરી, આનંદીબાઈએ પણ તેમની સાથે એક અઠવાડિયું લંડનમાં રોકાવું પડ્યું. ત્યાં તો કેટલાકે સીધી જ વાત કરી : ‘આ બધાં ધતિંગ છોડી દે ને ભગવાન ઈશુને શરણે જા. તો બીજી બાજુ એક હિન્દી તરીકે ઉપેક્ષા કે ઉપાલંભનો સામનો પણ લંડનમાં કરવો પડ્યો. ક્યારેક રાતમાં ઊંઘ ઊડી જતી ને મનમાં વિચાર ઘોળાયા કરતો : ‘આ સંઘ કાશીએ કેમ કરીને પહોંચશે.’ 

લંડનથી ઊપડ્યા પછી સ્ટીમર ખોટકાઈ ગઈ. એટલે આઠ દિવસ ક્વીન્સ ટાઉનમાં કાઢવા પડ્યા. છેવટે ૧૮૮૩ના જૂન મહિનાની ચોથી તારીખે હું માંડ ન્યૂ યોર્ક પહોંચી. આ દરિયાઈ મુસાફરીના દિવસો લાંબા હતા એટલા જ કસોટી કરનારા પણ હતા. જેમની સાથે કાગળોની આપ-લે ઘણા લાંબા વખતથી ચાલતી હતી તે મિસિસ અને મિસ્ટર કાર્પેન્ટર ન્યૂ યોર્કમાં મને લેવા બંદરે આવ્યાં હતાં. ચોથી જૂનથી પહેલી ઓક્ટોબર સુધી હું તેમની સાથે રહી. બંને જણાં ખૂબ માયાળુ. મારા વિચારો, મારી માન્યતાઓ, અને મારી ધર્મભાવનાનો પૂરેપૂરો આદર કરતાં. એક વાર મેં તેમને કહેલું : ‘હું શબ્દોની ઝાઝી દરકાર કરતી નથી. પણ તેની પાછળ રહેલી લાગણીની, ભાવનાની હંમેશાં કદર કરું છું. હા, હું અમેરિકન રહેણીકરણીનો, રીત-રિવાજો અને માન્યતાઓનો આદર જરૂર કરું છું. પણ મારી સંસ્કૃતિ અને મારા દેશની પરંપરાને ભોગે નહિ જ. રોજ સવારે સ્નાન કર્યા પછી હું કપાળે કંકુનો ચાંદલો અચૂક કરતી. હું ચાંદલો કરું કે ન કરું તેથી અહીંના લોકોને કશો જ ફરક પડતો નથી, એમ જાણવા છતાં કરતી. જ્યારે જ્યારે હિન્દુસ્તાનની ટપાલ જવાની હોય ત્યારે ત્યારે હું મારા ‘નવરા’ને અચૂક કાગળ લખતી. ઘણી વાર તો હું જાણે મારા જ ઘરમાં હોઉં તેમ મારી મરાઠી માઉલીનાં ગીત ગણગણતી ઘરમાં આમથી તેમ ફરતી. 

એક વાર મેં કાર્પેન્ટર કુટુંબનાં કેટલાંક સગાં અને મિત્રો માટે મિજબાની ગોઠવી હતી. ત્યારે બધી જ ‘દેશી’ વાનગીઓ મેં જાતે બનાવીને બધાને પીરસી હતી. ડાઈનિંગ રૂમનું બધું ફર્નીચર ખસેડીને મેં દેશમાં પંગત માટે પાથરે તેમ જાજમ પાથરી દીધી હતી. જાજમના બે પટ્ટા વચ્ચે રંગબેરંગી રંગોળી કરી હતી. એ માટેના પાવડર મેં દેશમાંથી મગાવ્યા હતા. પહેલાં ગેરુથી લીંપણ કર્યું અને પછી તેના પર સફેદ ચિરોડીના સાથિયા કર્યા. ત્યાં કેળનાં પાન તો મળે તેમ નહોતું. એટલે અમેરિકામાં પુષ્કળ પ્રમાણમાં ઊગતા ‘બટનવૂડ’ નામના ઝાડનાં મોટાં પાંદડાં સીવી સીવીને મેં પતરાવળીઓ બનાવી. 

બધી જ મહેમાન સ્ત્રીઓને મેં જાતે સાડી પહેરાવી. વાનગીઓમાં ફળો અને શાકભાજીનો શક્ય તેટલો વધુ ઉપયોગ મેં કરેલો. બધાંને મેં જાતે પીરસેલું. જમતાં પહેલાં અમારા ઘરમાં બોલાતા સંસ્કૃત શ્લોકો હું બોલેલી. ખાવા માટે મેં છરી-કાંટા, ચમચા-ચમચી કશું જ રાખ્યું નહોતું. એટલે સૌથી પહેલાં તો મહેમાનોની સામે બેસીને હાથ વડે કેમ ખવાય તે બતાવ્યું. ધીમે ધીમે મહેમાનો એ રીતે ખાવા લાગ્યા. જમણ પછી મેં બધાને કોફી પીવડાવી. જમવાની જગ્યાથી થોડે દૂર મેં શેતરંજી પથરાવીને તેના પર તકિયા ગોઠવ્યા હતા. મહેમાનો તેના પર ગોઠવાયા પછી મેં દરેકને પુષ્પગુચ્છ આપ્યો, જમણા હાથના કાંડા પર ગુલાબનું અત્તર લગાડ્યું, અને પછી બધાં પર ગુલાબ જળનો છંટકાવ કર્યો. પછી હું ‘હાશ’ કરીને બેઠી. પણ મારા અમેરિકન મહેમાનો મને એમ બેસવા શાના દે? તેઓ જાણતા હતા કે આવા જમણવારને અંતે ગીત-સંગીત તો હોય જ. એટલે તેમણે મને ગાવાનો આગ્રહ કર્યો. મને આવડે તેવું મેં હળવે સાદે ગયું. 

થોડા વખત પછી ન્યૂ યોર્કની હોમીઓપથી કોલેજ તરફથી સ્કોલરશીપની ઓફર આવી. પણ બધા મિત્રો-પરિચિતોની સલાહ હતી કે પેનસિલવેનીઆની વુમન્સ મેડિકલ કોલેજમાં ચાર વરસનો અભ્યાસક્રમ લેવો. ૧૮૮૩ના સપ્ટેમ્બરની ૨૮મી તારીખે, શુક્રવારે, હું ફિલાડેલફિયા આવી. કોલેજ જવા માટે હું રસ્તા પર નીકળતી ત્યારે લોકો તો ખરા જ, પણ યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ મને તાકી તાકીને જોઈ રહેતા. કેમ જાણે હું કોઈ અજાણ્યા ગ્રહ પરથી આવી ચડી ન હોઉં! હા, મારા કરતાં પહેલાં અહીં ટર્કીશ, સીરિયન, ચાઈનીઝ છોકરીઓ ભણવા આવી હતી. પણ હિન્દુસ્તાનથી આવેલી, અને વળી સાડી પહેરીને બધે ફરનારી તો હું પહેલી જ સ્ત્રી હતી. પણ અહીંના લોકો એટલા સમજુ અને વિનયી કે કોઈએ પણ, ક્યારે ય, મને કોઈ અણછાજતો સવાલ પૂછ્યો નહિ. 

ડો. બોડલેએ મારે માટે એક નાનકડા ઘરની વ્યવસ્થા કરી હતી. મારી સાથે મિસિસ કારપેન્ટર પણ આવ્યાં હતાં. એક-બે દિવસ પછી તેઓ પાછાં ગયાં. એ પછી એ નાનકડા ઘરમાં મને ખૂબ એકલું લાગવા માંડ્યું. મેં ડો. બોડલેને એક જ વાક્યની ચિઠ્ઠી લખી : ‘અહીં મને બહુ એકલું એકલું લાગે છે.’ અને બીજે જ દિવસે મને કોલેજના ડીનને ઘરે રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. એ ઘરમાં સૌએ મને દીકરીની જેમ રાખી. પણ દિવસે દિવસે મારી તબિયત બગડતી જતી હતી. 

અને પછી આવ્યું ૧૮૮૫નું વરસ. મારો મરદ અમેરિકા આવે છે એ વાત મને પહેલવહેલી કેલિફોર્નિયાના એક અખબાર દ્વારા જાણવા મળી. અને એ પણ એક ગ્લાનિ પ્રેરે તેવા સમાચાર સાથે. તેમાં પ્રગટ થયેલા અહેવાલમાં જણાવાયું હતું કે એક સભામાં સ્ત્રીઓના શિક્ષણ વિષે પ્રશ્ન પૂછાયો તેના જવાબમાં તેમણે કહ્યું : ભણવાથી બૈરાંઓ પત્ની અને માતા તરીકેની ફરજો બજાવવાને લાયક રહેતાં નથી. શ્રોતાઓમાંથી કોઈ મોટેથી બોલ્યું : પણ તમારી પોતાની બૈરી તો ફિલાડેલફિયામાં દાક્તરીનું ભણે છે, એનું શું? જવાબમાં મિસ્ટર જોશીએ એવી રીતે હાથ ફેલાવ્યા કે જાણે કહેતા ન હોય કે એ બાબતમાં હું લાચાર છું. અમે મળ્યાં ત્યારે સૌથી પહેલાં મેં તેમને આ અંગે પૂછ્યું. ‘તમે – તમે આવું બોલ્યા? કેમ?’ 

‘અરે! એ તો જરા ગમ્મત ખાતર!’ 

પણ આ બનાવ પછી અમારા જીવનમાં કોઈ અજબ ગૂંચ પડી ગઈ. 

આનંદીબાઈએ ગંગાસતીનું ભજન તો ક્યાંથી સાંભળ્યું હોય, પણ એના જેવા જ ભાવ તેમના મનમાં અત્યારે રમતા-ભમતા હતા :

મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ

મરને ભાંગી પડે બ્રહ્માંડજી;

વિપત્તિ પડે તો ય વણસે નહીં;

સોઈ હરિજનનાં પ્રમાણજી.

આનંદીબાઈને માથે આવેલી વધુ વિપત્તિઓની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે’; 03 ઑક્ટોબર 2026

Loading

3 October 2026 Vipool Kalyani
← જો હમને દાસ્તાં અપની સુનાઈ, આપ ક્યોં રોયે

Search by

Opinion

  • જો હમને દાસ્તાં અપની સુનાઈ, આપ ક્યોં રોયે
  • પ્રભાતિયાંનો ફ્રેન્ચ ભાષામાં અનુવાદ કરનાર વિદુષી ફ્રૉન્ઝ્વૉઝ મૅલિસનની ચિરવિદાય
  • ઈકો ફ્રેન્ડલી તહેવારો ઊજવતાં શીખીએ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • વર્તુળ અને વમળ

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved