Opinion Magazine
Number of visits: 10,232,071
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પૂછો ન હમેં હમ ઉનકે લિયે ક્યા ક્યા નજરાને લાયે હૈં 

સોનલ પરીખ|Opinion - Opinion|30 September 2026

પૂછો ન હમેં હમ ઉનકે લિયે ક્યા ક્યા નજરાને લાયે હૈ

દેને કો મુબારકબાદ ઉન્હેં આંખોં મેં યે આંસુ આયે હૈં 

 

જીવન કી સુહાની રાહોં મેં ઉનકો એક જીવનમીત મિલા 

ઔર હંસતી હુઈ ઇસ મહફિલ સે હમકો બિરહા કા ગીત મિલા 

કલિયોં કી તરહ મુસ્કાયે થે હમ ફૂલોં કી તરહ મુરઝાયે હૈં 

 

તૂફાન હઝારોં સાથ લિયે જીવન કી ધારા બહતી હૈ

ઔર દેખ કે ઉસકી મૌજોં કો તકદીર યે હંસકર કહતી હૈ 

સાહિલ કે લિયે તડપે થે જો વો આજ ભંવર મેં આયે હૈં   

ફિલ્મોની દુનિયામાં ન બને એટલું ઓછું. રેકોર્ડ થયાં હોય પણ જુદા જુદા કારણથી ફિલ્મમાં ન લેવાયાં હોય અને છતાં પોતાના બળ પર દાયકાઓ સુધી જીવ્યાં હોય એવાં ‘જાતા કહાં હૈ દિવાને’ કે ‘જાના થા હમ સે દૂર’ જેવાં ઘણાં ગીતો છે. પહેલું એક શબ્દ ‘ફીફી’ને કારણે અને બીજું ફિલ્મની લંબાઈ ઘટાડવા માટે કાઢી નખાયેલું. ‘સાહબ, બીબી ઔર ગુલામ’નું ક્લાસિક ગીત ‘સાહિલ કી તરફ કશ્તી લે ચલ’ એક દૃશ્યને કારણે પડતું મૂકાયેલું. હેમંત કુમારે પછી એ ધૂન ‘યા દિલ કી સુનો દુનિયાવાલો’ માટે વાપરી. 

ઓ.પી. નય્યર અને આશા ભોંસલે

પણ એક ગીત, ફિલ્મમાં ન લેવાયું હોવા છતાં તેને ફિલ્મફેર ઍવોર્ડ મળે એવું પણ અહીં તો બને. ફિલ્મ ‘પ્રાણ જાયે પર વચન ન જાયે’નું ‘ચૈન સે હમકો કભી આપને જીને ન દિયા’ આવું એક ગીત છે. આશા ભોસલે-ઓ.પી. નય્યરના કટ-ઑફના છેલ્લા મહિનામાં-૧૯૭૨ના ઑગસ્ટમાં તેનું રેકોર્ડીંગ થયું હતું. બંનેનો મુશ્કેલ તબક્કો છતાં બંનેએ ગીતમાં પોતાનું શ્રેષ્ઠ રેડી દીધું હતું. ૧૯૭૩થી રેડિયો સિલોન પર એ વાગતું થયું ત્યારે આશા-ઓ.પી.ના માર્ગ ફંટાઈ ચૂક્યા હતા અને ૧૯૭૪માં તેને ઍવોર્ડ મળ્યો ત્યારે બંને પોતપોતાનાં માર્ગ પર ખાસ્સા દૂર નીકળી ચૂક્યા હતા. 

૧૯૬૦માં આવેલી ફિલ્મ ‘મિટ્ટી ઔર સોના’નું નામ આજે કોઈને થોડું પણ યાદ હોય તો આશા-ઓ.પી.ના એક ગીત સંદર્ભે, પણ મજાની વાત એ છે કે એ ગીત ફિલ્મમાં લેવાયું જ ન હતું. જે ગીતો લેવાયાં હતાં તે ક્યારનાં ભુલાઈ ગયાં ને આ ન લેવાયેલું અવિસ્મરણીય નીવડ્યું. આ ગીતનું માત્ર ઓડિયો રેકોર્ડીંગ મળે છે અને તે પણ એક જ કડીનું. ચટપટી સાથે ઈન્ટરનેટ પર સારી એવી રખડપટ્ટી કરી ત્યારે મુશ્કેલીથી ફિલ્મ વિષે જરાતરા જાણવા મળ્યું અને ગીતની બીજી કડી પણ હાથ લાગી. આ ગીતનું મુખડું વાચકો માટેની મારી શોધ અને લખતી વખતના મારા ભાવને પણ વર્ણવે છે, ‘પૂછો ન હમેં હમ ઉનકે લિયે ક્યા ક્યા નજરાને લાયે હૈં’ 

૮ સપ્ટેમ્બરે સ્વરસામ્રાજ્ઞી આશા ભોસલેનો, એમના મૃત્યુ પછીનો પહેલો જન્મદિન. પદ્મભૂષણ, દાદાસાહેબ ફાળકે, ગિનેસ જેવાં સન્માનો મેળવનાર આશાજીએ આ સ્થાન પર પહોંચતાં પહેલાં અનેક અંગત અને વ્યાવસાયિક પડકારો ઝીલ્યા છે. એક વર્ષ પહેલા પ્રખ્યાત ફિલ્મવિદ રાજૂ ભારતને આશા ભોસલે પર લખેલા સુંદર પુસ્તકમાં આ પડકારો વર્ણવ્યા છે. તેમણે આશા-ઓ.પી.-એસ.ડી.-આર.ડી.નાં સમીકરણોની રસપ્રદ વાતો કરી છે. આશા ભોસલેએ પ્લેબેક સિંગિંગની શરૂઆત કરી ત્યારે લતાનું એકચક્રી શાસન, એટલે આશાએ બહુ આશા રાખવા જેવું ન હતું. વર્ષો જતાં આશાજીએ એ બધું જ મેળવ્યું, જેના તેઓ હકદાર હતાં પણ એમનો રેશમી, મસ્તીભર્યો, માદક અને સાથે ઊંડો, ઉદાસીભર્યો કંઠ ઓ.પી.-એસ.ડી.-આર.ડી. આ ત્રણે સંગીતકારો વગર એ શિખરે પહોંચ્યો હોત કે નહીં એ કહેવું મુશ્કેલ છે. એસ.ડી. બર્મને આશાને મોર્ડનાઈઝ કરી અને એનાં થોડાં વર્ષો પછી એમના પુત્ર આર.ડી. બર્મને તેને રિવૉલ્યુશનાઇઝ કરી. એ બે વચ્ચે ઓ.પી. નામનું એક જાદુ આશાના જીવન અને કારકિર્દીને જબરદસ્ત વળાંક આપી ગયું હતું.

એમ તો રવિ અને ખય્યામે પણ આશાજીને અલગ પરિમાણ આપતાં સુંદર ગીતો આપ્યાં અને અન્ય સંગીતકારો પણ આશાજીનું મૂલ્ય ન જાણતા એવું નહોતું, પણ મોટા પ્રોડ્યુસરોની પહેલી પસંદ લતા હતી એટલે સરવાળે આશાના ભાગે કેબરે અને ક્લબ-સોન્ગ્સ આવતાં. આમ છતાં આશા એક અને અવર્ણનીય બની રહ્યાં. ‘તોરા મન દર્પન કહલાયે’ જેવું ભક્તિગીત, ‘પિયા તૂ અબ તો આ જા’ જેવુ ઉત્તેજક ગીત, ‘જાઈએ આપ કહાં જાયેંગે’ જેવું મસ્તીભર્યું ગીત, ‘યે ક્યા જગહ હૈ દોસ્તોં’ જેવી દર્દભરી ગઝલ કે પછી ‘અબ કે બરસ’ જેવું ઉદાસ ગીત – આશા કાનના સીમાડાઓ ઓળંગી આત્મા સુધી પહોંચે, એ નક્કી. ૧૯૮૭માં આવેલું ‘દિલ પડોસી હૈ’ આલ્બમ તો આશા-ગુલઝાર-આર.ડી.નું એક કદી ન ભૂલાય એવું મેજિક છે. 

આ આશાને આશા બનાવનાર હતા ઓ.પી.. પંદર વર્ષનો દીર્ઘ સાથ. એક એકથી ચડિયાતાં ગીતો, રેન્જની સર થતી જતી નવી નવી સીમાઓ અને વિકસતા જતા અંગત-આત્મીય સંબંધો. એક તબક્કે બંને અલગ થયાં. એવી છાપ છે કે ઓ.પી. ત્યાર પછી એવા ભાંગી પડ્યા કે ફરી ઊભા ન થઈ શક્યા ને આશાએ બહુ ઠંડકથી બધું  વિસારે પાડીને કારકિર્દી અને જિંદગીને સંભાળી લીધાં. આ છાપ સાવ ખોટી નથી, પણ એ પણ હકીકત છે કે આશાજી ઓ.પી.ને અને પોતાની કારકિર્દીમાં ઓ.પી.ના પ્રદાનને કદી ભૂલ્યાં નથી. 

શરૂઆત થઈ હતી ૧૯૫૪ આસપાસ. પ્રોડ્યુસરોને ‘નો લતા’નો સંદેશ આપી ઓ.પી.એ શમશાદ બેગમ અને ગીતા દત્ત સાથે સુંદર ગીતો સર્જ્યાં. સંઘર્ષરત આશા દૂરથી જોયા કરતી હતી, પણ કંઠની જબરો પરખ ધરાવતા ઓ.પી.ને એ જાણતાં વાર ન લાગી કે પોતાની ધૂનો માટે આશા પરફેક્ટ છે. આશાજીએ કહ્યું છે, ‘બીજા સંગીતકારો મને લતાદીદી જેવી ઊંચી પીચ આપતા, જ્યારે નય્યરસા’બે ‘મૈં શાયદ તુમ્હારે લિયે અજનબી હૂં’ જેવાં ઉદાસ અને ધીમાં ગીતોમાં મારા લાક્ષણિક મજબૂત અને મુલાયમ લૉ રઝિસ્ટર વૉઇસને ભરપૂર અવકાશ આપ્યો. અન્ય સંગીતકારો પોતાને શું જોઈએ છે તે નક્કી કરી દેતા અને એ પ્રમાણે જ ગવડાવવાનો આગ્રહ રાખતા, જ્યારે ઓ.પી. કહેતા કે આ પંક્તિ તારી રીતે ગા જોઉં. તેઓ ખૂબ સરસ ગાતા. મેં ઓ.પી. સાથે શ્રેષ્ઠ ગીતો ગાયાં છે, પણ તેમણે જે રીતે કમ્પોઝ કર્યું હોય અને ગાઈ બતાવ્યું હોય તેમાંના ૮૦% જ હું તો આપી શકી છું. ઓ.પી. એવા મૌલિક અને મહાન હતા.’ ઓ.પી.નાં ગીતો હિટ થતાં, પણ કમનસીબે ફિલ્મ ફ્લૉપ થતી અથવા બી ગ્રેડ કલાકારોવાળી રહેતી. ગીતોનો સતત મારો ચલાવનારું ટી.વી. હજી આવ્યું ન હતું પરિણામે ઘણાં ઉત્તમ ગીત ભુલાઈ ગયાં-ભુંસાઈ ગયાં – ઓ.પી.ની જેમ જ. ગ્લેમર વિશ્વમાં કરુણ કહાણીઓનો તોટો નથી.

‘મિટ્ટી મેં સોના’ પ્રેક્ષકોને રડાવતી મેલોડ્રામેટિક ફિલ્મોની બોલબાલાના જમાનામાં બની હતી. ઉષા(માલા સિન્હા)ને મંદિરમાં પરણી કેવલ (પ્રદીપકુમાર) વિદેશ ભણવા જાય છે. દુ:ખો વેઠતી કલંકિત ઉષા મા બને છે, પણ બાળક વિખૂટું પડી એક અનાથાશ્રમમાં ઉછરે છે. કેવલ પાછો આવતાં બંને પરણે છે અને પોતાના બાળકને ઓળખ્યા વિના જ દત્તક લે છે, પણ એ મૂંગોબહેરો છે એ જાણ્યા પછી અને બીજું તંદુરસ્ત બાળક થયા પછી તેની એટલી ઉપેક્ષા કરે છે કે તે ઘર છોડી ચાલ્યો જાય છે. પછી પણ ઘણું બને છે. 

‘પૂછો ના હમેં’ની શાશ્વત અપીલનું એક રહસ્ય પિયાનો છે. આશાએ તેનાં શ્રેષ્ઠ પિયાનો-ગીત ઓ.પી.ના સંગીતનિર્દેશનમાં ગાયાં છે. ઓ.પી. ઉત્તમ પિયાનોવાદક હતા. આ ગીતમાં પિયાનો તેમણે જ વગાડ્યો છે. એ જ વર્ષે એમણે આશા માટે આ ગીતથી એકદમ અલગ ‘હુઝુરેવાલા જો હો ઈજાઝત’ જેવું પિયાનો-ગીત પણ બનાવ્યું હતું. 

‘પૂછો ન હમેં’ અને ‘ચૈન સે હમકો કભી’ જેવાં પડાવો આશા-ઓ.પી.ના જ નહીં, સહુના જીવનમાં આવે છે. પછી એક દિવસ કંઠ ચૂપ થઈ જાય છે અને પિયાનોની ચાવી પર ફરતા હાથ અટકી જાય છે. એકલવાઈ ક્ષણો તો પણ કશુંક ગુંજતી રહે છે …   

 e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 04 સપ્ટેમ્બર  2026

Loading

30 September 2026 Vipool Kalyani
← આપણી પરીક્ષા પ્રણાલીમાં કેવા કેવા સુધારા આવશ્યક છે?

Search by

Opinion

  • આપણી પરીક્ષા પ્રણાલીમાં કેવા કેવા સુધારા આવશ્યક છે?
  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved