આજે સવારે બુઢિયો હૂહૂપ કરતો હતો
ગઈકાલે આખી ટોળકીએ કૂદાકૂદ કરી મુકેલી
પણ દૂર, મેં એ બધું ખૂબ માણ્યું

મારા ટેરેસ ગાર્ડન ઉપર જાળી નહોતી ત્યારે
અને પ્લાસ્ટિક-નાયલોનની જાળી લગાવ્યા બાદ પણ
જાળી તોડી અંદર આવી જે તબાહી મચાવતા હતા
મારા સંતાનસમા છોડને રફેદફે કરી નાખતા
જેમ બળાત્કારીઓ બાળીઓને પીંખી નાખે તેમ
વ્યાકુળ થતી છતાં હું બનતા ઉપાયો કરતી
હારે તે શૂરા નહીં
પણ ફરી એ જ રામાયણ
છેવટે સમય મળતા લોખંડની જાળી કરાવી
વાનર ટોળકીને ચૅક ઍન્ડ મેટ આપી
ઠેંગો બતાવ્યો
હવે આવો, મારા બેટા
દેખાડો પાણી
શું આવે બિચારા-બાપડા
હવે દૂરના ઝાડ પર ટીંગાય છે
હાથ પર હાથ ધરી બેસી રહે છે
આજે દૂરના ફ્લૅટની સોલર પૅનલો નીચે બેસીને
પોતાની બગલ ખંજવાળી રહ્યાં હતા
હું ખડખડાટ હસી
અમારા નીકળી ગયા બાદ
આવા જ હાલ
અમારા કાર્યસ્થળના આતતાયીઓના થયા છે
પરપીડનની વૃત્તિવાળાઓને
અંતે પોતાની બગલ ખંજવાળવાનું જ આવે છે.
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()

