
‘हंस’ સામાયિકના પ્રેમચંદ જયંતી સમારોહ, ૨૦૨૬ના ઉપક્રમે विकास, विस्थापन और आदिवासी’ વિષય પર, ૧૯ ઑગસ્ટના રોજ, ઝારખંડના જાણીતા આદિવાસી કવયિત્રી જેસિનતા કેરકેટ્ટાનું વક્તવ્ય. જેસિન્તા પત્રકાર અને સાંસ્કૃતિક કર્મશીલ છે, હિન્દીમાં લખે છે. આ વક્તવ્યને સાંભળીને એ. આઈ.ના ઉપયોગ વિના સમાંતરે લિપ્યંતર અને અનુવાદ કરેલો છે.
− રૂપાલી બર્ક
•

સૌ પ્રથમ આપ સૌને પ્રેમચંદ જયંતીની શુભકામનાઓ અને જોહાર. આ દેશમાં બધાં લોકો, દેશની અંદર કે બહાર ક્યાં ય પણ આવ-જા કરી શકે છે, નોકરી કરી શકે છે. આને લોકો પોતાની પ્રગતિ કહે છે, વિકાસ કહે છે. પરંતુ આદિવાસી પોતાની જમીન છોડીને ક્યાં ય નથી જવા ઈચ્છતો, અન્ય ક્યાં ય વસવા નથી માગતો. એની જમીન પર જ રહેવા ઇચ્છે છે. દેશ એના મગજમાં નથી વસતો. બાકીના લોકોની માફક દેશ એની આજુબાજુ વસે છે. જ્યારે એ પોતાની જમીનનો સ્પર્શ કરે છે એને લાગે છે કે એ આ દેશમાં છે, જે રીતે એના પૂર્વજો અને એમના ય પૂર્વજો આ જમીન પર હાજર રહ્યાં. એમણે જંગલ, ઝાડ સાફ કરીને જમીનને જમીન બનાવી. ગામ વસાવ્યા. એમણે દેશની અંદર દેશ બનાવ્યો. એ દેશમાં પોતાના લોકોને વસાવ્યા. એમની જમીન છોડીને એ ક્યાં ય જવા ઇચ્છે તો ય જમીન એમને ક્યાં ય જવા નથી દેતી. જો એ ક્યાંક દૂર જતો પણ રહે તો એની એ જમીન એને એની તરફ ખેંચે છે. પોતાના અંતિમ સમયમાં એ ત્યાં જ પરત ફરવા માગે છે અને ત્યાં એની જમીન પર મૃત્યુ પામવા ઇચ્છે છે. કંઈક આવો સંબંધ છે આદિવાસીઓનો પોતાની જમીન સાથે. એટલે આદિવાસી ભલે ના જાણતો હોય કે દેશના અન્ય ભાગોમાં સરકાર શું કરી રહી છે, ત્યાં શું થઈ રહ્યું છે પરંતુ એ દેશની અંદર પોતાના દેશ અંગે ખૂબ સારી રીતે જાણે છે અને પોતાના દેશમાંથી હાંકી કાઢવા મથતી શક્તિઓ સામે એ નિરંતર લડતા રહ્યાં છે.
દેશના અન્ય લોકોને રોજીરોટીની શોધમાં દેશની અંદર કે બહારની યાત્રા વિકાસ છે. માતાપિતા પોતાની નવી પેઢીનો આ પ્રકારનો વિકાસ ચાહે છે અથવા નવી પેઢી દેશની અંદર પોતાના માટે વધુમાં વધુ સંસાધન એકઠા કરે અથવા પોતાની સ્થિતિ સુરક્ષિત કરે અથવા વિદેશ ચાલ્યા જાય. ત્યાં બીજાએ જે વધુ સારી વ્યવસ્થા ઊભી કરી છે એ વ્યવસ્થાનો લાભ ઉઠાવે. પરંતુ કહેવાતા સભ્ય સમાજના લોકો પોતાની પેઢીઓને પોતાના દેશની અંદર આવી શ્રેષ્ઠ વ્યવસ્થા ઊભી કરવાની પ્રેરણા, શિક્ષણ કે શિખામણ નથી પૂરા પાડી શક્તા કે હાંસિયાના લોકોના ગરિમાપૂર્ણ જીવન જીવવાની એમની વ્યવસ્થાને ધ્વસ્ત કર્યા વિના કેવી રીતે વિકાસ કરી શકાય. ખરેખર તો જે જેટલો વિકસિત થતો જાય છે એટલો સભ્ય થતો જાય છે અને આ ધરતીનો સૌથી ભયભીત મનુષ્ય અથવા સમૂહ બની જાય છે. સભ્ય લોકો શા માટે આદિવાસીઓનું ભલું ચાહે?
આદિવાસી પણ વિકાસની શોધમાં પોતાની જમીનની બહાર નીકળે છે. મોટા બજારની તરફ પ્રયાણ કરે છે. પરંતુ રોજ સાંજે જેમ ચકલીઓનું ઝૂંડ જંગલની તરફ પાછું ફરે છે એમ એ પોતાના વિસ્તારમાં પાછો ફરવા ઇચ્છે છે. પરંતુ હવે મોટી શક્તિઓ બળજબરીપૂર્વક આદિવાસીઓને પોતાની જમીન પરથી ખસેડવા અને બીજે ઠેકાણે વસવા મજબૂર કરે છે. પોતાની જમીન પર ફરી ક્રયારે ય પાછા ન ફરી શકે એવી સ્થિતિ સર્જાય છે એને આદિવાસી પોતાનો વિકાસ નહીં વિસ્થાપન માને છે. જંગલના એ એવા વૃક્ષ હોય છે જેમને પોતાનાં મૂળિયાથી ઉખાડીને ક્યાંક દૂર ફેંકી દીધેલા હોય છે. દેશના અન્ય લોકો પાસે એ વિશેષાધિકાર હોય છે કે કોઈ પણ ઊડતા ઊડતા કોઈ દિવસ કોઈ આદિવાસી ગામમાં, જંગલમાં, પહાડ પર પહોંચી શકે છે. અમારા ઘરોમાં ઘુસી શકે છે. અમારી જમીન પર વસવાટ કરી શકે છે, વ્યવસાય કરી શકે છે. અમારી કહાનીને ક્રેડિટ આપ્યા વગર પોતાની બનાવી શકે છે. અમારું જ્ઞાન, અમારું વિઝડમ, અમારા સંઘર્ષ, સઘળું ઉઠાવીને લઈ જઈ શકે છે અને પોતાની રીતે એનો ઉપયોગ કરી શકે છે.
પરંતુ આદિવાસી આ રીતે ઊડતો ઊડતો કોઈના ઘરમાં, એમના વિસ્તારમાં, એમના જીવનમાં, એમના જ્ઞાનના ક્ષેત્રમાં, શિક્ષણમાં, નોકરીઓમાં, વ્યવસાયમાં સહેલાઈથી પ્રવેશ કરી શકતા નથી. એટલી હદ સુધી કે જ્યારે એ આ દેશના અન્ય ભાગોમાં આવવા-જવા, બીજાની ભાષા જાણવા, નવી ચીજોની જાણકારી મેળવવા માટેના એના અધિકારનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે. આવા સંજોગોમાં લોકો કહે છે આ આદિવાસી જેવો નથી દેખાતો. આદિવાસી તો જંગલમાં વસે છે, પાંદડાથી શરીર ઢાંકે છે, વાનરોની ભાષા બોલે છે. આવી માનસિક્તા, આવી ભાષા આપણે આજે પણ લોકોમાં જોઈએ છીએ, સાંભળીએ છીએ. વળી એક બીજો કહેવાતો સભ્ય સમાજ બળજબરીપૂર્વક આદિવાસીઓને ધકેલીને એમના વિસ્તારમાં કેદ રાખવા માગે છે. જંગલો, પહાડોમાં એ કેદ રહે એવું એ લોકો ઇચ્છે છે. આદિવાસીઓ બહાર નીકળે એવું એમને જરા ય સ્વીકાર્ય નથી. આ અસ્વિકારના ડરથી આદિવાસી પોતાના વિસ્તારમાંથી બહાર નીકળવા નથી ઇચ્છતો. જ્યારે આદિવાસી શહેરમાં વ્યવસાય કરવા ઇચ્છે છે તો શહેરમાં વ્યવસાયિકો એને વ્યવસાય કરવા નથી દેતા. જ્યારે એ ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છે છે તો શૈક્ષણિક સંસ્થાઓનો ઈજારો ધરાવતા વ્યક્તિઓ એને નીચે ધકેલે છે. આમ, આપણે જોઈએ છીએ કે એક વર્ગ દેશમાં વ્યવસાય પર પોતાનો અધિકાર ટકાવી રાખે છે. એક વર્ગ શિક્ષણ પર પેઢીઓથી એકાધિકાર જાળવી રાખે છે.
વાસ્તવમાં આ બન્ને વર્ગને આદિવાસીઓની જમીન જોઈએ છે, જંગલ જોઈએ છે, નદી જોઈએ છે, પહાડ જોઈએ છે, અને એની નીચે દટાયેલા ખનીજ જોઈએ છે જેથી એ પોતાનો અનંત વિકાસ કરી શકે. આમની જ તડજોડથી આ દેશ પણ ચાલી રહ્યો છે. આવા સંજોગોમાં આદિવાસીઓનું વિસ્થાપન, દમનનો અંત જ નહીં આવે. બરાબર આવા સમયે જ્યારે કોઈ આદિવાસી શહેરની ભાષાઓ શીખી લે છે, નવો પહેરવેશ ધારણ કરે છે અને શહેરના કોઈ મોટા મંચ પર ઊભો થઈ જાય છે તો દર્શકો એકબીજાના કાનમાં કાનફૂસિયા કરે છે અને કહે છે કે જુઓ આ આદિવાસી કેટલો બદલાઈ ગયો છે. આદિવાસી જેવો લાગે જ ક્યાં છે? આમનો વિકાસ તો થઈ ગયો છે, હજુ કેટલો વિકાસ જોઈએ છે આમને? લોકો એમને આદિવાસી ગણવા તૈયાર નથી. પરંતુ જ્યારે એ એના પહેરવેશમાં શહેરમાં આવે છે અને ફરી એ વેશમાં મંચ પર ઊભો રહે છે ત્યારે એ લોકો એમની વાત ફેરવીને કહે છે કે દરેક જગ્યાએ આવાં કપડાં પહેરીને આ આદિવાસી શા માટે આવી પહોંચે છે? આ રીતે આપણે જોઈએ છીએ કે આદિવાસીઓ પર સતત એક માનસિક દબાણ કરવામાં આવે છે. એ શું પહેરે, શું ખાય, આવા દેખાય, કેવા દેખાય, કેવા દેખાય? પોતાની પરિભાષાથી પોતાને ઘડે કે બીજાની પરિભાષા મુજબ પોતે અનુકૂળ થાય એ મથામણ એને કર્યા કરવી પડે છે. એ બહુ દ્વિધામાં રહે છે. આ સમગ્ર પ્રક્રિયામાં આદિવાસી માત્ર શાબ્દિક હિંસા સહન નથી કરતો, એ આર્થિક ધોરણે, શૈક્ષણિક ધોરણે, સામાજિક ધોરણે નિરંતર નબળો રહે, વેરવિખેર રહે, ભાંગેલા રહે, અને કોઈના ને કોઈના અનુયાયી બની રહે એનો પૂરેપૂરો પ્રયત્ન થતો રહે છે.
વળી, આદિવાસીઓને વિસ્થાપિત કરવા, જમીન ખાલી કરાવવાનો એક કારગર નૅરૅટિવ સત્તાએ દેશના લોકોને આપ્યું છે અને નક્સલવાદનો નાશ કરવાના નામે આદિવાસી વિસ્તારોમાં સેનાને મોકલે છે, ગામને પોલિસ છાવણીમાં ફેરવી નાખે છે અને એ સેના મારફતે લોકો પર હુમલા કરાવે છે અને એમની હત્યા કરાવે છે. આદિવાસીને પોતાનો વિસ્તાર છોડી ગામની બહાર નાસી છુટવા અને શહેરમાં સંતાવવા માટે મજબૂર કરવામાં આવે છે. દેશના લોકો વચ્ચે આ નૅરૅટિવ ફરતું રહે છે જેથી લોકો સમજે છે કે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે આ સારું છે. આ દેશ, ખાસ કરીને આ દેશની કહેવાતી મુખ્યધારા સત્તાના નૅરૅટિવને સ્વીકારી લે છે કારણ કે સરકાર ગરીબ લોકોથી નથી ચાલતી. સરકાર દેશના ધનાઢ્ય લોકોથી ચાલે છે અને આદિવાસીઓના વિસ્થાપનમાં તમામ લોકોની સામૂહિક ભૂમિકા રહેલી છે.
કાળક્રમે આદિવાસીઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી પણ બહાર કાઢી નાખવામાં આવી રહ્યાં છે. હું એક ઉદાહરણ આપવા માગું છું. સંયુક્ત બિહારના સમયમાં ૮૦ના દાયકામાં આજના ઝારખંડના ભૂંઈહરી મુંડા આદિવાસીને એસ.ટી.ની યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા અને ઓ.બી.સી.ની યાદીમાં ઉમેરવામાં આવ્યા. એ લોકો આજ દિન સુધી પોતાને આદિવાસીની યાદીમાં પાછા મુકાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. હકીકતે, મુંડા આદિવાસીઓને ખાસ્સા લાંબા સમય સુધી જાણ જ નહોતી કે એ એસ.ટી. મટીને ઓ.બી.સી. ક્યારે બની ગયા. લાંબા સમય સુધી એ માનતા રહ્યા તે પોતાના વિસ્તારોમાં વસેલા અને ખેતર બનાવનારા એ પ્રથમ આદિવાસી છે. પરંતુ કાગળ પર એમને ઓ.બી.સી. જાહેર કરી દેવામાં આવ્યા. ઝારખંડના ખૂંટી જિલ્લાના વિસ્તારોમાં ‘ખુટકટી’ શબ્દ વાપરવામાં આવે છે જેનો અર્થ થાય છે ઝાડ-ઝાંકરા સાફ કરીને એ વિસ્તારમાં ખેડવા લાયક જમીન બનાવવાવાળા આદિવાસી લોકો. આ મુંડારી ભાષાનો શબ્દ છે. ઝારખંડના અન્ય ભાગોમાં જેવા કે ગુમલા જિલ્લા સહિત ચાર જિલ્લાઓમાં ભૂંઈહરી શબ્દ વપરાશમાં છે. નેતરહાટના પાઠ વિસ્તારમાં અને અન્ય જિલ્લાઓમાં એકસાથે વસતા મુંડા અને ઉરાવ અસુર ભૂંઈહરી શબ્દનો ઉપયોગ કરે છે. એનો પણ અર્થ થાય છે ખેતી લાયક જમીન તૈયાર કરીને વસેલા પ્રથમ લોકો. ખુટકટી વિસ્તારોના મુંડા આદિવાસી એસ.ટી. ગણવામાં આવે છે અને અન્ય જિલ્લાઓમાં ભૂંઈહરી મુંડા આદિવાસીઓ ઓ.બી.સી. ગણવામાં આવે છે. શિક્ષણના અભાવને કારણે કેટલાંય વર્ષો સુધી એમને ખબર જ ના પડી કે ક્યારે એમને આદિવાસીમાંથી ઓ.બી.સી. બનાવી દેવામાં આવ્યા. આ બધું માત્ર એટલા માટે કે કંપનીઓએ સત્તા સાથે ભળીને ભૂંઈહરીને ભૂમિહાર અને ભૂંઈહાર શબ્દ સાથે જોડી દીધો. ભૂમિહાર જમીનદાર હોય છે અને આદિવાસીઓને જમીનદાર નથી કહી શકાતા. બીજી તરફ, બિહારમાં એક બીજો શબ્દ છે ‘ભૂંઈહાર’ જે મુસહર લોકો માટે વપરાય છે. આ કારણે ભૂંઈહરી મુંડા આદિવાસીઓને ભૂંઈહાર શબ્દ સાથે જોડીને ઓ.બી.સી. બનાવી દેવામાં આવ્યા. આ ભધું એટલે કરવામાં આવ્યું કે કંપનીઓ ખનન કરી શકે, ખનન માટે આદિવાસી વિસ્તારોની જમીન લઈ શકે અને આ રીતે ઝારખંડમાં બૉક્સાઈટનું ખનન શરૂ થયું.
આજે લગભગ ૪૦ વર્ષોથી ઝારખંડના આદિવાસી વિસ્તારોમાં બૉક્સાઈટનું ખનન કરવામાં આવી રહ્યું છે અને ૪૦ વર્ષોમાં આદિવાસી વિસ્તારોનો કોઈ વિકાસ થયો નથી. પરંતુ કંપનીઓનો વિકાસ શિખર પર છે. આદિવાસીઓના બાળકો સ્કૂલ જવાને બદલે ખાણોમાં કામ કરે છે. સ્કૂલોમાં શિક્ષકો નથી, સાફ પાણી નથી, વીજળી નથી. કહેવાતા સભ્ય સમાજના લોકો એવું ક્યારે ય નથી ઇચ્છતા કે આદિવાસી સારું શિક્ષણ, સાફ પાણી, સારું આરોગ્ય અને એક ગૌરવપૂર્ણ જીવન મેળવી શકે. આદિવાસીઓના ખેતરોમાં ખનન કર્યા બાદ માટીના ટેકરા એમના એમ છોડી દેવામાં આવે છે. આવનારી પેઢીઓ પાસે ખેતીલાયક જમીન જ નહીં બચે અને નિશ્ચિતપણે આ વિસ્તારોમાંથી વધ્યાઘટ્યા લોકો પણ વિસ્થાપિત થશે.
પાછલાં અમુક વર્ષોથી જ્યારથી સરકારે ડિજીટલ ઈન્ડિયાની જાહેરાત કરી છે, ઝારખંડના ખુટકટી મુંડા આદિવાસી વિસ્તારોમાં ફરીથી તળનો સંઘર્ષ શરૂ થયો છે. જમીનદારી પ્રથાનો અંત આવી ગયો હોવા છતાં જમીનદારોના વંશજ એ સ્વીકારવા તૈયાર નથી થતા અને પોતાના બાપદાદાની જમીન પર પોતાનો હક ગણાવી રહ્યા છે. હવે આદિવાસીઓની જમીનની રસીદો ઑફલાઈન મળવાની બંધ થઈ ગઈ છે. જમીનદારોના વંશજોના નામ ફરીથી ઑનલાઈન રૅકૉર્ડમાં ચઢાવી દેવામાં આવ્યા છે. વાસ્તવમાં આજે પણ જમીનદારી પ્રથાને સમર્થન આપવાની લડાઈ અલગથી ચાલી રહી છે. જમીનદારોના વંશજ અનેકવાર પોલિસ સાથે આ લડાઈ લડતા આવ્યા છે. જમીનદારોના વંશજ પોલિસ પ્રશાસન સાથે મળીને આ લડાઈ લડતા આવ્યા છે અને આદિવાસીઓ પર લાઠીઓ વરસાવાય છે. કેટલાં ય આદિવાસીઓની જમીનની જાણકારી ખોટી રીતે ઑનલાઈન રૅકૉર્ડમાં મુકવામાં આવે છે અને એને સુધારવાના પૈસા માગવામાં આવે છે. સરકારી કર્મચારીઓને લાંચ આપવા માટે આદિવાસીઓને પોતાની ગાય, બકરી ગીરવે મૂકવા લાચાર બને છે. આમ, ડિજીટલ ઈન્ડિયામાં નવી રીતે આદિવાસીઓની જમીન ઝુંઠવવાના રસ્તા ખુલી ગયા છે. વાસ્તવમાં, સરકારની યોજનાઓથી કૉરપૉરેટ અને શહેરના વચેટિયાઓને મોટો લાભ થાય છે. સાધારણ માણસો હંમેશાં આનો શિકાર બનતા હોય છે. હું ચોક્કસપણે માનું છું કે આ દેશની બ્રાહ્મણવાદી વ્યવસ્થા, સત્તા, આ બાબતથી સંકળાયેલા લોકો ક્યારે ય પોતાના જ દેશના લોકો સાથે ન્યાય નથી કરી શકવાના. ભ્રષ્ટાચાર એમની નસોમાં વહે છે. વર્ચસ્વ, ઊંચ-નીચ, એમની કરોડમાં બિરાજમાન છે. પ્રત્યેક આદિવાસી આ જાણે છે અને વળી વિશ્વાસ પણ કરે છે. તેથી પેઢીઓથી આદિવાસી આ દેશની અંદર આ બ્રાહ્મણવાદી વ્યવસ્થાથી બચવા દૂર ભાગતો રહ્યો. જંગલોમાં આશ્રય લેતો રહ્યો. નિરંતર આ વ્યવસ્થાનો પ્રતિરોધ કરતો રહ્યો. પરંતુ આજે આ વ્યવસ્થાના હુમલાથી એ નથી બચી શકવાનો. શહેરના શિક્ષિત લોકો આદિવાસી વિસ્તારો તરફ ત્યારે જ જાય છે જ્યારે પોતાનું પેટ ભરેલું હોય છે. કહેવાતી મુખ્યધારાના પોતાના લોકોમાં એમને લોકપ્રિય બનાવે છે. આ વિસ્તારોના સંઘર્ષ એમના જીવનમાં રોમાંચ અને નવીનતા લાવે છે. ખ્યાતિ, પૈસા, અવોર્ડ અપાવે છે. એમના સંતાનો આદિવાસી વિસ્તારોમાં માત્ર એ કારણે સંશોધન કરવા આવે છે કારણ કે એમને કંઈક નવી સામગ્રીની શોધ હોય છે. આદિવાસી વિસ્તારોમાંથી મેળવેલી દરેક જાણકારી એમને રાષ્ટ્રિય અને આંતર-રાષ્ટ્રિય ફેલોશિપ, ફંડ, ગ્રાંટ ઉપલબ્ધ કરાવે છે. પરંતુ જે પીડા આ દેશની અંદર આદિવાસી સહન કરે છે એ પીડા મોટા ભાગના લોકોને પોતીકી ક્યારે ય નથી લાગવાની. એમની વિશેષાધિકાર અને સત્તા ધરાવતી જીવનશૈલી એવી ને એવી જ રહે છે. એ આવે છે, કામ પૂર્ણ કરે છે અને પોતાના લોકોની વચ્ચે સન્માનિત થઈને પાછા ફરી જાય છે.
આ બાબતે બ્રાઝીલના દાર્શનિક પાઉલો ફ્રેરેએ મહત્ત્વપૂર્ણ વાત કહી છે, લખી છે. બહુ બધાં લોકો આદિવાસીઓની વાર્તાઓથી આદિવાસીઓની સ્થિતિ બદલવા ઇચ્છે છે અને કહેવાતી મુખ્યધારા પાસેથી એવી અપેક્ષા રાખે છે. સભ્ય સમાજમાં ભવિષ્યમાં આવનારા સંકટમાંથી ઉગરવાના રસ્તા શોધે છે. એમની અંદર થોડી સંવેદના જગાડવા માગે છે, જેથી એ લોકો પોતાની સરકારને આદિવાસીઓ પર થોડી દયા કરવાનું કહી શકે, જેથી એમના જનસંહારનું પાપ ઇતિહાસમાં નોંધાય નહીં અને બહુ બધા લોકો આ ગ્લાનિથી થોડા બચી શકે. હકીકતે, કહેવાતો સભ્ય સમાજ બહુ ચાલાક હોય છે. આ પરિપેક્ષ્યમાં જોઈએ તો એન.જી.ઓ., કૉરપૉરૅટ, સરકાર, શિક્ષિત લોકો, બુદ્ધિજીવીઓ, બધાને આદિવાસીઓની જમીન, જમીનની નીચેના ખનીજ, જંગલની વાર્તા, સંઘર્ષની વાર્તા, રિપોર્ટ અને અંતે પૂરી માહિતી અને આંકડા જોઈતા હોય છે. આથી જ, એક યુવાન આદિવાસી બુદ્ધિજીવી અભય ખાખા, જે હવે હયાત નથી, એમણે લખેલું ‘આઈ એમ નૉટ યૉર ડેટા’.
આ રીતે બધા મળીને દેશના વિકાસના નામે આદિવાસીઓની લૂંટ, એમના પર હિંસા, એમના દમન-શોષણમાં ભાગીદારી ધરાવે છે. બધા ભેગા મળી, વહેંચીને વિકાસના નામ પર પોતાનો વિકાસ સુનિશ્ચિત કરે છે અને આદિવાસીઓની બલિ ચઢાવાય છે. દેશમાં બહુ મોટો યજ્ઞ થાય છે. થોડો થોડો બલિનો પ્રસાદ બધા ખાય છે. આવા દેશમાં આદિવાસીઓના અસ્તિત્વનું સુરક્ષિત રહેવું સંભવ નથી. આદિવાસીઓ આ દેશમાં ટકી રહ્યા છે તો કેવળ એમના પ્રતિરોધના કારણે; પેઢીઓથી કરતા આવેલા પ્રતિરોધને કારણે. હકીકતે જોઈએ તો આદિવાસીઓ વિસ્થાપિત થવાથી પણ વધુ પોતાના અસ્તિત્વની આખરી લડાઈ લડી રહ્યા છે.
મારા થોડા ટૂંકા કાવ્યો સાથે મારી વાત પૂર્ણ કરીશ.
શિર્ષક: ‘जड़ों की ज़मीन’
वे पेड़ों को बर्दाश्त नहीं करते
क्योंकि उनकी जड़े जमीन मांगती हैं।
°
શિર્ષક: ‘जहां कुछ नहीं पहुंचता’
पहाड़ पर लोग पहाड़ का पानी पीते हैं
सरकार का पानी वहां तक नहीं पहुंचता
मातृभाषा में कोई स्कूल नहीं पहुंचता
अस्पताल में कोई डॉक्टर नहीं पहुंचता
बिजली नहीं पहुंचती
इंटरनेट नहीं पहुंचता
वहां कुछ भी नहीं पहुंचता
साहब जहां कुछ भी नहीं पहुंचता
वहां धर्म और गाय के नाम पर
आदमी की हत्या के लिए
इतना जहर कैसे पहुंचता है?
°
શિર્ષક: ‘राष्ट्रवाद’
जब मेरा पड़ोसी मेरे खून का प्यासा हो गया
मैं समझ गया राष्ट्रवाद आ गया
°
શિર્ષક: ‘इंतजार’
वे हमारे सभ्य होने के इंतजार में हैं
और हम उनके मनुष्य होने के
°
ધન્યવાદ જોહાર
*સ્રોત: https://youtu.be/1l4P2NLllHE?si=2Z2vvJesJGs4y3mp
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()

