
ચંદુ મહેરિયા
પુસ્તકનો ઉપયોગ કરનારને સાચી રીતે જ ટકોરવામાં આવે છે કે એક વૃક્ષની કતલથી બનેલા કાગળ પર છપાયેલું આ પુસ્તક છે. આજકાલ એ.આઈ.નો ઉપયોગ વધ્યો છે ત્યારે ચેટબોટને સવાલ પૂછનારને કહેવાય છે કે તેના આ કૃત્યથી ઝરણું સૂકાઈ જાય, એટલું પાણી વપરાય છે! કૃત્રિમ બુદ્ધિમતા કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવ સભ્યતાની સૌથી મોટી અને સૌથી વધુ શક્તિશાળી તકનિકી ક્રાંતિઓમાંની એક છે. એ.આઈ.નો વપરાશ ઘણાં માનવીના રોજ બ રોજના જીવનનો એક હિસ્સો બની ગયો છે. વિશ્વની સૌથી ઝડપથી વિકસતી આ ટેકનિકનો ઉપયોગ શિક્ષણ, સંચાર, સંરક્ષણ, આરોગ્ય, ખેતી અને વ્યાપાર-ઉદ્યોગમાં થાય છે. ફોટા, વીડિયો, એ.આઈ.સર્ચ, ચેટબોટ જેવી બાબતોથી માણસ હેવાયો થઈ રહ્યો છે. એ.આઈ. જનરેટેડ ફોટો કે સવાલ પૂછવાથી એક ઝરણું સૂકાઈ જાય તેટલું પાણી વપરાય જાય છે એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ હોઈ શકે છે, પરંતુ એ.આઈ.ના ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ પર માઠી અસરો પડી રહી છે, તે બાબત બેબુનિયાદ નથી જ .
એઝ સચ એ,આઈ,ને ખુદને કોઈ પાણીની જરૂરિયાત નથી. પરંતુ એ.આઈ.ના ડેટા સેન્ટરોને છે. ડેટા સેન્ટર એ.આઈ.ને શક્તિ પ્રદાન કરતું એક પાયાનું વૈશ્વિક માળખું છે. એ.આઈ. મોડેલને ટ્રેનિંગ આપવા અને ઉપયોગકર્તાઓના સવાલોના જવાબ આપવા કમ્પ્યૂટિંગની તાકાત જરૂરી છે. ડેટા સેન્ટરોના સર્વર તેનાં કારણે ગરમ થાય છે. તેને ઠંડા રાખવા વિવિધ કૂલિંગ પ્રણાલી અપનાવવામાં આવે છે. તે માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે.
જેમ જેમ એ.આઈ.નો ઉપયોગ વધશે, તે વધુ વિકસિત થશે તેમ તેમ ડેટા સેન્ટરોનું પ્રમાણ પણ વધારવું પડશે અને તે માટે વધુ પાણી અને વીજળીની જરૂર પડશે. જ્યારે માનવજાત અનિયમિત વરસાદ, જળવાયુ પરિવર્તન, ઝડપી એટલું જ અંધાધૂંધ શહેરીકરણ અને વસ્તી વૃદ્ધિની સમસ્યાઓથી પીડિત છે અને પાણી તથા વીજળી જરૂરિયાત કરતાં ઓછાં ઉપલબ્ધ છે ત્યારે એ.આઈ.ને કારણે પાણી અને વીજળીનો વપરાશ વધતાં તેની અછત અને સરવાળે સંકટ વધવાનું છે. એટલે એ.આઈ.ના વિકાસ સાથે જ પર્યાવરણ પર પડનારી તેની અસરોથી સચિંત થવાની અને તેના ઉપાયો શોધવાની જરૂર છે.
જપાનના ટોકિયો સ્થિત યુનાઈટેડ નેશન્સ યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે કૃત્રિમ બુદ્ધિમતાથી સંબંધિત પાણીનો જે વપરાશ થવાનો છે તે આ દાયકાના (ઈ.સ.૨૦૩૦) અંત સુધીમાં ૧.૩ અબજ લોકોની ઘરેલુ જરૂરિયાત જેટલો હશે. એ.આઈ. ૨૦૩૦ સુધીમાં ૯.૩ લાખ કરોડ લીટર પાણી પી જશે તેવો અંદાજ છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા પ્રમાણે ૨૦૩૦ સુધીમાં ડેટા સેન્ટરો લગભગ વાર્ષિક ૯૪૫ ટેરાવોટ અવર વીજળીનો વપરાશ કરી શકે છે. જે જાપાનની વાર્ષિક વીજળી વપરાશ બરાબર હશે. ભારતના ડેટા સેન્ટરોમાં ૨૦૨૫માં ૧૫૦ બિલિયન લીટર પાણી વપરાયું હતું. એકલા અમેરિકાના ડેટા સેન્ટરોમાં ૨૦૨૩માં ૬૬ અબજ લીટર પાણી વપરાયું હતું. દુનિયાના ડેટા સેન્ટરોમાં ૨૦૨૫ સુધીમાં ૪૪,૮૦૦ કરોડ યુનિટ વીજળી વપરાઈ હતી. આ વીજળી વપરાશ વિશ્વના દેશોમાં અગિયારમા ક્રમે આવે તેટલી મોટી છે. એક એ.આઈ. જનરેટેડ ફોટો બનાવવામાં સાધારણ ફોટા કરતાં એક હજાર ગણી વધુ વીજળી વપરાય છે. એક વીડિયો બનાવવામાં એ.આઈ. ૪.૧ લીટર પાણી વાપરે છે અને ઘરનો એલ.ઈ.ડી. બલ્બ ૪૨ કલાક ચાલે તેટલી વીજળી વાપરે છે. એ.આઈ.ના મોટા ભાષા મોડેલોની તાલીમમાં કોઈ મોટી કાર તેના સમગ્ર જીવન કાળ દરમિયાન ઉત્સર્જિત કરે છે તેટલો કાર્બન ડાયોકસાઈડ ઉત્સર્જિત કરે છે. દરરોજ ચેટજી.પી.એસ. ૨૫૦ કરોડ સવાલોના જવાબો આપે છે એટલે તે કેટલું પાણી અને વીજળી વાપરતું હશે તેની કલ્પના કરી શકાય છે.
જો કે કેટલાક નિષ્ણાતો એ.આઈ.ને કારણે પર્યાવરણને હાનિને બદલે લાભ થશે તેવા મતના પણ છે. દુનિયાના એક અબજ લોકો જ જેનો ઉપયોગ કરે છે તે એક આઈ.ફોન બનાવવા માટે એ.આઈ. કરતાં વધુ વીજળી વપરાય છે. જ્યારે એ.આઈ. તેના કરતાં વધુ લોકોના વપરાશમાં છે. એટલે એ.આઈ. વધુ લોકો સુધી પહોંચે છે અને વધુ પ્રાસંગિક પણ છે. ઓપનઆઈના સી.ઈ.ઓ. સૈમ ઓલ્ટમૈન કહે છે કે ચેટજી.પી.ટી.ની પાસેથી પ્રશ્નનો ઉત્તર મેળવવામાં એક ચમચી પાણીના પંદરમા ભાગ જેટલું જ પાણી વપરાય છે. જો કે ‘ મેકિંગ એ.આઈ. લેસ થસ્ટી’ અભ્યાસમાં કહેવાયું છે કે જી.પી.ટી.-૩ મોડેલમાં એક જવાબ મેળવવા ૨ થી ૧૦ ચમચી પાણી વપરાય છે.વળી સવાલ અને જવાબ કેટલા લાંબાટૂંકા છે તેના પર પાણીના વપરાશનો આધાર છે. અન્ય ઉગો જેટલું જ પાણી કૃત્રિમ બુદ્ધિમતા પણ વાપરે છે તેવી પણ દલીલ છે.
એ.આઈ.ને કારણે સર્જાતી અસમાનતા પણ વિચારણીય મુદ્દો છે. એ.આઈ.નો વિસ્તાર, તેની અસર અને પહોંચે નવી અસમાનતા સર્જી છે. એક અંદાજ પ્રમાણે એ.આઈ. નિષ્ણાત કમ્પ્યૂટિંગ ક્ષમતાનો ૯૦ ટકાથી વધુ હિસ્સો અમેરિકા અને ચીન એ બે દેશોમાં જ કેન્દ્રિત છે. વિશ્વના દોઢસો કરતાં વધુ દેશોમાં પર્યાપ્ત ઘરેલુ એ.આઈ.નો અભાવ છે. જે દેશોને એ.આઈ.નો સીધો કશો લાભ નથી તેના પર પર્યાવરણીય અસરો થાય છે. ડેટા સેન્ટરો ઘણા દુર્લભ જળ સંસાધનોનો ઉપભોગ કરે છે. ઠંડા પ્રદેશો કરતાં ગરમ પ્રદેશોના ડેટા સેન્ટરોમાં પાણીનો ઉપયોગ વધુ થાય છે. વિશ્વના ૪૫ ટકા ડેટા સેન્ટરો જ્યાં પાણીની ઉપલબ્ધતાનું જોખમ વધુ છે તેવા નદીના ખીણ પ્રદેશોમાં આવેલા છે, જ્યારે દુકાળની શક્યતા ધરાવતા વિસ્તારોમાં ૪૭ ટકા ડેટા સેન્ટરો આવેલા છે. એ.આઈ.નો લાભ વૈશ્વિક છે પરંતુ તેની પર્યાવરણી અસરો વિશિષ્ટ ક્ષેત્રોમાં જ થતી જોવા મળે છે. એ.આઈ. ઈન્ફ્રાસ્ટ્રકચરનો કચરો પણ અસમાનતા જન્માવે છે. ૨૦૩૦ સુધીમાં એ.આઈ. ઈન્ફ્રાફ્રાસ્ટ્રકચર ૨૫ લાખ ટન કચરો ઉત્પન્ન કરશે તેનો મોટો બોજ આર્થિક રીતે નબળા દેશો પર પડશે.
જળ, જમીન અને પર્યાવરણ પર થનારી એ.આઈ.ની પ્રતિકૂળ અસરો માટે અત્યારથી જ સાવચેત થવાની જરૂર છે. એ.આઈ.ના વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણનું સંતુલન જરૂરી છે. ઓછી વીજળી અને ઓછાં પાણીની જરૂર પડે તેવા ડેટા સેન્ટરો વિકસાવવવા જોઈએ. વરસાદી પાણીનો સંઘરો, એક વાર વપરાયેલા પાણીનું શુદ્ધિકરણ કરી તેને ફરી ઉપયોગમાં લેવું અને અધિક કુશળ કુલિંગ ટેકનિક બાબતે વિચાર કરવો રહ્યો. ડેટા સેન્ટરોમાં વપરાતાં પાણી અને ઉર્જા અંગે પારદર્શી સરકારી નીતિ ઘડાવી જોઈએ અને કંપનીઓને તેની વિગતો આપવાની ફરજ પાડવી જોઈએ. એ.આ.ઈનો વિવેકપૂર્વક અને સમજદારીભર્યો ઉપયોગ થાય અને બિનજરૂરી ઉપયોગ ન કરવા માટે લોકોએ પણ જાગ્રત થવાની જરૂર છે. કામની ગુણવત્તા અને દક્ષતામાં વૃદ્ધિની ખાતરી હોય તો જ એ.આઈ.નો ઉપયોગ કરવો જોઈએ. પૃથ્વી પરના મર્યાદિત સંસાધનોનો વિવેકસભર ઉપયોગ અને તેનું સંરક્ષણ થાય તથા માનવજીવન પણ વધુ ઉન્નત બને તો જ ડિજિટલ વિકાસ સાર્થક બન્યો કહેવાય.
e.mail : maheriyachandu@gmail.com
![]()

