
રવીન્દ્ર પારેખ
એવું ક્યાંક વાંચ્યાનો ખ્યાલ છે કે વિદ્યાસહાયક યોજના નિષ્ફળ ગઈ છે, પણ એમાં તો ભરતીઓ ચાલુ જ છે ને આ વખતે 11,000થી વધુ ભરતી થવાની છે. એ સાથે જ 700 જેટલી જગ્યાઓ અનામત પણ રાખવામાં આવી છે. 11,000ની ભરતીની વાત તો જૂની છે, તે 2026 સુધી આવી છે. કદાચ આવતે વર્ષે પણ એ 11,000નો આંકડો ફરી દેખાય તો નવાઈ નહીં. પાછળથી એવી હકીકત પણ બહાર આવી છે કે પ્રવાસી શિક્ષક યોજના નિષ્ફળ ગઈ છે ને તેને બદલે જ્ઞાન સહાયક અને ખેલ સહાયક યોજના શરૂ કરવામાં આવી છે. યોજનાઓ ઘડ્યા કરવામાં શિક્ષણ વિભાગનો જોટો નથી. 2015 – ‘16માં શરૂ થયેલી પ્રવાસી શિક્ષક યોજના બંધ એટલે થઈ કે એમાં પગાર ઓછો આપવામાં આવતો હતો. એ યોજના 2023માં જ્ઞાન સહાયકમાં બદલાતાં પગાર બમણો થઈ ગયો છે, પણ આશ્ચર્ય એ છે કે 2016માં શરૂ થયેલી પ્રવાસી શિક્ષક યોજના 2023 સુધી પણ માંડ ચાલી, તો એવી તઘલખી યોજનાઓ બનાવવાનો મતલબ શું છે? આજની તારીખમાં પણ યોજના માટે ઉમેદવારો મળતા નથી, એટલે જ્ઞાન સહાયક યોજના કેટલું ટકશે તે પણ જોવાનું રહે. આ યોજના મુજબ પ્રાથમિકમાં 21 હજાર, માધ્યમિકમાં 24,000 અને ઉચ્ચતર માધ્યમિકમાં 26,00૦નું ઉચ્ચક માનદ્દ વેતન સ્વીકારાયું છે. એ પણ છે કે ભરતીની જાહેરાત થતી રહે છે, એટલી ભરતી થતી નથી.
તાજેતરમાં કાનૂની વિવાદ છતાં વિદ્યાસહાયકોની ભરતી કરવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો છે. એ હિસાબે 11,000 વિદ્યાસહાયકોની ભરતીની વાત ફરી એક વાર સામે આવી છે. જો કે ટેટ-1 પરીક્ષાને આધારે વિદ્યાસહાયકોની ભરતીને પડકારતી અરજી સંદર્ભે 700 સીટ અનામત રાખવાનો પણ આદેશ છે. ગુજરાતમાં ટેટ-1 પરીક્ષાને આધારે ભરતીની પ્રક્રિયા શરૂ થઇ હતી, પણ કેટલાક ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવતા ને ભરતીના નિયમો સામે વાંધા ઉઠાવતી ઢગલો રિટ અરજીઓ થતાં સમગ્ર ભરતી પ્રક્રિયા અટવાઈ પડી હતી. એમાં અન્યાય, લાયક ઉમેદવારોને થતો હોવાથી હાઈકોર્ટે ભરતી પ્રક્રિયાને મંજૂરી આપી છે. છેલ્લા ઘણા મહિનાઓથી વિદ્યાસહાયકોની ભરતીનો ઉદ્દેશ, ભરતી પ્રક્રિયાને સરકાર દ્વારા આગળ ધપાવવાનો લાગે છે. સરકારી વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે વિવાદી 700 સીટને અલગ રાખીને બાકીની દસેક હજાર જગ્યાઓ પર ભરતીની મંજૂરી હાઈકોર્ટ આપે. સરકાર તરફથી અદાલતનું એ મુદ્દે ધ્યાન ખેંચવામાં આવ્યું હતું કે જે મુદ્દે અરજીઓ કરવામાં આવી છે, તેનાં હિતોનું રક્ષણ પણ કરવામાં આવશે.
તે ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા 2027 સુધીમાં બીજી પાંચેક હજાર ભરતીઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આમ થતાં જેમણે હાલ અરજી કરી છે તેમને પણ ભરતીનો પૂરતો લાભ મળશે. હાઈકોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા પછી ભરતીનો આદેશ આપ્યો છે, પરિણામે ભરતીની મોકળાશ વધી છે.
એક તરફ વિદ્યાસહાયકોની ને અન્ય પદોની ભરતી માટે સરકાર કરકસર કરે છે ને બીજી તરફ ભ્રષ્ટાચારે માઝા મૂકી હોય એવી સ્થિતિ પણ છે. આ સ્થિતિ સ્કૂલ, કોલેજ સંદર્ભે જ નથી, યુનિવર્સિટી કક્ષાએ પણ ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર હોય એવી સ્થિતિ છે. બધી જ શરમ બાજુ પર મૂકીને કુલપતિ લેવલની વ્યક્તિ આટલી ભ્રષ્ટ હોય એ આઘાત આપનારી બાબત છે. યુનિવર્સિટીઓ આજકાલ રાજકીય પ્રવૃત્તિઓનો અખાડો બની ગઈ છે ને કુલપતિ કક્ષાની વ્યક્તિઓ એમાંથી બાકાત નથી. યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક જ રાજકીય વગની મહોતાજ છે. કુલપતિના પદ પર એકેડેમિશિયનની અપેક્ષા લગભગ રહી નથી, પણ રાજકીય વગ કઈ હદની છે, તે વાત વધારે મહત્ત્વની છે. શિક્ષણ નહીં, પણ રાજકારણ એ કુલપતિની વધારાની લાયકાત છે. હવે ખાનગી કે જાહેર યુનિવર્સિટીમાં કુલપતિનો એવો પ્રભાવ રહ્યો નથી કે એક વિશાળ સમૂહને આકર્ષી શકે ને એવા વિદ્યાર્થીઓ પણ નથી કે તે કોઈ રાજકીય પક્ષનો હાથો બન્યા વગર સક્રિય હોય. વિદ્યાર્થીઓ રાજકારણ શીખે એનો તો શો વાંધો હોય, પણ રાજકારણ કરે ત્યારે વિચારવાનું રહે.

નીરજા ગુપ્તા
ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પહેલી યુનિવર્સિટી છે, પણ તેની જે પ્રતિષ્ઠા હતી, તે હવે રહી નથી, તે એટલે પણ કે કુલપતિઓને રાજકીય સંસ્પર્શ વગરનું જીવન હવે માફક જ આવતું નથી. એ યુનિવર્સિટીનું એટલે જ એવું કૌભાંડ બહાર આવ્યું છે, જે ગુજરાતમાં બેજોડ છે. ગુજરાત યુનિવર્રસિટીના ને ગુજરાતની યુનિવર્સિટીઓમાં આવો કાંડ ઇતિહાસમાં પહેલી વાર થયો છે ને તે યુનિવર્સિટીના પૂરા દસ માનનીય સભ્યોને સસ્પેન્ડ કરવાનો –
પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાની રહેમ નજરથી 10 સભ્યોને અઢી લાખથી 5 લાખનાં માસિક પગારની લ્હાણી, ત્રણ વર્ષ સુધી કરવામાં આવી હતી. સરકારની ઢીલાશ અને નિયમો બાજુ પર મૂકીને રાષ્ટ્રપતિ કક્ષાનો પગાર ચૂકવાયો ને એવું કોઈ ખાસ કામ યુનિવર્સિટીનું થયું નથી. તેમાં એક સભ્ય તો બબ્બે જગ્યાએથી પગાર લેતા હતા. નીરજા ગુપ્તા તો નિવૃત્ત થઇ ચૂક્યાં છે અને હાલના ઇન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીએ ત્રણ સભ્યોની એક કમિટી નીમી છે ને નિષ્પક્ષ તપાસ થઈ શકે એ માટે આ દસેય સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીને કોઈ કુલપતિ નિરાંતે લૂંટાવા દે તેવો આ પહેલો કિસ્સો છે. વારુ, આ સભ્યો કોઈક વિષયના નિષ્ણાત હોય અને તેમના દ્વારા યુનિવર્સિટી અદ્દભુત વિકાસ સાધી શકી હોય, તો આટલો ધુમાડો કૈંકે લેખે લાગે, પણ એવી વાત પણ આ સભ્યોમાં ન હતી. તો, એ સવાલ થાય કે આ દસ સભ્યો પાછળ આટલાં નાણાં વેડફવાની જરૂર કેમ પડી?
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ દસમાંના બે સભ્યો તો મેડમના પીએચ.ડી.ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા. એ જ રીતે બીજા સભ્યો પણ કોઈને કોઈ કારણે પરિચયમાં હતા. નીરજા ગુપ્તાનો પગાર કેટલો હતો એ નથી ખબર, પણ તે 5 લાખ નહીં હોય એમ બને. તો, તેમના કર્મચારીઓને અઢીથી પાંચ લાખ પગાર ચૂકવવાનું શું કારણ હતું તે નથી સમજાતું.
મોટે ભાગે નિવૃત્તોને ફરી નોકરીએ રખાય તો તેને મૂળ પગારથી ઓછો પગાર જ ચૂકવાય છે. આમાંના કોઈને પાંચ લાખનો પગાર પૂર્વ નોકરીમાં ન હતો, તો અઢીથી પાંચ લાખ કેમ ચૂકવાયા તે તપાસ સમિતિ શોધી લાવે તો ખબર પડે. આ અગાઉ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી ગેરકાયદે નિમણૂકો રદ્દ કરવાની લેખિત રજૂઆત થઇ હતી. સાત ઓગસ્ટે યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં નકલી નોટો ઉછાળવામાં આવી હતી. આમ તો ભા.જ.પ. સાથેની સાંઠગાંઠ એ.બી.વી.પી.ની છે જ, છતાં તેની જ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તે સૂચક છે.
જીયુસેકમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વગર પાંચ લાખનો પગાર મેળવતા અધિકારીને ત્રણ વર્ષમાં પોણા બે કરોડ જેટલો પગાર ચૂકવાયો હતો. કોઈ પણ નિવૃત્ત અધિકારીને ફરી નોકરીમાં લેવાય તો દેખીતી રીતે જ પાંચ લાખનો પગાર હોય નહીં, છતાં કુલપતિ તરીકે નિયુક્ત થયેલ નીરજા ગુપ્તાએ તેમના પરિચિતોને હંગામી ગણાતી મહત્ત્વની જગ્યાઓ પર નિમણૂકો આપી હતી. આ અધિકારીઓ બેંક, ઓ.એન.જી.સી.ના નિવૃત્ત અધિકારીઓ હતા. આ નિયુક્તિ સામે પણ વિવાદ થયેલો, તો પણ તેમને હટાવવામાં આવ્યા ન હતા કે ન તો પગાર ધોરણ ઘટાડવામાં આવ્યું હતું. વિવાદ થવાનું સીધું કારણ આ અધિકારીઓને ચૂકવાતા અઢી લાખથી પાંચ લાખ સુધીનું તોતિંગ પગાર ધોરણ હતું. વિવાદનું બીજું કારણ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વગર અપાયેલી સીધી નિમણૂકો પણ હતું. ત્રણ વર્ષથી તોતિંગ પગાર ખાતાં નિવૃત્તોને કારણે યુનિવર્સિટીનો ખર્ચ આસમાને પહોંચ્યો હતો. અત્યારે હલ્લા બોલ અને ભારે આક્રોશ ઠાલવતાં વિદ્યાર્થી સંગઠનો પર એવો આરોપ પણ છે કે તેઓ અત્યારે જાગ્યા તો એ જાગરણ શરૂઆતમાં જ થઇ શક્યું હોત.
એ દુખદ છે કે કુલપતિ કક્ષાની વ્યક્તિ જવાબદારીનાં ભાન વગર વર્તી શકે છે ને યુનિવર્સિટીને ખોટના ધંધામાં ઉતારી શકે છે. એક તરફ વિદ્યાસહાયકોને 26 હજાર પગાર ચૂકવવામાં ટાઢ ચડતી હોય ને બીજી તરફ પાંચ લાખનો પગાર જરા પણ તપાસ વગર લુટાવી દેવાય એ શરમજનક છે. આ સંતુલન ગુજરાત શિક્ષણનો મૃત્યુઘંટ વગાડે તેમાં નવાઈ નથી. ગુજરાત પછી છેલ્લેથી વધુ છેલ્લે ધકેલાય નહીં તો થાય શું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 ઑગસ્ટ 2026
![]()

