સિનિયર પેઢીની પસંદગીઓ ભય, અભાવ, વ્યક્તિગત પ્રગતિ દ્વારા સમાજને સુધારી શકાય છે તેવી નક્કર માન્યતાથી ઘડાઈ હતી. સંતાનોનો રોષ એ લાગણીમાંથી જન્મ્યો છે કે સમય સાથે સંસ્થાઓ ઓછી ન્યાયી બની રહી છે અને તેની સામે વ્યક્તિગત પ્રગતિ અનિશ્ચિત કાળ સુધી ન ટકી શકે તેમ નથી. બંને વલણો સમજી શકાય તેવાં છે અને તેમાંથી કોઈ સંપૂર્ણ નથી.

ચિરંતના ભટ્ટ
જાણીતા કટાર લેખક પ્રતાપ ભાનુ મહેતાએ GenZના વિરોધ પ્રદર્શન અને આંદોલનનું વિશ્લેષણ કરતો એક લેખ લખ્યો, જેમાં તેમણે સંસ્થાકીય કટોકટીનો ભાર બે અલગ પેઢી વચ્ચેના સંઘર્ષ પર મૂક્યો. તેમની દલીલ છે કે વિરોધ કરનારાઓ માત્ર નરેન્દ્ર મોદીની સરકારથી નારાજ નથી; તેઓ એ મૂલ્યોને નકારી રહ્યા છે જેને અનુસરીને તેમનાં માતા-પિતા જીવ્યાં; સત્તા સાથે સમાધાન કરો, માથું નીચું રાખો, કારકિર્દી બનાવો. જે કામ એક સમયે રાજકીય આંદોલનોને કારણે થતા હતા તે કામો વ્યાવસાયિક સફળતાને કરવા દો.
દલીલ તાર્કિક છે, અને છતાં એમાં એક જોખમ છુપાયેલું છે : એક મોટા રાજકીય-વૈચારિક સંઘર્ષને બે પેઢીના ટકરાવ પૂરતો મર્યાદિત કરી દેવાનું. કઠેડામાં બેમાંથી એકેય પેઢી નથી. સવાલ સાચા-ખોટાનો નથી — બે પેઢીઓએ સાવ જુદી પરિસ્થિતિમાં, પોતાની સામે ઉપલબ્ધ સૌથી સુરક્ષિત વિકલ્પો પસંદ કર્યા. બંને માટે એ જગ્યા સાંકડી જ હતી.
મને નથી લાગતું કે ખરો પ્રશ્ન સાચા-ખોટાનો હોય. અહીં કોઈ એક પૈઢી નૈતિક રીતે નિષ્કલંક નથી. અહીં એવી બે પેઢીઓ છે જેમણે સાવ જુદી પરિસ્થિતિમાં પોતાની સામે ઉપલબ્ધ હતાં તેવા સુરક્ષિત વિકલ્પો પસંદ કર્યા. કઠેડામાં બેમાંથી એકે ય પેઢી નથી, સવાલ એ છે કે બંને પેઢી પાસે પસંદગી કરવાના વિકલ્પો મર્યાદિત હતા, એ જગ્યા સાંકડી જ હતી.
બાળકોએ ડરવું જોઇએ એમ શીખવનારા માતા-પિતાને એમ સાવચેતી કે ડર ભર્યું વિચારતા શીખવ્યું હોવાના આરોપ છે. મારી દલીલ સહેજ અલગ છે. ઘણાં લોકોએ સિત્તેર અને એંશીના દાયકામાં આંદોલનો જોયાં છે, બહુ નજીકથી જોયા છે. આંદોલનના રાજકારણની શું કિંમત ચુકવવી પડે છે તે પણ એક પેઢી બહુ સારી પેઠે સમજે છે – હિંસા, વિચારધારાના હિત માટે લોકો અને સંસ્થાઓનો સાધન કે માધ્યમ તરીકે ઉપયોગ અને શિક્ષણ સાથે લેવાદેવા ન હોય તેવા મુદ્દાઓનાં રણમેદાનમાં ફેરવાયેલી યુનિવર્સિટીઓ. આ સંજોગો હતા અને પછી લિબ્રલાઈઝેશન થયું, એટલે કે ઉદારીકરણ. ઉદારીકરણે એ દરવાજા ખોલ્યાં જે અગાઉના અનેક પરિવારો માટે અસ્તિત્વમાં જ નહોતાં. જેમ કે ખાનગી ક્ષેત્રે રોજગાર, વ્યાવસાયિક શિક્ષણ અને વિસ્તરતો જતો મધ્યમ વર્ગ. એ પુરોગામીઓ દરવાજામાંથી જલદી જ પસાર થઈ ગયાં.
માથું નીચું રાખો, ભણો, ડિગ્રી મેળવો, નોકરી શોધો અને વગર કારણની કોઈ જંજાળમાં ન ફસાઓ. આ ડહાપણનાં વાઘાં પહેરેલી કાયરતા નહોતી, એક સાચો દાવ હતો, જે વાસ્તવિકત માહિતી અને સંજોગોના આધારે લગાડાયો હતો; એક એવા દેશમાં જેણે મોટા ભાગના પરિવારો જ્યારે દાવ પર મૂકવા હતા ત્યારે તેની સામે, તેના બદલામાં બહુ ઓછું આપ્યું હતું. ઘણાં લોકો માટે આ પગલું, દાવ સફળ રહ્યો. આ કારણે સામાજિક, આર્થિક પ્રગતિ, ગૌરવ તો મળ્યાં જ પણ સાથે પોતાનાં મા-બાપે વેઠેલી અનિશ્ચિતતાથી દૂર રહી શકાયું.
આ પગલું કે આ દાવ શાંતિ આપનારો કે ઉચાટ વગરનો હતો એમ કહેવાય પણ એમાં પણ કન્ડિશન્ડ એપ્લાય પ્રકારની સ્થિતિ હતી. એક અઘોષિત શરત હતી જેને લોકોએ ઝીણવટથી વાંચી નહીં, બરાબર એ જ રીતે જે રીતે આપણે ઘણીબધી બાબતો વિગતવાર વાંચ્યા વિના સ્વીકારી લઈએ છીએ. એ શરત એ હતી કે પ્રમાણિકતા રાખો, વગર કારણની મુશ્કેલી ખડી ન કરો, મહેનતથી ભણો; તમે આટલું કરો અને તંત્ર પોતાની જવાબદારી નિભાવશે. કમનસીબે તંત્ર પોતાનાં વચનો પૂરી રીતે નિભાવી ન શક્યું. અત્યારની જ વાત કરીએ તો પરીક્ષાઓ રદ્દ થાય છે, તેની વિશ્વસનીયતાની કોઈ ગેરંટી નથી હોતી, ભરતીની પ્રક્રિયાઓ લાંબા સમય સુધી ચાલ્યા કરે છે. ડિગ્રી હવે પહેલા જેટલી સુરક્ષા નથી આપતી, મેરિટની ચર્ચાઓ ચાલ્યા કરે છે પણ અમલની વાતમાં સમાનતા નથી. એક તરફી સીડીનાં પગથિયાં ચૂપચાપ કાઢી નાખવામાં આવે અને બીજી તરફ એક પેઢીને એ જ સીડી પર વિશ્વાસ રાખવાનું કહેવામાં આવે; આવી પરિસ્થિતિ લાંબી તો ન જ ચાલે.
આ કારણોને ધ્યાનમાં રાખીને વિરોધ પ્રદર્શનોને માત્ર બળવો કરવા ખાતર કરાયેલા બળવા તરીકે ન જોવા જોઈએ. જો સમાધાન કરવાથી સલામતી કે તક ન મળતી હોય તો વિરોધ એવાં જૂજ માધ્યમોમાંનું એક બને છે જેને વ્યવસ્થા હજી પણ જોઈ અને સમજી શકે છે.
જે રીતે આ માગણીઓ રજૂ કરવામાં આવી તે જૂના અને જાણીતા અર્થમાં ક્રાંતિકારી નથી. જંતર-મંતર પર કોઈ મૂડીવાદ નાબૂદ કરવાની હાકલ કરતું નથી. આ વિરોધ કરનારાઓ નિષ્પક્ષ પરીક્ષાઓ, યોગ્ય નિમણૂક, જવાબદાર અધિકારીઓ અને મંત્રીઓની જવાબદારીની માગ કરી રહ્યા છે. એક રીતે જોઇએ તો આ બંધારણીય લોકશાહીના અસ્વીકારની નહીં, પરંતુ તેને વાસ્તવિક બનાવવાની માગ છે.

પ્રતાપ ભાનુ મહેતા
આ મુદ્દે પ્રતાપ ભાનુ મહેતા જે કહે છે તે સાચું છે. જે પેઢીને મહેનત કરવા, ધીરજ રાખવા અને રાજકારણથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું, તે હવે સમજી રહી છે કે વ્યક્તિગત શિસ્ત જાહેર વ્યવસ્થાની નિષ્ફળતાની ભરપાઈ ન કરી શકે. નિષ્ફળ ગયેલી પરીક્ષા યુવાનને એવો સંદેશ આપે છે કે તેની વર્ષોની તૈયારીનું કદાચ કોઈ મૂલ્ય નથી. લંબાતી ભરતી પ્રક્રિયાઓ જાણે એમ કહે છે કે તેમનો સમય વેડફી શકાય છે; શરત માત્ર એટલી કે વેડફાતો સમય તેનો જ હોવો જોઈએ. એક તબક્કે ધીરજ પરિપક્વતા નથી લગાતી પણ શરણાગતિ જેવી લાગવા લાગે છે.
દરેક નવજાત આંદોલન એક જોખમ સાથે જન્મે છે — એવા લોકોનું જોખમ જેઓ આંદોલન શરૂ કરનારાઓ કરતાં વધુ શાતિર, વધુ સંગઠિત અને ઓછા પ્રામાણિક હોય. સાચો રોષ ધીમે ધીમે એવા લોકો માટે કાચો માલ બની જાય છે જેમનો પોતાનો એજન્ડા વધુ સંકુચિત અને વધુ જૂનો હોય. શક્ય છે કે આ વિરોધમાં ભળેલા અમુક અવાજ શિક્ષણ સુધારની માગ માટે આવ્યા જ ન હોય. આ કોઈ કાલ્પનિક ભય નથી પણ વાસ્તવિક જોખમ છે, અને એને અવગણવું સહાનુભૂતિ નહીં, બેદરકારી ગણાશે. પણ આ જોખમ એ સાબિત નથી કરતું કે GenZ અપરિપક્વ છે કે કોઈના હાથની કઠપૂતળી. એ એટલું જ સાબિત કરે છે કે જાહેર શક્તિ વાપરવાનો તેમનો અનુભવ નવો છે; અને રાજકારણમાં પહેલી વાર ઊતરતી દરેક પેઢીએ, ઘણી વાર ભારે કિંમત ચૂકવીને, સાથીદાર અને માલિક વચ્ચેનો તફાવત શીખવો પડે છે. તેનો જવાબ યુવાન વિરોધીઓને બિનઅનુભવી ગણીને ફગાવી દેવાનો નથી. સમજવાની વાત એ છે કે કોઈ પણ પેઢીએ તેને વારસામાં મળેલી વ્યવસ્થા ઘડી નહોતી. એક પેઢીએ નાજુક અર્થતંત્રમાંથી પસાર થવા માટે સૌથી સુરક્ષિત માર્ગ પસંદ કર્યો. બીજી પેઢીને એવું અર્થતંત્ર વારસામાં મળ્યું છે, જેણે તકો આપવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે તે વચન પૂરું કરવામાં સતત નિષ્ફળ જઈ રહ્યું છે. સાધનો જુદા, મર્યાદા એક જ, ગેમ બોર્ડ પસંદ કરવાની તક બંનેમાંથી કોઈ પેઢીને મળી નહોતી; તેઓ માત્ર પોતાની ચાલ પસંદ કરી શક્યા.
માતા–પિતા અને સંતાનોના દૃષ્ટિકોણ પર દોષારોપણ કરવું અપૂરતું છે. મા-બાપની પેઢીએ ટકી રહેવાનું પસંદ કર્યું, એ ખોટું નહોતું. ભૂલ એ માની લેવામાં થઈ કે ટકી રહેવાની આ શૈલીથી સંસ્થાકીય સુધારા થશે. વ્યક્તિગત વ્યૂહરચના એક પરિવારને આગળ વધારી શકે છે. પરંતુ તે પોતાની મેળે પરીક્ષાઓને નિષ્પક્ષ કે સંસ્થાઓને પ્રામાણિક રાખી શકતી નથી.
ભારતમાં જે થઇ રહ્યું છે તે કથા તો દુનિયા આખીમાં પ્રવર્તતા લોકશાહીને લગતા એક વ્યાપક મિજાજનો ભાગ છે. નૈરોબીથી બેલગ્રેડ અને મનિલા સુધી, યુવાનો જૂની ઔપચારિક વ્યવસ્થાઓને બદલે વધુ બુલંદ અને તાત્કાલિક માધ્યમો અપનાવી રહ્યા છે; તેઓ લોકશાહીને છોડી ચૂક્યા છે એટલા માટે નહીં, પરંતુ તેમની આંખો સામે તેમનું ભવિષ્ય ધોવાતું જાય ત્યારે પણ રાહ જોવાનું કહેતી સંસ્થાઓ પ્રત્યેની તેમની ધીરજ ખૂટી ગઈ છે. ભારત આ યાદીમાં કોઈ અપવાદ નથી, આધુનિક સંજોગોમાં જોડાયેલું નવું નામ છે. વિરોધનાં તાત્કાલિક કારણો જુદાં છે; ક્યાંક ભ્રષ્ટાચાર, તો ક્યાંક કરવેરો અથવા બેરોજગારી; પરંતુ બધાને જોડતો વહેમ એક જ છે : ચૂંટણી અને મહેનત હવે તમારો અવાજ સંભળાશે તેની કે તમારી સામાજિક, વ્યવસાયિક સુરક્ષાની ખાતરી આપતાં નથી.
આખી દુનિયામાં અલગ અલગ ખૂણે આ પ્રકારની સ્થિતિઓ હોવા છતાં ભારતમાં આ સ્થિતિ વધારે પીડાદાયક છે. તેનું કારણ એ છે કે એક જ ઘરમાં, એક જ છત નીચે રહેતાં લોકો વચ્ચે હિંમત કોને કહેવાય તે અંગે અસંમતિ છે, બંન્ને પેઢીની હિંમતની વ્યાખ્યા અલગ છે. વાલીઓ કહે છે કે તમારું ભવિષ્ય બગાડશો નહીં અને સંતાનોનો સવાલ છે કે, તમે કયા ભવિષ્યને સાચવવાનું કહી રહ્યાં છો?
અહીં એ મુદ્દો નથી કે ચૂપ રહીને જાતની પ્રગતિ પર ધ્યાન આપનારા અને કોઇક હદે રાષ્ટ્રનું નિર્માણ કરનારા વાલીઓ સાચા હતા કે આજે વિરોધ કરનારા તેમના સંતાનો સાચા છે. સિનિયર પેઢીની પસંદગીઓ અજાણ્યા ભવિષ્યના ભય, અભાવો, વ્યક્તિગત પ્રગતિ દ્વારા સમાજને સુધારી શકાય છે તેવી નક્કર માન્યતાથી ઘડાઈ હતી. GenZ સંતાનોનો રોષ એ લાગણીમાંથી જન્મ્યો છે કે સમય સાથે સંસ્થાઓ ઓછી ન્યાયી બની રહી છે અને તેની સામે વ્યક્તિગત પ્રગતિ અનિશ્ચિત કાળ સુધી ન ટકી શકે તેમ નથી. બંને વલણો સમજી શકાય તેવાં છે અને તેમાંથી કોઈ સંપૂર્ણ નથી. બંને રસ્તા અપૂરતા સાબિત થયા છે ત્યારે ખરો પ્રશ્ન એ છે કે શું બંનેમાંથી કોઈ એક બીજી પેઢીની પસંદગી માટે જગ્યા કરી શકે તેમ છે?
બાય ધી વેઃ
કોઈ યંગસ્ટર્સ હવે તમને જ્યારે એમ કહે કે પોતે વિરોધ પ્રદર્શનમાં જાય છે ત્યારે તમે એને તરત શું પ્રતિભાવ આપો છો તેની પર ધ્યાન આપજો. તમે એમ કહો છો કે, “આમાં ન પડીશ?,” કે એમ કહો છો કે, ‘તને ખરેખર શું જોઈએ છે?’ તમારો જવાબ તેની હિંમત કરતાં સલામતી વિશે તમે જે કથા માનતા અને કહેતા આવ્યા છો તેના કરતાં વધુ જણાવનારો સાબિત થશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ઑગસ્ટ 2026
![]()

