અવિનાશ અમેરિકામાં પોતાના ફ્લેટની બાલ્કનીમાં ઊભો હતો. એ વિચારી રહ્યો હતો કે મને ઇન્ડિયાથી જે સમાચાર મળ્યા એ સાચા હશે. જો સાચા હોય તો પપ્પાએ મને જાણ કેમ નહીં કરી હોય. કદાચ પપ્પાએ એવું વિચાર્યું હશે કે મારે અમેરિકામાં સેટલ થવું છે એટલે જો આ સમાચાર મને મળે તો હું દ્વિધામાં પડી જાઉં કે શું કરું. અવિનાશે વિચાર્યું કે પપ્પાને ફોન કરીને જાણું તો ખરો આખરે વાત શું છે.
અવિનાશે પ્રમોદભાઈને ફોન લગાડ્યો અને પૂછ્યું, ‘પપ્પા, ત્યાં કેમ છે? તમે અને મમ્મી મજામાં છો ને?’
‘હા બેટા, અમે મજામાં છીએ. તું અમારી ચિંતા ન કરતો. તારી કારકિર્દીમાં ધ્યાન આપજે.’
પ્રમોદભાઈનાં પત્ની સુધાબહેને ધીમેથી કહ્યું, ‘અવિનાશને બધી વાત કરી દો. તેને ક્યાંકથી ખબર પડી લાગે છે એટલે તો અત્યારે ફોન કર્યો.’
‘ના નથી કહેવું. એ પાછો આપણી ચિંતા કરે અને દોડીને ભારત આવતો રહે.’
‘પપ્પા, મમ્મી કંઇ વાત કરવાનું તમને કહે છે. પપ્પા, જે હોય એ હકીકત મને કહો. મને થોડીક માહિતી મળી છે પણ મારે પૂરી વિગત તમારી પાસેથી જાણવી છે.’
‘અવિનાશ, તું કહેતો હતો એ વાત સાચી હતી. પણ મને મારા મિત્ર પર ભરોસો હતો. એ આવી દગાખોરી મારી સાથે કરશે એવું મેં સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. હું તેના નામે પાવર ઓફ એટર્ની કરતો હતો ત્યારે પણ તું નારાજ હતો. ધીમે ધીમે બધો બિઝનેસ પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરીને તેના નામે કરી દીધો અને કંપનીનું નામ પણ બદલી નાખ્યું.’
‘હું તો બિઝનેસ વધારવા વ્યસ્ત હતો. તેણે કંપનીનું દેવું મારા નામે ચડાવી દીધું. થોડા સમય પહેલાં મને લેણદારોના ફોન આવવા લાગ્યાં ત્યારે આખી ય હકીકતની ખબર પડી. બેશર્મીની હદ તો ત્યારે થઈ તેને મારી સાથેના સંબંધો પણ કાપી નાખ્યા. મેં બધા જ લેણદારોને તેના પૈસા ચૂકવી દીધા છે.
પણ બેટા, તું ચિંતા ન કરતો મારું અને તારી મમ્મીનું ગુજરાન ચાલે એટલું તો મારી પાસે છે.’
‘પપ્પા, જે થયું તે તમારી પાસે ટેક્સટાઇલ કંપનીનો બહોળો અનુભવ છે અને તમારા પ્રયત્નથી તો કંપની આ સ્તરે પહોંચી હતી. તમારા પાર્ટનરે દગો કે વિશ્વાસઘાત ભલે કર્યો એ લાંબો સમય માર્કેટમાં ટકી નહીં શકે. તમે મારી ચિંતા ન કરતાં હું અહીંયા ધીમે ધીમે સેટ થઈ રહ્યો છું.’
અવિનાશે અમેરિકા રહેતા ઇન્ડિયન અને અમેરિકન મિત્રોને ફોન કરીને પોતાના ફ્લેટ પર બોલાવ્યા. બધાં મિત્રો દ્વિધામાં હતા કે અવિનાશને એવું તે શું અગત્યનું કામ આવી ગયું કે અમને બધાંને એક સાથે તેના ફ્લેટ પર ભેગા કર્યા.
એક અમેરિકન મિત્રએ કહ્યું, ‘અવિનાશ, શું વાત છે કે તે અમને શોર્ટ નોટિસથી બોલાવ્યા. તારી જે કોઈ દ્વિધા કે મુશ્કેલી હોય એ કહે.’
બધા મિત્રોએ એક સૂરે કહ્યું, ‘અવિનાશ, અમે તને પહેલાં આટલો ડિસ્ટર્બ ક્યારે ય નથી જોયો. જે હકીકત હોય એ કહે.’
અવિનાશે બધી વાત કર્યા પછી કહ્યું, ‘હું પપ્પાને તેના બિઝનેસની ભેટ ‘ફાધર્સ ડે’ના દિવસે આપવા માંગુ છું. હજી આપણી પાસે સમય છે. જેમ તમે મને અહીંયા સાથ અને સહકાર આપવા તૈયાર છો એમ ઇન્ડિયામાં પણ મારા મિત્રો સાથ અને સહકાર આપવા તૈયાર છે.’
‘તો અવિનાશ તને મૂંઝવણ ક્યાં છે?’
‘નવી પણ નાની ટેક્સટાઇલ કંપની શરૂ કરવા માટે બે કરોડ રૂપિયાની જરૂર પડે. મારું સેવિંગ અને આ ફ્લેટ વેચી દઉં તો દોઢ કરોડ રૂપિયા ભેગા થાય. બાકીના પચાસ લાખ મારે ભેગા કરવા પડે. એ બાબતે ચર્ચા કરવા માટે મેં તમને બોલાવ્યા છે. બીજી વાત હું હવે અમેરિકા પાછો આવવાનો નથી. આમે ય હવે ઇન્ડિયનનું અમેરિકામાં મને બહુ ફ્યુચર દેખાતું નથી. હું તમે આપેલા પૈસા એક વરસમાં પાછા આપી દઈશ.’
‘અવિનાશ, તું અમને પારકા માને છે. તારે જેટલા જોઈએ એટલાં પૈસાની તને મદદ કરવા અમે તૈયાર છીએ. તારો વિચાર ઉત્તમ છે. તું ‘ફાધર્સ ડે’એ તારા પપ્પાને સ્ટાર્ટ અપ કંપની ભેટ કરવા માંગે છો એથી ઉત્તમ ભેટ દીકરાની પપ્પા માટે બીજી હોય જ ન શકે. તારો અમેરિકા પાછા નહીં આવવાનો વિચાર પણ યોગ્ય છે. અહીંયા ઇન્ડિયનનું ભવિષ્ય ક્યારે ધૂંધળું થઈ જાય એ કહી ન શકાય. અને વતન એ વતન હોય છે એથી વિશેષ કંઇ નથી હોતું.’
•••
અવિનાશે ભારતના તેના સંપર્કો દ્વારા એક નાની એવી સ્ટાર્ટ અપ ટેક્સટાઇલ કંપની ઊભી કરી દીધી. વચ્ચે મમ્મીપપ્પાને ખબર ન પડે એ રીતે ભારત પણ આવી ગયો. બધું તૈયાર થઈ ગયું. કંપનીનું ઉદ્ઘાટન પણ 21 જૂન ‘ફાધર્સ ડે’ના દિવસે કરવાનું નક્કી કરી બધાંને આમંત્રણ પણ મોકલાઈ ગયાં અને બધાંને જણાવ્યું કે કંપનીનું નામ ઉદ્ઘાટન સમયે નક્કી કરીશું.
અવિનાશ મમ્મીપપ્પાને જાણ કર્યા વગર એક અઠવાડિયા અગાઉ ભારત આવી ગયો. મમ્મીપપ્પાએ આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું ત્યારે અવિનાશે કહ્યું, ‘કે બસ તમારી યાદ આવી ગઈ એટલે આવી ગયો.’
21 જૂન ‘ફાધર્સ ડે’ને દિવસે સવારે અવિનાશે કહ્યું, ‘પપ્પા, આજે આપણે મારા મિત્રની નાની એવી સ્ટાર્ટ અપ ટેક્સટાઇલ કંપનીના ઉદ્ઘાટનમાં જવાનું છે. તેની ઇચ્છા તમારા હાથે કંપનીનું ઉદ્ઘાટન કરવાની છે. તમારા અનુભવનો પણ તેને લાભ લેવો છે.’
‘અરે! બેટા, હું તો હવે આ ક્ષેત્રથી અલિપ્ત થતો જાઉં છું. પણ તારા મિત્રની ઇચ્છા છે તો હું અને તારી મમ્મી જરૂર આવશું.’
કંપનીને સારી રીતે શણગારવામાં આવી હતી પણ ક્યાં ય કંપનીનું બોર્ડ દેખાતું નહોતું. પ્રમોદભાઈએ પૂછ્યું, ‘અવિનાશ, કંપનીના નામનું બોર્ડ ક્યાં ય કેમ નથી દેખાતું?’
‘પપ્પા, એ તમે કંપનીનું ઉદ્ઘાટન કરશો પછી ડિઝિટલ સ્ક્રીન પર ડીસપ્લે થશે. તમારે અને મમ્મીએ સ્ટેજ પરથી સ્વીચ દબાવીને કંપનીનું નામ ડીસપ્લે કરવાનું છે.’
આમંત્રિત મહેમાનો પોતાની જગ્યા પર ગોઠવાઈ ગયાં હતાં. ધીમું ધીમું મ્યુઝિક વાગી રહ્યું હતું. પ્રમોદભાઈ દ્વિધામાં હતા કે કંપની તો નાની સ્ટાર્ટ અપ કંપની છે પણ ફંકશન તો મોટા પાયે ગોઠવ્યું છે શું હશે હકીકત આની પાછળ.
નિર્ધારિત સમયે અવિનાશે પ્રમોદભાઈ અને સુધાબહેનને સ્ટેજ પર બોલાવીને કહ્યું, ‘આ રિમોટની સ્વીચ દબાવો’…. અને
… અને હોલમાં ગોઠવેલ ડિઝિટલ સ્ક્રીન પર એક નામ ડીસપ્લે થયું. “પ્રમોદભાઈ એન્ડ સન્સ” ટેક્સટાઇલ કંપની. નામ વાંચીને પ્રમોદભાઈ અને સુધાબહેન આશ્ચર્ય પામી ગયાં અને પૂછ્યું, ‘આ બધું શું છે, બેટા?’
‘પપ્પા આજે ‘ફાધર્સ ડે’ છે. તમારા દીકરા તરફથી પપ્પાને નાની એવી ભેટ. અને પપ્પા, બીજી ભેટ એ કે હવે હું અમેરિકા પાછો નથી જવાનો. તમને દગો કરનારને બતાવવા માંગુ છું કે પ્રમોદભાઈ એક નામ નથી ટેક્સટાઇલ કંપનીનું ઉજ્જવળ ભવિષ્ય છે.’
‘પપ્પા, અત્યારે જ તમારા નામથી મારા પર ઢગલો મેસેજ ઓર્ડર બુકીંગ માટેના આવી રહ્યાં છે. તમારા દગાખોર પાર્ટનર પણ અહીંયા હાજર છે અને ઓર્ડર બુકીંગ કેન્સલના મેસેજ વાંચી રહ્યાં છે.’
પ્રમોદભાઈ અવિનાશને ભેટી પડ્યાં અને કહ્યું, ‘બેટા, તારી ‘ફાધર્સ ડે’ની બંને ભેટ માટે કંઈ કહેવા માટે મારી પાસે શબ્દો નથી.’
હોલ તાળીઓના ગગડાટથી ક્યાં ય સુધી ગુંજતો રહ્યો.
ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com
![]()

